રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાત કેળવણી પરિષદ
ભારતવર્ષમાં જે પ્રજાની આણ ઓજ વર્તે છે તે આત્મશાસક પ્રજા છે. ભારતવર્ષના રાજ્યવહીવટમાં–પ્રજાશાસનના તત્ત્વને તેમણે સ્થાન આપ્યું છે. પ્રસંગો હવે એવા આવતા જાય છે કે બ્રિટિશ સામ્રાજ્યમાં ભારતવર્ષને સામ્રાજ્યનાં બીજાં અંગો જેવું સ્થાન પ્રાપ્ત થશે. એ અંગો પ્રજાશાસક છે અને ભારતવર્ષ નથી એટલે આજ દિન લગી ભારતવર્ષની ઉપેક્ષા કરવામાં આવી છે. યુરોપના વર્તમાન કુરુક્ષેત્રમાં ભારતવર્ષનાં સંતાનોના રેડાયેલા લોહીથી એ ઉપેક્ષા કમી થઈ છે. સામ્રાજ્યકુટુંબમાં ભારતવર્ષનો ગૌરવભર્યો આદર થાય માટે એણે પ્રજાશાસક થવું ઘટે છે. શાસનનું મૂલ્ય પ્રજા પીછાનતી હોય, શાસન પર પ્રભાવ પાડવા આતુર હોય અને શાસન હાથમાં લેવા યોગ્ય, સંપન્ન અને શક્તિવાળી હોય તો જ પ્રજાશાસનનો નિર્વાહ થઈ શકે છે. ઇષ્ટાપત્તિ માટે ભારતવર્ષની સમગ્ર પ્રજાએ યોગ્યતા પ્રાપ્ત કરવાની છે. ભારતવર્ષ વિસ્તીર્ણ ખંડ જેવડો દેશ છે તેથી સમગ્રની સંકલના કરનારી હિલચાલની સાથે સાથે સમગ્રનાં અવયવો ચેતનવંતાં કરવાની હિલચાલો પણ થવી જોઈએ. એ અવયવો તે જુદા જુદા પ્રાંતો છે. સર્વની પરિસ્થિતિ પ્રમાણે લોકજીવન જાગૃત કરવા નાનાવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. પ્રાંતિક રાજદ્વારી પરિષદ, જિલ્લા રાજદ્વારી પરિષદ, સાહિત્યસંમેલન, વિદ્યાર્થીસંમેલન, સામાજિક સુધારણા પરિષદ, કેળવણી પરિષદ, પંડિત પરિષદ, પ્રાંતીય પરિષદ (આન્ધ્ર અથવા ઉત્કલ પરિષદ જેવી) વગેરે અનેક ચળવળોનાં મોજાં ભારતવર્ષના વિવિધ પ્રદેશોમાં ઊછળી રહ્યાં છે.
ગુજરાત ભારતવર્ષનું એક અવયવ છે. ઉદ્યોગ અને વ્યાપારમાં તેનાં સંતાનોની નિપુણતાથી ભારતવર્ષના વર્તમાન જીવનમાં તેનું સ્થાન મહત્ત્વનું છે. તેથી પ્રખર કર્તવ્ય માટે તે નિર્માણ થયેલો છે. એ કર્તવ્ય કરવાની તેની શક્તિ ખીલવવી અને કર્તવ્ય કરવાના પ્રસંગો ઉત્પન્ન કરવા એ ગુજરાતીઓની ફરજ છે.
ભારતવર્ષના બીજા બધા રાજદ્વારી પ્રાંતો કરતાં ગુજરાતની પરિસ્થિતિ તદ્દન નિરાળી અને વિષમ છે. જેટલો ગુજરાત બ્રિટિશ સત્તામાં છે તેનાથી સાડાપાંચ ગણો દેશી રાજ્યોને અધીન છે. દેશી રાજ્યોના વિસ્તાર પણ નાનામોટા છે – મૂંઝવે એવા છે. એમની પ્રગતિ પણ એવી જ નિરાશ કરે એવી છે. વડોદરા જેવું રાજ્ય ઘણી દિશામાં પ્રગતિમાન છે તો કચ્છ જેવું એટલું જ વિશાળ રાજ્ય હજુ પ્રગતિથી દૂર—ઘણું જ દૂર છે. બ્રિટિશ રાજ્યમાં પ્રજાની સત્તા વધતી જાય છે ત્યારે દેશી રાજ્યોમાં હતી તેટલી સત્તા પણ પ્રજાની ઘટતી જાય છે. છતાં દેશી રાજ્યો ધારે તો ગુજરાતને ગૌરવાન્વિત કરવામાં આગેવાની લઈ શકે એમ છે.
