રણજિતરામ ગદ્યસંચય – ૨/ગુજરાતનું સાંસારિક અને ધાર્મિક દર્શન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગુજરાતનું સાંસારિક અને ધાર્મિક દર્શન

‘સંવત સૈકા ૧૮માં ગુજરાતીઓની સ્થિતિ કેવી હતી તે તે કાળની કવિતા રૂપી આરસીમાંથી જણાય છે. પ્રજાને રાજ્યસંબંધી દુઃખ નહોતું ને તે અનેક ઉદ્યમથી ખાવે ખવડાવે તથા સંચય કરવે સુખ માનતી. પણ અખો જણાવે છે કે તે વેળા અનેક ધર્મમત, ભોળી, ઘેલી ભક્તિ, અત્યાચાર ને દુરાચાર એ બહુ હતો. શામળ કહે છે કે સ્ત્રીવર્ગ સ્વચ્છંદી ને પુરુષવર્ગ મૂર્ખ હતો; પ્રેમાનંદ દેખાડે છે કે સૌ પોતાના ઉદ્યમ સંબંધી એકમાર્ગીપણામાં સંતોષી ને કુટુંબપરિવારના હેતમાં આનંદ માનતા. મુસલમાન સરકાર તથા દેશી દરબારના સંબંધથી કેટલાક બ્રાહ્મણ અને વેપાર ધંધાથી કેટલાક વૈષ્ણવ વાણિયા તથા જૈન શ્રાવકો સર્વ ગુજરાતીઓમાં બહાર પડતા હતા.’

—નર્મદાશંકર


જે ભૂમિમાં રાજકીય ઇતિહાસ રચાયા નથી તે ભૂમિમાં પ્રજાકીય (અર્થાત્ પ્રજાની સાંસારિક, ધાર્મિક અને રાષ્ટ્રીય સ્થિતિનાં મૂળ, બુદ્ધિ અને વિકાસ અથવા અવનતિદર્શક) ઇતિહાસની આશા કેવી? નિયમસર રચાયેલા રાજકીય ઇતિહાસની ખોટ દંતકથા, સિક્કાઓ, પરદેશી પ્રવાસીઓનાં લક્ષણો, જૂના ખતપત્રો, તામ્રપત્રો, ઇત્યાદિ પરથી મહામહેનતે વૃત્તાંતો સાંકળી રચાયેલા ઇતિહાસથી પૂરી પડે છે. આવો જ પ્રયાસ પ્રજાકીય ઇતિહાસ લખવાના સંબંધમાં થઈ શકે છે. સાહિત્યકારોનાં લખાણોમાં, પ્રચલિત આચારોમાં, કહેવતોમાં ઇત્યાદિ સ્થળેથી સાધનો મળી આવે છે. જોઈએ તેવાં અને જોઈએ તેટલાં સાધન મળી નથી આવતાં, તે છતાં પણ જે મળે છે તે પરથી કાંઈક પ્રકાશ તે સમય પર નાંખી શકાય છે; અને ઇતિહાસનું ખોખું ઊભું કરાય છે. પ્રસ્તુત લેખમાં કાંઈક આવા જ પ્રકારનો ઉપક્રમ છે. વિ. સં. ના અઢારમાં સૈકામાં થઈ ગયેલા કવિઓનાં લખાણોમાંથી ઉતારા લઈ તે સમયનું ચિત્ર આપવા યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. આ પ્રયાસ વિકટ તેમ જ પ્રથમ છે એટલે તેમાં પાર પડવું મુશ્કેલ છે. તેમ જ મૅક્સમૂલર જેને dialogic process કહે છે તેનાથી વિદૂર રહેવું પણ કઠિન છે. આ કાળમાં ત્રણ મોટા કવિઓ તેમ જ બીજા વીસ ત્રીસેક કવિબટુઓ થયા હતા.[1] ત્રણ મોટા કવિઓમાંથી શામળના ગ્રંથોમાંથી જેટલાં સાધન મળી આવે છે તેટલાં બીજા કોઈનામાંથી નથી મળતાં. નર્મદના કહેવા પ્રમાણે ખરેખર એની કવિતા ‘ગુર્જરી સ્થિતિ પ્રદેશમાં રંગમંડપ’ જેવી છે. આમાં ભજવાતા નાટકમાંથી તે સમયનાં આચારવિચાર, નીતિરીતિ વગેરેનું દર્શન આપણને થાય છે. બીજા કવિ અખાએ વેદાંતના દૃષ્ટિબિંદુથી તે સમયે ચાલતા ધાર્મિક અનર્થો ખંખેરી કાઢ્યા છે. આ ખંખેરણીમાં કેટલાક વાસ્તવિક અનર્થો આવી ગયા છે. છેલ્લા અને શ્રેષ્ઠ કવિ પ્રેમાનંદ પોતાના સ્વદેશીઓના હૃદયમાં ઊતરી ત્યાં વસતા ભાવો વીણી પોતાની કવિતામાં ઓતપ્રોત ગૂંથ્યા છે. આથી તે કવિતા ‘સુંદર સરોવર’ જેવી બની છે. આ સરોવરની લહરીમાં ગુજરાતીઓ પોતાનાં રોવાં, હસવાં, સુખદુઃખનાં પ્રતિબિંબ વગેરે જોઈ શકે છે. આ ત્રણેના ગ્રંથોના આધાર પરથી આ લેખ રચાયો છે. તે સમયની યથાર્થ સ્થિતિ દર્શાવવાનો હેતુ હોવાથી જ્યાં યથાર્થ દર્શાવતાં સાધન મળ્યાં છે ત્યાંથી લીધાં છે. શામળમાંથી વિશેષ મળવાથી તેનાં લખાણો સંબંધ ઉલ્લેખ વારંવાર નજરે પડશે. પ્રેમાનંદમાં યથાર્થ સ્થિતિનો ચિતાર બહુ જ થોડો આવ્યો છે. આ સંબંધમાં રા. ગો. મા. ત્રિપાઠી કહે છે કે તે વાસ્તવિક છે : ‘As regards the actual manners of society he paints them in glowing colours when he likes and loves them.’—Classical Poets of Gujarat આ ઉપરથી જણાશે કે વસ્તુતઃ જે સ્થિતિ હતી તે નીરખવાના પ્રસંગ પ્રેમાનંદ વાંચવાથી બહુ નહિ મળે. પ્રેમાનંદનાં નાટકોમાંથી જેટલાં સાધન મળે છે તેટલા કવિતાના ગ્રંથોમાંથી નથી મળતાં. પ્રેમાનંદે રચેલાં સર્વ નાટકો પ્રસિદ્ધ થશે ત્યારે ગુજરાતના તે સમયના ઇતિહાસ પર ઘણો પ્રકાશ પાડશે. પ્રાચીન કાવ્યો છપાવાનું કામ ફંડ પૂરું થવાથી અટક્યું છે તો તે ફરીથી બીજા ફંડની મદદથી અથવા અગાઉ ચાલતા ત્રિમાસિક જેવા ક્રમિક પત્રથી ચલાવવું આવશ્યક છે. આ સાથે આ કવિને ત્યાં ભણી થયેલા કવિઓના લેખો પણ પ્રસિદ્ધ થવાની જરૂર છે. આ બધાં સાધનો પરથી ગુજરાતનો ઇતિહાસ લખવાને ભવિષ્યમાં કોઈ નીકળશે અને તેને આ લેખ કાંઈક માર્ગસૂચક અથવા બીજી રીતે ઉપયોગી થશે તો આ પ્રયાસ સફળ થયો લેખાશે. પ્રથમ તો તે વખતે ધર્મની કેવી સ્થિતિ હતી તે જોઈએ. ત્રણ મોટા પંથો ગુજરાતમાં તે સમયે પ્રચલિત હતા : શૈવ, વૈષ્ણવ ને જૈન. શૈવમાર્ગમાંથી ફંટાયેલા વામમાર્ગ, કાંચલીયાપંથ વગેરેમાં અધમતા અત્યંત ચાલતી હતી.

કાંચળીયો ધર્મ કારમો, એક પુરુષ એક નાર,
ઊંચ નીચ મળે એકઠાં, ભામનીનો ભરથાર.
કાંચળીયો ભરે કુંભમાં, આપે એક એકને હાથ,
એક પુરુષ એક પ્રેમદા, સુખે વિલસે તે સાથ.
*
ચંચળ ધરમ ચોથો ચતુર, કામી વડો વિવેક;
પ્રથમ પંચમકાર ત્યાં, ન્યાવટ કેરા નેક.
પંચમ તેમાં પાંચમું, અધિક ગુણ એકાંત;
તેમાં નરનારી તણી, ભાવ ગણે નહિ ભ્રાંત,

- શામળ —(સડાણહોતરી.)



બીજ મારણ બીજનો, કહેવાય ધણીનો ધરમ;
નરનારી મળે એકઠાં, કરે છે કુડાં કરમ.

શામળ

વડોદરા રાજ્યના થોડા સમય પર પ્રસિદ્ધ થયેલા વસતિપત્રકના રિપોર્ટ પરથી જણાય છે કે કાંચળીયા પંથ અને બીજમાર્ગ હજુ પ્રચલિત છે. બસો બસો વર્ષ પર્યંત જે દેશમાં આવા આવા અનાચારો બિનહરકતે ચાલ્યા કરે તે દેશના વાસીઓનાં હૃદયબળ અને હૃદયશુદ્ધિ કેવાં હશે?

વૈષ્ણવ ધર્મનો વલ્લભાચાર્યે પ્રસરાવેલો પુષ્ટિમાર્ગ બહુધા ગુજરાતમાં પ્રચલિત હતો. આ માર્ગનાં મંદિરોમાં મૂળ પુરુષ એટલે વલ્લભાચાર્યના વંશમાંનો એકાદ ગોંસાઈ તરીકે રહેતો. પ્રથમ તો આ સંસ્થા ઉત્તમ રીતે ચાલી, પરંતુ ધીરે ધીરે વૈષ્ણવ સંપ્રદાય જેવા સંપ્રદાયોને સહજ એવા અનાચારો પેઠા. ગોંસાઈ પોતાને પૃથ્વી પર કૃષ્ણનો અવતાર મનાવા લાગ્યો. ગોપીભાવ–જે નરસિંહ અને મીરાં જેવા ભક્તકવિઓથી ગુજરાતીઓના હૃદયમાં ઉદ્ભવ્યો હતો તે — સાક્ષાત્કાર કરવા ભાવિકોએ આ તક સાધી. જોતજોતામાં સડો આખા

સંપ્રદાયમાં પેઠો અને બધું સડી ગયું.
વૈષ્ણવ ધર્મમાં કહ્યું, કનૈયે કીધું કામ;
સોળ સહસ્ત્ર સંતોળી, નરવર જેનું નામ.
ગોંસાઈ ગુરુ જેહના, સમરપણી સીરદાર;
તનમન સોંપે તેહને, નિર્મળ પોતાની નાર.

શામળ.

આ પ્રમાણે લખી કવિ વિરમ્યો. કરસનદાસ પેઠે સામી લડત એણે ચલાવી નહિ તેમજ આવા અનિષ્ટ રિવાજોની ખૂબ ઝાટકણી કરી જનસમાજની કર્તવ્યબુદ્ધિ જાગૃત નથી કીધી. ગોંસાઈજી મહારાજ વિષે એણે એક વાત લખી છે તે અત્રે આપવા જેવી હોવાથી તેનો સારાંશ આપીએ છીએ : ‘એક પુર વિષે મહારાજ પધાર્યા હતા. તેમના દર્શનાર્થે એક શ્રીમંત વૈષ્ણવની વહુ ગઈ. તેની ભેટ અને શ્રીમંતાઈ જોઈ મહારાજે માળા ફેરવવી બાજુ પર રાખી તેની સાથે વાત કરવા માંડી, મુખિયાજી પાસે બાઈને પ્રસાદ, પાન તથા પતાસાં અપાવ્યાં. આ અરસામાં એક ભાવિક ડોશી ચરણસ્પર્શ કરવા આવી. મહારાજને પૂછ્યા વગર સેવકે ‘મહારાજ પૂજામાં છે, હાલ દર્શન આપી શકે એમ નથી,’ એમ કહી બિચારી ગરીબ ડોશીને વિદાય કીધી.’ મહારાજ કોઈ પુર વિષે પધારતા તો શું થતું તેનું વર્ણન આ પ્રમાણે કર્યું છે :

ગુસાંઈ મહારાજજી, વલ્લભ કુળના વિશ્રામ;
તરણ તારણ ત્રિલોકમાં, સફળ ધરમ સુખ ધામ.
પતિતને પાવન કરણ, હરણ પાપ પરચંડ;
દર્શન દુર્લભ દેવને, ટાલણ જમાના દુત.
પધાર્યા ‘તા પુર વિષે, દુનિયાં કરે દર્શન;
મોટાને ત્યાં પધરામણી, પુરણ મન પરસંન;
*
ભાગ્યશાળી વૈષ્ણવ મળ્યા, ભુવન ભુવનથી ધાય.

શામળ.

અખો પણ દૃઢ વૈષ્ણવ હતો. પરંતુ શ્રીનાથમાં બરાબર ગોંસાઈના આચારવિચાર નીરખવાથી શુદ્ધિ આવી, અને છેવટે તેણે વેદાંત સ્વીકાર્યો. ગોંસાઈને ગુરુ કરવા વિષે એ કહે છે કે :

ગુરુ કીધા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ;
ધન હરે ધોકા ના હરે, એ ગુરુ કલ્યાણ શું કરે?
*
ગુરૂ થૈબેઠા હું શે કરી, કેઠે પાણ શકે કેમ તરી?

અખો.


જેટલા બાંધે કંઠીઓ, તેટલાની બુદ્ધિ વંઠીઓ;
પોતે બેઠો છે બૂડવા, ઘણા જન્મના પાપ ઝૂડવા;
પોતે બેઠો છે હારવા, બીજાને ક્યાંથી તારવા?
પોતાને લાગી છે લહેર, બીજાને કેમ વાળે ઝેર?
પોતે ખઈ રોગે મરે, બીજાને કેમ સાજા કરે?

શામળ.

વૈષ્ણવના ગુરુ સંબંધી આટલું લખાયું છે. હવે વૈષ્ણવ સારૂં શું કહેવાયું છે તે જુઓ:

વૈષ્ણવ ભેખ ધારીને ફરે, વરસાદ ટાણે પત્રાવળાં ભરે;
રાંધ્યાં ધાન વખાણતા જાય, જેમ પીરસે તેમ ઝાઝા ખાય.
કીરતન ગાઈને તોડે તોર, અખો કહે કે જુવાનીનું જોર.
વૈષ્ણવ વૈષ્ણવમાં આચરે, રાસમંડળની રીત;
વસંત રમે છે વૈષ્ણવમાં, પરસ્પરે બહુ પ્રીત.
*
છાપાં કરે છે છેલડાં, માંડ માંડ ઘાલ્યા માલ;
વિભીચાર વગોતા ફરે, કામનીઓના કાળ.

શામળ

આ તો ધર્મના અનુયાયીઓ સંબંધે કહેવાયું છે. હવે એ ધર્મની જનસમૂહ પર કેવી અસર થતી તેનું બયાન કરીએ.

વિપ્ર કહે શુભ વાણિયો, હૃદે ધરીઓ વાણિયો;
એક સમે એક કથાંતર આવીયું ભામનીના મનમાં ભાવીયું,
રાધા માધવનો સંવાદ, અધ્યા વાંચ્યા અણી ઉલ્હાદ;
બાળમુકુંદના બાળચરિત્ર, પરમ મનોહર પરમ પવિત્ર,
વિપ્રીત આસન કેરી રીત, પંડિતે વાંચ્યું પુરણ પ્રીત;
વિષય વારતા મનમાં વસી, હેત ઘણેથી રાણી હસી.
*
છેક ઉઘાડું વર્ણન કર્યું, ને રાધાકૃષ્ણ આચર્યું.

શામળ

કૃષ્ણચરિત્રમાં ગમે એવું તત્ત્વજ્ઞાન હશે, એ ચરિત્ર પરથી ગમે તેટલી ઉચ્ચ પ્રતીતિની હૃદયગત કવિતા રચાઈ હશે, પરંતુ જનસમૂહ ઉપર વર્ણવેલી હાનિ પણ એ જ ચરિત્રથી થતી હશે. અત્યાર સુધી તો વૈષ્ણવ ધર્મનું કાળાશપૂર્ણ વર્ણન અપાયું; હવે તેના ઉન્નત અંશ તરફ જઈએ. એ ધર્મે પ્રેમલક્ષણા ભક્તિ પ્રસરાવી. પ્રેમાનન્દે – જેણે પોતાના સમાજના ઉદય અર્થે ઘણાં કાવ્યો રચ્યાં છે તેણે – આ અંશ ગ્રહ્યો, અને પોતાની કૃતિમાં ઉતાર્યો. ભ્રમરપચીસીમાં, શ્રીમદ્- ભાગવતના દશમસ્કંધના ભાષાંતરમાં જે રસ રેડાયો છે તે આ અંશગ્રહણને લીધે. પોતાના દેશીઓના ધર્મમાં રહેલી ઉચ્ચ કવિતા પ્રગટ કરવા પ્રેમાનંદનો પ્રયાસ હતો, અને તે ઘણે અંશે સફળ થયો છે. ઘેર ઘેર આજ પણ તેનું ભાગવત વંચાય છે. મીરાંબાઈ અને નરસિંહ મહેતાનો કાવ્યરસ જે હૃદયગુહામાં ઊછળતો હતો તે હૃદયગુહાઓમાં આવાં કાવ્યો તેમ જ નરસિંહ મહેતાના જીવનના અનેક બનાવો સંબંધી રચાયેલાં કાવ્યો સન્માન પામ્યાં. નરસિંહ ભક્તનો ઉચ્ચગ્રાહ પોતાના સમાજ આગળ મૂકી ઉન્નત પથ પ્રયાણ દાખવવા સારું પ્રેમાનન્દના યત્ન ફક્ત પ્રશંસાને પાત્ર નહિ, પરંતુ ચિરંજીવિતાને યોગ્ય છે. હાલ તો તેની આ યોગ્યતાએ કાળના વ્હોમાંથી બચી અમરતાના ખડક પર તે બીરાજ્યો છે. પ્રેમાનંદે ઉચ્ચ પ્રકારના ભક્તનું જીવન મહેતા સંબંધી આખ્યાનો રચી દોર્યું છે. હવે ઈતર પ્રકારના ભક્તોનું જીવન નીરખીએ. ભગતનું વર્ણન :

તિલક છાપાં માળા ધરે, જાણી તો બોહો જગત,
કહે કથા, કીરતન કરે, વગાડે તાલ પખાજ;
નમે સર્વ નરપત સહિત, કરે વૈષ્ણવનું કાજ,
બંધાવે લોકને કંઠીઓ, લેવરાવે સહુને નામ.

શામળ

આ ઉપરથી જણાય છે કે ભગત ગોસાંઈની ગરજ સારતો. બીજું વર્ણન:

ખાયે બેઠા રામ ધસીયા, મેહેતા તણે મંદિર;
ગોપીચંદન તિલક છાપાં, ધરી બાળમુકુન્દ ગાય;
શબ્દ ઊઠે સ્મરણીનાં, મણકા અફળાય,
ચિત્રામણ દશ અવતારનાં, ચોકમાં તુલસીવન;
દેરાસર દામોદર તણો, મહેતા કરે કીરતન.

પ્રેમાનંદ-(હૂંડી)

આ ભગતો ભજન ગાતા તેમ જ નવાં રચતા—તેમનો વિષય પ્રેમલક્ષણાભક્તિનો તેમજ શંકરાચાર્યના ચર્પટપંજરિકાદિ પદો જેવાંમાં જગતની અસારતા, માનવજીવનની ક્ષણભંગુરતા ઇત્યાદિ પર જે ઉપદેશ અપાયો છે તેવા ઉપદેશનો હતો. શિષ્યની સંખ્યા સારી થતી તો વાડો બાંધતા, અને પોતે ગુરુ થઈ બેસતા, ગાદી થઈ એટલે જતે દહાડે સંસ્થાની વિશુદ્ધિ વિનાશ પામતી.

સ્વામી થૈ બેઠો આપ, એ તો મનને વળગ્યું પાપ,
શિષ્ય રાખ્યાનો શિર પર ભાર, ઉપર ત્યાગને અંતર પ્યાર.

અખો.

આવા જ પ્રકારનો વાડો પણ ઉચ્ચ આશયથી ભક્તવીર કબીરે બાંધ્યો હતો. આ મ્લેચ્છ ભક્તનો સંપ્રદાય ગુજરાતમાં પણ ચાલતો હતો. તેની તે સમયની સ્થિતિ આવી વર્ણવી છે :

ત્રીજો ધરમ એક તારતીમ, સત સાહેબ કહે સરવ,
છોક છો છું છે તેહમાં, ઘણો આણે છે ગરવ.
વિભીચાર તો પ્રથમ ત્યહાં, આપ મળે એકાંત;
સાચું સગપણ સ્વામીતણું, ભાવે નગણો ભ્રાંત.

શામળ

ભક્ત પછી બાવાનો વર્ગ આવે છે. આ બાવાઓ નદીકાંઠે અથવા સ્મશાનમાં ધૂણી ધખાવી રહેતા, ગાંજો ફૂંકતા અને બગધ્યાન ધરતા. ગામમાં લોટ માગવા જતા, ભોજા ભગતે જે એમનું વર્ણન આપ્યું છે તેવું આચરણ લાગ ફાવે આચરતા. કેટલાક છૂટા અવધૂત કે ખાખી બની રહેતા, તો કેટલાક જમાતમાં રહેતા. જમાતને માથે મહંત રહેતો. આ જમાત ત્યાગી થવાને બદલે ભોગી બની જતી, બાદશાહી આડંબર રાખતી. આ વર્ગસંબંધી નીચેના ઉતારા મળી આવ્યા છે :

ભેખમાં સહુકો સમાયે, ન જાણીએ કોણ જાત,
એવા પાખંડી દંડી, ઘણાં આવે જાગી;
જાય ઘેરથી શીશ મુંડાવી, અન્ન આહારના ભોગી.
ઘેર ઉદર પોષણ થાય નહીં; પછે હોય અતીત;
જ્યાં ભોજન પામે ત્યાં બેસે, એ પાખંડીની રીત.
ઉદર પોતાનું ભરવા અર્થે, લે વેષ વિવિધ પ્રકાર;
પાખંડ કર્યા વિના, કો માને નહિ નિરધાર.

શામળ


કેટલે લીધા ભેખ, ભટકતા હીંડે ભૂખે,
કેટલે લીધા ભેખ, હેડ હાકેમને દુઃખે,
કેટલે લીધા ભેખ, રોગ રૌરવની ગરજે,
કેટલે લીધા ભેખ,-દુકાળ પડે કે કરજે,
કેટલાયે માબાપે વેચિયા, કોઈ તો નાસી ગયા,
શામળ કહે શી સગાઈ ત્યાં, બળાત્કારે બાવા થયા.

શામળ


રળવાનું તને જોર ન હોય તો, ટાઢી ચોળીને ભીખીબા.
×
કાં સ્ત્રી મરે કે ખાવા ટળે, તમે ભગુવાં પેરો રે.

પ્રેમાનંદ


બાવો મંત્રી દોરા કરે, પંચ જાતના જ્વર હરે;
અતીત મંત્રી ચિઠ્ઠી લખે, રાખે તે કો માદળીયા-વીખે.
બાવા કને કડા મંત્રાવી સાર, હરખે ઘાલે હાથ મોજાર;
તે રાખે ધૂપી ધૂપ વડે, મૂઠ નજર તેને નહિ નડે.

પ્રેમાનંદ (સુભદ્રાહરણ)

ઉપરના ઉતારાથી જણાશે કે કોણ બાવા થતા અને તેઓનો ધંધો શું હતો. શુદ્ધ વૈરાગ્ય આવવાને સ્થાને ભોગી વેરાગી બની સમાજને માથે બોજારૂપ થઈ પડતા. હિંદુ સમાજ અને સંસારમાં એક આર્થિક ખામી હતી, અને હજુ પણ છે. અવિભક્ત કુટુંબમાં નિરુદ્યમી અને આળસુનું પોષણ ઉદ્યમીને કરવું પડે છે, અને સમાજમાં બ્રાહ્મણો અને બાવા જેવા ઢોંગી, અભણ, આળસુ અને નિરુદ્યમીનું પોષણ પરસેવો ઉતારી રળેલા પૈસાથી થાય છે. આ રિવાજથી ઉદ્યોગી પણ નિરુદ્યોગી થઈ જતાં, બીજાના પર પોષણ સારુ આશ્રય રાખવાથી સ્વાવલંબનનો જુસ્સો નાશ પામે છે; પરાધીનતા, નિરુદ્યમિત્વ, શારીરિક નબળાઈ વગેરે આવે છે, મનુષ્યનું મનુષ્યત્વ પણ જતું રહે છે. વહેમીઓને કેવા છેતરતા અને ઠગતા તેનું પણ વર્ણન એ ઉતારામાં છે. રોગ થયો કે બાવાજી પાસે દોરોધાગો કરાવી ધૂપ કરી માદળીયામાં ઘાલી પહેરાવવામાં આવતો. બાવાજી પોતાના થોડા મળતીયા રાખી પોતાની ખ્યાતિ ગામમાં પ્રસરાવતા. કોઈ સ્ત્રીને છોકરાં નહિ થતાં હોય તેને છોકરાં થાય તે માટે નાના પ્રકારની વસ્તુ મંત્રી આપતા.

જોગીને જુવતી કહે, પ્રણમું તારે પાગ્ય,
સીમંત મારે નથી આવતું, અદકી છે એ આગ્ય;
કરામત હોય તો તમે કરો, પામું હું પુત્ર સપુત.

શામળ

આ પ્રમાણે બાવાજીના ભાવ પુછાતા હતા. અગડમ્ બગડમ્ સમજાવી ભોળી ભામનીઓને લૂંટી ખાતા. સીમંતના સંબંધમાં સ્ત્રીઓ કેટલી આતુર હતી તે વિષે આગળ કહેવાનું હોવાથી અત્રે કાંઈ લખતા નથી. આ સઘળું તેઓ પોતાની સહિયરોની શિખામણ તેમ જ મદદથી કરતી. પોતાના પતિથી અથવા સાસરીયાંથી છૂપું રાખતી, અને આ છૂપામાં બાવાજી ફાવતા. કેટલાક બાવા કીમિયો કરવાનો ડોળ રાખતા, અને તેથી હજારોને ધૂતવામાં ફાવી જતા. કેટલાક વૈદું કરતા, કારણ કે વૈદ્ય થવા સારુ આવડત આ દેશમાં જોઈતી નથી. મનુષ્યને જે ધંધો મારી જીવાડી શકે છે તે ધંધો ચલાવવા સારુ અહીં કોઈને કોઈ પણ જાતનો પ્રતિબંધ નથી. દેવીપૂજા પણ આ વખતમાં પ્રચલિત હતી. આબુમાંના અંબાભવાની, તેમ જ બહુચરા, કાળકા, વગેરે સ્વરૂપે પૂજાતાં હતાં. વલ્લભ ભટ્ટે માતાના ગરબા લખ્યા છે તે તેમ જ તેનો ભાઈ ધોળા ભટ્ટ માતાના ચુસ્ત પૂજારી હોવાથી આજ પણ માતાના મંદિરમાં ‘વલ્લભધોળાકી જય’ બોલાય છે. ‘પ્રેમાનંદે દેવીચરિત્ર’ લખ્યું છે. શામળે ઘણી વાર માતાનું આહ્વાન અને આરાધના કરી છે. કેટલેક સ્થળે વિશ્વમાં શક્તિને સર્વથી શ્રેષ્ઠ ગણી છે.

નહિ કો તુજ સમાન, છું દાસી તમારી હો;
તું કાળી ક્યાં કલિકા, બલિહારી હો.
હિંગળાજ ને હર્ષદા, છું દાસી તમારી હો;
વિશ્વ આખે વ્યાપી રહી, બલિહારી હો.
નવખંડમાં નામ પ્રસિદ્ધ, છું દાસી તમારી હો,
છોરૂને છેહ નાં દીજીયે, બલિહારી હો.

વીરજી.

કન્યાઓ સારો વર પામવા વ્રત કરતી, અને ગોરમા પૂજતી. આ સંબંધે વિશેષ અગાડી – ત્યારની સંસારિક સ્થિતિ લખતાં – કહેવાનું છે એટલે અત્રે વિરમીએ છીએ.

શ્રાવણ માસે સંઘ તાહરો ભરાય, અંબાજી;
મા જેને તારી ઇચ્છા હોય તે જાય, મારી અંબાજી.

વલ્લભ ભટ્ટ

આ ઉપરથી વિદિત થાય છે કે શ્રાવણ માસમાં સંઘ ભરાતો, અને હજારો લોકો અંબાજીની જાત્રાએ જતાં. દેવીપૂજાની અધોગતિ વામ માર્ગ છે, તે વિષે આગળ લખી ગયા છીએ. તે છતાં પણ આ પૂજા નીચ લોકમાં કેવી અવનતિ પામી હતી, અને તેથી એમના પર શી અસર થતી તે તપાસીએ. કોળી આદિ વર્ણ મેલડીને ભજતાં, તેનો ગોખલો પોતાના ઘરમાં રાખતા, અથવા તેનું થાનક હોય ત્યાં જઈ પૂજતા. કાંઈ થતું તો માજીને ખુશ કરવા પ્રયત્નો કરતા. માજીના કોપથી બહુ બીતાં. માતા શરીરમાં આવવાથી સ્ત્રી–પુરુષો ધૂણતાં; માતા આવવાનો ઢોંગ કરી એક સ્ત્રી નીચે પ્રમાણે બોલે છે :

નાચંતી ને કૂદંતી, ઊંચા રાખી હાથ,
નગન કાયા નિશંકથી, બોલી સ્વામી સાથ.
અલ્યા કટુલા કaળચા, તારું મુખ દેખાડ;
ક્યાંથી લાવ્યો ઝાંખરાં, ભણી મારી વાડ;
ઘેલી કરી તુજ ગોરડી, લઈશ તારા પ્રાણ.
×
અહીં સુધી આવ્યો જીવતો, પ્રેમદાને પરતાપ;
દાડી દેરે દીવો કરી, મૂકે આપોઆપ.
જ્વાળામુખી કાળિકા, નવ ખંડે છે નામ;
જે લાવે મુજ ઝાંખરાં, ફોડું તેનો ઠામ.
×
ઝટીયાં ચૂંટે જક્ષણી, વસ્ત્ર વિહાણું અંગ;
ચીસો નાંખે ચંતની, કરે રામા બહુ રંગ.
ભામની દીઠી ભીલડે, આ તે શો ઉત્પાત;
ખામુખા ખાય કાળિકા, વિપરીત થાશે વાત.
પ્રદક્ષણા પોતે કરી, પ્રીતે લાગ્યો પાગ;
માત તમે કહો તે કરું, જઉં કહો તે જાગ્ય.

શામળ.

આ બધા ધર્મો અવલોકી હવે જૈન ધર્મ તરફ વળીએ. કવિ શામળને આ ધર્મના અનુયાયીઓ સંબંધી જેટલું જ્ઞાન છે તેટલું બીજા વિષે નથી. તેમનાં જે જે લક્ષણો એણે આપ્યાં છે તે બહુધા ખરાં છે; અને હાલ પણ જોવામાં આવે છે. આ જૈન ધર્મના ગોરજીઓને શામળે ઝાટકી કાઢ્યા છે. બાવા અતીત પેઠે એઓ પણ—

કામણ ટુમણ મોટાં મર્મ, વશીકરણ વિદ્યાના ધર્મ;
મોહન ઉચારણના મેળ, ખરા હુન્નરના જાણે ખેલ.

શામળ


આ ધંધો સુજ્ઞ ગોરજીઓને પસંદ નહોતો.
સુરિ કહે એ સાધુનો, ઉત્તમ નહિ આચાર રે;
યંત્ર જડી મણિ મંત્ર જે, ઉસડ ને ઉપચાર રે.

