રણજિતરામ ગદ્યસંચય – ૧/તોળલ અથવા તોળીરાણી
[કલાપીનો ‘જેસલ અને તોળલ’ વાળો સંવાદ વાંચવામાં આવ્યો ત્યારથી જ તોળલ વિશે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી અને તે તૃપ્ત કરવા મારા કાઠિયાવાડી મિત્રો સમર્થ નીવડ્યા નહોતા. વિભાવરી સ્વપ્ન, સ્વરૂપ પુષ્પાંજલિ, કલાપીનો વિરહ આદિ કાવ્યોના કર્તા મહુવાના મસ્ત કવિ અને રાજવી કલાપીના મિત્ર ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી પ્રો. ગજ્જરના દર્શનાર્થે મુંબઈ આવેલા ત્યારે એમની મુલાકાત થઈ. એ પ્રસંગે તોળલ વિશે વાત કહેતા એમણે અદ્ભુત રસથી ભરેલા એ ભક્તાણીની જીવનકથાના કેટલાક પ્રસંગો કહ્યા. ત્યાર પછી બે-ત્રણ ભજનસંગ્રહો મારા વાંચવામાં આવ્યા. આ સંગ્રહોમાં તોળીરાણીનાં ભજનો ઉપરાંત એના વિશે લખાયેલાં ભજનો હતાં. મસ્ત કવિએ વર્ણવેલા ઘણાખરા પ્રસંગો વિશે ઉલ્લેખ આ બધાં ભજનોમાંથી મળ્યો છતાં વિશેષ અને ચોક્કસ જાણવાની ઇચ્છાથી ‘ગુજરાતી’ પત્રમાં જેસલ અને તોળલના જીવન વિશે પ્રશ્નાવલીભર્યું ચર્ચાપત્ર લખ્યું પણ એ પ્રશ્નો આજ દિન લગી અનુત્તર રહ્યા. આ પરથી મારા જાણવામાં આવેલી હકીકત પ્રગટ કરી વિશેષ શોધખોળ તરફ લક્ષ ખેંચવા વૃત્તિ થઈ છે. ગયે વર્ષે ‘ગુજરાતી’ના દિવાળીના અંકમાં એક લેખકે તોળીરાણીનાં ભજનો છપાવ્યાં છે અને ભક્તાણીના જીવન વિશે કાંઈ જાણવામાં ન હોવાથી અફસોસ કર્યો છે.] કાઠિયાવાડની એક નાટક કંપની જામનગર રાજકોટમાં જેસલ તોળલનો ખેલ કરતી હતી તે જોવા જનાર એક મિત્ર પાસેથી નાટકનાં ગાયન અને સારની ચોપડી મળી. મસ્તકવિએ વર્ણવેલા પ્રસંગો ઉપરાંત નાટકમાં ઘણા નવા પ્રસંગો હતા. પણ આ પ્રસંગો પરંપરાગત હતા કે નાટકના સંવિધાને ઉપજાવ્યા હતા તેનો ખુલાસો મેળવી શકાયો નથી. મારી શોધખોળ ચાલતી હતી તે દરમ્યાન મસ્તકવિના કનીયસ ભ્રાતા, શિવાજી અને ઝેબુન્નિસાના કર્તા અને કાઠિયાવાડના કંઠસ્થ અદ્ભુત સાહિત્યનો સંગ્રહ કરનાર હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીનો સમાગમ થયો. પોતાના સંગ્રહમાંથી એમણે માર્ગીપંથની ત્રણ ભક્તાણીઓ — તોળલ, રૂપાંદે અને લીલમબાઈનાં ભજનો પ્રસિદ્ધિ માટે મારે સ્વાધીન કર્યાં. તોળીરાણી માર્ગપંથની ભક્તાણી છે. આ પંથ કાઠિયાવાડમાં સારી રીતે જૂના વખતથી પ્રચલિત છે. હિંદુ નાતો મુસલમાન પાદરીઓના ઉપદેશથી ઇસ્લામ સ્વીકારી ખોજા કોમ બની છે તે નાતો માર્ગીપંથી હતી એવું ખોજાઓમાં હજુ લગી રહેલા કેટલાક રિવાજો પરથી પ્રતીત થાય છે. મર્હુમ સચેદીના નાનજીઆણી કૃત ખોજાઓના વૃત્તાંતમાં તેમ જ ખોજાઓ વિશે છપાયેલાં બીજાં પુસ્તકોમાં આ હકીકત સ્પષ્ટતઃ વર્ણવેલી છે. એ પંથનું મોટું મંદિર વઢવાણ પાસે દૂધરેજમાં છે, તેમ કાઠિયાવાડનાં ઘણાં નાનાંમોટાં ગામોમાં એના મંદિર અને ભક્તો છે. એ સંપ્રદાયનાં ભજનો ગાનારા બાવાઓ અને રામકીઓની મંડળી કાઠિયાવાડમાં પ્રવાસ કરનારાઓએ જોઈ હશે. વર્ષમાં અમુક અમુક તહેવારે અમુક અમુક સ્થળે એ પંથના ભક્તોનો મેળો ભરાય છે ત્યારે ભજનોની રમઝટ જબરી ચાલે છે અને ભક્તિમાં ગળી ગયેલા ઘણા ભક્તો ત્યાં આવે છે, આપણા પ્રાચીન જીવનનું આ સ્વરૂપ જોવા હું ભાગ્યશાળી નથી થયો એટલે વિસ્તારથી તેનું આલેખન કરી શકતો નથી. પોતાના પંથમાં તોળીરાણીની પ્રતિષ્ઠા ઊંચી છે. આદ્યશક્તિનો તે અવતાર લેખાય છે. તેનો જન્મ અદ્ભુત રીતે થયેલો મનાય છે. કાઠી કુળમાં તે ઊછરી હતી. ઉમ્મરે આવતાં તેનાં લગ્ન સાસટીઆ કાઠી સાથે થયાં હતાં. દંતકથા એવી છે કે દેવી હોવાથી માનવી સાથે તેણે સંસાર નહોતો માંડ્યો. પોતાના પ્રભાવથી પોતાના વાસ્તવ સ્વરૂપની