રણજિતરામ ગદ્યસંચય – ૨/ગુજરાતના સરસ્વતી મંદિરમાં ઘંટનાદ
ગુજરાતના સરસ્વતીમંદિરમાં આ સાલ બે ઉત્સવ ઊજવાયા હતા. તેમની જાહેર નોંધ લેવાવી જોઈએ તેટલા પ્રમાણમાં ન લેવાયેલી હોવાથી આ લેખ દ્વારા રહી ગયેલી ન્યૂનતા દૂર કરવામાં આવે છે. મે માસના છેલ્લા દિવસોમાં સુરતની સાર્વજનિક હાઈસ્કૂલે પોતાની પચીસમી વર્ષગાંઠ ઉલ્લાસ, વિનોદ અને જ્ઞાનના વાતાવરણમાં ઊજવી હતી. આ પ્રસંગે મુંબઈના સુપ્રતિષ્ઠિત અને સુસંસ્કારી વેપારી તથા મુંબઈની ધારાસભાના એક અગ્રેસર અંગભૂત ઓનરેબલ મિ. લલ્લુભાઈ શામળદાસ અને પુણાની ફર્ગ્યુસન કૉલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર પરાંજપે – જેઓએ વિલાયત જઈ ગણિતશાસ્ત્રમાં ઊંચામાં ઊંચી પ્રવીણતા બતાવી છે તે—સુરત પધાર્યા હતા. ઓ. મિ. લલ્લુભાઈએ વિદ્યાર્થીઓને ઇનામ આપવા મળેલા સંમેલન સમયે પ્રમુખપદેથી વિચારશીલ ભાષણ ઇંગ્લિશમાં કર્યું હતું. એ સંમેલનના રિપોર્ટમાં એ ભાષણ છપાયું છે. સાર્વજનિક હાઈસ્કૂલના રૌપ્ય મહોત્સવ વખતે પ્રિ. પરાંજપેએ કરેલું ભાષણ છપાયેલું અમારા જોવામાં નથી આવ્યું એટલે તેની નોંધ નહીં લઈ શકાય માટે ખેદ થાય છે. આ સમારંભ પછી પખવાડિયું વીત્યે સુરતની સામે કિનારે સૌરાષ્ટ્રના મુખ્ય બંદર ભાવનગરમાં વિદ્યાર્થીઓનું સંમેલન થયું હતું. તે પ્રસંગે પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવે પોતાની રસિક, વિચારગર્ભ અને અનુપ્રેરક વાણીથી પ્રારંભક વ્યાખ્યાન કરી આપણી કેળવણીના પ્રશ્નોનું સિંહાવલોકન કરી ભવિષ્યનો માર્ગ બતાવ્યો હતો. એમનું ભાષણ ગુજરાતીમાં હોવાથી સારી રીતે તે પ્રસિદ્ધ થયું છે. વિદ્યાર્થીઓના સંમેલનના પ્રમુખપદે ભાવનગરની શામળદાસ કૉલેજના પ્રિન્સિપાલ કાવસજી સંજાણા બિરાજ્યા હતા. પ્રો. ધ્રુવ એમને ‘અનેક વિદ્યા વિભૂષિત’ કહે છે. તે તદ્દન ખરું છે. એમણે ઇંગ્લિશમાં પ્રમુખપદેથી સંમેલનના ઉદ્દેશ પોતાની વિશાળ તેમ ગંભીર દૃષ્ટિથી બતાવ્યા હતા. કેટલીક રીતે ઓ. મિ. લલ્લુભાઈ અને પ્રિ. સંજાણાનાં ભાષણો મળતાં આવે છે. મૂળ મર્મ એક જ છે. ફેર ફક્ત બંનેના જીવનને લઈને છે. ઓ. મિ. લલ્લુભાઈ રાજ્યદ્વારી અગ્રેસર છે એટલે સરકારની રાજ્યદ્વારી નીતિ સંબંધે ચર્ચા એમના ભાષણમાં છે. પ્રિ. સંજાણા ફક્ત શિક્ષક જ હોવાથી શિક્ષણ અને સંસાર સાથે શિક્ષણનો નિકટ સંબંધ હોવાથી તે બેને જ ઉદ્દેશી તેઓ બોલ્યા છે. બંને ભાષણો ઇંગ્લિશમાં હોવાથી આપણા