વિનયવિજ્ય

ધાગાચિઠ્ઠી પણ એ કરતા, વાંઝીયણને છોકરાં થાય તે સારુ વસ્તુઓ મંત્રી આપતા, શ્રાવકોને ત્યાં બપોરે અન્ન વહોરવા જતા, અપાસરામાં રહેતા અને રાતના ત્યાં અંધારામાં વ્યાખ્યાન આપતા. નીચે લખ્યા પ્રમાણે દેહદમન કરતા :

પોશા કર્યા મેં પાંચ શત, અઠમ કર્યાંશત આઠ;
એકાશન તો એક શત, ભક્તામરના પાઠ.
વીસ અહાર એંસી કર્યા, ચોવીસ અહાર સેંચાર;
અગાસન અગીઆરસેં, બીજા વરત અપાર.
અપવાસ કર્યા ખટ માસનાં, ભગરણ કર્યાંશત સાત;
તકરારી તનથી તજી, સ્કંદમૂળ નહીં વાત,
જાત્ર કીધી જગન્નાથની, સેત્રંજાની શાણ;
આઠ વાર આબુ ગયો, વસાઈ ગયો વઢવાણ.
સમેદસેખર મેં સેવિયા, પૂજ્યા પારસનાથ;
મહાવીર સ્વામી માણીયા, ટાઢો કીધો હાથ.

શામળ


એક દિવસ તે વાણિયો, આપ અપાસરે જાય,
ત્યાં મહાવીર સ્વામી તણાં, વખાણ વડેરાં થાય.
જયપુજ વારુ વરતિયો, કરે વખાણ વિવેક,
જીવદયા પાળકતણાં, ન્યાય સંભળાવે નેક.
ચતુર ચોરાશી ગચ્છના, લક્ષધા આવે લોક,
નરનારી તે વરતિયાં, સુણી શમાવે શોક.
પચકાણ કરે પંચ વર્ષનાં, કંદમૂળના કોડ,
અનાસન પોસા આચરે, પજુસણ જુગતી જોડ.
દાન શીખ તપ ભાવના, પારશ્વનાથની પૂજ્ય,
પાત્રી પુજણી ને મુમતી, શ્રાવક ધર્મેં સૂઝ.
માનવભાવ કહે મથેનામી, ધર્મલાભ કહે ધીર,
નહાવા ધોવા પર નેહ નહીં, નીમે વાવરે નીર.
સંખેશ્વર સેત્રંજની, જાત્રા કરવા જાય,
સમેદશીખરે સંચરે, અન્ન અભડાયાં ખાય.
આંચળીયા ગચ્છના અધિપતિ, જીવદયા પ્રતિપાળ,
કાપડ પહેરે કોથળાં કરી, ખરો એમાં શો ખ્યાલ.
કો દીગંબર કે દેરાસરી, કામણ ટુમણ કહું કોડ,
વશીકરણ વિદ્યા વિશે, હાંકી જાતે હોડ.

શામળ

ઉપર જણાવેલાં વ્રતો ગોરજી તેમ જ જૈન નરનારીઓ પણ કરતાં. રાત્રે અંધારામાં પોશા કરવાના હોવાથી પોશા કરનાર અપાસરામાં—પોશાળમાં જતા. પોશાળનું જૈન કવિ કેવું વર્ણન આપે છે?—

પાસે પોસાહશાળમાં, બેઠા ગુરુ ગુણવંત,
કહે મયણા દિયે દેશના, આવે સુણીયે કંત.
નરનારી બેઉ જણાં, લાગ્યાં ગુરુને પાય,
વિધિપૂર્વક વંદન કરી, બેઠા બેસણ ઠાય.
ધર્મલાભ દેઈ ધુરેં, આણી ધર્મસનેહ,
યોગ્ય જીવ જાણી હવે, ધર્મ કહે ગુરુ તેહ.
ભમતાં આ સંસારમાં, દુલહો નરભવ લીધો રે,
છોડી નિંદ પ્રમાદની, આપ સવારથ સાધો રે.
ચેતન ચેતો રે ચેતના, આણી ચિત્ત મોઝાર રે,
સામગ્રી સર્વ ધર્મની, ચાલે જે નર ખોઈ રે.
માખીની પરેં હાથ તે, ઘસતાં આપ વિગોઈ રે, ચેતન ૦
જાન લઈ બહુ યુક્તિ શું, જેમ કોઈ પરણવા જાય રે,
લગન વેળા ગઈ ઊંઘમાં, પછે ઘણું પસ્તાય રે,

વિનયવિજય

આમ છતાં શામળનો અનુભવ જુદો છે, અને તે તદ્દન બિનપાયાદાર નથી, કારણ કે કવિતા સમકાલીન જૈન કવિઓએ જે સઝ્ઝાયો લખી છે તેના વિષયો ‘શિયળની નવ વાડો,’ ‘પુરુષને શીખામણ,’ ‘સ્ત્રીને શીખામણ,’ વગેરે છે. અપાસરામાં અપાતાં વ્યાખ્યાનોમાં જે દૃષ્ટાંતો અપાતાં તેમાં પણ ‘શિયળ‘ અથવા ‘ભોગ તજવાના‘ ઉપાયો હતા. ‘ભોગ તજવાના’ સંબંધમાં નીમનાથ, ઢંડણકુમાર, સુદર્શન શેઠ, શાળભદ્ર અભેકુંવર ઇત્યાદિની કથા કહેવાતી. સંસારના ઉપભોગ તજી ગૃહસ્થાવટમાં વૈરાગ્ય આણી पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननिजठरे शयनम्ના લગડામાંથી તેઓ છૂટ્યા હતા. તેઓનું અનુકરણ કરી તેમના જેવું પદ પામવા ભાવિકો નાના તરેહનાં વ્રત કરતા – બાધાઓ લેતા. આ બાધાઓ કેવી રીતે લેવાતી તેમ જ કેમ પળાતી વગેરેનું ચિત્ર શામળે આપ્યું છે. ‘શિયળ’ના સંબંધમાં ત્યારના વિદ્વાન ગોરજીઓનો દૃઢ આગ્રહ હતો. ‘શિયળ’નો મહિમા વર્ણવવા નેમવિજયસૂરીએ શીલવતીનો રાસ લખ્યો છે.

શીલ સમો સંસારમાં, શિખર ન કોઈ થોક.
×
રાખે અવસર શીલને, તે પામે ભવ પાર.

નેમવિજય.


શીલ સંસારે સાર, સહી ભાખે શ્રીકિરતાર હે ભાવે ભાવે સુણો,
ચોવીસે જિનરાજ, લીલા શીલતણી વહેલાજ. હો ભાવે૦
જલને જંગલ વસતી, અગ્નિ અંબુસમ શમતી હે ભવિ સુણો.
સુર તે શીલને પ્રણમે, સફળ વિહાણો તસ જનમે. હો ભાવે૦
દાન અંતરાયને બાંધે, ભોગવિયાથી શિવ સાધે, હો ભવિ૦
મુક્તિ મારગ છે શીલ, સહી ટાળે ભવદધિ કીલ. હો ભાવે૦
કુષ્ટ્રદિક જે અઢાર, જાણે તેહનો ટાલણહાર, હો ભવિ૦
ભૂરિ ભગંદર શ્વાસ, હરે અર્શ અને વળી બાંસ. હો ભાવે૦
દારિદ્ર શોક ને દ્વંદ, શીલ ટાળે ભવભય ફંદ, હો ભવિ૦
સો ભાગી નર ને નારી, જિન ભાખે મન સંસારી. હો. ભાવે૦
કમળા વિમળા ગેહે, તસ નાહ, બોલાવે નેહે, હો ભવિ૦
હરિ કરી અજને જાણો, વ્યાલ દાદુરને છે સમાણો. હો ભાવે૦
વૈરી અર્થક તીહ, વહે શીલ તણી જે લીહ, હો ભવિ૦
સાચો શીલ સનાથ, અવસાને આપે જે હાથ. હો ભાવે૦
શીલ સમો ન સખાઈ, જે નિશ્ચય શિવને મિલાઈ, હો ભવિ૦
શીલ તણી સસનેહ, સરસ કથા ગુણ ગેહ. હો ભાવે૦

નેમવિજય

આ ત્રણ ઉતારામાં શીલનો મહિમા ગવાયો છે. આ જ પ્રમાણે અપાસરામાં પણ ઉપદેશ થતો. શ્રાવકો બ્રાહ્મણોના દેવને માનતા નહિ પરંતુ દેવીની આરાધના કરતા. હેમચંદ્રસુરી અને દંડીઓ વચ્ચે થયેલી તકરારના સંબંધમાં ચાલતી દંતકથામાં દેવીની મદદથી સુરીએ અમાસની પૂનમ કરી હતી એ વાત સર્વેને સુવિદિત છે. નેમવિજય પણ પોતાના એક પાત્ર પાસે દેવીની ઉપાસના સંતતિ અર્થે કરાવે છે. આ દેવી તે કુળદેવી હતી. આ કાળમાં મુસલમાનના એકેશ્વરવાદની અસર હિન્દુ ધર્મ પર થતી જતી હતી, અને તેથી બન્ને વિરોધી ધર્મીઓને એકત્ર લાવવાના નાના પ્રકારના સંપ્રદાય ચલાવવામાં આવતા હતા. ગુજરાતમાં આવા સંપ્રદાય બહુ પ્રચલિત નહોતા. એટલે તે સંબંધી બહુ ઉલ્લેખ ત્યારનાં લખાણોમાં જોવામાં આવતો નથી. મુસલમાની ધર્મ, રીતરિવાજ, સંસાર વગેરેનું ઝાંખું પણ જ્ઞાન આપણને મળી શકતું નથી. અમદાવાદની પડોશમાં જ હિંદુ અને મુસલમાન ધર્મનો સંલય થઈ અનેક પંથો ઊભા થયા હતા. હિંદુઓ હિંદુ રહી પીરને માનતા અને તેની ગાદીને નમતા. મુસલમાન મુસલમાન રહી ભાગવત અને ભગવદ્ગીતાનું અધ્યયન કરતા. એવા મહત્ત્વના બનાવો પોતાની આસપાસ બનતા હોવા છતાં તે સમયના કોઈ લેખકે તેને પ્રતિબિંબિત કર્યા નથી એ ઘણું આશ્ચર્યજનક છે. મૂળ કારણ એમ જણાય છે કે આવી વાતો વર્ણવવા તરફ આપણા લેખકવર્ગનું ધ્યાન ત્યારે દોરાયું નહોતું. તે સમયની સ્થિતિનું સહેજ વર્ણન જે આપણને શામળમાંથી મળી આવે છે તે પણ જાણીજોઈને લખાયું નથી. બીજે જે વિશેષ પ્રકાશ તે કાળ પર પડે છે તેનું કારણ સંજોગો છે. ગમે તેવો વિદ્વાન હોય તોપણ નાનપણથી જે સંજોગોમાં ઊછર્યો હોય છે તેમને ખંખેરી નાખી શકતો નથી.

હું આજ પીરાણે જાઉં,
મલીદાની બાધા મૂકીને, પછી દૂધ દહીં ખાઉં.

શામળ

પીરાણા અમદાવાદની નજીકમાં આવ્યું છે, અને ત્યાંના ઘણા લોક—વિશેષે ગામડાના — ભક્ત હતા. શામળને ગામડાના લોકોનો ઘણો અનુભવ હતો, તેના સંબંધી લખતાં અજાણે આ દોઢ લીટી એનાથી લખાઈ ગઈ લાગે છે. આ ઉપરથી લાગે છે કે તિતિક્ષા રાખી આપણા હિંદુ ભાઈ પીરપેગમ્બર કરવા નીકળ્યા હતા. તેત્રીશકોટિ દેવ પૂરા નહિ લાગવાથી મહોમેડનના પીર ઓલિયાનો આશ્રય લેવામાં આવતો હશે! આપણા દેવ વર્ગના સુભાગ્યે ચીનાઈ વાં અહીંયાં વાયો નહોતો; નહિતર નવા દેવદેવીની બનાવણી સાથે જૂનાને વિવિધ પ્રકારના શાસન મળત. પરદેશી રાજ્ય હોવાથી આ અપમાનમાંથી તેઓ બચ્યા! તે સમયના સંપ્રદાયો પર અખાના ચાબખા ઉતારી આ અવલોકન સમાપ્ત કરીશું.

ખટ દર્શનના જુજવા મતા, માંહોમાંહી ખાધી ખતા.
એકનું થાપ્યું બીજો હણે, અન્યથી આપને અધકો ગણે;
અખા એ જ અંધારો કૂવો, ઝઘડો ભાગી કોઈ ન મૂવો.
×
તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં.
તીરથ ફરી ફરી થાક્યા ચર્ણ, તોયે ન પોતા હરિને શર્ણ;
કથા સૂણી સૂણી ફૂટ્યા કાન, અખા તોય ના‘વ્યું બ્રહ્મજ્ઞાન.
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
પાણીને દેખી કરે સ્નાન, તુળસી દેખી તોડે પાન.
×
એક પરમેશ્વર ને સઘળા પંથ, એ તો અળગું ચાલ્યું જૂથ;
જેમ અગ્નિ અગ્નિને સ્થાનક રહ્યો, અને ધુવાડો આકાશે ગયો.
અળગો ચાલ્યો તે ક્યમ મળે, એમ અખા સૌ અવળા વળે.
×
આતમ સમજે તે નર જતી, શું થયું ધોળાં ભગવાં વતી;
ખોડે તોડે જોડે વાળ, એ તો સર્વ ઉપલો જંજાળ.
પ્રીછીને સંકોડે વ્યાપ, તો અખા રહે આપે આપ.
×
કોય કહે મોટો શિવદેવ, કોય કહે વિષ્ણુ મોટો અહમેવ,
કોય કહે આદ્ય ભવાની સદા, બુધ કલકીના કરે વાયદા.
જૈન કર્મની સદા દે શીખ, યવન માને કલમે શરીખ;
અખા સૌ બાંધો બાકરી, કોય ન જુવે હરિ પાછો ફરી.

વગેરે વગેરે.

તે કાળની ધાર્મિક સ્થિતિ નિહાળી, સંસારિક સ્થિતિ નીરખવા જતાં પહેલાં તે સમયના ધંધાદારીઓ વગેરેનાં જે ચિત્રો દોરાયાં છે તે જોઈએ. આ ચિત્રોમાંના કેટલાક એકતરફી છે; તેમ છતાં પણ તે વખતનું પ્રતિબિંબ એઓમાં સારી રીતે દેખી શકાય છે. આ ચિત્રો આપી પછી તે ઉપર જે સામાન્ય વિવેચન કરવું હશે તે કરીશું. પ્રથમ બ્રાહ્મણવર્ગ તરફ વળીએ. ગોરપદું, માણભટું, જોશીપણું, શાસ્ત્રીપણું વગેરે ધંધા તેઓના હતા. કાંઈ ધંધારોજગાર ન હોય તો ભીખ માગતા કે ટેલ નાખતા; નદીએ, તળાવે, અથવા વાવે નહાવા આવનાર લોકોનાં લૂગડાં સાચવતા અને પૈસો પાઈ દક્ષિણા લેતા. મિષ્ટાન્નપાણી એ બ્રાહ્મણવર્ગને અત્યંત પ્રિય હતાં; જે આજે પણ છે.

જાય નિત ભિક્ષા કારણે, બળવંત ગૃહસ્થ તણો બારણે;
વાંકી પાઘ ને ચાવે પાન, રાગરંગ કરે બહુ ગાન.
એકે નહિ તેને ઉચાટ, નિત નિશાએ માગે હાટ;
સો દોકડા નીત પેદા કરે, અહરનીશ આનંદે ફરે.
×
મહારાજ બની મિંદુ, પાઘ વડી ધારી શિર;
સિધાવ્યો સભાની મધ્ય, જાણી વાત સ્વલ્પ છે.
×
શાસ્ત્રમાં કહ્યું એમ, શત કાર્ય મૂકી કરી;
ભોજન કરવા જવું, હર્ષ આણી નાતમાં.
લાડુ જમવાના સુણી, આડું સર્વ નાસી ગયું;
લોભી દ્વિજ ખાવું સુણી, અડે કષ્ટ આભમાં.
ભોજનની વાત સુણી, વેગે ચાલી ગયો મિંદુ;
ગામને પાદર આવ્યો, થયું જાણે કામ છે.

વલ્લભ


ગુરુ! તમને સોંપી ગયા સ્વામી,
ભોજન ભટપણું નાખો વામી.

પ્રેમાનંદ( પાંચાલી – પ્રસન્ન)

ભારતીભટાદિ – મંત્રાનંદ, અમે કોઈનેય નહિ કહીએ પરંતુ તમારે અમને મિષ્ટાન્નપાણી સમે ભૂલવા નહિ હોં.

પ્રેમાનંદ


મોદકાનંદ – ઓ ભારતીભટ, ભોમભટ, સોમભટ, ચાલો ચાલો. ગુરુદેવે ભણાવ્યું છે કે शतं बिहाय भोक्तव्यम् તે ભૂલી ગયા કે શું? અમે તો એ યથાર્થ શીખ્યા છીએ કેમ આવવું છે કે જઈએ?

પ્રેમાનંદ


આમાંના પહેલા ઉતારા પરથી જણાય છે કે બ્રાહ્મણોનું જીવન કેવા ઉચ્ચ આશય અને આદર્શથી દોરાતું હતું. ભીખ માગવી એ તેમનો હક્ક છે એવું મનમાં ઠસી જવાથી તેઓ નિરુદ્યમી, આળસુ અને સમાજને ભારરૂપ થઈ પડ્યા હતા. જગતમાં ભારતવર્ષના ભિક્ષુકવર્ગની સંખ્યા જેટલી સંખ્યા બીજે ક્યાંય નહિ હોય. આનું કારણ આપણા ભૂદેવો છે. આવી સ્થિતિમાં જે આર્થિક હાલત દેશને ભોગવવી પડે છે તે અગાઉ સૂચવી ગયા છીએ. ભિખારી થવાથી બ્રાહ્મણોમાં સર્વ પ્રકારની અધોગતિ પેઠી હતી.

ભૂદેવ તે તો બનીયા બિયારા!
હતા સમે એક જ દિન સારા.

પ્રેમાનંદ

અગાઉની તેમની સ્થિતિ સાથે હાલની આવી અધમ અવસ્થા સરખાવતાં. પ્રેમાનંદનું હૃદય કંપી ઊઠે છે, અને ઉપરનો ઉદ્ગાર કાઢે છે. ઉપરના ઉતારા બતાવે છે કે બ્રાહ્મણોનું કર્તવ્ય ક્યાં સમાપ્ત થતું હતું. તેઓનું બ્રાહ્મણત્વ નષ્ટ થયું હતું અને તેમનામાં ભોજન ભટપણું આવ્યું હતું. ગમે તેવું હોય, ગમે તેવો કારી ઘા–કોઈ યુવાનના અકાળ મૃત્યુથી – લાગ્યો હોય પરંતુ તે ઘા ભોજનનું નામ સૂણી રૂઝાતો. લાડવા તેમના પરમેશ્વર હતા. માનસિક ભૂખ જે અસલ તેમનું જીવનસૂત્ર હતું તે તજી શારીરિક ભૂખ તેમના જીવનની સર્વસ્વ તેમણે કરી. આ ફેરફારથી તેમની અધોગતિ કેટલી બધી થઈ છે તે હજુ પણ આપણે જોઈએ છીએ. તે સમયમાં બ્રાહ્મણો ખેતી પણ કરતા –(‘એક વિપ્ર તો ખેતી કરે, બીજો વેદ નિત્ય આચરે’ – શામળ) રાજાઓ તરફથી મળેલી જમીન ખેડાવવા દ્રવ્ય નહિ હોવાથી જાતે જ ખેડતા. આ ખેડુ બ્રાહ્મણો ખેડૂતો જેવા જ અભણ, સંસ્કારહીન અને બુસા હતા. બ્રાહ્મણોની એક મોટી રોજી પુરાણ વાંચવાથી થતી હતી. આ માર્ગ મોટા મોટા કાશીમાં ભણી આવેલા પંડિતોને પણ ધરવો પડતો હતો. ભાગવત, મહાભારત, રામાયણમાંની કથાઓ તેમ જ જુદાં જુદાં પુરાણોમાંથી વ્રતની કથાઓ કાઢી પુરાણીઓ સપ્તાહ માંડતા. માણ સાથે રાખી તેને ટકોરા મારી નકામો રાગડો તાણી કથા કહેતા. આ કથામાં તેમના સંજોગોની અસર થતી. ઘણે સ્થળે અર્થના અનર્થ કરતા. જમીપરવારી લોકો આ સપ્તાહ સાંભળવા એકઠા મળતા, સપ્તાહ પૂરી થયે પુરાણીબાવાને સરપાવ મળતો. તેમ જ તેમનો વરઘોડો કાઢવામાં આવતો. મંદિરો જેવાં સ્થળે હંમેશ પુરાણ વંચાતાં. પુરાણી થવામાં તે સમયે અને હાલ પણ ઘણા શિક્ષણની જરૂર નહોતી. સહેજસાજ સંસ્કૃત આવડ્યું એટલે બસ હતું. જરા રાગ કાઢતાં શીખી લેતા. આટલાં સાધન મળ્યાં એટલે હરકોઈ બ્રાહ્મણ પુરાણી થઈ શકતો. પુરાણીઓ શીઘ્ર કવિ હતા. શ્રોતાઓમાંથી પૈસા પૈ દક્ષિણા મળતી તો તરત તેની પ્રશંસામાં કાવ્ય રચી કાઢતા.

તમે રાગ તાણી શ્લોક આલાપો, તેવા આમાં રાગ ન દાખું.

પ્રેમાનંદ.

આ કટાક્ષમાં તેઓની રાગ પરની પ્રેમવૃત્તિ સમજી શકાશે. ગુજરાતમાં સંગીતનું જ્ઞાન ઘણું જ ઓછું હતું. અધૂરા સંગીતશાસ્ત્રીઓ પાસેથી જ્ઞાન લેનારા છેક અધૂરા બનતા, અને સંગીતની દશા નબળી થઈ પડી હતી. આ વિશે આગળ વિવેચીશું. પુરાણીઓ અદેખા, અજ્ઞાની, મતીલા તે વિધ્વસંતોષી હતા. પ્રાચીન કાવ્યમાળામાં રત્નેશ્વરની જીવનકથામાં જે બનાવ વર્ણવ્યો છે તે અત્રે ઉતારીએ છીએ : ‘રત્નેશ્વરને ઘણી ઘણી રીતે પજવી અપમાનિત કરવામાં નિષ્ફળ થવાથી પુરાણીઓએ તેને રણછોડજીમાં કથા કરતો બંધ કરવાનો માર્ગ લીધો. રણછોડજીમાં તો અમારું વંશપરંપરાનું શાસન છે, એવું નિમિત્ત કરીને એક પુરાણીને ઊભો કર્યો; અને રત્નેશ્વરની કથા વખતે તેને આગળ કરીને બીજા પુરાણીઓ તેની પાછળ આવ્યા. આવેલા પુરાણીએ આવતાંવેંત જ કહ્યું કે, ‘રાખો મહારાજ! તમે આંહીં શા માટે બેઠા છો?’ રત્નેશ્વર : આ સર્વ શ્રોતાની એવી ઇચ્છા થઈ કે તમે અહીં કથા વાંચો ત્યારે હું બેઠો છું. પુરાણી : પણ કાંઈ તમારા બાપનું શાસન છે? કથા કરવી હોય તો બીજે ગમે ત્યાં વાંચી ખાવો; અહીં નહિ વંચાય. એક વૈષ્ણવ : (પુરાણીને) મહારાજ, ઠંડા પડો. છે શું? શાસ્ત્રીને અમે સર્વેએ મળી બેસાડ્યા છે, તેમાં તમારું શું જાય છે? બીજો પુરાણી : શું જાય છે શું? એનું બાપદાદાનું શાસન છે તે ખોટું, અને આ મોટું ડોળ કરીને આવ્યો તે ખરો! જાઓ મારા ભાઈ, વૈષ્ણવ થઈને લગાર તો વિચાર કરો; બ્રાહ્મણના પેટ ઉપર પગ મૂકવા શું તૈયાર થાઓ છો! હા, હજી આ પુરાણી કહે તો ગમે તે બેસે. અમે આટલા બધા છીએ પણ એની વિના કોઈએ કોઈ દહાડો રણછોડજીમાં સપ્તાહ કે કથા કાંઈ કર્યું છે? તમે સાંભળ્યું છે? સાચું બોલજો. ત્રીજો પુરાણી : શેઠજી, એ ન હોય નાનીસૂની વાત! એ તો અમારો ગરાસ. રત્નેશ્વરે કથા કરવા માંડી ત્યારથી એ વાતની ભાંજગડ ચાલે છે, પણ જ્યારે છેવટની ઘડી સુધી વાત માનવામાં ન આવી ત્યારે કોઈ પોતાનું શાસન જવા દે? આ વખતમાં કોઈ છે પુરાણીને વર્ષાસન બાંધી આપે એવો કે નવું શાસન કરી આપનાર? મૂળ પુરાણી : મહારાજ, જો ભલું ચાહો તો પોથી સમેટીને ઘેર ચાલ્યા જાઓ, અને બીજીવાર આ જગાએ કથા કરવા આવ્યા તો જોવા જેવું થશે. વૈષ્ણવો અને શેઠિયા આ જોઈને આભા બની ગયા! પુરાણીઓ ઉપર તેમને તિરસ્કાર તો બહુ ઊપજ્યો, પણ તેમને શું કરે? રખેને કાંઈ ત્રાગું કે તોફાન કરે, તે વાતનો મનમાં ડર ખાઈને તેઓ કાંઈ બોલ્યા નહિ, અને રત્નેશ્વર પોથી બાંધીને ઘેર ચાલ્યા ગયા!’

(પ્રાચીન કાવ્યમાળા અંક ૧૫, રત્નેશ્વર કૃત કવિતા.)


રત્નેશ્વર સંબંધમાં પુરાણીઓની અદેખાઈ એટલી બધી હતી કે તેની કથામાં ‘લડાઈ ઊભી કરીને, કાંકરા નાંખીને કે ગમે તેમ કરીને’ ભંગાણ પાડતા. પ્રેમાનંદને પણ આ જ પ્રમાણે કથા કરતાં તકરાર થઈ હતી. આ બધા બનાવો પરથી એણે માર્કંડેય પુરાણમાં પુરાણીઓની ખૂબ ઝાટકણી કાઢી છે; તે એટલે સુધી કે પુરાણીઓને નરકમાં નાખ્યા છે. પુરાણીઓની રોજી ગામડામાં તેમજ સ્ત્રીવર્ગમાં સારી ચાલતી. ગામડાઓમાં અગડમ્ બગડમ્ અર્થ કરી રામાયણ ને મહાભારતની કથા કહેતા. ગંભીર અને અર્થપૂર્ણ શ્લોકે ગટ કરી જતા અને કથાના ભાગમાં મરચુંમીઠું ભભરાવી તે લંબાવતા. હાલની માફક ત્યારે પણ રામાયણ ને મહાભારતની કથામાં જમાલખાં, લાલખાં વગેરે સિપાઈઓ આવતા! ‘નથી સપ્તા જેવું કીધું કહીં, શ્લોકાર્થ લીધો જહીં તહીં.’ પ્રેમાનંદની આ લીટી પરથી સપ્તાહ કેવી રીતે ચલાવવામાં આવતી તે જણાય છે. સ્ત્રીવર્ગને વ્રતનો મહિમા અચ્છી રીતે સમજાવતા અને તેમાં વચ્ચે વચ્ચે બ્રાહ્મણની પૂજા, બ્રહ્મભોજન અને દક્ષિણાનું કહેવું ચૂકતા નહિ. વ્રતકારિણીઓ બ્રહ્મોપદેશ પ્રમાણે યથાર્થ ચાલી બ્રહ્મબંધુઓનું યથેચ્છ પોષણ કરતી. રત્નેશ્વરના સંબંધમાં પુરાણીઓની હકીકત બહાર આવી છે. આવા અજ્ઞાની અને અધૂરા પુરાણીઓના હાથમાં તે સમયના સમાજની નીતિમય કેળવણી હતી. તે સમયની નીતિ પર શામળે જે બૂમ ઉઠાવી છે તે આ જોતાં વાસ્તવિક લાગે છે. આ પુરાણીઓએ વહેવડાવેલી કથા-ગંગામાં સ્નાન કરી જગતને આદર્શરૂપ आर्या નીકળે એ ઘણું જ અસંભવિત છે. આવી અસંભવિતતા છતાં પણ કેટલાક દુરાગ્રહી લેખકો — જેઓ આપણી પ્રાચીનતા સર્વાંશે સારી હતી એમ વર્ણવે છે તેઓ — પોતાના ગ્રંથમાં પુરાણીઓની વિશુદ્ધ અને ઉન્નત કૃતિની ઉપર જણાવેલી આર્યા ઊપજાવવા રૂપી બે મોંએ વખાણે છે. પેટ ભરવા સારુ રચાયેલા ‘મહાત્મ્યો’નો પ્રચાર કરનારા પાસેથી દેશ અને ભવિષ્યની પ્રજા સંબંધી ઉચ્ચ આશય અને આદર્શો મળવા એ દુર્લભ છે. બ્રાહ્મણ બ્રાહ્મણનો ઊંચો વર્ગ નાગરનો હતો. નાગર સંબંધી પ્રેમાનંદે ટોળ વાપરી છે. આ મશ્કરીમાંથી તેઓ સંબંધી ઘણું જાણવાનું મળે છે. નાગરોમાં તે વખતે પરણવા સારુ ઘણા પૈસા ખર્ચવા પડતા હતા.

પાંચે પુત્ર કુંવારા અંશ, છતે સુત વટે છે વંશ,
એકને જોઈએ પાંચ હજાર, તો આવે નાગરને નાર;
ગરથ તણી ભરીએ ગાગરી, તો આવે ઘરમાં નાગરી.

શામળ

શ્રાદ્ધ અને મામેરામાં પ્રેમાનંદે નાગરણોનો ચિતાર અચ્છો આપ્યો છે. નાગરણોને ભણતાં, લખતાં ને વાંચતાં આવડતું. આ છતાં પણ ફટાણાં ગાવાનો રિવાજ એમનામાં પ્રચલિત હતો. (શામળ) ઘણાં નાગર કુટુંબો પૈસાદાર ન હતાં માટે બૈરાંઓને ઘરનું કામકાજ કરવું પડતું. આમ છતાં પણ નાગરો શોખીન અને રસજ્ઞ હતા. ખાવામાં પીવામાં ને પહેરવામાં બધાથી આગળ પડતા હતા. ચોખ્ખાઈ બહુ રાખતા. નાતમાં જમવા પહેલાં નહાતા. નાગરોમાં જરઠ વિવાહ હતો. વલ્લભ ભટ ‘કજોડાના ગરબા’માં બાઈ પાસે નીચેની કડી બોલાવે છે : ગોરમા વામું સઘળી વિપત્ત કે, ન્યાત નાગર તણી રે લાલ.[2] નાગરણોની ટોળી વાતો તેમ જ તીખાં મહેણાં ‘શ્રાદ્ધ ને મામેરાં’માં પુષ્કળ છે :

સ્વામી ઓછી નાગરની નાત, જરા ઢાંકી ન રાખે વાત;
સહેજ સારુ કરશે ઠંઠોલી, મોંઢા મોંઢ કરશે તે બોલી.

પ્રેમાનંદ


એમ કહીને બેઠાં માણક મહેતી, માંહોમાંહે નાગરી વાતો કહેતી;
કો કહે મેં જાણ્યું વેળા થઈ ગઈ, કો કહે હું ક્યારની બેસી રહી.
બાઈ મોડાં આવ્યાં હોત તો સારું; અહીંયાં નવરાં કશું નહીં વારું.
એક કહે મારે ઘેર ભરવું છે પાણી, વહેલી આવી જમવાનું જાણી;
મારી સાસુએ મુજને કહ્યું, પણ મેં ભૂંડીએ નવ લહ્યું.
કહ્યું હજી જમવાની છે વાર, પણ મેં ઉતાવળ કરી અપાર;
ચાંદલાની સુરત નવ રહી, આંખ આંજવી વીસરી ગઈ.
એક કહે મુજ ઘેર પડ્યું છે કામ, સહુ મૂકીને આવી એણે ઠામ;
અહીંયાં તો વળી પડશે રાત, ઊકળશે નહિ એકે વાત.
એક કહે વૈષ્ણવને ભાવંત, બેસીશું તો થઈશું પાવન;
ઘેરે નવરાં ક્યાંથી પડીએ, અહીં ચારમાં બેસી વાતો કરીએ.
ઘરનું કામ તો રોજનું લાગ્યું, ભવોભવનું કરમે ભાગ્યું;
એક દિન તો નચિંત થઈને રહીએ, ફરી મહેતાનું મંદિર ક્યાંથી લહીએ.
સારું થાય જો લાગે વાર, સ્વાદ પડે જમવાનો તે વાર.