સાસટીઆને પિછાન કરાવી તેને પોતાને અનુકૂળ કર્યો હતો. માર્ગીપંથમાં એનો પ્રવેશ શાથી થયો? એના માબાપથી કે પતિથી! એનો ગુરુ કોણ હતો? પોતાના સંપ્રદાયમાં તોળલ એટલી બધી ગળી ગઈ હતી કે હંમેશ સાસટીઆને ત્યાં ભજન થતાં અને વરવહુ પૂરી મસ્તીથી તેમાં રમઝટ બોલાવતાં. સાસટીઓ પણ તોળલના સહવાસે ભગત બની ગયો હતો. ભજનસંગ્રહોમાં એનાં બનાવેલાં ભજનો છે. કચ્છના અંજાર નગરમાં જેસલ નામનો જાડેજો રહેતો હતો. ભાઈઓ ભાઈને તકરાર થવાથી અથવા ગરાસ ન હોવાથી તે લૂંટવાનો ધંધો કરતો.. ‘જેસલ જગનો ચોરટો‘ એવું વચન ભજનોમાં છે. ‘લૂંટી કુંવારી જાન, મોડબંધા વર માર્યા, પાણિઆરીની હારો લૂંટી‘ વગેરે વગેરે આ લૂંટારાનાં ત્રાસદાયક પરાક્રમો (?) હતાં. કહેવાય છે કે એના જુલ્મથી હેરાન થયેલા વટેમાર્ગુએ એને મહેણું માર્યું, ‘અશક્ત, નિરાધાર વટેમાર્ગુઓને લૂંટી શું મોટું પરાક્રમ કરે છે? સાસટીઆ કાઠીની તોળલ ઘોડી લાવે ત્યારે ખરો.‘ વજ્રપાત થયો હોય તેમ જેસલ ચમક્યો અને વટેમાર્ગુઓને કનડવાનું ત્યજી તોળલ લેવા કાઠિયાવાડને કિનારે ઊતર્યો. ઘોડા ઉછેરવામાં કુશળ કાઠીઓની પોતાના જાનવર પરની મમતા મશહૂર છે, માથું જાય, ઘરબાર પાયમાલ થઈ જાય પણ કાઠી પોતાની ઘોડી કોઈને આપે નહિ. એ એનો શ્વાસ ને પ્રાણ છે, ‘કાઠિયાવાડના બહારવટિયા’ નામના પુસ્તકમાં મી. કીનકેડે ઘોડા વિશેના દુહાનું ઇંગ્લિશ ભાષાંતર આપ્યું છે તે પરથી એ વહાલ અને મમતાનો અનુભવ થશે. લૂંટારા જેસલે ઘોડી ચોરી લેવાનો સંકલ્પ કર્યો. કાઠીને ગામ ગયો ત્યારે ખબર પડી કે ભજનમંડળી જામી છે. એકતારાની ધૂન લાગી રહેલી અને તોળલ તથા સાસટીયાની સાથે ભક્તમંડળ ભજન ગાવામાં તલ્લીન થયેલું. શ્રોતાઓ પણ ભજન સાથે એકતાન થઈ ચિત્રવત્ બેઠેલા હતા. પાપી ચોર પર આ ભજનોની જરાયે અસર થઈ નહિ. ઊલટું પોતાનું કામ કાઢી લેવાની સંધી ઠીક હાથ આવી છે એમ માની વંડી ઠેકી ઘોડી બાંધી હતી ત્યાં ગયો અને દોરડું છોડતાં અગાઉ તેને પંપાળવા લાગ્યો. પણ વફાદાર ઘોડી ચેતી ગઈ. પોતાના માલિકને ચોરની હાજરી જણાવવા ખૂંખારી તોફાન કરવા લાગી. તોફાન કરતાં ખીલો નીકળી ગયો. આથી જેસલ ગભરાયો; કારણ કે ઘોડીના તોફાનથી ભજનમાં પણ ભંગ પડ્યો હતો અને સાસટીઓ તોફાનનું કારણ તપાસવા ઊભો હતો. પકડાઈ જવાની દહેશતે જેસલ ખંડના ભોરમાં સંતાઈ ગયો. સાસટીએ બહાર આવી જોયું તો કાંઈ જણાયું નહિ પણ ઘોડી છૂટી ગયેલી લાગી. ઊખડી ગયેલો ખીલો મજબૂત દાટવા ખંડની અંદર ખોદ્યો. આ સ્થળે જેસલની હથેળી હતી. અને તે સોંસરો ખીલો જમીનમાં દાટ્યો. હથેળી સોંસરો ખીલો જવાથી થયેલી વેદના થઈ જ ન હોય એવો જેસલ ખમીર થઈ સંતાઈ રહ્યો અને ભજનમાં લીન થયેલાને પણ હથેળીને લીધે વધારે જોર કરવું પડ્યું કે ઘાસ લોહીયાળ થયું તેની ખબર પડી નહીં. કામથી પરવારી પાછો ભજનમાં સામીલ થઈ ગયો. ઘોડી અત્યારે હાથ આવે એમ નથી એવું જોઈ રાહ જોતો વેદના ખમતો જેસલ ઘાસમાં જ લપાઈ રહ્યો. ભજન પૂરું થયું. આરતી થઈ. પ્રસાદ વહેંચાવા લાગ્યો. આખરે તોળીની થાળીમાં એક માણસને માટે પ્રસાદ વધ્યો. ‘બધા ભગતોને પ્રસાદ વહેંચ્યા છતાં વધ્યો કેમ? આટલામાં કોઈ હોવું જોઈએ.’ તોળલ બોલી. ‘ચાલો આપણે દીવો લઈ બહાર શોધીએ’ સાસટીઆએ કહ્યું. તપાસ કરતાં ખંડમાંથી લોહીની નીક વહેતી લાગી એટલે પડ ખસેડતાં છૂપાઈ રહેલો જેસલ જણાયો. તેની હથેળીમાંથી ખૂંટો કાઢી તેને બહાર આણ્યો. તોળલે પાણીથી તેની હથેળી ધોઈ પછેડો ફાડી લાંબા ચીરાથી પાટો બાંધ્યો અને પ્રસાદ આરોગવા દીધો. લોહી જવાથી અધમુવો થયેલો જાડેજો સારવારથી તાજો થયો એટલે સાસટીએ પૂછ્યું, ‘ભાઈ તમે ક્યાંથી આવ્યા છો? અને ખંડમાં કેમ સંતાઈ રહ્યા હતા?’ આગતાસ્વાગતાથી નરમ થયેલો નિર્ઘૃણ લૂંટારો અવનવા જ અનુભવમાં ઊતરી ગયો હતો. મનુષ્યની નૈસર્ગિક સાધુતા એનામાં જાગૃત થઈ હતી એટલે પોતાના આગમનનું પ્રયોજન અને વંડીની અંદર બનેલો બનાવ વગર સંકોચે કહી દીધાં. આ સાંભળી ઉદાર અને મહાનુભાવ તોળલે ઘોડી આપી દેવાનું પોતાના સ્વામીને કહ્યું. સાસટીઆએ તરત જ ઘોડીને પલાણ વગેરેથી સજ્જ કરી જેસલને સોંપી. જેસલ આ જોઈને દંગ થઈ ગયો. ઘોડી અપાવનાર કાઠિયાણી તરફ જોઈ રહ્યો. ઘોડી પર બેસી વંડી બહાર ગયો તોપણ તોળલ સામું જોયા જ કરે. આથી તોળલને વહેમ પડ્યો કે હજુ એના મનમાં કાંઈ રહી ગયું છે. પતિ પાસે હાક મરાવી જેસલને પાછો બોલાવ્યો. પૂછ્યું કે ‘ભાઈ હજુ શું જોઈએ છે?’ જરા પણ લજ્જા કે સંકોચ વગર જેસલે માગણી કરી ‘કાઠી! ઘોડી અપાવનાર આ સાધ્વી બાઈ મને આપ.’ સાંભળતાં જ કાઠીનાં રૂવાડાં ઊભાં થયાં અને જેસલ સાથે જવા ઘોડી પર ચઢી. માર્ગીપંથનાં અનુયાયીઓ હોવાથી સાસટીઆએ એને જવા દીધી? કે એને દેવી તરીકે માનતો હોવાથી? કે દેવી તરીકે જઈ પાપીનો ઉદ્ધાર કરે એવા હેતુથી? કાઠિયાવાડમાં આને મળતી દુહાબદ્ધ એક વાત છે. રા. રા. હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીના સંગ્રહમાંથી એનો સાર આપું છું. એક બાઈનાં લગ્ન ઢોલરા નામના શખ્સ સાથે થયાં પણ નાનપણથી દેવરા નામના શખ્સનાં ગુણ અને પરાક્રમ સાંભળેલાં હોવાથી એનું દિલ દેવરા પર લાગ્યું હતું. દેવરા સાથે નહિ પણ ઢોલરા સાથે લગ્ન થયાં અને સાસુ સાથે સાસરે જવા નીકળી. માર્ગમાં રાત પડી જવાથી વિસામો કરવો પડ્યો. ગામમાં મહેમાનગીરી કરનાર આબરુદાર મશહૂર ગૃહસ્થ દેવરો કરીને હતો. સાસુ-વહુ તેને ત્યાં જઈ ઊતર્યાં. વહુના હૃદયમાં વસનાર દેવરાનાં તેને સાક્ષાત્ દર્શન થયાં. એટલું જ નહિ પણ સાંભળેલા ગુણ નજરે પ્રત્યક્ષ નિહાળ્યા, હૃદયમાં નિગૂઢ રહેલો સ્નેહ ઊભરાઈ ગયો પણ હૃદય દોરે ત્યાં જવા તે અશક્ત હતી. પ્હો ફાટ્યે હૃદય ત્યાં મૂકી સાસુ સાથે દેહ લઈ તે ચાલી અને બીજે દી સવારે સાસરે પહોંચી. સાસુએ બેડું આપી પાદરેથી પાણી સીંચવા મોકલી. સવારની સાંજ થઈ પણ વહુ આવી નહિ તેથી ગભરાયેલી સાસુએ દીકરાને વહુની ભાળ કાઢવા મોકલ્યો. પાદરે જઈ જુએ છે તો એક દિશા તરફ નજરયોગ સાધી વહુ કૂવાકાંઠે ઊભી છે, હાથમાં સીંચણીઉં છે, ઘડો વગર ભરાયે કૂવાના પોલાણની હવામાં અદ્ધર તરે છે અને થાળા પર ખાલી હાંડા અને ઉઢણી હતાં. ચતુર ચેતી ગયો કે વહુને હજુ પિયર સાંભરે છે અને તેની વાટ ભણી તેની તરસી નજર વળી રહી છે, વહાલથી પાસે જઈ વહુને સમાધિમાંથી કુનેહથી જગાડી અને પાણી ભરાવી ઘેર તેડી આવ્યો. રાત્રે શયનખંડમાં પતિપત્ની ભેગાં થયાં ત્યારે
ઢોલા મ ઢાળ્ય ઢોલીઓ, ઢોલે[1] મન ઢળે નૈ;
મઝાલ મારા કપડની કોર, દુઃખ માનશે દેવરો.
આલમમશહૂર, પરોપકારી અને રસિક દેવરાનું નામ સાંભળતાં જ ઉચ્ચ તુખમ પ્રકાશી નીકળે છે. પરણીઅત પાસેથી કળથી તેના સ્નેહની કહાણી કઢાવે છે. પોતાને પ્રતીતિ થાય છે કે બાઈનું દિલ દેવરા સાથે લાગ્યું છે. જોરજુલમથી હવે એને પોતાની પત્ની કરવામાં સાર નથી પણ ઊલટું પાપ છે. બન્નેનો સંસાર કડવો અને દુઃખી નીવડવાનો. માટે બહેતર છે કે પોતાનું ગમે તેમ થાય પણ બાઈને સુખી કરવી. તરત જ ગાડું જોડી બાઈને દેવરાને ગામ લઈ જાય છે અને બનેલી હકીકત કહી બાઈને તેના વલ્લભને સ્વાધીન કરે છે. કૃતજ્ઞ દેવરો પોતાની બે બહેનો ઢોલરા સાથે પરણાવે છે અને ધામધૂમથી વિદાય કરે છે. આ વખતે દેવરાની મા પૂછે છે, ‘ઢોલરાએ તને એક બાયડી આપી અને તેં એને બે કેમ આપી?’
