રણજિતરામ ગદ્યસંચય – ૧/રિપુ
પાત્રો
ફતેહસિંહ.........
મણિ........
વૈદ્ય...........
ખવાસ........
ભૂત.......
દૃશ્ય ૧ લું.
[રાજમહેલનો ખંડ. એમાંનું રાચરચીલું લઈ જવામાં આવેલું છે. કબાટો, પટારા, પલંગો નીચેના લાકડાના ટેકાઓ માત્ર પડી રહ્યા છે. ભીંત ઉપર ટાંગેલી વસ્તુઓના આંકા અને એમનાથી ઝાંખા થયા વિના રહેલાં રંગનાં ધાબાં. માત્ર ભીંતો ઉપર ચીતરેલા ફતેહસિંહના વડવાઓનાં ચિત્રો રહ્યાં છે. ફતેહસિંહ અને તેની વહુ બેઠાં છે, દીવો ઝાંખો બળે છે. સમય માઝમ રાત.] ફતેહસિંહ : મણિ! રયાસત વગરનો ઓરડો, વંટોળિયાથી નાશ પામેલાં પાંદડાં વિનાના વનની પેઠે મારા હૈયામાં સાલે છે. ચિત્રો, હથિયારો – વર્ષોથી દુશ્મનના લોહીમાં તરબોળ થયેલાં હથિયારો, તીર્થયાત્રાની પવિત્ર વસ્તુઓ, વંશપરંપરા ઊતરી આવેલી વડીલોની યાદગીરીઓ, – સર્વે વેચાઈ ગઈ, ઉપાડી જવાઈ! આપણા વંશની આબરૂ ચાલી ગઈ; પણ મારું હૃદય સૌથી વધારે તારે માટે ચરચરે છે. વૈભવ અને આરામમાં વસતી હતી ત્યાં તારા જોબનમાં હું તને પરણ્યો, અને હવે જોબન પૂર બહારમાં ખીલવાની અણી ઉપર છે ત્યારે તને આવા લૂંટાયેલા વેરાન ઘરમાં મેં ગોંધી છે. [આવેશથી ઊઠી તે આમતેમ ફરે છે ત્યારે દીવા પાસે જઈ મણિ સંકોરે છે.] એમાં મારો દોષ છે? આ ખાનાખરાબી મેં કરી છે? કરકસરથી હંમેશ રહેતો, અફીણ લેતો નહીં, જુગાર રમતો નહીં, છતાં દરરોજ, દર પળે કંઈ ને કંઈ નવી આફત મને જમીન સરસો વાંકો વાળી દે છે. કોઈ શત્રુ નિર્દયતાથી મારી પાછળ પડ્યો છે. મણિ : શત્રુ! ભૂતકાળમાં જાઓ, કોઈને હેરાન કર્યાનું યાદ છે? આટલે બધે દિવસે વેર લેવા આવ્યો છે એવો કોઈને હેરાન કર્યો હતો? સસરાજીના કોઈ દુશ્મન હતા? વેર વાળ્યા વગર રહેલા દુશ્મન હતા? ફતેહસિંહ : કોઈને કદી પણ દુઃખ દીધું હોય એવું સ્મરણમાં નથી. મણિ : અજાણતાં, વખતે? ફતેહસિંહ : વારસામાં ઊતરી આવેલા કોપની બાપુએ પણ મને ચેતવણી નથી આપી. આટલું હું પામ્યો છું – અમારા વંશમાં ઊતરી આવેલી જાગીરનાં ખેતરેખેતર એક જણના હાથમાં ચાલ્યાં ગયાં છે અને તેનું નામ છુપાવેલું છે. શરીર ઢાંકી તે મારી છાતીમાં ભોંકે છે. આ દુશ્મનને હું મિથ્યા ખોળું છું. [પ્હો ફાટવાના પહેલાં ઝળઝળીયાં દેખાય છે એટલે એની વહુ ધ્રૂજતી ઊભી થાય છે.] મણિ : ઝળઝળીયાં થાય છે, ગગા પાસે જવું જોઈએ. [અંદરના ઓરડામાં જાય છે.] ફતેહસિંહ (પૂર્વજોનાં હથિયારબંધ ચિત્રો તરફ વળીને) : મારા વંશના શસ્ત્રધારી પૂર્વજો, ઝાંખા ગરાસિયાઓ, વીતેલા યુગના