રણજિતરામ ગદ્યસંચય – ૧/શુદ્ધ ગુજરાતી ભાષા સામે પારસીઓની ફરિયાદની તપાસ
હિંદુઓ અને પારસીઓ ગુજરાતી સાહિત્યની સેવા તરેહ તરેહ રીતે બજાવે છે. બન્નેનાં જાતિસ્વભાવ, સંસ્કાર(culture), ધર્મ, કેળવણી, રહેણીકરણી અને લક્ષ્ય(goal) જુદાં હોવાથી બન્નેની સાહિત્યસેવા નિરાળી ખાસિયતવાળી થઈ છે. આ નિરાળી ખાસિયતને લીધે કેટલીક ગેરસમજ થયા કરે છે અને તેથી બન્ને વચ્ચે કડવો મતભેદ વારંવાર વિખવાદ ઊભો કર્યા કરે છે. હિંદુઓ ‘જડબાતોડ’ સંસ્કૃત શબ્દો વાપરે છે અને જાણી જોઈને ફારસી શબ્દોનો ત્યાગ કરે છે—આવી ફરિયાદ અવારનવાર પારસીઓ તરફથી કરવામાં આવે છે. પારસીઓની ફરિયાદ એમની નજરે વાજબી છે છતાં હિંદુઓની વર્તણૂક ગંભીરતાથી તપાસવાના પ્રયત્ન થયા નથી એટલે એ ફરિયાદ એની યોગ્યતા કરતાં વધારે વજન પામે છે. હિંદુઓની વર્તણૂકનો કાંઈક ખુલાસો કરવામાં આવે અને સમજુ પારસીઓ એ ખુલાસાથી સંતોષ પામી બન્ને કોમ વચ્ચેની કડવાશ દૂર કરવા તૈયાર થાય એવા હેતુથી આ લેખ લખવામાં આવ્યો છે. ૧. અંગ્રેજોની છાયા નીચે હિન્દુસ્તાનની દરેક ભાષાનાં વિકાસ અને વૃદ્ધિ થતાં જાય છે. નવા નવા વિચારો દેશમાં પ્રવેશતા અને જન્મતા જાય છે. એ નવા વિચારો માટે નવા શબ્દો, નવાં રૂપો વગેરે ઘડવાં પડે છે. ઘડતરની આ નવી સામગ્રી ભાષામાં ન હોય તો કુદરતી રીતે તેનાં પિયરમાંથી જોઈતી સામગ્રી લાવવામાં આવે. ગુજરાતી ભાષાને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે તે પોતાની(નાનીના) દાદીના અખૂટ ભંડારમાંથી જોઈતી વસ્તુઓ લઈ આવી છે અને હાલ લાવે છે. હાલમાં નવા વિચારો જથ્થાબંધ ઉત્પન્ન થતા જાય છે એટલે તે દર્શાવવા નવા નવા શબ્દો પણ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં જથ્થાબંધ આવતા જાય છે. જાણી જોઈને સંસ્કૃત શબ્દો હિંદુઓ વાપરે છે તેના કરતાં એ શબ્દો વાપર્યા વિના છૂટકો જ નથી એવી સ્થિતિ આવી છે એવું આથી સાબિત થાય છે. ૨. કેળવણીના ફેલાવા સાથે સંસ્કૃતનું જ્ઞાન હિંદુઓમાં વધારે ને વધારે ફેલાતું જાય છે. લેખકોને કેળવણી મારફત પોતાની જન્મભાષાનું જ્ઞાન બહુ જ જૂજ મળે છે એટલે લખતી વખતે સંસ્કૃતના જ્ઞાનનો કુદરતી ઉપયોગ થઈ જાય છે. અંગ્રેજી અને