રણજિતરામ ગદ્યસંચય – ૧/આમદ અને રૂપાંદે
પ્રભાતનું રૂપેરી તેજ સર્વત્ર રમતું હતું. આમદ અને તેના ગોઠિયાઓ પરેડ જોતા હતા. રસાલાની તળાવડીને કાંઠે ઊગેલા બગીચામાંથી ગુલાબનું ફૂલ તોડી ઝમકુ આવી. પ્રફુલ્લ ફૂલની સુવાસે સૌને આકર્ષ્યા. ફૂલનું સૌંદર્ય નિરીક્ષવામાં બાળકો મશગૂલ થયાં. શિખાઉ સિપાહીઓને ધમકાવતો, ગાળો દેતો, મારતો ‘સારજંટ’ પણ એક ક્ષણ સ્તબ્ધ થઈ બાળકો પર નજર પાથરી રહ્યો. એવામાં એક બાલિકા આવી. એનો રૂઆબ ઓર જ હતો; હાથમાં તીરકામઠું હતું. ફૂલને જોતાં જ એને ક્રોધ વ્યાપ્યો. ‘આમદ! મોસમનું પહેલું ફૂલ કોણે તોડ્યું? કોની રજાથી?’ તેનો મધુર પણ પ્રતાપી સ્વર સાંભળી સૌ બાળકો નીરવ બીતાં ઊભાં; પણ આમદે પોતાને સ્થાને ઊભાં ઊભાં મીઠા પ્રભાવથી ઉત્તર આપ્યો : ‘રૂપાં! ઝમકુએ અજાણતાં ફૂલ તોડ્યું છે. હજુરસાહેબના પધારવાની વાટ ન જોઈ પણ એને આપણે વાત થોડી જ કરી હતી?’ બાલિકાનો રોષ નરમ પડ્યો. બાળકોની વચમાં જઈ ફૂલ હાથમાં લીધું. બે સૌંદર્યનો સંગમ કોનું આકર્ષણ નથી કરતો? કોને મુગ્ધ નથી કરતો? શિકારેથી પાછાં ફરેલાં મહારાજા અને મહારાણી, બાળકોને ટોળે વળી નિઃશબ્દ ઊભેલાં જોઈ તેમના તરફ આવ્યાં. એવે નીરવ પગલે આવ્યાં કે પરેડમાં મશગૂલ સિપાહીઓને પણ તેમની હાજરીની ખબર પડી નહીં. બાળકોની વચમાં રજપૂત કન્યાને ગુલાબનું ફૂલ હાથમાં પકડી ઊભેલી જોતાં મહારાણીને રમ્ય ચિત્રદર્શન થયું. એવામાં સિપાહીઓએ તેમને જોયાં. પરેડ થોભાવી સૌએ સલામ કરી. બાળકો પણ નિદ્રામાંથી જાગૃત થયાં. અદબસર ઊભાં રહી સૌએ સલામ વા દુઃખડાં લીધાં. બાળકો થોડોક ક્ષોભ પામ્યાં પણ રૂપાંદે રાજવી રૂઆબથી મહારાણી તરફ ગઈ અને ફૂલ તેમને ધર્યું. ‘રાણીસાહેબ! અમારી વાડીનું પહેલું ગુલાબ સ્વીકારશો?’ સ્વરમાં કેવું માધુર્ય, કેવો વિનય, કેવો વિવેક, કેવી સુજનતા, કેવી ભક્તિ! પ્રસન્નવદને મહારાણીએ ઉપહારનો સ્વીકાર કર્યો. ‘રૂપાં! તારા જેવી રૂપાળીને ગુલાબ શોભે.’ આ સાંભળી બાલિકા શરમાઈ. મોં લાલ થઈ ગયું. ‘ગુલાબી ચહેરા પર ગુલાબ હોય.’ એમ કહી મહારાણીએ રૂપાંદેની ઓઢણી સરકાવી તેના ગૂંથેલા અંબોડામાં ફૂલ ભેરવ્યું અને આશીર્વાદ દીધો – ‘બેટા તારું અખંડ સૌભાગ્ય રહો.’