દીકરીયું દેવાય, વવું દેવાય નૈ;
એક સાટે બે જાય, તોય ઢાળ[2] માગે ઢોલરો.
એ જ સંગ્રહમાંથી બીજી વાતનો સારાંશ ઉતારીએ. હાટીના માળિયાનો પીઠો હાટી અને ભંડારિયાનો ભોજો કામળીઓ જબરા લૂંટારા હતા. બન્નેએ એકબીજાને જોયા નહોતા છતાં મરદાનીનાં પરાક્રમથી દોસ્તી બન્ને વચ્ચે હતી. એક વખત કામળીઓ મારણ કરવા ગયેલો અને ભંડારિયા પાસેથી આઘેથી લૂંટ કરી પાછો વળતો જતો હતો ત્યાં દોસ્ત સાંભર્યો એટલે ગામમાં પૂછતો મળવા જતો હતો ત્યાં પાદરે વાવડ મળ્યા કે ભોજો બહારગામ ગયેલો છે. આ પરથી તે પોતાને રસ્તે પડ્યો. પણ તેના આવ્યાની ખબર ભોજાની વહુ વેજલને થતાં જ તેણે પીઠાને પાછો વાળી પોતાનો મહેમાન કરી આગતાસ્વાગતા કરી. બે-ત્રણ દિવસ રાહ જોઈ પણ ભોજો આવ્યો નહિ એટલે પીઠો પોતાને વતન ગયો. મારણ પરથી ભોજો આવ્યો ત્યારે હલકા લોકોએ પીઠા અને વેજલ માટે તેના દિલમાં સંશય ઉપજાવ્યો. આથી ખીજવાઈ વેજલને ઘર બહાર કાઢી મૂકી અને મહેણે મહેણે તેને ખિન્ન કરી દીધી. વેજલ પહેલાં તો ગભરાઈ પણ વિચાર કરી મૂંઝવણમાંથી અને બેઆબરૂમાંથી રસ્તો કાઢ્યો. પીઠાની પરોણાચાકરી કરવામાં પોતે બદનામ થઈ તો હવે પીઠાના જ ઘરમાં જઈ બેસવું અને ભોજાની સામી આબરૂ લેવી એવો નિશ્ચય કરી તે માળિયા ગઈ. પાદર પરથી બેડું ભરી ચોરે પીઠો બેઠો હતો ત્યાં ગઈ અને
ઉજમમાંથી આવતી, મેં કાંઈ વાટે નથી કરી વેલ[3],
હાડી તું ઉતાર ને હેલ, નૈં તો પગમાંથી નીકળ પીઠીઆ.
પીઠો વિમાસણમાં પડી જાય છે. શું કરવું? હેલ ઉતારે તો કામળીઆ જેવા બહાદુર મર્દ સાથે નાહકનું વેર થાય છે. નથી ઉતારતો તો વેજલના પગમાંથી નીકળી જવાની ગેરઆબરૂ થાય છે. છેવટે ગામના આગેવાનોની સલાહથી હેલ ઉતારે છે. જ્યારે કામળીઆને આ ખબર પડે છે ત્યારે એનાં રુંવેરુંવાં ઊભાં થાય છે. અને પોતાના એક સગાને સાથે લઈ બાવાનો વેશ લઈ માળિયે વેર લેવા આવે છે. પણ ત્યાં પીઠાના હૃદયની ઉચ્ચતા, ઉદારતા, વીરતા, મમતા જોઈ પોતાનું વેર ભૂલી જાય છે અને હતી તેથી વધારે જબરી વજ્રલેપવાળી દોસ્તી કરી પીઠાને ત્યાં જઈ વેજલના હાથથી બન્ને જમે છે. આડકથા લંબાય છે છતાં બીજા બે પ્રસંગોનો સંક્ષેપમાં ઉલ્લેખ કરશું. હરણને શીંગડેથી રાંકા વાણિયાએ બાંધેલા વરસાદને છોડાવી પાછા વળતાં વરસાદમાં મડું થઈ ગયેલા એભલવાળાની સારવાર કરવા માટે સાંઈ પર એના ધણીએ હલકા લોકોની શીખવણીથી વહેમ ગયેલો ત્યારે પોતાનું સતીત્વ જણાવવા સાંઈએ પોતાના પર આરોપ મૂકનારને પત નીકળવાનો શાપ દીધો. સતીનો શાપ ફળ્યો અને સાંઈનો ધણી પતીઅલ થયો. એભલવાળાના મોટા કુંવરના લોહીથી સાંઈ એનો રોગ ટાળે છે. (જુઓ હરગોવિંદ પ્રેમશંકરનું કાવ્ય ‘એભલવાળો અને સાંઈ.’) બે જીવજાન દોસ્ત હતા. એક દોસ્ત બીજાને મળવા ગયો. ત્યાં દોસ્ત અને તેની વહુએ તેની સારી પરોણાચાકરી કરી. થોડા દિવસ રહી તે પોતાને વતન ગયો. વળાવી પાછાં આવ્યાં ને ધણીધણિયાણી સૂઈ ગયાં. મિત્ર જવાથી પુરુષને ઊંઘ નહોતી આવતી ત્યાં સ્ત્રીએ સ્વપ્નમાં લવતી સાંભળી અને લવારામાં મિત્રનું નામ સાંભળ્યું. પુરુષના વહેમી દિલને લાગ્યું કે બાઈનું ચિત્ત મારા મિત્ર પર આશક થયું છે માટે સવારે એને મિત્રને ગામ વળાવીશ તો સુખી થશે. બાઈ પતિવ્રતા હતી અને એના દિલમાં કશું નહોતું એટલે જવાની આનાકાની કરી. કૂતરા તરીકે ઘરની આસપાસ ભટકવાની આજીજી કરી પણ પુરુષે માન્યું નહિ અને બળાત્કારે મિત્રના ગામને પાદરે એને મૂકી આવ્યો. નિરુપાયે પતિના મિત્રને શરણે જઈ બનેલી વીતક કહે છે. બહેન તરીકે તેને પોતાને ત્યાં નિવાસ આપે છે અને જ્યારે તેના પતિની ભૂલ ભાંગે છે