સંસ્કૃત ભાષા અને સાહિત્યનો તેમને પરિચય હોય છે. અંગ્રેજી સાહિત્યના પરિચયથી જે જે વિચારો નવા સૂઝે તે તે દર્શાવવાના શબ્દો સંસ્કૃત ભાષામાંથી એકદમ સૂઝી આવે છે અને એ શબ્દો ગુજરાતીમાં વપરાય છે. ૩. હિન્દુઓના ધર્મ તથા સંસ્કાર(culture)ના ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે. છાપખાનાંની સગવડને લીધે એ ગ્રંથો મૂળ સ્વરૂપમાં વાંચવા હિન્દુઓને વૃત્તિ થાય છે. આ વૃત્તિ દહાડે દહાડે વધતી જવાની. કારણ કે સંસ્કૃત ભાષામાં હિન્દુઓના બાપદાદાઓએ મૂલ્ય ન થાય એવો ખજાનો હિન્દુઓને માટે અને દુનિયાને માટે મૂક્યો છે. એ ખજાનાનો લાભ લેવા અને બીજાને આપવા હિન્દુઓ પ્રયત્ન કરવાના. આમ સંસ્કૃતનો પરિચય જેમ જેમ વધતો જશે તેમ તેમ લોકભાષામાં સંસ્કૃત શબ્દોનો વપરાશ વધતો જવાનો. ૪. સમગ્ર હિન્દુસ્તાનમાં હાલ એકરાષ્ટ્રભાવના(Nationality) જન્મ પામી છે. એ લાગણીને પોષવા અને વધારે વ્યવહારુ કરવા હિન્દુસ્તાનના વતનીઓના અરસપરસના વ્યવહાર માટે એક ભાષાની જરૂર લાગે છે. અંગ્રેજી રાજ્યકર્તાની ભાષા હોવા છતાં એક ભાષા થઈ શકે એમ નથી. હિન્દુ પ્રજાને જે ચેતન સંસ્કૃત ભાષા આપી શકે એમ છે, મુસલમાનોને જે ચેતન અરબી ભાષા આપી શકે એમ છે તે અંગ્રેજી આપી શકે એમ નથી. અમારી ખાસિયતથી એ ભાષા તદ્દન જુદી જ છે. વળી હિન્દુસ્તાનનો દરેક વતની એ શીખી એથી ચેતન મેળવે એવી જોગવાઈ કે સગવડ હાલ નથી. હિન્દુસ્તાનના જુદા જુદા પ્રાંતની ભાષાઓમાંથી પણ એકે એ સ્થાન લઈ શકે એમ નથી. ચેતન જગાડનારું સામર્થ્ય એકેમાં નથી; અને હોય તો પ્રાંતિક ભાષાઓનો નાશ કરી તેમનું સ્થાન લઈ શકે એવા સંજોગો નથી. પ્રાંતિક ભાષાઓની નિરાળી વૃદ્ધિ થયા કરે છતાં તેઓ વચ્ચેનું અંતર શી રીતે ઘટે? સંસ્કૃત શબ્દોના સર્વત્ર વધારે વપરાશથી. આ માત્ર તરંગ નથી પણ સૌની આંખ આગળ બનતો બનાવ છે. અત્યારે જેને સંસ્કૃત આવડતું હોય છે તે અર્વાચીન બંગાલી, હિન્દી, મરાઠી, ગુજરાતી સાહિત્ય વાંચી સમજી શકે છે. હિન્દુઓમાં એકતા લાવવા સંસ્કૃત શબ્દો છૂટથી વાપરવાની જરૂર હોવાથી ગુજરાતીમાં તે વપરાવાના. ૫. હિંદુસ્તાનની બધી પ્રાંતિક ભાષાઓમાં–બંગાળી, મરાઠી, હિંદી, પંજાબી, આર્ય ભાષાઓમાં, તેમ જ તામીલ, આંધ્ર જેવી દ્રવિડ ભાષાઓમાં પણ સંસ્કૃત શબ્દો વધારે ને વધારે વપરાશમાં આવતા જાય છે. ઉર્દૂમાં ફારસી અને અરબી ભાષાના શબ્દો વધારે ને વધારે વપરાશમાં આવતા જાય છે. હાલ પ્રગતિનો અને પ્રવૃદ્ધિનો યુગ છે. ભાષાઓના શબ્દભંડાર તવંગર થતા જાય છે. આવે વખતે કોઈ પણ પ્રજા – અને તેમાંયે ખાસ કરીને જેને ઉન્નત થવું છે એવી પ્રજા પોતાના અમુક ભાગની સગવડ ખાતર દરિદ્ર રહેવા પ્રયત્ન કરે તો તેનો આત્મઘાત જ થાય. ગુજરાતી ભાષામાં સંસ્કૃત શબ્દોનો વપરાશ છૂટથી નહીં થાય તો ગુજરાતી ભાષા એની બીજી બેન – ભાષાઓને મુકાબલે કંગાળ રહેશે અને પોતાની આબરૂ ખોશે. બોલવાની ભાષામાં ગમે તેવા ભેદ હોય પણ લખવાની ભાષા તો સરખી જ હોવી જોઈએ. બંગાળમાં મુસલમાનોની સંખ્યા ઘણી મોટી છે છતાં શિષ્ટ મુસલમાની લેખકો સંસ્કૃતમય બંગાળીમાં જ લખે છે. ૬. સંસ્કૃત ભાષા અને સાહિત્યનો એકવાર પરિચય થયો કે એના ગુણોનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. લાઘવનો એનો મશહુર ગુણ સંસ્કૃત શબ્દોનો વધારે ઉપયોગ કરાવે છે. એના શબ્દોની મીઠાશ, શબ્દોનો અવાજ અને રણકો એવાં મજાનાં લાગે છે કે એમની સાથે બીજી ભાષાની મીઠાશ કે તેના શબ્દોનો રણકો ખૂંચે છે. સંસ્કૃત ભાષાના વધારે વપરાશનાં કારણો ટૂંકામાં જોયાં. હવે ફારસીના વપરાશનો ઘટાડો શાથી થાય છે તે તપાસીએ. ૧. રાજ્યકર્તાની ભાષા તરીકે ફારસી ભાષા હિન્દુસ્તાનમાં ફેલાવા પામી. રાજ્યના વ્યવહારને અંગે જેટલી અસર થઈ તેટલી એણે હિન્દુઓની જિંદગી પર કરી. હિન્દુઓ એનો સારો અભ્યાસ કરતા પણ સાદી, હાફીઝ, ફીરદોસી જેવા લેખકો હિંદુઓમાંથી ઉત્પન્ન થયા નથી. તેમ મનુ, કાલિદાસ, ભવભૂતિ, શંકરાચાર્ય, વ્યાસ, વાલ્મિકી, બાણ, ચાણક્ય, તુલસીદાસ, સુરદાસ, મીરાંબાઈ, નરસિંહ મહેતા, પ્રેમાનંદ જેવા સમર્થ હિન્દુ લેખકો ફારસીમાં થયા નથી અને ફારસી વાણી દ્વારા હિન્દુ પ્રજાની જિંદગીના રૂપરંગ ફેરવ્યા નથી. ફારસી ભાષા હિંદુઓની જિંદગીમાં પચી ગઈ નહોતી. જે સત્તાને લીધે એનો વ્યવહાર જરૂરી હતો તે સત્તાના નાશથી એનો વ્યવહાર અટકી પડ્યો. ૨. વ્યવહાર અટકી પડવાથી – એ શીખવાની જરૂર જતી રહેવાથી હિંદુઓ એનો અભ્યાસ કરતા નથી. ફારસી સાહિત્ય સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યને મુકાબલે એટલું બધું ઊતરતું છે કે એ રીતે પણ એનો અભ્યાસ કરવાનું ખાસ આકર્ષણ થાય એમ નથી. આ કારણોથી ફારસી શબ્દો આપોઆપ વપરાશમાંથી ઘટતા જાય છે. અભણ હિંદુઓમાં દેખાદેખીથી જે જે ફારસી શબ્દો દાખલ થઈ ગયા હતા તે શબ્દોમાંના ઘણાકને બદલે હવે અંગ્રેજી કે સંસ્કૃત શબ્દો વપરાવા માંડ્યા છે. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં ન્યાયને ખાતર કહેવું જોઈએ કે ગુજરાતી હિંદુઓએ ફારસીનો તદ્દન તિરસ્કાર નથી કર્યો. મણિલાલ નભુભાઈ, કલાપી, સાગર વગેરેની કવિતા વાંચશે અથવા રા. રા. નારાયણ વસનજી ઠક્કુરની કેટલીક વાર્તાઓ વાંચશે તો ગુજરાતીમાં રૂઢ નહીં એવા કેટલા બધા ફારસી શબ્દો વાપરેલા જણાશે. અત્યારે દેશમાં જે જે બળો પ્રવર્તે છે તે તે બળો લક્ષમાં લેવામાં આવે તો ફરિયાદ તદ્દન ટકી શકે એમ નથી. હિંદુઓને એક થઈ પોતાના પૂર્વજોની સંસ્કૃતિ(civilization) અને સંસ્કારિતા(culture)નો લાભ લેવો છે અને યુરોપની સંસ્કૃતિ અને સંસ્કારિતાનો પણ લેવાય એટલો લાભ લઈ બન્નેના સમવાયથી નવી સંસ્કૃતિ અને સંસ્કારિતાને જન્મ આપવાનો છે. આ ઊંચું લક્ષ હિંદુઓના હૃદયને હલાવી રહ્યું છે. એ લક્ષની પ્રાપ્તિ માટે મહેનત કરતા હિન્દુઓ વ્યવહાર માટે સંસ્કૃત શબ્દો વધારે વાપરે એ તદ્દન કુદરતી હોવા છતાં એ વપરાશ સામે સમજ વગર ફરિયાદ કરવામાં આવે એ ગેરવ્યાજબી છે. ગુજરાતી ભાષા વાપરવી હોય, હિંદુસ્તાનના નવા જીવનમાં સામેલ થવું હોય, તો પારસીઓને સંસ્કૃત શીખ્યા વિના છૂટકો નથી. ઘરમાં ગુજરાતી ભાષા બોલીએ એટલે તે ભાષામાં લખાયેલા શિષ્ટ ગ્રંથો સમજાય જ એવો નિયમ નથી. જે લોકો ઘરમાં અંગ્રેજી બોલતા હશે તે બધા અભ્યાસ વગર મિલ્ટન, ટેનિસન, રસ્કિન, બેકન, મેકોલે, બાર્કલિ, હોબ્ઝ, ડાર્વિન, હક્ષલિ, ઓસ્ટેન કે શેક્સપિયર સમજી નથી શકતા. પારસી વાંચનારા અને પારસી લેખકોનું ગુજરાતી ભાષાનું જ્ઞાન કેટલું? વાંચનમાળાની ત્રણચાર ચોપડી દસ વર્ષની ઉંમર લગીમાં શીખ્યા હોય અને તેથી ગુજરાતીનું જેટલું જ્ઞાન મળ્યું હોય તે. ગુજરાતી ભાષાનું અને સાહિત્યનું સારું જ્ઞાન મેળવશો તો ફરિયાદ કરવાનું કારણ રહેશે નહીં.