*
પરેડની જમીનથી થોડે આઘે સાત ટેકરીઓ હતી. ટેકરીઓની સામે કૃત્રિમ વન હતું. મહારાજા અને મહારાણી મહેલ તરફ સિધાવ્યાં એટલે બાળકો ટેકરીઓ ભણી ગયાં. રસ્તામાં વહેળીયાં વહેતાં હતાં. તેમનું કલગાન, કોઈ સ્થળે તીણા તો કોઈ સ્થળે ઊંચા સૂરમાં હવાને મુખરિત કરતું હતું. રૂપાં જળનું ગાયન સાંભળવા ઊભી રહેતી અને ઊર્મિ ઊઠતી ત્યારે એ મધુરતાની સાથે પોતાના કંઠની મધુરતાનો સંવાદ રચતી. ચાલતાં ચાલતાં પાળિયાના ચોતરા પાસે સૌ પહોંચ્યાં. વીર રજપૂતોની બહાદુરીને સૌએ નમન કર્યું. ‘પોલો’ રમતા સવારોને નિહાળતાં નિહાળતાં બાળકો ટેકરીઓની તળેટીમાં પહોંચ્યાં. ‘ચાલો, આમદ, મારા પક્ષમાં આવવું છે કે દુશ્મન થવું છે?’ ‘આજે જુદી રમત રમીએ. એક તરફ છોકરીઓ અને સામે છોકરાઓ.’ વચમાં રૂડકીએ સૂચવ્યું. સૌને એ વાત રૂચી. બે ભાગ પડી ગયા. ‘જાઓ ધાર પર ચડો’ રૂપાંએ દુશ્મનોને હુકમ કર્યો. ‘આજે, તમને હરાવી બધી ધાર સર કરવી છે મારે.’ આમદે હુકમ માથે ચડાવ્યો અને સાતે ધાર પોતાના લશ્કરથી રોકી દીધી. પછી બાળકોનું યુદ્ધ જામ્યું. રૂપાંએ ચાર ધાર લીધી ત્યાં વળી બે ખોઈ. પાછી ત્રણ સર કરી ત્યાં જોતજોતામાં પાંચમેથી નીચે ઊતરવું પડ્યું. હિમ્મત કરી પાછું લડવા માંડ્યું. છોકરીઓએ છ ધાર ઉપર પોતાના વાવટા ખોડ્યો. સાતમી ધાર ઉપર આમદે પોતાના ચુનંદા સુભટો ગોઠવ્યા હતા. છોકરીઓથી હારવાથી તેમનું ક્ષાત્ર લોહી તપી આવ્યું હતું. પાછી સાતે ધાર ન લેવાય તો મરવું પણ રણમાંથી પાછાં પગલાં ન કરવાનો સંકલ્પ તેમણે કીધો. રૂપાંદેએ પણ પોતાનો વ્યૂહ રચ્યો. પણ એવામાં બ્યુગલ સંભળાયું. સૌ ચમક્યાં. સૂર્ય ઘણો ઉપર ચડી ગયો હતો. અવાજની દિશામાં સૌએ નજર નાંખી. તોપવાળી ધાર પાસે શિકારની તાલીમ માટે ચિત્તાઓને એકઠા થતા જોયા. સામે વનમાં હરણીયાં, રોઝ, સસલાં વગેરેમાં ગભરાટ ફેલાયો. વનકો એવામાં બોલ્યો : ‘આમદભાઈ! ચિત્તાઓ અહીં આવશે. ચાલો ઘરે.’ લડાઈ લડાઈને ઠેકાણે રહી. ક્ષાત્રજવાળા હોલવાઈ ગઈ. વિજય અને પરાક્રમનો આનંદ શાંત થયો. પરાજયનો ડંખ ધ્વંસ પામ્યો. પાછાં હતા તેમ સૌ સ્નેહાળ ગોઠિયા અને ગોઠણો વાતો કરતાં ગાતાં, મજાક કરતાં ઘેર ગયાં.
*
તડકો વધારે ને વધારે કુમળો થતો જતો હતો. સાંજની પરેડ થતી હતી. અખાડામાં કેટલાક સિપાહીઓ કસરત કરતા હતા. જેલના દરવાજા આગળ અમલદારો કામ કરતા હતા. છોકરાંઓ તોપવાળી ધાર ઉપર કે તળાવડીને કાંઠે રમતાં હતાં. વડની લાંબી નીચી ડાળે રૂપાંદે અને આમદ ઝુલતાં હતાં. એ બેને બહુ સારું બનતું. ચક્રવાક જેવાં બન્ને સાથે જ રહેતાં. મિલના તળાવમાં તરીને થોડીવાર ઉપર જ છોકરાંઓ આવ્યાં હતાં. સૌ આમતેમ ફાવે તેવા ખેલ ખેલવા વેરાયાં અને આ દોસ્તો વડલા હેઠળ ગયાં. રૂપાંદે ઝાડ પર ચડવામાં ઉસ્તાદ હતી. ઝૂલતાં ઝૂલતાં આમદે પૂછ્યું : ‘પછી બપોરે નિશાળમાંથી ક્યાં ગઈ’તી તેની તો વાત જ ન કરી.’ ‘અરે બા! એનું તો ઓસાણ જ ન રહ્યું. રાણીસાહેબે તેડવા ગાડી મોકલી હતી. તેમાં બેસી દરબારગઢ ગઈ’તી.’ ‘રાણીસાહેબે પોતે? બીજું ગુલાબનું ફૂલ લેવા?’ ‘બીજું ફૂલ લેવા? ના, માડી, ના. રાણીસાહેબ કહે, રૂપાં, તું હવે અહીં ભણવા આવજે.’ ‘નિશાળ કરતાં ભણવાની ત્યાં મજા પડશે? કેદખાના જેવું નહીં લાગે? અહીં તો જ્યાં ફરવું હોય ત્યાં ફરીએ. ગોઠિયા જોડે ગમ્મત કરીએ. ‘સાચી વાત છે, તારી શરમે બહુ લાગે પણ ભણવાની તો મજા છે. કેવું કેવું મજાનું શીખવાનું! ચીતરતાં, ભરતાં, ગૂંથતાં સીવતાં, ગાતાં, સિતાર વગાડતાં, અંગ્રેજી-સંસ્કૃત શીખતાં, ઘોડે બેસતાં, બાઇસિકલ પર બેસતાં, મોટર હાંકતાં, કુંવરીસાહેબ શીખે છે તેમની સાથે બધું મારે શીખવાનું. રૂડકી, ઝમકુ, પોતી, રામબાઈ, અમીના, મરયમ, જુમેલા, મોંઘી, સશીથી હું વધારે ભણીશ. તારાથીયે વધારે? તું કેટલું ભણીશ?‘ ‘મારે તો બી. એ. એલ. એલ. બી. થવું છે. તું ક્યાં મારી સાથે પોગવાની હતી?’ ‘રાણીસાહેબ કહે રૂપાંને રાણી વિક્ટોરિયા જેટલી હોંશિયાર બનાવવી છે. તું ભણવાનો છે તેથીયે વધારે રાણી વિક્ટોરિયા ભણ્યાં હશે, નહીં? આપણાં રાણીસાહેબથીયે હોંશિયાર હશે નહીં તો રૂપિયા પર, પૈસા પર એમની છબી ક્યાંથી આવે?’ ‘તું તો હવે મહેલમાં રહેવાની. મારી સાથે રમશે કોણ? તારા વિના શે સોરવશે?’ આમદની આંખમાં આંસુ આવી ગયાં. તેનો ગળગળો અવાજ સાંભળતાં રૂપાંદે પણ રડવા જેવી થઈ ગઈ. ડાળ પર ને ડાળ પર તેની પડખે જઈ ઓઢણીના છેડાથી તેનાં આંસુ લૂછ્યાં. ‘ભાઈ રો મા! રાત આપણી ગઈ છે? મહેલમાં તો સવારે અને બપોરે ભણવાનું. પછી રજા. મને ચીતરતાં આવડશે એટલે આપણી છબી ચીતરીશ, છબી હશે તો તારા વિના મને સોરવશે ને મારા વિના તને.’ દરેક સ્ત્રીમાં જનનીનો અંશ છે. ગમે તેટલી તેની બાલ્યાવસ્થા હોય પણ માતાપણું હોય છે જ. ઢીંગલીને કેવી હેતથી છોકરીઓ રમાડે છે અને હુલાવે છે? રૂપાંદે આમદની મા હોય તેમ વહાલથી તેની સાંત્વના કરવા લાગી. એવામાં એક કૂતરું રોયું એટલે અસંખ્ય રોવા લાગ્યાં. કર્કશ અને ભયાનક ધ્વનિએ વિક્ષેપ પાડ્યો. ‘રાત પડશે. કૂવામાંથી બાપુ માટે બેડું પાણી સીંચી જવું છે.’ રૂપાં નીચે ઊતરી. રાત વધતી જતી હતી. તારાઓનો ઝાંખો પ્રકાશ ચોગાનમાં પડતો હતો. જેમનો પહેરો નહોતો તે ખાટલા ઢાળી ફળીમાં પડ્યા હતા. જીવણસંગના ઢોલીયા ઉપર રૂપાં અને આમદ બેઠાં હતાં. છોકરાંઓને વાર્તા સાંભળવાનો બહુ રસ હોય છે. જીવણસંગ રોજ રાતે મહાભારત, રામાયણ કે યુરોપના ઇતિહાસની એકાદ વાત કહેતા. રૂપાંદે એકાગ્ર ચિત્તે સાંભળતી અને જરૂર પડે ત્યારે પોતાની સહિયરોને પોતાના જ્ઞાનભંડારથી ચકિત કરતી. આમદનું લોહી શૂરાતનની વાતો સાંભળી ઊછળતું. વીરપરાક્રમો કરી કીર્તિ મેળવવા ઉત્સુક થતો. એના બાપને એને ગ્રેજ્યુએટ કરી હાઈકોર્ટમાં અથવા કારોબારી સભા(Executive Council)માં વિરાજતો જોવાની ઉત્કંઠ વાંછના હતી. પણ એને તો અર્જુન, ઉસ્માન, નેપોલિયન, હેનિબલ થવાની હોંસ હતી. રૂપાંનો બાપુ તે આમદનો બાપુ, આમદે પૂછયું : ‘બાપુ! આપે લડાઈ લડી છે?’ ‘ના, બેટા. બહારવટિયાના ધિંગાણામાં લડ્યો છું પણ હમણાં આફ્રિકામાં કે ચીનમાં જેવી લડાઈ ચાલતી હતી તેવી લડાઈમાં લડ્યો નથી.’ ‘કેમ બાપુ! મહારાજસાહેબ ત્યાં ન મોકલે?’ ‘બાપુ મનેય લડાઈમાં જવાનું મન થાય છે. રાણીસાહેબે મારે માટે નાનકડી બંદૂક કાઢી છે. સવારે કુંવરીસાહેબ સાથે શિકારે જવાની છું. બાપુ! રોજશિકારે જઈશ એટલે તમારા જેવી બંદૂક ફોડી શકીશ, નહીં?’ ‘હા બેટા, મોટી થશે ત્યારે તો તું બીજી આર્કની જોન થઈશ. આજ તો ધાર પર આમદને હરાવી દીધો હતો ને?’ એટલામાં રૂડકી રાસડા ગાવા રૂપાંદેને તેડવા આવી. જીવણસંગ ને આમદ એકલા રહ્યા. છોકરીઓના હાથના તાલ અને પગના ધમધમાટ અને સૂરથી ધરતી ગાજી ઊઠવા લાગી. વિચાર-નિદ્રામાંથી જાગી જીવણસંગે પૂછ્યું : ‘આમદ, શું પૂછતો હતો? હં, સાંભર્યું. લડાઈમાં મહારાજસાહેબ કેમ મોકલતા નથી?’ ‘હા બાપુ? કેમ નથી મોકલતા? મને મોકલે તો હુંયે જાઉં.’ ‘બેટા, પરદેશમાં લડાઈ ચાલે છે. આપણા દેશમાં ચાલતી હોય તો મોકલે.’ ‘આપણો દેશ અને પરદેશ જુદા છે?’ ‘હા, બેટા! દુનિયા તો વિશાળ છે. તું ભૂગોળમાં શીખ્યો છે ને? તેના નાનામોટા ભાગ છે. જોને આપણા ફળિયામાં કમાન્ડન્ટસાહેબનો બંગલો જુદો, મેજરસાહેબનો જુદો, રસાલદારસાહેબનો જુદો, મારો જુદો, તારા બાપુનો જુદો છે તેમ દુનિયામાં જમીન વત્તીઓછી જુદા જુદા લોકોને તાબે છે. લોકોના રંગ જુદા હોય છે, ભાષા જુદી હોય છે, પહેરવેશ જુદા હોય છે, રહેણીકરણી જુદી હોય છે, ધર્મ જુદા હોય છે. સમજ પડે છે ને?‘ ‘હા, આ તો બધું ભૂગોળમાં શીખ્યો છું. પેલા મેળાવડામાં ‘સિનેમેટોગ્રાફ’માં એનાં ચિત્રો પણ આપણે સાથે નહોતાં જોયાં?’ ‘બસ ત્યારે તને ખબર છે. સૌ સૌના જુદા જુદા દેશ છે. જેમાં પોતે અને પોતાના લોક રહે તે સ્વદેશ અને તેથી જુદો પરદેશ. સ્વદેશમાં આપણો જન્મ થાય, આપણાં માબાપ રહેતાં હોય, ભાઈબહેનો રહેતાં હોય, આપણા ભાઈબંધ – દોસ્તદારો હોય. આપણે એક ભાષા બોલીએ. સૌના સુખે સુખી અને દુઃખે દુઃખી થઈએ છીએ. સ્વદેશ આપણને બહુ મીઠો લાગે છે. તેની મોટાઈ હોય તો આપણી મોટાઈ છે, તે સુખી હોય તો આપણે સુખી, તે બેઆબરૂ હોય તો આપણે બેઆબરૂ. જે દેશમાં જન્મ મળે તે આપણાથી લાભ મેળવે, દુનિયામાં નામના મેળવે અને વધારે સુખી થાય તો જ જન્મવાનું સાર્થક. બાકી જમીન પર પથ્થરના ઢગલા ક્યાં ઓછા પડ્યા છે?’ ‘બાપુ! આપણો સ્વદેશ તો ગુજરાત ને?’ રાસડા પૂરા કરી આવેલી રૂપાએ પિતાનો ઉપદેશ સાંભળી પ્રશ્ન કર્યો. ‘હા બેટા! આપણો દેશ ગુજરાત અને આપણે ગુજરાતીઓ. આમદ એ ગુજરાતી છે. અમદાવાદના બાદશાહના વખતમાં સોલંકી જેસંગ મુસલમાન થયેલા અને બાદશાહની ભાણેજને પરણેલા. તેમના વંશમાં આમદનો જન્મ છે. પાટણના અને અમદાવાદના રાજવંશમાં એનો જન્મ છે. બેટા! તારી જવાબદારી મોટી છે. તેને નિર્વાહ કરવા પ્રભુ! તને સમર્થ કરો! જાઓ, હવે સૂઈ જાઓ. મોડું થયું છે. સવારે શિકારે જવું છે ને?’
*
કાળની ગતિ અપ્રતિહત ચાલતી હતી. બાળકો મોટાં થતાં હતાં. રૂપાંદે અને આમદના જીવનપ્રવાહ નિરાળા થયા હતા. જીવણસંગ ગુજરી ગયા હતા. રાણીસાહેબે રૂપાંને રાજમહેલમાં રાખી હતી. પોતાની ફોઈના દીકરા સાથે એને પરણાવવી હતી. પણ તે હજુ વિલાયતથી આવ્યો નહોતો. વિલાયતમાં દસ વર્ષ થયાં રહેવાથી અંગ્રેજશાહી આચાર-વિચાર તેનામાં આવ્યા હોય તેથી ગમે તેવી કન્યા સાથે લગ્ન કરવાથી તેની જિંદગી દુઃખી ન નીવડે માટે તેને માટે ખાસ રાણીસાહેબ રૂપાંને કેળવતાં હતાં. પોતાના સગા ભાઈ જેવો આ ભાઈ વહાલો હતો. રૂપાં સકલકલાસંપન્ન થઈ હતી. આમદના પિતા હાલ સેનાપતિ હતા. લશ્કરમાં તેમની સાથે રહેતો અને શહેરમાંની કૉલેજમાં ભણતો. એનો અને રૂપાંનો ભાઈબહેનનો સંબંધ કાયમ રહ્યો હતો. રાણીસાહેબની સમક્ષ દર રવિવારે તે બહેનને મળવા જતો. બાકી કાગળો લખવાની છૂટ હતી. રાણીસાહેબ બંનેના કાગળો વાંચતાં. સુશિક્ષિત અને સંસ્કારી થવા બંને વચ્ચે સાઠમારી ચાલતી. આમદને એમ લાગે કે રૂપાં આટલામાં ચડિયાતી છે તો તેટલા પ્રમાણમાં પ્રવીણ થવા મંડતો અને નિપુણતા પ્રાપ્ત કરતો ત્યારે જ જંપતો. કૉલેજમાં ન જવાનું છતાં કન્યાશાળાની ગ્રેજ્યુએટ ‘હેડમિસ્ટ્રેસ’ની મદદથી રૂપાં પણ કૉલેજનો અભ્યાસ કરતી. રોજ રાત્રે જીવણસંગે કહેલી વાતોમાં રહેલો ઉપદેશ બંનેમાંથી એકના હૃદયમાંથી ભૂંસાયો નહોતો. સ્વદેશની ઉન્નતિ માટે જીવન છે એ લોહીના ટીપેટીપામાં વસી રહ્યું હતું. બધી તૈયારી તેને માટે હતી. બીજી કોઈ લાગણીને ત્યાં સ્થાન નહોતું. એથી જ બાળપણના આ સોબતીઓમાં પ્રણય જન્મ્યો નહોતો. પત્રવ્યવહારમાં દેશના અનેક પ્રશ્નો ચર્ચતા. તેની વિવિધ હકીકત મેળવતાં અને નિરાકરણો કલ્પતાં. દેશના ગૌરવ માટે ચોવીસે કલાક સ્વપ્નાં યોજતાં. સ્વપ્નાં તાદૃશ કરવા તલસતાં પણ સામર્થ્ય, પ્રસંગ અને સાધનસંપન્નતા વિના ઝંપલાવવા તૈયાર નહોતાં. યૌવનના પ્રભાતમાં બંને કોઈ અવનવા સ્વર્ગમાં વિહરતાં.