ત્યારે વીરપસલી સાથે તેને પાછી સોંપે છે. આ ભિન્ન ભિન્ન પ્રસંગો પરથી કાઠિયાવાડમાં સ્ત્રીપુરુષનાં — પરણેલ સ્ત્રીપુરુષના સંબંધોમાં થતા ફેરફારોનું દર્શન થશે. જેસલની સાથે તોળલ ગઈ તે એ માર્ગીયપંથનો જ પ્રતાપ? કે આવી ભાવનાઓનો પણ ખરો? જેસલ અને તોળલે પલાણ કર્યું છે. કાઠીની ઘોડી પૂરપાટ જાય છે. જેસલના દિલમાં નાનાવિધની ઘડભાંગ થાય છે પણ તોળલ સ્વસ્થ અને અંતિમ ઉદ્દેશની સાધના માટે તૈયાર છે. એક ગામ જઈ પહોંચ્યાં ત્યાં ઉતારો કર્યો અને જેસલ વાણિયાની દુકાને સીધું લેવા ગયો. વાણિયાનું નામ સધીર હતું. જેસલ પાસે પાઈ પણ નહોતી એટલે સીધું ઉધાર માગ્યું. વાણિયે ઉધાર આપવા ચોખ્ખી ના પાડી પણ તે રાતે તોળલને પોતાને ત્યાં મૂકી જાય તો સીધું આપવા કહ્યું. માથાનો ફરેલ જગનો ચોરટો જેસલ તોળલની સાથે ઘોડી પર આવવાથી જ બદલાઈ ગયો હતો નહિતર સધીરનું માથું એના ધડ પર રહેત ખરું કે? ઉતારે જઈ જેસલે તોળલને સધીરની દુષ્ટ કીમત કહી સંભળાવી. પ્રસન્ન ચિત્તથી તોળલે રાત્રે જેસલની સાથે જવા હા પાડી. સીધું આવ્યું અને બન્ને જમ્યાં. રાત પડીને વચન પ્રમાણે જવાનો વખત થયો. પણ બહાર વરસાદ ધોધો વરસતો હતો અને રસ્તામાં કાદવ થઈ ગયો હતો. તોળલની પાની ગંદી થવાની દહેશત થઈ પણ અનુરક્ત જેસલ તેને પોતાને ખભે બેસાડી વાણિયાને હાટે તેડી ગયો. બૂમ સાંભળી વાણિયાએ કમાડ ઉઘાડ્યાં ને તોળલને જોઈ વિસ્મય પામ્યો. અંદર આવકાર આપતાં બોલ્યો ‘ઊભાં રહો, પાણી લાવું પગ ધોવા, નહીં તો ગારાથી ચાદર બગડશે.’ તોળલે પોતાના પગ દીવાના પ્રકાશમાં ધરી ચોખ્ખા બતાવ્યા. કારણ પૂછતાં જેસલને ખભે બેસી આવેલી જણાઈ. આ સાંભળતાં આખી આલમને લૂટનાર જેસલની ખાંધ પર આવેલી તેજસ્વી પ્રતાપી સ્ત્રીને જોતાં જ વાણિયાનો વિકાર નાશ પામ્યો અને ઉચ્ચ જીવનનાં કિરણો ફૂટ્યાં. બન્નેને તે પગે લાગ્યો અને પોતાના નીચ હવસ માટે લળી લળી માફી માંગી. ઉદારતાથી તોળલે એનો દોષ માફ કર્યો. વાણિયે તેઓ તે ગામમાં રહે ત્યાં લગી પોતાના મહેમાન થવા વિનંતિ કરી. ભજનો ગાય છે કે તોળલે ત્રણ નર તારીયા, સાસટીયા અને સધીરના ઉદ્ધારની કથા આવી ગઈ. હવે બાકી રહ્યો ઉદ્ધાર જેસલનો. સધીરની અનીતિ શેહ ખાઈ નીતિ જયવંત નીવડી જોઈને જેસલમાં રહ્યું સહ્યું પાપ સરવા લાગ્યું. તોળલ તરફ પૂજ્યભાવ વધતો ગયો અને તેનો આજ્ઞાધીન સેવક જેવો થઈ ગયો. એના પાપનું પૂરેપૂરું પ્રાયશ્ચિત થયું નથી એમ જાણી તોળલે એને પોતાનાં મેલાં લૂગડાં ધોવા ગામને તળાવે મોકલ્યો. સારા અંજારમાં રાડ પડાવનાર મરદ જાડેજો એક સ્ત્રીનાં કપડાં ધોવા ગામમાં થઈને ચાલ્યો. ગામમાં જેસલ અને તોળલના આગમનની ખબર પડી ગઈ હતી. જેના જેના ઘર આગળથી જાય તે તે આવું હલકું કામ કરવા માટે એને ફિટકાર દે. ફિટકાર સાંભળી એનું મન ડગમગતું તો પાછો સંકલ્પ દૃઢ કરી લોકવાયકાની દરકાર કર્યા વિના ચાલ્યો જતો. ગામને બીજે છેડે જતાં મોચી ઓળ આવી. ત્યાંના એક મોચીએ ઉદ્ગાર કાઢ્યો ‘માળો જેસલ કેવો ભગત છે! એનું હુંપણું તદ્દન મરી ગયું છે. નહીંતર બાયડીનાં કપડાં ધોવા ન જાય.’ આ સાંભળી જેસલ ફૂલ્યો અને પોતાની કદર કરનાર દુનિયામાં એક જીવ છે એવું જોઈ એ સંતોષ પામ્યો. તળાવને કાંઠે જઈ ગાંસડો છોડી જુએ તો લૂગડાં ધોબીએ ધોયાં હોય એવાં નર્યાં ઊજળાં થઈ ગયેલાં. એક લૂગડા પર ફક્ત ડાઘ હતો. જેસલનો અવતાર આ જોઈ ફરી ગયો. પાપથી ભરેલું જૂનું વસ્ત્ર એના દેહ પરથી સરી પડ્યું. અને પુણ્યની ઉજ્જવળ કાંતિ સ્ફૂરી રહી. ગાંસડી ફરી બાંધી ઉતારે જઈ તોળલને પગે પડ્યો અને ભક્તાણીનો આશીર્વાદ લીધો. કપડાં ઊજળાં થવાનું અને ડાઘ રહેવાનું કારણ પૂછતાં નિન્દાથી ડાઘ અને મેલ જવાની અને ફુલાશથી ડાઘ રહેવાની સમજણ તોળલે પાડી. આ બનાવ વસ્તુતઃ બન્યો હશે? કે આધ્યાત્મિક સત્યની પ્રતીતિ કરાવવા રૂપક કહેવાયેલું? લૂંટારો હવે નૈષ્ટિક ભક્ત થયો. તોળલ અને એ ભજનો ગાતાં ગાતાં ગામેગામ ફરવા લાગ્યાં. કપડાં ધોવાની હકીકત બની તે અગાઉ જેસલ તોળલને કચ્છનો અખાત હોડીમાં ઓળંગાવી અંજાર લઈ જતો હતો. દરિયામાં તોફાન થયું અને હોડી ડૂબવા લાગી તે વખતે તોળલે ઉપદેશ દઈ જેસલને અંધકારમાંથી જ્યોતિમાં આણ્યો. ‘બેડલી તારી બૂડવા નહીં દઉં.’ એવું ભજનોમાં છે અને કલાપીનો સંવાદ આ પ્રસંગ પર જ રચાયેલો છે. એટલે સધીરના ગામમાં નહીં પણ અંજારમાં કપડાં ધોવાયેલાં એ વૃત્તાંત વધારે સાચો લાગે છે. અંજારમાં જેસલને સહુ કોઈ ઓળખતાં એટલે ફિટકાર પણ સખ્ત વરસેલો. જેસલની ગમે તેવી દુષ્ટ દાનત હશે તે પવિત્ર સાધ્વી તોળલના પરતા આગળ જીવી શકી નહીં. દંતકથા કહે છે કે સાસટીઆ જોડે એણે સંસાર નહોતો માંડ્યો તેમ જેસલના મુવા પછી કબરમાંથી એનું પુનરુત્થાન થયું ત્યારે જેસલ અને તોળલનાં લગ્ન થયાં હતાં છતાં એક ભજનમાં તોળલ ગર્ભવતી હતી એવું કહેલું છે. ચોક્કસ માહિતીની ગેરહાજરીમાં નિર્ણય કરવો મુશ્કેલ છે. માર્ગીપંથમાં સ્વામીનો પાટ મંડાય છે અને અનુયાયીઓને ત્યારે એકત્ર થવાનું નિમંત્રણ હોય છે. ગુરુએ પાટમાં આવવા બે નિમંત્રણ મોકલ્યાં જેસલ અને તોળલને. તોળલના ગર્ભમાં બાળક હતું. એવી સ્થિતિમાં એ જાય તો બે આમંત્રણના બદલામાં ત્રણ જણ ગયાં ગણાય. આવી અજુગતી વાત સાધ્વીથી શી રીતે થઈ શકે? કટારી કાઢી પેટ ચીર્યું અને ગર્ભસ્થ બાળકને બહાર કાઢી પડોશણને ઉછેરવા સોંપ્યું. – એક દંતકથા એવી છે કે આ સાસટીઆ કાઠીનું બાળક હતું – પાટમાં હાજર રહેવા જતાં જતાં વગડામાં આવી પહોંચ્યાં. ત્યાં વાંદરી પોતાનું બચ્ચું પેટે વળગાડી ડાળીએ કૂદતી હતી. રખેને આથી બચ્ચું પડી જાય એવી દહેશતથી તોળીએ વાંદરીને શિખામણ દીધી. વાંદરીને વાચા થઈ અને ઊલટું તેણે તોળીને પોતાનાં આત્મજનો ત્યાગ કરવા માટે સખત ઠપકો આપ્યો અને ત્યાગ અઘટતો અને અધર્મી હતો એવી સમજ પાડી. તોળલને ભાન થયું. બાળક સાંભર્યું. સ્તનમાંથી દૂધની શેરો ફૂટવા માંડી. કરેલા કર્મ માટે વિમાસણ કરતી પાછી વળી અને પડોશણ પાસેથી પોતાનું બાળક લીધું. અને વિશ્વક્રમનો સનાતન નિયમ ભક્તોના સંબંધમાં પણ પ્રવર્તે છે એ સત્ય સિદ્ધ કર્યું. તાર, ટપાલ કે આગગાડીના સાધન વિનાના જમાનામાં જાત્રા કરનારા સાધુઓ દેશના એક છેડાથી બીજા છેડા સુધી વર્તમાન પહોંચાડવાનું કામ કરતા હતા. એમના દ્વારા જેસલ અને તોળલની ભક્તિની કીર્તિ દેશપ્રદેશમાં ફેલાતી ચાલી. મારવાડમાં માલદે (માલદેવ) અને તેની રાણી રૂપાંદેને કાને એ કીર્તિ પહોંચી અને કચ્છ કાઠિયાવાડના ભક્તોને મળવા મારવાડના ભક્તો ઉત્કંઠ થયા. માલદે અને રૂપાંદે માર્ગીપંથી હતાં. એ પંથમાં પહેલી રૂપાંદે અનુષ્ટિત થઈ હતી. મધરાતે મહેલ છોડી ગુરુની આજ્ઞાથી સ્વામીના પાટમાં હાજર રહેવા તે જતી. જાગતા રહેલા રાજાએ તેને જતાં જોઈ એટલે તેને વહેમ પડ્યો અને તરવાર લઈ પાછળ પાછળ ગયો. પોતાના ધર્મના જોરથી રૂપાંદેએ રાજાને પરચો બતાવ્યો અને પંથમાં દાખલ કર્યો. એક ભજનમાં આ બનાવની સવિસ્તર વિગતો છે. રૂપાંદેનાં રચેલાં ભજનોને ભજનસંગ્રહોમાં સ્થાન મળેલું છે. આ મારવાડણે ગુજરાતીમાં ભજનો લખ્યાં હશે? જામનગરની રાજસ્થાનમાં પરણેલી ગુજરાતી રાજકુંવરીની હિંદી કવિતા મહિલા મૃદુ વાણીમાં સંઘરાઈ છે. તેમ મારવાડી ભાષા બોલનારી રાણી