રણજિતરામ ગદ્યસંચય – ૧/મંગળા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મંગળા

કાલે રાત્રે મંગળા અને મગનલાલનાં લગ્ન થવાનાં. મગનલાલે ઘણા ધમ પછાડા માર્યા પણ વેશવાળ તૂટ્યું નહીં. મંગળાને પરણવા મગનલાલ કેમ રાજી નહોતો? મગનલાલ આ જમાનાનો ‘ફેશનેબલ જેન્ટલમેન’ હતો. અંગ્રેજ અને પારસી સંસારનો ભક્ત હતો. નવલકથા, સચિત્ર ચોપાનિયાં અને ‘સિનેમા’ પરથી એણે અંગ્રેજ સંસારનો પરિચય મેળવ્યો હતો. કૉલેજમાં પારસી સહાધ્યાયીઓ સાથે વાતચીત કરી તેમના સંસારનો પરિચય મેળવવા પ્રયત્ન કર્યો હતો. આ પરિચયથી હિંદુઓનાં ઢીંગલાઢીંગલીનાં લગ્ન તરફ એને જબરો તિરસ્કાર થતો હતો. સંવનન(Courtship) વગર લગ્ન કરવામાં મોટું દુઃખ જણાતું. સંવનન વિશેનો મગનલાલનો ખ્યાલ જોવા જેવો હતો. પક્ષીસૃષ્ટિમાં માદાને પરણવાની ઇચ્છા થાય છે ત્યારે નરપક્ષીઓથી એ ઇચ્છા સમજાય એવો અવાજ તે કાઢે છે. અવાજ સાંભળતાં જ સ્થળેસ્થળેથી નરપક્ષીઓ આવી માદાની આસપાસ ફરતા ફરતા પોતાના સૌંદર્યની વિધવિધ પ્રકારની ખૂબીઓ બતાવી બતાવી, માદા પાસે પોતાની પસંદગી કરાવવા મહેનત કરે છે. આથી ઊલટો સ્વયંવર રચવાની ‘મહેચ્છા’ મગનલાલની હતી. નાતની સુંદર કન્યાઓ ભેગી થાય અને તેમના સમાગમમાં પોતે આવે. પછી જે કન્યા પસંદ પડે તેને મગનલાલ વહુ બનાવે. આ ‘મહેચ્છા’ સફળ કરવામાં મગનલાલને બહુ મુશ્કેલી લાગતી નહોતી. ઉંમરે પહોંચેલી સ્વરૂપવતી કન્યાઓ દેખાવડા કે પૈસાદાર કે ભણેલા યુવકોની નજરે આવે માટે કન્યાઓની માતાઓ અનેક પ્રકારનાં બહાને તેમને યુવકોને ઘેર મોકલતી એ હકીકત એના લક્ષ બહાર નહોતી. નાત જમવા બેસે ત્યારે મગનલાલ બૈરાંઓમાં પીરસવા જતો અને કુંવારી કન્યાઓનાં રૂપ, રૂપ કરતાં કપડાં, ઘરેણાં વગેરે પહેરવાની ફેશન બારીકાઈથી જોતો અને ભાઈબંધ-દોસ્તદારો સાથે જમવા બેસતો ત્યારે સૌ પોતપોતાનાં અવલોકનોનો મુકાબલો કરી કોઈ કન્યાને વખાણતા તો કોઈની સખ્ત મશ્કરી કરતા. લગનગાળામાં મોસાળાં કે વરઘોડા નીકળે ત્યારે મગનલાલ અને તેના મિત્રો સારો ઠાઠ કરી નીકળતા. સ્ત્રીઓ, યુવતીઓ અને કન્યાઓનાં રૂપ, પહેરવેશ, અલંકાર, પ્રસાધનનું બારીક નિરીક્ષણ કરતા. નિરીક્ષણનું ફળ કોઈની પ્રશંસા તો કોઈની નિંદામાં પરિણમતું. માહ્યરામાં વરકન્યા પરણતાં હોય ત્યારે