રણજિતરામ ગદ્યસંચય – ૧/ખવાસણ
‘સ્વરાજ્ય માટે જ્યારે હાકલ વાગી રહી છે, ખેડૂતોની સ્થિતિ સુધારવા પ્રયત્નો ચાલી રહ્યા છે, સ્ત્રીકેળવણી વધારવા ચળવળ ચાલી રહી છે, ગુજરાતનું ગૌરવ વધારવાનો ઘોષ ગાજી રહ્યો છે ત્યારે એક ખવાસણની મૂંઝવણો સાંભળવા કોઈને ફુરસદ હશે ખરી? ‘નાતોનાં ત્રિમાસિક નીકળે છે તેવું અમારું ચાકરનોકરોનું ચોપાનિયું નીકળતું હોત તો અમારી મૂંઝવણો તેમાં પ્રગટ કરત. અમારી સ્થિતિનું કવન કરવા કોઈ કવિ તૈયાર હોત, નાટકમાં અમારો વૃત્તાંત વસ્તુ તરીકે ગૂંથવા નાટક કંપનીનો કોઈ ‘કવિ’ તૈયાર હોત, અમારી ‘ત્યાગમાળા’ની છબી પાડનાર કોઈ ભેદવાર હોત, અમને સુખી કરવા કોઈ સિન્દે કે જોશી હોત, અમારાં દુઃખ નિવારણ કરવા સી. આઈ. ડી.ની ખાસ પલટણ હોત, બાળકોનાં કે જાનવરોનાં રક્ષણ માટે જેવી મંડળીઓ છે એવી અમારે માટે મંડળીઓ હોત, અમારી તરફદારી કરનાર કોઈ લાભશંકર લક્ષ્મીશંકર હોત, અમારા ઉદ્ધાર માટે મુક્તિફોજ પ્રયત્ન કરતી હોત, અમારો ખાસ પ્રતિનિધિ ધારાસભામાં વિરાજતો હોત તો મારે જાતે મારી આપદાઓ પ્રકટ ન કરવી પડત. ‘જન્મથી જ હું કમનસીબ છું. આમાંયે એવી જ નીવડી છું. પેલે ભવ કેવાં ઘોર પાતક કર્યાં હશે તે આ ભવ આવા દુઃખમાં કાઢું છું. કોઈ શાસ્ત્રી, કોઈ પુરાણી, કોઈ સાધુ એ પાપો બતાવશે? કે ફરીથી એવાં પાપ ન થાય તેની કાળજી તો રાખી શકું! મારે આવો ને આવો ભવ હવે નથી જોઈતો. ઓ મારા પ્રભુ! સાંભળીશ મારા હૈયાની ચીસ? ‘પણ વાંચનારા અધીરા થયા હશે. મારી વાત જ ચલાવું. મને તો અંગ્રેજી નથી આવડતું પણ ચિત્રો જોવાથી થોડી ઘણી હકીકત જાણું છું. એક સાહેબે પોતાના દેશી નોકરો વિષે પુસ્તક લખ્યું છે; તેમાં તેમની હાંસી કરી છે. હોય ભાઈ, નીચી બોરડી સૌ ઝૂડે. પેલા સિંહ અને માણસની વાત. નોકરો ખરાબ અને શેઠ સારા. ગુજરાતી ભાષામાં કોઈ નોકરો તરફથી વકીલાત નહીં કરે? મારાથી કહેવાય તેવી મારી જ વાત કરવા દ્યો. તેની જ અસર થાય તો સોનાથી પીળું શું? ‘અમને ખવાસોને ઓળખતા હશો. રાજાના અમે વગર ખરીદાયેલા ગુલામો. રાજકુંવરીની સાથે અમે પણ દાયજામાં જનારા. અમારે ન મળે વતન. અશ્વત્થામાની પેઠે શાપિત હોઈએ તેમ અમે ભટકનારા છીએ. ન મળે અમારે કુટુંબના પવિત્ર સંબંધો. ન મળે અમારામાં લોહીની શુદ્ધિ. રાજાઓ અમને પરણાવે છતાં પોતાની રખાતો પણ બનાવે. અમારે છૂટાછેડા કરવાની સદર પરવાનગી. અમારામાં બધી વર્ણોનો સમાસ થાય. મુસલમાન પણ અમારામાં રાજાના હુકમથી દાખલ થાય. રાજાઓ અમારાં કુટુંબો છિન્નભિન્ન કરે તેમ રાણીઓ પણ કરે. અમારા દીકરાઓ રાજા પણ થઈ બેસે. ‘આવા લોકોમાં મારો જન્મ થયો હતો. ઘરનું સુખ અમારે નસીબે ઓછું હોય છે. ખવાસણો અનેક ઘર કરે એટલે બાપનું હેત અમે જાણતા નથી. માની છાયામાં અમારો ઉછેર. પેટ માટે મા જ્યાં ચાકરી કરતી હોય ત્યાં અમારે પણ જવાનું. પેટીયું આપે તેમાં થાય તેવું કામ કરવાનું અને માના શેઠનાં છોકરાંઓ સાથે તેઓ રમાડે ત્યાં લગી રમવાનું. મા પરવારે ત્યાં લગી ઘેર જવાય નહીં. ઊંઘ આવે તો ગમે ત્યાં સૂવાનું, પછી ટાઢ હોય, વરસાદ હોય કે રોગચાળો હોય. ભૂખ લાગે તોયે મોં વિકાસી રહેવાનું અને પેટ પંપાળવાનું. ભૂખ ન હોય ત્યારે અકરાતીઆની પેઠે ખાવાનું. નહાવા-ધોવાનું તો માને ફુરસદ મળે ત્યારે. માંદી પડું તો કુદરતની દવાથી સારા થવાનું. શેઠનાં છોકરાંનાં જેવાં લૂગડાં પહેરવાના કે તેમનાં રમકડાંથી રમવાના કે તેઓ ખાતા હોય તે ખાવાનું. ખાવાના કોડ મનમાં જ રાખવાના. આવી હશે ગુલામગીરી બીજે ક્યાં? ‘મોટી થવા લાગી. હતી હું દેખાવડી. ગમે ત્યારે મળે છતાં શેઠને ત્યાંનું ભોજન! અમારા ગરીબોના છાશ રોટલાથી તો ચડિયાતું. શેઠને ત્યાં બંગલામાં રહેવાનું. સૂવા ફાટી ગોદડી કે ઓટલા પરનો ખૂણો હોય તોયે ખુલ્લી હવામાં રહેવાનું એટલે રૂપ ખીલે અને બધાની આંખને વળગેયે ખરું. ‘પ્રભુ! તારા વિશ્વમાં અમારા જેવી કોઈની આબરું નહીં હશે. અમારામાં કોઈથી સતી થવાય નહીં એવો શું મનુમહારાજે કાયદો કર્યો છે? અમારી ઈચ્છા સતી રહેવાની હોય છતાં દુનિયા અમને તેવી ન રહેવા દે એ પણ અમારી ગુલામગીરી. મારે વાસ્તે ઘણા ઘણા મનસુબા કરતાં. શેઠ ઘડે તે જુદા. શેઠના દીકરા કે ભાણેજ – શેઠાણીના ભાઈ ઘડે તે જુદા. અમારે ત્યાં આવતા મહેમાનો ઘડે તે જુદા અને અમારો નોકરવર્ગ ઘડે તે જુદો. બળ્યું એ રૂપ, બળી એ ખીલતી જુવાની, બળી એ શેઠની નોકરી. શેરીમાં ઊછરતી પેલી બ્રાહ્મણ ટપુડી કેવી ભાગ્યશાળી છે! છે એને આવા સંતાપ? એનું વેવિશાળ થઈ ગયું છે અને વર્ષ-બે વર્ષમાં પરણી સાસરે જશે. પણ મારે ક્યાં સાસરે જવાનું હતું? જે વૈતરું કરવામાં માએ આવરદા ગુમાવ્યું તેમાં જ દીકરીને પડવાનું હતું. પરણીને પારકે પરદેશ ચાલી ન જાઉં માટે એક પટાવાળા સાથે મને પરણાવવાનું નક્કી થયું હતું. એવામાં અમારી નાતના એક બૅરિસ્ટરની બાયડી મરી ગઈ. તેને જોઈતી’તી રૂપાળી બાયડી. મારું માગું આવ્યું. ત્રણસેં ચારસેં રૂપિયા મારી માને આપવા તૈયાર થયો. હું હરખાઈ. મારી મા હરખાઈ. પણ શેઠાણીએ ઘસીને ના પાડી અને તેનું બીજે ચોકઠું બેસાડી આપ્યું. બીડેલું નસીબ તે ક્યાંથી ખૂલે? ટૂંકું કર્મ ટૂંકું