વસ્તુસ્થિતિ આવી વિષમ છે. પ્રગતિની ગતિમાં પાછળ રહી જવાની તીવ્ર દહેશત પણ લાગે છે; છતાં ગુજરાતના આગેવાનોમાં અને યુવાનોમાં ઉત્સાહ છે. એ ઉત્સાહ કાર્યપરાયણ થતો જાય છે તો કોઈ દિવસ કાર્યસાધક પણ નીવડશે.
અનેક રાજ્યવહીવટવાળા ગુજરાતમાં સર્વત્ર ફરી વળે એવી રાજદ્વારી પ્રવૃત્તિ શક્ય નથી. ધર્મ અને સંસારના ભેદો પણ એકતા સાધવામાં વિરોધ કરે એવા છે. આમ હોવાથી, જે વસ્તુનો ગુજરાતમાં સર્વત્ર પ્રસાર અને આદર હોય તેના અન્વયે પ્રજાકીય પ્રવૃત્તિ ચલાવી હોય તો લાભ થાય. ગુજરાતી ભાષા સમસ્ત ગુજરાતમાં બોલાય છે. તેનો અને તેના સાહિત્યનો પ્રવેશ સર્વત્ર છે. અમદાવાદની સાહિત્યસભા દ્વારા તેથી ગુજરાતી સાહિત્ય પરિષદનો જન્મ થયો અને એ હિલચાલ ગુજરાતમાં બધે ફરી વળી છે. પરંતુ પ્રજાજીવનના પ્રશ્નો એટલા બધા છે – સંખ્યા મોટી છે, વિવિધ છે, વિષમ છે કે એક પ્રવૃત્તિ બસ નથી. આથી ભાષા જેવા સર્વમાન્ય વિષય કેળવણીપરત્વે પણ વાર્ષિક સંમેલન ભરવાની સૂચના સાહિત્યસભા સંમુખ ઈ. સ. ૧૯૦૯ માં રજૂ થઈ હતી. પરંતુ કેટલાંક કારણોસર તેનો અમલ થઈ શક્યો નહોતો પણ રાજકોટની ત્રીજી સાહિત્ય પરિષદના કાર્યક્રમમાં કેળવણીના ઘણા વિષયોને સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી ગયે વર્ષે મે મહિનામાં સુરતમાં સાહિત્ય પરિષદનું પાંચમું અધિવેશન થયું. ત્યાં ફરજિયાત કેળવણી, કન્યાકેળવણી આદિ પ્રશ્નો ચર્ચવા કે નહીં એ સવાલ થયો. આખરે એમ કર્યું કે સાહિત્ય પરિષદમાં કેળવણીના પ્રશ્નોને સ્થાન ન આપવું અને જરૂર લાગે તો કેળવણી સંબંધમાં અલાયદી પરિષદ યોજવી. સાહિત્યસભાના જે સભાસદો ત્યાં હાજર હતા તેમને આ વાત રુચી. અમદાવાદ જઈ એમણે સાહિત્યસભા દ્વારા કન્યાકેળવણી માટે પ્રશ્નાવલિ તૈયાર કરી ગુજરાતમાં ફેરવી. ગઈ નાતાલમાં એઓ કૉંગ્રેસમાં મુંબઈ આવ્યા ત્યારે મુંબઈના કેટલાક ગુજરાતી યુવાનો સાથે મસલત થતાં અલાયદી કેળવણી પરિષદ યોજવાની જરૂર ફરીથી સ્વીકારાઈ. વખત વહેતો હતો ત્યાં અમદાવાદમાં ગોખલે સોસાયટીની સ્થાપના થઈ. હિન્દ સેવક સમાજ (Servants of India Society)ના યુવાન ગુજરાતી સભ્ય રા. રા. ઇંદુલાલ કનૈયાલાલ યાજ્ઞિક એવામાં અમદાવાદ ગયા અને ગોખલે સોસાયટી (જેના કેટલાક આગેવાનો સાહિત્યસભાવાળા સભાસદ છે) સમક્ષ આ પ્રશ્નનો ઉહાપોહ થયો અને આગામી પ્રાંતિક રાજદ્વારી પરિષદની સાથે પહેલી કેળવણી પરિષદ ભરવાનું નક્કી થયું. ઑક્ટોબરમાં તેનું સંમેલન થશે અને પ્રમુખસ્થાને ઑનરેબલ મિ. ચિમનલાલ હરીલાલ સેતલવાડ બિરાજશે.