ગુજરાતમાં જેટલાં પ્રસિદ્ધ થવાં જોઈએ તેટલાં થયાં નથી એ ઉપરથી ફલિત થાય છે કે આવા લોકકલ્યાણના પ્રસંગો આપણી જન્મભાષા દ્વારા જ ઊજવાવા જોઈએ. કેટલાંક વર્ષો પર સુરતમાં જયકીસનદાસ અઠ્ઠાવાળાએ કેટલાક મિત્રોની મદદથી ખાનગી અંગ્રેજી નિશાળ સ્થાપી હતી, પરંતુ તેમના અકાળ મરણથી નિશાળ બાલ્યાવસ્થામાં જ નાશ પામત – જો રા. રા. ચુનીલાલ શાહ જેવા ખંતીલા, આગ્રહી અને મહેનતુ શિક્ષક અને વ્યવસ્થાપકના હાથમાં એનું તંત્ર ન આવ્યું હોત તો. આજે મિ. અઠ્ઠાવાળાની શાળા પગભર થઈ છે એટલું જ નહીં પણ સુરત અને તેની આસપાસનાં ગામોના વતનીઓને કેળવણીથી તેણે સંપન્ન કરી તેમનાં જીવન પ્રકાશમય કર્યાં છે. રા. રા. ચુનીલાલ શાહે પોતાનાં યૌવનનાં વર્ષો આ શાળાના ઉછેર અને વિકાસ અર્થે ખર્ચ્યાં છે. સિંહાવલોકન કરતાં તેઓ પોતાનું કાર્ય સંતોષ અને પ્રસન્નતાથી જોઈ શકે છે. પણ ભવિષ્યની ચિંતાથી તેઓ મુક્ત નથી. મનુષ્યનો દેહ ક્ષણભંગુર છે, શાશ્વત નથી. પણ સંસ્થાઓ મનુષ્યના ભંગુર જીવન સાથે ખંડિત થવી ન જોઈએ. ભંગુર જીવનની સતત પરંપરાથી તેમને બને તેટલી શાશ્વત કરવાનો પ્રયત્ન થવો જોઈએ. આવો પ્રયત્ન વ્યક્તિ કરતાં સમિતિ વધારે સુદૃઢ રીતે કરી શકે છે એટલે રા. રા. ચુનીલાલ શાહ શાળાની વ્યવસ્થા કરનાર મંડળ સ્થાપી તેને પોતાના હાથમાંનું તંત્ર સુપ્રત કરવા પ્રવૃત્ત થયા છે. આપણાં પડોશી દક્ષિણીઓએ પોતાનાં દેશજીવનના પ્રશ્નો ઉકેલવા નવા જમાનાની ભાવના અને આવશ્યકતા પ્રમાણે નવા સંન્યાસીઓના મઠ બાંધ્યા છે. દક્ષિણ શિક્ષણપ્રસારક મંડળી (The Deccan Education Society), નિષ્કામ કર્મ મઠ, હિંદસેવક સમિતિ (The Servants of India Society) નિરાશ્રિત સહાયક મંડળી (The Depressed Classes Mission) વગેરે વગેરેનું આપણને તરત જ સ્મરણ થાય છે. આ તો સર્વે જગજાહેર છે પણ એથી ઓછી પ્રસિદ્ધિવાળાં શિક્ષણ પ્રસારકમંડળો દક્ષિણીઓએ મુંબઈ, પૂણા અને મહારાષ્ટ્રના ઈતર ભાગોમાં સ્થાપ્યાં છે, કુદરતી રીતે રા. રા. ચુનીલાલ શાહનું લક્ષ આ સર્વે મંડળો તરફ ખેંચાયું અને તેમના નમૂના પ્રમાણે એમણે સાર્વજનિક શિક્ષણપ્રસારક મંડળી (The Sarvajanik Education Society, Surat) અસ્તિત્વમાં આણી છે. આ દિશામાં બે કામ ખાસ કરીને કરવાનાં હોય છે. શિક્ષણ આપવાં જોઈતાં સાધનો – શિક્ષકો, મકાનો, પુસ્તકો વગેરે મેળવવા દ્રવ્યની જરૂર પૂરી પાડવા ફંડ જમા કરવું પડે છે. આ વિવિધ રીતે થઈ શકે છે. સામટું