*
‘બહેન! હું વિલાયત જાઉં છું. શીખ માગવા આવ્યો છું.’ બી. એ. પાસ થયા પછી એક દિવસ રાણીસાહેબની પરવાનગીથી આમદ રૂપાંદેને મળવા આવ્યો. સમાચાર સાંભળતાં જ તે આભી થઈ. ‘બૅરિસ્ટર થવા જાઉં છું. મહારાજાસાહેબ વિલાયત મોકલે છે.’ પછી તો બંને વાતોએ બેઠાં. એમની વાતો ખૂટે જ શાની? છેવટે વિખૂટાં થવું પડ્યું. ‘વીરા ગુજરાતની કૂખ દીપાવજે‘ એ શબ્દોથી રૂપાંદેએ આમદને રજા આપી. આજે આ શું? રૂપાં, રૂપાં, તને શું થાય છે? આમદ રોજ મળતો અને વિખૂટો પડતો છતાં આજે આ શું થાય છે? ત્રણ વર્ષ વિલાયત દૂર રહેશે. એટલે અનાથ બાળાને ભાઈનો વિયોગ સાલ્યો? ના, આ લાગણી તો જુદી લાગે છે. વિયોગ સાલે છે છતાં મારા હૃદયમાં તેની મૂર્તિ વિરાજી રહી છે. જોવા ધારું છું ત્યાં નજર પડે છે. આજ દુનિયા પણ અવનવી લાગે છે. રોજની દુનિયા આજે કેમ ફરી હશે? મારી સ્વસ્થતા ક્યાં ગઈ? લાગણીઓનું પૂર ક્યાંથી અને શાને ઊભરાય છે? આમદને પણ વિયોગ સાલ્યો. પણ માત્ર મિત્રનો વિયોગ હોય એવો. જ્યારે પરદેશમાં સ્વદેશનો મહિમા વિચારતો અને રૂપાંને કાગળો લખતો ત્યારે કાળક્રમે એના હૃદયમાં પણ પ્રણયનો સંચાર થયો. રૂપાંદે બીજાને માટે નિર્મિત છે તે જાણતો હતો. એ લાગણીનો નાશ કરવા જેમ પ્રયત્ન કરતો તેમ તે વધતી. હૃદયની જ્વાળા હૃદયમાં દાબતો. રૂપાંદેને એની ગંધ પણ જણાવાય એવું નહોતું. છતાં આમદના કાગળોમાં વિચારોની સાથે ભાવનું અદ્ભુત મિશ્રણ થયેલું લાગતું અને રૂપાંના કાગળોમાં આમદને પણ એવું જ લાગતું. હૃદય હૃદયનો સાક્ષી છે. બંને હૃદય સમજી ગયાં કે પ્રણયને આધીન થયાં છીએ પણ સ્પષ્ટ કથન કોઈ નહોતું કરતું. બૅરિસ્ટરની પદવી મળી એવામાં તુર્કસ્તાનમાં રાજ્યક્રાન્તિ થઈ, એટલે યુવાન તુર્ક સહાધ્યાયીઓ સાથે આમદ ત્યાં ગયો. વહાલો ગુજરાત એને ખારો લાગતો હતો. હૃદયમૂર્તિ રૂપાંદે એની થાય એમ નહોતું. રૂપાંદે વગરનું જીવન કેવું નીરસ નિરુદ્દિષ્ટ! તુર્કસ્તાનમાં એના શૌર્ય અને વિદ્યાને પ્રતાપે ઊંચી નોકરી મળી. એક પ્રભાવી, દેશવત્સલ, સંસ્કારી લોકનાયકની બહેન એની સાથે પરણવા તૈયાર થઈ પણ આમદનાં લગ્ન રૂપાંદે સાથે થયાં હતાં – ભલેને રૂપાંદે બીજાને પરણે પણ આમદની હૃદયેશ્વરી તે હતી. બીજી કોઈ સુન્દરી તે સ્થિતિ પ્રાપ્ત કરી શકે શી રીતે? નિરાશ આમદે રણસંગ્રામોમાં ઝંપલાવ્યું. નાનપણની પરાક્રમી થવાની હોંશ પૂરી પાડી પણ ક્યાંયે એને આરામ, સ્વસ્થતા નહોતાં. રૂપાંદે વિના સંસાર શૂન્ય હતો. સ્વદેશનું ગૌરવ વધારવા તે વ્રતનિષ્ટ હતો. જીવણસંગની મૃત્યુશૈયા આગળ સ્વદેશનું વ્રત લીધું હતું પણ સ્વદેશમાં રૂપાંદે હતી અને તે પારકાની હતી પછી એ ભૂમિમાં કેવી રીતે જવાય? રૂપાંદે એની રાહ જોતી. તુર્કસ્તાન ગયાના સમાચાર મળતાં મેળાપના દિવસો વધુ ને વધુ દૂર જતા દેખી વધારે સંતપ્ત થઈ પણ હૃદયેશ્વરને કેવી રીતે હૃદયની વ્યથા દેખાડે? જે સુંદરીનો હાથ આમદે સ્વીકાર્યો નહીં તે એનું હૃદય પામી ગઈ. પત્ની ન થઈ શકી ત્યારે આ વીરપુરુષની સખી થવા તેણે પ્રયાસ કર્યો અને તેમાં ફાવી. વસ્તુસ્થિતિ જાણ્યા પછી તેનો માર્ગ કાઢ્યો. એક દિવસ વાતમાં ને વાતમાં કહ્યું : ‘સ્વદેશનું સ્થાન ધર્મથી પણ ઉપર છે. સ્વદેશ એ ઈશ્વર છે. સ્વદેશપૂજા એ જ ખરી ભક્તિ છે. જુઓ અમે ખલીફને પદભ્રષ્ટ કર્યો. શાને? સ્વદેશનો મહિમા મોટો છે માટે, તમારે પણ તમારા સ્વદેશની સેવા કરવાની છે.’ દેશ તેનો શ્વાસ અને પ્રાણ હતો. પોતાની દેશપ્રીતિના બળે આમદની સુપ્ત દેશપ્રીતિ જાગૃત કરી. સાથે સાથે માન્યું કે સ્વદેશ જશે તો એની હૃદયેશ્વરી હજુ અવિવાહિતા હોવાથી એ મેળવી શકશે. તુર્કી બહેનની શિખામણ માન્ય રાખી તે સ્વદેશ જવા નીકળ્યો. રૂપાંદેને તાર મળ્યો. આમદ આવે છે એનો હર્ષ કેવો ઊછળ્યો હશે? રાણીસાહેબનો ભાઈ વિલાયતમાં કોઈ મડમને પરણ્યો છે અને હિંદુસ્તાન પાછો આવતો નથી એવી ખાતરીદાર બાતમી આવી. રાણીસાહેબની જિંદગીભરની આશાઓ અને સ્વપ્નાંઓ ધ્વસ્ત થયાં. જબરો આઘાત થયો. યૌવનારૂઢ રૂપાંનું શું કરવું? ચિંતાની જ્વાળાઓ ચોતરફથી ભભૂકી ઊઠી.