રહેવા જ સર્જેલું. ગયે જન્મ બીજાને ઠાર્યા હોય તો જ આ ભવમાં ઠરી એ ને? ‘જેની સાથે બેલા બંધાવાનાં હતાં તેની સાથે ફેરા ફરી. તેનું ઘર માંડવા શેઠાણીએ સુગમતા કરી આપી. પણ ત્યાંયે ક્યાં સુખ હતું? ધણી દારૂડિયો હતો. કમાતો તે બધું પીઠામાં ઉડાડતો. મહિનો પૂરો ન થાય તે પહેલાં તો તેનો ટૂંકો પગાર ખરચાઈ જતો. ખાવાને દિવસોના દિવસ સાંસાં પડતાં. શ્રીમંતોને ત્યાં ઊછરેલી એટલે મને પથરો તાણવાનું આળસ. બીડી વાળતાં કે ચોપડીના ફરમા વાળતાં કે ટોપી ભરતાં આવડતું નહોતું. ઘરવૈતરામાંથી માંડ માંડ છૂટી હતી એટલે પાછું તે કરી સાલ્લાકાપડા માટે બેત્રણ રૂપિયા કમાવાની પણ દાનત નહોતી. સાથે રૂપની પણ ચિંતા હતી. કોઈ અમલદારની નજરે તે પડ્યું તો પછી જોઈ લ્યો મારી કમબખ્તી. ‘સુખેદુઃખે બે-ત્રણ વર્ષ કાઢ્યાં. મારો સંસાર મારી માને ગમ્યો નહીં. તેણે છૂટાછેડા કરાવ્યાં પછી સારું ઠેકાણું જોઈ મને તેના ઘરમાં બેસાડી. પૂર્વ ભવમાં કાંઈ સુકૃત્ય કરેલાં, બ્રાહ્મણ જમાડેલા, મંદિરે દીવો ડોખલો કરેલો, વ્રતઉપવાસ કરેલા તે ત્રણ-ચાર વર્ષ સુખમાં, નિરાંતમાં ગયાં. પણ પાછું ભાગ્યનું ચક્ર ફર્યું. ભાયડો કોઈના ફંદામાં ફસાયો. બધી કમાણી ત્યાં ખરચવા લાગ્યો. મારે નકોરડા અપવાસ કરવા પડ્યા. હું મરવા જેવી થઈ ગઈ. મરી હોત તો સારું પણ હજુ શું શું વેઠવાનું હશે. કર્યા કર્મ ભોગવ્યા વિના છે કાંઈ આરો? ‘આ દુઃખદ સ્થિતિ હતી તેવામાં મારી માનાં શેઠાણી અચાનક મારે ગામ આવી ચડ્યાં. મારી ખબર કઢાવી તો ભૂખમરાની દશા જોઈ. રહેમ લાવી મને પોતાને ત્યાં રાખી. મારો ટેક બધો ગળી ગયો; શેખચલ્લીશાઈ સંકલ્પો ઊડી ગયા. મારી માની માફક હું પણ, જેને વૈતરું ગણતી હતી તે, કામકાજ કરવા લાગી. દુનિયા પોતાની જુવાનીનો લહાવો માણે ત્યારે આ દુહાગણ ખવાસણ પારકાંના વૈતરામાં પોતાનું શરીર રોકતી હતી. પાંજરામાં પુરાયેલા પંખીની જેમ રહેતી હતી. આજથી માણસપણાને તિલાંજલી આપી દેવા માંડી હતી. ચોવીસે કલાક ખડે પગે ચાકરી કરવાની હતી. અમારો મોટરવાળો ઘણી વાર કહે છે કે હિન્દુઓ કરતાં સાહેબોની નોકરી સારી. બધું વરધીસર નિયમસર કામ. હિન્દુઓમાં તો કશો નિયમ જ નહીં. મનમાં તરંગ ઊઠ્યો ત્યારે કામ, બાકી સવારથી દિવસનું કશું નક્કી જ નહીં. નક્કી હોય તો અમારે ચોવીસે કલાક કામ શા માટે કરવું પડે? નિરાંતે નિદ્રા મસાણમાં લેવાનું મુલતવી રાખ્યું હતું. આરામ, વિનોદ, મઝાની આશા આવતા ભવ પર રાખી હતી. ચાકરી એકની નહોતી કરવાની, પણ અનેકની, શેઠાણીની, શેઠની, શેઠાણીના દીકરાઓની, દીકરાની