જેમ જેમ સંમેલનો થતાં જશે તેમ તેમ પરિષદનો ઉદ્દેશ સ્પષ્ટ થતો જશે, આકાર પામતો જશે અને કાર્યપ્રદેશ વ્યવહારુ થતો જશે. આમ છતાં ઉદ્દેશ અને કાર્યપ્રદેશ સંબંધમાં કંઈક કહેવાનું પ્રાપ્ત થાય છે.
આ ચળવળને ગુજરાત કેળવણી પરિષદનું અભિધાન આપવામાં આવ્યું છે. કોઈ સવાલ કરશે કે કેળવણીનો પ્રશ્ન ભાષા અને સાહિત્ય જેવો એકદેશી નથી, સર્વદેશી છે – માત્ર ગુજરાતને જ લાગુ પડે છે એમ નથી પણ આખા મુંબઈ ઇલાકાને લાગુ પડે છે તો પછી પ્રાન્તિક રાજદ્વારી પરિષદ જેવી પ્રાંતિક કેળવણી પરિષદ ભરવાને બદલે ગુજરાત કેળવણી પરિષદ શા માટે ભરવી? આ ગંભીર સવાલનો ખુલાસો સવિસ્તર કરવો પડશે.
(૧) ગુજરાત કેળવણી પરિષદ મળવાથી પ્રાંતિક કેળવણી પરિષદની આવશ્યકતા મટી જતી નથી. મુંબઈમાં એ સંબંધમાં હિલચાલ પણ શરૂ થઈ છે. બે વચ્ચે વિરોધ નથી પણ અન્યોન્યને સહાયક થઈ શકશે. દેશ સમગ્રમાં ચેતન જગાવવા તેનાં નાનાં નાનાં અંગોમાં પણ નાનીમોટી પ્રવૃત્તિઓ સંચલિત કરવાનું સૂત્ર જેમને માન્ય હોય તેઓ આથી રાજી થશે.
(૨) આથી મહત્ત્વના હેતુઓ પણ ગુજરાત કેળવણી પરિષદના પ્રેરક છે.
ક. ગુજરાત વેપાર અને ઉદ્યોગની ભૂમિ છે. વર્તમાન યુગમાં પ્રજાજીવનમાં એ બેનું સ્થાન ઘણું જ આવશ્યક અને ઉપયોગી છે. રાજદ્વારી પરતંત્રતા કરતાં આર્થિક(વેપાર-ઉદ્યોગની) પરતંત્રતા અધિક હાનિપ્રદ નીવડે છે. ભારતવર્ષ જેવા વિશાળ પ્રદેશ ઉપર પ્રકૃતિ પ્રસન્ન છતાં – પ્રસન્નતાને લીધે વિવિધ પ્રકારનો ‘કાચો માલ‘ (raw materials) હંમેશ મબલખ ઉત્પન્ન થતો હોવા છતાં એ માલમાંથી વપરાશ માટે તૈયાર થતી ચીજો કરવાની આવડત, સાધન વગેરે ભારતવર્ષમાં ન હોવાથી તે ચીજો મેળવવા બીજા દેશોને આધીન તેને રહેવું પડે છે, તેથી પરિણમતી હાનિ સુવિદિત છે. આ હાનિ કાંઈક ઓછી કરવાનો યોગ ગુજરાતના ભાગ્યમાં જણાયો છે. વર્તમાન વૈજ્ઞાનિક યુગની સામગ્રીઓથી ઉદ્યોગો એણે સ્થાપ્યા છે. કલાભવન જેવી સંસ્થા પ્રથમ વડોદરામાં જ સ્થપાઈ અને વૈજ્ઞાનિક કેળવણીનો ઘોષ કરનાર અને સ્વાર્થત્યાગે તેનો પ્રચાર કરનાર પ્રો. ગજ્જર પણ ગુજરાતી છે અને તેમનું કાર્યક્ષેત્ર તે જ રહ્યું છે.
ભારતવર્ષમાં અને ભારતવર્ષ બહાર જ્યાં જ્યાં હિન્દીઓ વેપાર ખેડે છે તેમાં ગુજરાતીઓની સંખ્યા નાનીસૂની નહીં જણાય. પૂર્વમાં જાપાનથી માંડી પશ્ચિમમાં ઇંગ્લેંડ પર્યંત તેઓ પ્રસર્યા છે.
જે વેપારઉદ્યોગ ગુજરાતીઓના હાથમાં છે તે સરી ન જાય માટે તેમ જ ઊલટો વધે તે માટે તત્સંબંધી કેળવણીની જેવી અને જેટલી જરૂરિયાત હોય તેની વિચારણા કરવી, વ્યવસ્થા કરાવવી એ પ્રજાજીવનના વિકાસનો નાનોસુનો પ્રશ્ન નથી. વાણિજ્ય માટે જે યોગ્યતા ગુજરાતીઓમાં છે તે યોગ્યતા હજુ વધારે ભારતવર્ષના ઉત્કર્ષની સાધક શી રીતે થાય તેનો ઉત્તર ગુજરાતે દેવાનો છે. [1]
ખ. ઉપર કહેવાઈ ગયું કે ગુજરાતમાં અનેક દેશી રાજ્યો છે. બ્રિટિશ રાજ્યમાં રાજ્યવ્યવહારના કેટલાક ખંડોમાં આપણો પ્રવેશ નથી એટલે એમને અંગે ઊંચા પ્રકારનો રાજ્યવહીવટી અનુભવ મેળવવાની જોગવાઈ પણ નથી. એ જોગવાઈને અભાવે આપણી બુદ્ધિનો વિકાસ કુંઠિત રહે અને પરિણામે રાષ્ટ્ર એ શક્તિ વિના પાંગળું રહે છે. પણ દેશી રાજ્યોમાં એવી જોગવાઈઓ પુષ્કળ છે. રાજ્યવહીવટના ઊંચા અને અટપટા પ્રશ્નોથી બુદ્ધિ કેળવવા, એવી બુદ્ધિથી પ્રજાશાસન અને રાષ્ટ્રજીવનની ખીલવણી માટે પ્રયોગો કરવા અને એ પ્રદેશોમાં પ્રાપ્ત કરેલાં બુદ્ધિ અને અનુભવોથી બ્રિટિશ સામ્રાજ્યમાં ભારતવર્ષનું સ્થાન ગૌરવભર્યું કરવા ગુજરાતીઓ શક્તિમાન થાય માટે એમને મળતી કેળવણી રેંજીપેંજી ન હોવી જોઈએ. દેશનાયકો થવાની તાલીમ લેવાની નિશાળો જ્યાં આટલી બધી છે ત્યાં કેળવણીનો પ્રશ્ન મહત્ત્વનો છે.
ગ. વડોદરાના રાષ્ટ્રવત્સલ નરેશે ગુજરાત ઉપર કરેલા અનેક ઉપકારોમાં પોતાના રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની કરેલી વ્યવસ્થાનો ઉપકાર ઘણો મોટો છે. પ્રત્યક્ષ પરિણામ તેનાં લાભદાયક નીવડતાં તેનું અનુકરણ શીઘ્રતાથી ગુજરાતનાં દેશી રાજ્યોમાં થવા સંભવ છે. વસ્તુતઃ અનુકરણ થવા પણ માંડ્યું છે. પરિસ્થિતિ આવ્યે અનુકૂળતા પ્રમાણે આ રીતે ગુજરાતમાં અનેક પ્રકારની કેળવણીના પ્રયોગો કરવાની જોગવાઈ છે. એ જોગવાઈઓનો લાભ લેવાય અને અન્યોન્યના પ્રયોગો અને તેમાંથી પ્રાપ્ત થતા અનુભવોનો મુકાબલો કરવા અલાયદી ચળવળ અને સંસ્થાની જરૂર છે.
વડોદરા રાજ્ય કેળવણીમાં અગ્રસ્થાન લેતું હોય અને ગુજરાતના બીજા ભાગો પાછળ રહે તો આપણા અનેક ભેદોમાં નવો એક ભેદ વધશે. પણ સર્વત્ર કેળવણીનો સરખો પ્રસાર કરવાની ચળવળ થાય તો ઘણે અંશે આ વિષમતા દૂર રહેશે.