*
રાજ્યમાં રાણીસાહેબની સત્તા સર્વોપરી હતી. રૂપાંદે ઉપર રાણીસાહેબના ચારે હાથ હતા. આમદ વિલાયત સિધાવ્યો એટલે રૂપાંદે એકલી પડી. વિરહની પીડા સાલતી. પણ એમાં દેશ સાંભર્યો. પિતાની છેવટની ઇચ્છા સાંભરી. ગુજરાતના ગૌરવની પ્રાપ્તિમાં રાજ્ય મદદગાર થાય એવા માર્ગો રફતે રફતે રાણીસાહેબને સૂચવવા માંડ્યા. પોતાની ચાલાકી, વિદ્યા અને અનુભવથી રાણીસાહેબને કારભાર ચલાવવામાં સહાય આપતી અને એમનો કારભાર દીપાવતી. રાજ્ય ગુજરાતનું અંગ છે અને ગુજરાતની મહત્તા વધારવાનું કર્તવ્ય એનું પણ છે એવી ભાવના જાગૃત કરી. રાણીસાહેબ એનાં શિષ્યા થયાં. આ અરસામાં આમદ સ્વદેશ આવ્યો. રૂપાંદેને શી રીતે મળવું? આખરે રાણીસાહેબથી છાનાં બન્ને એકલાં જંગલમાં મળ્યાં. પશુ, પક્ષી, વનસ્પતિ, આકાશની સમક્ષ હૃદયની વાત કરી. એકબીજાનો પ્રેમ સ્પષ્ટતઃ સ્વીકાર્યો. અવારનવાર આમ મળતાં અને દેશના ગૌરવની વાતો યોજતાં પણ એકાકી જીવન ક્યાં લગી ગાળવું? ‘રૂપાં, હૃદય, મારી ક્યારે થઈશ?’ ‘તારી જ છું ને.’ ‘મારી જ છે પણ જગતની આંખે મારી ક્યારે થઈશ?’ બંનેના ધર્મો જુદા હતા. રજપૂતાણી મુસલમાનને પરણી શકે છે. છતાં રૂપાંદે એવી રીતે પરણવા અનિચ્છુક હતી. પોતાનો હિંદુધર્મ – પોતાની હિન્દુ સંસ્કૃતિમાંથી ચ્યુત થવામાં તેને વ્યથા થતી. પણ આખરે મૂંઝવણમાંથી રસ્તો કાઢવામાં આવ્યો. ‘સિવિલ મૅરેજ’થી બાળપણનાં ગોઠિયાં જીવનનાં સોબતી થયાં. દેશસેવાથી જન્મેલી ઉદારતામાં બંનેના ધર્મોને સ્થાન મળ્યું. યુરોપમાં એવામાં મહાયુદ્ધ જાગ્યું. અંગ્રેજ સરકારની કુમકે ન્યાય, સ્વતંત્રતા અને દયાનો ઝંડો ઉઠાવવા હિન્દુસ્તાનમાંથી દેશી લશ્કર યુરોપના સમરક્ષેત્રમાં ગયું. આમદ પણ પોતાના ગુજરાતી રજપૂતોને લઈ ગયો. મરાઠા, ડોગરા, શીખ, રજપૂત, પઠાણ વગેરેની હારમાં તેમણે વીરત્વ પ્રકાશ્યું. આમદને ‘વિક્ટોરિયા ક્રૉસ’ મળ્યો.