વહુઓની, શેઠાણીની દેરાણી-જેઠાણીની, કાકી-મામીની, બેન–ભોજાઈની, મહેમાનોની, વડારણોની. કોની નહોતી કરવાની? સૌ દિલ્હીના બાદશાહ. મોંમાંથી બોલ પડ્યો કે તરત કામ થવું જોઈએ. ‘સ્વીચ’ પાડી કે વીજળીની બત્તી થાય, પણ ઘાસલેટનો દીવો સળગાવતાં કેટલી બધી વાર લાગે? ‘હેન્ડલ’ ફેરવ્યો કે મોટર ચાલી પણ ઘોડાગાડી જોડી હાંકતાં કેટલી બધી વાર લાગે? સંચાઓ જે કામ સપાટામાં કરી આપે તે માણસે એથી પણ વધારે ઝડપથી કરવું જોઈએ એવું ધારવામાં શેઠાઈ છે. હુકમ કરનારા અસંખ્ય અને કામ કરનારી હું એકલી. ભૂલ કાઢવા સૌ તૈયાર પણ મદદ કરવા કે આસાયેશ આપવા કોઈ નહીં. બધાના મિજાજ જુદા, રોફ ઓર. જે આવે તે મને છૂંદતું જ આવે; શેઠાણી પાસે મિનિટે મિનિટે મારે માટે ફરિયાદો થાય અને મારે હંમેશ ઠપકો સાંભળી રોવું પડે. રોઈ રોઈ કીકીઓ કાણી ન થઈ એટલું વળી પરમેશ્વરે મારા ગરીબ સામું જોયું છે. શરીર ઘસીને સૌનું કામ કરું. સૌની તહેનાતમાં હાજર હરઘડીએ રહું છતાં કદર નહીં. આટલું આટલું કર્યા છતાં દિવસ ઊગે ત્યાંથી મધરાત લગી હડહડે થવું પડે, મહેણાં, કાળજું વીંધી નાખે એવાં મહેણાં સાંભળવાં પડે તો ઓછું આવે. કામ કરતાં જરા પણ મોં પડી ગયેલું જણાય કે વરસે ઠપકાનો વરસાદ. નોકર ઠરી એટલે દિલમાં દાવાનળ ભડભડતો હોય પણ મુખ ઉપર તો પ્રસન્નતા જ રાખવી જોઈએ. રખેને શેઠની લક્ષ્મી રીસાઈ જાય! માટે સહેજ પણ ખિન્ન થવાનો અધિકાર નહીં. ઋષિઓ ગમે તેવું તપ કરતા હતા પણ આવો સંયમ એમને પાળવાનો નહોતો. તેઓનો કામ અને ક્રોધ તપ છતાં પ્રજ્વલિત રહેતો પણ અમારે તો અમારી બધી જ્વાળાઓ હોલવી નાંખવાની હતી. અમારી દુર્દશાની તે કાંઈ અવધિ હતી? પ્રભુએ માણસના મન જેવું ચંચળ કાંઈ બનાવ્યું નથી. મારે એવાં સત્તરપંદર ચંચળ મનની તબિયત સાચવવાની હતી. તેમાં અમારાં નાનાં બેનસાહેબથી તો તોબાહ પરમેશ્વર. એમને જરામાં વાંકું પડતાં વાર નહીં. દૂધમાંથી પોરા કાઢવામાં એમનો પહેલો નંબર. કોઈનું વાટવામાં એમની આવડત અજબ. દિલમાં રહેમ કે દયા મળે જ નહીં. માત્ર વૈતરું કરવું એ જાણે ઓછો સંતાપ હોય તેમ આટલું આટલું કર્યા છતાં કોઈનો વિશ્વાસ નહીં. ઘરમાં કાંઈ પણ વસ્તુ ન જડે કે તરત જ અમારા પર વહેમ આવ્યો જ છે. અમારી પછવાડે જાસૂસો ફરતા હોય. એકલી ક્યાંય ન ધીરે તે તો જાણે સમજ્યા. પણ શેઠાણીના જાસૂસ જુદા, ભાભીસાહેબના જુદા, મામીસાહેબના જુદા, કોના ગણાવું અને કોના ન ગણાવું? પ્રભુ! અમે નોકરો તે માણસો જ નહીં. મારી આગળ બધાંનાં લક્ષણ-અપલક્ષણ ચોખ્ખાં જણાતાં. જગત આગળ ગમે તેટલું છુપાવે, પણ મારી પાસે કાંઈ છાનું રહેતું નહોતું. જગતને ગમે તેમ છેતરે પણ મને છેતરાય એમ નહોતું. હશે પ્રભુ! સૌનું કર્યું સૌ ભોગવશે. ‘શેઠોની જાસૂસીથી વધારે જાસૂસી તો અમારા નોકરોની મને વધારે સાલતી. અમારાં શેઠાણી હતાં કાનનાં કાચાં. નોકરમાત્રને એમના માનીતા થવાનો અભખરો હતો. એકબીજાનું કાપ્યા વિના માનીતા ન થવાય એ એમનો સિદ્ધાંત હતો. એથી કેટલું જૂઠાણું ચાલતું, કેટલી ખટપટો ચાલતી, કેટલાનાં સુખ નાશ પામતાં પણ સ્વાર્થના કીડાઓને છે દરકાર કશાની? જો શેઠાણી પાસે કામકાજ કરવા હું એકલી પડી ગઈ તો તરત જ બીજી વડારણ ત્યાં ગમે તે બહાને આવવાની. રખેને હું શેઠાણીના કાન ભંભેરી તેનો પગ ટાળું.’ ‘શેઠાણીના માનીતા થવામાં જાણે સ્વર્ગનું રાજ્ય મળી જવાનું હોય ને? શેઠાણી બહુ જ કુરબાન થાય ત્યારે એક-બે કપડાં સીવડાવી આપે અથવા પોતાના એક-બે સાલ્લા-ઘાઘરા પહેરવા આપે. બહુ થાય તો ઠોળીયા કરાવી આપે. પણ સૂવાની, બેસવાની, નહાવાની અલાઈદી મલાજાવાળી તજવીજ થોડી જ કરી આપવાનાં હતાં? ટાઢું, સડેલું, હલકું ખાવાનું તો કોઈ દિવસ થોડું જ ઓછું કરવાનાં હતાં? લીલો કે સૂકો મેવો સડી જાય, મીઠાઈ ગંધાઈ જાય, ફરસાણ ફુગાઈ જાય ત્યારે અમને ખાવા અપાય, જાણે પરમેશ્વરે અમારાં અને એમનાં શરીર જુદાં ઘડ્યાં હોય! એ માંદાં પડે અને અમે ન પડીએ! માંદા પડીએ ત્યારે ચાકરી પાછી દિલ દઈને કરે ખરાં ને? ઘોડો માંદો પડ્યો હોય ત્યારે તેની જેટલી સારવાર અને કાળજી રખાય તેવી અમારા નોકરોની કોણ રાખે છે? એક નોકર જશે તો બીજો આવશે પણ એક ઘોડો મરશે તો રૂપિયા હજારનું નુકસાન થવાનું. આના કરતાં તો ગુલામગીરી સારી. ગુલામની કિંમત આપી હોય એટલે પોતાના પૈસાની ચિંતા તો હોય. અને માંદા પડીએ તે પણ મોટો ફોજદારી ગુનો કર્યો એમ લેખાય. શરૂઆતમાં ઢોંગ કર્યો છે એમ જ ગણાય. અમારા અવગુણો હરેક રીતે ગવાય, આખો દિવસ મહેનત કરીએ એટલે શરીર પોષણ માગે. સ્વાભાવિક રીતે વધારે ખાઈએ એટલે મંદવાડ વખતે અમારો ખોરાક વગોવાય. કામકાજની આપદા પડે તો ચાંપીને દવા થાય. જરા હરતાં-ફરતાં થયાં કે તરત જ કામ પર ચડવું જોઈએ. આરામ, આસાયેશને માટે અમે સર્જાયેલા નથી. શરીર કહ્યું ન કરતું હોય, દાંતે દોરડી લઈ કામ કરવું પડતું હોય તો રજા માગીએ. પાછો થાય કચવાટ. પ્રસન્ન મને રજા આપે છે? હે અંગ્રેજ સરકાર! તમે સૌને રવિવારની રજા આપો છો, ઉનાળામાં બબ્બે મહિનાની રજા આપો છો, બીજા વારતહેવારે રજા આપો છો, બજારમાં પણ અમાસની પાકી પળાય છે, મિલોમાં પણ રજા હોય છે, પટાવાળાને પણ વારાફરતી પહેરો