રવીન્દ્રપર્વ/૧૨૭. ખરવાયુ ભય વેગે
Jump to navigation
Jump to search
૧૨૭. ખરવાયુ ભય વેગે
પ્રચણ્ડ પવન વેગથી ફુંકાય છે, ચારે દિશા વાદળથી છવાઈ ગઈ છે. હે નાવિક, તારી નૌકા હંકાર. તું સુકાન સખત પકડી રાખ, હું સઢ ચઢાવીને બાંધું છું. ખેંચો, બરાબર ખેંચો. આ તો સાંકળનો ખણખણાટ વારે વારે થાય છે. આ કંઈ નૌકાનું શંકાભર્યું ક્રંદન નથી; આકરું બંધન હવે સહ્યું જતું નથી તેથી એ આજે ડોલંડોલ થઈ રહી છે. ખેંચો, બરાબર ખેંચો. દિવસ અને ક્ષણ ગણીગણીને, મનને ચંચળ કરીને, ‘જાઉં કે નહીં જાઉં’ એવું બોલશો નહીં. સંશયના સાગરને અંતરથી પાર કરી જઈશું. ઉદ્વેગપૂર્વક બહાર જોયા કરશો નહીં. જો મહાકાળ જાતે, એના ઉદ્દામ જટાજાળ તોફાનમાં રગદોળાય, ઊંચા તરંગો ઊઠે તો કુંઠિત થશો નહીં. એના તાલમાં તાલ મેળવીને જયગાન ગાઓ. ખેંચો, બરાબર ખેંચો. (ગીત-પંચશતી)