*
આજ કેટલાં વર્ષો થયાં ગુજરાતે રણભૂમિ જોઈ નહોતી. રજપૂત, કોળી, કુંભાર, ભરવાડ, પાટીદાર, વાણિયા, બ્રાહ્મણ, મુસલમાન, પારસી સૌને એક વાર પાનો ચડતો. ગુજરાતના ચાંચિયાઓએ એક વખત બગદાદના ખલિફોના મહેલો ઉપર આક્રમણ કર્યું હતું. પણ જૈન ધર્મના અને વૈષ્ણવ ધર્મના પ્રચારને લીધે ગુજરાતમાં વીરોદ્રેક કમી થઈ ગયો છે. સમૂળગો નાશ પામ્યા જેવું છે. જે રજપૂતાણીઓ એક વખત પતિને કે પુત્રને રણમાં મોકલવામાં પ્રતિષ્ઠા અને કીર્તિ માનતી હતી તેમના વંશની ગરાસણીઓ યુરોપના કુરુક્ષેત્રમાં રજપૂતોને જતા જોઈ રોતી હતી. વીરમાતાઓને સ્થાને કંગાલ, બીકણ, રણભીરુ, જીવનલોભી પામર સ્ત્રીઓ થઈ ગઈ હતી. આ સર્વેને સાંત્વન આપી તેમનું દુઃખ કમી કરી દેશપ્રેમ અને ક્ષાત્રબળનો પાનો તેમનામાં ચડાવવાનું વિકટ કાર્ય રૂપાંદેએ કરવા માંડ્યું. ઇતિહાસની અભ્યાસી રૂપાંદે રણનીતિમાં પ્રવીણ હતી. આ વર્તમાન જાદવાસ્થળી કેવી ભયંકર થશે તેનો તેને આબેહૂબ ખ્યાલ હતો. એમાંથી જીવતાં પાછા કોઈ પણ આવશે એવી ખાતરી એની હૃદયગુહાના ગહનતમ ભાગમાં નહોતી. પણ લોહી રેડ્યા વિના પ્રતાપ, પ્રતિષ્ઠા, સત્તા મળતાં નથી. જગતમાં હિન્દુસ્તાનની પ્રતિષ્ઠા કાંઈ જ નહીં અને હિન્દુસ્તાનમાં ગુજરાતની પ્રતિષ્ઠા નહીં એ વિચાર એને ઊભી ને ઊભી બાળી નાંખતો. આવા રાષ્ટ્રયજ્ઞમાં પુરુષોએ હોમાવાનું છે તેથી વધારે સામર્થ્ય અને મનોબળથી સ્ત્રીઓએ હોમાવાનું છે. પુરુષોને પાનો ચડાવી, સ્ત્રીસંતતિની માયાથી વિરક્ત કરી, દેશપ્રેમની ખાતર રણમાં મોકલવા; હૃદયપ્રધાન સુંદરીઓની પોતાની પ્રિયતમ અને સૌભાગ્યના મુકુટોનો વિરહ વખતે જીવનપર્યંતનો વિરહ સહન કરવાની શક્તિ કેળવવી; ઇપ્સિત ફળ નથી પ્રાપ્ત થયું ત્યાં લગી આ દેશોષ્ટિમાં વીરપુરુષોનો હોમ ચાલુ રાખવા સ્થળે સ્થળે વીરત્વ જાગૃત કરવું, પ્રેરવું અથવા કેળવવું; અને પુરુષોની ગેરહાજરીમાં ગૃહની વ્યવસ્થા ઉપરાંત સમાજની અને રાજ્યની વ્યવસ્થા અખંડ, સમર્થ અને પવિત્ર રાખવી. આ વીરાંગનાઓનાં કર્તવ્ય, ઝનૂનમાં આવી સંગ્રામમાં વિજય કે પરાજ્ય પામવા કરતાં આ સેવાઓ ઊંચા મનોબળ અને ચારિત્ર્યની અપેક્ષા રાખે છે. રૂપાંદે આ પ્રસંગ માટે તૈયાર હતી? પિતાની અને રાણીસાહેબની કેળવણી આ જ પ્રસંગ માટે પ્રભુએ નિર્માણ કરી હતી. કસોટીના પ્રસંગોમાં તેણે અદ્ભુત વિજય મેળવ્યો. અજબ જાદુથી એણે ગુજરાતનું ક્ષાત્રતેજ પ્રજ્વલિત કર્યું. રણમાં ખપતા ગયા તે સુભટોનું સ્થાન નવાથી પૂરતી ગઈ. અનાથ, પીડિત અને અકિંચન કુટુંબોની આધિવ્યાધિ બને તેટલી રીતે દૂર કરતી. સંગ્રામની મૂર્તિમતી દેવી જેવી રૂપાંદે સર્વ સ્થળે ફરતી. એની પરાક્રમોત્તેજક કવિતાઓ ગુજરાતના ગામડે ગામડે ગવાવા લાગી. છિન્નભિન્ન ગુજરાતની એકતા આ સુન્દરીના હૃદયથી જન્મી. ગુજરાતમાં રાષ્ટ્રીય ચેતન પ્રસર્યું.