[૨]
એક પક્ષ કહ્યો. બીજા પક્ષની વાત પણ જરા તપાસવી ઘટે છે. ઈરાનથી કયા પારસીઓ ગુજરાતમાં આવી વસ્યા હતા? અમીર ઉમરાવો અને લડવૈયાઓ મુસલમાનો સામે ખપી ગયેલા અથવા વટલી ગયેલા. ખેડૂતો અને કારીગરોનો કેટલોક ધર્મચુસ્ત ભાગ ગુજરાતમાં નાસી આવ્યો હશે, નાસી આવેલામાં સર્વ સંસ્કારી ઊંચા વર્ગના હોત તો તે પોતાની ભાષાનો ત્યાગ કરત જ નહીં; બહારના વ્યવહારમાં લોકભાષા વાપરત પણ ઘરમાં તો પોતાની જન્મભાષા જ વાપરત. જે ગુજરાતીઓ ઉત્તર હિંદુસ્તાન, મહારાષ્ટ્ર કે મદ્રાસ ઇલાકામાં જઈ વસ્યા છે તેઓ હજુ પણ ઘરમાં ગુજરાતી વાપરે છે અને બહાર લોકભાષા વાપરે છે. હાલના પારસીઓ ગમે તેટલા અંગ્રેજી કેળવણીમાં વધેલા હોય છે. છતાં ગુજરાતી ભાષા ઘરમાં વાપરે છે. સંસ્કારી લોકો પોતાની જન્મભાષાનો કદી ત્યાગ કરતા નથી. પારસીઓ આવી થાણા, સુરત, ખંભાત, ભરૂચ જિલ્લાનાં ગામડામાં વસ્યા. પશ્ચિમ એશિયામાં મહારાજ્ય સ્થાપનાર લડાયક પારસીઓના વંશજો નાસી આવ્યા હોત તો મુસલમાની સલ્તનતમાં, રણક્ષેત્રમાં, રાજ્યવહીવટમાં તેઓ આગેવાન થયા વિના રહેત નહીં. પણ ખેડૂત અને કારીગર વર્ગ હોવાથી તેઓ ગામડામાં વસ્યા. કારણ કે ત્યાં તેમના નિર્વાહની જોગવાઈ થઈ શકે એમ હતું. ગામડામાં કુદરતી રીતે એમના જેવા જ ધંધાદારીનો સહવાસ થતો એટલે એમની ગુજરાતી ભાષા સુરત ભરૂચનાં ગામડાંની ભાષા જેવી થઈ. આ ભાષામાં અશુદ્ધિ હોય તો તેનો દોષ પારસીઓનો નહીં પણ એ ગામડાના વતની હિંદુઓનો છે. ભાષા એ પ્રજાના જીવનમાંથી જન્મે છે. પ્રત્યેક પ્રજાની જે ખાસિયતો હોય છે તેની અસર ભાષાને પણ થાય છે. પારસીઓની પોતાની ભાષાની અમુક ખાસિયત હતી. એમના મનમાં અને દેહનાં બંધારણથી કેટલીક ખાસિયતો આવી હતી. પોતાની ભાષા મૂકી દઈ તદ્દન અલાયદી ભાષા સ્વીકારી રોજના વ્યવહાર તરીકે તે વાપરવા માંડ્યા છતાં મૂળની ખાસિયતો જતી નથી. કેટલાક અક્ષરોના ખરા ઉચ્ચાર પારસીઓથી નથી થઈ શકતા તેથી તેમની હાંસી કરવી ઘટતી નથી. એ જાતિસ્વભાવનું પરિણામ છે. ગુજરાતમાં વસી પારસીઓ ગુજરાતી ભાષા બોલતા થયા ત્યારે જેવી ગુજરાતી ભાષા બોલાતી હતી તેવી જ ભાષા હવે બોલાતી નથી. ભાષાના દેહમાં અનેક ફેરફારો થયા છે અને થતા જાય છે. ફેરફાર થાય છે ત્યારે જૂની સ્થિતિ અશિષ્ટ લાગે છે.