દાન મળવાથી અથવા નિત્ય કે નૈમિત્તિક કે એક વાર દાન મળવાથી. આજીવન સભ્યો અમુક રૂપિયા ફંડમાં ભરી મદદ કરી શકે છે. દ્રવ્યવાનો મોટી મોટી રકમો એમ ને એમ અથવા ઉદ્દેશપૂર્વક અર્પણ કરી શિક્ષણના વ્યવહારને સરળ કરી શકે છે. સાધારણ સ્થિતિવાળાઓ પોતાને ફાવે તેમ નૈમિત્તિકદાનથી – ટીપે ટીપે સરોવર ભરાય તે ન્યાય પ્રમાણે શાળાને પોષણ આપી શકે છે. ખંત, આગ્રહ, મહેનત અને નિષ્ઠાને માટે દ્રવ્યપ્રાપ્તિ સરળ અને સાધ્ય છે. અલબત્ત એમાં મુસીબતો, તિરસ્કાર, અવહેલના, સ્વાર્થત્યાગ વગેરેનો અવનવો અનુભવ ધીરજથી અને શ્રદ્ધાથી કરવો પડે છે. બીજું કામ કુશળ, વિદ્યાનુરાગી, શીલવાન્ અને સ્વાર્થત્યાગી તથા ઉચ્ચાગ્રહી શિક્ષકો મેળવવાનું છે. આ કામ પહેલાં કરતાં વિકટ છે. દાનની પડેલી પ્રણાલીને લીધે, તેમ જ ભિક્ષા માંગતાં આવડે તો દ્રવ્યપ્રાપ્તિ થઈ શકે, પણ આવા શિક્ષકો મેળવવા તે જેવી તેવી વાત નથી. આખી પ્રજાના જીવનમાં અજબ ચેતનપ્રદ ચળવળ ચાલી રહી હોય ત્યારે જ આવા ગુરુઓ પ્રાપ્ત કરવાનું ભાગ્યઉદય પામે છે. ધર્મ અથવા રાજ્યની ઉન્નતિ કરવા જાગેલી અભિલાષા પ્રબળ હોય ત્યારે ચેતનમય પ્રવૃત્તિ જન્મે છે. રાજ્યની ઉન્નતિમાં જેમ દેશપ્રીતિનો સમાવેશ થઈ જાય છે તેમ ધર્મમાં મનુષ્યપ્રેમનો થાય છે. પણ આ બે દિશામાંથી પ્રેરકબળ જ્યાં લગી ન આવે ત્યાં લગી આદર્શશિક્ષકો મેળવાતા નથી. પૃથ્વી પર સ્વર્ગ ન આવે માટે પૃથ્વીનો અનાદર કરવો એ શાણપણ નથી. પૃથ્વીને પૃથ્વી તરીકે ઉપયોગમાં રોકી તેમાંથી સ્વર્ગ ઉદ્ભવાવવું. જેટલી સારી સહાય જ્યાંથી અને જેવી રીતે મળે તે સદ્ધરતાથી સ્વીકારવી. આવી વૃત્તિ રાખવા છતાં પણ અનુભવો કડવા, અવળા અને નિરાશાભર્યા થાય છે. રા. રા. ચુનીલાલ શાહે મંડળ તો સ્થાપ્યું પણ મંડળનો ઉદ્દેશ સાધનારા શિક્ષકો હજુ એમને મળી શક્યા નથી તે માટે તેઓ પોતાના રિપોર્ટમાં અફસોસ કરે છે. કેવા પ્રકારની વ્યવસ્થાથી તેઓ શિક્ષકોને પોતાની યોજનામાં સામેલ કરવા માંગે છે તેનો નિર્દેશ રિપોર્ટમાં ન હોવાથી એ વ્યવસ્થા આકર્ષક કેમ નથી નીવડી તેનું નિદાન આપણાથી થઈ શકતું નથી. આમ છતાં સામાન્યતઃ આ પ્રશ્ન પરત્વે થોડુંક વિચારવું ઉચિત છે. કારણ કે આ પ્રશ્ન ઘણા મહત્ત્વનો છે. દક્ષિણ શિક્ષણ પ્રસારક મંડળનો અંગભૂત એક પારસી થયો છે. એ મંડળના અંગભૂતોને જીવનનાં અમુક વર્ષ અમુક થોડા વેતનથી શિક્ષણનું કાર્ય કરવું પડે છે એ સુવિદિત છે. હિંદસેવક સમિતિમાં