રણજિતરામ ગદ્યસંચય – ૧/સમીસાંઝની સહેલગાહ
સરોવરનાં સારો દિવસ પ્રશાંત રહેતાં જળ સંધ્યાકાળની સુરખીથી ધબક ધબક થતાં હતાં. ટેકરીઓ પછવાડે અસ્ત થતા સૂર્યદેવના પ્રકાશથી પૃથ્વીના છેડા પર લટકતાં વાદળાંમાં સોનેરી ઉજ્જ્વલ રંગો ઝળકી રહ્યા હતા. સરોવરના બંધને ડાબે નાકે પગથિયાંને અડી પાણીની વેણીમાં હાલતી હોડી તરફ નજર કરતી તો ઘડીક વેળા બંધ પરના બગીચાને વીંધી જતા માર્ગ પર દૂર દૂર નજર ફેંકતી સુંદરી ઊભી હતી. સૂર્યનારાયણ જેમ જેમ નીચે ઊતરતા હતા તેમ તેમ શીતળતા અને ઉત્સાહ વ્યાપતાં હતાં; તપેલી ભૂમિમાંથી મારતો બાફ પવનથી ઠંડો થઈ ગયો હતો. સુન્દરીના મુખનું સૌંદર્ય કુદરતથી ખીલતું હતું પણ સખીને વાર લાગવાથી મન કચવાતું હોવાથી અસુંદર રેખાઓ મુખ પર પથરાતી. ખીલેલા સૌંદર્યને વિરૂપ થતું સ્થૂલ દૃષ્ટિ જોતી તો મનુજ જીવનની અંતર્યામિની દૃષ્ટિએ અસુંદરતાથી સૌંદર્યલક્ષ્મીનો બહાર અધિકતર પ્રફુલ્લ થતો જોઈ પૂજાભાવથી વિનીત થતી અને અંતરમાં અલૌકિક અનુભવથી સાધુ–આનંદ પામતી. નીચે નમી ઈજનેરસાહેબનાં પત્નીને બોરસળીનો હાર ધરતા માળીથી અને આઘે આઘેથી સંભળાતા મોટરના અવાજથી ધ્યાનથી નિશ્ચલ ઊભેલી સુન્દરી હાલી અને હાર લઈ માળીને હોડી તૈયાર કરવાનો હુકમ આપી સખીનો આદર કરવા આગળ વધી. હલેસાં લઈ માળી ઊભો ત્યાં તો મોટર આવી પહોંચી. અને સ્મિતમાં છુપાયેલી પણ સખીને પ્રત્યક્ષ થતી દિલગીરી(regret) સાથે બીજી સુન્દરી ઊતરી. ‘સ્વર્ણાબહેન, આવતાં મોડું થઈ ગયું પણ તેનું નિમિત્ત જાણશો ત્યારે ઠપકો દેવા કરતાં ખુશ થશો.’ ‘વાર થાય માટે ઠપકો દેવાનો હોય નહિ. રાત પડી જવાના ભયથી સહેજ કચવાઈ હતી. ચાલો લ્યો હલેસું અને જઈએ ટેકરી પર.’ બંને બહેનપણીઓ નાના ડક્કા પરથી હોડીમાં બેઠી. માળીએ દોરડું છોડ્યું. હોડી હલેસાંથી પાણીની છાતી પર સરવા લાગી. બંધ પાછળ પાછળ ખસવા લાગ્યો. ટેકરીઓની સાંકડી નેળમાંથી આગળ વધતી હોડીમાં બેસનારીઓ સમક્ષ વિશાળ થતાં સરોવરનો જલપટ, તે પર તેજ અંધારની થતી રમત, લીલોતરીથી ઝૂકેલી ટેકરીઓનું મનોહર લાવણ્ય, અને એ બધાં સાથે ગેલ કરતો કે તોફાનનો પવન નૌકાવિહારિણીઓ પાસે હૃદયંગમ, અવનવું, ચેતક દર્શન અંતર્ અને બાહ્ય દૃષ્ટિથી કરાવતો. જળકૂકડી અને બગલાનાં જૂથ તરતાં ત્યાં સુન્દરીઓ હલેસાં