રણ તો રેશમ રેશમ/સમયને ત્રિભેટે ઊભેલો દેશ : હાશેમાઈટ કિંગડમ ઑફ જોર્ડન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૧૬) સમયને ત્રિભેટે ઊભેલો દેશ : હાશેમાઈટ કિંગડમ ઑફ જોર્ડન
Ran to Resham 21.jpg

જ્યારે કોઈ ભૂમિ ઉત્કટતાથી બોલાવતી હોય, ત્યારે એનો સાદ અવગણી શકાતો નથી. પછી અવરોધોનું કાંઈ મહત્ત્વ રહેતું નથી. રસ્તાઓ પોતાની મેળે ખૂલી જતા હોય છે અને સંજોગો આપોઆપ ગોઠવાઈ જતા હોય છે. જોર્ડન સાથે પણ કાંઈક એવું જ બન્યું. રોજ સી.એન.એન. ન્યૂઝ ચેલન પર આંતરરાષ્ટ્રીય સમાચાર જોઈએ ને જીવ ઊંચકાઈ જાય. રોજ સિરિયામાં હિંસાના સમાચાર જોવા મળે. સિરિયામાં પાલ્માયરા સ્થિત સહસ્રાબ્દીઓ પહેલાંના સાંસ્કૃતિક અવશેષોનું હૃદયહીન નિકંદન નીકળતું જોઈને મન કકળી ઊઠે, એ સાથે સાથે મધ્યપૂર્વમાં જે કાંઈ બચ્યું છે, તે જોઈ લેવાની ઝંખના પણ બળવત્તર બનતી જાય. જોર્ડનનાં શ્રીમતી ઘાડા અલહ્ લબી સાથે સંવાદ ચાલુ હતો. અમારી આશંકાઓના જવાબમાં તેમણે લખ્યું હતું : અમારો દેશ એકદમ સલામત છે. વિશ્વના બીજા કોઈ પણ દેશ કરતાં વધારે સલામત! વળી તેમણે મિનિસ્ટ્રી ઑફ ટુરિઝમ તરફથી પણ એક પત્ર મોકલ્યો હતો; જેમાં પણ આ જ વાત યોગ્ય તથ્યો, આંકડા તથા દલીલો સાથે ભારપૂર્વક કહેવામાં આવી હતી. ગંભીરતાથી વિચારતાં લાગ્યું કે, કોઈ દેશને પોતાની ભૌગોલિક પરિસ્થિતિને કારણે આવી મળેલા પડોશીઓના વાંકની સજા શી રીતે આપી શકાય? વળી એ પણ ખ્યાલ આવતો હતો કે આ બધી ગડબડમાં જોર્ડનનું નામ તો ક્યાંય આવતું નહોતું. આંતરરાષ્ટ્રીય રાજકરણના પ્રવાહોનો અભ્યાસ કરતાં ખ્યાલ આવતો હતો કે, ખાડી સ્થિત મધ્યપૂર્વના તમામ દેશો સાથે તેના સંબંધો સારા હતા. પોતે કોઈ તવંગર દેશ ન હોવા છતાં સૌને મદદ કરવામાં તથા હિંસાથી ડહોળાયેલા વિસ્તારોમાંથી આવતા નિરાશ્રિતોને આશ્રય આપવામાં તથા હૃદયપૂર્વક મદદ કરવામાં જોર્ડન અગ્રેસર હતું. બસ, નિર્ણય હવે પાક્કો હતો અને મન ઊડતું હતું એક તદ્દન અલગ પ્રકારના પ્રવાસ-અનુભવ તરફ. અમે બંને એકલાં તો જોખમ ઉઠાવી પણ લઈએ, પરંતુ આ વખતે બીજાં ત્રણ મિત્ર-યુગલોની જવાબદારી પણ હતી. એ સૌએ અમારા પર મૂકેલા વિશ્વાસથી એ જવાબદારી અનેક ગણી વધી ગઈ હતી! એ લોકો પર તેમના કહેવાતા શુભેચ્છકોના હકીકતના ખાસ કોઈ જ્ઞાન વગર જ, ડરાવતા તથા હતોત્સાહ કરતા ફોન આવતા જ રહેતા હતા. એ તમામ વચ્ચે ઉપર્યુક્ત હકીકતો સૌની સામે મૂકી, અમે જાહેર ર્ક્યું : અમારો જવાનો નિર્ણય તો પાક્કો જ છે. આપ સૌ વિચારીને નિર્ણય કરી શકો છો. પણ જોર્ડનની ધરતી તો અમને આઠેયને પોકારી રહી હતી અને હવે અમને સૌને કોઈ રોકી શકે તેમ નહોતું! એનું આખું નામ છે : હાશેમાઈટ કિંગડમ ઑફ જોર્ડન. પણ ઓળખાય તો તે માત્ર ‘જોર્ડન’ના ટૂંકા નામથી. મૂળે તે જાજરમાન જોર્ડન નદીને પૂર્વ કિનારે વસેલું મધ્યપૂર્વનું આરબરાષ્ટ્ર છે, ઉત્તરે સિરિયા, દક્ષિણે સાઉદી અરેબિયા અને રાતો સમુદ્ર; પૂર્વમાં ઇરાક; તો પશ્ચિમે પેલેસ્ટાઈન તથા ઇઝરાયલથી સરહદો સંકોરતો આ દેશ આદિકાળથી પૂર્વને પશ્ચિમ સાથે તથા ઉત્તરને દક્ષિણ સાથે જોડતી વ્યાપાર વાણિજ્યની તથા એ જ કારણે સાંસ્કૃતિક આદાન-પ્રદાનની પણ જોડતી કડી બની રહ્યું છે. મિડલ ઈસ્ટના ત્રિભેટા પર ઊભેલો આ દેશ વ્યૂહાત્મક રીતે એશિયા, આફ્રિકા તથા યુરોપને જોડે છે. આમ તો અહીં રાજાશાહી છે. રાજાના હાથમાં અબાધિત કારભારી તથા કાનૂની સત્તાઓ છે; પરંતુ જનતા મુક્ત મનથી પોતાનું કામ કરી શકે, તેવું વાતાવરણ અહીં છે. નવાઈની વાત છે કે, તેલના કૂવાઓથી સમૃદ્ધ એવાં સામ્રાજ્યોથી ઘેરાયેલું હોવા છતાં અહીં એકેય તેલનો કૂવો નથી! અમારો ગાઇડ તલાલ કહેતો હતો કે, કદાચ તેલ અમારા નસીબમાં જ નથી. એક વાર સાઉદી અરેબિયા સાથે સરહદની સુગમતા માટે જમીનની અદલાબદલી કરવામાં આવી. જમીનોની આપ-લે પૂરી થયા પછી ખબર પડી કે, સાઉદી અરેબિયાના ભાગે આવેલ જમીન પર તેલનો કૂવો મળી આવ્યો હતો! દેશ પૈસે-ટકે અમીર નથી, પરંતુ અહીં વસતા લોકોના મનની મીરાત સામે સોનું-રૂપું કે કડકડતી નોટોની સંપત્તિની કોઈ વિસાત પણ નથી. અમે અમ્માન જેવાં વિકસતાં શહેરો જોયાં અને અકાબા જેવાં બંદરગાહ પણ નિહાળ્યાં. પર્વત સમાન શિલાઓથી આભૂષિત રણપ્રદેશમાં અલગારી રખડપટ્ટી પણ કરી અને પૂર્ણચંદ્રની સાખે તારાઓના ચંદરવા નીચે રાતવાસો પણ કર્યો. ત્રણ હજ્જાર વર્ષ પહેલાં કોતરોની ભુલભુલામણીને પેલે પાર ગુફાઓનું અજ્ઞાત નગર રચનાર નેબેટિયનોની નગરી પેટ્રાને તો ચાંદનીના આલોકમાં દીવડાના અજવાસે પણ માણી અને દિવસના ઉજાસમાં પગપાળાં એને ખૂણે-ખૂણે ફરી વળવાનો આનંદ પણ અનુભવ્યો. ખચ્ચર પર દિલધડક સવારી કરીને પર્વતની ટોચને આંબી આવ્યાં અને ભર બપોરના તડકાને વેઠીને અત્યંત પુરાણી નગરી જેરાશાના તથા