મગનલાલ અને તેના મિત્રો ત્યાં જઈ બેસતા અને માંડવામાં બેઠેલી સુંદરીઓ વિશે ફાવે તે પ્રકારની વાતો કરતા. નાતની સુંદર કન્યાઓ જોવાના, તેમનાં લાવણ્યનું અનિમિષ નજરે પાન કરવાના મગનલાલને અનેક પ્રસંગો આવતા. એ પ્રસંગો જિંદગીના મોટા લહાવા હોય તેમ તે માણતો. પણ આ લહાવામાં કેટલીક વાર એની છાતીમાં મિત્રોનાં મર્મવાક્યોનાં બાણ વાગતાં. સુંદરીઓનાં સૌંદર્યદર્શનકાળે મિત્રો પોતામાંથી જે પરણેલા કે વિવાહિત હોય તેમની પત્નીઓનાં રૂપરંગની પણ ચર્ચા કરતા. બિચારી સારી, ઘઉંવર્ણી મંગળામાં ભભક, કીકીનો તનમનાટ, નાક અને મોંના ઘાટીલા આકાર, ગોરો રંગ, ફેશનદાર કપડાં, પતંગિયાની માફક જમીનથી અદ્ધર ચાલતી સર્પગતિ જેવી ચાલ, કે યુવકોનું લક્ષ આકર્ષી પોતાપરત્વે સ્તબ્ધ કરે એવું વાતાવરણ ન હોવાથી મગનલાલના મિત્રો એને સારી પેઠે બનાવતા. એના શોખની માહિતી મિત્રોને સારી પેઠે હતી. એવા શોખીલાને માથે આવી ‘અસુંદર’ વહુ મારવા માટે તેઓ એની માનાં ‘વખાણ’ કરતા. બિચારો મગનલાલ અંદરથી બળીને ખાખ થઈ જતો. વેશવાળ તોડી નાંખવાના પણ વારંવાર નિર્ણય લેતો પરંતુ એની માની આગળ લાચાર બની જતો. એના સસરા અને એની વહુની બૂરી દશાનો એનેં બિલકુલ ખ્યાલ નહોતો. છોકરી મોટી થતી જતી હતી. છેક છેલ્લી ઘડીએ વેશવાળ તૂટી જાય તો કેવી ભયંકર આફત આવે. પણ મગનલાલનાં ઉછેર, રહેણીકરણી, કેળવણી સ્વાર્થી હતાં. પોતાનું સુખ, એશઆરામ, મોજ એ જ જિંદગીનું અને સંસારનું સર્વસ્વ હતાં. વહુ પોતાને માટે સર્જાયેલી હતી. પોતે વહુ માટે સર્જાયેલા નહોતા. પોતાની જાતને સામાની સ્થિતિમાં મૂકી તેમનાં સુખદુઃખની કલ્પના કરવાની એને કદી ટેવ નહોતી. પોતે કદરૂપો હોય અને કન્યા રૂપવંતી હોય અને પોતાને માટે કન્યાને સખત અણગમો હોય તો કેવી વિષમસ્થિતિ થાય તેનો એને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. વધારે તો એને એ સાલતું કે એના કેટલાક સાદા મિત્રોને દેખાવડી અને ‘ફેશનેબલ’ સ્ત્રીઓ મળી હતી. જેને સાદી સ્ત્રી રુચતી નથી તે એમ પણ માને છે કે પોતાની માફક બીજાઓ પણ તેની અવગણના કરે છે. મંગળા જોડે પરણવું જ પડે તો મંગળાને લઈ મિત્રો અને મિત્રપત્નીઓમાં હરીફરી શી રીતે શકાશે! મંગળાની સાદાઈની ટીકા થાય તો પોતાની કેવી ખરાબ ફજેતી થાય.