પ્રેમાનંદ

આ ઉતારા પર વિવેચન કરવાની જરૂર નથી. નાગરો સરકારી નોકરી કરતા. મુત્સદ્દી વર્ગમાં નાગરોનો પણ ઘણો ભાગ હતો. ‘કલમ કડછી ને બરછી’ એ તેમનો પૈસો હતો. તેઓમાં ઘણાખરા ભણેલા હતા. ફારસીનું જ્ઞાન ઘણું સારું ધરાવતા. કેટલાકનું જ્ઞાન તો એટલું સરસ હતું કે ફારસીમાં કાવ્ય રચી શકતા. નાગરો લગભગ બધા દેવી અને શિવને માનતા. શ્રાવણ–ભાદરવામાં માતાની ભવાઈમાં ભાગ લેતા. પોતાને બહુ ચોખ્ખા લેખતા. પરંતુ કેટલાક દેવીને નામે માંસ મદિરાને સેવતા, કેટલાક વામમાર્ગીઓ પણ હતા, અને બેધડક અને નચિંતે અનીતિનો વેપાર ધમધોકાર ચલાવ્યા જતા. વળી શોખીન હોવાથી ભભકાબંધ રહેતા. આખો દિવસ પાન ચાવતા. ઘણો ભાગ હુક્કો પણ ગગડાવતા. તેઓ સંગીતવિશારદ હતા. ગુજરાતમાં સંગીતની અધોદશા નાગર જ્ઞાતિમાં થઈ નહોતી. નાગરો ખંતીલા, ખટપટી, ઝેરીલા, શોખીન, રસજ્ઞ, અભિમાની અને વિલાસી હતા. નાગરણો પણ રસિકતામાં ઊતરે એવી નહોતી. તેમનું બોલવું અમુક પ્રકારના પ્રયત્નભર્યું અને મધુર હોવાથી ચિત્તાકર્ષક હતું. બ્રાહ્મણ પંડિતનું વર્ણન શામળ ભટ્ટ નીચે પ્રમાણે આપે છે :

પંડિત તેડ્યા પુરપતિ, રહેતા નગર મોઝાર;
આઠે પહોર અહમેવમાં, અદકો મન અહંકાર.
બાંધતાં વાંકાં પાઘડાં, પહેરના લાંબા ધોત;
શેલાં ભારી મૂલનાં, બારિક ઝીણે પોત.
તન ચરચ્યું રહે ચંદને, પુસ્તક મુખ પુરાણ;
વાદવિવાદ કરતાં ઘણું, એકથી અધિકા જાણ.
જાણે તે સૌ શાસ્ત્રને, ઉણ એકે નવ હોય.
બ્રાહ્મણ અનેક ધંધા કરતો, વૈદ્યનો ધંધો પણ ઘણે દરજ્જે એને હાથ હતો.
જાણે સર્વ જડીબુટ્ટીઓ, કરે ક્વાથ તણી કુટીઓ.
×
ઓસડ વેસડ સારી રીત, પાક પેરપેરના પ્રીત;
નાનાં પ્રકારનાં ચૂરણ થાય, રાજદ્વાર સુધી તે જાય.
કાખમાં મશરૂની કોથળી, અહંકાર રાખે વધુ એ વળી;

લક્ષ કરોડ ઘેર આવે લોક.


×
આપે પડીકાં ચુરણ ચોળ, ખાંડમાં ખાઓ મધમાં ઘોળ,
આપે નેપાળાની ગોળીઓ, રાતા રંગ સાથે રોળીઓ.
×
પાન ચુરણ પડીકું દીએ, રૂપિયો રોકડો છોડી લીએ.

શામળ


વઈદ બે ચારેક ગામ હતાં, તેડી આણ્યા ઘેર કીધાં છતાં;
વઈદ તેની જોઈ નાડ, કહ્યું એનો રોગ જ કાઢ.
કરી પરીક્ષા તેને ઠેર, ઓસડ વેસડની કીધી પેર,
કરીઆતુ ને અજમો ખાય, ક્વાથ ઘણો પંચકનો પાય.
ઓશ દીયો કરે નિરધાર, રોગ તો જાય તેને ઠાર,
એરંડીયુ ને ખાટી છાશ, પિત્રઈની બાધી રાખો પાસ.
નગોડ લીંબુઈના પત્ર, બંકાલ લીંબડી બાંધો તરત,
ઉનું તેલ ચોળો ચોટીએ, એમ કહું અક્કલ મોટીએ.

શામળ

આ ઉતારામાં વૈદ્યની સહેજસાજ હકીકત ઉપરાંત ત્યારે કઈ કઈ દવા વપરાતી તેનો ખ્યાલ પણ આપણને આવે છે. પોતાની દવાની કિંમત શું લેતા તેની પણ કંઈક ખબર મળે છે. વૈદ સવારમાં ઘરાકીએ જતો. ઘરાકની નાડ તપાસી દવા આપી ઘેર આવતો. ઘેર પણ દરદીઓ આવતાં. આખો દિવસ ખલ ચાલ્યા કરતો અને ગોળીઓ વળાતી. નાના પ્રકારનાં ચૂરણો પણ બન્યે જ જતાં. વૈદોને જાતે જ દવા બનાવવી પડતી. હોંશિયાર અને પ્રવીણ વૈદ્યોનો ઘણો કાળ દવા બનાવવામાં જતો. ધાતુ મારવાના પ્રયોગો બહુ સંભાળથી કરવાના હોવાથી તેમને પોતાનો ફુરસદનો લગભગ બધો ભાગ તેમાં રોકવો પડતો; પરંતુ આ સમયમાં ઊંટવૈદ્યો ઘણા હતા. જેમ ફાવે તેમ દવા ઝોકાવ્યા જતા. અનુભવ અને શિક્ષણ વિના વૈદ્ય થઈ બેસતા. હાલ જ્ઞાનનો પ્રકાશ વધતો જાય છે તે છતાં વૈદ્ય થઈ દુકાન ખોલવામાં કોઈપણ જાતનો પ્રતિબંધ નથી તો ત્યારના અજ્ઞાનતિમિરમાં લોટતા જનસમૂહ તરફથી વૈદ્યરોગ ફેલાતો અટકાવવાનો કોઈ પણ પ્રયાસ ન થાય એ સુગમ્ય છે. ત્યારના વહેમી લોકો સહેજ કોઈ માંદું થતું એટલે ભૂતપ્રેતનું કરવા મંડી જતા. પહેલાં ભૂતપ્રેતનું કરતા અને પછી વૈદ્યને તેડતા, અથવા કેટલીકવાર તેડતા પણ નહિ. આથી પોતાના રોજગારને ધોકો નહિ પહોંચે તે સારુ વૈદ્યો પણ મંત્ર જંત્ર જાણતા. આથી તેમનો ભાવ બહુ પુછાતો.

ઘેલું બોલે ગોરડી, માતા ઉતારે લૂણ,
નજર લાગી નારી ઉપરે, અદકું એટણ ઉણ.
વઈદ જોશી ને પંડીતા, જોગી જંગમ જાણ,
તંત્રી વેરાગી વરતીયાં, પૂછ્યાં બહુ પુરાણ.
ભુવા ગણીયા નેગોરડી; મોટા ઉપાસીક મંત્ર,
ડાકલીયાને ડુડીયા, જોગી ભોગી ને જંત્ર.

શામળ

બ્રાહ્મણો વૈદુ કરતા તે ઉપરાંત હજામ, બાવાઓ, વાણિયા, શ્રાવક અને કણબી તેમ જ કોળી, ઠાકરડા પણ કરતા. પણ આ બધા ઊંટવૈદ્ય હતા. હજામ તો વળી શસ્ત્રવૈદ્ય હતો. આ સમયમાં હકીમ હોવા જોઈએ. પરંતુ તે સંબંધી કાંઈ પણ ઉલ્લેખ આપણને મળતો નથી. વાંઝણી રહેવું એ અપમાનભર્યું ગણાતું હોવાથી નાના પ્રકારની દવા વૈદ્યો પાસેથી લેતી; અને છોકરાં થવા માટે હરેક વલખાં મારતી. બ્રાહ્મણને જોશીપણામાં ઘણી કમાણી હતી. અસકે દસકે લોકોને જોશ જોવડાવવા પડતા. રોજ સવારમાં પાઘડીમાં ટીપણું ખોસી ગામોટું કરવા તેમ જ જજમાનવૃત્તિ કરવા જોશી નીકળી પડતો. દરેક પ્રશ્નના ઉત્તરમાં ‘વિઘ્ન નથી પરંતુ જરા શનિ(મંગળ)ની પીડા છે, તેની શાંતિ માટે અમુક પાઠ, વ્રત અને દાન કરવાથી સુખ થશે.’ આ બધાં કાર્યોમાં તેમને સારી કમાણી ચાલતી. જોશીના ટીપણાંને ઘડીની પણ નવરાશ નહોતી. અજ્ઞાનીઓ આગળ ફાવતા અને ફાવે તેમ ધૂતી ખાતા. બ્રાહ્મણો અનેક પ્રકારના ધંધામાં પડતા, કારભારીથી ભિક્ષુક થતા. લોભ એ એમનું લક્ષણ હતું. અભિમાન અને અહંકાર પણ બહુ રાખતા.

લખપતિ કોટીપતિ ધનવાન, તેયે બ્રાહ્મણને ઘણું અભિમાન,
છત્રપતિપેં અધિકું ગણે, જે બ્રાહ્મણ બે અક્ષર ભણે.

પ્રેમાનંદ

બ્રાહ્મણોએ પોતાના સમયમાં ઘણી મોજમજા ભોગવેલી. આજ એમનો નમતો દહાડો આવ્યો છે. જ્યાં ત્યાંથી હડધૂત થાય છે. પૂર દમામ ફરતા મુસલમાનો અને મરાઠાઓ આજ પટાવાળા થઈ હિંદુઓની ગુલામગીરી ઉઠાવે છે. હજારો વર્ષ લગી ભૂદેવો તરીકે મનાયેલા અને પૂજાયેલા બ્રાહ્મણો આજ રસોઈઆ થયા છે, અને શુદ્રોના જમ્યા પછી જમે છે. બ્રાહ્મણો આઘાતપ્રત્યાઘાતના નિયમને વશ થયા છે.

વાણિયા

બ્રાહ્મણ પછી આગળ પડતી જાત વાણિયાની હતી.
એ કારણ પૂછે છે તાત, વડો પુત્ર વદે છે વાત,
શ્રીદંત કહે પિતાજી સુણો, વણજ કરીશું વ્હાણ જ તણો.
તજ તેજાના માલ જ ઘણા, આવે દરિયા પાર જ તણા,
એમાં મુજને અદકી ગતી, તમ પ્રતાપે સૂઝે મતી.
વળતો રતનદંત વદે, તાત કહું તે ધરજો હૃદે,
વહાલો મુજને ઉદ્યમ ઘણો, કરીશ વ્યાપાર ઝવેરી તણો.
બોલી ઠોલીનો હિસાબ, જેથી પામું બમણો લાભ,
પરવાળામાં મંગળરાજ, બુધ પાનુ બૃહસ્પત પોખરાજ.
શુક્ર નામનો હીરો સહી, શનિ નામે તો લીલમ કહી,
રવિ માણેક ને મોતી સોમ, લસણીઓ કેતુ ગૌદંતો ભોપ.
લક્ષ્મીદંત વળતો કહેવાત, રૂડો વણજ છે મારે હાથ,
હૂંડિયામણ ને વ્યાજ જ જેહ, વ્યાપાર નાણાવટનો તેહ.
માંડું પેઢી દેશવિદેશ, લાંછન જ્યાં નવ લાગે લેશ,
ભાતભાતના સિક્કા બહુ, એની પારખ મુજમાં સહુ.
ત્રીસ વાલ માસા અણીઆર, ઓછો એટલો એમાં વિકાર,
ભેગ સીસા તાંબા તણો, સિક્કો તે તો કરડો ઘણો.
વારુ વ્યાજ શાહુકારી નામ, જેમાં રળીયે સવાયો દામ,
ઇંદ્રદંત કહે સુણજો તમો, દોશીવટું કરીશું અમો.
વર વછીઆદ આવે સહુ જેહ, માલ ભલેરો લાવે તેહ,
ભરું દુકાનો કાપડ તણી, જડે લક્ષ્મી જેમાંથી ઘણી.

શામળ


(વિદ્યાવિલાસી)
નાણાવટમાં નેક, કોઈ કંદોઈ કણિયો,
દોશી દાસ દલાલ, ભલો ભંડારી ભણિયો.

શામળ


રળતા લેખણ લોહીને, ખેંચે ભારે ભાર.
દુંદાળો ખુંદો નહી, બેઠો રહે ઠર ઠામ;
શાહના જે સહુકો કહે, જોડે ઝાઝાં દામ.
ઓછું દેવા આગળો, લેવા અદકો લાભ,
મુલ કાઢે મોં માગતાં, ઓંડલ ઘાલે આભ.
દહાડી દેવું દાખવે, હિસાબ ગણવો નીત,
વર્તે મોટા જન મળી, રહે દાસની રીત.
થોડે કામે ગમ બહુ, કરે ગાંઠ બહુ રોક,
મિથ્યા મોં કૂટે ઘણું, કરે ફજેતી ફોક.
ઘસે નહિ તે ગુણ વના, ગરજે ગાંડા તોલ,
કાઢીને લે કાળજું, મીઠાબોલા બોલ.

શામળ


વરજો તેહ વણિક, અકારું બોલે,
વરજો તેહ વણિક, જેહ પેટ પટાંતર ખોલે.
×
નાસે નેવું ખરખડે, ભોળી ભયાનક જાત,
તસ્કર દેખી તરફડે, પાગ ન મૂકે પ્રીત.
બીકણ બીજો એથી નથી, રૂડા વણિકની રીત.

શામળ-મદનમોહના.


બળીયાથી બેહોરો થાય છે, ગરીબ સાથ ગાજે ઘણું;
લખવે કચરી કૂટણું તે, છે તોલ ડહાપણ વણિકતણું.
×
કો જર મૂકી જાય, પાછું લીધાનો સાંસો.
મરી જીરાની માંય, જર તે વાળી નાખે.
વાલો સગો સહોદર, સ્નેહ તેનો નવ સાંખે.
આપણ જો નાણું માગીએ, કે‘શે માગો છો દોકડા,
એ માગે જો અરધિયું, કેહ લાવો રૂપિયા રોકડા.

શામળ


એક લેખણ કાને ખોસી રે, નામ ધર્યું દામોદર દોશી રે,
ઝીણા જામા ને પટકા ભારે રે, હરિ હળવે હળવે પધારે.
ખાંધે પછેડી ઓઢી નાથે રે, બેઉ છેડા-ગ્રહ્યા છે હાથે રે.
વિંટી વેઢ દશે આંગળીએ રે, સાદા મોજા પહેર્યા શામળિયે.

પ્રેમાનંદ


છે અવળા આંટાની પાઘડી રે, એને બાંધતાં કેવી આવડી રે,
શોભે વણીકશા ભીને વાન રે, એક લેખણ ખોસી છે કાન રે.
×
ત્રિકમજી વણિકની તોલે રે, ઉતાવળું બોલડું બોલે રે,
સોના સાંકળી કંઠે દોરો રે, કેડે પાટીવાળો કંદોરો રે.
×
સાદો વાગો પહેર્યો હરજી રે,
સેલું કેડે બાંધ્યું બેવડું રે.

પ્રેમાનંદ

આ ઉતારાઓએ વાણિયાના લક્ષણ, પહેરવેશ તેમ જ ધંધારોજગાર બતાવી આપ્યાં છે. પ્રેમાનંદે જે પહેરવેશનું વર્ણન આપ્યું છે તે તાદૃશ અને યથાર્થ છે. તેમના ધંધામાં ૧લા ઉતારામાં ચાર ધંધા જણાવ્યા છે; વહાણવટી, ઝવેરી, શરાફ ને દોશીનો. આ ઉપરાંત બીજા નાના પ્રકારના ધંધા તેઓ ચલાવતા. ગાંધીનો કોથળો કરી ફેરિયાનો, દીવાનનો, વગેરે ધંધા પણ તેમના ઘણે અંશે હતા. હિંગ મરીનું હાટ માંડનાર, મરી જીરામાં પૈસાદાર થનાર તરીકે ઉતારામાં આપણે એને જોયો છે. બીકણ, કરકસરીઓ, બુદ્ધિશાળી વાણિયો હતો. તેનામાં રસિકતા થોડી હતી. ગાન તાન પર બહુ શોખ નહોતો. વાણિયાના બે ભાગ હતા. એક જૈન ધર્મ પાળનાર અને બીજો વૈષ્ણવ. જૈન પંથી વિભાગ સાહસિક વિશેષ હતો. પરદેશમાં જવામાં, દરિયો ઓળંગવામાં તે જેટલો ઉત્સુક હતો તેટલો બીજો ન હતો. બનતા લગી વૈષ્ણવ વાણિયા સમુદ્ર ઓળંગતા જ નહિ. આનું કારણ જૈનોમાં સમુદ્રપ્રયાણનો પ્રતિબંધ નહોતો તેથી; હિંદુમાં હતો. સમુદ્રપ્રયાણ કરી પરદેશ જઈ તજ, તેજાના, ઝવાહીર, મોતી લાવતા અને તે વેચી દ્રવ્ય ઊપજાવતા. ઘણી વખત ગુજરાતમાંથી નીકળી મદ્રાસ ઈલાકાના તેમ જ દક્ષિણના પશ્ચિમ કિનારા પર બંદરો સાથે વેપાર ચલાવતા. આ વેપારને લીધે ત્યારના સમાજમાં તેઓ આગળપડતા હતા. મંદિરોનું, બ્રાહ્મણોનું, કવિવર્ગનું પોષણ તેમને લીધે જ ચાલતું. આથી જ વાર્તાના નાયક ક્ષત્રિય મટી વૈશ્ય થયા હતા. વચ્છરાજની રસમંજરીમાં, જૈન ગોરજીના રાસાઓમાં પ્રથમ નાયકનાયિકારૂપે બિરાજ્ય પછી શામળની રંગભૂમિમાં પણ એ જ વેશ લીધો. એ તો ચોક્કસ વાત છે કે વ્યાપાર અને મુખ્યત્વે સમુદ્રપ્રયાણથી રૂઢિની સાંકળો તૂટી જાય છે, હૃદય અને મનમાં વિશાળતા આવે છે, સ્વતંત્રતા અનુભવાય છે, સ્વાધીનતા અને સ્વતંત્રતાથી જુદી જ સૃષ્ટિમાં વિહરાય છે. આ સર્વની અસર શામળે ચીતરેલા પાત્રોના જીવનમાં જોઈએ છીએ. વાણિયાનાં જે લક્ષણ શામળે બતાવ્યાં છે તે હજી પણ તેમનામાં છે. સાહસિક છતાં બીકણ, કળવાળો છતાં ભોળો, નરમ છતાં અંતે સખત વાણિયો હતો. પોતાના ધંધામાં હજારો પ્રકારની લુચ્ચાઈ દોંગાઈ રમતો.

વણિક જાતનો ચોર, લે મરડી દાંડીને;
×
ભીલ જાતનો ચોર, લે વગડે લૂંટીને,
દુનિયામાં કંઈક ચોર, લૂંટે છે હાટ માંડીને.

શામળ

નમતી દોરી રાખનારને દમવામાં શૂરા પણ જોહુકમી અને દમદમામી આગળ નમી પડનારા વાણિયાથી તે સમયના અનાચારો દૂર નહિ થઈ શક્યા. ન થઈ શકવાનું કારણ તેમનું ઉપર વર્ણવેલું લક્ષણ છે. આગળ ઉપર રત્નેશ્વરની કથામાં આપણે જોયું છે કે પુરાણીઓની તકરાર ગેરવાજબી જાણ્યા છતાં પણ શેઠિયાઓ કાંઈ કરી શક્યા નથી. વૈષ્ણવ ગુરુઓની વિષયવૃત્તિ જાણ્યા તથા અનુભવ્યા છતાં તેને અટકાવવા કોઈ પણ જાતનો પ્રયાસ તેમના તરફથી થયો નથી. અનર્થ અને તેનાથી નથી હાનિ નીરખી કોઈપણ કાળે તેમનાં હૃદય રડી ઊઠ્યાં નથી. આ લક્ષણની હયાતીમાં बुद्ध જેવા મહાત્માના આત્મત્યાગને સ્થાન નથી. જે સમયનો ઇતિહાસ આપણે અવલોકીએ છીએ તે સમયમાં અનર્થ પરંપરા હોવા છતાં આવા મહાત્મા ઊપજ્યા નહોતા. આથી જ Martgr અને Philanthropist આપણા દેશમાં ઊપજ્યાં નથી. હાલ પણ પશ્ચિમના સંસર્ગથી નીકળવો જોઈએ એટલો ભાગ હિંદુ કોમમાંથી નીકળતો નથી. આ જ ચિત્ર પરથી દા. ભાંડારકરનું કહેવું વાજબી લાગે છે કે આપણે egotis–tie એટલે Corporate નહિ એવું જીવન જીવ્યા છીએ; અને ઘણે અંશે એવું હજુ જીવીએ છીએ. વાણિયા વેપાર ખેડવા ઉપરાંત ચાકરી પણ કરતા. તલાટીથી કારભારી લગીની નોકરીમાં વાણિયા નજરે પડતા. તલાટીનું ચિત્ર નીચે પ્રમાણે અપાયું છે. આ ચિત્ર સાધારણ નથી લેખવાનું:

વામણો ને વરણાગીઓ વાણિયો જાતે જોર,
તેહ તલાટી ગામનો, તે પણ રાખે તોર.
કાખમાં કાગળ કોથળી, કાને લેખણ ધાર,
કેડે ખોસ્યું દોતડું… … … … … …
કાકો કેસરીયા તણો, તે વણિક તણી નહિ જોડ.

શામળ

તલાટી થવા છતાં પણ વણિકનાં સાધારણ લક્ષણ એનામાંથી ગયાં નહોતાં. કોઈ લેખકે કહ્યું છે કે હિંદુસ્તાનમાં દરજ્જાને બહુ માન છે, પગાર કરતાં દરજ્જા પ્રત્યે લક્ષ વિશેષ અપાય છે. આ શબ્દો ઘણે અંશે ખરા છે. નજીવો પગાર મળતો છતાં પણ તલાટીને પોતાના દરજ્જાનું માન હતું અને તેથી ‘તોર’ તેનામાં આવ્યો હતો. બીજી ચાકરી પર રહેલા વાણિયા વિષે કાંઈ બહુ હકીકત મળી આવતી નહિ હોવાથી તેમને વિષે કાંઈ કહી શકાતું નથી. વાણિયાઓમાં એક મોટો દુર્ગુણ હતો. આ દુર્ગુણ જૈનોમાં અધિક હતો. તેઓ અટલ જુગારી હતા. તળાવ અથવા કૂવાકાંઠે એકાંતમાં છાંયડાવાળી જગ્યાએ જુગાર રમાતો. વાણિયાની વેપારની કોઠી અને આડતો વેપારના સ્થળે નંખાતી. વાણેતરોથી પરગામની કોઠીઓ ચાલતી. હૂંડીનો વેપાર ધમધોકાર ચલાવતા. મોટા મોટા શરાફોની હૂંડી ગમે ત્યાં સ્વીકારાતી. તેઓની દુકાનો હાલની બૅંકોની ગરજ સારતી. લોકો મોટા મોટા વેપારીને ત્યાં નાણાં વ્યાજે મૂકતા, વેપારીઓ તેમને વ્યાજ સારું આપતા. નાની પેઢીઓમાં નાણાં રાખવા જોખમભરેલું હતું. કારણ કે ત્યારે દેવાળું કાઢવું સહેલ હતું. બનતાં લગી દેવાળું કાઢવા કોઈ નીકળતો નહિ. કારણ કે હિન્દુઓ સાંકડી મર્યાદામાં રહેતા હોવાથી જનસમૂહના ચૂંથારાની બીક સજ્જડ રહેતી, નાતજાત સગાંવહાલાંથી દૂર જવાય એવું નહોતું; તેમની સાંકળો ત્યાં જ જકડી રાખતી.

ઠઠ્ઠા બખર જાવે જાય, કાળા પાણી અર્ણવમાંય.

શામળ

આટ આટલે આઘે વહાણવટીયો જતાં સાહસિક ગતી કાળું પાણી ઓળંગતા.

રજપૂત

ટીંટી જાત રજપૂતની ઘણી, ટેક ન મૂકે પોતા તણી;
અન્ન વસ્ત્ર ન હોય ઓરડી, તો આંબળો ન થાયે દોરડી.
વેઠે સાત દિવસની ભૂખ, તો યે મુછ મરડે એમ મુખ,
દુઃખ ન કહે કો આગળ પ્રીત, એ તે રજપૂતાની રીત.
ખાંતે ખોખારાં અમલ જ કરે, ઘરનાં છોકરાં ભૂખે મરે.
×
વસે નાક માંહે બહુ રીસ, ચડ્યું રાખે પોતાનું શીશ.

શામળ

રજપૂતને કવિ ઉપર પ્રમાણે વર્ણવે છે. ટેકની ખાતર ટેક રાખવાથી આ વર્ગે ઘણું ખમ્યું છે. ટેક અને અભિમાન છતાં પાંચમી લીટીમાં જે હકીકત છે તે અતિશય શોચનીય છે. અમલના નશામાં તેઓ સંસાર તેમ જ તેમનું કર્તવ્ય વીસરી જતા લીલી ઘોડી પર ચડી મેરી કોરેલીના ‘વર્મવુડ’ પીનાર નાયકની માફક લીલી ભૂમિમાં વિહરતા અને તેમણે પોતામાં – પોતાની કોમમાં – અને છેવટે દેશમાં અવનતિ આણી.

રાત રહી પછી પાછલી, ઘડી ત્રણ ઘડ ધીર;
જાગ્યો રજપૂત રાજવી, વીર વિરોધી વીર.
ખુંખારીને ઊઠીઓ, જળ પીધું જરૂર;
અમલ આરોગ્યો એ સમે × ×

શામળ

સવારના પહોરથી – પાછલી રાતથી ‘અમલ આરોગવા ‘નું શરૂ થતું. અફીણીઓ બની બહેકતા અને નીચ ખવાસોના હાથમાં રમકડું બની રહેતા. અમલના ઘેનમાં રાણીવાસમાં શું થતું તેની ખબર રહેતી નહિ. ડાયરો ભરાય અને અફીણ કસુંબાથી ભાટ ચારણો ‘બાપુની જય’ બોલે અને દિગન્તરોમાં ફેલાવે (!) નહિ ત્યાંથી તેમનું જીવન વ્યર્થ ગયું હતું. આટલો બધો ‘ટીંટી’ હોવા છતાં ગરાસીઓ વ્યાજખાઉ વાણિયાના સાણસામાં સજ્જડ સપડાતો. ગરાસ તેને ત્યાં ગીરો મુકાતો. લગ્નાદિ પ્રસંગે ગરીબ હોવા છતાં ખરચ કરતાં પાછું વાળી જોતો નહિ. ઘરમાં હાંલ્લે હાંલ્લાં કુસ્તી કરતાં હોય તે છતાં બંદીમાં બે ચાર રાણી લાવ્યા વિના નિરાંત વળતી નહોતી. પુસવનિતા વિવાહનો પ્રચાર એમનામાં બહુ જ સાધારણ હતો. આ સાથે કુલિન સંપ્રદાય પણ જોડાયેલા હતા. ગરાસિયણો ઓઝલ પડદામાં રહેતી.

ઓઝલમાં કો આવે નહિ, અધિપત કેરી આણ;
અકળાઈ મરું છું એકલી, સાંભળ ચતુર સુજાણ.
રાજાને ઘેર રાણીઓ, પુરણ તેહનાં પાપ;
બંદીખાનું બારે દિવસ, ઓઝલ વેઠનું આપ.
કો’ શું વાત થાયે નહિ, કોને નવ તેડાય;
મન માન્યું પોતાતણું, પોતે નવ ખેડાય.

શામળ

આ વચન ગરાસિયણનાં છે. મનુષ્યને સ્વતંત્રતા–બિનગુલામગીરી સહજ છે, તેને નીકંદવા હજારો પ્રયત્ન કરો પણ તક મળતાં તે સંબંધી પ્રયાસો થવાના જ. મુસલમાનોએ હજારો રીતે હિંદુ પર જુલમ ગુજાર્યો તે છતાં હિંદુઓએ તેમને નિરાંતે સૂવા દીધા નથી. આ ઐતિહાસિક દૃષ્ટાંત આપણા દેશમાંથી જ મળી આવે છે. મુસલમાનોના અનુકરણ પરથી તેમ જ તેમનાથી થતા અનર્થોમાંથી બચવા સારુ ઓઝલનો રિવાજ કાઢવામાં આવ્યો હતો. અસલ પણ ભરતખંડમાં અંતઃપુર જેવાં સ્થાન હતાં કે જ્યાં પરપુરુષોનો સંચાર ન થઈ શકતો; અને તેની રક્ષા સારુ કુંચુકી જેવા વૃદ્ધો રાખવામાં આવતા હતા. પરંતુ આ અંતઃપુરની સંસ્થામાં સ્ત્રીઓને જકડી નાખવામાં નહોતી આવતી. ફરવા-હરવાની નાના પ્રકારની છૂટ હતી. ઓઝલની સંસ્થામાં તો અમુક સ્થાને પડ્યાં પડ્યાં સડ્યાં કરવાનું હતું. પોતાના પતિ સિવાય અન્ય પુરુષવર્ગની દૃષ્ટિએ નહોતું પડવાનું. જે હાનિમાંથી બચવા આ સંસ્થા હાથ ધરવામાં આવી હતી તે જ હાનિઓ બીજી રીતે એમાં દાખલ થઈ હતી. ઓઝલમાં પડ્યાં પડ્યાં કામકાજ વગરનાં અને નવરાં રહેવાથી ગરાસિયણો ખોટાં છોકરાં ઊભાં કરવામાં અને તે સંબંધના કાવાદાવા રમવામાં પોતાનો કાળ ગાળતી. પુરાતન કાળમાં જ્યારે રાણીઓની બહેનપણી શિષ્ટ અધિકારી વર્ગની વધૂઓ હતી ત્યારે આ વખતે નીચ ખવાસણો હતી. ખવાસણો પોતાનો પગ મજબૂત કરવા, બીજાનો પગ ટાળવા, તથા બધી સત્તા પોતાના હાથમાં આવે એવી યોજના થાય તે સારુ હરેક પ્રકારના દાવપેચ કાવાદાવા ખેલતી અને રાણીઓને તેમાં ઉતારતી. લાગ ફાવે તો રાણી પણ થઈ બેસતી. રાણીઓમાં ભાગ્યે જ કોઈ ભણેલી હતી. ભણવું તે હીણપદ લગાડનારું ગણાતું. રાસડા લેવામાં હોંશિયાર હતી. ગરાસિયા કરતાં હજાર ગણી ટેકીલી અને ટીંટી ગરાસિયણો હતી. જ્ઞાનના પ્રકાશના તેમ જ જીવનના ઉચ્ચાભિલાષના અભાવથી તેમનાં જીવન પશુથી પણ અધમ રીતે ગળાતાં. ખવાસણો — વડારણોના હાથ નીચે નાનપણથી ઊછરી મોટપણે મૃત્યુપર્યંત તેમના જ તાબામાં રહેતી; તેમને પૂછી પાણી પીતી. ખવાસણોની સત્તાનું કંઈક ભાન પ્રેમાનંદની ‘કનકમાલિકા’ નામના પાત્ર પરથી થાય છે. રાજાઓમાંના કેટલાક વિદ્વાન અને કવિવર્ગને આશ્રયદાતા હતા. કવિ પ્રેમાનંદને નંદુરબારના રાજાનો આશ્રય સારો હતો – ‘ઉદર નિમિત્ત સેવ્યું નંદુરબાર જી“—વાક્ય એનાં ઘણાં કાવ્યોમાં છે; પરંતુ પ્રેમાનંદ રાજકવિ નહોતો. રાજ્ય તરફથી બહુ આશ્રય લેખકવર્ગને મળ્યો નથી. તે કાળના રાજાઓ વિદ્યાકળાને ઉત્તેજન આપી શકે એમ નહોતું. મુસલમાનોની સામા થઈ બખેડા ઉઠાવી સ્વતંત્ર થયા નહોતા અને દેશ થાળે પડ્યો નહોતો એટલામાં તો દક્ષિણના લૂંટારા તેમના રાજસ્થાન પર ફરી વળ્યા. આમની સામા ટક્કર ઝીલવા પાછા રોકાયા. આથી તેમને આવા વિષયોમાં મન પોરવવા અવકાશ નહોતો. બધી તરફથી ભય હતો છતાં તેમનામાં ફાટફૂટ થયા વિના રહેતી નહિ. કૂટાયામાં ચાલતા વિરોધથી તેમને ઘણું ખમવું પડ્યું છે.