પોતાના પંથમાં મોટા ક્ષેત્રમાં આવી કેટલાંક વર્ષો રહી હોય અને બીજા સાધુઓ અથવા તોળલના સંગથી ગુજરાતીમાં ભજન કર્યાં હોય. એનાં ભજનોમાં એના ગુરુનું નામ ઉજમશી છે. આ ગુરુ વિશે કાંઈ મારા જાણવામાં આવ્યું નથી. સ્વામીના પાટમાં જેસલ, તોળલ અને માલદે રૂપાંદે મળ્યાં અને અન્યોન્યની ભક્તિ જોઈ પ્રસન્ન થયાં. આ પ્રસંગથી તેઓ વચ્ચે જીવનજાન સખ્ય બંધાયું. પાટની મુદત વીત્યે સૌ સૌને પંથે પડ્યાં. કેટલાંક વર્ષો સાથે ભજન કરતાં ફરતાં ફરતાં જેસલ અને તોળલ વિખૂટાં પડ્યાં. જેસલ અંજાર ગયો. ત્યાં અચાનક એનો દેહ પડ્યો. એના શબને દાટી તે પર કબર ચણવામાં આવી. કહે છે કે હજુ આ કબર અંજારમાં મોજૂદ છે. આ દુઃખદાયક બનાવના ખબર તોળલને તેમ જ માલદે રૂપાંદેને પડ્યા. સાંભળતાં જ હૈયાફાટ સૌ રોવા લાગ્યાં. તોળલ અંજાર ભણી ચાલી નીકળી. મારવાડથી માલદે અને રૂપાંદે પણ તોળલને આશ્વાસન આપવા અંજાર આવ્યાં. તોળલે એકતારો લઈ ભજન ગાઈ કબરમાંથી જેસલને સજીવન ઊભો કર્યો. આ ભજન ભજનસંગ્રહોમાં છે. માલદે અને રૂપાંદેએ જેસલ અને તોળલનાં લગ્ન કર્યાં. દંતકથા બે પ્રકારની છે. લગ્ન પછી કબરમાં દંપતી સમાઈ ગયાં અને બીજી એવી છે કે સંસાર ઘણાં વર્ષો લગી ચલાવ્યો. અદ્ભુત ભક્તિના રંગથી રંગેલા તોળલના જીવનની દંતકથા ચમત્કાર આદિ સંક્ષેપમાં લખ્યાં છે. ઐતિહાસિક સત્ય તારવી કાઢવું બની શક્યું નથી તેમ એમનાં સ્થળ–કાલનો નિર્ણય પણ થઈ શક્યો નથી. માર્ગીપંથના લખેલાં કે કંઠસ્થ દફતરોમાં આ ભક્તાણીના જીવનના પ્રસંગો નોંધાયેલા હોય અને એમની સહાનુભૂતિ મેળવી કોઈ એ પ્રસંગો પ્રગટ કરી એમાં સમાયેલા ચમત્કારનો નિરાસ કરે તો ગુજરાતી સાહિત્યની સેવા કરી ગણાશે. મીરાંબાઈ આપણી આદ્ય અને શ્રેષ્ઠ કવિયાણી છતાં તળ ગુજરાતની આગેવાન ભક્તાણી તો તોળીરાણી જ. બન્નેમાં કવનમાં રહેલી ભક્તિ જુદા પ્રકારની છે. મીરાં કૃષ્ણભક્ત હોઈ ગોપીભાવે ભજન ગાઈ રહી છે. તોળીરાણીનાં પદોમાં પાપીઓને ચાબખા છે. અને સંસારનું વાસ્તવ જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષને માર્ગે શી રીતે વળવું તેનો ઉપદેશ છે. ગોપીગીતોની મૃદુતા અને મીઠાશ જેટલી મીરાંની કવિતામાં છે તેટલી તોળલની કવિતામાં નથી પણ સાટે ચાબખાનો મરાદામી સૂર છે— પાપીના આત્માને હલમલાવી નાખતી ગર્જના છે. એ સાંભળવાનું ભાગ્ય કાઠિયાવાડ ભજનમંડળીમાં ગયા વિના પ્રાપ્ત નથી થતું છતાં ‘ગ્રામોફોનના રેકર્ડ’ મારફતે હવે ઘરેઘર એ સાંભળવાનો સુયોગ આવેલો છે. માર્ગીપંથની બે ભક્તાણી તોળીરાણી અને રૂપાંદે ઉપરાંત લીલમબાઈ(લીળલદે) નામની રાઠોડ કુળમાં થઈ ગઈ છે. તેના સંબંધમાં કાંઈ મારા જાણવામાં નથી આવ્યું. આ લેખના પરિશિષ્ટમાં રૂપાંદે અને લીળલદેનાં ભજનોની વાનગી આપવામાં આવી છે. પ્રાચીન કાવ્યમાળા ને બૃહત્કાવ્યદોહનના પ્રકાશકો તથા રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળથી પ્રસિદ્ધિમાં આવેલી ગુર્જર કવિયાણીઓના વર્ગમાં તોળલ, રૂપાંદે અને લીળલદેને આ લેખથી સ્થાન મળશે તો કૃતકૃત્ય થઈશ. કર્ણપરંપરાએ સાંભળેલી વાતોમાં દોષ પ્રવેશ પામ્યા હોય, પ્રસંગો ઉકેલવામાં ભૂલ થઈ હોય તો સુજ્ઞોને તે દૂર કરવા વિનંતી છે. તા. ક. લેખ લખતી વેળા એકે ભજનસંગ્રહ મારી પાસે નહોતો તેમ તરતમાં મેળવી શકાય એવું નહોતું. એટલે ભજનોમાંથી નિર્દેશક ઉતારા અપાયા નથી તેમ કેટલીક વાતો અધૂરી અથવા ટૂંકામાં પતાવવી પડી છે. આ લેખથી કોઈ બંધુમાં જિજ્ઞાસા જાગશે અને વાસ્તવ હકીકત મેળવવા તે પ્રવૃત્ત થશે તો આ પ્રયાસમાં રહેલી ખામીઓનું સાટું વળી જશે.