*

લગ્ન થઈ ગયાં. મંગળાનાં માતાપિતાને નિરાંત થઈ. છોકરીનો કુંવારાભવ મટ્યો. બિચારા મગનલાલને ગળે નગમતી વહુ વળગી. જન્મારો તેની સાથે કેમ કઢાશે? માબાપની આમન્યા ઉથામી શકાય નહીં, એટલે પરણવું પડ્યું પણ સંસાર માંડવાની ફરજ તેઓ પાડી શકે નહીં. મંગળા જેવી સાદી યુવતીને પોતાની ‘વાઈફ’ કરવા કરતાં એકલી જિંદગી ગાળવી એ બહેતર છે. પોતાનો આ નિશ્ચય માને જણાવ્યો – મિત્રને જણાવ્યો. લગ્ન માટે ના પાડનાર પરણ્યો. સંસાર માટે ના પાડનાર સંસાર માંડશે એવી માને ખાતરી હતી. લગ્ન વીત્યે બે મહિના થઈ ગયા. મંગળા સાસરે આવી ઘરકામમાં સાસુને મદદ કરવા લાગી. મંગળા બિચારી કર્ણપરંપરાથી જાણતી હતી કે પતિને પોતે ગમતી નથી. પણ હિન્દુ રમણી તેથી મૂંઝાતી નથી. પતિને પ્રિય થવામાં જ હિન્દુ રમણીનું જીવનસર્વસ્વ છે અને તે પ્રાપ્ત કરવા પોતાની બધી શક્તિ તે વાપરી શકે છે. પતિના વિચારોના પડઘા પતિના મિત્રોની જે જે પત્નીઓ સાથે એને સહીપણાં હતાં તેમની દ્વારા એને કાને પડ્યા હતા. લગ્ન પહેલાં અવારનવાર સાસરે જતી ત્યારે જીવનમાં પતિ એ વિચારો કેવી રીતે ઉતારતા તેનું પૂરેપૂરું દર્શન થતું નહીં પણ કાંઈક ઝાંખી તો થતી. પતિના ઓરડામાં જવાનો તે કાળે અધિકાર નહોતો તેમ પતિનો સ્નેહ નહોતો, નહિતર કુમુદ સરસ્વતીચંદ્રના ખંડમાં ગઈ હતી તેમ પોતે જાત. અગાસીમાં અનાજ સૂકવવાને બહાને પતિ સાથે છૂપી વાત કરી લેત. સહિયરોના પતિઓની મારફત કાગળપત્ર લખવાનો પણ અવકાશ નહોતો. મંગળા અભાગણી બાળા હતી. સહવાસમાં આવ્યા પહેલાં પતિએ તેનો તિરસ્કાર કર્યો હતો. સાસરે જતાં જ ત્યાંના વાતાવરણમાં આ તિરસ્કાર ઓતપ્રોત લાગ્યો. પતિને જે અળખામણી છે તે સૌથી હડધૂત થાય છે. પતિને જે માનીતી છે તે સર્વથી પદ્મણી જેવી પૂજાય છે. મંગળાના પિતા સંસ્કારી હતા. મંગળાને ઊંચી કેળવણી આપી હતી. હાલની ફેશનો પ્રત્યે વિરોધ તેનામાં કેળવ્યો હતો. તેનાં મન અને હૃદયના વિકાસ કરવા સારી મહેનત એમણે લીધી હતી. જમાઈ પુત્રીના ગુણથી મુગ્ધ થઈ પોતાનો અણગમો દૂર કરશે એવી એમને સ્વપ્ને પણ આશા નહોતી. છતાં કેળવાયેલી કન્યા પોતાનું દુઃખ સુખમાં પલટાવી શકશે એવી એમને આશા તો હતી. વાંચવા-લખવામાં તે પોતાનું દુઃખ વીસરી શકશે તો પોતાને એટલી ઓછી આધિ. ટુંકી નાત. જોઈએ તેવા વર મળે નહીં. પછી જે મળે તેથી સંતોષ માનવો. સાસરાનું વાતાવરણ હિંદુ સંસારમાં સર્વત્ર હોય છે એવું સાધારણ હતું. ઉજાસ, ઉત્સાહ કે પ્રેરણા નહોતાં. વ્યવસાય ઘણો હતો. એક જ ગામમાં સાસરું કે પિયર નહોતાં. એટલે બપોરે પિયર જવાનો અવકાશ પણ તેના ભાગ્યમાં નહોતો. જીવન ઉન્નત કરવાના પ્રસંગો મળતા નહોતા પણ જીવનમાં ભરેલી ભાવનાઓને વ્યવહારમાં ઉતારવાના અને એ રીતે એમની યોગ્યાયોગ્યતાના બળાબળની કસોટી કાઢવાના પ્રસંગ ક્ષણે ક્ષણે આવતા. સારું મુહૂર્ત આવ્યે મંગળા પતિભવનમાં ગઈ. થરથરતે હૈયે દાદર ચડતી હતી. ઘરમાં સૌ સૂઈ ગયાં હતાં. સર્વત્ર શમશમાકાર હતું. પતિ જાગતા હતા. વર્તમાનપત્ર વાંચતા હતા. થરથરાટ ધીમો પડ્યો. કંઈક આનંદની લાલાશ મોં પર આવી. મગનલાલની મહેચ્છા ખોટી નહોતી. જેનો પરિચય નથી તેની સાથે જિંદગી શી રીતે ગાળી શકાય? હાલના અંગ્રેજી ભણેલાઓને આ સ્થિતિ વિષમ લાગે છે. હિન્દુ કન્યાઓ પિયરના સ્વતંત્ર વાતાવરણમાંથી એકદમ સાસરાના કાયદાવાળા, અમલવાળા વાતાવરણમાં પોતાનો સમાસ શી રીતે કરતી હશે? અમારા ગ્રેજ્યુએટોને કૉલેજના સ્વતંત્ર વાતાવરણમાંથી નીકળી નોકરી કરવા એકાદ ખાતામાં જોડાવું પડે છે ત્યારે એમને કેદખાનાની સજા થઈ હોય તેવું લાગે છે. કેદખાનામાંથી મરજીમાં આવે ત્યારે નીકળી જવાની ગ્રેજ્યુએટને છૂટ છે પણ હિન્દુ કન્યાને તો જન્મારો ત્યાં કાઢવાનો છે. ગ્રેજ્યુએટ કરતાં એનું હૃદયબળ મજબૂત હશે? અવાજથી પતિ ચમક્યા, વર્તમાનપત્ર હાથમાંથી પડી ગયું; બેઠા થઈ, શરમાતી અચકાતી આવતી પત્નીને પોતા સમીપ આવવા ઇશારત કરી. મંગળાના જીવને ટાઢક વળી. પતિના વર્તનમાં અણગમો નહોતો તેમ ઊમળકો પણ નહોતો. પ્રથમ રાત્રિએ જીવનની સહચારિણી સત્કારવાને ઉત્સુકતા કે તૈયારી નહોતી; હંમેશ જેવી જ વ્યવસ્થા હતી છતાં મંગળા ઉલ્લાસમાં આવી. ખંડમાં નજર ફેરવી પતિની અનેક સ્થિતિની(Pose) છબીઓ ભરાવેલી હતી. વચ્ચે વચ્ચે ખીંટીઓ પર પહેરવાનાં જાતજાતનાં કપડાં ટાંગેલાં હતાં. ખૂણામાં લાકડીઓ અને બૂટ ગોઠવેલાં હતાં. ટેબલ પર પાનસોપારી, માથું ઓળવા તેલ, કાંસકી, બ્રશ વગેરે ઉપયોગી થઈ પડતી ચીજો, ખડિયો, હોલ્ડર અને ‘સ્ટેશનરી’ હતાં. બે કંતાનની આરામખુરસી હતી. ત્રણ સાદી હાથ વગરની, ‘બેન્ટવુડ’ ‘ચેર’ હતી. એક ટીપાઈ હતી, તે પર દીવો હતો અને ઘડિયાળ ટકટક થતી પડી હતી. ટેબલની બાજુમાં હાર્મોનિયમ હતું. ઉપર ભીંતે ટેનિસનું રૅકેટ લટકાવેલું હતું. પણ ખંડમાં ક્યાંય પુસ્તકો નહોતાં. દ્વારમાંથી અંદર પેસતાં જ નજર બધે ફરી વળી અને નિમિષમાં બધી વ્યવસ્થા જોઈ લીધી. મંગળા પતિના નિમંત્રણનો સત્કાર કરી પતિનાં પલંગ પાસેની ખુરસી પર જઈ બેઠી. પતિપત્ની બન્ને મૌન રહ્યાં. શું વાત કરવી? મગનલાલ મંગળા સામું અનિમિષ જોઈ રહ્યો. સૌંદર્ય નહોતું પણ કાંતિ અને પ્રતાપ નિહાળ્યાં. ફેશન નહોતી પણ સુઘડતા નિહાળી; આંખમાંથી અજબ તેજ મોં પર પથરાતું હતું. કપાળ પરનો કંકુનો ચાંદલો મોંની ખૂબસૂરતી વધારતો લાગ્યો. સાદા અલંકાર, સાદું પ્રસાધન અને સાદા વસ્ત્રમાં સજ્જ થયેલો સાદો દેહ મોહક લાગ્યો. ઉન્મત્ત કરે એવો મોહ નહોતો. પણ પ્રતાપ પાડે એવો – વશ કરે અને અણગમો ઉઠાવી દે એવો પ્રતાપ હતો. પત્નીને નીરખતાં મગનલાલને સ્નેહનો ઉમળકો ન ઊઠ્યો પણ એનો અણગમો તો બળી જ ગયો. ભણેલી કન્યાએ શરમ મૂકી, ‘લડાઈના હાલ શા સમાચાર છે?’ પતિને પ્રશ્ન પૂછ્યો. પત્ની તે વળી આવા સવાલ પતિને પૂછે એ જોઈ મગનલાલ તો અજાયબ થયો – ભોંઠો પડ્યો. પણ ટટાર થઈ સમાચાર થડકતી ભાંગીતૂટી ભાષામાં કહ્યા. મૌન તૂટ્યું અને વાત શરૂ થઈ. કુશળ પત્નીએ મળેલા વિજયનો પૂરેપૂરો લાભ લીધો. બંને વચ્ચેનો અંતરાય નાશ પામ્યો અને જૂના દોસ્તો બન્ને હોય એવું તેમને લાગ્યું.

*

મંગળા અને મગનલાલના મેળાપ પછી દસ રાત્રિ વીતી ગઈ. મગનલાલને મંગળા ગમતી. રાત્રે તેના આવવાની રાહ જોતો. દિવસે પણ તેને ઉપર પોતાની પાસે આવવા આગ્રહ કરતો પણ ઘરનો રિવાજ એ છૂટ એકદમ આપે એમ નહોતું. મંગળા ઓરડામાં આવતી ત્યારથી જ વાતાવરણમાં એવો ફેરફાર થતો કે જેવો ફેરફાર એણે હજુ લગી કોઈ પણ મિત્રના આગમનથી અનુભવ્યો નહોતો. છતાં મંગળા સુંદર નહોતી એ એને ઘણું સાલતું. એનો પહેરવેશ ‘અપટુડેટ’ ફેશનનો નહોતો એ પણ એને રુચતું નહોતું, પોતે કમાતો નહોતો નહિતર પત્નીનાં પિયરથી આણેલાં કપડાંની હોળી સળગાવી નવાં ફેશનદાર કપડાં સીવડાવી તેને પહેરાવ્યા વિના રહેત નહીં. આવામાં મગનલાલ માંદો પડ્યો. વહેમી સાસુએ મંદવાડનું કારણ વહુને લેખી. મંગળાને સાસુનાં મહેણાં સાંભળવાં પડ્યાં. પતિની માંદગીની ચિંતા એક તરફ અને બીજી તરફ સાસુનો ત્રાસ. કેળવાયેલી મંગળાના સંસ્કારી હૃદયને એથી બહુ આઘાત લાગ્યો. દિવસે પતિની શુશ્રૂષા કરવા જઈ શકતી નહીં. રાત્રે જાય ત્યારે બને તેટલી સારવાર કરી પતિને રોગ ન હોય એવો અનુભવ કરાવતી. પત્નીની કેળવણી, આવડત, હોંશિયારી, લાગણી, બુદ્ધિ વગેરેનો અનુભવ મગનલાલને રોગને લીધે થયો. પહેલાં પોતે અનેકવાર માંદો થયેલો. આ વખતનો તાવ સખત હતો છતાં પત્ની હાજર હોય ત્યારે એને આરામ અને શાન્તિ અનુભવતો કે પત્ની વગરનું જીવન તદ્દન નિર્માલ્ય અને શુષ્ક હોવાની એને ખાતરી થઈ. મિત્રો માંદા થતા ત્યારે તેમની ખબરઅંતર પૂછવા, સારવાર કરવા તે ઘણીવાર જતો ત્યારે મિત્રપત્નીઓની માવજત જોયેલી પણ તેમની અને મંગળાની માવજતમાં આસમાન–જમીનનું અંતર લાગ્યું. એને જ્યારે તાવ આવતો ત્યારે વીસપચીસ દિવસ લગી ઊતરતો નહીં અને ઊતરતો ત્યારે એને તદ્દન અશક્ત બનાવી દેતો. આ વખતનો રોગ સખત હતો છતાં ચારપાંચ દિવસમાં તદ્દન આરામ થઈ ગયો અને મંગળાની સંભાળભરી સારવારને લીધે માત્ર શક્તિ સહેજ ક્ષીણ થઈ. કેળવણીની એને કદર થઈ. માત્ર સુંદરતા પરનો એનો મોહ જરા કમી થયો. પત્ની પર સ્નેહનો ઊમળકો ઢળ્યો. આથી મંગળા પોતાના સૌભાગ્યની ઓશીંગણ થઈ. પણ હજુ એને નિરાંત નહોતી. એનું જીવન એકદંડિયા મહેલ જેવું નિરાધાર અટૂલું હતું. એની અનેક મહેચ્છાઓ પાર પાડવાના સંજોગો હજુ એનાથી દૂર હતા. સ્નેહથી ઊછળતી બાળા પોતાના કાન્તના હૃદયમાં સમાવા જેવી ઉગ્રતઃ ઉત્સુક હોય છે તેવી તે પોતાની ભાવનાઓ સિદ્ધ કરવા ઉત્સુક હતી. પતિને એવી ભાવનાઓમાં રસ નહોતો પડતો. તેમ પત્નીને એના કોડ સંતોષવાની જોગવાઈ કરી આપવાની ધર્મબુદ્ધિ એમનામાં