સ્વતંત્ર ને સ્વભાવના ન હોવાથી ખુશામત બહુ ગમતી.
મોટા માણસની વાર્તા, કરી શકે નવ કોય,
હા જી હા જી સૌ કો કરે, હરિ કરે તે હોય.
એક બગાસું ખાય છે, ચપટી વાગે સેં ચાર,
તેને મોઢે કોણ કહી શકે, ચાલે ભારેભાર,
દાડાને રાત કહે, રાતને કહે તે દીશ,
તોયે સહુ હાહા કરે, જેને પરશન ઈશ.
મીઠાને ખારું કહે, ખારાને કહે મીઠ,
જૂઠાને સાચું કહે, દુનિયા માંહે દીઠ.

ઇત્યાદિ—
શામળ

હા જી હા કરનારાના સંગમાં રહેવાથી તેમને મોઢે તેમના દુર્ગુણો કહેવાની કોઈની છાતી નહિ ચાલતી હોવાથી રાજાઓના લાભમાં ખોટું થતું. ટેકીલા હોઈ સ્વરાજ્ય સારુ પરદેશી સહાયે જબરી બાથ ભીડી. અકબરના સ્વભાવથી આર્દ્ર થઈ તેને નમ્યા, તે સાથે તેમનો જુસ્સો પણ શમ્યો. નાતજાતના સનાતન ભેદ પાડવાથી તેમની ઘટતી સંખ્યામાં બીજી કોમમાંથી વધારો થતો નહિ. માટે મુસલમાનો સાથે બાથ ભીડતા છતાં અંતે ઘણુંખરું હારતા, અને હોય તે પણ સમૂળગું ખોઈ બેસતા. લડાલડીમાં પડેલા, અભણ અને ખુશામતીયામાં ઊછરેલા હોવાથી તેમનો વર્ગ ઘણો પછાત છે. આ સાથે બ્રાહ્મણોની સત્તા તળે હોવાથી જાતે સુધરે અને પ્રજાને સુધારે એ આશા એમની પાસે રાખવી એ મિથ્યા છે.

કણબી

કણબી ખેતી કરતો. એનો ઘણોખરો વાસ ગામડામાં જ હતો. ખેતી અને ધાન્ય સાથે જ એનો સંબંધ હતો. ગરીબ થયેલા કણબી મજૂરી કરતા.

કોળી ભાગે ત્યારે ચોર, હાકેમ ભાગે વાળે ઢોર,
વણિકને દેવાળું સહેલ, બ્રાહ્મણ ભાગે નાંખે ટેલ,
દેસાઈ ભાગે બાંધે દાવ, બીજા રાખે ભિક્ષા ભાવ,
ગરાસિયો તે પાડે વાટ, ભમતો ફરશે ભાગ્યો ભાટ,
કણબી ભાગ્યો થાય મજૂર, ધરે હાથ નહિ જરૂર.

શામળ

-કણબીનું વર્ણન:

આદ્ય પર્વ તો અખાત્રીજ, બાંધે હળને ખોળે બીજ;
જોડી ગાડું ખેતર જાય, ખાતર લઈને નાખે ત્યાંય,
ખુલ્લે અંગે તડકો સહે, ભાર અલેખે માથે વહે,
ઓઢણમાં પણ નવ પટકૂળ, ખેડે ભોમી કાઢે મૂળ.
અદકી મનમાં રાખે આશ, એવે તો આવે જેઠ માસ,
લાકડ કુકડ કાપી સાર, હળ પંજેટી કરે તૈયાર.
લઈ કોશ કોદાળો હાથ, હળ બળદને રાખી સાથ,
ઊઠે પાછલી થાયે રાત, ખેતરમાં જા પરભાત.
વણિકને ઊપજાવે રીજ, ઘર આણીને જોશે બીજ,
વરશે બહુ અસાડો મેહ, ધ્રૂજે ગાત્ર ઉઘાડી દેહ.
પૂંજી તે તો પૃથ્વી માંય, વાડ તણી તેને રક્ષાય,
ખરસાણી બાવળ કંટાળ, કરી વાડ રાખે સંભાળ.
થોડો વરસે જુવે વાટ, ઝાઝો વરસે તો ઉચાટ,
હવે આવિયો શ્રાવણ માસ, નેંદવાની કરશે મન આશ.
નર નારી ભગ્ની ને ભ્રાત, વેઠે તે માથે વરસાત,
ભીનાં વસ્ત્ર ને ચૂવે દેહ, ઘેર આવીને સૂવે તેહ.
ભાદરવા કેરી કહું પેર, ઘડી એક ના રહેવું ઘેર,
ગોફણ ગૂંથે ગોળા સાર, ખેતર માળે કરવો ઠાર,
હાં હાં હોકારા હોકાર, છાનો નહિ રહે લગાર,
ઘરસુખ સામું નવ જોવાય, સૂવે શિયાળે ખેતર માંય,
કાચું કોરું વહેલું ખાય, રાંધ્યું અન્ન નારી લઈ જાય.
×
પોંખે પુર વિચારે મન, શુભાએગ તો પાકે અન્ન;
કુડો ભુંડો કો દુષ્કળ નાર, વાવે બાવીશ ઊગે બાર.
નીચી દૃષ્ટિ નીચો પાસ, પડે. કદી તો થાયે નાશ,
કરજે કાઢે ઘરમાં ખાય, ખેતર સામું નવ જોવાય.
મહામાસ આવ્યો લાગ, કણ કેરા કરશે બે ભાગ,
અર્ધ ભાગ હરશે હાકમ, અર્ધ ભાગમાં લોક તમામ.
પ્રથમ બીજવાળો લઈ જાય, વળતી બ્રાહ્મણ પેદા થાય,
ચારણ આવી ઊભા જ્યાંહ, નાવિકદર્પણ લાવ્યો ત્યાંહ.
સૂતાર સૌની થાએ વાત, ભલો કહીને આવે ભાટ,
×
ફાગણ માસે ઋત વસંત, તે દહાડે દુઃખ અનંત.
દુવે દાવડે કોસે વરત, કણ, બી, બળદને આવે મરદ,
ઝાડ ઝીડ જાળવવા રહે, ચૈતર તડકો અંગે સહે,
તડકા સાથે સૌ વહેવાર, પેટ ભરી નવ પામે અહાર,
ખાય છાશ ને ઘીનો ગર્થ, હાકેમ વેરો લે સમર્થ,
સુખી થવાને ચૌટે જાય, મારીને વેઠે લઈ જાય,
સામું બોલે મારે માર, અણતોલ્યો ઉપાડે ભાર.

શામળ-(બત્રીસ પૂતળી)


પાંચ ઘટી રેણી જાહરે, સૂતાં ઊઠ્યાં સૌ તાહરે,
ગોબર કાઢ્યો છોડી બેલ, પરસણ માટે ચાલ્યો પહેલ.
જોડી હળને જુગતે જાય, પાછળ ચાલ્યો વિક્રમરાય,
વૃક્ષ તળે કીધો તો માળ, ભાભો આવ્યો ત્યાં તત્કાળ.
શેઢે આવે પાછો જાય, પલક નવ અટકાવે પાય,
કરી એકઠાં બહુ કંટાળ, કરી વાડ રાખે સંભાળ.
ફરે ઝાંખરાં જટિયા માંહ, જીવજંતનો ડર ન ખાય,
ફરે થોર ખરસાણી માંય, લદબદ તેની દુધે કાય.
×
ઘાસ ધાનથી ખેતર પૂર, જોઈ ધણી હરખાયે ઉર,
સાંજ પડીને કરી વિચાર, વિણાવા માંડી પોતે ચાર,
ભારો બાંધી મેલ્યો શિર, ચોંપે ચાલ્યો બાવન વીર,
પાંચ ઘડી નિશા ગઈ જાર, આવી પહોંચ્યો ઘરમોજાર,
મૂકી ઠામ પરોણો રાશ, પ્રેમે પીધાં ભડકું છાશ.

     
શામળ-(બત્રીસ પૂતળી)

પહેલા ઉતારામાં ખેડૂતના ‘મહિના’ છે. રાધાકૃષ્ણના, શક્તિ વગેરેના ‘મહિના’ ના સંગ્રહમાં આ ‘મહિના’ લેવાની જરૂર છે. આ બંને ઉતારામાં ખેડૂત આખું વર્ષ તેમ જ આખો દિવસ કેવી રીતે ગાળે છે તેનું ચિત્ર છે. આટલી આટલી મહેનત લઈ જગતનું પોષણ કરનારને પણ કેવી વિપત્તિઓ ખમવી પડે છે તે પહેલા ઉતારાની છેલ્લી લીટીઓમાં છે. તે વખતના વેઠમાં જુલમથી ગરીબોને બહુ ખમવું પડતું હતું. લાણી થઈ રહ્યા પછી ભાગ વહેંચવામાં કેટલી આપખુદી ચાલતી! હાકેમ અર્ધો ભાગ લેઈ લેતો. આટલું આટલું ખમનારને સરકાર તરફથી સુખ કદી મળ્યું નથી. ગામડાનો બહુ અનુભવ શામળને હોવાથી તે જ ખેડૂતોની જિંદગી આલેખી શક્યો છે. ખેડૂતોની કંગાળ સ્થિતિ નિહાળી એનો આત્મા ધ્રૂજી ઊઠ્યો છે. ભાગ વહેંચાતા તે કયા પ્રમાણમાં તે નીચેના ઉતારામાં છે:

× × મોચી ને સુથાર, ભાગ તેનો પામે બાર,
કુંભાર ધોબી વાળંદ સાર, ભાગ વીસ લે નિરધાર.
ગરાસિયા તલાટી જે, ત્રીજો ભાગ દેસાઈ તેર.

શામળ

આ આપણી અસ્ત પામતી ગ્રામ્ય સંસ્થાનું ઝાંખું દર્શન છે. સ્પર્ધા અને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતું દારિદ્ર્ય જ્યાં નથી હોતાં ત્યાં સંસ્થા ટકી શકે છે. આ સંસ્થાના સારાનરસાપણા વિષે વિચાર કરવા આપણે ઊતરીશું નહિ.

કણબી જેઓ હોય, ન દીઠો મનનો મેહેરી,
અઢળક આવ્યે જાય, અહર્નિશ સાંજ સવેરી.
સુપડે સાંખુ સુરત, ખાય ખરચે ને ખેલે,
પર ભોગી પરકાજ, રિદ્ધિ ખરચે રંગ રેલે.
ભોળો કણબી ભૂમંડળે, દેતાં પાછું નવ જુએ,
શામળ કહે બીજા બાપડા, રિદ્ધિ ખરચ્યા કેડે રૂએ.

શામળ


ન કહે કણબી નકાર, શરમાએ શરમાશે,
જો કદિ નહિ અપાય, તોય કાયા કરમાશે.

શામળ

કણબીમાં નાતરાંનો ચાલ હતો, પણ તે ઊંચી નાતોમાં પ્રચલિત નહોતો. આ ચાલ એમનામાં હોવાનું કારણ આપવામાં આવ્યું છે. પૃથ્વી ખેડી ધાન્ય ઉગાડી જગતનું કામ ખેડૂતને સોંપાયું હતું. આ કાર્ય બિનહરકતે થવું જોઈએ. આ કોમની સંખ્યા જો ઘટતી જાય તો દેશને ઘણી હાનિ થાય માટે ગમે તે પ્રકારે એમની સંખ્યાનું સમતોલન તો રાખવું જોઈએ. આ હેતુથી પુનર્લગ્ન હક્ક કણબીને આપવામાં આવ્યો હતો. કણબીમાં પુરૂવનિતા કરવાનો ચાલ હતો. તેમજ છેડો ફાડી આપી વિવાહોચ્છેદન પણ થઈ શકતું. કણબીમાંના કેટલાક અમુક ભક્તના સંપ્રદાયને માનતા—રાત્રે ચોરે બેસી ભજનો કરતા. કેટલાક મુસલમાન પીરના સંપ્રદાયને માનતા. અમદાવાદ પાસે પીરાણાના સ્થાપનાર મુસલમાન સાધુના પંથમાં ઘણા કણબીઓ છે. આ લોકો હિંદુ આચાર રાખી પોતાનો ધર્મ પાળે છે. કણબીમાં કોઈને ભાગ્યે લખતાંવાંચતાં આવડતું હશે. વાણિયા જેમ સમજાવે તેમ ખત પર સહી કરી કે કરાવી આપતા. કણબીઓને પોતાની સ્થિતિનો ટેક અને અભિમાન હતાં. ભૂખે મરે પણ હાથ ધરતા નહિ. જ્યાં લગી બને ત્યાં લગી સ્વાવલમ્બન કરવું એવો એમનો સંપ્રદાય હતો. નામ પ્રમાણે ટાણું આવે ત્યારે ખરચ કરવા ચૂકતા નહિ. આવે પ્રસંગે નામ પ્રમાણે કરવા જતાં ગજા ઉપરાંત ખરચ થઈ જતો તેથી કરજ કરવું પડતું. વાણિયાના પંજામાં સપડાતા અને ક્યારેય છૂટવા વારો આવતો નહિ. પેઢીદરપેઢી વ્યાજ ભર્યા જવા છતાં મૂડી વળતી નહીં. વાણિયા, હાકેમ તેમ જ પ્રકૃતિ તરફથી ઘડીએ ઘડીએ ખમવું પડતું હોવા છતાં સંતોષમાં પડે તે ચીલે ચાલ્યા જતા. ભદ્રંભદ્રના પગી અમથા કાળાના કેટલાક ગુણોને લીધે કાળના વહેવા સાથે તેઓ સુધરતા નહિ. રાજ્યના ફેરફારની તેમના પર કંઈ અસર થઈ નથી. આજ છે તેવા જ ત્યારે હતા; અને નરસિંહ મહેતાનું નીચે લખેલું વચન સૂત્ર રૂપ ગણી જીવન ગાળતા.

સુખ દુઃખ મનમાં ન આણિયે,
ઘટ સાથે રે ઘડિયાં;
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે;
રઘુનાથનાં જડિયાં.

હવે સોની આદિ ધંધાદારીના વૃતાન્ત નીરખીએ.

સોની કેરો એહ બનાવ, ચોરે નહિ તો આવે તાવ,
ચોરે નહિ તો થાય ચિત્તભ્રમ, એ સોનીના કુળનો ધર્મ.
તસ્કર જાત સોનીની ઘણી, કોકિલથી એ બમણી ભણી,
સોનીશા છે જેનું નામ, કરે ઝાઝાં તસ્કરનાં કામ.
ન ગણે બ્રાહ્મણ ન ગણે ભાટ, ન જુવે માત ભગિનીનો ખાટ,
ન ઓળખે અધર્મ કે ધર્મ, નહિ સોનીને નયણે શર્મ.
તસ્કર સહુતણો સરદાર, કોડવશા જાણો સોનાર,
સોનીતણો વિશ્વાસ જ કરે, તે ડહાપણ પોતાનું હરે.

શામળ

ઉપર પ્રમાણે શામળ ભટ્ટ સોનીને સર્ટિફિકેટ આપે છે. સોનીનો પરજીયા વિભાગ તસ્કરમાં શિરોમણી હતો. આ સંબંધમાં એક દંતકથા કવિએ આપી છે. જગન્નાથની આંગળી આ સોનીના વિભાગમાંની એક વ્યક્તિએ કાપી લીધી. તેથી તેમાંથી લોહી વહેવા માંડ્યું. લોહી પરથી પૂજારી આદિને ખબર પડી. ચોર પકડાયો નહિ પરંતુ ત્યાર પછી પરજીઓ જગન્નાથપુરી જાય તો બાર ગાઉ ઉપરથી તેના પર પથ્થરનો વરસાદ વર્ષવા માંડે છે! જગન્નાથજીએ આટલી સજા આ કોમને કરી છે! ઠાકોરજીને નહિ છોડે તો માબહેનમાંથી તો કાઢ્યા વિના કેમ રહે? આ રિવાજ સાધારણ થતો. અખાએ પોતાની ધર્મની બહેનને સોનાની સાંકળી ઘડી તેમાં પદરનું થોડું સોનું ઉમેર્યું. આ વાત એણે તે બાઈને કરી. સોનીનો કુળરિવાજ જાણનારી બાઈ આ માની શકી નહીં, અને તેથી ચોકસી પાસે તે સાંકળી ચોકસાવી. આ ચોકસીમાં અખો ખરો પડ્યો. પછી કપાયેલી સાંકળી સરખી કરવા તે ‘ઉંદરે કરડી ખાધી’ કહી પાછી આપી. અખો સમજી ગયો, અને તેને સંસાર પર વિરાગ આવ્યો. સોનીના કુળધર્મે અખા પાસે સંસાર તજાવ્યો. દરજીમાં પણ સોનીનાં ઘણાંખરાં લક્ષણો ભર્યાં હતાં :

દરજી જોયા તે પછી, કપડે મેલે કાપ;
હરે વસ્ત્ર તે વિશ્વનાં, હુંપદ રાખે આપ.
મોટપ માને મન ઘણી, જાણે અક્કલ શાહ;
ગજે તસુ એ નવ મેલે, ઉદરે ઊઠે દાટ.

શામળ


કંસારા–કંસારા જોયા પછી, ત્રાંબા કેરા કરે તોલ;
નવા કરે જૂનાં તણાં, મોં માગ્યું લે મોલ.
કરે ઊજળાં ઓપીને, લાભ સવાયો ખાય;
વેચે બેઠા મંદિરે, ગરજુ લેવા જાય.

શામળ

સુતાર ઘેર કામ કરતો. ગાડાનાં પૈડાં, બારીબારણાં વગેરે કામ કરતો. તે સમયનાં ઘરોને ઈંટની ભીંતને ઠેકાણે પાટિયાંની ભીંતો હતી. આ પાટિયાં ભરી આપવાની પણ રોજી હતી. ગામપરગામ ઘરાકીએ જતો. સવારમાં જઈ સાંજે પાછો આવતો. હજામ હજામત કરતો, મલમપટ્ટા કરતો, શસ્ત્રવૈદ્ય પણ હતો. ગરાસિયાના રાત્રે પગ ચાંપવા જતો. ખેપીયાનું કામ પણ કરતો. પિયરથી સાસરે કન્યાઓને ખબર પહોંચાડતો.

એટલે વાળંદ એક આવીયો, પિયરની ખબર લાવીયો;
કા‘વી હશે તે કહી વાત, કુશળ ક્ષેત્ર માત તાત ને ભ્રાત.

શામળ

મશાલચી પણ હજામ હતો. ઘણી ઘણી જગાએ જવા આવવાનું હોવાથી તેમ જ જિજ્ઞાસુ (?) હોવાથી હાલના ન્યૂઝપેપરની ગરજ સારતો! અદપાંસળી હોવાથી ઘણી વખત અનર્થ ઊપજાવતો. બોણી અથવા લાણીનો ભાગ લેવા જવું હોય ત્યારે આરસી લઈ જઈ ધરતો. હજામડી દાઈયણ હતી. સહેજસાજ શસ્ત્રવૈદું જાણતી. શામળના અનુભવ પ્રમાણે ત્યારના સંસારને દૂષિત કરનાર તે હતી. ઘણે સ્થળે એની ધૂળ ઝાટકી કાઢી છે. ખાંજરાની સંસ્થાને માલણ માફક ઉત્તેજન આપતી; અને શામળ પ્રમાણે હજારોને અનીતિના ખાડામાં ઉતારતી. હજામડીઓ ઊંટવૈદું જાણતી, અને ત્યારની ગુજરાતની માતાઓને મારવા જિવાડવાનું એના હાથમાં હતું.

ગંધ્રપ- રંગીલો થઈને ફરતો, ગાતો ફરતો અને ભીખ માગતો;
ઘેર ઘેર ગાતો ફરે, ભુવના ભુવન લે ભીખ.

શામળ

ગાયનવિદ્યા એ કોમમાં જઈ વસી હતી. ગુજરાતીઓમાંથી રસિકતા જતી રહી હતી, પણ આ લોકોમાં અને ભવાયામાં કંઈક સંગીત રહ્યું હતું. વૈષ્ણવના મંદિરોમાં તે સંપ્રદાયના ભજન રચનારાઓને લીધે સંગીત કાંઈક સારી સ્થિતિમાં રહી શક્યું હતું.

કંદોઈ – મધ્ય બજાર ચોવટે વાટ, કરણા કંદોઈતણું છે હાટ;
સો સો મણ સુખડી કરે, ભારે અંબાર ઘરતખાંડે ભરે.

શામળ

કંદોઈ પણ ગામ વચ્ચે હાટ માંડતો. અર્થાત્ ચૌટું ગામની વચ્ચે ઘણીખરી જગ્યાએ હતું. સુખડી તેમ જ હાલ મળતી મીઠાઈઓ તે બનાવતો. કંદોઈની દુકાને પણ ભીડ થતી, પરંતુ તંબોળીને ત્યાંના જેવી નહિ. ન્યાતવરા વખતે પકવાન કરવા એને બોલાવવામાં આવતો. કંદોઈ જાતનો વાણિયો હતો. વણઝારા—જ્યારે આગગાડી નહોતી ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપયોગી વસ્તુઓ લઈ જવા લાવવા સારુ વણઝારા ઘણા ઉપયોગી થઈ પડતા. પોઠો ભરી અનાજનો વેપાર કરતા. પ્રેમાનંદના ‘વિવેક વણઝારા’માં વણઝારા કેવી રીતે વેપાર કરતા તેનું દર્શન થાય છે. ‘નવ્યાખ્યાન’માં પણ વણઝારા આવે છે. શામળમાં ‘વણઝારા’ પર વિશેષ પ્રકાશ પડે છે. શામળના ચિત્ર પ્રમાણે તેઓ માલ લઈ જવા-લાવવામાં હરેક પ્રકારની લુચ્ચાઈ રમતા. નાના પ્રકારના દેશવિદેશ નિહાળવા છતાં તેમનામાં હૃદયની વિશાળતા કે બુદ્ધિનો વિકાસ થયો નહોતો. તેઓના આવા ભ્રમણને લીધે વાર્તાના વિષયમાં તેઓ એક રીતે મુખ્ય પાત્રો થઈ પડ્યા હતા. તે સમયમાં તેમનું અસ્તિત્વ નજીવું નહિ પરંતુ મહત્ત્વનું હતું. તેઓના આચારવિચાર પર ભિન્ન-ભિન્ન દેશના સમાગમની છાપ પડી હતી. આટલું છતાં તેમના સમૂહ પર તેઓ જાથુની કોઈપણ અસર કરી શક્યા નથી. શામળ તમને નીચે જણાવ્યા મુજબ દોરે છે:

નીચ બુદ્ધિ નમેરા નેટ, પાપે તે પોશે છે પેટ;
શત ગણા સોનીથી ચોર, ઊજળા પણ અંધારું ઘોર.

કડિયા, કુંભાર, ધોબી, ભાવસાર અને તંબોળી એ સર્વની સ્થિતિ લગભગ હાલના જેવી જ હતી. કોળી— કોળી આ સમયમાં લૂંટારા તરીકે મશહુર હતા.

સમાધાન થયું જ્યાં ત્યાં, ઊતર્યા કોતર મધ્ય,
કોળી કારમા ત્યાં મળ્યા, મહીભક્ત જેહ છે;
આઠદશ જન હતા, શોધ કરનારા સાચા,
દ્વય કોળીએ તમાચા, મારિયા ઉજેહ છે.
હાટેકીને લીધાં વસ્ત્ર, શસ્ત્ર અસ્ત્ર સાથ નહિ,
મારો મારો મુખ વદી, દ્વિજને ડરાવિયાં;
લીધાં જૂનાં પૂનાં વસ્ત્ર, તુમડી દોરી ને છરી,
ચીકટો ચીકટ વાળો, લઈને ભરાવિયા.
ઘાસિયાની ગાંસડી ને લાકડી લીધી સંઘાતે,
લેઈ ચાલી ગયા ચોર, ત્રાસ ઉપજાવીયા.

વલ્લભ.

કોળીનાં છોકરાંઓ પણ નાનપણથી આ ધંધા સ્વીકારતા. પોતાની એક રીતની પારસી વાપરતાં. વટેમાર્ગુઓને પહેલાં પગમાં અથવા માથામાં મારી કળ ચઢાવી દેતા અને પછી બધું લૂંટી લેતા. ગામના મુખી જેવા અમલદારોનો પણ આવી લૂંટમાં ભાગ રહેતો. લૂંટારા તો હતા તેમ જ બળવો અને બખેડો પણ કરતા. રાજ્યકર્તાઓને આ હુલ્લડ બેસાડી દેતાં ઘણી મુસીબત નડતી. કોળીઓમાં ઘણા અધમ વહેમો ચાલતા. તેમની ધાર્મિક સ્થિતિ આગળ વર્ણવાઈ છે. મુસલમાનોને બંદગી કરતા કનડતા. આને અટકાવવા સારુ તેમને સરકાર તરફથી નાણાની રકમ મળતી. [3] ભાટ:

(૧) તું કહેતાંમાં તન તજે, રાય ભાટની રીત.
X
ઓશિયાળો ઊભો નવ રહે, તે તો ભારે ભાટ.
કરે જમાની જોબશું, કહે દસોંદી ખાય,
નવ જાયે કો નીચને, રાય ભાટ કહેવાય.
કરે કટારી કોડશું, અણી ઉપર હાથ;
ગાળ ન સાંખે સહેજની, હામ ઘણેરી હાથ.
બોલ્યું પાળે પળ વિષે, શાહુકારો વટ સાટ,
પ્રાણ તજે પર કારણે, તે ભૂપવંત ભાટ.

શામળ


(૨) શેર એક આટો આપીને, બોલાવો ચારણ ભાટ,
ગામે ગામ ફેરવો, વખાણવો વાટે વાટ.

શામળ


(૩) કરે જમાની કેઈ, દસોંદી કોઈ કહાવે;
કોઈ વળાવે વાટ, કોઈ કિરતી ગુણ ગાવે.
કો પિંગળની પાઠી, કોઈ મિઠારો મહોની;
કો પસાયતાં ખાય, કરે નહિ સેવા કોની.
સનમાન મળે તો સાહેબી, અપમાને દિલમાં ડરે.

શામળ

પહેલા બે ઉતારામાં ભાટના ઉત્તમ અને અધમ ગુણોનું પ્રકીર્તન છે, અને ત્રીજા ઉતારામાં તેમના ધંધાનું કથન છે. ભાટ રાજા રજવાડા, ગરાસિયા પાસે રહેતા. વાણિયાના અને કણબીના પણ ભાટ હતા. શામળના આશ્રયદાતા રખીદાસને ત્યાં દસોંદી હતા. ગુમાનજી અને તેનો પુત્ર સરદારજી. ‘ભાટાઈ’ શબ્દને જન્મ આપનાર છતાં ભાટો વિદ્યાવિલાસી હતા. દુહા ગાવા અને રચવા એ તેમનું કામ હતું. કેટલાક સારા કવિ પણ હતા – પદ સારા બનાવી શકતા – બાંહેધરી થતા અને લેણું પતાવી દેવડાવતા. ટુચકા અને વાર્તાઓ કહી ગામડિયા અને રાજરજવાડાને રીઝવતા. ઢેડ ભંગીયા સંબંધી કાંઈ જાણવાનું બની આવે તેમ નથી. છતાં જે વણકરનો ધંધો કરતા હતા, તેની સહેજ હકીકત મળી આવે છે.

તે મંદિર માલુકાનું, ઘરમાં સાળ ખે ચાર;
×
તું તો જાતનો ઢેડ છે, હું રાજાનો પુત્ર.
×
કાપડ વણો રે કામની, કરો ઘર કેરાં કામ;
તો આ મંદિર તારું; રહો ઠરી આ, ઠામ.

શામળ : મદનમોહના.

તે કાળના ઘણાખરા ધંધાદારીઓ આપણે જોયા.[4] પોત પોતાના કાર્યમાં સર્વ નિયુક્ત હતા. જે વહેમો પડ્યા હતા તે વહેમો ચાલ્યા જતા હતા. અજ્ઞાનના અંધકારમાં બાથોડીયાં મારતા – જ્ઞાનનો પ્રકાશ વિરલ હતો. રત્ના જેવા ભાવસારની દૂબળી અને લલિત વાણી જોઈ આપણે વિસ્મય પામીએ છીએ. કોઈ સાધુની સંગતમાં વિરલ આત્માઓ સરસ્વતીનું સેવન કરતા. અજ્ઞાન અને બુદ્ધિ સંકળાયેલી એટલે વહેમ, લોભી અને સ્વાર્થી બ્રાહ્મણો, બાવાઓ, ગોરજીઓ, ફકીરોની જાળમાં સપડાતાં – પોતાની આસપાસ પથરાયેલી સાંકળોમાં જકડાતા – તેને તોડી ભવિષ્ય ભેદી શક્યા નહોતા. શામળ તેમનામાં અનેક દોષો જુએ છે. પ્રેમાનંદ તેમને સંતોષી અને સુખી ચીતરે છે. બંનેનાં ચિત્રો ખરાં છે – સુલેહના કાળમાં – ભયના વિનાશથી – નાના પ્રકારના અનર્થો પગપેસારો કરે છે. તેમ જ ઉપાધિઓના અભાવે સંતોષ અને સુખ પણ હોય છે. મુસલમાનો સંબંધે આપણને સાહિત્યમાંથી કાંઈ જાણવા જોગ મળતું નથી. તેમના મોલવીઓએ અનેક પંથ ચલાવ્યા હતા. હિંદુઓને મુસલમાન કર્યા હતા, અને કેટલાક હિંદુઓને હિંદુ રાખી મુસલમાની ધર્મ પળાવ્યો હતો. પીર-પેગમ્બરની માનતા રહેતે રહેતે હિંદુઓમાં દાખલ થઈ હતી. મતિયા, મોમનાના હુલ્લડ થયાં હતાં, બંદગી કરતાં મુસલમાનોને કોળી નડતા. મુસલમાનોના તહેવાર વખતે હિંદુઓ રમકડાં વેચતા. આથી આવી રીતે હિંદુ-મુસલમાનોનું ઐક્ય થતું જતું. આવા આવા અનેક બનાવો ત્યારે બન્યા જતા હતા, પરંતુ તેમનો ઇતિહાસ આપવા કોઈએ યત્ન કર્યો નથી. અમદાવાદમાં મુસલમાનોનું જોર વિશેષ હતું છતાં શામળ અને અખામાં (અમદાવાદના કવિઓમાં) તેમના સંબંધી બહુ જૂજ ઈશારા છે. જેમ પારસી કવિઓ અને લેખકો આ સમયમાં થયા હતા, તેમ મુસલમાનમાં થયા હતા? ગુજરાતમાં લેખક નહિ પણ ફારસીમાં શાયર કે ઇતિહાસકાર થયા હતા. મહેમદાવાદના વિદ્વાન જાગીદાર શેખ સિંકંદરે ઈ. સ. ૧૬૧૧માં ‘મિરાંતે સિકન્દરી’ અને અમદાવાદના જાગીરદાર મીરજાઅલી મહમદખાંને ‘મિરાતે અહમદી’ નામના ઇતિહાસો લખ્યા છે. પોતાના સેક્રેટરી જે કાયસ્થ અથવા નાગર કોમના અને ફારસીમાં પ્રવીણ હતા તેમની મદદથી આ ઇતિહાસો રચાયા છે. કૃષ્ણરાયના વૃત્તાંતમાં અને હાલની સ્થિતિમાં બહુ ફરક નહિ હોય એમ માનવાનું કારણ હોવાથી તેમાંની નીચે જણાવેલી હકીકત ત્યારે પણ બનતી હશે.

સઈપદ કરી સણંદ, પાય મંત્રીને પાણી—કૃષ્ણરાય.
કંઈક પૂજતા પીર, અવ લોકે જઈ ઓરસ—એજન.

છ દર્શનમાં દરવેશોનો સમાવેશ થયો હતો.

