રણજિતરામ ગદ્યસંચય – ૧/શ્રદ્ધા
ઘડિયાળમાં નવના ટકોરા થયા. હીંચકા પરથી જયન્તીલાલે સળવળવા માંડ્યું, ‘આજ જયાને આટલી બધી વાર કેમ થઈ? એવા શબ્દોદ્ગારથી નબુમાએ પણ ધીરજ ખોઈ. અનેક તર્કવિતર્કની ચિંતામાં ગમગીન થયેલી સુભદ્રા બોલી, ‘કહીને ગઈ હોત તો પાછળ માણસ તેડવા પણ મોકલત. જયંતીલાલભાઈ, તમારે બહુ ખોટી થવું પડ્યું. આટલી વાર થઈ તો સહેજ વધારે બેસો.’ જયંતીલાલના ચહેરા પર પડતી નાના પ્રકારની રેખાઓ એના અંતરમાં થતી ગડમથલ સૂચવતી હતી. પોતાના અધિકાર, સ્વામીત્વ અને ગર્વનો તિરસ્કાર જયા કરતી ન હોય એમ લાગ્યું. યંત્ર માફક એના પગ હીંચકા ખાતા હતા પરંતુ એનો પિત્તો boiling point સુધી પહોંચ્યો હતો. જયાના આજના આચરણથી જયંતીલાલ ગુસ્સે થઈ રીસાય અને સંબંધ તોડી નાંખે તો એના જેવા શ્રીમંત જમાઈને ખોવો પડે એવી દહેશતથી સુભદ્રા વ્યાકુળ હતી. સાડા નવનો ટકોરો થયો. અત્યાર સુધી રહેલ શમશમાકાર નબુમાએ ભાંગ્યું : ‘ભદ્રા, પડોશમાંથી સંતોકને જયાની ગોઠણ ચંદ્રાને ત્યાં મોકલ. તેને પૂછી ભાળ કાઢે.’ સાસુનો હુકમ અમલમાં મૂકવા વહુ ઊઠી. ‘અરધી રાત થવા આવી તોયે બારણે રખડવાં શાં?’ એવું ડોશી ખીજવાઈને બબડી. એવામાં આગલું બારણું ધકેલાયું અને જયા દાખલ થઈ. મા, દાદી કે કાન્ત તરફ જરાયે નજર ન કરતાં પોતાના ખંડમાં ગઈ. બંને સ્ત્રીઓના ખોળીયામાં તેના આવવાથી જીવ આવ્યો. પુત્રી અને જમાઈને મિત આલાપનો પ્રસંગ આપવા બંને ત્યાંથી ઊઠી મેડા ઉપર ગયાં. કપડાં બદલી, પરસેવો ધોઈ નાંખી જેવી જયા ખંડ બહાર આવી કે તરત જ જયંતીલાલ તાડૂક્યો : ‘કેમ, જયા, અત્યાર લગી ક્યાં હતી? અહીં પડ્યો પડ્યો તારી વર્ષગાંઠની ગોઠનો ગજરો પણ કરમાઈ ગયો, ને મારે ત્રણ કલાક ખોટી થવું પડ્યું તે તો જુદું.’ જવાબ વાળ્યા વિના પોતાના રમણના ચહેરા પર જયા આંખ પાથરી રહી. ગુસ્સે થયેલા માણસને તેના પ્રશ્નોનો ઉત્તર ચૂપકીદીથી આપવામાં આવે તો તેનો પિત્તો પુષ્કળ ઊકળી જાય છે. હીંચકા ઉપરથી ઊભા થઈ જયંતીલાલે ગજરો જયા ઉપર ફેંક્યો અને તેના મોંઢાની સામા પોતાનું મોંઢું સમાંતર સપાટીએ રાખી મિજાજ કર્યો : ‘પણ, તું ગઈ હતી ક્યાં? આટલી રાત લગી મને અહીં વા ખાતા બેસાડી તું ક્યાં ભટકતી હતી? બોલ, ચલ ઝટ જવાબ દે, કેમ બોલતી નથી, તારી જીભ તો નથી કપાઈ ગઈ ને?’ જયાની આંખ લાલચોળ થઈ ગઈ. છાતી ધબક ધબક થવા લાગી. તેનું ગૌર શરીર લાલ લાલ થઈ ગયું. તેનું આત્મગૌરવ પ્રજ્વલી ઊઠ્યું. ગજરામાં ગૂંથેલા ગુલાબ મોગરા બકુલાદી ફૂલ ચૂંથી નાખી મોરી તરફ ફેંકી દીધાં અને બોલી ઊઠી : ‘હું ગમે ત્યાં ગઈ’તી. આટલા બધાં ઊકળી શા માટે જાઓ છો? જયન્ત.’ આ શબ્દો તોફાન શમવે એવા નહોતા. ‘પણ તું ગઈ’તી ક્યાં? જવાબ દે. નથી કહેવું તો ભલે, આ હું ચાલ્યો. આપણી આ છેલ્લી મુલાકાત.’ એમ બોલતાં ઓટલાના પગથિયા ઉપરથી તે સડક પર ઊતર્યો અને રસ્તે પડ્યો. જયાએ બારણાં બંધ કરી પોતાના ખંડમાં જઈ દીવો સળગાવ્યો અને ગૂંથવા બેઠી. પણ આજ સાંકળીઓમાં ખોટ બહુ આવતી હતી
.