રૂપાંદેનાં ભજનો
[૧]
રાઓળ માલા, આ દિલ ખોજો તો,
માયલાની વણજુ હો જી,
સાચાં મારાં બેલીડાં હાં,
નિગ્યારો ધરમ પાળો હે જોગારામ સાધુ હો જી.
રાઓળ માલા, કોઈ દિન દાતા ને કોઈ દિન ભોગતા :
એવો કોઈ દિન બાલુડે વેશ રે...રાઓળ માલા ૦
રાઓળ માલા તાંત વિનાનાં તુંબા કેમ કરી બોલે હો જી,
એવા કંઠ રે વિનાનાં કેસાં ગાણાં રે...રાઓળ માલા ૦
રાઓળ માલા પારકાં રૂપ દેખી તમે,
માંયલાને મત રે ડગાવો હો જી,
તમે જીતી રે બાજી જાશો હારી હો...રાઓળ માલા ૦
રાઓળ માલા પારકા ખેતરમાં તમે,
બીજ મત વાવો હો જી,
તમે વાવ્યા રે પછી તો પસ્તાશો...રાઓળ માલા ૦
રાઓળ માલા ભખમ નારી વાંકો સંગ મત કરનાં હો જી,
એને હાથ રે જોડી અળગા રે’ના...રાઓળ માલા ૦
રાઓળ માલા જ્ઞાન હીણાને તમે ગુરુ મત કરજો હો જી,
એવા સુરતા વિનાના કેવા ચેલા... રાઓળ માલા ૦
રાઓળ માલા ઉગમશીની ચેલી,
રાણી રૂપાંદે બોલ્યાં હો જી,
મારાં સાધુડાં અમરાપુરમાં માલે...રાઓળ માલા ૦
[ર]
નર રે નુગરાની સાથે નેડલો ન કરીએ જી,
મારા વિશ્વાસી નરને મા વેડો મારા રાજ રે. નર રે ૦
હંસલા ને બગલો બે એક જ વરણાં રે,
એ તો બેઠા સરોવરીઆની પાળ, મારા રાજ રે,
હંસલાને જોઈએ સાચાં મોતીડાનો ચારો જી,
ઓલો બગલો બેઠો રે દુવાસ મારા રાજ રે નર રે ૦
ધણી રે નામનો પાટ મંડાશે રે જી,
જળહળ જોત્યું વરસાશે મારા રાજ રે...નર રે ૦
સાચખોટ બોલે ને ચાલે બજારમાં રે હો જી,
એ તો કુડીઆં મંદિરીઆમાં માણે મારા રાજ રે...નર રે ૦
ઉગમશીની ચેલી રૂપાંદે રાણી બોલીઆં રે હો જી,
મારા સાધુડા તો અમરપુરામાં માલે. મારા રાજ રે...નર રે.
લીળલદેનાં ભજનો
[૧]
એવાં પુરાં રે મળે તો રાવો રેડીએ હો જી,
એવાં અધૂરીઆંએ જાય આપણો તોલ, મારી બેનું રે. એવાં૦
એ તો ખાડા ખાબોચિયાની દેડકડી હો જી,
એ શું જાણે સમુદરીઆની લેર મારી બેનું રે. એવાં૦
એવી કૂવાની છાયા તો કૂવામાં વીસમી જી,
એવી તસ્કરની મા ખૂણે બેસી રૂએ. મારી બાયું રે, એવાં૦
એવા દુરિજન ને મોઢે શાહીયું ઢળે હો જી.
મારા હરિજનને મુખડે વરસે નૂર, મારી બાયું રે. એવાં૦
એવા દુરિજન આડા ડુંગર દવ જલે હો જી.
એવા હરિજનને વસીએ મુખોમુખ, મારી બાયું રે. એવાં૦
એવા રાઠોડ કુળમાં લીળલદે બોલીયાં રે,
દેજો દેજો સાધુ ચરણમાં વાસ, મારી બાયું રે એવાં૦
[૨]
હાં હાં રે ગુરુજી સતની વેલડીએ,
આવાં રૂડાં દતફલ રે લાગ્યાં રે હાં. સતની.
બીજ વરતી, બીજ જાણી, વાવી છે વિશ્વાસ વાણી.
કરણીના ક્યારા, વાયાં પ્રેમહુંદાં પાણી. ગુરુજી૦
ઊગી છે અમરવેલી, જેના મૂળ તો પીયાળે પેલી,
ફાલીને કાંઈ ફૂલી નિજીયા ધરમની એ વેલી. ગુરુજી૦
પ્રથમ તો પ્રલાદે જાણી, હરિચંદ્ર ને તારા રાણી.
પાંચ પાંડવ દ્રૌપદી, રાજા બળને ઓળખાણી. ગુરુજી૦
ભાઈલાનાં ભાગ્ય જાગ્યાં, વેલડીએ દતફલ લાગ્યાં,
મૂળનાં કાંઈ માલે, અમરાપરથી આઘાં. ગુરુજી૦
ભાઈલા તમે ભાવ રાખો, ડાળ મેલી ફળ ચાખો,
બોલીયાં લીળલદે, ગુરુ ચરણમાં રાખો. ગુરુજી૦
નોંધ: