રણજિતરામ ગદ્યસંચય – ૨/વિદ્યાપતિ
જનક અને સીતાની ભૂમિ મિથિલા ભારતમાં અવિજ્ઞાત નથી. કાળના સ્ત્રોતમાં જનક અને તેના વંશજો વિલય પામ્યા પછી મિથિલા પર અનેક સંસ્કાર વીત્યા. ભારતવર્ષમાં નાનાવિધની ધાર્મિક અને રાજકીય પરિક્રાંતિ થઈ. ગુપ્ત રાજાઓના સમય પછી સંસ્કૃત સાહિત્ય વિકસવા લાગ્યું : વૈષ્ણવ, શૈવ ને શાક્ત સંપ્રદાયો બૌદ્ધ અને વૈદિક ધર્મને સ્થળે પ્રસરવા માંડ્યા. બૌદ્ધ ધર્મ, વૈષ્ણવ ધર્મમાં રૂપાન્તર પામ્યો, ભક્તિવાદનો ઉદ્ભવ થયો. ભક્તિની ઉત્કૃષ્ટ કોટિ રાધાકૃષ્ણના શૃંગાર દ્વારા જનસમાજ સમક્ષ અર્પાઈ. લલિત, મનહર ને રસપૂર્ણ વિચાર અને ભાષામાં જયદેવે ઈ. સ. ના ૧૨મા સૈકામાં અમર ‘ગીત ગોવિંદ’ લખ્યું. વૈષ્ણવોમાં આ ગ્રંથની પ્રબળ અસર થઈ. આજથી ૫૦૦ વર્ષ પર મિથિલામાં મહારાજા શિવસિંહના વખતમાં વિદ્વાનોને સારો આશરો મળવા લાગ્યો. મહારાજા શિવસિંહના રાજપંડિત તે વિદ્યાપતિ. ‘પુરુષ પરીક્ષા’, ‘દુર્ગાભક્તિતરંગિણી’ વગેરે સંસ્કૃત ગ્રંથો એની કૃતિ છે. પ્રાકૃત વર્ગને ઉન્નત સ્થિતિએ પહોંચાડવા જે ભાષા તેઓ બોલતા હોય તે ભાષામાં ઉપદેશ આપવાનો રિવાજ બુદ્ધદેવે પહેલો કાઢ્યો. વૈષ્ણવ સંપ્રદાયનું સ્વરૂપ અશિક્ષિત પણ સમજી શકે માટે મૈથિલી ભાષામાં વિદ્યાપતિએ ઘણાં પદો લખ્યાં. તે વખતે મૈથિલી અને બંગાળી ભાષા લગભગ સરખી જ હતી. તેથી તેમ જ બંગાળી સાહિત્ય પર વિદ્યાપતિની છાયા પડવાથી બંગાળીઓ એને પોતાનો આદ્ય કવિ ગણે છે. પદ્મનાભ અને નરહરની ગુજરાતી તથા આજની ગુજરાતી વચ્ચે જેવો ફરક છે તેથી પણ વધારે વિદ્યાપતિની મૈથિલી ને આજની બંગાળીમાં છે. મીરાંબાઈ, કબીર, તુલસીદાસ, સુરદાસ વગેરેનાં હિંદી કવનો આપણે ત્યાં ઘસાઈ ગુજરાતી જેવાં થયાં છે તેમ વિદ્યાપતિનાં કેટલાંક મૈથિલ પદો ઘસાઈ બંગાળી બન્યાં છે. મીરાં, નરસિંહ, કબીર વગેરેને નામે નમાલાં પદો ગુજરાતમાં સેંકડો મળી આવે છે તેમ વિદ્યાપતિનાં ક્ષેપક પદની અછત નથી. જેમ નરસિંહ મહેતાએ પ્રેમલક્ષણા ભક્તિ ઉપરાંત જ્ઞાનનાં પદો લખ્યાં છે તેમ વિદ્યાપતિએ શિવશક્તિનો મહિમા પણ ગાયો છે. વિદ્યાપતિનાં કવનનું પૂર ૬૦૦ પદ જેટલું થાય છે. દરભંગાના મહારાજા તરફથી એ પદોનો સંગ્રહ અલ્પ સમયમાં પ્રસિદ્ધ થનાર છે. એમ કહેવાય છે કે તિર્હૂતમાં જન્મ, જનોઈ, લગ્ન વગેરે ટાંકણે જે ગીતો ગવાય છે તે પણ વિદ્યાપતિનાં છે. વિદ્યાપતિનાં કવનમાંથી થોડા ઉતારા નીચે આપીએ છીએ.