હિન્દુસ્તાનના નિરનિરાળા પ્રાંતોના વતનીઓ સામેલ થયા છે પણ ગુજરાતનો કોઈ વતની નહીં. અલબત્ત આ બધાં મંડળોને ગુજરાતે દ્રવ્યની મોટી મદદ કરેલી છે તેમ જ મુંબઈમાં હિંદસેવક સમિતિ તરફથી યોજાયેલા સમાજસેવાસંઘમાં ઘણા ગુજરાતીઓ જોડાયેલા છે. આપણે ત્યાં ઘણા ગ્રેજ્યુએટો આખી જિંદગી ટૂંકા પગારમાં નથી ગાળતા? ખાનગી નિશાળોમાં કેટકેટલા શિક્ષકો રૂ. ૧૦૦/–ની અંદર –રૂ. ૩૦ થી રૂ. ૮૦/- લગીના પગારે પોતાનું આખું જીવન વ્યતીત કરે છે છતાં આવાં મંડળોમાં કેમ નહીં આવતા હોય? કદાચ કોઈ પોતાના ઉજ્જવળ ભવિષ્યની આહુતિ આપીને આવે તો જ – તેનામાં પાણી હોય તો જ તેનો સંગ્રહ આવાં મંડળોમાં થઈ શકે. બીજે ન મળતું હોય માટે આવે અને મળે એટલે ચાલવા માંડે એવાનો સત્કાર ન થાય એ વાજબી છે. ખરી વાત છે કે આપણામાંના ઘણાને આવાં મંડળો આપવા તૈયાર છે તેથી ઓછો પગાર જિંદગીપર્યંત મળે છે છતાં આપણું આખું જીવન વધારેને માટે તલસે છે. શા માટે તલસે છે? જીવનમાં જોઈતા એશઆરામની આપણી લાલસા વિશાળ છે, સંકુચિત જ્ઞાતિબંધારણને લીધે ખર્ચના પ્રસંગો વિશેષ આવે છે, રહેણીકરણી પણ ખર્ચાળ હોય છે, ધાર્મિકવૃત્તિ પણ દ્રવ્યનો વિશેષ વ્યય કરાવે છે વગેરે વગેરે કારણોને લઈને દ્રવ્યપ્રાપ્તિનું આપણું ધોરણ ઊંચું છે. વળી આપણા દેશમાં વેપારનું પ્રાબલ્ય હોવાથી લક્ષ્મીની છોળ વિપુલ છે એટલે સંસારમાં પ્રતિષ્ઠા પામવા સારા દ્રવ્યસંગ્રહની અપેક્ષા રહે છે. જ્યાં ત્યાં લક્ષ્મીની છોળ હોવાથી સંન્યાસની વૃત્તિને – ભોગ, લાલસા, વિલાસના ત્યાગની વૃત્તિને સહજ રીતે પોષણ પડતું નથી. આર્યસમાજ કે ખ્રિસ્તીધર્મ જેવું જીવંત, ઉત્તેજક, અનુપ્રેરક બળ આપણા સંસારમાં નથી તે બંગાળ કે મહારાષ્ટ્ર જેવી દેશોન્નતિની આત્મમંથક લાગણી પ્રબળ સ્વરૂપમાં આપણે ત્યાં નથી. તેમ આપણા દેશે એવા ઘા પણ નથી ખમ્યા કે જેથી પ્રજાના અંતરમાં રહેલું ચૈતન્ય પ્રદીપ્ત થઈ સારા દેશને હલમલાવી મૂકે. જરા ઊંડો વિચાર કરતાં એવું પણ લાગે છે કે પ્રજા પ્રજાના અનુભવ અને કર્તવ્યપ્રદેશ નિરાળા ન હોઈ શકે? દેશનો વેપાર ખીલવવામાં ગુજરાતીઓ પોતાનું સમગ્ર જીવન અર્પે છે તે આપણા પડોશીઓના સ્વાર્થત્યાગથી કઈ રીતે ઊતરતું ગણાય? ત્યાગમાં જેમ મહત્તા છે તેમ પ્રાપ્તિમાં પણ નથી? એક રીતે ફળ સરખું નથી આવતું? હયાતની વૃદ્ધિ, વિકસિત વિવિધતા અને સમર્થ ઉન્નતિ એ જ ફળ માટેના સર્વે પ્રયાસ –ત્યાગના કે પ્રાપ્તિના છે. તો