રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાત સાહિત્ય સભાનો અહેવાલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગુજરાત સાહિત્ય સભાનો અહેવાલ

ઈ. સ. ૧૮૯૭માં અમદાવાદના યુવાનોએ ‘ધી યંગ મેન્સ યુનિયન’ નામનું મંડળ સ્થાપ્યું. પ્રથમ વર્ષની સમાપ્તિ પહેલાં મતભેદ થવાથી ‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશન’ નામનું મંડળ મૂળ મંડળમાંથી ફંટાયું. એકાદ બે વર્ષમાં ‘ધી યંગ મેન્સ યુનિયન’ના ક્ષણિક જીવનનો અન્ત આવ્યો. જેમ જબરા ઝાડનો નાશ થતાં જે જગાએ તે ઊગતું હતું ત્યાં ઝીણી ઝીણી વનસ્પતિ અંકુરી નીકળે છે તેમ આ મંડળ વિલુપ્ત થતાં અનેક જ્ઞાતિસમાજો અમદાવાદમાં સ્થપાયા. ‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશને‘ સંસારસુધારાની પ્રવૃત્તિ સાથે સાહિત્યપક્ષે નીચે લખ્યા મુજબ જાહેર વ્યાખ્યાનો કરાવરાવ્યાં હતાં :

ભાષણનો વિષય

વ્યાખ્યાનકાર

૧. ગુજરાતી સાહિત્યનું હાલનું વલણ રા. રમણભાઈ મહીપતરામ
૨. કવિતા અને સંગીત રા. નરસિંહરાવ ભોળાનાથ
૩. ગુજરાતી કવિતા રા. ગોવર્ધનરામ માધવરામ

ઈ. સ. ૧૯૦૪માં ‘ગુર્જર સાક્ષર જયંતી’નો ઉપક્રમ સમારંભાયો. કલાપી, અખો અને મીરાંની જયંતી તે વર્ષે ઊજવાઈ. જયંતીની યોજના સફળ કરવા સાહિત્યપક્ષને સબળ કરવું આવશ્યક લાગ્યું. ગયા વર્ષના જાન્યુઆરીની પહેલી તારીખે અમારી સભા ‘ધી લિટરરી એસોસિયેશન’ થઈ; ને એપ્રિલમાં ‘ગુજરાત સાહિત્ય સભા’નું અભિધાન પામી. ભિન્ન ભિન્ન સાક્ષરોનાં સાહિત્યસેવા રૂપી રસળતાં કિરણો એક સ્થળે કેન્દ્રિત થાય તો આપણા સાહિત્યને હાલ થાય છે તેથી વિશેષ લાભ થાય તથા ઐક્યની ભાવના ઉદ્ભવે, – એટલા સારુ એક મંડળની આવશ્યકતા હતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગ્રંથપ્રસિદ્ધિનું કામ કરે છે, પરંતુ સાહિત્યના અભ્યાસ ને સંશોધન પર વિશેષ લક્ષ આપનાર મંડળની ખોટ તેથી પૂરી પડતી નથી. બંગ પરિષદ, નાગરીપ્રચારિણી સભા, તામિલ સાહિત્ય સભા(Tamil Literary Academy) આદિ મંડળો પોતાના પ્રાંતની જેવી સેવા બજાવે છે તેવી સેવા ગુજરાત અને ગુજરાતી ભાષાની બજાવે એવા મંડળની જરૂર લાગતી હતી. આવી અગવડો કંઈક અંશે દૂર કરવા પ્રયત્ન થાય એટલા માટે અમારી સભાનું ‘ગુજરાત સાહિત્ય સભા’ નામ પાડી, ‘ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવાનો તથા બનતા પ્રયાસે તેને લોકપ્રિય કરવાનો’ ઉદ્દેશ રાખ્યો. ઉદ્દેશસાધના અર્થે વિવિધ સાધનો પ્રયોજ્યાં છે. ગુજરાતી સાહિત્યની ઉદ્દામ અને અવિરત સેવા કરનાર સાક્ષરો આ મંડળ પર મમતા રાખી તેને ઉછેરે એટલા સારુ ઑનનરી સભાસદનો વર્ગ રાખવામાં આવ્યો છે. સભાએ રા. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, રા. રણછોડભાઈ ઉદયરામ, રા. ગોવર્ધનરામ માધવરામ, રા. નરસિંહરાવ ભોળાનાથ, રા. મણિશંકર રત્નજી ભટ્ટ, રા. રમણભાઈ મહીપતરામ, રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, આટલા સાક્ષરોને ઑનરરી સભાસદ થવા વિનંતિ કરી હતી. આ સર્વે સાક્ષરોએ એ વિનંતી સ્વીકારી છે. ‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશને’ ઉપસ્થિત કરેલો ‘ગુર્જર સાક્ષર જયંતી’નો સમારંભ ચાલુ રાખવામાં આવ્યો છે. જેટલા સમારંભો પ્રયોજાયા છે તે નીચે લખ્યા છે :