જોદ્ધાઓ! દૂર દૂર ઝાંખા ભૂતકાળમાં કંઈ વેર બંધાયું હતું? આજે જેના ત્રાસદાયક ઝપાટામાં હું આવ્યો છું એવા જૂના વેર વિશે જાણો છો? અહ, તું, બૂઢા પથૂ! તારું પાપી નામ સૌને સાંભરે છે, તારી લૂંટફાટો, તારા બળાત્કારો, તારાં ખૂનોની, તારી ભયંકર વાતો અને દંતકથાઓ કહેવાય છે. કોઈ એવા દુષ્ટ પ્રસંગે તેં તો શાપ ઉત્પન્ન નથી કરાવ્યો? એ શાપનો મારા જેવો નિર્દોષ તો ભોગ નથી થતો? બોલો, પ્રભાતના તેજમાં ઝળઝળ થતાં ચિત્રોમાંથી એકાદ તો બોલો. [હથિયારસજ્જ આકૃતિઓ ઉપર તેજ પ્રસરે છે.] બધા ચૂપ! ફરીથી હું પૂછું છું, મરેલાંઓ પાસે ઉત્તર માગું છું, બોલો. એવો કોણ છે, દુનિયા આગળ કોણે મને લૂંટી લીધો છે, મારું બધું છીનવી લીધું છે, મને પૂરો દિગંબર કરી દીધો છે? ભૂત (બારીની જાળી આગળ આખું શરીર ઢાંકેલું) : હું. હું. ફતેહસિંહ (મંદ ત્રાસથી) : તું? તું કોણ છે? શું તું જીવતી વસ્તુ છે? કે ત્રાસેલા મગજમાંથી જન્મેલો ઓળો છે? તારું મોં ઢાંકેલું છે. કોણ છે? બોલ! [જેવો ફતેહસિંહ ધીમેથી તેની પાસે જાય છે એટલે તે અદૃશ્ય થઈ જાય છે.]
દૃશ્ય ૨જું
[એ જ ઓરડો. મધ્યરાત્રિ. ઘડિયાળમાં બાર વાગે છે. જે સ્થળે ભૂત અલોપ થયું હતું ત્યાં જ ફતેહસિંહ ઊભો છે.] ફતેહસિંહ : ભૂત, પગથી માથા લગી સંપૂર્ણ ઢંકાયેલું ભૂત, પ્રભાતના ઝળઝળીયામાં દેખાયેલું ભૂત, પોતાને મોંએ આ શાપનો દોષ વહોરનાર ભૂત — તેની પાસેથી જવાબ હું કઢાવી શક્યો નહીં. રફતેથી તેની પાસે જેવો હું ગયો તેવું જ તે અદૃશ્ય થયું; જેવું તીર આવ્યું તેવું જ ગયું. (તે અંદરના ઓરડામાં જુએ છે.) ગગો ઊંઘે છે; પણ એની બા! બાર વાગ્યા! આટલું મોડું બહાર રહેવાની એને ટેવ નથી. [ફાટ્યાંતૂટ્યાં ગંદા કપડાં પહેરેલો બુઢ્ઢો ખવાસ, હાથમાં કાગળ લઈ આવે છે.] ખવાસ : બાપુ, મારાં બાએ આ કાગળ મને આપ્યો હતો. બાર વાગ્યા પહેલાં આપને ન આપવાનો હુકમ કર્યો હતો. [ફતેહસિંહ કાગળ ઝૂંટવી લે છે, ફોડી વાંચે છે.] ફતેહસિંહ (વાંચે છે) : તમને અને ઘરને મેં તજ્યાં છે. હવે હું પાછી નહીં આવું પણ હું કલંકિત નથી એની ખાતરી રાખજો. બીજા સાથે હું નાસી ગઈ નથી. મારો દોષ ક્ષમા કરવાનું ગંગાને પણ શીખવજો....