ભરવાનું હોય છે. શેઠ કામ કરવા ત્રણચાર કલાક લાગલગાટ બેઠા હોય ત્યાં તો શેઠાણી દોડાદોડ કરી મૂકે અને તબિયત બગડશે તબિયત બગડશે કરી ધમાલ મચાવી મૂકે. પણ અમને રજા નહીં, દિવસમાં આરામ નહીં, પણ શરીરના સ્વાસ્થ્ય માટે પણ, રજા નહીં. કારખાનાંઓમાં કામ કરતા મજૂરો માટે સરકાર કાયદા ઘડે છે પણ અમારે માટે ક્યારે ઘડશે? ‘નછૂટકે રજા મળી તો રજા પર રહીએ તેટલા દિવસનો પગાર કપાય. ચાકરીમાં અમારાં શરીર, મન અને આત્મા ઘસી નાંખીએ છતાં જુઓ બદલો. લક્ષાધિપતિઓ પોતાના મોજશોખમાં હજારો રૂપિયા ઉડાવે પણ અમારા ગરીબની કકળતી આંતરડી નહીં ઠારે. જ્યાં અમારા શરીર માટે આવી દરકાર તો પછી અમારા મનનો વિકાસ કરવા કે આત્મા ખોલવા તો શેની જ દરકાર હોય! પારસમણિના સમાગમમાં આવવાથી લોહ સુવર્ણ થાય છે. પ્રભુની ભક્તિ કરવાથી ગમે તેવો પાપી સ્વર્ગે સંચરે છે પણ શેઠિયાઓની નોકરી કરવાથી અમારો ભવ સુધરતો નથી. બગડે નહીં – અમારાં પૂર્વ ભવનાં સુકૃત્ય હોય તો. ‘કામની તાલીમ કોઈ આપે નહીં છતાં બધી જાતની આવડતની અપેક્ષા રખાય. વિલાયતના નોકરોની પ્રશંસા અવારનવાર કરવામાં આવે અને અમારા કામમાંથી પોરા કઢાય. વિલાયત જઈ આવેલા પાસેથી ત્યાંના નોકરો વિશેની વાતો સાંભળી હું તો દંગ જ થઈ ગઈ છું. જેવી તેમની આવડત, હોંશિયારી, ખબરદારી અને નિયમિતતા તેવી જ તેમની સ્વતંત્રતા, તેટલી જ તેમને માટે સુખ, આસાયેશ, મોજની સગવડ અને અનુકૂળતા. વખતસર કામ કરવું અને પછી કોઈના તાબેદાર નહીં. સેવા કરવામાં જેટલી ત્યાંની ચાકરડીઓ નિપુણ તેટલી જ પોતાના હક જાળવવામાં પાવરધી અને ખબરદાર. તેમને ધર્મપરાયણ કરવા ખ્રિસ્તી ધર્માનુયાયીઓ તરફથી જુદી જુદી રીતે કરાતી તજવીજો, ક્યાં મંદિરે જવાના કે કથા સાંભળવા જવાના અહીંના પ્રતિબંધ? પ્રતિબંધ અલબત્ત ચોખ્ખા પ્રતિબંધ નહીં પણ કામમાંથી પરવાર મળે ત્યારે જ દેહનું સાર્થક કરાય ને? વ્રત અપવાસ પણ ન થાય. શરીર એથી અશક્ત થાય તો વૈતરું પછી શી રીતે કરાય? દાન પણ ક્યાંથી કરવું? અમારા પગાર પાછા બહુ મોટા કે તેમાંથી અમે પુણ્ય વહોરી શકીએ. રોજ ચા પીવામાં કે તાર કરવામાં જેટલા રૂપિયા આ શેઠિયાઓ વાપરે છે એથી પણ ઓછું અમારું માસિક વેતન. દયા કોના પરત્વે બતાવીએ? અમે પોતે જ જ્યાં દયાને પાત્ર છીએ ત્યાં? ‘પ્રભુ! અમે નોકરો એટલે મનુષ્ય નહીં? અમને આત્મા નથી? અમને મોક્ષ માટે વાંછનાં ન હોવી જોઈએ? અમને જગતનો લહાવો માણવા હોંસ ન હોવી જોઈએ? અમારે શું પશુ જેવો જન્મારો કાઢવાનો? અમને શા માટે વૈભવમાં મૂકી તેના સુખથી વંચિત રાખતો હોઈશ?’