રણજિતરામ ગદ્યસંચય – ૧/પ્રથમ સાહિત્ય પરિષદનો ઇતિહાસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પ્રથમ સાહિત્ય પરિષદનો ઇતિહાસ

જ્યારે અમદાવાદની ‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશન’ને ‘ગુજરાત સાહિત્ય સભા’માં ફેરવી નાખવામાં આવી ત્યારે જે ઉદ્દેશો યોજ્યા હતા તેમાં સાહિત્ય પરિષદ ભરવાના ઉદ્દેશાનુસાર ઈ. સ. ૧૯૦૫ના એપ્રિલમાં ‘ગુડફ્રાઈડે’ના તહેવારો દરમ્યાન અમદાવાદમાં પહેલી સાહિત્ય પરિષદ ભરવાનું નિર્ધાર્યું. પરંતુ અમદાવાદમાં મરકી ફાટી નીકળવાથી પરિષદની બેઠક મુલતવી રાખવી પડી. અંતે એજ વર્ષના જૂનની આખરમાં અને જુલાઈની શરૂઆતમાં પરિષદ ભરવામાં આવી. પ્રમુખસ્થાને સમગ્ર ગુજરાતી ભાષા બોલનારી આલમમાં દિગન્ત ડંકો વગાડનાર નવીન ભારતના અગ્રગણ્ય વિચારકોની કક્ષામાં વિરાજનાર સાક્ષર રા. રા. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પોતાના નિવૃત્તિસ્થાન નડિયાદથી પધારી બિરાજ્યા હતા. અમદાવાદનો ‘ટાઉનહૉલ ‘પ્રેમાભાઈ હૉલ પરિષદના દિવસોમાં શ્રોતાઓથી ચિકાર ભરાઈ ગયો હતો. તલમાત્ર પણ સ્થળ ખાલી રહ્યું નહોતું. પોતાના ઉમંગ અને ઉત્સાહથી અમદાવાદના નાગરિકોએ બતાવી આપ્યું કે ‘સાહિત્ય પરિષદ‘ જેવી સંસ્થાની અત્યંત ઉપયોગિતા છે. ઉપરાંતમાં અમદાવાદનાં જાહેર મંડળો — ગુજરાત ક્લબ, વડનગરા નાગર એસોસિયેશન, બ્રહ્મક્ષત્રિય એસોસિયેશન, વૈશ્ય સભા, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આદિ તરફથી પ્રતિનિધિઓ નીમવામાં આવ્યા હતા. પરિષદના હેતુ આગળ જણાવ્યા છે તે મુજબ દરેક સંસ્થાને પોતાના પ્રતિનિધિ મોકલવાની છૂટ હતી. પરિષદની ઘટના નક્કી થયે પ્રતિનિધિઓનાં કાર્ય, હક્ક અને ફરજની દિશા પણ નિર્ણીત થશે. પરિષદ નિમંત્રવાનું નક્કી થયે સાહિત્યસભાએ ચર્ચવાના ૮ વિષયોની કાચી યાદી છપાવી ગુજરાતના વિદ્વાનો ઉપર મોકલી. તેઓ તરફથી ઉત્સાહક સત્કાર મળ્યો. કાચી યાદીમાં જેટલા વિષયો હતા તેથી અધિક વિષયો પર લેખ લખાઈ આવવાના પત્રો આવ્યા. દરમ્યાન વિદેહ સાક્ષર ગોવર્ધનરામ પ્રો. આણંદશંકરને ત્યાં અમદાવાદ આવ્યા હતા. તેમની સલાહ લેવા તથા તેમને પ્રમુખપદ સ્વીકારવા વિનંતિ કરવા સભાના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી ગયા હતા. રા. રા. ગોવર્ધનરામે પ્રમુખપદ સ્વીકારી પ્રથમ પરિષદને અલંકૃત કરી હતી તેમ જ ગુજરાતે એમને એ માન આપી એમની વિદ્વત્તા અને દેશસેવાની કદર પિછાની હતી. પારસી