ઘ. આ વૈજ્ઞાનિક યુગમાં સમુદ્રને મનુષ્યે પોતાનો દાસ બનાવ્યો છે. વેપારઉદ્યોગમાં આખા જગતનો વ્યવહાર સંકુલ એની મદદથી થયો છે. તેમ આક્રમણ, રક્ષણ આદિને માટે પણ પ્રજાઓને એ મદદ કરે છે. પૂર્વે ભારતવર્ષમાં ઉત્તરમાંથી આક્રમણ થતાં અને સમુદ્રથી રક્ષિત પ્રદેશો નિર્ભય રહેતા પણ હવે એવી નિર્ભયતા રહી નથી. સમુદ્રસ્થ પ્રદેશોને વેપાર માટે જેમ હાલમાં અનુકૂળતા વધી છે તેમ દેશના રક્ષણની જવાબદારી પણ વધી છે. ગુજરાત સમુદ્રસ્થ દેશ છે. એના વેપારીઓ અને ખલાસીઓનાં સાહસ અને પરાક્રમ મશહૂર છે. શોચની વાત છે કે હાલમાં તે બધું સુષુપ્તિમાં છે. બ્રિટિશ સામ્રાજ્યમાં સમાન સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી ભારતવર્ષને પોતાનું નૌકાસૈન્ય કરવા અને વાણિજ્યનૌકાઓ રાખવાની જરૂર પડશે એવો વખત આવવાનો છે. આ પ્રસંગ માટે ગુજરાત તૈયાર હોવું જોઈએ. નાવિક શિક્ષણ માટે એક ગુજરાતી મુસલમાને મોટી રકમ સરકારને સ્વાધીન પણ કરી છે.
ડ. વેપારઉદ્યોગના પ્રદેશમાં જે ધર્મ ગુજરાતને માટે નિર્માણ થયો છે તેનો યથાર્થ નિર્વાહ કરવા ગુજરાતની રાજ્યદ્વારમાં પ્રતિષ્ઠા હોવી જોઈએ. રાજ્યકર્તાઓના સમાગમમાં, રાજ્યવ્યવહારની અનેક શ્રેણીઓમાં સંખ્યાબંધ ગુજરાતી હોય અને તેમની બુદ્ધિ, વિદ્યા, અનુભવ રાજ્યકર્તાને ઉપયોગી નીવડતાં હોય તો રાજ્યદ્વારમાં ગુજરાતની પ્રતિષ્ઠા અને સત્તા જામે. એ પ્રતિષ્ઠા એ સત્તા મેળવવા ગુજરાતીઓએ એવી ઊંચા પ્રકારની વિદ્યાથી સંપન્ન હોવા જોઈએ કે સરકારને તેમને રાજ્યવહીવટમાં સામેલ કર્યા વિના ચાલે જ નહીં.
ચ. રાજ્યદ્વારમાં જેવી પ્રતિષ્ઠા નથી તેવી પ્રતિષ્ઠા ભારતવર્ષના લોકસમુહમાં પણ નથી. આપણા પડોશી મહારાષ્ટ્રીઓમાં પણ નથી તો બીજેની તો વાત જ ક્યાં? સર જમશેદજી જીજીભાઈ, પ્રેમચંદ રાયચંદ, દાદાભાઈ નવરોજી, સર ફિરોઝશાહ મેહતા, જમશેદજી ટાટા, સર સયાજીરાવ ગાયકવાડ, મોહનદાસ કરમચંદ ગાંધી, દયાનંદ સરસ્વતી, અબદુલ જમાલ, વગેરે અનેક ગુજરાતીઓએ વેપાર અને રાજકીય પ્રશ્નોને અંગે ભારતવર્ષની સેવા કરી છે; છતાં રાનડે, ટિળક, ગોખલે, રામમોહનરાય, કેશવચંદ્રસેન, સુરેન્દ્રનાથ બેનરજી, પ્રો. જગદીશચંદ્ર બસુ, સર રવીન્દ્રનાથ ઠાકુરની સાથે એમની ગાદી મંડાતી નથી. મહારાષ્ટ્ર અને બંગાળને જે પ્રતિષ્ઠા એમનાં સંતાનોથી મળી છે તે ગુજરાતને એનાં સંતાનોથી – એમની અપ્રતિમ અને ચિરસ્થાયી સેવા છતાં મળી નથી. પણ હવે એ પ્રતિષ્ઠા મેળવવા પ્રયત્ન કરવાનો અવસર આવી લાગ્યો છે. પ્રજામાં શક્તિ છે પણ તેનું રાષ્ટ્રીય મમત્વ નથી. તે મમત્વ પ્રદીપ્ત કરી પ્રજ્વલંત કરવાનું છે.