ખેંચી લઈ હોડીને મંદ ગતિએ તરવા દેતી. એ મંદ ગતિ સાથે જલપંખીઓની જળપટે થતી ધીમી પણ માપબદ્ધ ચાલથી થયેલો લયબદ્ધ કોઈક સ્થળે માછલું ભક્ષવા વડવાગળે મારેલી ડૂબકીથી ભંગ પામતો. કુંજગિરિ પાસે હોડી પહોંચી. માળીએ જમીન પર ઠેકડો મારી હોડી નાંગરી, હોડીમાંથી ઊતરી સુન્દરીઓ સીડીથી ચડવા કરતાં ટેકરી ફરતી કેડીએથી કુંજ તરફ ચાલી. સંધ્યાકાળના શીતળ વાતાવરણમાં કસરતથી શરીરમાં વિશેષ સ્ફૂર્તિ અને શક્તિ આવ્યાં હતાં. પ્રકૃતિસૌંદર્ય વિશે ગુફ્તેગો કરતી ઘડીક, તો ઘડીક મધુર કંઠે એવા સૌંદર્ય વર્ણવતાં ગાયન ગૂંજતી અલબેલીઓ સાધુતાના યૌવનમાં આનંદભર મહાલતી કેડી કાપતી હતી. કેડીથી ફંટાતા અને નાનકડા અખાત પર થઈ જતાં પુલ પાસે આવી પહોંચતાં પુલને સામે પારથી સાવજની ત્રાડ ગાજી ઊઠી; ગુંજન ગુફ્તેગોની ગંભીરતા ઊડી ગઈ અને સાવજદર્શનનો પ્રતાપી વિલાસ કટોરા મારફત પુલ ઝુલાવતી સુન્દરીઓના સિંહના પાંજરા પાસે લઈ ગયો. પાંજરાના આંગણામાં ગગન વીંધતી જાળીની અંદર મોટા પાણા પર ચંદ્રપ્રકાશમાં સાવજ પડ્યો હતો. ઈજનેરવધૂ સ્વર્ણસુન્દરીએ મધુર ધ્વનિપલ્લવી કરી. પરિચિત માયાળુ સ્વર સૂણતાં જ વનરાજ ધીમી પણ રાજવી ચાલે સળીયા પાસે આવ્યો અને નારીદેહમાં વસતા હૃદયને નમી માથા પર હાથ દ્વારા તે હૃદયનો સ્નેહાશીર્વાદ લીધો. જંગલના બહાદુર બાદશાહને માણસની કરામતે કેદી બનાવ્યો છતાં તેનું રાજહૃદય માનવી પ્રત્યે વિનયી અને હેતાળ રહેલું જોઈ વિલાસિનીઓ અજબ અનુભવ અનુભવતી નીરવ પાછી ફરી. કોઈ એવી ઊંડી મનોવૃત્તિમાં ઊતરી ગઈ હતી કે મહાવરાને લીધે ચાલતો દેહ ગિરિ પરની સતીકુંજના મધ્યભાગમાં ચંદ્રકિરણ સાથે રમતા ફૂવારા આગળ જઈ ઊભો અને સતીની આરસમૂર્તિનો ધવલ પ્રકાશમાં ખીલતો પુનિત પ્રભાવ ચિંતનથી નિશ્ચેતન થયેલા દેહ પર પડ્યો ત્યારે શાંતિ છૂટી પડી અને સ્વર્ણા હિમાનીને આલિંગી બોલી પડી : ‘બહેન, હંમેશ થતા અનુભવોથી આજે ચેતનનું વિરલ પૂર જીવનમાં ઉભરાયું છે તેમ આત્માને હવે થાક ચડ્યો છે. સતીની સન્મુખ જલ અને પ્રકાશથી કેલિ નીરખતાં આવો બાંકડા પર બેસીએ.’ ‘જે અલૌકિક બનાવ વાંચવા રહેવાથી મને મોડું થયું તેની મારા પર અસર થાય પણ તમારા પર તેવી જ અસર થયેલી જોતાં આશ્ચર્ય થાય છે. આપણા આત્મા પણ ઈશ્વરને હાથે વાગતી વીણાના સુસંવાદી તારો હશે.’ ‘ઠીક સંભાર્યું. ચાલો તમારા અનુભવની મને ભાગીયણ કરો,’ એમ બોલતી સ્વર્ણસુન્દરીએ હિમાનીને હાથ પકડી પોતાની સાથે બાંક પર બેસાડી. ‘આજે આત્માને થાક ચડ્યો છે ત્યારે એ અનુભવ લેવા રહેવા દે. થાક વધારે ચડશે અને ઘેર જતાં મોડું થશે તો અરણિકુમાર ચિંતાતુર થશે.’ ‘થાક પણ થાકથી ઊતરે છે. આપણે સાથે છીએ એટલે તારા ભાઈને ચિંતા રાખવી નહિ પડે. અત્યારે જ તારો અનુભવ લેવા જેવી સ્થિતિ છે અને તે છટકવા દેવા બિલકુલ વૃત્તિ નથી.’ ‘ભલે ત્યારે. ખરી વાત એ છે કે આત્માના થાક અપાર્થિવ અનુભવથી નાશ પામે છે, તને યાદ હશે કે એક લેખકે ‘ભગિનીસ્નેહનો વિશ્વક્રમમાં શો હેતુ છે?’ એવો પ્રશ્ન એના એક પ્રસિદ્ધ થયેલા પત્રના અંતિમ ભાગમાં પૂછ્યો છે.’ ‘હા. સારી રીતે સ્મરણમાં છે. એ હેતુ શોધવા તેં પૃથ્વી પર નામાંકિત થયેલા ભાઈબહેનનાં જીવનચરિત્ર વાંચવા માંડ્યાં હતાં તે પણ હું જાણું છું. શું આજે કોઈ અલૌકિક ભાઈબહેનનું જીવન વાંચવામાં આવ્યું?’ ‘સ્વર્ણા, તારી ધારણા સાચી છે. યુરોપના સુવિખ્યાત સંગીતકારનું નામ તો તેં સાંભળ્યું છે ને? બન્ને ભાઈબહેનની સંગીત રચવાની પ્રતિભા જેવી અજબ હતી તેવો જ તેનો સ્નેહ આત્માહારી હતો. ભેળાં રહેતાં કે છૂટા તોપણ અન્યોન્ય પ્રત્યે બંનેની ગાઢ પ્રીતિ હતી. તેમના આત્મા એક જ વીણાના, ઈશ્વરને હાથે સૂરમાં લવાતા અને બજાતા તાર હતા. તેઓ સંગીતપલ્લવીથી સંલાપતાં, શબ્દ જેવાં પાર્થિવ સાધન દ્વારા આવિર્ભાવ પામી શકે નહિ એવી એમની મનોવૃત્તિઓ સૂક્ષ્મ અને ગંભીર હોવાથી સંગીત દ્વારા જ પ્રકટ કરાતી. પોતપોતાના વાદ્ય સમીપ બેસી તેઓ કલાકોના કલાકો લગી અન્યોન્યથી ગ્રહણ થાય એવો – શાબ્દિક સંલાપ કરતાં અધિક મધુર અને સમર્થ સંલાપ ચલાવતાં. બુદ્ધિની સત્તા પામી ન શકે એવો એમના આત્માનો સંબંધ લાગણી ભર્યો અને સકલ હતો. બુદ્ધિથી પર અને જીવનમાં ચમત્કારી લાગતી લાગણીના તારથી તેઓ પોતપોતામાં સંદેશા ચલાવી શકતા. જર્મનીમાં આવેલા ઘરમાં બહેન સ્વર્ગવાસી થઈ ત્યારે ઇંગ્લૅંડમાં રસિક મહેફિલમાં બેઠેલા ભાઈને કોઈ અચિંતિત ભયંકર આફતનો એકદમ ઝાટકો લાગ્યો અને પોતાનો આત્માનો ભૈરવ અવસાદ થતો અનુભવાયો ત્યારે પિયાના તરફ તે ધસી ગયો અને શીઘ્ર સંગીત દ્વારા પોતાના ઉદ્વેગનું પૂર