દર્શન છઠ્ઠું દરવેશનું, એક જ સઉનો ઈશ છે;
શામળ કહે છછો એકનાં, પાખંડો છત્રીસ છે.

શામળ

પારસીઓ સંબંધે પણ કંઈ અજવાળું પડ્યું નથી. સુરત તરફ ઘણો અવરજવર હોવા છતાં પ્રેમાનંદે તેમનું કાંઈ પણ સૂચન કર્યું નથી. પારસીઓ જે ધંધો હાથ લાગ્યો તે કરતા. ખેડૂત, સુથાર, મોચી, દરજી, ગાંધી ઈત્યાદિ, દારૂ અને તાડી વેચવાનાં પીઠાં પણ ખોલતા. તેમના આચારો ઘણાખરા હિંદુઓ જેવા જ હતા. વહેમ અને અજ્ઞાન પણ તેટલું જ હતું. જોશ જોવામાં એક્કા હતા. બાળલગ્ન પણ એમનામાં પ્રચલિત હતું. એક કરતાં વધારે સ્ત્રીઓ પણ કરતા. આચારો તો શું પરંતુ વિચારો પણ એમના હિંદુને મળતા થઈ ગયા હતા. ગામડાના વહેમો એમનામાં પેઠા હતા. ડોસીશાસ્ત્રની સત્તા એમનામાં પ્રબળ હતી. હિંદુઓ જોડે એટલા સેળભેળ થયા હતા કે પ્રેમાનંદ કૃત ‘નરસિંહ મહેતાનું મામેરું’ આજ પણ એમનામાં ગવાય છે. જે કોમ પર પ્રેમાનંદની આવી અસર થઈ હતી તે કોમ વિષે ત્યારના સાહિત્યમાંથી આ૫ણને કાંઈ પણ જાણવાનું નથી મળતું એ અત્યંત શોકજનક છે. આ૫ણા સાહિત્યકારોએ એવા વિષય લીધા હતા કે તેમાં પ્રચલિત રીતરિવાજો તેમ જ બીજા આજુ-બાજુના સંજોગોની અસર તેમને થાય જ નહિ; અને થાય તો અજાણતાં જ થતી. આથી વિશાળ સાહિત્ય હોવાં છતાં તે કાળના ઇતિહાસ પર કાંઈ પ્રકાશ પડતો નથી. તેમના મોલેદો ગુજરાતીમાં ગ્રંથો લખતા હતા એ ‘શ્યાવખ્સનામા’ વગેરે ગ્રંથો પરથી પ્રતીત થાય છે.

સમાજવ્યવસ્થા

ત્યારે અમદાવાદ, વડોદરા જેવા શહેરમાં પોળોમાં લોકો રહેતા. આ પોળોમાં એક જ માણસના કુટુંબીઓ પહેલવહેલા વસેલા, અથવા તેના ઓળખાણપિછાનના માણસો હોવા જોઈએ. ઘણી વખતે અમુક પોળ એક નાતનો જથ્થો થતો. આ પોળોમાં પોળપંચ રહેતું. પોતાનો શેઠ વંશપરંપરાનો હતો. પોળના દરવાજાની કૂંચી એને ત્યાં રહેતી. પોળના પંચને મળવા સારુ પોળના દરવાજા પર એક માળ કાઢવામાં આવતો. પોળનું ફંડ રહેતું એમાંથી પોળના દરવાજાની મરામત થતી, તથા જાહેર ફંડોમાં પોળ તરફથી અમુક રકમ અપાતી. પોળપંચ પોતાના સંબંધી હરેક પ્રકારનું કામ બજાવતું. આ ઉપરાંત દરેક પોળમાં દરેક જાતનાં વસવાયાં રહેતાં. આથી પોળ એક નાના ગામ જેવી બનતી. પોળનાં ખાસ કૂતરાં તેમ જ ભીખારું હતાં. આપણી ગ્રામ્યસંસ્થાનો જેમ દિવસે દિવસે વિલોપ થતો જાય છે તેમ આ પોળસંસ્થાના સંબંધમાં પણ બનતું જાય છે. પોળોની આવી બાંધણી અર્થાત્ પાસે ઘરો, રસ્તો સાંકડી નેર જેવો, બારીબારણાં થોડાં ઇત્યાદિ ત્યારના અસ્વસ્થ જમાનાને લીધે હશે. ઘણાં ઘરોના મેડાને આગલી ભીંત લાકડાની હતી. આ લાકડામાં ભાત ભાતનું કોતરકામ કરવામાં આવતું, ચારપાંચ મેડીવાળાં ઘર ઘણાંનાં હતાં. ઘર બહારથી અને અંદરથી રંગવામાં આવતાં. પોળોમાં પોળનો કૂવો રહેતો. ત્યાં પોળની સ્ત્રીઓ પાણી ભરવા જતી. ગામડામાંની પોળોની બહાર કેટલીક જગ્યાએ લીંબડો, વડ કે આમલીનાં ઝાડ હતાં. પોળોની પંચાયત પદ્ધતિને લીધે પંચજાજરૂ પણ હતાં. આવા જાજરૂથી મરકીના વખતમાં જે હાનિ થાય છે તે હાલ અમદાવાદમાં અનુભવાય છે. ગુજરાતના લોકો ત્યારે ઘણી નાતોમાં વેહંચાઈ ગયા હતા. આ નાતો વિશે પણ કાંઈક જાણવું આવશ્યક છે. નાતમાં પણ શેઠ અથવા પટેલ હતો. નાતનો ગોર પણ હતો. નાતના અમુક નિયમો હતા. આ નિયમો નહિ પાળનારને અમુક પ્રકારની સજા પણ થતી. નાતના પટેલિયાના હુકમને સહુ વશ રહેતા— તેના કહ્યા પ્રમાણે ચાલતા,(હરિદાસ.)

નોતરાં કોઈ માને નહીં, ના કહે સહુ નર નારી રે,
સુણીને મહેતી ખેદ પામ્યાં, આવ્યાં નાત શેઠને ઘરે કહેવાને.
ચરણે લાગીને નોતરાં દીધાં, આવજો સહુ કો જમવા રે,
જેઠને ઘરે ના ઠરી છે, માટે કરીએ અમારે ધામ રે.
રંક લોક અમ સરખાનું આટલું, પાર પાડજો કામ રે,
નોતરું કોઈ માનતું નથી, અમને જાણી લાચાર રે.
કર્યો સામાન બગડે નહિ, તમે કહાવો સૌને દ્વાર રે,
ત્યારે શેઠિયો કહે સૌ જમવા આવશે, શું તમો છો કાંઈ નાત બહાર રે,
નાતગોર તતક્ષણ તેડાવ્યો, દેવડાવ્યાં નોતરાં ઠારોઠાર.

પ્રેમાનંદ-(શ્રાદ્ધ).

આ ઉતારા પરથી વિદિત થશે કે નાતના શેઠના હુકમ પ્રમાણે આવી નાત વર્તવા બંધાઈ હતી. નાતગોરનાં નોતરાં માન્ય રાખી સર્વે નાગરો નરસિંહ મહેતાને ઘેર શ્રાદ્ધ જમવા ગયા હતા. નાતમાં જે મોટી મોટી નાતો જમાડતો, લહાણાં લહાતો, (શામળ) વરઘોડા કાઢતો તેની વાહવાહ બોલાતી. પૈસા હોય કે ન હોય પરંતુ પોતાના નામ પ્રમાણે સર્વને નાત સંતુષ્ટ કરવી પડતી.

જેણે ધૃતસરિતા ચલવી રે.
પ્રભુએ બાંધી સાકર પાજ.

વલ્લભ.

આખી નાત જમાડવાથી પ્રેમાનંદની વાહવાહ બોલાઈ હતી.

કુટણાનું કરજે કાઢ્યું, નોતરી આવ્યો નાત;
શાબાશ શાબાશ સહુ કો કરે, તેનો વધ્યો તોલ.

નાતના નિયમો આવી આવી બાબતો સંબંધી હતા. શેઠિયાઓ નાતના માણસો આ બરાબર પાળે છે કે નહિ તે ધ્યાનમાં રાખતાં. નિયમ ઉલ્લંઘનારને સજા કરતા, અને ગરીબને દંડી દંડીને તેમને નિચોવી નાંખતા. તેમની પાસે તેમના ગજા ઉપરાંત નાત આદિ પ્રસંગે ખરચ કરાવતાં. નાતના શેઠિયાઓ પોતાનો અમલ લોકો પર ચલાવવાનું જ ધ્યાનમાં લેતા. નાતની સ્થિતિ સુધારવાનું મન પર લેતા નહિ, તેમ જ તેમના કામની યોગ્ય ટીકા ખમી શકતા નહિ. અંગત અણબનાવ સારુ ઘણાને કનડતા. તે કાળમાં એમની ઉ૫યોગિતા હતી, અને તેથી જ એમના દુર્ગુણો ધ્યાનમાં બહુ લેવાયા નહોતા. આવી નાત પણ ગરીબો પર જુલમ ગુજારવામાં પાછી પાની નહોતી કરતી. નરસિંહ મહેતો દરિદ્ર હોવાથી નાગરોએ તેને દુઃખ દેવામાં બાકી રાખ્યું નહોતું એવું પ્રેમાનંદે બતાવ્યું છે. નાતના ટુકડા નાના નાના હોવાથી અનીતિ સંબંધે જબરો દાબ રહેતો. દેવાળું કાઢનારાં, સ્વચ્છંદે વર્તનારા, દારૂ પીનારા નાતથી બીતા. આવી આવી નાતની અસરો જનસમાજ પર ઘણો લાભ કરતી. પરંતુ આ લાભ કરતાં નાતના અઘટિત ધારાઓથી થતી હાનિ ઘણી હતી. આ અઘટિત ધારા અગાઉ જણાવી ગયા છીએ. નાત બહાર મૂકવાથી માણસોને ઘણું ખમવું પડતું હતું. દેશમાં સર્વત્ર નાત હોવાથી સગાંવહાલાંનો જથ્થો એક જગ્યાએ હોવાથી, નાત વિના ઈતર સ્થળે વ્યવહાર બાંધી શકાય એવી સમજ ન હોવાથી નાત બહાર રહેવામાં ઘણી વિપદ હતી. આથી નાત બહાર કાઢવાની બીક પોલીસની ગરજ સારતી.

નહિ આવે તો શું કટક ચઢાવું,
કે તુંને કાઢું નાત બહાર.

પ્રેમાનંદ

કેદ, દંડ કરતાં પણ આ સજા ભારી હતી, અને તેથી જ હંસ જેવા પ્રાણીના સંબંધમાં—જેને નાત હોતી નથી—પ્રેમાનંદ ઉપરનાં વચનો નળ પાસે વપરાવે છે. આપણું અવિભક્ત કુટુંબ છે. આને સમજાવવાની કાંઈ જરૂર નથી. હાલમાં જેમ કુટુંબો અવિભક્ત સ્થિતિમાં રહે છે તેમ ત્યારે પણ રહેતાં. વચલા વર્ણોમાં દીકરો માબાપથી જુદો રહેતો—પરંતુ જુદું ઘર પડોશમાં જ માંડતો. આમ જુદા રહેવાનું કારણ કંકાસનું મોં ટાળવાને હશે. નાત ને કુટુંબ નિહાળી. હવે લગ્નસંસ્થાની સ્થિતિ તપાસીએ.

પિતા કહે પરણો તમો, સુખ બહુ અમને થાય,
મોહડ ઘાલે તુજ માવડી, પ્રેમદા લાગે પાય.

શામળ

‘કોડ’ અથવા ‘લહાવો’ લેવાના ઇરાદાથી પોતાનાં કુમળાં બાળકોને માબાપો લગ્નની ધૂંસરીમાં જોડી દેતાં. વિવાહ શું છે? તેની કેટલી જોખમદારી છે? આ સઘળું વિચાર કર્યા વગર બાળાઓ અને બાળકો પરણતાં. અવિભક્ત કુટુંબસંસ્થા હોવાથી નવી વહુના પોષણનો તેમ જ તેનાં થનાર છોકરાંના નિર્વાહનો બોજો બાળક પર અને બાળકના પિતા પર નહોતો પડતો. આથી આ વિષયમાં ચિંતા થતી નહિ અને લગ્ન સામે વાંધો લેવાતો નહિ.

સાત પાંચ કે વર્ષ નવમાં હોય કન્યાદાન,
અવર દિન બીજા કરો, પણ નહિ તેહ સમાન.

આટલી નાની ઉંમરે આપણી બાળકીઓ પરણતી. કન્યકાવસ્થાનો ‘લહાવો’ લેવાનો અવસર જ કદી તેમને આવતો નહિ. નાનપણથી જ સાસરિયાંનો વિચાર તેમના દિલમાં રોપવામાં આવતો. જ્યાં નાના બાળકને રમતગમતમાં ‘સાસુ’ અને ‘સસરા’ના ઈશારા કરવામાં આવે છે તે દેશમાં કન્યાઓ અને કુમારોની અવસ્થા અસ્તિત્વમાં હોતી નથી. બચપણથી સાસરિયાં અને લગ્નના વિચાર મનમાં ઠસાવી દીધેલા હોવાથી કન્યાઓ વહેલી રજસ્વલા થતી. આપણા દેશમાં પ્રથમ રજોદર્શન એટલે સ્ત્રીત્વ મનાયેલું હોવાથી તેઓ પોતાનો સંસાર માંડતી અને ખેલી ખાવાના વખતે ઘણી બાળકીઓ માતા બનતી. આથી ઘણાં બાળકો લાંબું આયુષ્ય ભોગવી શકતાં નહિ, અથવા માતાઓનાં શરીર લથડી જતાં.

નાર નાનડી હવું પ્રસૂત,
વળતી વાધે નહિ અદ્ભુત.

અખો

વરવહુનું વય કાં તો સરખું અથવા સહેજ ફેરફારવાળું હતું. કજોડાં પણ થોડાં નહોતાં થતાં. નાગર જેવી નાતમાં પણ કજોડાં થતાં. વલ્લભ ભટ્ટે ‘કજોડાનો ગરબો’ લખ્યો છે તેમાં કહ્યું છે કે :

ગોરમા સોળ વરસ પ્રત્યક્ષ કે, એને હેંસી થયા રે લોલ,
ગોરમા હું તો નાનું બાળક, એ મોટો બુઢિયો રે લોલ.

કજોડામાં જરઠવિવાહ અનિષ્ટ છતાં ઘણો પ્રચારમાં હતો. કેવા ઘરડા લગ્ન કરતા?

ગળે અધિકું અંગ, ગળે નાસિકા ને નેણ,
ગળે મુંડ ને તુંડ, વિપરીત બોલાએ વેણ,
અસ્થિ રુધિરને માંસ, શકે નવ ચાલી ચરણે,
+ + + સુણે નહિ કુઠિત કરણે.

શામળ

આવા ઘરડા–જેમની રાખ મસાણમાં ઊડવાની સહેજ વાર હતી તેવાને કન્યા કેમ મળતી?

જર વડે જુવતી જડી,
+
ઘરડો પણ ગાંઠ ગરથ છે
જેમ કળાવંત મોર.

શામળ

આ રિવાજ ઉપર હવે દહાડે દહાડે લોકોનો તિરસ્કાર વધતો જાય છે. આવા જરઠવિવાહથી વિધવાઓ ઘણી થતી હશે, પરંતુ તે બિચારીઓ હિંદુઓના આપખુદી, જોહુકમી અને નિર્દય રિવાજોથી – તેમના માબાપના લોભના ભોગ થવાથી જન્મારોભર માનવ મટી પશુવત્ અથવા દાસવત્ પોતાનું જીવન ગાળતી. હાલના સંરક્ષકો એવો પ્રસંગ ન આવે માટે બાળલગ્ન અટકાવવાની યોજના ઘડે છે તેમને આ કાળ પરથી એક વાત ધ્યાનમાં લેવાની છે. વરવહુની ઉંમર સરખી હોવાથી રાંડેલી અને રાંડેલાની સંખ્યા ઘણુંખરું સરખી રહેશે. આથી વિધવાવિવાહ કરવાની ઇચ્છા રાખનારને પણ સુગમતા પડશે. હાલ વરની ઉંમર વધતી જાય છે પરંતુ કન્યાની ઉંમર તેના પ્રમાણમાં વધતી નથી. આથી બાળવિધવાની સંખ્યા યોગ્ય પ્રમાણમાં ઘટતી નથી. અપ્રસ્તુત પરથી પ્રસ્તુત વિષય પર આવીએ. ‘ડોસો કુંવારો મરે પણ ડોસી કુંવારી ન મરે’ આ આપણા લોકોનો સિદ્ધાંત છે. આ કહેવત હજુ લગી પળાઈ છે, અને તેથી આપણા દેશમાં old maid(ઘરડી કુમારિકા) ક્વચિત્ જ મળી આવશે. આ વિષય બરાબર પાળવા સારુ દીકરીઓના માબાપ હંમેશ ચિંતામાં રહેતાં.

જાગે જેના ઘરમાં સાપ
જાગે દીકરીઓનો બાપ.

શામળ

નાગરિકા : હવે તો પરમ દહાડે તેનો હાથવાળો મળી જાય એટલે ગંગા નાહ્યાં.

( પ્રેમાનંદ).


દીકરી ‘સાપનો ભારો’ હોવાથી બનતી તાકીદે તેને પારકી કરી દેવામાં આવતી; અને માબાપ ‘ગંગા નાહી’ નિરાંતે ઊંઘતાં. આ વિવાહમાં દીકરીની સંમતિ લેવામાં આવતી નહિ, પણ ‘ગાય અને દીકરી દોરે ત્યાં જાય’ આ સૂત્ર અનુસરાતું હતું. અણસમજુ બાળકીઓને આવા આવા વિચારોથી સજડ સાંકળી લીધી હતી. જુઓ—

નાગરિકા : બેની, આવો સ્વામી મળે તો કેવું સારૂં?
સત્યભામા : પણ સવળે હાથે ગોર પૂજી હોય ત્યારે કની?

ધાવતાં બાળ વછોડાવ્યો હશે, વહેતી નીકે પગ દીધો હશે, હજારનાં ઘર ભંગાવ્યાં હશે—એવાં એવાં કાર્ય કરનારને તે આવો સ્વામી ક્યાંથી મળે?

પ્રેમાનંદ


ચારુમતી : પ્રાણનાથ! કણકમાં પાણી પડ્યું તે કંઈ મિથ્યા થવાનું છે? પ્રભુએ એનાં બેલાં એમની સાથે જ બાંધ્યાં હશે!

(પ્રેમાનંદ – સત્યભામા રોષદર્શિકા.)


આવા આવા વિચારો પ્રચલિત હોવાથી કોઈ તરફથી વાંધો ઉઠાવવામાં આવતો નહિ. જેની સાથે ‘બેલાં’ બંધાવાના હોય તેની સાથે જ બંધાય – ગમે તેટલું કરીએ, પણ બીજા સાથે લગ્ન થઈ શકે નહિ, કર્મના લેખ ટાળ્યા ટળે નહિ, આવો વિચારપ્રવાહ – ઓખા, દમયંતી, સુભદ્રા કે રુક્ષ્મણીના દૃષ્ટાંત ગમે તેવી સરળ અને મીઠી ભાષામાં આલેખનાર પ્રેમાનંદ મળે તોપણ – અટકાવી શકાય એમ નહોતું. ગમે તેવો તવંગર બાપ પણ પ્રચલિત રિવાજો મુજબ કન્યાને નાનપણમાં પરણાવી સાસરે વળાવતો. સ્ત્રીઓ સંબંધી ‘રાંધ્યાં ધાન’ ના વિચારને અનુસરી કન્યાઓની મોટી ઉંમર કરવામાં આવતી નહિ. આ ઉપરાંત બીજા વિચારો પણ વહેલાં લગ્ન કરવા સારુ પ્રચારમાં હતા.

કુંવારી અબળાં રહી, મૂકે પૃથ્વીપાય;
બ્રહ્મહત્યા એક ડગ ભરે, નિત્ય પોકારે નાય.
ભક્તિ કરે ભરથારની, નિત ગંગાસ્નાન;
પ્રદક્ષણા પૃથ્વીતણી, ડગલે ડગલે ગૌદાન.

શામળ

આમ હોવાથી બ્રહ્મહત્યાનો દોષ ન આવે તેથી પિતા પુત્રીને પરણાવી સાસરે વળાવી દેતો. કન્યાઓ પણ ‘ડગલે ડગલે ગૌદાન’ મેળવવા આતુર હોઈ રિવાજને આધીન થતી. જો બાપ પરણાવવામાં સહેજ ઢીલ કરતો તો તેનો જીવ તરફડી પડતો.

પિતા તો પ્રીછે નહીં, મારો કુંવારો ભવ કેમ જાય રે;
સહુકો સાસરે જાય ને આવે, સૈયરો હું સમાણી જી.

પ્રેમાનંદ -( ઓખા)

આ ઉપરાંત લોકોનું એવું પણ માનવું હતું કે દીકરીઓને પરણાવી દીધા પછી તેમને રોગ કે વ્યાધિની નડતર બહુ થોડી થાય. ચોથી ચહચરી : અલી મધુરી! હવે તો પિતાશ્રીને કહી બેનને પરણાવી પારકી કરવી જોઈએ એટલે તેને કર્મે સહુ સારાં વાનાં થાય. રડ્યું પહેલેથી તે છેલ્લે સુધી એનું એ જ રહ્યું. આજ આ તો કાલે પેલું; એમ એક પછી એક વ્યાધિ વગર નોતર્યા નડ્યા કરે છે!

પ્રેમાનંદ – (તપતી)


હું સમાણી જાય સાસરે, તેના જોને ભોગ;
તેની પેરે મારે થાશે, આકુરો જાશે રોગ.

પ્રેમાનંદ (નળાખ્યાન)

શ્રાવક અને વસવાયામાં કન્યાઓ મોટી ઉંમરે પરણતી; બીજી નાતોમાં નાનપણમાં પરણાવી ‘ઓરીઓ લેવાતો’. હિંદુઓના જીવનમાં ‘લંગ્નસારા’ એ મોટો પ્રસંગ છે. આ જ પ્રસંગ પર તેઓ પોતાનો દમામ દાખવી શકે છે, પોતાની વાહવાહ કહેવડાવી શકે છે, પોતાના કોડ અને ઓરિયા પૂરા પાડે છે. આ જ પ્રસંગે સ્ત્રી અને પુરુષો તેમ બાળકોને મહાલવાનું મળે છે. માટે આ પ્રસંગનો ઉપયોગ જેમ બને તેમ વહેલો કરવામાં આવતો, અને તેથી ઊંચી નાતોમાં લગ્નો વહેલાં થતાં. સારો વર પામવા કન્યાઓ વ્રત કરતી—ગોરમાને પૂજતી, અને તેની પાસે વર માગતી. પોતાનો સ્વામી ગોરમાના પ્રસાદથી મળેલો છે એમ મનાતું. વલ્લભ ભટ્ટના ‘કજોડાના ગરબા‘ માંની નાગરણ પોતાના બુઢ્ઢા ધણી સારું ગોરમાને જ ફરિયાદ કરે છે. આવી વસ્તુસ્થિતિ હોવાથી ખાડામાં ઉતારનાર માબાપો પોતાની પુત્રીના તિરસ્કારપાત્ર થતાં નહિ. આ ગોરમાપૂજન જ્યારથી દાખલ થયું અર્થાત્ જે કન્યાથી દાખલ થયું કહેવાય છે તે સંબંધી આખ્યાન પ્રેમાનંદે લખ્યું છે. આ આખ્યાનમાં— ‘ઓખાહરણ’માં — ઓખા પાસે ગોરમાપૂજન કરાવ્યું છે. આની વિધિ હાલના જેવી જ ત્યારે હતી માટે તે વિષે કાંઈ ઉતારા આપતા નથી. લગ્નપ્રસંગ પર માંડવા કેવા બંધાતા, વરઘોડા કેવા ચડતા, તોરણે આવેલો વર કેવી રીતે પોંખાતો, માયરામાં લગ્નગાંઠ શી રીતે વળાતી, કંસાર કેમ ખવાતો અને ગીતો કેવાં ગવાતાં વગેરે પર વર્ણન પ્રેમાનંદ, હરિદાસ આદિનાં લખાણોમાં છે. હાલના અને તે કાળના આ રિવાજોમાં કાંઈ ફરક જણાતો નથી, માટે તે સંબંધી પણ ઉતારા આપવા દુરસ્ત ધારતા નથી. આવા પ્રસંગો પર બૈરાંઓ ફટાણા અને જોડકણાં ગાતાં. આના નમૂના ‘ઓખાહરણ’ આદિમાંથી મળે છે. આ ચાલ નાગર જેવી નાતમાં પણ હતો. બેશક આવા પ્રસંગ પર સંગીતને યોગ્ય સન્માન મળવું જોઈએ; અને સંગીત દ્વારા લગ્નનું મહત્ત્વ અને સ્ત્રીપુરુષોના એક બનેલા જીવનના રસ અને રહસ્ય વરવહુને ચખાડવાં જોઈએ. પરંતુ આવું ઉન્નત રૂપ તેને આપવાને બદલે સામસામા વેવાઈના ખોડખાંપણ પર હાંસી કરવામાં અને અપશબ્દો બોલવામાં ત્યારની ગુજરાતણો પોતાના કંઠને તસ્દી આપતી હતી. આ રિવાજ અનિષ્ટ અને હાનિકારક હતો. આ સમયમાં લગ્નો ‘ગોઠવણો’થી થતાં – ‘પ્રેમભાવના’ થી થતાં નહિ. લગ્નનું ચોકઠું માબાપો ગોઠવતાં. કોઈ કોઈ નાતોમાં વેવિશાળીયાનો વર્ગ હોવાથી આ કામમાં તેમને મદદ મળતી. આ વેવિશાળીયા પોતાનો સ્વાર્થ સાધવા ઘણા સંસાર દુઃખમય કરતા. ભવિષ્યમાં પતિ અને પિતા થવાની પોતાની જોગવાઈ છે કે નહિ તે પરણનાર જોતો નહિ. તેમજ વેવિશાળીયા તેને જોવા પણ દેતા નહીં. મૂળ ગરીબ અને વળી લગ્નમાં ‘આબરૂ’ જાળવવા ‘કરજ’ કરી પૈસો વાપરેલો હોવાથી તેમ જ સંસાર માંડ્યાથી ખર્ચ વધતો જવાથી બિચારો કોઈ દિવસ તરતો નહિ.

વેવિશાળીએ વિવા કર્યો; વર રૂડો કન્યાને વર્યો;
કરે ભેખ કે ભૂખે મરે, તેમાં વેવિશાળીઓ શું કરે?

શામળ – (નંદબત્રીસી.)

કરેલો વિવાહ ફોક થઈ શકતો નહિ; ફોક કરનારને નાત શાસન કરતી. આથી ભૂલમાં અથવા ઉતાવળમાં થયેલી ગોઠવણ રદ થઈ શકતી નહીં. કસાઈને ઘેરથી ગાય છોડાવાતી પણ કઠેકાણે નાંખેલી દીકરીના વિવાહ ફોક થઈ શકતા નહિ! ફોક કરવામાં ‘લાજ’ જતી તેમ જ ન્યાત તરફથી બહુ ખમવું પડતું. છતાં પણ કેટલાક પોતાની પુત્રીઓનું હિતાહિત વિચારી તે પ્રમાણે વર્તી શકતા હતા.

નીઠીઓ નથી પડ્યો વરનો, આજ નાગરી નાત રે;
ફોક કરતાં લાજ જશે, તો તે ખમશું નાથ રે.

હરિદાસ – (શામળદાસનો વિવાહ)

(સાધારણ રીતે આવું બનતું નહીં. ઉપરના ઉતારામાં જે કન્યાનો ઉલ્લેખ છે તેનો વિવાહ અંતે કાયમ રહ્યો હતો.) વીરજીએ બતાવેલી ઉંમરો અથવા તેના સહેજ વધઘટવાળી ઉંમરે કન્યાઓ પરણતી. છોકરાઓના લગ્ન ક્યારે થતાં?

એટલે આવ્યું વેવિશાળ, પરણ્યો વર્ષ થયાં જ્યાં બાર.

દ્વારકા.

દ્વારકા ભક્તના કહેવા પ્રમાણે ‘બાર’ અને શામળના કહેવા પ્રમાણે ‘ચૌદ’થી સોળ લગીમાં છોકરાનાં લગ્ન થતાં. ઘણુંખરું તો વરકન્યાની ઉંમર સરખી રાખવામાં આવતી. આ ચાલ જ્યાં પાળવામાં આવતો ત્યાં ‘બાર’ વર્ષની અંદર પણ તેમનાં લગ્ન થતાં. જેમ નાની નાર પ્રસૂત થવાથી વધતી નહિ તેમ પિતા થવાથી છોકરાઓનાં કાઠાં પણ નબળાં રહેતાં. ‘નાના હોવાથી જાણે શરમાતા ના હોય ને તેમ પોતાનાં છોકરાં પાસે પોતાને ‘બાપ’નું સંબોધન નથી વપરાવતા.’ આવા વચન રા. દયારામ ગીડુમલે આપણા ગુજરાતની હાલની સ્થિતિ સંબંધે વાપર્યા છે. ત્યારની સ્થિતિને પણ હાલની માફક એ લાગુ પડે છે. નાનાં વર હોવાથી તેમનું કુટુંબમાં ચલણ રહેતું નહિ. પોતે કમાતા નહિ હોવાથી માબાપના દબાણમાં રહેવું પડતું. આથી તેમની સ્ત્રીઓને ‘ફરિયાદ’ કરવાનો (બબડવાનો) અવસર ઘણી વાર આવતો. સાસુ જોડે બનતું નહિ તેમ છતાં પણ તેની છાયામાં અણગમતે રહેવું પડતું.

છે સાસરિયાને ઘણું અભિમાન,
ધનનું તે અતિ કરે ગુમાન.
નણંદ જેઠાણી વાંકું ભણે,
કુંવરબાઈને દૂબળી ગણે.
આવો વૈષ્ણવની દીકરી,
સાસરવેલ સહુ પાવન કરી.
ચેષ્ટા કરે સાસુ ગર્વે ભરી,
કુંવરબાઈ નવ બોલે ફરી.
છે લઘુ વેષ નાનો ભરથાર,
તે નવ પ્રીછે વિવેક વિચાર.

પ્રેમાનંદ

આવા નાના ભરથાર હોવાથી ઘણી વાર ઉશ્કેરણીથી પોતાની પત્નીને ચૌદમુંરતી આપવા ચૂકતા નહીં. સ્ત્રીને મારવાનો રિવાજ ત્યારે અસાધારણ નહોતો.

સામું તો નવ બોલીએ, ઘણો ન દીજે માર;
બીહતી રહે બકતી રહે, વિનતાનો એ વહેવાર.

શામળ

ઘણી નાતમાં ઘણી સ્ત્રીઓ એકી વખતે પરણાવવાનો ચાલ હતો. પુત્ર ન થાય તો એક પર બીજી કરતા. કારણ કે પુત્ર વિના સ્વર્ગમાં નથી જવાતું એવું આપણા લોકોનું માનવું છે. નરકમાંથી બચવા સારુ, પિંડ ધરવા સારુ, વાંઝિયામહેણું ટાળવા સારુ અને ઘેર વહુ લાવવા સારુ, પુત્રની ઘણી આકાંક્ષા રહેતી. આ ઉપરાંત દાદા-દાદી થવાનો ઓરિયો રહી જાય એવું ધારીને પણ માબાપો પોતાનાં છોકરાંને છોકરાં ક્યારે થાય તેની રાહ જોતાં. આ સારુ એક ઉપર બીજી અને બીજી પર ત્રીજી સ્ત્રી પરણાવવામાં આવતી. કેટલેક સ્થળે સાસુ અને વહુ વચ્ચે જીદ થવાથી ‘ખાસડું ખંખેરું એટલામાં વહુ લાવું’ એવું અભિમાન રાખનારી મા વહુને વઢવા પોતાના દીકરાને બીજે પરણાવતી. કેટલેક સામા પૈસા મળતા હોવાથી પૈસાની લાલચે એક કરતાં વધારે સ્ત્રી પરણાતી, તો કેટલેક કુલીન કુટુંબ હોવાથી એક કરતાં વધારે મળતી; અને તેથી ત્યારનાં ઘણાં ગુજરાતી ઘરોમાં શૉક્યોનો કલહ જણાતો. શૉક્યો ‘ક્ષણે ક્ષણે લક્ષ વીંછીની વેદનાં’ કેવી પામતી તેના સંબંધમાં શામળમાંથી ઉતારા ટાંકીશું, અને પ્રેમાનંદે ‘સત્યભામા રોષદર્શિકા’માં તેનો જે ચિતાર આવ્યો છે તે પણ ટાંકીશું. આટલા પરથી ત્યારે ચાલતા આ રિવાજનું યથાર્થ દર્શન થશે.