મણિ. [ખવાસને જતા રહેવાની સૂચના ફતેહસિંહ કરે છે.] ફતેહસિંહ : મારા ઘરની ખેદાનમેદાની શું ઓછી હતી કે તે મને રઝળતો નાખી ચાલી ગઈ? અને તેનું કાંઈ કારણ પણ નહીં? હૃદય કોરી ખાતી પીડાથી, રોજ ને રોજ વધતી જતી ચિંતાથી વૈભવમાં ઊછરેલીને સાલતી કંગાલિયતથી આ છેલ્લો ઘા મારવા તે નિ:સંશય પ્રેરાઈ હશે. [એકદમ ચમકે છે. ધીમેથી કમાડ ઉઘાડે છે અને ઓરડાની અંદર જુએ છે.] પણ અમારું બચ્ચું કેવું નિરાંતે ઊંઘે છે. ગાલ ઉપરની સુરખી ન હોત તો આ ઊંઘ મૃત્યુની ઊંઘ જેવી જ લાગત. એનો પણ એણે ત્યાગ કર્યો. રાની પશુ મોતની ગંધ આવે ત્યારે પણ પોતાનાં બચ્ચાંને ત્યજતું નથી. બીજા જોડે નાસી નથી ગઈ ત્યારે કયા ત્રાસથી, કઈ આપદાથી તે ભાગી ગઈ? એને ધક્કો મારી કાઢી મૂકનાર કોણ? ભૂત (પૂર્વની માફક ફરીથી દેખાયું) : હું. ફતેહસિંહ : વળી પાછું તું, એવું ને એવું ઢંકાયેલું અને વીંટળાયેલું! ફરીથી તારા જ હોઠે બોલે છે કે આ બધું દુઃખ તેં જ કર્યું છે. તારું નામ! તારી મગદૂર નથી કે હવે તારું નામ નહીં કહે! (અટકે છે.) હજુ પણ જવાબ નહીં? માંસ અને લોહીનું બનેલું છે? અથવા સ્મશાનમાંથી આવે છે? મૃત્યુ થયા છતાં યમપુરીમાંથી આવી મારા પ્રત્યે દ્વેષ બતાવે છે? શું તું બહુ કોપાયેલું ભૂત છે? થયેલું નુકસાન વીસરાતું નથી? કે કલાકે કલાકે મને ત્રાસ આપે છે અને મારો પીછો નથી છોડતું? આ વેર માણસનું નથી લાગતું. ગમે તેમ થાઓ પણ તારાં ખરાં પારખાં કરીશ. [જાણે પકડવા જતો હોય તેમ ભૂત તરફ ધસે છે, પણ તે પાછું અલોપ થઈ જાય છે.]
દૃશ્ય ૩જું
[એનો એ જ વેરાન ઓરડો. માઝમ રાત. સંદેહની સ્થિતિમાં ફતેહસિંહ ઊભો છે. પાસેના ઓરડામાંથી સફેદ વાળવાળો વૈદ્ય મંદ અને નીરવ ગતિથી બહાર આવે છે.] ફતેહસિંહ (હાથ પ્રસારીને) : ગયો? હજુ આશા છે? બોલો. (વૈદ્ય ઉત્તર આપતો નથી પણ ચૂપકીથી માથું નમાવે છે.) મરી ગયો? (વૈદ્ય તેની પાસે જાય છે અને બોલ્યા વગર તેને આશ્વાસન આપવાનો યત્ન કરે છે; એક ગાદી પાસે તેને લઈ જાય છે, ફતેહસિંહ તેના પર ઢગલો થઈ પડે છે. આશ્વાસનની મહેનત નકામી લાગતાં વૈદ્ય જવાનું કરે છે એવામાં ફતેહસિંહ ઇશારતથી તેને થોભાવે છે.) ફતેહસિંહ : વૈદ્યરાજ આ એકઠાં થયેલાં દુઃખો — તેમાંયે આ છેલ્લા અને સૌથી ભયંકર દુઃખે મારી બુદ્ધિ ભમાવી દીધી છે. મને લાગ્યું છે કે દરેક નવી પીડા પછી, આ જ ઓરડામાં, પેલી બારી પાસે ઢંકાયેલું ભૂત દેખાય છે. આ જુલ્મી કોપનાં કારણે ઈશ્વરને પૂછું છું ત્યારે તે ભૂતે દરેક વખતે જવાબ દીધો છે ‘હું’. એથી વધારે સ્પષ્ટ શબ્દ એની પાસેથી હું કઢાવી શક્યો નથી. જ્યારે જ્યારે એની નજીક ગયો છું ત્યારે ત્યારે તરત જ તે અલોપ થઈ ગયું છે. તમારી નાડી ઠેકાણે છે, માટે કહો જોઈએ કે મૂંઝાયેલા, ત્રાસેલા મગજમાં જન્મેલું, સ્વયં ઉત્પન્ન થયેલું ભૂત એ છે? અથવા