*
દિવસ ઢળતો હતો. મંદિરના વિશાળ ઓટલા ઉપર યોગવાસિષ્ઠ વંચાતું હતું. વૃદ્ધોને યોગસાધના સિદ્ધ ન થયેલી એટલે શ્રવણ એકચિત્તે ન હતું. મંદિરની પાછળ સ્ત્રીઓની મેદની થતી હતી. સામે ગ્રંથાલયમાં એક કબાટની પછવાડે રસ્તા પર પડતી બારી આગળ ચારપાંચ જુવાનો વર્તમાનપત્ર વાંચવાને બદલે ગપ્પાં હાંકતા હતા. લગભગ આ ત્રણે મંડળોમાં એક જ વિષય ચર્ચાતો હતો. ભાસ્કરરાવે અને કંચનરાયે પોતાના બાળકોનાં સ્નેહલગ્ન કરવાનો સંકલ્પ કરેલો. વેપારમાં ખોટ જવાથી કંચનરાયની સ્થિતિ નબળી થયેલી છતાં ઉક્ત સંકલ્પ અમલમાં મુકાયો હતો. જયા અને જયંતીલાલ નાનપણથી સાથે રમેલાં, ભણેલાં અને સખ્ય અનુભવેલું. બન્નેની ઉંમરમાં ફક્ત બે જ વર્ષનો તફાવત હતો. આજે જયંતીલાલ ૨૩ વર્ષનો હતો. વર્ષના સહવાસથી, વિનોદ, અભ્યાસ, અભિલાષાઓમાં અનુભવાયેલાં મૈત્રી અને સહચારથી તેમનાં જીવન એકબીજામાં ભળી જવા ઊભરાયાં હતાં. બન્નેના પિતા તરફથી તેમનું લગ્ન કરવાની તૈયારી પણ થઈ હતી. ગોદાવરીના વર્ષને લીધે જ લગ્ન થતાં અટક્યાં હતાં. દરમ્યાન મહિનાને અંતરે ભાસ્કર અને કંચન બંને જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યા ગયાં. શોક અને સિંહસ્થ વર્ષ વીત્યે સ્નેહીઓ દંપતી થવાનાં હતાં. એવામાં જયાની સાલગિરીને દહાડે જ બંનેના દિલ ઊંચાં થયાં અને લગ્નને તિલાંજલિ અપાઈ. મંદિર અને ગ્રંથાલયમાં આજ એ બાબત ચર્ચાતી હતી. બે મિત્રોનાં સંતાનોના લગ્નના સંકેતની ભર્ત્સ્ના અને ઉપહાસના થતી હતી. એટલું જ નહિ પરંતુ ગઈ રાતના બનાવથી તેઓ રાચતા હતા. સમગ્ર જીવન ખટપટમાં ગાળનાર પુરુષો નમતે પહોરે યોગવાસિષ્ઠ શ્રવણ કરે એટલે ઊજળા સંસ્કાર એમના જાગે એ ખપુષ્પવત્ છે. એમની દૃષ્ટિ, સાંકડી, અનુદાર, સ્વાર્થી હતી. તેમ દૃષ્ટિ તેવી સૃષ્ટિની મોટી મોટી વાતો કરતા એટલે પરિણામ કલ્પવું મુશ્કેલ નથી. જયા અને જયંતના સ્નેહવિક્ષેપનો પ્રસંગ યથાર્થ સમજી તેમની વચ્ચે થયેલા અણરાગ દૂર કરાવી તેમને સુખી કરવાની વૃત્તિ તો ક્યાંથી જ ઊઠે? બલકે એ વિક્ષેપ વધી જયા રખડી મરે અને તવંગર જયંત પોતાની વગની કુમારી સાથે લગ્ન કરે એવી જ સર્વેને વાંછના હતી. સ્ત્રીમંડળમાં