કરાકના કિલ્લાનાં ખંડિયેરોમાં ઘૂમ્યાં પણ ખરાં. આદિકાળથી એવું ને એવું સચવાયેલ દાના નામના ગામડાની ગલીઓમાં ફર્યાં. ત્યાં વસતા કુટુંબને ત્યાં સેજ નામનાં ઘાસમાંથી બનેલી ચા પીતાં અલકમલકની વાતો કરવાનો આનંદ લૂંટ્યો. ધરતી ચિરાવાની ઘટનાની સાક્ષી એવી રિફ્ટ વેલી વીંધીને પ્રવાસ કરતાં સમુદ્ર તળથી ચારસો મીટર નીચે સુધી ઊતરી આવીને પૃથ્વી પરના નીચામાં નીચા સ્થાનની ધરતીને સ્પર્શવાનો રોમાંચ અનુભવ્યો. અહીં વિસ્તરેલા પેલા જીવનવિહીન મૃતસમુદ્ર – ડૅડ સીનાં ડૂબી ન શકાય તેવાં ઘાટાં પાણી પર શરીરને વહેતું મૂકવાની અને ત્યાંના કાદવમાં રજોટાઈને તન-મનને કુદરતમય બનાવી દેવાની ક્ષણો સાચવીને લઈ આવ્યાં પછી આજે વિચારું છું તો થાય છે કે, ખરેખર ત્યાં સમયાંતરે પણ કશું બદલાયું નથી. કહેવાતી સંસ્કૃતિના આવિષ્કાર પહેલાં માણસના જીવનમાં અને મનમાં હતી, તે જ સરળતા અને સાદગી આજેય જોર્ડનના લોકજીવનમાં ધબકતી અનુભવાય છે. સરસ મજાનું અંગ્રેજી બોલી શકતી, કમ્પ્યુટર વાપરી શકે તેટલી શિક્ષિત તથા પેટ્રામાં સાદું રેસ્ટોરાં ચલાવતી ગુફાવાસી બેદૂઈન છોકરી એમ જ કહેતી મળે કે, અમને અમારી પુરાણી સંસ્કૃતિનું ગૌરવ છે. અમે પહેલાં જેવાં હતાં તેવાં જ હંમેશાં રહેવા માગીએ છીએ! અહીં અનેક યુનિવસિર્ટીઓ છે. મહિલાઓના શિક્ષણ માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, છતાં પારિવારિક જીવન ખોટી ઝાકઝમાળ વગરનું સાદું અને સત્ત્વશીલ છે. લોકોનાં મન મોટાં અને સ્વભાવ મળતાવડા છે. આતિથ્ય હૃદયપૂર્વકનું અને આચરણ નિષ્પાપ અને પ્રામાણિક લાગ્યું. લોકોના મનમાં વિકાસની લગન તો છે. વિકાસ થશે પણ ખરો, પરંતુ આ પ્રજા સમયના વારસાને જાળવી જાણશે એવું ચોક્કસ વર્તાય છે. અહીં તેલની કે તેના થકી મળતા પૈસાની રેલમછેલ નથી, તે અભાવ અહીં વસતા લોકોને ફળ્યો છે કદાચ. વિશ્વની બહુ ઓછી પ્રજાઓમાં જળવાયેલું દેખાય છે તે સમયપારનું સત્ત્વ પામવું એ પ્રવાસનું સૌથી મોટું સાફલ્ય લાગે છે. અમે દેશના ખૂણે-ખૂણે ફરી વળ્યાં એમ કહી શકાય, તેમાં એક ક્ષણ માટે પણ ડર કે અસલામતી નહોતી અનુભવાઈ. ન તો ક્યાંય બંદૂકધારી સૈનિકો કે પોલીસ દેખાઈ કે ન તો ક્યાંય ઊંચો અવાજ કે ઝઘડો માત્ર પણ જોવા મળ્યો. ખરેખર તો આ ભૂમિ તમને પ્રેરણા આપે છે, આશ્ચર્યથી અભિભૂત કરે છે તથા પ્રાણને નવપલ્લવિત કરે છે.