સાંઝહિ નિઅ મુખપ્રેમ પિયાઈ,
કમલિનિ ભમરા રખલ છિપાઈ.
સેજ ભેલ પરિમલ ફૂલ ભેલ બાસે,
કતય ભમરા મોર પરલ ઉપાસે.
ભમી ભમી ભમરી વાલભુ નિજ ખોજે,
મધુ પિવિ મધુકર સુતલ સરોજે.
નૈ ફૂલ કહેસ નૈ ડગૈત સૂરે,
સિનેહો નૈ જાય જીવ સો મોરે.
કેઓ નૈ કહે સખી વાલભુ બાતે,
રૈન સમાગમ ભૈ ગેલ પ્રાતે.
ભનહિ વિદ્યાપતિ સુનિએ ભમરી,
વાલભુ અછિ તોર અપનહિ નગરી.
ભાવાર્થ: સાંજનાં અધરરસ પાઈ કમળે ભમરાને છુપાવી રાખ્યો. ફૂલના નિવાસમાં પરિમલની પથારી પર ભમરો સૂતો, બધે ભટકી ભટકી ભમરી વલ્લભને ખોળે છે ને પૂછે છે કે મારો ભમરો ક્યાં ભૂખ્યો ફરે છે? ફૂલ કંઈ ઉત્તર આપતું નથી. સૂર્ય ઊગતો નથી કે મારી મૂંઝવણ મટે; વિરહથી જીવ પણ નથી નીકળી પડતો. હે સખી, વાલમની ખબર કોઈ નથી આપતું. રાતે મળવાનાં હતાં પણ આ તો પોહ ફાટ્યો. વિદ્યાપતિ કહે છે કે હે ભમરી તારો વાલમ તો પોતાની જ નગરીમાં છે.
હરિ ધરૂ હાર ચેડકિ પરૂ રાધા,
આધ માધવ કર ગિમ રહુ આધા.
કપટ કોપે ધનિ દિઠ ધરૂ ફેરી,
હરિ હસિ રહલ વદન વિધુ હેરી.
મધુરિમ હાસ ગુપન નહિ ભેલા,
તખને સુમુખિ મુખચુંબન દેલા.
કરે ધરૂ કૂચ આકુલિ ભેલિ નારી,
નિરખિ અધર મધુ પિવએ મુરારી.
ચિકુરે ચમરે ઝરૂ કુસુમક ધારા,
પિવિ કહું તમ જનું વમ નવ તારા.
વિદ્યાપતિ કહ સુનર વાની,
હરિ હસિ મિલલિ રાધિકા રાની.
ભાવાર્થ: પાછળથી છાનાંમાનાં આવી હરિએ રાધાનો હાર પકડ્યો એટલે રાધા ચમકી. અર્ધો હાર હરિના હાથમાં રહ્યો અને અર્ધો રાધાના ગળામાં રહ્યો. હરિ સામાં રાધાએ આંખ કોપથી ચડાવી, તેનું ચંદ્રમુખ જોઈ હરિ હસ્યા. એટલે રાધાનું હાસ્ય પણ છૂપું નહિ રહ્યું. પછી બંનેએ શૃંગારચેષ્ટા કરી; તેથી રાધાના કેશમાંથી ફૂલ ખર્યાં તે જાણે કે તમસ્ કંઈ પી આવી નવા તારા નહિ વમતું હોય! હસીને રાધા હરીને મળી — આ એક પ્રકારનું ચિત્રકાવ્ય છે. ખીલેલી ચાંદનીમાં રાધાકૃષ્ણના વિહાર જણાઈ જાય માટે અંધારી મેઘલી રાતે રાધા અભિસારને ઠેકાણે જતી. એક પૂનમે દૂતી આવી રાધાને વિનવે છે કે :
આજ પુનિમા તિથિ જાનિ મોયે ઐલિહુ
ઉચિત તોહર અભિસાર,
દેહ જોતિ સસિ કિરન સમાઈતિ
કે વિભિનાવય પાર.