જીવતુંજાગતું વેર લેવાને આવે છે? હમણાં મારી સાથે રહી જુઓ અને મારા મગજને સ્વસ્થ કરો. વૈદ્ય : આવાં ગાઢ દુઃખોથી ચીરાયેલું મન આવેશમાં ભૂત ઊભાં કરે એમાં શી નવાઈ? ઊંઘ લાવે એવી દવા, સવાર પડતાં પહેલાં આપને માટે મોકલી આપું છું. [પ્રણામ કરી નિઃશબ્દતાથી તે ચાલ્યો જાય છે.] ફતેહસિંહ : હે ધર્મરાજા! સર્વેને સજા કરો છો પણ ન્યાયવૃત્તિથી. મરણ પછી જેવો ન્યાય અમારો કરો છો તેવો ન્યાય આજે માગું છું, શા માટે આવો દુઃખી થાઉં છું અને ત્રાસ પામું છું. પહેલું મારું ઘર મેદાનખેદાન થયું, પછી સબબ વગર મારી વહુ ચાલી ગઈ અને હવે મારો એકનો એક દીકરો મરી ગયો. એવો કયો શાપ છે? તેનું મૂળ કોણ છે? ભૂત (ફરીથી દર્શન દે છે) : હું. ફતેહસિંહ : પાછું તું આવ્યું, ત્રીજીવાર! તું ભૂત નથી લાગતું; હું તને સ્પષ્ટ જોઈ શકું છું. તું મારો દુશ્મન છે, તેં જાતે જ કબૂલ્યું છે, ત્રણ વખત તેં તારી જાતને મારા દુઃખનું કારણ કહ્યું છે, પૃથ્વી અને સમુદ્ર ઉપર તારો કેડો લઈશ, તારી પાછળ પડીશ, તને છુપાવી રાખે એવું કોઈ જંગલ ગાઢ નથી, તને આશરો આપે એવી કોઈ ભીંત મજબૂત નથી, કોઈ તાળું જબરું નથી. જેમ તે, તેમ હું તારો પીછો ઠેઠ લગી મૂકવાનો નથી. હું એકલો છું, વહાલાંઓથી વિયુક્ત અને ધનવૈભવથી મુક્ત; હવે આમાં જ રચ્યોપચ્યો રહીશ, આ વેરાન ઓરડામાં, હજુ ગરમ રહેલા મારા દીકરાના ત્યાં પડેલા શબના સમ ખાઉં છું કે તારી સાથે મારો હિસાબ પતવું નહીં ત્યાં લગી દુનિયામાં ઊંઘ વગર તારી પછવાડે પડીશ. [મારવા જતો હોય તેમ ભૂત પર ધસે છે પણ તે અલોપ થઈ જાય છે.]
દૃશ્ય ૪થું
[સાંકડો ખાંચો. સમીસાંજ. ખાંચાના ખૂણા તરફ ભૂત ફલાંગ મારતું જાય છે. ફતેહસિંહ તેની પછવાડે દોડે છે. તેનો શ્વાસ માતો નથી. તે ચીંથરેહાલ અને ફિક્કો પૂણી જેવો છે.] ફતેહસિંહ : આખરે સપાટામાં આવ્યું. હવે નાઠાબારી નથી. હવે અહીં પાછા ફર્યા વિના છૂટકો નથી, આખરે તારું સ્વરૂપ બતાવ. તારો બુરખો દૂર કર નહીં તો હું ચીરી નાખીશ (તરવાર ખેંચે છે.) ચાલ, જો તું લોહીમાંસનું જીવતું માણસ હોય તો હવે ખુલાસાની ના પાડવાની તારી મગદૂર નથી. ચાલ સજ્જ થા! પીઠમાં ઘા નહીં મારું. ભૂત : ધીમેથી પાછું ફરે છે અને મોં પરનો બુરખો ફેરવી દે છે અને ફતેહસિંહને આકૃતિ બરાબર બતાવે છે. : ફતેહસિંહ, નિરાંત વળી? ફતેહસિંહ : (ચીસ પાડીને) હું પોતે! (ભૂતના પગ આગળ પડી મરી જાય છે. તે શબ ઉપર ઊભું રહે છે અને તે પછી અલોપ થઈ જાય છે.) [1]
*
- ↑ *અંગ્રેજી ઉપરથી.