સ્વાભાવિક રીતે જયંતને માટે કન્યા નક્કી થતી હતી. સુભદ્રા અને જયાના દુઃખ તરફ દિલસોજી બતાવવા કરતાં તે દુઃખ કેમ વધે – આવડી મોટી છોકરી કરવા માટે સખતમાં સખત સજા તેઓ કેમ ખમે તેને જાણે વિચાર કરતાં હોય તેમ બૈરાંઓ એ વિષય ચર્ચતાં હતાં. ગ્રંથાલયમાં નવા અને જૂના વિચારવાળા જુવાનીયાઓ હતા. પહોળી લાલ રેશમી કોરનાં ધોતિયાં તેઓએ પહેર્યાં હતાં; ટોપી કાઢી નાંખવાથી અરધું માથું છોલેલું અને લાંબી ચોટલીઓ હવામાં ફરફરતી જણાતી હતી. તપખીરની દાબડીમાંથી ચીપટીઓના સડાકા નાકમાં થયા જતા હતા. જયાની વર્તણૂક કેટલાક તરફથી વખોડાતી હતી તો બીજાઓ જયંતને ઠપકો દેતા હતા. કોઈ પણ બંનેનાં અણરાગનું ખરું સ્વરૂપ પારખી શક્યા નહોતા. એક તાજેતરમાં વિધુર થયેલો જુવાનીયો તો જયાનું પાણિગ્રહણ કરવા તત્પર થયો.
*
સુભદ્રા અને નબુમા ઘણાં ખિન્ન અને વ્યાકુળ થયાં હતાં. પુત્રીને અનેક રીતે જયંતની માફી માગવા સમજાવ્યું પણ તે એકની બે થઈ નહિ. તેની સહિયર ચંદ્રા રાત્રે મળવા આવી, સુભદ્રાને ગામગપાટા કહી જયા પાસે જઈ તેનું દિલ જાણવા મથી પણ ફાવી નહીં. બીજે દિવસે ખબર મળ્યા કે જયંતીલાલ મુંબઈ જાય છે. રાતે તે ગયો એટલે પોતાની કન્યા તેને ગળે પરોવવાની તક ઘણા માબાપોના હાથમાંથી સરી પડી. તે મુંબઈ ગયો તેને બીજે દિવસે સાંજે વિધુર જવાન દિનકરની ફઈએ તેના તરફથી જયાનું માગું કર્યું પણ જ્યારે એની માએ એ વાત છેડી ત્યારે જયા છંછેડાઈ ગઈ અને શારદાની માફક અખંડ કૌમારવૃત પાળવાનો સંકલ્પ કહ્યો. પતિના સહચારમાં જે જે સંસ્કારો સુભદ્રામાં પડ્યા હતા તેમને પ્રતાપે તે વખત સમજી ગઈ અને પુત્રીનું ભાગ્ય કાળને સોંપ્યું. દિનકરનું માગું આવ્યું ત્યાર પછી પોણા કરોડની મિલકતવાળા રતિલાલે રૂપિયા એક લાખથી જયાને ખરીદવા આકાશપાતાળ ઊંચાનીચા કર્યા. સાઠ વર્ષની ઉંમરે સંતાન પરિવાર પચાસ આસામીઓનો હોવા છતાં રતિલાલ ડોસાને પરણવાની ઇચ્છા થઈ હતી. માગાં પાછાં વળાયાં એટલે તો જયાના ભોગ જ ફરી વળ્યા. તેને માથે વિવિધ જાતની પસ્તાળ પડી. ભાતભાતની અફવાઓએ તેના નિષ્કલંક જીવનમાં દૂષણો આરોપ્યાં. અંત્યજ કે વેશ્યા કરતાં વધારે હડધૂત એને ખમવું પડ્યું.