પ્રતિષ્ઠા અને સત્તા માત્ર વિલાસ ખાતર નથી જોઈતાં, પરંતુ ભારતવર્ષની આધુનિક પ્રગતિને ગુજરાત સહાયક થાય માટે. ગુજરાતમાં કંઈ પાણી ન હોય અને ગુજરાત આવા મોટા મોટા મનોરથો હવામાં બાંધતું હોય તો તે હાસ્યાસ્પદ લેખાય. પરંતુ ગુજરાતમાં શક્તિ છે, ભારતવર્ષના અભ્યુદયમાં એનો હિસ્સો નિર્મિત થયેલો જણાતો જાય છે, પછી શક્તિને કેળવવામાં બેદરકાર રહેવું તે પાપ નથી? જે નવી સંસ્કૃતિ ભારતવર્ષમાં જન્મશે તેમાં ગુજરાતનું સ્થાન તેની સંગીન સેવાના અનુરૂપ થવું જોઈએ. એ મહેચ્છા પુણ્ય લેખાવી જોઈએ.
છ. વેપાર અને ઉદ્યોગમાં મહાલતા ગુજરાતમાં લક્ષ્મીની છોળ ઊડે છે, [2] રાષ્ટ્રની ઉન્નતિ અર્થે એ લક્ષ્મી જેટલી વપરાવી જોઈએ તે નથી વપરાતી એ ગંભીર ખેદનો વિષય છે. ગુજરાતમાં એ લક્ષ્મીનો સદુપયોગ કરાવવા લોકોપયોગી ચળવળ થાય તો દેશ, પ્રજા અને રાજ્યને અનેકધા લાભ છે. સદુપયોગ માટે ચર્ચા થાય, આદર્શો રજૂ કરવામાં આવે અને પ્રયોગો કરી તેનાં મીઠાં ફળ બતાવવામાં આવે તો જ લક્ષ્મી રાષ્ટ્રની ઉન્નતિ તરફ વળે.
જ. વેપારમાં સ્વાભાવિક રીતે આપખુદ કે એકહથ્થુ સત્તાને અવકાશ નથી. તેમાં સર્વનો સરખો સમાસ છે. આપણા પંચો, મહાજનો વગેરે એ સૂત્રનું સમર્થન કરે છે. લોકશાસનનાં (Democracy) તત્ત્વો આપણે ત્યાં વિદ્યમાન છે એટલું જ નહીં પણ પ્રવર્તમાન છે; અલબત્ત અમુક પ્રદેશોમાં, પણ એ તત્ત્વોને નવા જમાનાનો પાસ લાગ્યો નથી. એમનું રૂપ ફર્યું નથી. એમાં વહેતું લોહી નવો જન્મ પામ્યું નથી. લોકશાસનનો જે નવો પ્રવાહ ચાલ્યો આવે છે તેમાં આ જૂના કુંડોનું પાણી નહીં ભેળવવામાં આવે તો તે વધારે સડી જશે અને નવો પ્રવાહ જેટલી શીઘ્રતાથી પ્રજાના રુધિરમાંસમાં એકરસ થવો જોઈએ તેટલી ઝડપથી નહીં થાય. કેળવણીના વિપુલ પ્રચારથી પ્રચલિત જીવનયંત્ર નવેસર ચાલતું હશે.
ગુજરાતમાં જે નવજીવન ઉદય પામતું જાય છે અને તેના એક ફળરૂપે ગુજરાત કેળવણી પરિષદનો જન્મ છે તેના ગહનતમ અંતરમાં રહેલાં કેટલાંક પ્રેરક બળોનું સંક્ષિપ્ત દિગ્દર્શન કર્યું –એ દર્શન એટલું બધું ભવ્ય અને ગંભીર છે કે એ પ્રમાણે સ્થિતિ પ્રાપ્ત કરવા જે પ્રણાલિકાએ કાર્ય થાય તે અનુભવીઓને ઊણાં લાગવાનાં અને આશાનો ઉલ્લાસ સળગાવવાનાં નહીં. ગુજરાતીઓ વ્યવહારુ છે. ભાવના ઊંચી રાખે પણ કામ જે સામગ્રીથી કાર્યસાધક થઈ શકે તેનો ઉપયોગ કરવામાં પાછા હઠતા નથી. કેવી રીતે કામ કરવા ધારણા છે?
