રણજિતરામ ગદ્યસંચય – ૨/‘વસન્તોત્સવ’

‘વસન્તોત્સવ ’[1]

બન્ધુઓ, શું આ સુંદર અને જીવન્ત ચિત્રાવલિ કવિતા નથી? શું આપણે થોડીઘણી મરેલી મૂર્તિઓ રાખી મૂકવાના લોભથી જીવતી મનોહર મૂર્તિઓની અવગણના કરીશું? નહીં, નહીં. × × × × વસન્તોત્સવ જેવાં કાવ્યોમાં આપણે શકુન્તલા અને તેની સખીઓના સરખી સુખી બાલાઓને પ્રભુમાંથી ઊતરતી. આશા અને આસ્થા અને દયાની મૂર્તિઓની માફક સૌન્દર્યરસમાં સ્નાન કરતી નિહાળીએ છીએ. જે રૂપમાં કવિતા વસી શકે તે રૂપ કવિતાનું સમજવું જોઈએ. બન્ધુઓ, આપ જુઓ છો કે સૌંદર્યવર્ણનમાં આપણા નવીન કવિની કલા કંઈ કંઈ નવીન અને રમણીય ચમત્કારો આપણને બતાવી શકે છે. પણ હૃદયભાવના પ્રદર્શનમાં કવિની વાણી સરળ અને પ્રબોધક હોવા છતાં આત્માને સ્પર્શે તેવી પ્રલયવાહી હજી સુધી બની શકી નથી. તરલતા, ગતિશક્તિ, મુક્તિની અને પ્રભુની પ્રીતિ એ મોટા ગુણ એ કવિહૃદયમાં છે— कान्त ૨૮-૬-૧૯૦૫ ‘પ્રથમ સાહિત્ય પરિષદનો રિપોર્ટ.’ ઇન્દુકુમાર, જયા અને જયન્ત, નાના નાના રાસ, ભગવદ્ગીતા ભાષાંતર આદિ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ અને ભૂષિત કરે, ગુજરાતનું જીવન સુંદર, ઉન્નત અને વિશુદ્ધ કરે એવા ગ્રંથોથી રા. નાનાલાલ દલપતરામ કવિ ગુજરાતીઓને હવે એટલા બધા પરિચિત થયા છે કે એમની ખાસ ઓળખાણ કરવાની જરૂર પડતી નથી. એમના કવિજીવનના પ્રારંભમાં જે વર્ગ તરફથી એમની કવિતા પ્રત્યે વિરોધ ઊભો થયો હતો તે વર્ગનો વિરોધ હજી પૂરેપૂરો સમ્યો નથી છતાં એમની કવિતા દિવસે દિવસે ગુજરાતમાં વિશેષ આદર અને પ્રશંસાપાત્ર થતી જાય છે. સમયમાં, જે કાવ્યથી ઉક્ત વિરોધ જન્મ્યો હતો તે કાવ્યના ગુણોની આલોચના કરવા ઉત્સાહ થાય છે. એ વિરોધ શા માટે જન્મ્યો હતો? કવિની નવી કૃતિઓથી તે કેટલે દરજ્જે વિશમ્યો? એ પ્રશ્નો આ લેખમાં છેડવાની જરૂર નથી. રા. નાનાલાલની પ્રસિદ્ધ કવિતાઓમાં ‘વસન્તોત્સવ’નું કેવું સ્થાન છે? તે પ્રશ્ન પણ નહીં ચર્ચીએ. એ કાવ્યમાં શું છે? રા. નાનાલાલનાં કયાં લક્ષણો એમાં છે? એવા પ્રશ્નોનો ઉત્તર આ લેખમાં આપવા પ્રયત્ન છે. શરૂઆતમાં કાવ્યનું ઇતિવૃત્ત આલેખવાથી પરિચય સરલ અને સત્વર થશે. એક ગામ હતું. તેની પાસે ઉપવન હતું. અંગ્રેજી કે મુસલમાન પદ્ધતિનો બગીચો નહિ પણ સંસ્કૃત સાહિત્યમાં વર્ણાયેલું કુદરતથી જ રચાયેલું નાનું વન હતું. ઉપવનમાં સરોવર(તળાવ) હતું. સરોવરની પૂર્વે વડનાં ઝાડ હતાં. તેમની પાછળ ગામ હતું. સરોવરની પશ્ચિમે લીલા આંબાની કુંજ હતી. આ કુંજ મહીં નાનકડું સરોવરિયું હતું. ગામની વસ્તીમાંથી જે પાત્રો આ કાવ્યમાં સ્થાન પામ્યાં છે તેમનાં નામ અને સંબંધ દર્શાવીએ. રમણલાલ, તેનો નાનો ભાઈ નયન અને વિધવા બેન વિલસુ; સૌભાગ્યચંદ્ર અને તેની નાની બેન કુસુમ્બી; સુભગા નામની કુંવારી યુવતી; તારા નામની બાલિકા. આ ઉપરાંત રમણલાલનાં માબાપ અને વિલસુ સુભગાની સહિયરો વિશે વિવિધ ઉલ્લેખ છે પણ તેમનાં નામ નથી આપવામાં આવ્યાં. અમદાવાદના પ્રાર્થનાસમાજના માસિક ‘જ્ઞાનસુધા’માં ઈ. સ. ૧૮૯૭માં આ કાવ્ય પહેલવહેલું છપાયું ત્યારે રા. બ. રમણભાઈએ એના સંબંધમાં પાદટિપ્પણ લખ્યું હતું. તેમાં કાવ્યનાં વલણ અને અંતઃસ્થ સૂચનો પરથી પાત્રો બ્રહ્મસમાજી હોવાનું જણાવ્યું હતું. આ કાવ્ય નિરાળા પુસ્તક રૂપે ઈ. સ. ૧૯૦૫ માં છપાયું. આ અંતરાળમાં કવિને થયેલા આધ્યાત્મિક અને સામાજિક અનુભવોને પરિણામે આ કાવ્ય પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરતી વખત પાત્રો બ્રહ્મસમાજી હોવાનાં સ્પષ્ટ સૂચનોમાંથી કેટલાંક કમી કરવામાં આવ્યાં છે. જે અવશિષ્ટ રહ્યાં છે તેનું, ઇતિવૃત્તના પ્રવાહમાં યોગ્ય સ્થળે નિદર્શન કરાશે. રમણ અને સુભગાનું જેવું પ્રેમી યુગલ છે તેવું જ સૌભાગ્યચંદ્ર અને વિલસુનું છે. નયન અને કુસુમ્બી બાળક છે છતાં તેમના વ્યવહારમાં ભવિષ્યના પ્રેમનાં બીજ વવાતાં જાય છે. સ્નેહને લીધે જ લગ્ન કરવાનાં હોય ત્યારે સ્નેહના જનન અને પોષણ અર્થે જે વ્યવહાર સ્ત્રીપુરુષો વચ્ચે ચાલે છે, તેને સંવનન(courtship) કહે છે. યુરોપના દેશોમાં આવો વ્યવહાર અદ્યાપિ પ્રચલિત છે. આપણા દેશમાં પણ એ એક કાળે હતો. અંગ્રેજી આચારવિચાર અને આપણા પ્રાચીન વિચારોના પરિચય અને સહવાસને લીધે આપણાં આધુનિક જીવનમાં સ્નેહને અપાતું હતું તેથી વિશેષ પ્રધાનસ્થાન લગ્નસંબંધમાં આપવા તીવ્ર અને પ્રબલ વાંછના જન્મતી જાય છે. મનુષ્યહૃદયમાં અમુક કાળે નિવસતા ભાવોના પ્રતિબિંબ જેમ કવિતા ઝીલે છે, તેમ તેમાંના કેટલાક અસ્પષ્ટ ભાવોને વિશેષ સ્પષ્ટ પણ કરે છે. બીજ હોય ત્યાં તે કેવી રીતે અને કેવું પલ્લવિત પ્રફુલ્લ વૃક્ષ થશે તેનું દર્શન પણ કરાવે છે. આપણી પ્રજા માટે સ્નેહલગ્ન ઇષ્ટ હોય, સ્પૃહણીય હોય તો તે કેવી રીતે શક્ય થઈ શકે? આવા પ્રશ્નનું નિરૂપણ કવિઓ બુદ્ધિગમ્ય મીમાંસાથી નહિ પણ મનુષ્યોના જીવન્ત વ્યવહારથી ચિત્રાવલી કે વ્યવહારના વિવિધ પ્રસંગોથી ગૂંથાયેલા ઇતિવૃત્તથી કરે છે અને આચાર તરફ વળવા ઇચ્છાશક્તિને કેળવે છે. આ નિરૂપણોનાં અંશાંશ ઉકેલવામાં અને આપણા રૂઢ સંસારની મર્યાદાઓ લક્ષ્યમાં લઈ નિરૂપિત સ્થિતિ કેવી રીતે વ્યવહૃત થઈ શકે તે વિચારવામાં અનેરો જ રસ પડે છે. સ્નેહલગ્ન આપણા સંસારમાં કેવી રીતે સ્થાપિત થઈ ઇષ્ટ ફલ આપે તે સંબંધના રા. નાનાલાલના નિરૂપણના સમગ્ર સ્વરૂપની મીમાંસા અત્રે કરવા કરતાં આ કાવ્યમાં થયેલા નિર્દેશની સહેજ ઝાંખી પૂરતી થશે. યુવાન સ્ત્રીપુરુષો નિરન્તર નિકટ સહવાસમાં આવે તો જ સ્નેહનું સંવનન થાય. પણ એ સહવાસમાં કેટલોક ભય સમાયેલો છે. આપણો સંસાર જેવા રૂપમાં અત્યારે રચાયેલો છે, તેમાં એવા ભયના પ્રતીકાર નથી તેમ એવા સહવાસનાં સાધનો પણ નથી. આ વસ્તુસ્થિતિ લક્ષમાં લઈને