સુંદરિ અપનહુ હૃદય વિચારી,
આંખિ પસારિ જગત હમ દેખલ
કે જગ તુઅ સનિ નારી.
તોહે જનું તિમિર હીત કય માનહ
આનન તોર તિમિરારી,
સહજ વિરોધ દૂર પરિહર ધનિ
લય ઊઠી જતય મુરારિ.
દૂતી વચન હીત કય માનલ
ચાલક બેલ પચવાન,
હરિ અભિસાર ચલલિ વર કામિની
વિદ્યાપતિ કવિ ભાન.
‘આજ પૂનમ જાણી હું આવી છું. આજનો દિવસ તારા અભિસારને યોગ્ય છે. તારા દેહની જ્યોતિ જ્યોત્સ્નામાં સમાઈ જશે ત્યારે ભેદ કોણ પારખી શકશે? હે સુન્દરી! મેં વિચાર કર્યો છે, જગતમાં બધે નજર ફેરવી જોઈ છે કે તારા સમાન બીજી કઈ નારી છે? અંધકાર તને હિતાવહ નથી કારણ તારું મોં એનું દુશ્મન છે. કુદરતનો તેજ તિમિરનો વિરોધ બાજુ પર રાખી ઊઠ ને મુરારિ પાસે ચાલ. દૂતી વચન સાંભળી રાધા હરિ પાસે ગઈ.’ આના જેવી યુક્તિ ક્યાં લડાવાઈ છે? દયારામનાં પદોમાં આવાં દૃષ્ટાંત મળી આવશે. આવાં પદોમાં અનુપમ સૌરસ્ય રહેલું છે. કૃષ્ણભક્તિ ગાનારનાં પદો શૃંગારી – વિષયાત્મક ગુજરાતમાં જ લેખાયાં નથી, બંગાળમાં પણ એ જ દોષ તેમના પર આરોપાયો છે. વિદ્યાપતિનાં પદો પણ એ આરોપથી મુક્ત રહ્યાં નથી. નીચે આપેલું પદ રાધાનું વિશુદ્ધ, ઉન્નત, નિઃસ્વાર્થ હૃદય બતાવે છે:
સુનુ રસિઆ,
આવ નૈ બજાઉ વિપિન વસિઆ.
બાર બાર ચરણારવિન્દ ગહિ
સદા રહબ વનિ દસિઆ,
કિ છલહું કિ હોયબ સે કે જાને
બૃથા હોયત કુલ હસિઆ.
અનુભવ ઐસન મદન ભુજંગમ
હૃદય હમર ગેલ ડસિઆ,
નન્દનન્દન તુય શરન ન ત્યાગવ
વનુ જનુ અહૉં દુરજસિઆ.
વિદ્યાપતિ કહ સુનુ વનિતામનિ
તોરે મુખે જીતલ શશિઆ,
ધન્ય ધન્ય તોર ભાગ ગોઆ બિનિ
હરિ ભજું હૃદય હુતસિઆ.
‘રસિઆ, વનમાં તારી વેણુ બજાવવી બંધ કર ને સાંભળ; તારા ચરણારવિન્દમાં હંમેશ દાસી થઈ હું રહીશ. હું શું હતી કે શું થઈશ તે કોણ જાણ છે? કુલની હાંસીની પરવા નથી. મદન ભુજંગ ડંખ્યો છે એવો અનુભવ થાય છે. હેં નન્દનન્દન, તારું શરણું કદી નહિ ત્યાગું. તને કશું કલંક નહિ લાગો. વિદ્યાપતિ કહે છે કે હે ચંદ્રમુખી! તને ધન્ય છે! હૈયાના હુલાસે હરિને ભજ.’ આત્મા પરમાત્માનો સંબંધ દંપતી – પ્રણયીપ્રણયિનીના સંબંધ દ્વારા આવિર્ભૂત કરવાની પ્રથા એશિયામાં સર્વ સ્થળે છે. વૈષ્ણવોએ જગતમાં ફક્ત શ્રીકૃષ્ણ જ પુરુષ છે ને બાકી બધાં ગોપીઓ છે એમ માન્યું. પ્રણયિનીનો આત્માનો પ્રેમ પ્રણયી – પરમાત્મા તરફ્ કેવો હોય અને તે પ્રેમ વિરહ-વિયોગને પ્રસંગે કેવો તીવ્ર દ્રાવક બને છે તેનું દર્શન