નહોતી. પતિપત્ની વચ્ચેનો અણગમો દૂર થયો હતો પણ પત્નીનું હૃદય હજુ પતિ પાસે ખૂલ્યું નહોતું. પતિનું હૃદય તે સમજી શકી હતી અને તેમની ઇચ્છાઓ પ્રગટ થયા પહેલાં સમજીને સંતોષતી. સવારમાં વહેલી ઊઠી પતિના બૂટ સાફ કરતી અને હજામત કરવાની ચીજો તૈયાર કરી ટેબલ પર મૂકતી. રાત્રે નીચેથી ઉપર આવતી ત્યારે પતિનાં કપડાં સમા કરી ઘડી વાળી કબાટમાં મૂકતી. મેલાં થયેલાં કપડાં ધોવા આપવા એક કંડિયામાં એકઠાં કરતી અને નવાં કપડાં કબાટમાંથી કાઢી બટન વગેરે નાંખી તૈયાર કરતી. પતિનું માથું ઓળતી. રાત્રે કે સવારે જે વખત મળે તેટલામાં બને તેટલી તજવીજ કરી પતિને અનેક વ્યવસાયમાંથી મુક્ત કર્યા હતા. પતિ આ સર્વ સેવા રાજીખુશીથી સ્વીકારતા. પત્નીનો ઉપકાર માનતા નહીં, કારણ કે સેવા ઉઠાવવી એ પત્નીની ફરજ છે. એમને મન એક જ ઊણપ રહી જતી – પત્ની એમને જમાડતી નહીં; ચા પાવા આવતી નહીં; અને નવરાવતી નહીં એ જરા એમને સાલતું પણ માની આમન્યા કેમ તોડાય? અણગમતી વહુ જોડે પાનું પડ્યું કેમ નભાવે છે તે જાણવા એના મિત્રો ઉત્સુક હતા. પણ પત્ની વિષે વાત તે કોઈ આગળ કરતો નહિ છતાં તેની વર્તણૂક પરથી સૌ કળી ગયા હતા કે બાયડીએ એને વશ કર્યો હતો. મંગળાને વાંચવાનું મન થતું. દિવસે ફુરસદ મળતી નહીં અને ફુરસદ મળતી તો સાસરામાં વહુઓને વાંચવા બેસવાનો રિવાજ નહોતો. રાત્રે મોડાં પતિના શયનખંડમાં જવાનું, ત્યારે પતિ શૃંગાર વિનોદને માટે ઉત્સુક હોય. એટલે વાંચવાનું બની શકે નહીં. આવી સ્થિતિમાં મંગળા હિંમત હારી નહીં. સવારમાં વહેલી ઊઠતી અને વાંચતી. જે ચોપડી અને ચોપાનિયાં પિયરથી લાવી હતી તે વંચાઈ રહ્યાં, હવે શું વાંચવું? પિયરથી નવી ચોપડીઓ મંગાવે તો વખતે સાસુનો ઠપકો સાંભળવો પડે. પતિને કહી મંગાવે પણ પતિ એમ પૈસા ખર્ચશે? અથવા એવા ખર્ચ માટે એમને હાથખર્ચી મળતી હશે? અને ન મળતી હોય તો પોતાના મોજશોખના ખર્ચ કમી કરી બચતમાંથી તેને માટે પુસ્તકો લાવી આપે? પુસ્તકોની વાત એક વેળા પતિ આગળ કાઢી પણ તેને તેથી કંટાળો આવ્યો. મનને કટાવા તો ન જ દેવાય. વાંચવાનું ન મળે તો લખવું. સવારે ઊઠી લખવા માંડ્યું. એના આત્મસાગરમાં અનેક તરંગો ઊછળવા લાગ્યા. પોતાનાં લખાણોથી એ પણ અજાયબ થવા લાગી. આવા વિચાર, હાવભાવ તેનામાં છે એ નવો અનુભવ થયો. આપણું સર્વ પ્રભુને સમર્પણ કરીએ છીએ તો આપણા સારા વિચારો અને ભાવો પણ તેને જ સમર્પણ કરવા જોઈએ. પ્રભુની પ્રતિકૃતિ મનુષ્યજાતિના ઉદ્ધાર, આશ્વાસન કે વિનોદ માટે સમર્પણ કરવાથી પ્રભુ રાજી થાય છે અને આપણી મારફત પોતાનો પ્રવાહ મનુષ્યો અર્થે વહેવડાવે છે, આવું મંગળા માનતી. કાળનો પ્રવાહ વહ્યો જતો હતો. મંગળા અને મગનલાલનો સંસાર પણ નવનવા સવાર અને નવનવી રાત્રિ જોતો વહ્યો જતો હતો. સહવાસથી મંગળાને લાગ્યું કે મગનલાલમાં સારા સંસ્કારનાં બીજ છે, શક્તિ છે પણ ભાવના નથી. આખું જીવન જ્વલંત કરે એવો આદર્શ નથી. આદર્શના અભાવે આત્મસાક્ષાત્કાર(self realisation)ની તીવ્ર આકાંક્ષા નથી. આકાંક્ષા ન હોય તો આત્મવિકાસના પ્રયત્ન હોય જ શાના? પ્રયત્ન વિના સંકલ્પબળ ખીલે ક્યાંથી અને સંકલ્પ વિના સાધારણ મનોબળ પણ સિદ્ધ ક્યાંથી થાય? પત્ની પતિની માત્ર છાયા નથી – નિર્માલ્ય આવૃત્તિ નથી તેમ માત્ર શિષ્યા થવા જ સર્જાયેલી નથી. દંપતી થયાં પછી સુખે જિંદગી ગાળવાનો દરેક સ્ત્રીપુરુષનો હક છે પણ મહેનત વગર હક ભોગવાતો નથી. પત્ની અભણ, અરસિક, અસંસ્કારી હોય તો તેને ભણેલી, રસિક, સંસ્કારી કરવાની અભિલાષા પતિને થાય તો એથી ઊલટી સ્થિતિમાં પત્નીને શા માટે ન થવી જોઈએ? પત્નીમાં શક્તિ હોય તો પતિને પોતાની માનસિક ઉચ્ચતાએ લાવવા તે પ્રયત્ન ન કરે તો તેની શક્તિ નકામી છે અને તેનું જીવતર રદ છે. આવા ખ્યાલથી નાની નાની ચીજોમાં પતિના સંસ્કાર ખીલવવા મંગળાએ નાના પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવા માંડી. પતિને વર્તમાનપત્ર વાંચવાનો શોખ હતો. પોતાને પણ હતો, બન્નેના શોખ સરખા થયા એટલે વર્તમાનપત્રમાં પ્રકટ થયેલા પ્રસંગો, લેખો વગેરે સંબંધી એમને લાંબી વાતો થતી. મંગળાને વાતમાં મગનલાલ કરતાં પોતાની કેળવણી વધારે સંગીન અને સંસ્કારી હોવાની અનેકવાર ખાતરી થઈ હતી પણ કુનેહથી પોતાની ઉત્કૃષ્ટતા બહાર પડવા દેતી નહીં છતાં મગનલાલને તેની સાથે વાત કરવામાં અજબ રસ પડતો. નવા નવા દૃષ્ટિબિંદુઓ એને સૂઝતા. હમણાં હમણાં મિત્રોમાં એના જ્ઞાન અને અનુભવ માટે વધારે પૂજ્યભાવ થવા માંડ્યો છે. મનુષ્યજીવનના લગભગ દરેક પ્રદેશ વિશે અવારનવાર કાંઈ ને કાંઈ ઉલ્લેખ વર્તમાનપત્રોમાં હોય છે. વર્તમાનપત્રના વિષયો પરથી થતી વાતચીતમાં કુદરતી રીતે આ દરેક પ્રદેશ વિશે વાત થતી. એ પ્રદેશોનાં સ્વરૂપ અને મૂળતત્ત્વો વિશેનું મંગળાનું જ્ઞાન મગનલાલને અજાયબ કરતું. સૌંદર્ય પ્રતિ મગનલાલને ઘણો પ્રેમ હતો. એણે એના વિવિધ સ્વરૂપોના નિરીક્ષણ અને અભ્યાસ કર્યાં હતાં. પોશાક, પ્રસાધન, રહેણાક વગેરેમાં સૌંદર્યનો આવિર્ભાવ કેવી રીતે લાવી શકાય તેનો તે નિરંતર વિચાર કરતો અને સૂઝે તેટલું