માંહે માંહે શૉક્યોના ખાર.
+
એક એકનો કેડો લીએ.
પાશેર વાંક જો કોનો ઠરે,
તો સતાવીસ મણ શૉક્યો કરે.
વાંક કંઈ આવે હાથમાં,
ફજેતી કરે બધા સાથમાં.

શામળ

આવી એમની સ્થિતિ હતી. શૉક્યના કરતાં બીજું ભયંકરમાં ભયંકર દુઃખ પસંદ કરવામાં આવતું. શૉક્યના ‘સાલ’ ને ઠેકાણે નીચે જણાવેલી સ્થિતિમાં રહેવા સ્ત્રીઓ ખુશી હતી :

સ્ત્રી કહે ભલી અનાથ, તેથી તો મોત ભલેરું;
ભલી હીણાને હાથ, એથી દુઃખ નહિ અનેરું.
ભલી વિધવા કે વંઝ, ભલી ગુણજ્ઞ કે ઘેલી;
ભલી દરિદ્ર કે દુષ્ટ, ભલી સોહાગણ સેહલી.

શામળ

તે કાળમાં વિધવાનું દુઃખ કાંઈ ઓછું નહોતું, તે છતાં પણ શૉક્ય કરતાં તેની સ્થિતિ સારી લાગતી હતી, એ ઉપરથી શૉક્યના દુઃખની કલ્પના થઈ શકશે. શૉક્યનું સાલ કોને ખમવું પડતું? ત્યારના વહેમોએ આનું નિરાકરણ કરેલું છે.

કીધી બ્રહ્મહત્યાય, લોભે ધન લૂંટી લીધાં;
રમતાં માર્યાં બાળ, દીવેથી વિષ જ દીધાં.
જેણિયે વગોવ્યાં વિષ, સાસુ નણંદ સંતાપ્યાં;
પૂર્યાં નીર નવાણ, શિવના લિંગ ઉથાપ્યાં.
શણગાર લૂંટ્યા સતી તણા, પસાયતા આપથી;
શામળ ભટ્ટ સાચું ભણે, શૉક્ય પામે એવા પાપથી.

શામળ

જે ઘરમાં શૉક્યો હોય ત્યાં શું થતું? શૉક્યોના સ્વામીની શી સ્થિતિ હતી?

જેના ઘરમાં શાક્ય, કામણ ટુમણ તે પાસે;
જેના ઘરમાં શૉક્ય, તેહથી અળગા નાસે.
જેના ઘરમાં શૉક્ય, સુખ તેને શા ખપનાં?
જેના ઘરમાં શૉક્ય, તેહને તો છાનાં છપનાં.
જેના ઘરમાં શૉક્ય છે, વિનતાઓ આખો દિન વઢી;
શામળ કહે સ્વામી શૉક્યનો, સુખે નવ સૂવે એકે ઘડી.

શામળ

જ્યાં ‘કામણ ટુમણ’ થતાં અને ‘છાનાં છપનાં’ કરવાં પડતાં ત્યાં જિંદગી દુઃખભરી જ હશે. ‘કામણ ટુમણ’ની હાનિ–તેથી ફાવી જતા લુચ્ચાઓનું વર્ણન — પહેલાં આપી ગયા છીએ. જે ઘરમાં શૉક્યો મળતી ત્યાંથી સુખ હંમેશને માટે ચાલ્યું જતું. કજોડાં અને શૉક્યોના અનિષ્ટ આચારો આપણે જોઈ ગયા, હવે લગ્નના સંબંધના બીજા રિવાજો તપાસીએ. ઊંચી નાતોમાં છેડો ફાડી આપવાનો રિવાજ નહોતો પણ હલકી નાતોમાં, વસવાયામાં હતો.

વસરાયું આછું છેક, એક લાવે એક છોડે,

શામળ

વિધવાના પુનરુદ્ધાર ઊંચી નાતમાં નહોતાં થતાં. કીડી અને માંકડ પર રહેમ લાવનાર, કસાઈના હાથમાં સપડાયેલાં ઢોર પર દયાથી જોનારનાં હૃદય વિધવાના તરફ પાષાણમય હતાં. વિધવાઓ ફરીથી પરણી શકે એ એમના માન્યામાં આવતું નહોતું — આવતું તો તે કરવા તેઓ રાજી નહોતા. કણબી આદિ વર્ણોમાં નાતરાના ચાલને જોવાથી ઊંચી વર્ણોની નજર આ રિવાજ પ્રત્યે ગઈ હશે. પરંતુ પોતાની ન્યાતમાં તેને સ્થાન આપવા કોઈએ પ્રયાસ કર્યો નથી. શામળ બીજે બધે આ રિવાજ નહિ જોવાથી અને ફક્ત કણબી આદિ વર્ણોમાં એ રિવાજ જોવાથી વિસ્મય પામે છે, ગૂંચવાડામાં પડે છે, અને છેવટે કણબી પાસે આવા રિવાજ પાળવા સારુ કારણ માગે છે. આ રિવાજ પોતાની નાતમાં દાખલ કરવા તરફ એનું મન નથી, પરંતુ આ રિવાજ કણબીઓમાં ન હોવો જોઈએ છતાં ત્યાં કેમ છે તે જાણવા એ મથે છે. આ પ્રશ્નનો નીવેડો અગાઉ કણબી વિષે લખતાં આવી ગયો છે માટે અહીં તે ટાંકીશું નહિ. શામળના મનનું વલણ આવું હોવાથી તેમ જ ત્યારની વિધવાની સ્થિતિ દુઃખમય હોવા છતાં દુઃખમય નહિ લેખાતી હોવાથી તેઓના દુઃખ સંબંધી એણે કાંઈ લખ્યું નથી, અંગ્રેજી સાહિત્યથી આપણા કેટલાક લેખકોનું જે વલણ થયું છે તેથી અનિષ્ટ રૂઢિઓને લીધે ભારતભૂમિ પર ‘સ્નેહમુદ્રા’ અને ‘હૃદયવીણા’ માં જે શાપોદ્ગાર થયા છે તેવા તે કાળમાં થવા અશક્ય હતું. શામળે જાણી જોઈને રૂઢિઓ વખોડી નથી, રૂઢિઓમાં જે સડેલું હતું તે દૂર કરવા તેણે કલમ હાથ ધરી નહોતી. તેનાં લખાણોમાં અનાયાસે રૂઢિનો ઇતિહાસ આવી ગયો છે. ‘નળાખ્યાન’માં નળનો પત્તો નહિ લાગવાથી દમયંતી ફરીથી સ્વયંવર કરવાની છે એવું ઋતુપર્ણને કહેવડાવવામાં આવે છે. જો આ ચાલ – અર્થાત્ વિધવાવિવાહનો ચાલ – પ્રતિબદ્ધ હોય તો ઋતુપર્ણ આ વાત ખરી માની ફરીથી પરણવા કેમ જાય? આ કાંઈ સમજાતું નથી. પ્રેમાનંદે આ વિચાર ‘નળાખ્યાન’માં જણાવ્યો છે. ‘ઓખાહરણ’માં ઓખાને મનગમતો સ્વામી પરણાવ્યો છે, શામળે વર્ણાવર્ણનો વિચાર રાખ્યા વિના જુદી જુદી નાતોમાંથી વરકન્યા લઈ પરણાવ્યાં છે. આવા વિચાર ત્યારની જનસમાજે કેવા વધાવી લીધા હતા, તેમના સંતાનની આવી રીતે વર્તવા ઇચ્છા થઈ હતી કે નહિ, અને થઈ હતી તો તેનું શું પરિણામ આવ્યું હતું – આ સઘળું જાણવા જેવું છે છતાં તે જાણવાને સાધન નથી, અને તેથી નિરાશ થઈએ છીએ. જે કાળ આપણે અવલોકીએ છીએ તેમાં – થોડા વર્ષ પછી ગુજરાતીઓની અધમ દશાનું ચિત્ર આલેખનાર કૃષ્ણારામ કહે છે કે : વિધવા પણ જણી બાળ, જઈ ટાંકામાં નાંખે. તેવું ત્યારે થતું હતું? કૃષ્ણારામની વર્ણવેલી સ્થિતિમાંની ઘણી ખરી આ કાળમાં જણાતી હતી, તથા કેટલાકના અંકુર દૃષ્ટિગોચર થતાં હતાં. આ ઉપરથી તેમ જ

વિધવા એક માછણ હતી, ગરભ પડ્યો ‘તો પેટ;
નદીમાં નાંખી બાળને, ઘાલી માટલે નેટ.

શામળ

આ દૃષ્ટાંત – જેમાં માછી જેવી નાત જે નાતરાંની સામા નહોતી તે નાતની એક વિધવા ગર્ભપાત કરે તો જે નાતમાં વિધવાવિવાહ થઈ શકતો ન હોય તે નાતની વિધવા પણ આવાં પાપ કેમ નહિ કરતી હોય? બરાબર જાણવાને સાધન નથી, છતાં અટકળ કરીએ છીએ કે કૃષ્ણારામ અને શામળનાં વચનોથી ત્યારે પણ ગર્ભપાત અને ગર્ભસ્રાવ થતા હશે. લોકોની આવી ઉદાસીન વૃત્તિ આ વિષય તરફ કેમ હતી વગેરેની મીમાંસા કરવાની જરૂર નથી. કન્યાવિક્રયના ચાલથી પણ ઉપર જણાવેલા રિવાજોથી થતી હાનિ જેટલી હાનિ થતી હતી. ઘણી નાતોમાં આ ચાલ વખોડાતો છતાં બ્રાહ્મણ જેવી નાતમાં પણ આ ચાલ હતો. શામળે કન્યાવિક્રય પાપમાં ગણાવ્યું છે. લગ્ન અને તેના પછી ઉદ્ભવતી સ્થિતિ જોઈ ગયા. લગ્ન કેવાં થતાં, શા સારું થતાં વગેરે પર ત્યારનું સાહિત્ય પ્રકાશ નાખે છે. આપણને વિદિત થાય છે કે કંઈ પણ ઉન્નત ભાવના વિના આચારો પળાતા હતા.

કરો મંગળ પરણાવો બાળ, ઉતારો માથાની ગાળ.

શામળ

જ્યારે માથાની ગાળ ઉતારવા લગ્ન થતાં ત્યારે તેના સંબંધમાં બીજી ભાવનાની આશા રાખવી વ્યર્થ છે. લગ્ન કરાવનાર બ્રાહ્મણ પણ આ સંસ્થાની અધમતા સાથે અધમ બન્યો હતો, અને અધમ લેખાયો હતો. જુઓ :

શ્રી દામો : અહો એમાં તે મોટી વાત છે? લ્યો ને બોલાવો બેત્રણ અને વર્તાવીએ મંગળ.

પ્રેમાનંદ


જોડી લાકડે માંકડું, દક્ષણા પામું ક્ષિપ્ર,
વળતી અગીયારા ગણું, એમ વિચાર્યું વિપ્ર.

શામળ - (પદ્માવતી)

આ બધું નિરીક્ષણ કરતાં બતાવે છે કે ત્યારની લગ્નસંસ્થાને ‘પ્રેમ’ જોડે કાંઈ નિસ્બત નહોતી. ઓરિઓ અથવા કોડ પૂરા પાડવા, માથાની ગાળ ઉતારવા, કામકાજ કરવા વહુ લાવવા વિવાહ થતા. કન્યાવિક્રય, કજોડાં, જરઠ વિવાહ, પુરુવનિતા વિવાહ, આદિ પ્રેમભાવનાથી થતાં ઉદ્વાહનો અભાવ જ બતાવે છે. વિધવાવિવાહના વિરોધીઓ આપણી ભાવના પ્રેમમય છે માટે તેનો ઉચ્છેદ કરવો એ પ્રેમને નષ્ટપ્રાયઃ કરવા જેવું છે – એવું કહે છે, તેમને જણાશે કે આપણા લોકોમાં આ પ્રેમભાવનાનો અનુભવ થયો જ નથી. તો પછી તેનો વિનાશ શી રીતે થવાનો? સ્ત્રીપુરુષોનો અરસપરસ સંબંધ કેવો હતો તે તથા ત્યારની સ્ત્રીઓ પરત્વે જે દૃષ્ટિબિંદુઓથી જોવાતું હતું તેનું વર્ણન આગળ હાથ ધરીશું, હાલ તો સાસરું, ઇત્યાદિ વિષયો ધ્યાનમાં લઈશું. દીકરીને સાસરે વળાવતી વેળા માતા શી શીખામણ આપતી તે તરફ નજર ફેરવીશું :

રખે-દીકરી આળસ કરતી, તું ચર્ણ તેના સેવતી,
રૂડી ભુંડી વાત સાંભળી હોય, કોઈ આગળ નવ મેહરીયે;
ઉઘાડા કેશ ન મૂકીએ, ઘણું ઝીણું વસ્ત્ર ન પહેરીએ.
કામ ઘરનાં બતાવ્યાં કરીએ, ન કરીયે કાંઈ અરુપરું;
પૂછ્યાં પૂઠે સૂક્ષ્મ સાદે, બોલીએ જઈને ખરું.
પાત્ર પગે નવ ઠેશીયે, ક્ષમા રાખીયે બહુ ઊદરે;
આઘું ઓઢી ચાલીએ, રાખીએ દૃષ્ટિ ભૂમિ પરે.
સંતાપ સાસરે ન કીજીએ, પિયરને ન વખાણીયે;
લક્ષ દુઃખ હોય સાસરે, પણ સ્વામીને ન જણાવીયે.
દાસી માણસનો સંગ ન કીજે, નીચને મળે માઠું સહી;
સાસુ રીસ કરે ઘણી, પણ સામો બોલ કહીયે નહીં.
સાસુ નણંદ ને જેઠાણીની, સેવા ભક્તિ કરજો ઘણી;
પર ઘેર નિત્ય જઈએ નહીં, ગયે હલકાઈ થાય આપણી.
મોટે સ્વરે હસીયે નહીં, કોઈ સાથે તાળી નવ દીજીએ.
ઊભા રહીએ ઉઘાડે માથે, પુત્રી પાણી નવ પીજીએ;
ભરથાર પહેલું જમીએ નહીં, બાઈ ઉચ્છીષ્ટ જમીએ નાથનું.
×
હસતું વદન ત્યાં રાખીએ, સુખદુઃખ સમાન ગણીએ સહી,
દિવસે ન સૂઈએ દીકરી, બહેન વચન પિયુનું પાળીએ.

પ્રેમાનંદ (ઓખા)

સાસરે જતી દીકરીને આપેલા માતાના આ ઉપદેશ પરથી ત્યારના રીતરિવાજa આચારવિચારનું સારું દર્શન થાય છે. વિનીતતા અને વ્રીડા જે આપણા દેશની સ્ત્રીઓમાં જોવામાં આવે છે તેને ઉલ્લેખીને જ આ ઉપદેશ અપાયો છે. પોતાના બચપણથી હળીમળી ગયેલાં ભાંડુઓ તથા માબાપ અને બહેનપણીઓ છોડી પારકી ‘સૃષ્ટિ’માં વાસ કરવો અને ત્યાં કોઈ પણ પ્રકારે ઓછું લાવ્યા વિના સૌના હુકમને આધીન રહી તેમનાં મન મનાવવાં એ અતિ વિકટ છે. આવાં વિકટ કામ તો સ્ત્રીઓ જ કરી શકે. સાસુ, નણંદ અને જેઠાણી જેઓએ નવી વહુની સ્થિતિ અનુભવી હોય છે છતાં નવી વહુ પર પોતાની સત્તાનો ઉપયોગ કર્યા વિના રહેતાં નથી. તેમની સેવામાં ખડાં ને ખડાં રહી શાબાશી મેળવવી એ ખરેખર પ્રશંસનીય છે. સ્વતંત્રતાથી સ્વચ્છંદ નહિ થાય માટે અમુક અમુક રીતે હસવાબોલવામાં પણ વર્તવાનો ઉપદેશ અપાયો છે. કુદરતી હૃદયના ઉમળકાને દાબી યોગ્ય મર્યાદામાં રહેવાનું પણ સ્ત્રીઓથી જ બની શકે. પતિ પહેલાં જમવું નહિ, અને તેની જમેલી થાળીમાં જમવું એ સૌભાગ્યવતીનું મહાભાગ્ય ગણાતું હતું—નારી વર્ગનું ભૂષણ લેખાતું હતું — આ ભૂષણ દાસત્વ દાખવતું હતું એમ આગળ જણાશે.

માતા આપો આગના, અમને કરો વિદાય,
નૈણેથી આંસુ પડ્યાં, તુજ વિણ રહ્યું ન જાય,
સુખ દુઃખ કહેશો કોણને, એ મોટી ચિંતાય.
માને વાલી બેટડી, સૌથી હોય વિશેષ,
પુત્રી ને જનની કહે, દુઃખ ન ધરશો લેશ.

શામળ (પદ્માવતી)

‘સુખદુઃખ’ કહેવાનું ત્યાં કોઈ ન હોવાથી માતાની આંખમાં આંસુ આવે છે, અને છેવટે પ્રારબ્ધને આધીન રહી સુખદુઃખ સમાન ગણી ત્યાં સમાસ કરવા શીખામણ આપે છે. સ્ત્રીને ‘સુખદુઃખ’ની વાત કરવાનું સ્થાન તેનો સ્વામી છે, પરંતુ અવિભક્ત કુટુંબમંડળ હોવાથી અને બાળલગ્ન થવાથી આ સ્થાન ઉપયોગી થવા જતું તો તેના પ્રયાસ વિફળ થતા. માદીકરીના વિખૂટા પડવાના કરુણાત્મક પ્રસંગ પરથી ખસી કન્યાના સાસરે સ્થિતિ નિહાળવા આપણે જઈએ.

સાસુ તેહને દેહમાં દમે x x x
આખો દહાડો વધતાં જાય, સુખે કોઈ અન્ન નવ ખાય.
x x x સાસુ વહુને વેર,
સુખ દેખી કોઈ નવ શકે, જુવતી જાતમાં ઝેર.
x
સાસુ મારી કપરી કોડ, મુજ સાથે બાંધી હોડ,
વઢી રાતે મુજને ઘણું, તેના અવગુણ કેટલા ગણું.
મુજને કહે છે વાંઝણી તું, તુજને તો રાખું નહિ હું;
બીજી નારી પરણાવું કાલ, નારી તારું મોઢું બાળ.

શામળ

સાસુને વહુ સાથે ઘણીવાર બનતું નહિ. વહુ માબાપથી વિખૂટી પડીને રહેતી હોવા છતાં તેની માની ખોટ પૂરી પાડવાને બદલે તે ગુલામડી હોય તેમ તેની સાથે વર્તવાથી કંકાસ થતો. સાસુ વહુનું સુખ દેખી ખમી શકતી નહિ. પોતાની પણ વહુદશા આવી ગઈ હતી અને તેમાં આવી જ રીતે દુઃખ ખમેલું હોવા છતાં તેવું જ દુઃખ પોતાની વહુને દેવા તૈયાર થાય એ અજાયબ જેવું છે. શામળ વનિતા દ્વેષી હોઈ ‘સ્ત્રીઓમાં કુદરતી રીતે માંહેમાંહેનું વેર હોય છે’ એમ કહી આનો ફડચો આપે છે. આની સત્યાસત્યતાનો નિર્ણય કરવાનું કામ માનસશાસ્ત્રી અને સમિતિ- શાસ્ત્રીનું હોવાથી તેમને સોંપીએ છીએ. બાળલગ્નથી સાસુનો સંતાપ બિચારી વહુને વેઠવો પડતો. વર નાનો હોવાથી અને સર્વે કુટુંબીઓ ભેગાં રહેતાં હોવાથી સાસુના દાબ તળે વહુને રહેવું પડતું. ઉંમરે બાળક હોવાથી, તેમ જ પિયર કરતાં અહીં જુદી જ રીતે વર્તવાનું હોવાથી, નિરંકુશ ખેલી ખાધેલું તેને પરાધીન રહી કામમાં રોકાયેલા રહેવાનું હોવાથી — વહુઓથી ઘણી ભૂલો થતી, તેમને સોંપેલું કામ જોઈએ તેવું ન થતું. આ ઉપરથી સાસુનો મિજાજ જતો અને વહુ પર પોતાનો અમલ બરાબર બેસાડવા તેને હરેક પ્રકારે કનડતી. મહેણાં સંભળાવવામાં જરા પણ મણા રાખતી નહીં. જે નાતોમાં એક પર બીજી લાવવાનો ચાલ હતો તે નાતમાં તેની ધમકી અપાતી. દીકરાને સમજાવી — ધમકાવી વહુને પિયર કાઢી મુકાવતી. તેના માબાપ પાસે અગણિત કાલાવાલા કરાવી દંડ લેવાનો રિવાજ હોય તો દંડ લઈ મોટી મહેરબાનીથી વહુને પાછું આણું કરતી. સાસુને વહુને કનડવામાં પોતાની દીકરીની બહુ ઓથ રહેતી. પોતે પોતાને સાસરે આવું જ દુઃખ ખમતી હોવા છતાં ભાભીને દુઃખ દેવામાં પાછું જોતી નહીં. નણંદના મહેણાં કહેણી રૂપ થઈ પડ્યાં છે. સાસુથી જે નહિ કરી શકાય એવું હોય તે નણંદ તડાક દેતી કહી શકતી. વાંકું ભણવામાં એક્કી હતી. ભાભીના પિયર ભણીથી એક ઓરિઓ વીતવો રહી જતો તો ભવ લગી મહેણાં મારી તેને હલકી પાડતી.

જો અવસર આ સૂનો જશે, ભવનું મેણું મુજને થશે,
બોલબાણ નણદી મારશે, શત્રુનું કામ દિયર સારશે.

પ્રેમાનંદ

નણંદનાં મહેણાંના નમૂના પ્રેમાનંદ કૃત ‘મામેરા’માં છે તે નમૂના અહીંયાં આપવા કરતાં આખું ‘મામેરું’ વાંચી જોવાથી યથાર્થ કલ્પી શકાશે. છોકરાં થતાં તો વહુનું માન સાસુ આગળ વધતું. છોકરાં વગરની પરસાસુની ઇતરાજી રહેતી, તેમ જ હંમેશ સાસુ તરફથી શૉક્ય લાવવાની ધમકી મળતી. આથી ક્યારે અઘરણી આવે એવી રાહ વહુઓ જોતી. બાવા, જતિ, વૈદો પાસે કરામતી ઔષધો અને ઉપચાર કરાવવા જતી, એ આગળ વર્ણવી ગયા છીએ. વીસ વર્ષ લગીમાં છોકરાં નહિ થતાં તો જીવ ઊથલપાથલ થઈ જતો. (આજ પણ લગભગ આવી જ સ્થિતિ છે.)

વીસ વરસ વનિતાને થયાં, ભરાયો નહિ માસ,
દાન પુણ્ય ઘણાં કરે, ગરભ કેરી આશ.

શામળ

દાન પુણ્ય કરતાં, બાધાઆખડી રાખતાં પણ છોકરાં નહિ થતાં તો વૈદ પાસે ઔષધ લેવામાં આવતું.

ઓસડ કાંઈ આપશે, પામશે પૌઢો પુત્ર,
માથાનું મેણું ટળે, ટળે વંઝાની ગાળ,
વૈદ આગળ દુઃખ દાખીએ, તો તો આવે બાળ.

શામળ

સાસુને મનાવવા, વાંઝણીમહેણું ટાળવા, અને અઘરણીનો ઓરિઓ લેવા આ પ્રસંગની વાટ ઘણી આતુરતાથી જોવાતી અને તે વહેલો આવે એટલા સારું બનતા અને ચાંપતા — પરંતુ છાના ઉપાય વહુઓ અને કેટલીક વાર સાથે તેમની મા પણ લેતી.

વનિતા હોયે વાંઝણી, દારૂણ તેને દુઃખ,
સુકન કો વાંચ્છે નહીં; માનવ નવ જુવે મુખ.

શામળ


પ્રાત સમે જોવું નહી; વાંઝીઆનું વદન.
પ્રેમાનંદ
ગોરમા ઓરિઓ વીત્યો ન એક્કે, હઘરણી રાતનો રે લોલ.

વલ્લભ ભટ્ટ

માલતી : ધાના ત્યાં પાના નહિ, અને પાના ત્યાં ધાના નહિ. એ પણ મારું રડ્યું સો મણ તેલે ઈશ્વરને ત્યાં અંધારું સ્તો. બિચારી મારી બાઈ વ્રત અપવાસ કરી કરી વાજ આવી જાય છે, અને કુલપતિને તો ભગવાનથી ભલે પ્રકારે પૂજે છે, તેમ દેરાં તેટલા દેવ કરવાને ચૂકતી નથી, તોપણ આશા તો અંતરિયાળ જ લટક્યા કરે છે, અને મારી પાડોશમાં પેલા જીવાનન ભટ્ટને ત્યાં શીતળા મા વગર આરાધે આવી અમીનો છાંટો નાખી જાય છે.

પ્રેમાનંદ


આટઆટલું કર્યા છતાં ઘણી વંધ્યા રહેતી. જેને સીમંત આવતું તે ભાગ્યશાળી ગણાતી. સીમંતની બીજી વિધિ — મામેરું વગેરેનું તાદૃશ ચિત્ર પ્રેમાનંદના ‘મામેરા’માં છે. સીમંત સમયે પણ નાત જમાડવાનો ચાલ હતો. આથી એક સ્ત્રી અથવા પુરુષના સંબંધમાં ત્રણ નાત ઓછામાં ઓછી જમાડવી પડતી — લગ્ન ટાણે, સીમંત વખતે, અને મરણ પછવાડે. હાલની પેઠે જ તે સમયમાં પણ માબાપને દીકરી કરતાં દીકરો વધારે ગમતો. દીકરીવાળાં પોતાને હીણભાગ્યનાં સમજતાં. કૃષ્ણને બદલે જસોમતીની કન્યા લાવવા સારુ વસુદેવને દેવકી કહે છે,—

કુશાગ્ર બુદ્ધિ શું કરૂં વખાણ, આપી રત્ન સાટે લખ્યા પાષાણ.

પ્રેમાનંદ

નાનાં છોકરાંઓ આંખ અંજાવતાં, નહાતાં તોફાન કરી જે રમ્યતા ઉપજાવતાં તેનું પ્રેમાનંદનું વર્ણન ઉતારીશું :

નિદ્રા કરે દીનાનાથ, પયોધર ધાવતાં,
અધવચ નાસી જાય, પ્રભુ નવરાવતાં.
એક નેત્રે ભર્યું કાજળ, એક અમથું જ રહે,
પેટ માંહી કરે પદપ્રહાર, જસોદા માત લહે.
રમે પિતા ઉછંગ, તાણે મૂછ દહાડી,
નંદમુખ તો તંબોળ, અધવચ લે કાઢી.

પ્રેમાનંદ

છોકરાંને રમવાને જાતજાતનાં રમકડાં મળતાં. છોકરા ગેડીદડુલ ખેલતા; અને છોકરીઓ નીચે જણાવેલાં રમકડાંથી રમતી :

મોર પોપટ પૂતળી તારે રમકડે કોણ રમશે રે શામળીયા.
પ્રેમાનંદ
તેને ઢીંગલી ને ટોલડી, કુડલી કોથળી જેહ;
પાંચ કોડા દાબડી, વેલણ રમવા આવ્યાં તેહ.

પ્રેમાનંદ


જેમ બાલકીના ઘોલીઆ, રમે રમાડે એકલી.

અખો

છોકરાંઓને નાનપણથી કરવાના સંસ્કાર હાલના જેવા જ ત્યારે થતા ઓળી ઝોળીનું વર્ણન :

શ્રીજસોદાજી વદ્યાં વચન, આજ ઝોળીએ પોઢાડું તન.
માસ દિવસે કીધો સંસ્કાર, સૌભાગ્યવંતી ઊભી રહી ચાર;
પંચ રંગ પટની ઝોળી કરી, ઊભી અબળા છેડા ધરી.
ચંદન કુંકમ ઘણાં, પીખ્યાં કપાળ ગોપિકા તણાં.
મળ્યાં બહુ નાના છોકરાં, જસોદાજી વહેંચે કોપરાં.

પ્રેમાનંદ.

ત્યારનાં છોકરાંઓ તોફાની હોય એમ લાગે છે. શેરીમાં ગેડીદડાની અથવા એવી રમતો રમતાં ઘણી વઢવાડો લાવતાં; વૃદ્ધોને ખીજવતાં.

માતપિતાને વા‘લું બાળ, રમવા જાય કરે બહુ આળઃ
વઢવાડો તો લાવે ઘણી, નિશાળેથી ઊતર્યો ભણી.

દ્વારકો


જોબન નારીનાં મન રીઝવે, વૃદ્ધ ડોસીને ઘણું ખીજવે.

પ્રેમાનંદ(ભાગવત)


ઋષિ સુદામે કીધું સ્નાન, પછી પુરમાં પેઠા ભગવાન;
નગર લોક બહુ જોવા મળે, ખિજવે બાળક પુંઠળ પળે.
×
પૂઠે બાળક કાંકરા નાંખે, ઋષિ રામકૃષ્ણ મુખથી ભાખે.

પ્રેમાનંદ (સુદામાચરિત્ર)


દેખી માણસ ખસે અરાંપરાં, ધાય બાહુક પુંઠે છોકરાં

પ્રેમાનંદ (નળાખ્યાન)

છોકરાઓ સહેજ ભણતા હશે એમ લાગે છે. બ્રાહ્મણ આદિના છોકરાને ઘણુંખરું પોતાની આજીવિકાને અર્થે ભણ્યા વગર ચાલતું નહિ.

બ્રાહ્મણને આપે છોકરો, કહે નિશાળે મોકલો.

શામળ


વઢવાડો તો લાવે ઘણી, નિશાળેથી ઊતર્યો ભણી,
એટલે આવ્યું વેવિશાળ, પરણ્યો થયાં જ્યાં વર્ષ બાર.

દ્વારકો

જો દ્વારકાનું કહેવું ખરું હોય તો બાર વર્ષની અંદર તેઓ પોતાનો વિદ્યાભ્યાસ શી રીતે કરી શકતા હશે? પ્રખ્યાત શિક્ષકને ત્યાં પોતાને તે જે શીખવતો હોય તે શીખવાની ઇચ્છા હોય તો શિષ્યો ભણવા જતા. પ્રેમાનંદને ત્યાં ૧૦૦ શિષ્યો ભણતા હતા. (પ્રાચીન કાવ્યમાળા ૧ કવિચરિત્ર,) વૈદું શીખવા વૈદને ત્યાં પણ શિષ્યો રહેતા. છોકરીઓ ભણતી કે નહિ? પ્રેમાનંદને ત્યાં વલ્લભ ૧૨ સ્ત્રીઓ શિક્ષણ લેતી હતી એમ બતાવે છે.

છે નવ દાસ, અને ભઈ ચાર જ, રત્ન ભલાંદ્વય શિષ્ય કહાવે;
છે ભવરાશ, અને બાઈ બાર જ, રત્ન મળ્યાં ક્રમ વિષ્ય વહાવે.
છે વીર પંચમ જી ગણિયે ત્રણ, નંદ ચતુરથ નામ સુહાવે;
છે વીર વલ્લભ શે ભણિયે ગણ, એક જ પ્રેમનું નામ પુહાવે.