અથવા બીજા કોઈ ઉદ્દેશથી રા. નાનાલાલનાં પ્રણયશીલ સ્ત્રીપુરુષો નાનપણથી જ સ્નેહી થાય છે. માબાપની છાયામાં જ સર્વની દૃષ્ટિ સમક્ષ તેમનો સ્નેહ જન્મે છે, અને પોષાય છે. અલબત્ત એથી એ સ્નેહ વડીલોનો આશીર્વાદ હંમેશ મેળવી શકે એવું બનતું નથી. આશીર્વાદ ન મેળવવાનું કારણ સ્નેહ સિવાયની વસ્તુથી વડીલોનું મન લુબ્ધ થયેલું હોય છે તે છે. જયાની માતા જયન્તનો સ્નેહ નથી સ્વીકારતી કારણ કે સ્નેહ સાથે નહિ પણ રાજ્ય સાથે એને પોતાની પુત્રી પરણાવવાનો લોભ જાગ્યો છે. કાન્તિના સ્નેહનું પણ આવા જ કોઈ વિકારથી એની ભોજાઈને વિસ્મરણ થાય છે પણ ‘વસંતોત્સવ’માં આવા વિસંવાદી પ્રસંગોનું રુદ્ર કે પ્રભેદક સ્વરૂપ નથી. નાનપણની રમતોમાં સુભગા અને રમણનું સ્નેહજીવન રોપાયું હતું. ઇન્દુ અને કાન્તિ, જયન્ત અને જયાનું પણ એમ જ. નયન અને કુસુમ્બી એવો જ અનુભવ અનુભવે છે. એક વેળા, વસન્તઋતુના સવારે રમણલાલ અને સૌભાગ્યચંદ્ર ઉપવન ભણી ગયા. ગામનાં કુંવારાં યુવાન સ્ત્રીપુરુષો તે દિવસે વસન્તોત્સવ ઊજવવાનાં હતાં. વસન્તોત્સવમાં યુવતીઓ વેણુપૂજા કરવાની હતી. સૌભાગ્યચંદ્ર વેણુ ભૂલી જવાથી ઘર ભણી પાછો વળ્યો. રમણલાલ ‘વેલીના ફૂલહિન્ડોળે’ હીંચતો. હીંચતો તેની રાહ જોતો હતો. નિર્મલ આકાશ, શાન્ત સરોવર, ગંભીર લીલી ક્ષિતિજરેખા, ફૂલોમાં રમતાં કિરણો, કોયલનું કૂજન—વસન્તની વિભૂતિનો સોહાગ પીવામાં તે લીન થયો હતો, તેથી કે મિત્રની ગેરહાજરીથી પોતાના હાથની મોરલી તે છેડતો નહોતો. એવામાં વસન્ત વધાવવા જતી, હસતી, નમતી, હલેતી હલ્લોલતી, સહિયરોનાં મંજુલ કલરવથી તેની આનંદસમાધિ સરી પડી. જાતજાતનાં ફૂલ વીણવા સહિયરોમાં એકબીજાંને સૂચના થાય છે વિલસુ અને સુભગા યુવતી—કિશોર અને યુવા અવસ્થાથી અંતરાળમાં હોવા છતાં હજુ નાની બાલિકા જેવી છે. વિવાહ ન થવાથી તેમના જીવનમાં હજુ બાળકની નિર્દોષ સ્વતંત્ર ક્રીડાપરાયણતા રહી છે. બન્ને સખીઓને પંખી વહાલાં છે. ઢીંગલા- ઢીંગલીનાં લગ્નોત્સવનો લહાવો લેનાર બાળક બહેનપણીઓ માફક એમણે પણ પંખીઓનાં લગ્નથી એવો લહાવો માણ્યો હશે કે માણવાનાં હશે. વિલસુ પાસે મેના છે. સુભગા પાસે પોપટ. કેવાં ફૂલથી બન્ને પંખીઓને શણગારવાં? વિલસુ મેનાને ડમરાની કલગી ધરાવવાની છે. સુભગાને તે સૂચવે છે કે તારા પોપટને ગુલાબકળીઓની માળા પહેરાવ. પણ સુભગાએ પોપટ માટે કેસૂડાં ગૂંથ્યાં છે, અને ‘વેલીઝૂલા’ નો મુગટ કરવા નિરધાર્યું છે. કાળી મેનાને કવિએ લીલી વર્ણવવામાં ભૂલ કરી છે. લીલો, જાંબુડીઓ, ગુલાબી, રાતો વગેરે રંગોની મેળવણી કરી તેમને ખીલવવા અને ‘ખલવા’ કવિ શણગારનું શાસ્ત્ર રેખિત કરે છે. સુભગાના પોપટને વેલીઝૂલાનો મુગટ કરવાનો હોવાથી સખીવૃન્દ તે વેલી ભણી ચાલ્યું. ત્યાં રમણલાલને હીંચતો જોઈને વિલસુ ગાજી ઊઠી : ‘એ અહીં તો રમણ હીંચે છે!’ વિધવા વિલસુ હજુ હલેતી કુંવારી કિશોરી જેવી છે. પ્રિયતમને નિહાળતાં સુભગા લજ્જાળુ થઈ સહિયરો સ્તબ્ધ ઊભી રહી, એકીટશે જોવા લાગી. એવામાં વિલસુ આગળ જઈ સુભગા માટે વેલીનાં ફૂલ માગે છે અને વસન્તનાં વધામણાં માટે જોઈતાં ફળફૂલ લાવવા વાડીએ જવા રમણલાલને પોતાની માતાની આજ્ઞા કહે છે. માની અજાણમાં નહીં પણ ખુદ આજ્ઞાથી ભાઈ-બહેન પોતાનાં ગોઠીયાં સાથે વસન્તનો ઉત્સવ ઊજવવા ઉપવનમાં આવ્યાં હતાં. ‘ફૂલ કોને આપવાં છે?’ રમણલાલે પૂછ્યું. ‘સુભગાના ખોળામાં આમ પોપટની કલગી કરશે.’ વિલસુએ લજ્જાશીલ થઈ ધ્રૂજતા ધીરા સ્વરે ઉત્તર આપ્યો. ભાઈ અને સખીનો સ્નેહ તેને જાણીતો હતો—જગતમાં બહુ પ્રસિદ્ધ નહોતો થયો માટે સ્નેહીઓની અન્યોન્યની સેવાનું વાહન થતાં તે લજ્જાથી ધ્રૂજી હતી? પણ લજ્જા બહુ વાર ટકી નહીં. રમણ યુવાન હતો એટલે પ્રગલ્ભ હતો. પ્રિયતમાને માટે ફૂલ એકઠાં કરવાનાં હોવાથી તેનામાં વિશેષ ઉત્સાહ સ્ફૂર્યો—એની આંખમાંથી ફૂટતાં તેજનાં કિરણો દ્વારા એ ઉત્સાહ પ્રગટ્યો. ફૂલડાંનો ખોબલો ભરી પળમાં રમણ સુભગા પાસે ગયો. સુભગાએ પાલવ ધર્યો તેમાં રમણે વસન્તની સમૃદ્ધિ વેરી—સાથે હૃદય પણ સમર્પ્યું. વસન્ત એટલે નવજીવનના પ્રતીક ફૂલો દ્વારા પોતાનો સ્નેહ સમર્પ્યો. બંને સ્નેહીઓએ અન્યોન્યની આંખમાં પોતાની મૂર્તિઓ નિહાળી. સ્નેહદાનના આ સુન્દર સમયે બંનેમાંથી વિનીતતા જતી નહોતી રહી. લજ્જાથી મોં લાલ લાલ થઈ ગયાં હતાં. આવું જોતાં વિલસુની આંખો હશે — સ્નેહીઓ પાસે એકબીજાની સેવા કરાવતાં પ્રશ્રય અનુભવાય પણ એ સેવામાં સ્નેહ પ્રત્યક્ષ થતાં લુચ્ચાઈનું હસવું સ્મિત ફરકે એ સ્વાભાવિક છે. વિધવા વિલસુ સ્વભાવથી નહિ પણ દુઃખથી વિનીત હતી. કદાચ રમણથી મોટી હશે એટલે ઉંમરનો દોર એનામાં હતો. એનો મૂળ સ્વભાવ કેટલીકવાર પ્રગટ થઈ જતો પણ વિપત્તિનો વિનય તદ્દન લુપ્ત થતો નહિ. આ સ્નેહદર્શન વખતે તે ખડખડ હસી નહીં, મજાક કરતી ગાજી નહીં પણ આંખ મલકાવી. તેનું હૃદય પણ સ્નેહથી ભીંજાયું હતું. સુભગાને જેવી સ્નેહપ્રાપ્તિ માટે સુગમતા હતી તેવી પોતાની નહોતી એટલે તેનો નિઃશ્વાસ હૃદયમાં હતો. હિન્દુ સંસારે હજુ સંવનનને સ્થાયી સ્થાન આપ્યું નહોતું ત્યાં લગી જૂના સંસ્કારો એ વિધવાને વળગી પણ રહ્યા હશે. છતાં ભાઈ અને સહિયરનું સુખ જોઈ તે રાચ્યા વિના નહોતી રહી. ગાજતી, દોરદાર અગ્રેસર વિલસુ આથી લજ્જાળુ, કંપતી, મલકતી થઈ. રા. નાનાલાલે નિર્માણ કરેલાં પાત્રો કેવાં વસ્ત્ર પહેરતાં હશે? એમનાં કોઈ પણ કાવ્યમાં વસ્ત્રોનું સ્પષ્ટ વર્ણન નથી. ઇન્દુકુમારના પ્રત્યેક પાત્રે કેવાં વસ્ત્રાદિ પહેરવાં જોઈએ તેમની એકવાર એમણે યાદી કરી હતી, પણ તે છપાવી નથી એટલે અત્યારે આપણા પ્રશ્નના ખુલાસા માટે ઉપયોગી થાય એમ નથી. છતાં ‘નરી સરળતા’ પર એમનો પક્ષપાત છે; ‘વસ્ત્રોની દીપ્તિ’ એમને ‘ઉછીનાં પ્રકાશ’ જેવી લાગે છે. એમના મતે પુણ્યશાળી