અમલમાં મૂકતો. સૌંદર્યના પ્રસંગોની વાતો હંમેશ એને અને મંગળાને થતી. એમાં પણ મંગળાની ભાવના અને દર્શન એને નવું નવું શીખવતાં. એનું સૌંદર્યદર્શન માત્ર સ્વાર્થી હતું એનું એને ભાન નહોતું. વિલાસનું બીજું રૂપ સૌંદર્ય હોય એવું એનું વર્તન હતું. છતાં એ સૌંદર્યપૂજાનું સ્વરૂપ મંગળા ધીમે ધીમે ફેરવવા લાગી. ગામની પુસ્તકશાળાના સભાસદ થવાની એણે મગનલાલને પ્રેરણા કરી ત્યાંથી નવનવા, જાતજાતના ગ્રંથો, ચોપાનિયાં મંગાવવા માંડ્યાં. મંગળાના પ્રતાપથી અંજાઈ કે તેના ખરા ગુણોના આકર્ષણથી મગનલાલ મંગળા સાથે માનસિક વિહારમાં રાત્રિ ગાળતો. પુરુષો પુરુષોની મૈત્રીમાં જેટલો આવો વિહાર નભે તેટલો દંપતીની મૈત્રીમાં નભે નહીં અને વખતે એનાં માઠાં પરિણામ પણ આવે એ મંગળા સારી પેઠે જાણતી હતી. મિત્રો સાથે જે માનસિક વિનોદ માણ્યા હોય તે પાછા પત્ની સાથે માણવા કોઈ યુવક તૈયાર નથી હોતો. પુનરાવૃત્તિથી ઓડકાર અને અણગમો આવે છે, સ્ત્રીપુરુષના સમાગમમાં રસ અને શૃંગારને સ્થાન હોય. પુરુષો એના જ ભૂખ્યા હોય છે. આમ હોવાથી ઘણા યુવકો પોતાની પત્નીઓની તીવ્ર ઇચ્છા હોવા છતાં તેમને કેળવી શકતા નથી. ગ્રંથવાંચનથી અને અનુભવથી આ સમજતી હોવાથી મંગળા પત્નીપણું વિસરી જતી નહોતી પણ મગનલાલને રસના પણ એવા એવા પ્રસંગોનો અનુભવ કરાવતી કે એના વિકાસની આડે એની કુદરતી વૃત્તિઓ આવી શકતી નહીં.

*

બેત્રણ મહિને મુંબઈ જઈ સહેલ કરી આવવાની મગનલાલને ટેવ હતી. આ વખત મંગળાને સાથે લઈ જવાની ઊર્મિ ઊઠી પણ માબાપ એવી છૂટ આપે એવો સંભવ નહોતો એટલે મનનો મનોરથ મનમાં રહ્યો. દસ દિવસ રહેવાનો વિચાર કરી મુંબઈ ગયો હતો પણ પાંચ-છ દિવસ વીત્યે પાછો આવ્યો. મંગળા વગર ત્યાં ગમ્યું નહીં. મિત્રો અને મિત્ર–પત્નીઓ, જેમના સહવાસ માટે મુંબઈ જતો તેઓ આ વખત તેને મંગળાથી ઘણાં ઊતરતાં, તદ્દન સામાન્ય લાગ્યાં. એમની રીતભાત, વાતચીત તેને ઊણાં ઊણાં લાગ્યાં. મુંબઈમાં વિલાસમોજ ઉડાવવાનાં સ્થળોએ તેને મંગળાની ગેરહાજરી એટલી બધી સાલતી કે તે સહેજ પણ મોજ–આનંદ માણી શક્યો નહીં. એ સ્થળો વિશે દંપતીએ અનેકવાર વાતો કરેલી એટલે એ મજા ભોગવવા અને એમાંથી નવી નવી મજા બતાવવા મંગળા સાથે નહોતી તેથી એનો રસ ઊડી ગયો. મંગળા કેવું રત્ન છે તેની તેને કાંઈક કદર થઈ. માત્ર ફેશનદાર કપડાં પહેરવામાં કે ઘાટીલા શરીર અને ગોરા રંગના માલિક થવામાં જ જિંદગીનો લહાવો નથી એવું એને ભાન થયું. આ વાત મિત્રોને એણે કરી. ખાટી દરાખની કથા તેઓએ સંભારી આપી.

[અપૂર્ણ]