—જેટલા ફેરફાર હિંદુઓની ભાષામાં થાય છે એટલા પારસીઓની ભાષામાં થયા નથી એટલે કેટલાક શબ્દો, રૂપો, પ્રયોગો જે પૂર્વે ગુજરાતી ભાષામાં વપરાતા પણ હવે લુપ્તપ્રાય(obsolete) થયા છે તે હજુ પારસીઓ વાપરે છે એટલે એમની ભાષા હાલમાં હિંદુઓને અશિષ્ટ લાગે એ સ્વાભાવિક છે. આમ જૂના શબ્દો, પ્રયોગો વગેરેનો પ્રચાર ગુજરાતના ઘણા ભાગમાં છે. ખુદ નડિયાદની બોલીમાં એવા ઘણા પ્રયોગો છે. સંસ્કારી હિંદુ તે પ્રયોગો સાંભળી હસે છે. સાહિત્યમાં આવા પ્રયોગો કે શબ્દોને સ્થાન નથી આવતું પણ શુદ્ધ સાર્વજનિક ભાષા લખવામાં આવે છે. ગુજરાતી ભાષાનો અભ્યાસ કરવા માટે સંસ્થાઓ અને સાધનો નથી. આમ હોવાથી હિન્દુઓ અને પારસીઓ સરખી જાતની ભૂલો ઘણીવાર કરે છે. પ્રજાની ખાસિયત, ગુજરાતી ભાષા સ્વીકારવાના સંજોગ અને હાલમાં તેની શુદ્ધ અભ્યાસ માટેની સગવડોની ખામી ધ્યાનમાં લેતાં પારસીઓની ભૂલોનો કાગનો વાઘ હિન્દુઓએ કરવો નહીં. પારસીઓ પોતાનાં લખાણોમાં વધારે ફારસી શબ્દો કે વાક્યરચના વાપરે તેથી ગુજરાતી ભાષા વધારે તવંગર થશે; ગુજરાતી ભાષાની શક્તિ વધશે એવું સુજ્ઞ હિન્દુઓ માને છે. પારસીઓએ સંસ્કૃત શબ્દો જ વાપરવા અને ફારસી ન જ વાપરવા એવો આગ્રહ કોઈ સુજ્ઞ હિન્દુ કરતો નથી. પારસીઓમાં ગુજરાતી લખાણો સામે અમારા વાંધા નીચે પ્રમાણે છે : ૧. લેખક અને વાંચનારાની ગુજરાતી કેળવણી સંસ્કારી ન હોવાથી ભાષામાં ઘણી વાર ગામડીયા પ્રયોગો હોય છે; શિષ્ટ(classical) ભાષા અને શૈલીની ખામી હોય છે. પારસી લખનારાઓનો મોટો ભાગ તરજુમા કરનારનો છે; તેમાંયે ખાસ કરીને વાર્તાઓના મૂળ ગ્રંથ સાથે એમનો એકે તરજુમો સરખાવાઈ ઊંચો ઠર્યો નથી. ગુજરાતી ભાષા અને શક્તિઓની પૂરી પીછાન ન હોવાથી એ તરજુમાઓથી ગુજરાતી ભાષાની શક્તિઓ ખીલવી શકાઈ નથી. પારસીઓ આટલા બધા કેળવાયેલા અને સંસ્કારી હોવા છતાં એમનામાંથી રામમોહનરાય, કેશવચંદ્ર સેન, દયાનંદ સરસ્વતી, રાનડે, ગોવર્ધનરામ, બંકિમચંદ્ર કે રવીન્દ્રનાથની હારમાં બેસે એવું કોઈ જન્મ્યું નથી. અંગ્રેજીનો અભ્યાસ એમનામાં લગભગ સાર્વજનિક હોવા છતાં તરુદત્ત કે સરોજિની નાયડુની પ્રતિષ્ઠા ઝાંખી પાડે એવો અંગ્રેજીમાં પણ પારસી કવિ થયો નથી. ચિત્રકલાનો પ્રચાર પારસીઓમાં ઘણો છે છતાં રવિ વર્મા, ધુરંધર કે અવનીન્દ્રનાથ ઠાકુર અને એમના શિષ્યોનાં ચિત્રો જેવાં ચિત્રો કોઈ પારસી ચિત્રકારે ચીતર્યાં નથી. સંગીતના અભ્યાસ અને પ્રચારનું પણ એવું જ નિરાશાજનક પરિણામ છે. પારસી પ્રજામાં સ્નેહલગ્ન, સંવનનનો(love marriage, courtship) પ્રચાર