પછી આપણે બિલકુલ શરમાવા જેવું નથી. ત્યાગ કરનારા દક્ષિણીઓને દેશોદયના કાર્યમાં આપણા દ્રવ્યની સહાય આપીએ છીએ તેમ આપણા દેશોદયના કાર્યમાં આપણા દ્રવ્ય વડે એવા સંન્યાસી દક્ષિણીઓની સહાય શા માટે ન મેળવવી? સારાંશમાં દેશસેવાની તીવ્ર લાગણી આપણામાં નથી તેમ જ જીવનયાત્રા માટે સંપત્તિ વિશેષ જોઈતી હોવાથી દક્ષિણીઓ જેવો ત્યાગ – સંન્યાસ આપણે ત્યાં હાલ સુલભ નથી. વસ્તુસ્થિતિ સમજી વ્યવસ્થા કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનો અસંતોષ કે દુઃખ લાગવાનો સંભવ નથી. હવે ભાષણમાં અવગાહન કરીએ અને કેવાં મોતીનું લહાણું કરવામાં આવ્યું હતું તેનો નિર્દેશ કરીએ. કેળવણીની સાંપ્રત સ્થિતિને ઉદ્દેશી ઓ. મિ. લલ્લુભાઈ કહે છે : ‘Education × × has × × two sides, the individual and the social. Upto now all schools confined their attention to the former side only, and even that not to all the branches.’ ‘When the Education was first introduced in this country, the chief aim of the promotors was to create a class of honest, capable subordinate etc officers. This goal has, it is acknowledged on all hands, been reached. But the impehes given in the first instance has had other effects also, and the change in the ideal of the society of to – day from there of the society fromer than 50 years back is mainly one to that very impetus. With new ideals new systems will have to be then put out, introduced and perfected where found difective in the actual practice. I believe I am correctly intuputing our educational ideals when I say that we want our educational institutions to trian up our young man as First citizens – citizens not in the narrow sense of doing civic duties and loyally obeying the laws only. (but when need he to have the courage to disobey laws as well according to mr. Gandhi.) The young man is a member of a family, he has to work to earn his livilihood, has also to work with others as neighbours or colleagues in a common cause. He is also expected to continute to the values of life and to the decencies graees of civilization.