વલ્લભ

આ ઉપરથી તેમ જ શામળ અને ત્યારના જૈન ગોરજીઓનાં લખાણોમાં મરદો પાસે કન્યાઓ શિક્ષણ મેળવતી હશે. પરંતુ આ શિક્ષણ સર્વત્ર પ્રસરેલું નહોતું. મોટાઓની કન્યાઓ કાં તો થોડો અભ્યાસ કરતી, અથવા પરણેલી સ્ત્રીઓ પોતાના પતિની અનુમતિથી શાસ્ત્રીના પાઠ થાય તે સારુ તે ઓળખીતા પાસે શીખતી હશે. સ્ત્રીશિક્ષકો તો તે કાળમાં હોય એ અસંભવિત હોવાથી—તેમ જ સ્ત્રીઓ સારી ભણેલી મળવાની મુશ્કેલી હોવાથી—મરદ પાસે સ્ત્રીઓ ભણતી. હાલની ગામઠી નિશાળો જેવી નિશાળો ત્યારે હશે. આવી નિશાળોનો ચિતાર શામળનાં લખાણમાં ઘણી જગ્યાએ મળી આવે છે. છોકરાઓને વડા નિશાળીઆના હાથમાં સોંપી પંડ્યાજી ભિક્ષાવૃત્તિ કરવા જતા. સાસુ અને વહુના સંબંધમાંથી તેના સીમંત અને માતાઅવસ્થાની સ્થિતિ આપણે અવલોકી ગયા. ફરી એક વખત સાસરિયાંની સ્થિતિ જોવા જઈએ. જેઠાણી–દેરાણીઓ જો એક જ ઘરમાં રહેતી તો ઘણુંખરું હળીમળીને ચાલતી. એકઠી નહી રહેતી તો ઘણુંખરું પડોશમાં જ રહેતી. સંપીને રહેલી એકબીજીનું અડીઓપટીએ કામ સારતી. આ ઉપરાંત ભાઈઓ ભાઈનો સંબંધ, ભાઈબહેનનો સંબંધ[5] નણંદ–ભોજાઈનો સંબંધ, એ વિષે ત્યારના સાહિત્યમાંથી વધુ જાણવાનું મળી આવતું નથી. નણંદ-ભોજાઈના એક તરફના સંબંધનું વર્ણન પહેલાં કરી ગયા છીએ. વહુને સાસરામાં લાજ કાઢી ફરવું પડતું. પોતાના સ્વામી અને તેનાથી મોટા સર્વ પુરુષોની મર્યાદા પાળવી પડતી.

શાક પાક મેં ન પીરસ્યાં, આઘો પાલવ તાણી રે.

પ્રેમાનંદ (ઓખાહરણ)


પગ દાબે સાસુ તણા, શિયલવતી સસનેહ;
દીઠો વાહલો આવતો, ઉલસી આપણી દેહ.
લલનાએ લજ્જા ધરી, ઊભી આળસ મોડ;

નેમવિજય (શીલવતી)


ઝીણા અંબરના ઘુંઘટા, તે તાણીને રાખે.

વીરજી (કમળાવતી)


આઘું ઓઢિયે વાત કરતાં, ઘણું જ રૂડાં શોભિયે;
સાસુ અને માના જણ્યા વિન, પલક પાસ ન થોભિયે.

ઉદયરત્ન (સ્ત્રીને શિખામણ)


ભક્તાધીન દીનને પૂજે, દાસ પોતાનો જાણી;
સુખ સજ્જા પર ઋષિને બેસારી, ચમર કરે ચક્રપાણિ રે.
નેત્ર સમશા નાથે કીધી, આવ્યાં આઠ પટરાણી;
મંદ મંદ હસે સત્યભામા, આઘો ઘુંઘટ તાણી રે.

પ્રેમાનંદ (સુદામા)

‘ઓખાહરણમાં’ ઓખા કૃષ્ણની અને પ્રદ્યુમ્નની છબી જોઈ લાજ કાઢે છે. ‘સત્યભામા રોષદર્શિકા’માં દેવકી, વાસુદેવ ઇત્યાદિ શ્રીકૃષ્ણને મળવા આવે છે ત્યારે રુક્મિણી ત્યાંથી ચાલી જાય છે. પરંતુ ‘મામેરાં’, ‘શ્રાદ્ધ’ અને ‘વિવાહ’ના ગ્રંથો પરથી જણાય છે કે ઘણી નાતોમાંથી ઘુંઘટો કાઢી હરવા-ફરવાનો રિવાજ આ વખતમાં નીકળી ગયો હશે. નાગરાણીઓ આવી લાજ કાઢ્યા વિના હરતીફરતી આપણે આ કાવ્યોમાં જોઈએ છીએ. રાજવંશીઓમાં તેમના અને મુસલમાનોના સંસર્ગમાં આવતી જાતમાં, અને મુસલમાનોમાં ઑઝલનો અને લાંબો ઘૂંઘટો કાઢવાનો રિવાજ હતો. ઑઝલ વિષે ‘રજપૂત’ના સંબંધી લખતાં આવી ગયું છે. સસરાની મર્યાદા વહુને સાચવવી પડતી. શામળ જણાવે છે કે કેટલેક સ્થળે વહુ સસરાના પગ દાબતી. આવું કોઈ સ્થળે હશે તો ત્યાં જ લાજ મર્યાદા નહિ હોય. સ્ત્રીનાં સાસરિયાં સાથેના સંબંધ અવલોકી પુરુષના તેવા સંબંધ જોઈએ. અમુક પ્રસંગો સિવાય સાસરા સાથે તેને બહુ સંબંધ રહેતો નહિ. મોટપણે સંબંધ સહેજ વધતો. સાસરામાંથી લેવાનો તેનો હક્ક હોવાથી ઉશ્કેરણી અથવા ખરાબ સ્વભાવથી તેમને કનડતો.

સાસર પક્ષ મોસાળમાં, હેતે લે સહુ હાથ.

શામળ


સસરા આગળ સર્વ કો, હેત ઓઢે હાથ

શામળ

કોઈ સ્થળે ઘણો સારો સંબંધ રહેતો; તે છતાં લોકલાજને માન આપનારા કેવી રીતે વર્તતા હતા?

સગા સાળાની એ છે વહુ, કરે મશ્કરી મારી સહુ;
સાળાવેલીને તેડવા ગયા, વહુજીના વેચાણ થયા;
માત તાત કુટુંબ સમેટી, કહેશે સાસરી પર હેત.

શામળ

આ વિષયનું તત્ત્વ સુજ્ઞો સમજી શકશે. તેના પર લંબાણ વિવેચન કરવાની કોઈ સાર્થક નથી. વહુ પિયરથી ઘણીવાર લાવીને પોતાનું પૂરું કરતી. પિયર જતી તોપણ ત્યાંથી પતિની ચિંતા રાખતી, અને તેને જોઈતી ચીજો ત્યાંથી મળે એમ હોય તો લાવી આપતી.

પિયર ગઈ’તી પ્રેમદા, જમારમાં કરી જોખ;
માતા કહે તારો ધણી, એકલો રહ્યો છે રોક.
શું ખાશે શું રાંધશે, આળસ એને અપાર;
આપી આવ ઉતાવળે, ભૂખ્યો હશે ભરથાર.

શામળ

જમાઈ સસરાનો સંબંધ કેવો હશે? જમાઈ સસરાને પૂજ્ય ગણાતો હશે? તેની આજ્ઞાને અનુસરતો હશે કે તેને કનડતો હશે? આ સર્વનો આધાર જમાઈના સ્વભાવ અને આસપાસના સંબંધીઓ પર રહેતો. પુરુષ અને સ્ત્રીનો સંબંધ ‘સાહેબ ને દાસી’નો છે, ‘શરીર અને છાયા’નો છે. શરીર અને છાયા વિખૂટાં થતાં નથી તેમ સ્ત્રીપુરુષનું યુગલ પણ એવું જ છે. બંનેનું સંલગ્ન સનાતન છે. પુરુષ એક સ્ત્રી સિવાય બીજીને વરી શકતો નથી, અને સ્ત્રી પણ એક વિના બીજા પુરુષનું ઘર માંડી શકતી નથી. પ્રેમની ભાવના પર સ્થપાયેલું યુગ્મ આવી રીતે પોતાનું જીવન ગાળી શકે. પરંતુ જ્યાં માબાપો લગ્નનાં ચોકઠાં ગોઠવતાં અને તેથી જ્યાં પ્રેમ નહિ ત્યાં આવું યુગ્મ હોવું અને આવી ભાવના પ્રમાણે વર્તાતું હોય એ જ અશક્ય છે. પુરુષોનું પ્રાબલ્ય હોવાથી અને સ્ત્રીજાતિને હંમેશ દાબી નાખેલી હોવાથી પુરુષો આ ભાવનાનો ભંગ કરતા, પરંતુ સ્ત્રીઓથી થતો નહિ. પંચની સન્મુખ જેની સાથે હાથ મળ્યો તે સ્વામી, અને તે ગમે તેવો હોય પરંતુ દેવ તરીકે તેને પૂજવો, અને નિરંતર તેનું સારું વાંછવું. જે સામ્ય બન્ને વચ્ચે હોવું જોઈએ તેને સ્થાને પ્રભુ અને સેવકનો સંબંધ સ્થપાયો. પ્રેમ હોય તો ત્યાં સામ્ય હોય—હક્ક અને કર્તવ્યની સમાંતરતા રહે. પરંતુ જ્યાં આ ન હોય ત્યાં આ સામ્ય ઊડી જાય છે. પ્રેમ–વિમુખ જોડાંઓ કાળાંતરે પોતાનાં ‘બેલાં’ એકબીજા સાથે બંધાયેલાં હોવાથી–એમની પ્રકૃતિથી નૈસર્ગિક વહાલના પ્રવાહ સામસામાના ભેળવી દે છે; અને સાધારણ વિટમ્બણાઓ વેઠી પોતાની જીવનયાત્રા આનંદથી પૂરી કરે છે. વિષમતા બહુ એમના જીવનમાં નથી હોતી તેમ ‘સંપૂર્ણ’ અંશે તેઓ જીવન જીવ્યાં છે’ એમ પણ નહિ કહી શકાય. વૃત્તિના આન્દોલન, જીવનની સ્થિતિસ્થાપકતા કે આવેશની ઉત્કટતા તેમના અનુભવની બહાર હોય છે. આ કાળમાં સ્ત્રીનો સંબંધ પતિ પ્રત્યે દાસી જેવો હતો. જોકે તે તેની ધર્મપત્ની હતી છતાં પણ તેને આધારે હોવાથી તેનું વૈતરું કરવાને જ તે સરજી હતી. જે કાળમાં તેને મારવામાં આવતી, તેને માથે શૉક્યનું સાલ ઊભું કરવામાં આવતું, અને તેના સુખવૈભવની મર્યાદા બાંધવામાં આવતી તે કાળમાં તે સ્વતંત્ર હોય એમ શી રીતે મનાય? સત્યભામાના શબ્દો વાંચી કોઈને એમ કદી થશે નહિ કે ત્યારની સ્ત્રીઓ આવી રીતે સ્વામીને દબાવી શકતી તો તેઓ તેમની દાસી શી રીતે લેખાય? આ શબ્દો વાંચતા ત્યારના સ્ત્રીવર્ગ પર તિરસ્કારને સ્થાને ઘૃણા આવે છે. તેમનાં મોંમાંથી ખરતા આ શબ્દો તેમની અધમ દશા સૂચવે છે, અને આ અધમ દશાનું કારણ તેમના સ્વામી—પુરુષવર્ગ—પર આ પુષ્પો વધાવાય છે. તેમને પ્રત્યક્ષ દાખવે છે કે અબળાની આંતરડી કકળાવનારને આવી અનેક પીડા થાય છે. સ્ત્રીને મારવાનો અનિષ્ટ રિવાજ તેને ગુલામ–પશુતુલ્ય ગણવાથી જ ઉત્પન્ન થયો છે. એવી પણ સ્ત્રીઓ હતી કે જે પોતાના ધણીનાં છાજિયાં લેતી. પરંતુ આવા બનાવ ચોક્કસ સંજોગોને લીધે જ બનતા. તેનો વિશ્વાસ ના રાખવો એવું ત્યારનું સૂત્ર હતું. કારણ શું?

પારો પેટ ન રે’ ટુકડો,(છાનો) ન રહે બહુચરકુકડો;
વિનતા પેટમાં ન રે’ વાત, રૂડી કે ભુંડી સાક્ષાત્.

શામળ

કુટુમ્બભાવનામાં પ્રેમ અને વિશ્વાસ આવશ્યક છે. આ બન્નેથી હક અને કર્તવ્યનું સમતોલન જળવાઈ રહે છે. આપણે જોઈ ગયા કે પ્રેમને સ્થાન નહોતું અને વિશ્વાસને પણ નથી, ત્યારે આ કુટુંબભાવના કેવી નિરસ હશે? જ્યારે સ્ત્રીને मिथः सखी તરીકે આલેખવામાં આવી હતી ત્યારનો કાળ વીતી ગયો હતો, અને આ કાળમાં મિત્ર મહિલા કરતાં ચઢતો હતો. લગ્નમૈત્રી નહોતી એ પણ આ ઉપરથી સ્પષ્ટ થાય છે. કદાચ ત્યારનો સ્ત્રીવર્ગ મૂર્ખ અને અક્કલ વગરનો હશે, અને તેથી તેમનાથી ઊંચું સ્થાન મિત્રને આપવાની ત્યારથી સમાજને ફરજ પડી હોય; પરંતુ આ ફરજ પડવાનો અવસર લાવનાર કોણ? મહિલાને તેના યોગ્ય સ્થાન સારુ શિક્ષણ અને અનુભવ તથા આ બન્ને માટે જોઈતી સ્વતંત્રતા મળતી હતી? તેમના આત્માને વિહરવા કોઈ પણ પ્રકારનો પ્રત્યવાય નહોતો? આપણા જીવન પર, મુખ્યત્વે ‘કર્મ’ અને ‘પ્રારબ્ધ’ને આપણે માનતા હોવાથી જીવનના પ્રારબ્ધથી ગ્લાનિ પ્રસરી છે. અને તે ઉપરાંત આપણી સ્ત્રીઓને નાનપણથી જ સાસરાને સારુ નિર્મિત થયેલી એમ કેળવાતી હોવાથી તેઓનાં હૃદય અને મન સંપૂર્ણ ખીલી વિશાળ બની શકતાં નથી. હજુ બાળપણું અને રમતિયાળપણું ગયાં નથી એટલામાં તો પરણી ગૃહિણી થાય છે. આથી સહેજ ફૂટેલી પાંખડી સંકોચાય છે અને તેથી ફૂલ બરાબર ખીલી તેની સુવાસ પ્રસરાવી નથી શકતું. તેઓનું શરીર તો પરાવલંબિત હોય છે જ, પણ તેની સાથે તેમનું મન પણ તેવું રહે છે. આથી ઉચ્ચાભિલાષ અને મહત્વાકાંક્ષાને સ્થાન નીચે જણાવેલા વિષયોમાં તેઓ પરિતૃપ્તિ પામે છે.

જો અતિ દુઃખ પામે અર્ભકો, વનિતા ન પામે વીંટી છલો;
કવિ શામળ કહે સ્ત્રીને મને, ભરતાર મૂર્ખ તેથી ભલો.

શામળ

આ બાળક પરણાવવાં પડશે, સત કુળની કન્યા ક્યાંથી જડશે;

પ્રેમાનંદ.

બાળકને પરણાવી, ‘માથાની ગાળ’ ઉતારવામાં, નાતજાત ને સગાસંબંધીમાં પોતાની લાજ રાખવામાં, પોતાને સારુ વસ્ત્ર અને આભૂષણ મેળવવામાં તેમનું જીવન સમાપ્ત થતું. માથાની ગાળ અને માથાનો ભાર ઉતારવાના હાથ આવેલા પ્રસંગ બનતા લગી જવા દેવામાં આવતા નહિ. હાલના જમાનામાં જેમ ‘ભાઈનું ચિત્ત ભૂગોળ અને ખગોળમાં અને બાઈનું ચિત્ત ચૂલામાં’ એવું ચિત્ર અંકાયું છે તેવું જ ત્યારે હતું. સ્ત્રીવર્ગ ઘરવ્યવહાર કરવામાં રોકાયો રહેતો અને પુરુષવર્ગ આજીવિકા મેળવવામાં. આથી બન્ને વ્યવહારોમાં અંતર પડી ગયું હતું. સ્ત્રીઓ પુરુષને તેમના સંકટમાં ઉપયોગી થઈ પડતી નહિ અને સ્ત્રીઓના ડોશીશાસ્ત્રથી અનભિજ્ઞ પુરુષો તેમના વ્યવહારમાં બનતાં લગી માથું ઘાલતા નહિ. આવી સ્થિતિમાં પુરુષોને મિત્રો અને સ્ત્રીઓને તેમની બહેનપણી ઉપયોગી થઈ પડતી. આથી સ્ત્રી અને પુરુષના લગ્નનો હેતુ ફળતો નહિ. ‘અરસપરસની અપૂર્ણતા મટાડતી નહિ.’ સ્ત્રીના સ્ત્રીત્વ અને પુરુષના પુરુષત્વની સંક્રાન્તિથી જે અખિલ અને સંપૂર્ણ ઐક્ય બનવું જોઈએ તે બનતું નહિ. આવાં લગ્નોને પાશવ સંબંધ કહ્યા વિના ચાલતું નથી. પુરુષો સ્ત્રીઓને દાસી ગણી તેનાથી વિદૂર રહેતા. બન્નેના જીવન એકતાન અને એકરસ બનતાં નહિ. આથી પુરુષના કર્કશ અને પ્રખર જીવન સુંદરીની કોમળતા, મૃદુતા અને સ્નેહાળતાની છાયા મેળવી શકતાં નહિ. જ્યાં આ સ્થિતિ નથી બનતી ત્યાંના દેશનો ઉત્કર્ષ થતો નથી. બે પુરુષ નિરંતર મળતા – એકબીજાના સુખદુઃખમાં ભાગ લેતા – છતાં એવું પણ બનતું કે એકબીજાની સ્ત્રીઓને ઓળખતા નહિ. બે બેનપણી મળતી અને સુખદુઃખની વાતો કરતી છતાં એકબીજાના સ્વામીને ઓળખતી નહિ. સંયુક્ત કુટુંબસંસ્થામાં બાળક માતાપિતાની સ્નેહગ્રંથિ બની શકતું નથી. બાળકની સંભાળ અને ઉછેર વડીલોના હાથમાં થાય છે. માતા કરતાં પિતા બાળકનો ‘ભાઈ’ ગણાઈ તેના પર યથેચ્છ સ્નેહ ઢોળી શકતો નહિ. આથી બાળક મારફત સ્ત્રીપુરુષો અરસપરસના સ્નેહ-પ્રવાહનો સમાગમ કરી શકતા નહિ. આવા સંજોગોમાં વસતા પુરુષો અને સ્ત્રીઓમાં ઉત્કટતા નહોતી. એકબીજાના મેળાપ સારુ આતુરતા નહોતી. બહાર આઘે કામે ગયેલો પુરુષ ‘રોટલા ભેગો થવા’ ઉતાવળથી ઘર ભણી આવતો – પત્ની અને બાળકોને છાતી સરસાં ચાંપવા નહિ. અવિભક્ત કુટુમ્બસંસ્થાઓમાં આવી ક્રિયા નિંદ્ય અને વર્જ્ય ગણાતી હોવાથી આ માર્ગે કોઈ જતું જ નહિ. ત્યારના લગ્નને આપણે ઉપર પાશવ સંબંધ કહી ગયા છીએ. અને આ સંબંધ પર પુરુષવર્ગની અને તેમના ઊપજાવેલા સંજોગોમાં કાળના કાળથી ઊછરેલા સ્ત્રીવર્ગની પ્રબળ સત્તા હતી. આ પ્રબળ સત્તા પુરૂવનિતા વિવાહને શાસન નહિ કરતી, પરંતુ વિવાહોચ્છન અને વિધવાવિવાહ પાપાચરણમાં લેખતી. આ બે આચારો સમાજના બંધારણને અમુક સ્થિતિમાં હાનિકારક હશે કે કેમ તે સવાલ જુદો છે; પરંતુ તેમનો પ્રતિબંધ બતાવે છે કે સ્ત્રીવર્ગને પુરુષવર્ગ ઘણો અન્યાય આપતો હતો. કોઈ પણ દેશના નારીવર્ગની સ્થિતિ પરથી તે દેશની સ્થિતિ કહી આપવા એક કવિવર[6] તત્પર થયો હતો. દરેક દેશના સમુત્કર્ષ કે નિપાતનો આધાર ત્યાંના નારીવર્ગ પર રહે છે. નારીવર્ગની અધમદશા દેશ અને ત્યાં વસતા જનોને અનેકધા હાનિ પહોંચાડે છે. આ દેશને પણ એવી જ હાનિ થઈ છે. એક દેશનો વેપારીવર્ગ દૂર દેશાવર વેપાર કરવા જતાં તે દેશમાં રાજ્ય કરવા સમર્થ થઈ શક્યો. હજારો વર્ષથી આઘે આઘેના મુલકો સાથે વેપાર કરતો. આ દેશ તે જ વેપારીવર્ગની પ્રજા થઈ બેઠો. આ ઐતિહાસિક ઉપદેશ સુજ્ઞો આપણા સંસારને લગાડી યોગ્ય પગલાં ભરશે. સ્ત્રી પુરુષની દાસી હોવાથી તેની સાથે જમી શકતી નહિ. અવિભક્ત કુટુંબસંસ્થામાં મર્યાદા રાખવાની હોવાથી પુરુષો અને સ્ત્રીવર્ગ સાથે જમી નહિ શકે. આથી સ્ત્રીવર્ગ પુરુષવર્ગ પછી જમે, અને તેમાં સ્વામીનું ઉચ્છિષ્ટ પત્ની ખાય એ પણ બની શકે. આ મર્યાદા–મલાજો પાળવાનો રિવાજ સ્ત્રીજાતિ વિષે પ્રચલિત વિચારો, તેમની અધમદશા અને લગ્નપાશવ સંબંધ ગણાતો હોવાથી નીકળ્યો હોવો જોઈએ. આ જે ત્રણ કારણો વર્ણવ્યાં છે તે સ્ત્રીને પુરુષની કિંકરી ગણવાથી ઉદ્ભવ્યાં છે. સ્વામીનું ઉચ્છિષ્ટ ખાવું તે સૌભાગ્યનું ચિહ્ન નહિ પરંતુ દાસત્વનું લક્ષણ છે એમ જણાશે. આવું તે સમયનું સ્વરૂપ હોવાથી ત્યારની વાસ્તવિક સ્થિતિ આલેખતાં પ્રેમાનંદ, શામળ, વલ્લભ આદિનાં કાવ્યોમાં સંસ્કૃત સાહિત્યનું ‘દેવી’[7] અને આધુનિક ગુજરાતી સાહિત્યનું ‘સખી’ સંબોધન નારીવર્ગ સંબંધે વપરાતું જોવામાં નથી આવતું. ત્યારે તો, ‘નારી નરકનું દ્વાર છે’ એવું મનાતું. આ સંસારની મોહજાળમાંથી કુટુંબકબીલો મુક્ત થવા નહોતું દેતું; અને આ મોહજાળમાંથી મુક્ત થવાની આવશ્યકતા પુરુષને જ હતી. તેને જ સંબોધીને રત્નેશ્વરની ‘વૈરાગ્યલતા’, પ્રેમાનંદનો ‘વિવેક વણઝારો’, જીવનરામ ભટ્ટનો ‘જીવરાજ શેઠની મુસાફરી’, દ્વારકા, જીવણ ઇત્યાદિના ઉપદેશ લખાયા છે. કદાચ એમ કહેવામાં આવે કે સ્વામી સાથે સ્ત્રીને લગ્નપડોશીના લગડામાંથી છૂટવાનું બની શકે છે માટે એમને સંબોધીને ઉપદેશ નથી અપાયા. પરંતુ જે સ્ત્રીઓ, નરકનું દ્વાર છે અને સ્વર્ગ જતાં તેમના સ્વામીઓને અંતરાયરૂપ થાય છે તેમને તેમના સ્વામી સાથે સ્વર્ગ શી રીતે મળશે? કુટુંબકબીલાને તજી છૂટા થનારા શું પાછા તેની જંજાળમાં સ્વર્ગમાં પડશે? જો દરેક મનુષ્ય એકબીજાના સંબંધમાં કર્મ અને ઋણાનુબંધના યોગે આવતો તો આ અવતાર પછીના બીજા અવતારમાં આ અવતારના સંબંધ ચાલુ રહેશે એની નિશ્ચયતા શી? આ સંબંધ તૂટી જાય તો સ્વર્ગ ગયેલો પુરુષ કયા કુટુંબને પોતાની પાંખમાં લેશે? આ બધું શું બતાવે છે? પુરુષની સ્વાર્થવૃત્તિ. તેમની સ્વાર્થવૃત્તિથી નારીવર્ગને કેટલો બધો અન્યાય થયો છે?

ડાહી ચતુર જુવતી જાણીએ, પ્રેમદાની બુદ્ધિ પાનીએ.
વિનતા પેટમાં ન ટકે વાત, રૂડી કે ભુંડી જે બ્યાન.
ભુંડા કરમાની ભુંડી ભાત, એવી તે નારીની જાત.
નીચ બુદ્ધિના નીચાં કામ, નીચમાં નીચ નારીનું નામ.
×
ઓછી અક્કલ ને દુશ્મન દેહ, નીચ સ્વભાવ ને ઝાઝું ખાય,
જૂઠું ગાય ને નાગી નહાય, × ×
×
સ્ત્રીમાં ડહાપણ ગણાશે જેહ, મુરખનો શિરોમણી તેહ.

શામળ


ક્યાં માસી ક્યાં માવડી, ક્યાં ભગની ક્યાં ભાણેજ,
સર્વની બુદ્ધિ પાનીએ, તરુણી લક્ષણ તે જ.
જેટલું સાગરમાં નીર, તેટલા અવગુણી તરુણીને તીર.

શામળ


એકલી નારી સાથે, મારગે ન જાવું હો, વળી વાટે વાત ન કીજીયે,

ઉદયરત્ન

સુલોચના : આર્યપુત્ર કહે છે એમ પણ હોય, તથાપિ આપ ક્યાં નથી જાણતાં કે સ્ત્રીઓની બુદ્ધિ તો પગની પાનીએ જ હોય.

પ્રેમાનંદ


નારીવર્ગ સંબંધી આવા અભિપ્રાય ત્યારે પ્રચલિત હતા. તેમના સંબંધી જે ઉચ્ચ(!) વિચારો હતા તે જોઈએ.

નિર્બળ છે નર નારી વિના, ભોગ કશા તે ભોગવે,
અવગુણ અદકા અયુતો ગણા, જુવતી વણ નર જોગવે.

શામળ


નારી નરનું અંગ, સુખ દેવણ કર સેવા.
ભળે પુણ્યમાં ભાગ, લાભ જશ લાંબો લેવા.
શામાથી સંતાન, ધર્મબુદ્ધિ તે ધારે,
પ્રગટે પુત્ર સપુત્ર, કુળઈકોતર તારે.

શામળ


નિર્મળ મનની નાર, સ્વામીને સ્વર્ગ પમાડે,
જુવતી જોબન માહિં; રીઝથી રંગ રમાડે.
ઢાંકે કુળકલંક, સરસ ચલવે ઘરસૂત્ર,
વધે તેહથી વંશ, પરસવે પુત્ર સપુત્ર.

શામળ


પ્રમદા તે જ પ્રધાન, પ્રીત પ્રમદાની પ્રૌઢી
પ્રમદાથી શો પુરુષ, કહે નરનારી જોડી.
પ્રમદાથી ઘરસૂત્ર, પુત્ર પ્રમદાથી પામે,
અર્ધાંગા પુણ્યભાગિ, દુઃખ વિનતાથી વામે.

શામળ

ગુજરાતી સાહિત્યમાં ‘સ્ત્રીચરિત્ર’ વિષે ઘણું લખાયું છે. વચ્છરાજની ‘રસમંજરી’માં સ્ત્રીચરિત્રનો વિષય છે. શામળની ‘સૂડાબોંતેરી’ અને બીજા વાર્તાના ગ્રંથોમાં આનું જ કથન છે. બત્રીસ પૂતળીમાંની એક પૂતળી ‘સ્ત્રી- ચરિત્ર’ ની વાર્તા કહે છે. સ્ત્રીચરિત્ર શું છે? વ્યભિચાર કરવો, ‘વિજારી’ કરવી, સ્વામીનું અથવા યારનું ખૂન કરવું, જૂઠું બોલવું, સ્વામીને હથેળીમાં નચાવવો, પુરુષની આંખમાં ધૂળ નાંખી ધાર્યું કરવું, પુરુષના ધારેલા અર્થ પર પાણી ફેરવવું – તેના નજરોનજર કુછંદથી વર્તવું અને તેને પોતાને વશ રાખવો એ સ્ત્રીચરિત્ર છે. સ્ત્રીચરિત્રનો મહિમા વધારનારી સ્ત્રીઓ ગમે તેવા કપરા સોગન ખાવા તૈયાર હોય છે, ગમે તેવા ઊંડા પાણીમાં ઊતરતાં ખમચાતી નથી. શામળ અને તેની શાખાઓના કવિ સ્ત્રીને હૃદય નથી પરંતુ બુદ્ધિ છે એમ બતાવે છે. આ સિદ્ધાંત વિસ્તારપૂર્વક સ્થાપવા જતાં ‘સ્ત્રીચરિત્ર’નો તેઓ ઉપયોગ કરે છે અને પોતાનાં સ્ત્રીપાત્રો પાસે ઉપર જણાવેલાં કાર્યો કરાવે છે. સ્ત્રીધર્મની આવી વ્યાખ્યા ઘડનાર અને તેનું આવું દર્શન કરાવનાર કવિ અને તેનાં કાવ્યો વાંચી આનંદ પામનારાઓની કેવી શોચનીય દશા છે? સ્ત્રીના વહાલા અને મૃદુ હૃદયનો પ્રભાવ તેમનાથી અનુભવાયો નથી. સૃષ્ટિમાં સ્ત્રીનું કર્તવ્ય તેઓ સમજી શક્યા નથી. જનમંડળમાં માતા, ભગિની, પત્ની અને પુત્રી રૂપે પ્રેમ, મૃદુતા, સુંદરતા આદિના સીંચનથી કર્કશ અને તૃપ્ત પુરુષહૃદયને શીતલ કરતી સ્ત્રીમાં ઉક્ત લક્ષણો આરોપવાં એ મહાપાતક નથી? તેની શિક્ષા અનંતકાળ પર્યંત રૌરવ નરકમાં ખદબદાવાની શું ન હોવી જોઈએ? અસૂર્ય અને તિમિરાવૃત્ત પ્રદેશમાં એમનો વાસ ન કરાવવો જોઈએ? સ્ત્રીજાતિની આવી નિંદા કરનાર તિમિરાવૃત્ત પ્રદેશમાં જ રહ્યા. જ્ઞાનનો સૂર્ય તેમને સારુ ઊગ્યો જ નહિ. પરાધીનતારૂપી રૌરવની પીડામાંથી ક્યારે છૂટશે એ અકળીત છે. ‘સ્ત્રીચરિત્ર’ જેવા વિચારોથી પુરુષની અધોગતિ થાય છે એટલું જ નહિ, પરંતુ નારીવર્ગ પણ અધમ થાય છે. આથી નીપજતા આઘાત-પ્રત્યાઘાતથી સમાજને ઘણું વેઠવું પડે છે. ભાટની વાતોમાં ‘સ્ત્રીચરિત્ર’ની ઉત્પત્તિ થઈ હશે. અનેક રાણીઓ પરણનાર, દુશ્મનનાં ગામ ભાંગનાર, ટેક રાખનાર ગરાસિયાની વાતોથી કંટાળેલાને સ્ત્રીચરિત્ર સંભળાવી ખુશ કરવા એમનું વલણ થયું હશે. સ્ત્રીઓનાં પરાક્રમ શોધવા જતાં તેમને વ્યભિચાર જડ્યો. કુટુંબસંસ્થામાં તેમના મૃદુપ્રભાવને સ્થાને તેમના દુરાચરણથી થતી ગમગીની વર્ણવવા તેઓ તત્પર થયા. સ્ત્રીવર્ગ સંબંધી હલકો વિચાર તો હતો તે ઉપરાંત તેમની બુદ્ધિ પાનીએ છતાં આવાં પરાક્રમ(!) કરી શકે એમ એમણે માન્યું અને મનાવ્યું. જેમ પુરુષ પોતાની કીર્તિ સ્થાપવા અને જાળવવા અનેક પ્રયાસો કરે છે તેમ વ્યભિચારિણી પોતાનું પાપ છુપાવવા અને પોતાનું પાપ જાણનાર અને નહિ જાણનારને સતીત્વ દર્શાવવા, નાનાવિધના ઉપાયો લે છે એમ એમણે બતાવ્યું. આ પરાક્રમ વર્ણવવામાં પુરુષોને ભોળા ચીતરવા પડ્યા. પોતાની નજરે જોયેલી વસ્તુ બની નથી એમ મનાવવામાં આવતું તો માનતા. આવાં ‘ચરિત્રો’થી કુટુંબસંસ્થા પર શી અસર થાય છે તેનું ભાન ‘ચરિત્ર’ રચનાર ને સાંભળનારને થયું નહોતું. આટલું લાંબું વિવેચન કરવાનો હેતુ શું છે? સ્ત્રીને નીચ ને નમેરી ગણી તેમને જાણે માન આપતા ન હોય તેમ ‘સ્ત્રીચરિત્ર’ ના ગુણો(?)થી તેમને અલંકૃત કરી આ અલંકાર તેમનામાં દોષ છે એ બતાવવાને જ હતા. આવાં ચરિત્રો કોઈ કાળે બન્યાં હોય – અને તે ગુજરાતમાં – એ માની શકાતું નથી. નાતજાતનાં બંધનો, લોકલાજનો ભય, અવિભક્ત કુટુંબસંસ્થા; અને પુરુષ વર્ગની સર્વોપરી સત્તા તથા સ્ત્રીઓની પરાધીનતા – ની ભૂમિમાં એવાં ચરિત્રો ઊછરી શકતાં નથી. માટે આવાં ચારિત્રની વાત કરનાર પોતે અધમ, તેનો દેશ નિપતિત અને ત્યાંનો નારીવર્ગ પરાસ્ત હતાં એમ દાખવે છે. હવે તે સમયના કેટલાક વહેમોનું વર્ણન આપીશું. પુનર્જન્મનો સિદ્ધાંત મનાતો હતાો. આ સંબંધે શામળે એક વાર્તા લખી છે તેનો સાર આપવો અનુચિત નહિ ગણાય. એક જન્મનાં સ્ત્રીપુરુષના જોડાનાં બીજા જન્મમાં વિપર્યાય થઈ જાય છે. આ જન્મનાં પતિપત્ની, ઈતર જન્મોમાં પુત્રમાતા, પિતાપુત્રી, ભ્રાતાભગિનીના સંબંધમાં આવે છે. આ વાત ખરી હોય અને ત્યારે શંકાશીલ થયા વિના લોકોએ તેમાં દૃઢ શ્રદ્ધા રાખી હોય તો આ જન્મના સંબંધો પરજન્મની દૃષ્ટિથી જાળવી રાખવા વ્યર્થ છે. બીજો સામાન્ય સિદ્ધાંત કર્મ, પ્રારબ્ધ અને વિધાતાના લેખનો છે. આની સત્યાસત્યતા નિર્ણીત કરવાનું આ સ્થાન નથી. શામળે એક વાર્તામાં વિધાતાને તરત જન્મેલા બાળકની છઠ્ઠીએ તેને ત્યાં આવી તેના કપાળ ઉપર લેખ લખી જતી વર્ણવી છે. આપણા લોકોનો અચળ વિશ્વાસ હતો કે લખ્યા લેખ મિથ્યા નથી થતા.

જે પ્રારબ્ધ લખી આણિયાં છે, તે તે મિથ્યા ના બને જાણિયાં છે;
કાળે તો આ વિશ્વ સર્વે રમાડ્યું, વાળે ટાળે કોણ? એવું ભમાડ્યું.

પ્રેમાનંદ.


સુખ દુઃખ જે જગ પામિયે તે સર્વ કર્મ પ્રસાદ.

વિનયવિજય.


તત્ત્વ વિચારો તાતજી, મત આણો મન રોષ,
કર્મે તુજ કુલ અવતરી રે, મેં કિયાં જોવો જોષ.

પિતાજી૦


મલાવો મોટે મને રે, નવ નવ કરો નિવેદ;
તે સવિ કર્મ પસાઉ લે રે, એ અવધારો ભેદ.

પિતાજી૦


વિનયંવિજય.

સુલોચના : શું સાચે જ મહર્ષિ! એમ થઈ ગયું? કહ્યું છે તે ખરું છે કે, કર્મ કરે તે કોઈ ના કરે. લખ્યા લેખ ટાળવા કોણ સમર્થ છે? કુલપતિ સરખા યજ્ઞ કરનાર અને તે પુરોડાશને શ્વાનસ્પર્શ, એ મારા વાંકા પ્રારબ્ધ વગર બીજું કંઈ એ કેમ કહી શકાય? પ્રેમાનંદ

લખ્યા પ્રમાણે પામે લોક, મનના મનોરથ કરવા ફોક.

શામળ


કમાર્ધીન કઠોર કૃષ્ણ જપજે, શો શોર બીજો કરે?

રત્નેશ્વર


અન્ન ને પાણી વજન; નેત્ર પલકારાં જેહ;
શ્વાસોચ્છ્વાસ દમો દમી, સરવે લખ્યાં વશ એહ.
નિદ્રા જાગ્રત સ્વપ્નસુખ, ધર્મ કર્મ પરિવાર,
લખ્યા વશ સહુ ભોગવે, શું કહું વારંવાર.
જપ તપ ને પુન્ય પ્રાક્રમ, અસત્ય અન્યા જે આપ,
અધર્મ અન્યા જે આચરે, તે તો લખ્યાં પ્રતાપ.

શામળ

પોતાના જીવનના હરેક બનાવ પૂર્વભવના કર્મ સાથે સંબદ્ધ છે. આ પૂર્વભવોના સંચિત કર્મથી બનેલું પ્રારબ્ધ બ્રહ્માવિધાત્રી મારફત દરેક નવા જન્મેલા બાળકના લલાટ પર લખાવતો. જ્યારે ત્યારે કર્મનો જ આશરો લેવાતો હોવાથી દુર્બળ સંતોષ પેદા થયો હતો. પ્રવૃત્તિમય કોઈથી થવાતું નહિ. પ્રવૃત્તિ વખોડી કાઢવામાં આવતી અને નિવૃત્તિનાં વખાણ થતાં. પરદેશ સાથે ધમધોકાર વેપાર ચાલતો હતો છતાં વેપાર વિષે ઘણા હલકા વિચારો ધરાવવામાં આવતા હતા. કર્મને પ્રાધાન્ય આપવાથી જીવનમાં ઉત્સાહ, ઉલ્લાસ કે પ્રવૃત્તિ નહિ આવતાં અને તેથી જ જે દશા ભોગવતા હતા તે ટાળી ટળે એવી ન હોવાથી તે ટાળવા પ્રયાસ કરવો મિથ્યા છે એમ મનાતું. કોઈ દિવસ પોતાની મેળે ધંધારોજગારમાં, સંસારમાં કે ધર્મમાં તદ્દન નવો અને અપરિચિત રસ્તો કોઈએ કાઢ્યો નહોતો. આર્થિક વલણ તેમને જ્યાં દોરતું ત્યાં વળતા અને તેમાં સંતુષ્ટ રહી પોતાની જિંદગી પૂરી કરતા. આ ભાવનાથી થયેલી હાનિ સર્વને પ્રત્યક્ષ છે માટે તે વર્ણવતા નથી. તે કાળમાં કર્મ પર આધાર રાખી બધા બેસી નહોતા રહેતા. પુરુષપ્રયત્ન અને પ્રારબ્ધ સંબંધે વાદ ચાલતો હતો. શામળે આ વિષય પર ‘ઉદ્યમ કર્મ સંવાદ’ લખ્યો છે. ઉદ્યમ એકલો કે કર્મ એકલું કાંઈ કરી શકે એમ નથી, બન્નેનો ‘વિવાહ’ કર્યો હોય તો જ ધારેલો અર્થ સિદ્ધ થાય.

કરમ તણું ન કાંઈ કાર્ય સીધે,
પુરુષ પ્રયત્નથી કર્મ કંપી બાંધે.

પ્રેમાનંદ


કર્મ તણી આશે રહે, તે કાયર કે‘વાય,
રૂડા પુરુષે કરવો ઘટે, કર્મોદ્યોગ વિવાય.

શામળ

કોઈ જરા માંદું પડતું કે તેને વળગાડ છે એવો વહેમ રાખવામાં આવતો.

કો કહે અને આવ્યો તાવ, કો કહે અન્ન ઉપર નહીં ભાવ.
કો કહે ડાકણ વળગી દૂત, કો કહે ભારે વળગ્યું ભૂત.
કો કહે વંતરને વશ હોય, કારણ કળી શકે ન કોય.
કડી કાપડી ને વરતિયા, ગણક ગારૂડી જો તરતિયા.
ભુવા ભિલડાં ને ડાકલાં, ચેટક ચીસો હઠ આકળાં.
ઉતાર્યા અક્ષત ઉતાર, ઓસડ વેસડ અપરંપાર.
પ્રશ્ન કરાવી પ્રશ્નોતરી, જોવરાવી તે જન્મોતરી.

શામળ

ભૂતપ્રેત સંબંધીના વહેમ અને તેથી થતા દેખાવો નીચે ટાંકીએ છીએ :

ઉઘાડી બાર નારી નીસરી, લાજ મુરજાદ સરવેની વીસરી.
મનની મનમાં થાયે મગન, નિશંકપણેથી છેક નગન.
કામની છૂટા મેલ્યા કેશ, વરણાગી છે જોબન વેશ.
ચરણા ચોરી કે ચીર, છેક ઉઘાડું સર્વ શરીર.
ચીસો નાંખે ઘસતાં હાથ, ભુવાને ભરાવી બાથ.
મરડતી હોઠ કરડતી દંત, કરડવા માંડ્યો પોતાનો કંથ.
વળગી ચોટલે મારી માર, ભુવાનો નાંખ્યો ભાર.
×
કો બાઈ તમે કારણ કોણ, એટલે દિવસે આવ્યા ઓણ.
ડાકણ સાકણ કે દેવી દેવ, ભૂત પ્રેત કે શક્તિ સેવ.
વંતરવસી કે છો વીર, સિદ્ધ શકતા કે છો પીર.
ભુઆ સાથ ચડવા ચાહો છો, ક્યાંથી આવ્યા ને ક્યાં જાઓ છો.
×
અંધારી ચઉદશને દિવસ, પુજ મંડાવી પ્રીત;
મંડળ મુંકું મેલડી, રાજવીયાની રીત.
પંદર શેર અડદનું પૂતળું, દીપક કર્યા દશવીશ.
ભુવા ધૂણી ભલી ભાતના, ચોવટ નાંખે ચીશ.
કર્યા કડકડા ત્યાં કાકડા, ચોળે પાકાં તેલ;
કરી ગુગળની ધૂણીઓ, રંગતણી બહુ રેલ.

દશ જણા વાહે ડાકલાં, ત્રણ જણ વાહે તાલ;
ચેટક નાખે ચીસો ઘણી, ફરી ફરી નાંખે ફાળ.

જીભ વાઢે જુગતે કરી, ખડક ઉઘાડાં હાથ;
રેલ વાળે રુધિર તણી, બેલ નહિ કાય સાથ.

પ્રેમાનંદે ‘પાંચાલી પ્રસન્નાખ્યાન’ માં, બ્રહ્મરાક્ષસ, ઇત્યાદિ આણ્યાં છે અને તેમની પાસે કૃત્રિમ બોલી બોલાવી છે. શામળ કહે છે કે મુવેલા સાપનું રૂપ લઈ પોતાનાં વહાલાંઓ અને વેરીનો ભેટો લેવા આવતા. આ સઘળા વહેમો સંબંધી વિશેષ ચર્ચા નહિ કરતાં એટલું જ જણાવીશું કે ભૂતપ્રેતની વળગણ સ્ત્રી-વર્ગને બહુ થતી, અને શૉક્યનું વેર એટલું હતું કે મરી ગયા પછી પણ અવગતિ પામી શૉક્યને કનડવા આવતી. ભૂતને સંતોષવા ચકલે બાકળા વગેરેનો ઉતાર મુકાતો. આવા જ બીજા અનેક પ્રકારના વહેમો તે સમયે પ્રચલિત હોવાનું જણાય છે. શુકન જોવાનો વહેમ પણ હતો. પ્રેમાનંદના ‘ઓખાહરણ’ અને શામળના ‘મદન મોહના’માંથી તેનાં દૃષ્ટાંતો ઘણાં મળી આવે છે. ધારેલું કાર્ય પાર ન પડે ત્યારે શુકનનો દોષ કાઢવામાં આવતો. સાહિત્ય પરથી આ ખોખું ઊભું કર્યું છે તો એ સાહિત્ય વિષે બે બોલ લખી ઉપસંહાર હાથ ધરીશું. ગુજરાતી સાહિત્યની ત્રણે કોટિનું દર્શન આ જમાનામાં થાય છે. પુરાણી, ભક્ત અને ભાટની ત્રણ કોટિ છે. પુરાણીમાં આખ્યાનકારો અને જૈન ગોરજીઓ જેઓ રાસા રચતા હતા તેઓનો સમાવેશ થાય છે. ભક્તકવિ ભક્તિ અને વૈરાગ્ય ઉભયના પદો લખનાર કહેવાતો. ભાટકવિ બનેલી વાતોના દોહરા બનાવી તેને ઇતિહાસનું રૂપ આપતો તથા વાતો જોડી શ્રોતાઓનું મન રંજન કરતો. પ્રેમાનંદ પુરાણીનો કવિ છે, અખો વૈરાગ્યનો ભક્તકવિ છે અને શામળ ભાટનો કવિ છે. એમની કવિતા વિષેની ભાવના કેવી હતી?

કીધું કે’ તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી.

શામળ


માગણ શોભે મીઠાશથી, સુકંઠ ગાન શોભે ઘણું;
શામળ જન શોભે શ્રેષ્ઠતા, કૃષ્ણ કીરતનથી કવિપણું.

શામળ


જ્ઞાનીની કવિતા ન ગણીશ, કિરણ સૂર્યના કેમ વરણીશ;
શબ્દ તણો છેડો કેમ થાય, આકાશને કેમ તોળ્યું જાય.

અખો


શું કરીએ પિતા કે’ છે, દુનિયા સૌ ડાહ્યાં લે છે,
કવિ કવિ લોક કહે છે, તેણે સુણવું પડે;
કે’ છે કૂડાં કામ કરો, લખી લખી નામ ધરો,
ચોરી કરી ચોર કહો, વદો એ શું ના નડે?

વત્સલ (દુઃશાસન રુધિરપાન)

પ્રેમાનંદની ભાવના વલ્લભે હાસ્યજનક રીતે કહી બતાવી છે. શામળ અને પ્રેમાનંદના વિચારની તુલના કરવા આ સ્થળે અમે ઊતરતા નથી. આ વિચારને અનુસરી તેઓએ તેમના ગ્રંથો રચ્યા હતા. ઘણીવાર એવો પ્રશ્ન કરવામાં આવે છે કે પ્રેમાનંદે સંસ્કૃતમાં લખવાને ઠેકાણે ગુજરાતીમાં કેમ લખ્યું? ગુજરાતમાં સંસ્કૃત શીખવાની શાળાઓ ન હતી. પ્રાચીન કાળથી જૈન ધર્મ ગુજરાતમાં પ્રસર્યો હતો. ગુજરાતના રાજાઓએ પણ એ ધર્મને આશ્રય આપ્યો હતો. જૈનો સંસ્કૃત નહિ પરંતુ પ્રાકૃતને પોતાના ગ્રંથ લખવા પ્રાધાન્ય આપતા હોવાથી આ પ્રાંતની ભાષા ખેડાઈ. પ્રાકૃત ભાષાનું અત્યુત્તમ વ્યાકરણ આ જ દેશમાં રચાયું. પરદેશીઓનાં ટોળાં સતત ગુજરાતમાં આવ્યાં જ ગયાં હતાં. આ ટોળાઓમાં અનાર્ય—બ્રાહ્મણવૃત્તિ ત્યાગી ક્ષત્રિયવૃત્તિ સ્વીકારી હતી. સંસ્કૃતને માન નહિ અને વૈશ્યવર્ગ પર આજીવિકાનો આધાર હોવાથી ઈતર બ્રાહ્મણવર્ગે પણ સંસ્કૃતનો અભ્યાસ છોડી દીધો. પૌરાણિક કથાઓ માટે અને પૂજાને ઉપયોગી સંસ્કૃત બહુધા તેઓ શીખતા. અર્થાત્ વિદ્વાન શાસ્ત્રીઓ કરતાં પુરાણીઓ ગુજરાતમાં ઘણા હતા. આ પુરાણીઓમાંથી મોટા કવિઓ નીકળ્યા. તેમણે પુરાણની ગાથા સાથે પોતાના કાળના સંસારને ભેળવી દીધો. વેપારીનું સાહિત્ય કહેવાનું કારણ શું? ગુજરાતી ભાષામાં ધર્મના વિષય પર કઠિન અને શાસ્ત્રીય દર્શન લખાયાં નથી. ઉપનિષદાદિ ગ્રંથો પર વિવેચન થયાં નથી. ‘ગીત ગોવિંદ’ જેવા ગ્રંથ પર ટીકા લખાઈ નથી. આ શું બતાવે છે? ગુજરાતી સાહિત્ય બ્રાહ્મણોનું સાહિત્ય નથી. વીરરસનો ઉત્સાહ પ્રકટાવતું કવન ન હોવાથી ક્ષત્રિયનું પણ સાહિત્ય એ નથી એમ સાબિત થાય છે. વીરરસનાં કાવ્યો પ્રેમાનંદે અને વલ્લભે લખ્યાં. છે. પરંતુ વાંચવાથી જણાશે કે ગાદી પર પડ્યાં પડ્યાં તે વાંચવાનાં છે. રણાંગણમાં પાનો ચડાવે કે સ્વદેશને સારુ ઝૂમી પડવા ઉશ્કેરે એવાં નથી. વલ્લભે ‘મિત્રધર્માખ્યાન’માં ‘ગુણીયલ ગુજરાત’ની સ્તુતિ ગાઈ છે. આ સ્તુતિમાં ‘ગરવી ગુજરાત’નો ‘જય જય’ ગાનાર કવિની કવિતા જેટલો જુસ્સો નથી. વલ્લભનું કવન વખોડવા પ્રયત્ન નથી; પણ આ તુલના પરથી ત્યારની કવિતા ક્ષત્રિયની નહોતી એમ સ્પષ્ટ થશે. શુદ્રનું તો સાહિત્ય નહોતું જ એવી હરેક વાંચનારની પ્રતીતિ થઈ હશે. વેપારીઓનું સાહિત્ય હતું, તેમના ધર્મ અને વ્યવહારનું પ્રતિબિમ્બ હતું. તેમના હૃદયભાવ જે આ સાહિત્યમાં પરાવર્તિત થયા છે તેમાંના ઘણા ગુજરાતની સમસ્ત પ્રજાને સાધારણ હતા. ગુજરાતની દક્ષિણે આવેલા દેશના સાહિત્યથી તેનો રાજકીય ઉત્કર્ષ થયો અને ગુજરાતનો ત્યાંનાં જેવાં જ સાધનો સાહિત્ય બનાવવામાં વપરાયાં છતાં ન થયો—ગુજરાતને તે દેશને આધીન થવું પડ્યું. આની કૂંચી પણ ગુજરાત વેપારીનું નગર અને તેનું સાહિત્ય વેપારીનું હતું એમાંથી મળશે. ગુજરાતની ભાષા કુમળી તેમ જ તેનું સાહિત્ય પણ કુમળું છે. આ કુમળા સાહિત્યનું લક્ષણ સ્ત્રીનું છે. તેથી જ ગુજરાતી સાહિત્યમાં કોઈ ‘ચિરંજીવ સ્થૂલ’[8] ઉપજાવી શક્યું નથી. ગુજરાતનો સાહિત્યપ્રવાહ પ્રથમ રમણ-હૃદયમાંથી જ વહ્યો છે, અને તેનો જ આત્મા સમગ્ર સાહિત્યમાં વસી રહ્યો છે. રા. જટિલ કહે છે, ‘નરસિંહની ગોપીઓ, દયારામની રાધા અને મીરાં પોતે વિશ્વના નાથ પાસે ભક્તિ માગીને અબળાતુલ્ય માની પોતે તેમાં ભળે છે અને એ વિશ્વના નાથ સાથે જ અનન્ય ભાવે સંલગ્ન થવા વળી જાય છે.’ રા. જટિલ વળી જણાવે છે કે આ વિશ્વવૃત્તિ ‘વિરહ માસના’ લખનારાઓથી ગૃહવૃત્તિ તરીકે પ્રકટી છે. પ્રેમાનંદનાં કાવ્યોમાં લલતાના સ્વભાવનું અને હૃદયનું જેટલું આલેખન છે તેટલું પુરુષના સ્વભાવ અને હૃદયનું નથી. સ્ત્રીઓના ગુણઅવગુણ એણે વર્ણવ્યા છે, અને તેમના દુઃખમાં એ રડ્યો છે, તેમની ખાંપણો હસી કાઢી છે. પ્રેમાનંદે હૃદયમાં વિકાસ આણવા મન લગાડયું હતું, શામળે બુદ્ધિના પ્રભાવને કેળવવાનું ધ્યાનમાં લીધું હતું. શામળ સ્ત્રીઓના બુદ્ધિચાતુર્યના બયાન આપે છે. તેઓના હૃદયમાં નથી પેસી શકતો અને તેથી જ તેમના ઘણા અવગુણ ગાયા છે. બુદ્ધિથી કાર્યોનું વિચરણ કરનારને ઘણી ખોડખાંપણ જણાઈ આવે એ સહજ છે. ગુજરાતનું સાહિત્ય વેપારી અને સ્ત્રીઓનું છે. તે અમારું કહેવું હવે સ્પષ્ટ થયું હશે. ગુજરાતના લેખકોને રાજાઓનો આશ્રય મળ્યો નથી, વેપારીવર્ગનો જ મળ્યો છે. આ વર્ગમાં કણબીનો સમાસ થાય છે. રખીદાસે શામળને આશરો આપ્યો હતો અને પ્રેમાનંદને ધનાઢ્ય મિત્રો હતા જે ગાંઠને ખરચે તેનાં કાવ્યોની નકલ કરાવી બધે મોકલતા. આ સાહિત્યમાં સ્વાનુભવરસિકતા છે, સર્વાનુભવરસિકતા નથી. નાટક કે આખ્યાનના સૂક્ષ્મ નિરીક્ષણથી જણાશે કે તેઓ એક જ પાત્ર પર આવી રહે છે. આના ઉપરથી ‘ચિરંજીવસ્થૂલ’ના અભાવનો પણ ખુલાસો થશે. આપણા સાહિત્યનું લક્ષણ બતાવ્યું. આ સાહિત્યથી જનસમૂહ પર શી અસર થઈ? સાહિત્યના પ્રદેશમાં ઊંચનીચ, સ્ત્રીપુરુષ, વિદ્વાન મૂર્ખનો ભેદ રહ્યો, મન અને હૃદય પર વળેલાં પડ ઊખડી ગયાં. સાહિત્યની રંગભૂમિમાં–પ્રારંભમાં કહ્યા મુજબ–રોવા, હસવા, સુખદુઃખનાં, મૂર્ખાઈનાં, અનીતિનાં નાટકો જનસમૂહે જોવાં–પરતંત્ર રહી સાહિત્યની પાંખમાં સ્વતંત્રતા અનુભવી. હૃદય અને બુદ્ધિની વિશાળતા ઊપજાવી શકાઈ. પ્રશ્ન ઊઠશે કે આવું હતું તો ગુજરાતમાં અનીતિ અટક્યા વિના ચાલુ રહી? સાહિત્યે ચાલુ સંસ્થાના સુએશ ગ્રહી જનમંડળ સન્મુખ મૂક્યા. આથી સંસ્થાને કોરી ખાનાર કીડા ભણી કોઈની નજર ગઈ નહિ. સાંસારિક અધોગતિ સામે કે ધાર્મિક અવનતિ વિરુદ્ધ અવિરત લડાઈ ચલાવાઈ નથી. આ ભૂમિકા ઉપલી ભૂમિકાનું દર્શન કરાવવાનો હેતુ હોવાથી આ તેમના અર્થાત્ સાહિત્યકારોના લક્ષ્ય બહાર રહ્યું અને તદનુસાર તેમના – સ્વદેશીઓના પણ ધ્યાનમાંથી ખસ્યું. આ સાહિત્ય ઉત્પન્ન કરનારામાં કવિત્વ કે કલા હો કે ન હો પરંતુ તેમણે તેમનું જીવન સાફલ્યને પમાડ્યું છે. તેમનું કાર્ય સમાપ્ત થયું છે. નવા યુગ સાથે નવું સાહિત્ય ઘડનારાઓનું પોતાના સ્વદેશીઓની ખરી નસ ઝાલી તેમાં માફક આવે એવું રક્ત રેડવાનું કર્તવ્ય સાધવા જતાં નવા યુગના નવા પવનની ધૂનમાં જૂનાની સેવા ભૂલી – વખોડી કૃતઘ્ન ન બનતાં તેમના આત્માને યોગ્ય નિવાપાંજલિ અર્પાશે એવી આશા છે. તેમની કદર બુઝાઈ તેમના સ્મરણ કરવા યોગ્ય પ્રયાસ થાઓ.

ઉપસંહાર

ગુજરાતની ધાર્મિક અને સાંસારિક સ્થિતિ નિહાળી ગયા. બન્નેની સારીનરસી અવસ્થા ભિન્ન ભિન્ન લેખકોથી જાણી. જે કાળ આપણે વર્ણવ્યો તેને થોડા આંતરે[9] કૃષ્ણરામે ‘કળીકાળના વર્ણન’માં જે વર્ણન આપ્યું છે તે અને જે વર્ણન હમણાં આપણે પૂરું કર્યું તેમાં કાંઈ ફેરફાર લાગે છે? કૃષ્ણરામે વિસ્તારથી કેટલીક વાતોનું વર્ણન આપ્યું છે, તેમ જ એ વર્ણન અમુક દૃષ્ટિબિન્દુથી લખાયું છે. આ સિવાય ઝાઝો મહત્વનો ભેદ નથી. પ્રેમાનંદના કાળની સ્થિતિ તેના પછીના શતકમાં પણ ચાલુ રહે ને પાછી આપણા કાળ સુધી ચાલી આવે. આ બધા ઉપરથી ગુજરાતીઓની જડતા અને અયોગ્ય સંરક્ષકતાનો ક્યાસ થઈ શકે છે. વિ. સં.ના અઢારમા શતકની સ્થિતિ પરથી આપણા ભવિષ્યના ધાર્મિક, સાંસારિક, ઔદ્યમિક અને પ્રજાકીય ચણતર ચણાવવામાં જોઈતો બોધ મળી શકશે. આ બોધના ઉપયોગ એ સારુ જ આ લેખ લખવામાં આવ્યો છે. આ બોધનું રેખાદર્શન આપીએ છીએ. આ ભૂમિમાં વૈશ્યત્વને પ્રાધાન્ય છે. આની સાથે સંયુક્ત સાહસિકતા, ઉત્સાહ, નીડરપણું, વિશાળતા આદિ ગુણો દરેક જણે કેળવવા. સંસારમાં કીર્તિસાનુએ ચડી જવાની કે મૃત્યુ પછી મોક્ષ મેળવવાની જુદી જ પ્રણાલિકામાં વહેવડાવી આપણી પ્રજાના સમુત્કર્ષ સારું આપણા ગુણોની બુદ્ધિ અને દુર્ગુણોનું નીંદણ કરવું જરૂરનું છે. કર્મને બાજુએ મૂકો, પુરુષપ્રયત્નને સજડ વળગો. ખોટી લોકલજ્જા દૂર કરી યોગ્ય વર્તન આચરો. ભેદ અને અંશને સ્થાને યોગ્ય સામ્ય દરેક સ્વદેશી—પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય, બ્રાહ્મણ હોય કે ભંગીઓ હોય—ની વચ્ચે થાઓ. અમારા ભૂતકાળમાં અમે જાહોજલાલી ભોગવી છે, અમારા પૂર્વજો ત્રિકાળદર્શી હતા અને તેઓનાં કાર્યો ઝળહળાટભર્યાં છે, એટલું જ જાણી બેસી રહેવાનો હવે કાળ નથી. આપણી રૂઢિમાં જે અનર્થો હોય તે સિદ્ધાંત રૂપે રૂઢિયોગ્ય હોવાથી કાઢવા પ્રયત્ન કરવો એ આપણી પ્રજાને આત્મઘાત થવા જેવું છે. રૂઢિની યોગ્યતા નથી વિચારવા જેવી, પરંતુ તેની રૂએ ચાલતા અનર્થો ધ્યાનમાં લઈ તે અનર્થો નહિ થાય તે માટે ઉપાય યોજવા એ સર્વનું કર્તવ્ય છે. પ્રેમાનંદે ગુજરાતી ભાષાના ઉદય સારુ અનેક પ્રયાસ કર્યા હતા, અને ‘ગુર્જરાણાં મુખં ભ્રષ્ટમ્’ કહેનારના મુખમાં તે ધૂળ નાખી શક્યો હોત. તેના પુત્ર વલ્લભે ‘ગુણીયલ ગુજરાત’ની સ્તુતિ પ્રમાણે તેના પ્રતિ પોતાનો ભાવ દર્શાવ્યો હતો. તો જે કાળમાં આવી ઉત્તમ ભાવનાઓ વ્યક્ત થઈ તે કાળનું અવલોકન સમાપ્ત કરતાં આટલી ભાવનાઓ તૃપ્ત થાઓ : ‘ભારતવર્ષના પ્રજાકીય ઉદયમાં આ દેશ વિશેષ ઘૂમો અને અનંત સુખશાંતિ અનુભવો.’ ‘કુરુક્ષેત્રના સમરક્ષેત્રમાં સ્વજનના સંહારથી અટકતા પાર્થને શ્રીકૃષ્ણે જે ઉપદેશ આપી તેના કર્તવ્યે નિયુક્ત કર્યો હતો તે ઉપદેશ અને ઉપદેષ્ટાનો આત્મા ગુજરાતીઓના – શ્રીકૃષ્ણની રાજ્યભૂમિના વાસીઓના જીવનમાં ભળો અને જગત કુરુક્ષેત્રમાં ચાલતા મહાભારત યુદ્ધમાં ગુજરાતીઓ ઉદ્યુક્ત થાઓ.’


  1. વલ્લભ ભટ્ટ, વલ્લભ, જગજીવન, રત્નો, શિવાનંદ, ચંદઉદે, દ્વારકાદાસ, રત્નેશ્વર, વીરજી, હરિદાસ, નરહર, ગોવાલ, બોટક, તુલસી, દ્વારકો, જીવરામ, જીવન, ધનદાસ, હરદેવ સ્વામી, મહોદન, વીરવિજય, મોહનવિજય, નેમવિજય, જીનહર્ષ, ઉદયરત્ન, સમયસુંદર છે.
  2. આ બાઈ સોળ વર્ષની હતી અને તેનો સ્વામી એંશી વર્ષનો હતો. જાતની નાગર હતી. જરઠ વિવાહ(મરાઠી નાટક शारदा રચનાર રા. દેવલનો શબ્દ)ના દુઃખમાંથી છૂટવા ગોરમા ને પ્રાર્થે છે.
  3. રા. ગો. હા. દેસાઈ કૃત ‘ગુજરાતનો અર્વાચીન ઇતિહાસ’ પૃ. ૧૦૯.
  4. ‘રાવણ મંદોદરી સંવાદ’માં શામળે જુદી જુદી નાતોની ભાવના (?) વર્ણવી છે.
  5. ભાઈબહેન પણ જે કાળમાં એકઠાં ન બેસી શકે, તથા જ્યાં કુમારી અવસ્થાથી (girlhood) કન્યાઓ અનભિજ્ઞ હોય છે, તેમ જ જ્યાં કાચી ઉંમરમાં પત્ની અને માતા થવું પડે છે ત્યાં તે કાળમાં બહેનના વહાલમાં ફૂટતી સેરોમાં નાનો ભાઈ જોવો એ શશવિષાણ જોવા જેવું છે. આપણા સાહિત્યમાં ભાઈબહેનના સંબંધનું યથાસ્થિત દર્શન કરાવનાર રા. પ્રેમભક્તિ છે. (જુઓ તેમનાં, ‘વિશ્વવિક્રમમાં લગ્નનો શો હેતુ છે; ‘હમારા સ્નેહ’ ઇત્યાદિ)
  6. કૉલરિજ
  7. સંસ્કૃ નાટકોનું અનુકરણ કરી લખાયેલા નાટકાદિ ગ્રંથો સિવાય.
  8. રા. જટિલ
  9. વિ. સં. ૧૮૯૫ માં