રસિક દેહ પ્રકાશ અને પરાગનો ભરેલો હોય છે. ‘વસન્તોત્સવ’માં આ મત સ્થળે સ્થળે આલેખાયેલો છે. દેહનાં પ્રકાશ અને પરાગ દેહનાં વસ્ત્રોમાં પણ ઊતરે છે. વિલસુનાં વસ્ત્રો કવિએ ક્યાંય વર્ણવ્યાં નથી. સુભગાએ સાળુ અને ચોળી(સાળુ કાઠિયાવાડી પદ્ધતિનો દોઢીઓ લાગે છે) પહેર્યાં હતાં. કુસુમ્બી અને તારાએ ઓઢણી ઓઢી હતી એવું લાગતું નથી. પુરુષોનાં વસ્ત્રો વિશે સહેજ પણ સૂચન નથી. આવા સાદા પોષાક પહેરનાર સહિયરોના હાથમાં મણિકંકણ જરા અજાયબ કરે છે. પણ પ્રકાશની પહેરનારી મોહિનીએ કવિનું મન હરી લીધું હશે. ઇતર અલંકારો રત્નો કે સુવર્ણ કરતાં ફૂલનાં છે. સુભગાના કંઠમાંથી ‘પ્રફુલ્લ મોગરાનું ફૂલ’ છાતી ઉપર નમતું હતું. બીજી સહિયરોના વક્ષઃસ્થલ ઉપર પણ કુસુમોનો ‘અભિષેક’ હતો.(પૃ. ૧૯, ૫) બાલિકાઓની વેણીમાં ફૂલ ગૂંથાતાં હતાં. રમણલાલે સુભગાને મંજરીઓની માળા પહેરાવી હતી. રાત્રે ચંદ્રપૂજન વખતે સ્નેહીઓ અન્યોન્યનાં પૂજન કરે છે ત્યારે વિલસુ સૌભાગ્યચંદ્રને મોગરાનો હાર પહેરાવે છે; તે વિલસુને ‘ભાગ્યદેશે’ ગુલાબનો મુગટ માંડે છે. પ્રિયતમ પ્રિયતમાને મુગટ—કિરિટ પહેરાવે એ રમ્ય વિધિ રા. નાનાલાલે અનેકવાર રસથી વર્ણવ્યો છે, અને એ અલંકાર દ્વારા ઊંચા ભાવો વ્યંજિત કર્યા છે. સુભગાનો દેહ કાંચનવર્ણનો છે. કંઠને કોકિલકંઠ અને કમલકંઠ કહ્યો છે. સૂરને અનુલક્ષી કોકિલકંઠ, લોહીની લાલાશને અનુલક્ષી કમલકંઠ. તેનું વદન સંપૂર્ણ ચંદ્રબિમ્બ જેવું ગોળ હતું. સહિયરોના હાથ ‘ચંદ્રકિરણોની વેલો’ જેવા હતા, હથેલીઓ સ્ફટિકદલ જેવી હતી. આ હૃદયમાં દેહના એક અંગનું વિશેષ વર્ણન છે. ગુજરાતી કવિતામાં એ અંગનું આવું રસિક, મનોહર અને સાત્ત્વિક વર્ણન આટલા વિસ્તારમાં પહેલવહેલું હતું. ‘વસન્તોત્સવ’નો ગમે તે પ્રસંગ વાંચશો તો ત્યાં આંખનાં રમ્ય વર્ણન હશે જ. વિલસુના નયનમાં સૌભાગ્યચંદ્રે શું દીઠું? એ વર્ણન આગળ ઉપર જોવા રાખીશું. શરીરની સર્વે કાન્તિ જેમ નયનમાં એકઠી થતી તેમ વનકાન્તિ પણ. આંતર અને બાહ્ય વિશ્વને ભેળા થવાનું સ્થાન નયન છે. શરીરમાં ઊઠતા ભાવોનું દર્શન ત્યાં જ થાય છે. વિલસુના કહેવાથી રમણે સુભગાને ફૂલો અર્પ્યાં ત્યારે વસ્ત્રો અને અલંકાર દ્વારા બંનેના સ્નેહનો આવિર્ભાવ થયો તે પરથી એ બાહ્ય સાધનોની ટૂંકી નોંધ કરી. રા. નાનાલાલની કવિતાઓ રસ માણતી વેળા એક વાત ખાસ લક્ષમાં રાખવાની છે. એ પોતાનું જ વિશ્વ રચે છે અને બને છે ત્યાં તેની વિગતો પણ વેરે છે. એમની કવિતાના આ સ્વરૂપ વિશે વિશેષ વિવેચન ઇતિવૃત્તના વર્ણનને અન્તે શોભશે. રમણનાં ફૂલઅર્પણ સમયે એના હૃદયના અનિશ્ચિત ભાવ એની આંખના તેજમાં મોંની રતાશમાં જેમ મુદ્રાંકિત હતા તેમ અર્પાયેલાં ફૂલોમાં પણ હતા એવું કવિ કહે છે. આ સ્નેહદાન અને પ્રદર્શન સમયે પરાગભર્યો વાયુ વાય છે. સ્વાભાવિક લાગતી વસ્તુસ્થિતિમાં ધ્વનિ વ્યંજિત થાય એવું કરવાની રા. નાનાલાલને ટેવ છે. અર્થરચનામાં ઘણીવાર કાર્યપ્રણાલિકા પ્રમાણે જ ધ્વનિ ઊઠતો હોય છે; કેટલીકવાર વિશેષણોથી અથવા વસ્તુસ્થિતિની આસપાસના પ્રસંગોથી તે વ્યંજિત થાય છે; ત્યારે કેટલીકવાર ધ્વનિ યથાર્થ અને વિશદ રીતે સમજવાની મુશ્કેલીઓ એમણે ઉકેલવી નથી. ‘વસન્તોત્સવ’ કાવ્યમાં ધ્વનિ રહેલો છે. તેના સ્ફોટન વખતે આ પ્રશ્ન સહેજ વિસ્તારથી ચર્ચવો પડશે. રા. નાનાલાલની કવિતાની યોગ્ય કદર માટે આ ધ્વનિનો પ્રશ્ન ઘણો મહત્ત્વનો છે. પરાગ અને પ્રકાશની વ્યંજના સુપ્રસિદ્ધ છે. અર્વાચીન ગુજરાતી સાહિત્ય ઉપર નર્યા સંસ્કૃત કે ઇંગ્લિશ સાહિત્યના સંસ્કાર પડ્યા નથી—બલકે ઇંગ્લિશ સંસ્કારો સવિશેષ હશે—પણ બંનેના ભેગા સંસ્કાર પડ્યા છે એટલે આ પ્રસિદ્ધિ બંનેમાં અથવા બેમાંથી એક સાહિત્યમાં હોવાની સમજવાનું છે. સાત્વિક, પુનિત ભાવો પરાગ અને પ્રકાશથી વ્યંજાય છે. પરાગભર્યા વાયુ વાવાથી પ્રકૃતિએ આ સ્નેહપ્રસંગનું વાતાવરણ પુનિત કર્યું. સુભગાના હૃદયમાં વસતા સ્નેહને. સ્ત્રીસ્વભાવને સહજ એવો કંપ થયો હોય અને તે માટે પવનથી ઊડતી સાળુ આશ્વાસન આપતો ન હોય એવી ઉત્પ્રેક્ષા નિશ્ચયાત્મક કરાઈ છે. મનુષ્યની સર્વે ક્રિયાના પ્રેરક તેના મનના વ્યાપારો હોય છે. આ વ્યાપારોના ત્રણ વિશાળ વિભાગ, બુદ્ધિ, લાગણી(હૃદય) અને સંકલ્પ(ઈચ્છા)શક્તિના વ્યાપારો એવી રીતે કરવામાં આવે છે. સ્નેહમાં લાગણીના વ્યાપારો મુખ્યત્વે હોય છે. લાગણીનું સ્થાન હૃદય હોવાનું એકવાર મનાતું. અર્વાચીન માનસશાસ્ત્ર અને ઈન્દ્રિયવ્યાપારશાસ્ત્રે એ મત ખોટો ઠરાવ્યો છે છતાં કવિઓ એને વળગી રહ્યા છે. મન અને બુદ્ધિનું તાદાત્મ્ય કલ્પી તેનું સ્થાન મગજ માન્યું છે; અને મન તથા હૃદય વચ્ચે ઘણીવાર વિરોધ વર્ણવ્યો છે. રા. નાનાલાલ પણ હૃદયમાં લાગણીઓનું સ્થાન હોવાનું માને છે. એટલે જ સ્નેહ પણ હૃદયમાં વસે છે. સાળુ પવનથી ઊડવા લાગ્યો એટલે સુભગાના ઉર અને કંઠનું રમણને દર્શન થયું. કોકિલા જેવા મીઠા કંઠમાંથી ઉર પર લટકતું પ્રફુલ્લ મોગરાનું ફૂલ તે જુએ છે. મોગરાનો રંગ સફેદ છે; તે પવિત્રતાના દ્યોતક છે. વળી તે પ્રફુલ્લ—પૂરેપૂરો ખીલેલો છે. મોગરાની મનોહર સુગન્ધ સર્વત્ર પ્રસિદ્ધ છે. મોગરાના ફૂલ મારફત સુભગાના સ્નેહનું સ્વરૂપ રમણને દર્શાવ્યું છે. આવા સ્નેહના દર્શનથી એની લાગણીઓનું પૂર ઉભરાય છે. સુભગા સ્ત્રી છે, લાગણીઓને વશ છે છતાં તેમને અંકુશમાં રાખી શકે એવી છે. એ ફક્ત રમણનાં મુખનું પાન, તરસી હોય તેમ, આંખથી કરી રહી છે. જેવો રમણ તેવી સુભગા છે. સૌભાગ્યચંદ્રની ગરીબાઈ કે વિલસુના વૈધવ્ય જેવું દુઃખ બંનેમાંથી એકેયે અનુભવ્યું નથી. બંને બહારથી સુખી છે. તેમ નિષ્પાપ–પુણ્યશીલ જીવનને લીધે પણ સુખી છે. પોતાના સ્નેહના જન્મ અને તેથી થયેલા સુખનું વર્ણન કરતાં રમણ કહે છે; ‘હવે તો પાપમાં પગલાં પડશે ત્યારે લાજશું અને ઝાંખાં પડશું.’ સ્નેહમાં વિલસુ જેટલી દીન છે તેટલી સુભગા નથી. એનામાં ઊલટો ‘કોમળ’ પ્રતાપ છે; રમણ તોફાની છે તો એને પણ કટાક્ષ વચન કહેવામાં, મૃદુ ઠપકો આપવામાં સુભગાને મઝા પડે છે. ખોળામાં ફૂલ લીધાં. પ્રીતમનો સ્નેહ અનુભવ્યો છતાં વક્રવચન કહી લે છે, ‘બહુ ઉપકાર થયો, રમણલાલ!’ આ વચન ઇંગ્લિશ શિષ્ટાચારનું નથી એ, આવું બોલતી સુભગા રમણને કેવી લાગી તેના વર્ણનથી પ્રતીત થાય છે. ‘કેસુઅધર ફરકતી બાપુડી વસન્ત કંઈ ગૂંજે, તેજની પૂતળી વાણી ભાખે, એમ રમણને લાગ્યું.’ કેસુઅધર એટલે કેસુ જેવા લાલ હોઠ એટલું જ ઉદ્દિષ્ટ નથી. પણ કેસુનાં ફૂલને છેડે તીણી અણી હોય છે એવી અણીથી ભોંકે એવાં વચન બોલનાર હોઠ એવું પણ સાથે સાથે વ્યંજિત છે. ઉપમાનાં અનેક લક્ષણો હોય તેમાંથી અર્થને બેસતા એક પ્રસિદ્ધ લક્ષણ પરથી ધ્વનિ ઉઠાવાય. પ્રસિદ્ધ લક્ષણ સિવાયના લક્ષણ દ્વારા ધ્વનિ ઉદ્દિષ્ટ હોય તો કવિની કલાએ તે સ્પષ્ટ કરવું જોઈએ. આવી અસ્પષ્ટતાનો દોષ રા. નાનાલાલ અને રા. મૂળજી દુલભજી વેદની કવિતામાં ઘણે સ્થળે છે. એમની કલા જેમ જેમ વિકસતી જાય છે તેમ તેમ એ દોષ ઘટતો જાય છે. ૨મણ અને સુભગા સામસામાં હતાં ત્યાંથી ખસ્યાં, સુભગા સહિયરોના સાથમાં જઈ ભળી અને બેનપણી વિલસુ સાથે નયનપલ્લવીથી પોતાના સ્નેહસૌભાગ્યની વાત કરવા લાગી. સૌ સખીઓ આંબાની કુંજમાં પ્રવેશી. રમણ પણ સાથે જ હતો. તેના હાથમાં મોરલી હતી. પણ તે વગાડતો નહોતો. અત્યારે તે સ્નેહી હતો, તેની સ્નેહિની તેની સાથે હતી. તેની સર્વે ઇન્દ્રિયો સ્નેહિની તરફ વળેલી હતી. સુભગાના માધુર્યના સૌંદર્યમાં તે એટલો લીન હતો કે બાહ્ય વિશ્વના તે સૌંદર્યની તેને પરવા નહોતી. આવા પ્રસંગોમાં ફરીને પ્રશ્ન પૂછવાની ટેવ છે. સંશય દ્વારા નિશ્ચયાત્મક વસ્તુસ્થિતિ દર્શાવવાની એ એક કલા છે અથવા નિશ્ચયાત્મક સાંગોપાંગ ખુલાસો ન કરવો હોય ત્યારે પ્રશ્નથી કુતૂહલ ઉદ્દીપ્ત કરી તેની પરિતૃપ્તિના વ્યાપારમાં પ્રેરવાની રસિક કલા છે. આવા પ્રશ્નો આ કાવ્યમાં સ્થળે સ્થળે છે. સૌ આંબાની કુંજમાં ગયાં. વસન્ત લીધે આંબા મહોરેલા હતા. આ કુંજમાં નાનું સરોવર હતું. આંબાનાં ઝાડ અને સરોવરિયાના તટ વચ્ચે વનછોડના ક્યારા હતા. તીરે ધરો ઊગેલી હતી. સખીઓ તીરે પહોંચી. એક આંબાની છાંયે ઊભી રહી. રમણ તેમની રમણા નીરખતો હતો, તેવામાં આંબાવાડિયામાં કોયલ બોલી, તે દેખાતી નહોતી છતાં તેનો મીઠો સૂર સંભળાતો હતો. તોફાની રમણે કોયલને પ્રત્યુત્તર આપ્યો: કુઉઅ. વૃક્ષઘટામાં પડઘાની પરમ્પરા ગાજી રહી. રમણનો સ્વર સાંભળી સુભગાએ પાછું ફરી જોયું અને ફરી એવામાં કોયલ પાછી બોલી. તોફાનથી પ્રમત્ત થયેલા રમણને પ્રત્યુત્તર પાછો આપવા આનંદ થયો. કોયલ બોલતી હોય ત્યારે તેનો ચાળો પાડવાથી પડતી મઝા જેમણે અનુભવી છે તે જ એ મઝા