છે છતાં સ્નેહનાં કે વિરહનાં મીઠાં કવન કે ગાન હજુ કોઈ પારસીએ કર્યાં નથી. પારસીઓનો વૈભવ, કેળવણી, સંસ્કાર ઉછીનાં છે. હજુ એમનું હૃદય જાગૃત થયું હોત અને ગુજરાતી ભાષા દ્વારા તે આવિર્ભાવ પામ્યું હોત તો એમની ભાષાની અનેક ખામી હોવા છતાં ગુજરાતી હિન્દુઓ નહીં પણ હિંદુસ્તાનના બીજા વતનીઓ પણ એમનાં લખાણો તરફ ખેંચાયા વિના રહેત જ નહીં. સર રવીન્દ્રનાથ ઠાકુરનો દાખલો મોજૂદ છે. અમારી ફરિયાદ પારસીઓની ભાષા માટે જ નથી પણ તેમનાં લખાણોના છીછરાપણા (Superficiality) અને સ્થાયી ગુણના અભાવ માટે પણ છે. ૨. અંગ્રેજી સાહિત્ય અને ભાષાનો પરિચય આપણી જિંદગીમાં વધતો જતો હોવાથી આપણા બોલવાં– લખવા ઉપર તેમની છાપ કુદરતી રીતે પડે છે. હિન્દુઓ પોતાનાં લખાણોમાં અંગ્રેજી શૈલી, વાક્યરચના, શબ્દો, રૂઢિઓનો ઉપયોગ કરે છે પણ બનતાં લગી તેમને અંગ્રેજી ન રાખતાં ગુજરાતી બનાવવા પ્રયત્ન કરે છે. પારસીઓ આવું કરતા નથી એટલે એમની ગુજરાતી ભાષા હાસ્યજનક અને કૃત્રિમ થાય છે. ભાષાના સ્વભાવથી વિરુદ્ધ વર્તવાથી ભાષા બગડી જાય છે અને તેની શક્તિઓ મરી જાય છે. પોષાકમાં અંગ્રેજી અને દેશી ઢબની સુંદર મેળવણી કરવાની જેવી કળા પારસી સુંદરીઓને આવડી છે તેવી સુંદર કળા ભાષાઓની મેળવણી કરવામાં વાપરતાં પારસી લેખકોને આવડતી નથી.
[૩]
બે પક્ષની ફરિયાદની તપાસ કરી. હવે શું કરવું? ઊંચા પ્રકારના સ્વતંત્ર (Original) શિષ્ટ(Classical) લખાણ લખવા પ્રયત્ન કરવો. પછી તેમાં શબ્દો સંસ્કૃત વધારે હો કે ફારસી વધારે હો. ભાષા સંસ્કારી અને સુશ્લિષ્ટ તથા મધુર અને તેજસ્વી હશે – વિષય આકર્ષક અને ઉચ્ચ હશે તો તો લેખનો સત્કાર થયા વિના રહેશે જ નહીં.
લેખક થયા પહેલાં અને પછી શિષ્ટ ગુજરાતી ગ્રંથોનો અભ્યાસ ચાલુ રાખવો. પાંચ અંગ્રેજી વાર્તાના ગમે તેવા તરજુમા કર્યા એટલે ગુજરાતી ભાષાનું જ્ઞાન સર્વોત્તમ થઈ ગયું એમ માનવું નહીં પણ ગુજરાતી ભાષામાં સારું સાહિત્ય — દુનિયાનાં બીજાં સાહિત્યને મુકાબલે જરા પણ ઊતરે નહીં એવું સાહિત્ય — શી રીતે થઈ શકે તેનો અહોરાત્ર વિચાર કરી ઉપાય યોજવા.
જોડણી વિશે એક પદ્ધતિ અંગીકાર કરી તે પ્રમાણે હંમેશાં લખ્યા જવું. નર્મકોશ કે બેલસરે કૃત ગુજરાતી–અંગ્રેજી કોશ અને આપ્તે કૃત સંસ્કૃત–અંગ્રેજી કોશ દરેક લેખકે પોતાની પાસે રાખવા અને શબ્દોના અર્થ ન સમજાય તો તેમની મદદથી સમજવા.