લેખકો તરફથી પણ સારું ઉત્તેજન મળ્યું હતું અને મિ. શેઠના તથા ઊગતા પારસી કવિ મિ. ખબરદાર પણ પરિષદમાં આવ્યા હતા. ગુજરાતી શાળાના મહેતાજીઓએ પણ સારી હાજરી આપી હતી. પરિષદના ખર્ચ માટે સભાના ઉપપ્રમુખ રા. ઠાકોરલાલ હરિલાલ દેસાઈએ પ્રારંભમાં થવાનો સઘળો ખર્ચ આપ્યો હતો. તેમ જ રિપોર્ટ છપાવવા જોઈતાં નાણાં પણ એ જ ગૃહસ્થ ઉઘરાવી લાવ્યા હતા. વળી એ ઉઘરાવી લાવેલાં નાણાં પણ ખર્ચ માટે કમી જણાયાં; ત્યારે પોતાના છાપખાનામાં રિપોર્ટ છાપી બહાર પાડવાનું એમણે માથે લીધું. રા. ઠાકોરલાલની ઉદારતા અને પરિષદ માટેની ઉમંગભરેલી મહેનતને લીધે જ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઉજ્જ્વળ રંગે દીપતી ‘સાહિત્ય પરિષદ‘ ભરાઈ. નાણાંની અડચણને લીધે પરિષદ ભરવાની સભાની ધારણા ઘણાં વર્ષો સુધી ધારણા જ રહેત. પરંતુ રાજા રજવાડા, સરકાર કે શ્રીમંતોની મદદ વગર આવું સાહસ સભા પોતાના ઉપપ્રમુખની સહાયથી જ ઉઠાવી શકી. ઉપમંત્રી રા. હરિપ્રસાદ પિતામ્બરદાસે પોતાના ‘હિતેચ્છુ‘ છાપખાનામાં શરૂઆતનું કામ છાપી આપી ઘણી સરળતા કરી આપી હતી. પરિષદના ખર્ચ માટે અમદાવાદમાં પ્રતિનિધિઓ અને પ્રેક્ષકો તરફથી ટિકિટના લગભગ રૂ. ૧૦૦/- આવ્યા હતા. મુંબઈના વિદ્યાવિલાસી શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજીએ રૂ. ૨૦૦/-, કચ્છના માજી દિવાન મોતીલાલ લાલભાઈના કુટુમ્બીઓએ રૂ. ૧૦૧/-, અમદાવાદના શેઠ મંગળદાસ ગિરધરદાસે રૂ. ૫૦/-, રા. રા. નરસિંહરાવ ભોળાનાથે રૂ. ૫૦/- આપ્યા હતા. અર્થાત્ કુલ્લે રૂ. ૫૦૧/- મળ્યા છે. પરિષદ ભરવા ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ એ ‘પ્રેમાભાઈ હૉલ’માં સગવડ કરી આપી હતી તેમ જ પરિષદના પ્રતિનિધિઓના વિનોદ સારુ કરવામાં આવેલી પાર્ટી માટે ‘ભોળાનાથ લેડીઝ ઈન્સ્ટિટ્યુટ’નું મકાન ઉપયોગમાં લેવા તેના મંત્રી તરફથી જોઈતી સગવડ કરી આપવામાં આવી હતી માટે તેમની પરિષદ આભારી છે. ગુજરાતના જે જે વિદ્વાનો પરિષદમાં આવ્યા હતા – તેમ જ જેમણે લેખ લખી મોકલ્યા હતા કે ત્યાં આવી વાંચ્યા હતા તે સર્વના ઉત્સાહ અને સાહિત્યસ્નેહને લીધે જે વિજય પરિષદને મળ્યો તે માટે પરિષદ તેમની ઉપકૃત છે. ધનની મદદ કરનાર શ્રીમંતોનું અહેસાન પરિષદ સાનંદ માને છે. અને પરિષદ અભિલાષા રાખે છે કે ભવિષ્યમાં પણ સર્વનો આવો જ ઉત્સાહ અને ઉત્તેજન કાયમ રહેશે તો ગુજરાતનું ભવિષ્ય પ્રોજ્જ્વલ કરવા પરિષદ કંઈક અંશે સમર્થ થશે. ઑગસ્ટ ૧૯૭૭