*
બે વર્ષ વીતી ગયાં. જયંતીલાલ કાશ્મીરથી વતન આવ્યો. ખિન્ન હૃદયે આખા હિંદમાં મુસાફરી કરી પાછો ફર્યો. દરિયાકાંઠે જમીન લઈ બંગલો બાંધવા માંડ્યો. એક સાંજે જયા ઝોલા ઉપર બેઠી હતી. નબુમા તબિયત ઠીક ન હોવાથી ઓઢીને પાટ ઉપર પડ્યાં હતાં. સુભદ્રા ઝૂલતી ખુરશી ઉપર ઝૂલતી હતી. સુભદ્રાએ આસ્તેથી વાત ઉપાડી. કાશ્મીરના પ્રધાન સુંદરલાલ નહેરુની પુત્રી સાથે જયંતીલાલ પરણવાનો છે; તેને માટે નવો બંગલો બાંધે છે. પરન્યાતની કન્યા લાવી વટલી ગયો છે વગેરે વગેરે પાનકોરને ત્યાં સાંભળેલી હકીકત કહી. જયાએ વાત સાંભળ્યા કરી; વાત થઈ રહ્યા પછી પોતાના ખંડમાં ચાલી ગઈ. આંખમાં આવતું એક આંસુ ખેરવી દઈ મનોબળ દૃઢ કર્યું. આયનામાં પોતાનો ચહેરો નિહાળ્યો. સહેજ કરમાશ લાગી. હૃદયની ઊંડામાં ઊંડી ગુહામાંથી ખેદનો નિશ્વાસ નીકળ્યો. જરા વાર દબાયેલું આત્મગૌરવ અને મનુષ્યત્વ ઉછાળો કરી ઉપર આવ્યાં અને ખેદને દબાવી દીધો. અનેકવાર એની દાદીએ જયંતિલાલનું દિલ દુભવવા માટે એને ઠપકો દીધેલો. તેની સાથેના વિવાહ ફોક થવાથી એણે શું શું ગુમાવ્યું. દોલત, વૈભવ, પ્રતિષ્ઠા હાથમાં આવેલાં જતાં રહ્યાં તેનું બ્યાન કરેલું પરંતુ જયાએ તો એક શબ્દ કાઢ્યા વિના તે સાંભળ્યા જ કરેલું.
*
આજ સવારીનો દિવસ હતો. મંદિર આગળ થઈને સવારી જવાની હતી એટલે બૈરાંઓ ત્યાં જોવા મળ્યાં હતાં. અખંડ કૌમારવૃતની સાથે વૈરાગ્યનું પણ વ્રત લીધું હોય તેમ જયા આવા પ્રસંગોમાં રાચતી નહીં. મા તથા પિતામહી ગયાં એટલે બારણાં વાસી ઝોલા ઉપર બેઠી બઠી પોતાના જીવન વિશે વિચારવા લાગી. બારણું ખખડ્યું. વિચારમાં લીન થયેલીએ સાંભળ્યું નહિ. ફરીથી ખખડ્યું. સફાળી ઊભી થઈ સાંકળ ઉઘાડી તો ઉમરા ઉપર જયંતને જોઈ આભી થઈ. બારણાં દઈ જયંત અંદર આવ્યો અને યંત્ર સમાન ઊભેલી યુવતી તરફ દૃષ્ટિ કરી બોલ્યો : ‘જયા, માફ કર. તું ક્યાં ગઈ હતી તે મારે નથી જાણવું. સ્નેહમાં શ્રદ્ધા ઓતપ્રોત છે તે મારા નિરંકુશ મિજાજથી હું ભૂલી ગયો. અપરાધનું પ્રાયશ્ચિત્ત થયું હોય તો આ હૃદય પાછું સ્વીકાર.’ ‘કાશ્મીરી કન્યા માટે મહેલ બાંધો છો ને અહીં ક્યાંથી?’ વિસ્મય, ભય, આનંદ આદિથી નિશ્ચલ થયેલી જયા સ્ફૂર્તિમાં આવી બોલી. ‘જો તું તારા હૃદયમાં મને પાછું સ્થાન આપે તો તે કાશ્મીરી કન્યા તું જ છે અને તારે માટે જ તે વિલાસ ચણાય છે. આજે મને નિરાશ કરશે તો ભગવું પહેરી અમરનાથના ડુંગરોમાં બરફમાં દેહ ગાળી આવતે જન્મ તારું હૃદય મેળવવા યોગ્ય થઈશ. વહાલી જયા, વહાલી કહું ને? હવે કદી તારા પર વહેમ નહીં લાવું. સ્નેહમાંથી અવિશ્વાસ નિરંતર દૂર રાખીશ. મેં મારા મિજાજની યાતના ભોગવી છે. આ નિશ્ચેતન જીવન ઉપર અમૃત છાંટ.’ એમ બોલી પગે પડવા જાય છે ત્યાં જયા એને પકડી લઈ તેને ગળે વળગી પડે છે.