હિન્દુ લેખકોએ જાણીજોઈને સંસ્કૃત શબ્દો કે સમાસો વાપરવા નહીં. અર્થ સરળતાથી સમજાય એવી ભાષા વાપરવા પર વધારે લક્ષ આપવું. પારસી લેખકો અને વાંચનારાઓની ભાષા વધારે સંસ્કારી અને શિષ્ટ થઈ શકે માટે ક્રમવાર પ્રયત્ન કરવા. સાધનોની ખોટ હોય તો તે ઉપજાવવાં. આનંદની વાત છે કે પારસીઓની ગુજરાતી ભાષા દિવસે દિવસે સુધરતી જાય છે અને આની આ ગતિ ચાલુ રહેશે તો બન્ને વચ્ચેનું ખરું અંતર થોડા વખતમાં દૂર થઈ જશે. પારસી માસિકોમાં હિન્દુ લેખકો પાસેથી લેખ મેળવવા અને હિન્દુ લેખકોનાં લખાણોનું અવલોકન આપવા હંમેશ તજવીજ કરવી જોઈએ. આવી તજવીજ પારસી લેખકો અને તેમનાં લખાણો માટે હિન્દુ માસિકોમાં થવી જોઈએ.
પારસીઓમાં વાર્તા લખનારાઓ પુષ્કળ થાય છે તેના કરતાં ડૉ. મોદી, પ્રો. દસ્તુર, પ્રો. વાડીઆ, પ્રો. સંજાણા, પ્રો. હોડીવાળા, મેસર્સ ભરડા, મસાણી, ખરેઘાટ, દલાલ, મુસ, નાયગામવાળા વગેરે વિદ્વાનો સરળ પણ શિષ્ટ ગુજરાતી ભાષા મારફત પોતાના જ્ઞાનનો ગુજરાતને લાભ આપે તો હિન્દુઓ અને પારસીઓ વચ્ચેનું અંતર દૂર થતાં વાર લાગે નહીં.
કેટલાક હિન્દુઓ ફારસી ભાષાનું અને સાહિત્યનું ગાઢ સેવન કરે અને ફારસીના સંસ્કારવાળી ગુજરાતી ભાષામાં ગ્રંથો લખે તેમ જ કેટલાક પારસીઓ સંસ્કૃત ભાષા અને સાહિત્યનું ગાઢ સેવન કરે અને સંસ્કૃતના સંસ્કારવાળી ગુજરાતી ભાષામાં ગ્રંથો લખે તો બન્ને કોમ વચ્ચે વિરોધ થાય છે તે જલદી ઘટી જશે.
શિષ્ટ ફારસી ગ્રંથોના સંસ્કૃતમય ગુજરાતીમાં રસિક ભાષાંતરો કે અનુવાદો હિન્દુઓ કરે અને શિષ્ટ સંસ્કૃત ગ્રંથોના ફારસી ગુજરાતીમાં રસિક ભાષાંતરો કે અનુવાદો પારસીઓ કરે તો બન્ને કોમની ભાષા અને સાહિત્ય વચ્ચે એખલાસ વહેલો વધશે.
પારસી છાપખાનાંઓમાં પારસી વર્તમાનપત્રોના ‘ઍડિટોરિયલ સ્ટાફ’માં ‘ટ્રેન્ડ’ ગુજરાતી શિક્ષકો રાખવામાં આવે, પારસી ગ્રંથોનાં પ્રૂફ એમની પાસે સુધરાવવામાં આવે તો પારસી – ગુજરાતી દોષરહિત થતાં વાર લાગશે નહીં અને પારસીઓને સારી શુદ્ધ ગુજરાતી લખવાની ટેવ પડશે.
બન્ને પ્રજાઓ વચ્ચેનો વિખવાદ વધારવા નહીં પણ ઓછો કરવા આ લેખ સફળ થશે તો મારી મહેનત કૃતાર્થ થયેલી માનીશ.
સપ્ટેમ્બર ૧૯૧૫