રાધાકૃષ્ણના સંબંધમાં એવા પ્રસંગો વર્ણવી દર્શાવવામાં આવ્યું છે. રાધાનો વિરહ, વિનીત નિઃસ્વાર્થ સેવકભાવ વગેરે આત્માની એવી સ્થિતિઓ સૂચવે છે. સંસારમાં જન્મનાર આત્મા પરમાત્માથી વિખૂટો પડે છે - વિરહ સાલે છે ત્યારે સાધુઆત્મા વ્યથિત થાય છે. વ્યથાની વેદના અસહ્ય હોય છે પરંતુ શ્રદ્ધા સ્થિર રહે છે. આત્માપરમાત્માનો વિરહ સ્ફુટ કરવા રાધાકૃષ્ણનો વિરહ ચીતરાયો છે. વિરહી રાધાનું આર્તજીવન મૂર્ત કરવા ભારતના કવિઓ, શિલ્પીઓ અને ચિતારાઓએ ભાવભરી સ્પર્ધા કરી છે. રાધાની વિરહી દશાનું એક ચિત્ર વિદ્યાપતિ નીચે મુજબ આલેખે છે :
અનુખન માધવ માધવ સુમિરૈન
સુન્દરિ ભેલિ મધાઈ,
ઓ નિજ ભાવ સોભાવહિ વિસરલ
અપન ગુન લુવધાઈ.
માધવ અપરૂવ તોહર સિનેહ,
અપને વિરહે અપન તનુ જર જર
જિવઈ તે ભેલ સંદેહ.
ભોરહિ સહચરી કાતર દિઠી હેરિ
છલ છલ લોચન પાની,
અનુખન રાધા રાધા રટતિહિ
આધા આધા કહુ વાની.
રાધા સઁ જવ ગુનતહિ માધવ
માધવ સઁ જવ રાધા,
દારૂન પ્રેમ તવહુ નહિ ટૂટત
વાઢત બિરહક વાધા.
દુહુ દિશ દારૂ દહને જૈસે દગધઈ
આકુલ કીટ પરાન,
ઐસન વલ્લભ હેરિ સુધામુખિ
કવિ વિદ્યાપતિ ભાન.
અનુક્ષણ ‘માધવ’, ‘માધવ’ કરતાં સુંદરી ‘મધાઈ’(માધવનું કોમળ વહાલપડુ સંક્ષિપ્ત સ્વરૂપ) થઈ ગઈ. પોતાના ગુણમાં એટલી ક્ષુબ્ધ થઈ ગઈ કે પોતાનાં ભાવ સ્વભાવ વીસરી ગઈ. માધવ! તારો સ્નેહ અલૌકિક છે. માધવના રૂપમાં રાધાથી(પોતાથી) વિરહ કલ્પવાથી તેની કાયા લથડી પડી છે; તે જીવશે કે નહિ તે સંદિગ્ધ છે. પોતાનું રાધાપણું તદ્દન વિસારી સહચરી તરફ દયાભરી નજર નાંખે છે, આંખ આંસુથી ઉભરાઈ જાય છે, ને થડકાતા – ધ્રૂજતા સ્વરે ‘રાધા’ ‘રાધા’ બોલી તેનું રટન કરે છે. જ્યારે પોતાને રાધા ધારે છે ત્યારે ‘માધવ’ને રટે છે, માધવ ધારે છે ત્યારે ‘રાધા’ને આમ છતાં દારૂણ પ્રેમ છૂટતો નથી ને વિરહવેદના વધતી જાય છે. બે તરફથી સળગતા લાકડાના કીડા જેવા આકુળવ્યાકુળ થાય છે તેથી વિદ્યાપતિ કહે છે કે હે વલ્લભ (માધવ) હું રાધાને જોઉં છું.’ પ્રેમભક્તિની આ પરાકોટિ છે. અહંભાવ વિલુપ્ત થાય છે, દ્વૈધીભાવ અદ્વૈતમાં વિરમે છે ને ‘તત્ત્વમસિ’ની દશા પ્રાપ્ત થાય છે. વિષયનાં – જગતનાં પડળ ખરી પડે છે અને ધર્મનું ભવ્ય સનાતન તત્ત્વ ગોચર થાય છે. વિરહ, વિયોગનાં અવસાનકાળે સંયોગ કલ્પાય છે ત્યારે રાધા આવા ઉદ્ગાર કાઢે છે :
હાથક દરપન માથક ફૂલ,
નયનક અંજન મુખક તામ્બુલ.
હૃદયક મૃદમદ ગીમક હાર,
દેહક સરવસ ગેહક સાર.
પાખિક પાંખ મીનક પાનિ,
જીવક જીવન હમ તુહુ જાનિ.
તુહુ કૈસે માધવ કહ તુહુ મોય,
વિદ્યાપતિ કહ દુહુ દોઉ હોય.
‘હે માધવ, તું હાથનું દર્પણ, માથાનું ફૂલ, નયનનું અંજન, મુખનું તામ્બુલ, છાતી પર ચોપડેલી કરતૂરી, ગળાનો હાર, દેહનું સર્વસ્વ, ઘરનો સાર છે તે હું જાણું છું’ આવી રીતે રાધા માધવને કેવી સન્માને છે તે બતાવે છે. માધવના ગુણની કિંમત કરતાં રાધા અનુભવે છે કે તે ‘પંખીની પાંખ, માછલાંનું પાણી, જીવોનું જીવન’ છે. તે રાધાનો વલ્લભ છે એટલું જ નહિ પરંતુ બ્રહ્માંડનો પણ સ્વામી છે. આટલા અનુભવે પણ તૃપ્તિ નથી થતી, પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી ઓળખી શકાતું તેથી રાધા પૂછે છે કે હે માધવ તું કોણ છે તે મને કહે. વિદ્યાપતિ કહે છે કે બંને એક જ છે. આમ કવિએ આઠ લીટીમાં પ્રેમ અને તત્ત્વચિંતનનાં અગાધ તત્ત્વો સમાવી દીધાં છે. પ્રેમ–ભક્તિનો ગમે તેટલો, ગમે તેટલાં વખત સુધી અનુભવ–ઉપભોગ કર્યો હોય છતાં તૃપ્તિ થતી નથી. તૃષ્ણા મટતી નથી. તૃપ્ત થતાં તૃષ્ણા ઓર વધતી જાય છે. આ સ્થિતિ પણ વિદ્યાપતિનાં પદોમાંથી મળી આવે છે. એક સખીએ રાધાને તેના વિહાર અને વિરહ સંબંધી પૂછયું ત્યારે તેને રાધા કહે છે :
સખિ હે કિ પુછસિ અનુભવ મોય,
સોઈ પિરીતિ અનુરાગ વખાનઈત
તિલ તિલ નૂતન હોય.
જનમ અવધિ હમ રૂપ નિહારલ
નયન ન તિરપિત ભેલ,
સોઈ મધુર બોલ શ્રવનહિ સૂનલ
શ્રુતિ પથે પરશ ન ગેલ.
કત મધુ જામિનિ રભસે ગળાઓલ
ન બૂભલ કૈસન કેલ,
લાખ લાખ જુગ હિય હિય રાખલ
તેઓ હિય જુડન ન ગેલ.
કત વિદગધ જન રસ અનુગમન
અનુભવ કાહુ ન પેખ,
વિદ્યાપતિ કહ પ્રાન જુડાઈત
લાખે ન મિલલ એક.