જેમની જયંતી ઊજવાય
છે તેમનું નામ
તિથિ જયંતી પ્રસંગે વ્યાખ્યાન
કરનારનું નામ
૧. નરસિંહ મહેતા વૈશાખ સુદ ૫ રા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ
૨. મીરાંબાઈ શ્રાવણ વદ ૮ રા. ન્હાનાલાલ દલપતરામ કવિ
૩. અખો ચૈત્ર સુદ ૯ રા. નર્મદાશંકર દેવશંકર મહેતા
૪. પ્રેમાનંદ પોષ સુદ ૨ રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
૫. શામળ રા. છોટાલાલ લલ્લુભાઈ પટેલ
૬. વલ્લભ રા. હિંમતલાલ ગણેશજી અંજારીઆ
૭. દયારામ માઘ વદ ૫ રા. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
૮. ધીરો આશ્વિન સુદ ૧૫ રા. કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા
૯. દલપતરામ ચૈત્ર સુદ ૩ રા. નરસિંહલાલ માધવલાલ દેસાઈ
૧૦. નર્મદાશંકર જન્મ ભાદરવા સુદ ૧૦,
મૃત્યુ ઑગસ્ટ ૨૪
રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી
૧૧. નવલરામ આષાઢ વદ અમાવસ્યા રા. ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરી
૧૨. મણિલાલ નભુભાઈ ઑક્ટોબર ૩ રા. આણંદશંકર બાપુભાઈ ધ્રુવ
૧૩. હરિ હર્ષદ ધ્રુવ રા. ન્હાનાલાલ દલપતરામ કવિ
૧૪. સુરસિંહ (કલાપી) જન્મ મહા સુદ ૯,
મૃત્યુ જેઠ સુદ ૧૧
રા. મણિશંકર રત્નજી ભટ્ટ