જાણે છે. વધારામાં એના પોતાના સૂરથી આકર્ષાઈ સુભગા પાછું ફરી તેના સામું જુએ અને મીઠું ઝીણું મલકે એ પણ રમણ જેવા સ્નેહીને સૌભાગ્યનો લહાવો હતો. રમણનો ધાર્યો પાસો પડ્યો. સુભગાએ રમણ સામું જોયું અને પાછું સ્મિત મલકાવ્યું. કોયલ પણ રમણથી હટે એવી નહોતી, તેણે પાછું કૂજવા માંડ્યું. રમણે પ્રતિનાદ કરવા માંડ્યા. પણ સુભગાએ ફરી રમણ તરફ જોયું નહીં. પ્રિયતમના સ્વરથી લાગણી અનુભવી. સંયમ રાખી પાછી ફરી નહીં પણ લાગણીનું બળ સાળુની કોર સંકોરવાની બાહ્ય ક્રિયા વડે સંયત કર્યું. સુભગાના સ્મિતનું પાન કરવામાં નિરાશ થયેલા રમણે તેને આન્દોલિત કરવા ફરી મોટેથી અવાજ કર્યો પણ સુભગા જડ પૂતળી જેવી મક્કમ રહી. કોયલ અને રમણના સૂરોથી આંબાવાડિયું આખું અવાજભર્યું થયું. પવન પણ વાવા લાગ્યો એટલે સૂરો વધારે દૂર વહેવા લાગ્યા. સરોવરિયામાં પણ ઝીણી ઊર્મિઓ ઊછળવા લાગી. કોયલ અને રમણનું તોફાન વિલસુને રુચ્યું નહીં. એનો મિજાજ ગયો. રમણ ભણી ફરી હસતાં રમણને ઠપકો આપ્યો. રમણે હાસ્ય સંકેલી ન લેતાં કુઉઅના ઉત્તરથી બહેનને વધારે ચીડવી. વિલસુ ગાજી ઊઠી: ‘સુભગા! તું કંઈ નહીં જ કહે? મલક્યાં જ કરીશ?’ સહિયરની કોપાવિષ્ય વિનંતિને લીધે તે રમણ તરફ ગઈ. તેનામાં પ્રતાપ હતો પણ તે કોમળ હતો. મોં ઉપર પ્રેમની લજ્જા હતી. વિદગ્ધ હતી, પોપચાં નચાવતી સુભગાએ પોતાના કાન્તને પ્રશ્નો દ્વારા સ્નેહની મીઠાશ અને આર્જવથી ઠપકો આપ્યો. એક સુંદરીને—સંવનિતા કાન્તાને છાજે એવી નાગરિકતા, મૃદુતા, દયાશીલતા, સ્નેહશીલતા, આછા ગંભીર ભાવથી કાન્તના દોષમાંથી તેની સાત્વિકતા ઉશ્કેરવા તેણે બે નાના પ્રશ્નો પૂછ્યા. સ્નેહના વિહારની પીપાસા તૃપ્ત થતાં પાછી અતૃપ્તિ જ રહે છે. એ અતૃપ્તિ તૃપ્ત કરી પાછા અતૃપ્ત થઈ તૃપ્ત માટે ઉત્કંઠિત થવાનો આનંદ અનેરો છે. સુભગાનું મલકવું જોઈ રમણ ધરાયો નહોતો. બે વાર એના પ્રયત્નમાં તે ફાવ્યો પછી સુભગાએ એને નિરાશ કર્યો, પણ એ નિરાશા પાછી આશામાં પલટાવાથી, તેમ પ્રિયતમાનો મૃદુ નર્મ ઠપકો સાંભળવાથી રમણનું તોફાન ‘કૂમળું પડ્યું.’ તોફાન માટે શરમાયો. સ્નેહમાં લજ્જા અને નિયમ જેવાં રહેલાં છે તેવાં ક્યાંયે નથી.


  1. વિદેહ નરસિંહલાલ હરિલાલ ધ્રુવના અવસન્ન ‘સાહિત્ય’ માં ઈ. સ. ૧૯૦૫માં ‘રા. રા. નાનાલાલની કવિતા’ વિશે મારો લેખ છપાયો હતો. ‘વસન્તોત્સવ’ તે વખતે છપાતો હોવાથી તેનું અવલોકન કરવા લેખ અધૂરો રાખ્યો હતો. ‘સાહિત્ય’ના બંધ પડવાથી લેખ પણ પૂરો થઈ શક્યો નહોતો. ‘સુન્દરીસુબોધ’ના તંત્રીની નિમંત્રણાથી ‘વસન્તોત્સવ’નું પ્રશંસાવલોકન(Appreciation) કરવા ત્યારની રહી ગયેલી અધૂરપ દૂર કરું છું. શિષ્ટ ગુજરાતી ગ્રંથોનો વાંચકોને આવી રીતે પરિચય કરાવવાની પ્રશસ્ય પદ્ધતિને પોતાના પત્રમાં પ્રવેશ આપવાથી તંત્રીશ્રીએ એ પત્રની ઉપયોગિતાનો એક અંશ વધાર્યો છે.