૧. ગુજરાતમાં વિવિધ રાજ્યસત્તા હોવાથી કેળવણીનો ફેલાવો પણ ઓછો- વત્તો છે. હાલમાં કેળવણીની સ્થિતિ જુદે જુદે સ્થળે કેવી છે? તેનાં કારણો શાં? અને તેમાં વેગ શી રીતે આવી શકે? એ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રસિદ્ધ થયેલા અહેવાલો ઉપરથી, પત્રવ્યવહારથી અને બને તેમ અંગત તપાસથી માહિતી મેળવવામાં આવશે. એ મેળવવા શરૂઆત તરીકે પ્રશ્નમાળા કાઢી ઠેકઠેકાણે મોકલવામાં આવી હતી.
૨. માહિતી મળ્યા પછી નિકટવર્તી વર્તમાનમાં કેળવણીની વૃદ્ધિ માટે કયા પ્રશ્નો જરૂરના છે તે નોખા તારવવામાં આવશે. સુરત, ગોધરા, અમદાવાદ, રાજકોટ, ભુજ જેવાં શહેરોમાં કૉલેજોની જરૂર; ઊંચામાં ઊંચી વિદ્યા પ્રાપ્ત કરવા ગુજરાતીઓ પરદેશ જઈ શકે એવાં સાધનોની જરૂર; ઊંચા કન્યાશિક્ષણ કે યુવતીશિક્ષણની જરૂર; કેળવણીમાં પછાત કોમોની કેળવણીની જરૂર; ગામડામાં વિશેષ શિક્ષણપ્રસારની જરૂર વગેરે જે કાંઈ લાગશે તે સંબંધમાં ચોક્કસ યોજનાઓ સરકાર સંમુખ, દેશી રાજ્યો સંમુખ અને શ્રીમંત ગુજરાતીઓ સંમુખ રજૂ કરવામાં આવશે. તે યોજનાઓ સિદ્ધ થાય માટે જરૂરની ચળવળ કરવામાં આવશે.
૩. કેળવણીની વર્તમાન સ્થિતિમાં જે ખામીઓ, દોષો, ન્યૂનતા, સ્ખલનો વગેરે જણાતાં જશે તેમના સંબંધમાં ચોક્કસ અને સંપૂર્ણ માહિતી મળતી જશે તેમ તેમ લાગતાવળગતા સંમુખ ફરિયાદો લઈ જવામાં આવશે અને તેમના નિકાલ માટે પ્રયત્ન કરવામાં આવશે. સરકારની, દેશી રાજ્યોની (ગાયકવાડી રાજ્ય સુદ્ધાંતની) કેળવણીની નીતિની ટીકા થશે અને લોકમત જાગૃત કરી ઇષ્ટપ્રાપ્તિ માટે ચળવળ થશે.
૪. પ્રચલિત સ્થિતિમાં શુભ ફેરફાર કરાવવામાં જેમ જેમ વિજય મળતો જશે તેમ તેમ તે સ્થિતિમાંથી બીજી દિશાઓમાં ગતિ કરવાના પ્રશ્નો લેવાશે અને તેમના સંબંધમાં લોકમત જાગૃત કરવામાં આવશે. ગુજરાતને માટે અલાયદું વિશ્વવિદ્યાલય (University); વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક શિક્ષણ માટે ગંજાવર વિદ્યાપીઠો, (Technological Institutions) પ્રાચીન આર્ય સંસ્કૃતિના પુનર્જન્મ માટે તેમ જ ગુજરાતીઓના વર્તમાન જીવનને વાસ્તવિક આર્યજીવન કરવાનાં સાધનો—નવા પુરોહિતોની કેળવણી, ધર્મનું શિક્ષણ, ચારિત્ર્યનાં બંધારણની તજવીજ; જે જે નવા નવા ધર્મો ગુજરાતને પ્રાપ્ત થતા જાય. તેમના નિર્વાહ માટે જરૂરી કેળવણીની તદ્દન નવી જ સંસ્થાઓ; વગેરે વગેરે પ્રશ્નો આ કોટિના છે.
આ રીતે કામ કરવાથી આટલા લાભ થવાનો સંભવ હાલ તો જણાય છે:
કેળવણીના વિષયમાં ગુજરાત જાગૃત થશે. કેળવણીના વહીવટમાં ક્યાં ખામી છે તે જણાશે અને તે દૂર કરવા લોકો તત્પર થશે. કેળવણીનો ફેલાવો ઓછો અથવા ધીમો લાગશે તો તેમાં વેગ ભરવા પ્રયત્નો થશે.