‘ગુજરાતના વેદાંતી કવિઓ’ સંબંધે એક વ્યાખ્યાન તૈયાર કરવાની સભાની વિનંતિ રા. નર્મદાશંકર દેવશંકરે સ્વીકારી છે. ગઈ સાલ રા. ગણપતરાવ ગોપાળરાવ બર્વેએ ‘ગુજરાતના કવિઓનું સંગીતજ્ઞાન’ – એ વિષય પર સુપ્રયોગ વ્યાખ્યાન કર્યું હતું. આ સર્વે સદ્ગૃહસ્થોનો તેમ જ રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી અને રા. અમૃતલાલ સુન્દરજી પઢિયારનો સભા ઉપર અત્યંત ઉપકાર થયો છે. ‘વસન્ત’ માસિકમાં પોતાનાં વ્યાખ્યાનો પ્રસિદ્ધ કરવા વ્યાખ્યાનકારોએ સંમતિ આપી છે. પોતાના માસિકમાં આ સર્વ લેખો પ્રસિદ્ધ કરવાની સગવડ કરી આપી પ્રો. આણંદશંકરે સભાને આભારી કરી છે. ગુજરાતી સાહિત્યનો અભ્યાસ વધે તથા જનસમાજનું સાહિત્યના ઉત્કર્ષ પ્રત્યે લક્ષ આકર્ષાય એવા હેતુથી જયંતીઓ યોજાઈ છે. હાલ તો ફક્ત જાહેર વ્યાખ્યાનોથી જ જયંતી ઊજવીએ છીએ. સમારંભનું નામ જયંતી રાખ્યું છે પણ વસ્તુતઃ સાક્ષરોનું શ્રાદ્ધ સારવાની યોજના છે. જયંતી માટે મૃત્યુતિથિ ન મળે તો જન્મતિથિ લેવી, તેના અભાવે સાક્ષરની કૃતિ સંપૂર્ણ થયાની તિથિ, અને તે પણ અનુપલબ્ધ હોય તો ગમે તે તિથિ પર જયંતીનો ઉત્સવ પાળવો. આ સંબંધે સવિસ્તર ચર્ચા સભાના પ્રમુખ રા. રમણભાઈએ પોતાના પ્રાસ્તાવિક ભાષણમાં કરી હતી. જયંતી ઉપરાંત પ્રાચીન કાવ્યો સંશોધી પ્રસિદ્ધ કરવાની ધારણા છે. હાલમાં મીરાંબાઈનાં પદનો સંગ્રહ થાય છે. ગ્રન્થો, હસ્તલેખ, શિલાલેખ વગેરેનો યથાશક્તિ સંગ્રહ કરવા વિચાર છે. આ વર્ષે ગુડફ્રાઈડેના તહેવારોમાં એક સાહિત્ય પરિષદ ભરવાની યોજના ઘડાઈ છે. યોજના તેમ જ પરિષદમાં ભાગ લેવા માટે નિમંત્રણપત્રો પ્રતિષ્ઠિત વિદ્વાનો પર મોકલવામાં આવ્યાં છે. જોડણી, લિપિ, દેશજસાહિત્ય, વ્યાકરણ, કોષ, ઇતિહાસ, સાયન્સ અને સાયન્સની પરિભાષા, વગેરે વગેરે વિષયો પરિષદમાં ચર્ચવાના છે. જે ધોરણે ઑરિયેન્ટલ કૉન્ગ્રેસ પોતાની કાર્યઘટના કરે છે તે ધોરણે પરિષદનું કામ કરવામાં આવશે. સર્વ સ્થાનેથી ઉત્તેજન મળતું જાય છે. પ્રથમ સમારંભ સફળ થવાની આશા છે. સભા તરફથી સુપ્રસિદ્ધ ગુજરાતી, પારસી, ઇસ્લામી, લેખકોને પરિષદમાં પધારવા વિનંતિ કરવામાં આવી છે. છતાં ઘણા સાહિત્યપ્રિય મહાશયોને પત્રો મોકલવા રહી જાય એ સ્વાભાવિક છે, તેથી આ લેખ દ્વારા તેઓને વિનંતિ છે કે પરિષદમાં ભાગ લેવા સર્વને આમંત્રણ છે. સભાના મંત્રીને લખ્યાની બધી વિગત તેમને પહોંચાડવામાં આવશે. સભામાં નીચે લખ્યા મુજબ સાહિત્ય ચર્ચા થઈ હતી :

‘કવિવર શૅલીની ગુજરાતી સાહિત્ય પર અસર’ રા. રામમોહનરાય જશવંતરાય.
‘કેટલાંક કાવ્યો’ની ગુણપરીક્ષા’ રા. ઠાકોરલાલ હરિલાલ
‘કલાપી અને કેકારવ‘ રા. રણજિતરામ વાવાભાઈ
‘ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસનું સ્થાન’ રા. રમણભાઈ મહીપતરામ

થોડા વખતમાં ‘ગુજરાતી વર્તમાનપત્રો‘ અને ‘ગુજરાતી માસિકપત્રો‘ સંબંધે બે સભાસદ બન્ધુઓ ચર્ચા કરવાના છે. ‘કુસુમમાળા‘, ‘કેટલાંક કાવ્યો‘ અને ‘ચક્રવાક-મિથુન‘નું સભામાં વાંચન થયું હતું. સભાના પેટ્રન રા. રા. લાલશંકર ઉમિયાશંકર છે. પ્રમુખ રા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ છે. રા. રમણભાઈએ પોતાના પિતા મહીપતરામનાં બનાવેલાં પુસ્તકો તેમ જ પોતાના ગ્રંથો સભાને ભેટ આપ્યા છે, તે સારુ સભા એમને આભારી છે. રા. હરિપ્રસાદ પીતામ્બરદાસે પોતાના ‘હિતેચ્છુ’ છાપખાનામાં સભાને કામકાજનું છપાવવાની સગવડ કરી આપી મહાન ઉપકાર કર્યો છે.

તા. ૧૩-૧-૦૪.