‘હે સખિ! શું તું મારો અનુભવ પૂછે છે? તે પ્રેમ, અનુરાગ વર્ણવતાં ક્ષણે ક્ષણે તે નવાં થાય છે. જનમ અવધિ તેનું રૂપ નિહાળ્યું પણ આંખ તૃપ્ત ન થઈ; તેનો મધુર બોલ કેટલી બધી વાર સાંભળ્યો હતો પણ હજુ કાને તે અથડાયો જ નથી. કેટલી બધી વસંતની રાત એની સાથે ગાળી હતી છતાં કેલિ શું તે હું જાણતી નથી. લાખો જુગ પર્યંત હૈયે હૈયું મેળવ્યું હતું પણ હજુ હૈયામાં ટાઢક નથી. ઘણાં વિદગ્ધો રસમાં બૂડે છે પણ આવો અનુભવ ક્યાંય પણ નથી. વિદ્યાપતિ કહે છે કે લાખમાં આવો અનુભવી એક પણ મળવો મુશ્કેલ છે.’ મિ. એન. ગુપ્ત, જેમના લેખ પરથી આ હકીકત આપવામાં આવી છે તેઓ વિદ્યાપતિનાં પદો અંગ્રેજી ચતુર્દશપદી સાથે સરખાવે છે. ચતુર્દશપદીનું સ્વરૂપ આ પદોમાં નથી પરંતુ તેનો આત્મા છે. દરેક પદમાં એક જ ભાવ વહે છે. The poems are almost invariably short, but they are chiselled and rounded off with supreme skill that belongs to the born artist. There is an exquisite sense of beauty always present and the imagery is profoundly original & appropriate. The music of the language and the harmony of the verse are wonderfully fascinating, every word being well chosen. There is no attempt at effect, or to put in a single word more than necessary. The lyrical cry sounds true & clear and the roll & swing of the verse fall on the ear like the murmur of a brook. Equally remarkable are the dignity of the diction and the grace of expression. [1] —આ શબ્દોમાં વિદ્યાપતિના કલાવિધાનની પ્રશંસા મિ. ગુપ્ત કરે છે. પ્રારંભમાં કહ્યું છે કે વિદ્યાપતિએ શૈવી પદો પણ ગાયાં છે તેનો એક ઉતારો આપી લેખ પૂરો કરીશું. ભાષા શૈલી, અને કળાવિધાન જેવાં ઉત્તમ પ્રકારે વૈષ્ણવ પદોમાં છે તેવાં શૈવી પદોમાં નથી. નરસિંહ મહેતાની શૃંગારકવિતા કરતાં જ્ઞાનકવિતા આ જ રીતે ઊતરતી છે.
કતહુ સમસધર કતહુ પયોધર
ભલ વર મિલલ સુસોભે,
અધંગ ધઈલિ નારિ ન ગુનલિ નિઅ ગારિ
ગરૂઅ ગૌરિ ગુન લોમે.
આલો શિવ શમ્ભૂ તુમી શિવ શમ્ભૂ
તુમિ જે વધિલો પચવાને,
ગાંગ લાગિ ગિરિભક મનૌલિહે
કકે દેવિ બોલહ મન્દા,
ચરન નમિત ફનિ મનિમય ભૂષન
ઘર ખિખિઆએલ ચન્દા.
ભનઈ વિદ્યાપતિ સુનહ તિલોચન
પઅ પડુજ મોરિ સેવા,
ચન્દલ દેઈ પતિ વૈદ્યનાથ ગતિ
નીલકણ્ઠ હર દેવા.
પાર્વતી શંકરને વરવા તૈયાર થઈ તે મેનકાને નહિ રુચ્યું. પંચબાણ કામદેવને મારનારને પાર્વતી પરણે એ અઘટતું લાગ્યું. ક્યાં શંકર ને ક્યાં પાર્વતી! એના તે એવા શા ગુણથી મોહી પડી કે સગાંવહાલાંની વાતની અવગણના કરી એને વરવા હે ગૌરી તું તૈયાર થઈ છે? (જમાઈ તરફ ફરી તેને કહે છે) અરે શિવશમ્ભુ, પંચબાણને મારનાર તમે જ કે? પંચબાણને મારીને પરણવા તૈયાર થનાર શમ્ભુની મેનકા મશ્કરી કરે છે. શમ્ભુ કહે છે કે પાર્વતીને માટે તો કેટલી મુસીબતો વેઠી છે. ગંગાને સમજાવવી પડી છે. ગળાનાં મણિમય નાગો, માથાના ચંદ્ર વગેરેને ઠેકાણે લાવવા પડ્યા. વિદ્યાપતિ કહે છે કે હે ત્રિલોચન, વૈદ્યનાથ, નીલકણ્ઠ, હર, ચન્દલ દેવીના પતિ તારા ચરણકમલમાં આ દાસની સેવા સ્વીકારજે. મિથિલા – બંગાળના આદ્યકવિ વિદ્યાપતિની સહેજ ઝાંખી અત્રે કરાવાઈ છે.
- ↑ ધી હિંદુસ્તાન રિવ્યૂ, નવે.-ડિસે. ૧૯૦૪