રેલાવી દીધું. રૂદનભર્યા અપાર્થિવ સંગીતથી અશ્રુબદ્ધ થઈ રસિકો અભિમંત્રિત થયા. થોડા દિવસ વીત્યે, તે જ કલાકે થયેલા બહેનના મૃત્યુના પત્રથી સમાચાર તેને મળ્યા. દુઃખદ બીના વાંચતાં જ તેણે ચીસ પાડી અને એટલો વ્યથિત થયો કે મગજમાંની એક રક્તવાહિની તૂટી ગઈ. આ ઘાથી ક્ષીણ થતા તેના દેહનું જે વિદારણ થયું હતું તે રૂઝાવી શકે એવું જિંદગીમાં એકે સુખ રહ્યું નહોતું એટલે ચિરાયેલા તંતુઓમાંથી લોહી અદૃશ્ય રીતે દૂઝતું. જોતજોતામાં, એ ભાઈબહેનના સૂક્ષ્મસંવાદી આત્માઓને અનુકૂળ એવા લોકમાં પોતાની બહેન નિકટ વસવા તે પણ ચાલ્યો ગયો.’ શાંત રહી એકચિત્તે સાંભળતી સ્વર્ણસુન્દરી સખીના મુખાર્વિંદ પરથી પ્રસ્વેદકણ લૂછતી બોલી : ‘પદ્મિનીએ જયદેવના ખોટા મૃત્યુ સમાચાર સાંભળતાં જ દેહ પાડ્યો, બર્થેલોએ બીજા ખંડમાં મૃત્યુશય્યાએ સૂતેલી પત્નીના સ્વર્ગવાસના ખબર થતાં જ દેહ છોડ્યો તેવું જ આ બે ભાઈબહેનના પ્રસંગમાં બન્યું. પતિની ચેહમાં બળી મરવાથી જ સતી થવાતું નથી પણ સ્નેહની ચેહમાં ભસ્મીભૂત થવામાં જ ખરું સતીત્વ રહેલું છે.’ ‘આ કથા મનુષ્યજીવનના એવા અલૌકિક પ્રસંગની બનેલી છે કે આપણે વધારે વાતચીત કે ચર્ચા કરવા કરતાં An attitude of reverent contemplation (નમ્રતાભર્યું ભક્તિચિંતન) રાખવું ઉચિત છે.’ એટલું બોલી હિમાની ઊઠી અને બોરસળીની કુંજોમાંથી ફૂટતી સુગંધ ફુવારામાં વિરાજતી. સતીની મૂર્તિ આગળ પોતાના ગળા અને વેણીનાં પુષ્પોની તથા વસ્ત્રોમાં મઘમઘતા સેન્ટ અત્તરાદિની સુગંધના અંતરપટમાં રાખી પોતાના આત્માની સુરભિ નૈવેદ્યરૂપે ધરતી હોય એમ ઘડી અધઘડી ઊભી. પવિત્રતાએ આપેલું ઓજસ તેના મુખ પરથી ચંદ્રપ્રકાશને પણ વિશેષ પવિત્ર કરતું લાગતું હતું. બન્ને સખીઓ ઘેર જવા પાછી ફરી. તળેટીએથી હોડીમાં બેઠી. સાંકડી નેળમાંથી જવાને બદલે ટેકરીની પ્રદક્ષિણા ફરી હોડી બંધ ભણી સરવા લાગી. ચંદ્ર પૂરબહારમાં ખીલતો હતો. પ્રકાશનાં પૂર રેલી રહ્યાં હતાં. પાણીનાં ઊછળતાં મોજાં સાથે કિરણો ગેલ કરતાં હતાં. બંધે પહોંચતાં હોડીમાંથી ઊતરી મોટરમાં બેસી. બન્ને સખીએ પોતાને મુકામે જોતજોતામાં પહોંચી ગઈ, રસ્તામાં સ્વર્ણસુન્દરી મોટર હાંકતી હતી અને હિમાનીએ વર્ડ્ઝવર્થ, હર્શલ, રેનન આદિ ભાઈબહેનો વિશે સુરમ્ય વાતો કરી.