કેળવણીની જરૂરિયાત ચર્ચાથી સમજાશે. જ્યાં જ્યાં હાલ કેળવણી વિના મોટા મોટાં સાહસો ખેડાય છે ત્યાં ત્યાં કેળવણીનો પ્રવેશ થશે અને એ સાહસોમાં વિસ્મયકારક પરિવર્તન થશે. ગુજરાતનું દ્રવ્ય અનુત્પાદક અને નિરુપયોગી રીતે ખર્ચાય છે તે ભવિષ્યની પ્રજા તૈયાર કરવામાં ખર્ચાશે.
કેળવણી માટે ચળવળ કરવામાં અને સરકાર અથવા રાજાઓ પ્રજાની ખરેખરી વાંછનાઓ નહીં સંતોષે તો લોકો જાતે વાંછનાઓ અનુસાર કેળવણીની સંસ્થાઓ ઊભી કરવામાં સ્વાશ્રય શીખશે, આત્મશાસનના પાઠ શીખશે, સાર્વજનિક જીવનનો અનુભવ મેળવશે અને રાષ્ટ્રનું મમત્વ પોષશે.
કેળવણીના વિશેષ ફેલાવાથી જ્ઞાનની લહાણી વધશે, સંસારની વિષમતા ઘટશે, નવી શક્તિઓ ખીલશે અને આ યુગની સંપન્નતા આવશે, વિચાર વધશે અને ભારતવર્ષની સેવા માટે ગુજરાત તૈયાર થશે.
પરિષદનો સર્વે વ્યવહાર ગુજરાતીમાં થવાનો છે એટલે અંગ્રેજી નહીં શીખેલા અસંખ્ય ગુજરાતીઓ તેમાં રસ લઈ શકશે, સામેલ થઈ શકશે અને મદદ કરી શકશે. લોકાદર (democratic)નું આ પહેલું અને મહત્ત્વનું પગલું લેવાયું છે.
એક આવી હિલચાલ ચલાવવાથી ગુજરાતના સાર્વજનિક જીવનમાં નવું ચેતન આવશે. આજે ગુજરાતમાં બોલતા અને વિચારતા આગેવાનો માત્ર સાક્ષરો છે. તેમની સાથે બીજા વર્ગમાંથી આગેવાનો ઉમેરાશે. ‘સાક્ષરતા’ અને સંસ્કૃત શબ્દોથી ભડકતા ઘણા ગુજરાતીઓ આ હિલચાલમાં જોડાતાં સંકોચાશે નહીં. એમના જ્ઞાન અને અનુભવનો ગુજરાતને લાભ મળશે અને એમની નિગૂઢ, ક્રિયારહિત શક્તિઓ ખીલશે.
હવે વિષય સમેટી લેતાં પુનઃકથનનો દોષ વહોરી લઈ ટૂંકામાં પરિષદની જરૂર જણાવીશું :
પ્રાન્તિક કેળવણી પરિષદથી નિરાળી ગુજરાત કેળવણી પરિષદ કરવાનાં કારણો સ્પષ્ટ થયાં હશે. (૧) ગુજરાતનું રાષ્ટ્રીય જીવન ઘડવા ગુજરાતને પોતાની ખાસ ચળવળ જોઈએ છીએ. દેશી રાજ્યોવાળા ગુજરાતમાં આદર પામે એવી પણ સાથે સાથે. (૨) પ્રાંતિક કેળવણી પરિષદમાં દેશી રાજ્યોમાં પ્રચલિત કેળવણીના પ્રશ્નો બાતલ રાખવામાં આવે તે ગુજરાતને પાલવે એમ નથી. દેશી રાજ્યોને જુદાં રાખવાથી એની એકતા નિરંતર ખંડિત રહેશે. (૩) પ્રાંતિક કેળવણી પરિષદમાં ઘણીવાર મુંબઈ ઈલાકાના પછાત ભાગો (સિંધ, દક્ષિણ મહારાષ્ટ્ર, ખાનદેશ વગેરે)ના લાભો આગળ ગુજરાતના લાભો દટાઈ જવાનો ભય છે.
પોતાની ખાસ પરિષદ ભરવાથી ગુજરાતના લોકો પોતાનો ઉદ્ધાર કરવા જાતે જ પ્રવૃત્ત થશે અને રાષ્ટ્રીય જીવન ખીલવી શકશે. પોતાની લક્ષ્મીના પ્રમાણમાં કેળવણીનો લાભ મેળવી શકશે અને મહેચ્છા(aspiration)ના પ્રમાણમાં સિદ્ધિ(achievement) સાધી શકશે.
ઑક્ટોબર ૧૯૧૬