રવીન્દ્રપર્વ/૧૮૩. નવવર્ષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮૩. નવવર્ષ

આજે નવવર્ષના પ્રાત:સૂર્યે હજુ દિક્પ્રાન્તે મસ્તક નમાવીને વિશ્વેશ્વરને પ્રણામ કર્યાં નથી. આ બ્રાહ્મમુહૂર્તે આપણે આશ્રમવાસીઓ આપણા નૂતન વર્ષના પ્રથમ પ્રણામ આપણા અનન્તકાળના પ્રભુને ચરણે ધરવાને અહીં આવ્યા છીએ. એ પ્રણામ સાચા પ્રણામ બની રહો. આ જે નવવર્ષ આજે જગત વચ્ચે આવીને ઊભું છે એ શું આપણા હૃદયમાં પ્રવેશ કરી શક્યું છે? આપણા જીવનમાંય શું આજે નવવર્ષનો આરમ્ભ થયો? વૈશાખની આ પ્રથમ ઉષા આજે આકાશના પ્રાંગણે આવીને ઊભી છે, ક્યાંય દ્વાર ખૂલવાનો અવાજ સરખો સંભળાયો નથી; સમસ્ત આકાશમાં પ્રસરેલો અન્ધકાર નિ:શબ્દે બિલકુલ દૂર થઈ ગયો; ફૂલની કળી ફૂટે તેમ પ્રકાશ વિકસિત થઈ ઊઠ્યો. એને માટે ક્યાંય સહેજસરખી વેદના રણઝણી ઊઠી નથી. નવવર્ષના પ્રભાતનો પ્રકાશ આટલી સ્વાભાવિકતાથી નિ:શબ્દે આપણા અન્તરમાં પ્રકાશિત થઈ ઊઠ્યો છે ખરો? નિત્યલોકનું સંહિદ્વાર વિશ્વપ્રકૃતિની દિશાભણી સદાકાળ ખુલ્લું જ રહ્યું છે, ત્યાંથી નિત્યનૂતનની અમૃતધારા નિરન્તરાય સર્વત્ર વહી રહી છે. એથી જ તો કોટિ કોટિ વર્ષો વીતવા છતાં પ્રકૃતિ જરાજીર્ણ થઈ ગઈ નથી, આકાશની આ વિપુલ નીલિમામાં ક્યાંય સહેજસરખું લાંછન જોવામાં આવતું નથી. તેથી જ તો વસન્ત જે દિવસે સમસ્ત વનસ્થલીના મસ્તક ઉપર દક્ષિણાનિલ દ્વારા આશિષનો મન્ત્ર ભણે છે તે દિવસે જોતજોતાંમાં તરત જ અનાયાસે સુકાઈ ગયેલાં પાંદડાં ખરી પડીને એને સ્થાને કોણ જાણે ક્યાંથી નવાં કિસલય પુલકિત થઈ ઊઠે છે; ફૂલે ફળે પલ્લવે વનશ્રીનો શ્યામાંચલ આખો ભરાઈ જાય છે, પુરાતનના આવરણમાંથી નૂતનને પ્રાપ્ત થતી આ મુક્તિ એ કેટલી અનાયાસ! એને ક્યાંય કશો સંગ્રામ કરવો પડતો નથી. પણ મનુષ્ય તો પુરાતન આવરણને ભેદીને સહજ રીતે આમ હસતે મુખે નૂતનના ક્ષેત્રમાં પગલું પાડી શકતો નથી. અન્તરાયને છેદવા પડે છે, વિદીર્ણ કરવા પડે છે, વિપ્લવનો ઝંઝાવાત સૂસવી ઊઠે છે. એની અંધારી રાત એટલી સાહજિકતાથી પ્રભાતમાં પરિણમતી નથી, એનો એ અન્ધકાર વજ્રાહત દૈત્યની જેમ આર્તસ્વરે ક્રન્દન કરી ઊઠે છે ને એના પ્રભાતનો પ્રકાશ દેવતાના તીક્ષ્ણ ધારવાળા ખડ્ગની જેમ દિશાએ દિશાએ ઝળહળી ઊઠે છે. મનુષ્ય આ સૃષ્ટિનું બહુ મોટી વયનું સન્તાન નથી છતાં એક રીતે જોતાં એ આ જગતમાં સૌથી પ્રાચીન છે. એનું કારણ એ કે એ પોતાના મનથી વીંટળાયેલો છે, જે વિશાળ વિશ્વપ્રકૃતિમાં ચિરયૌવનનો રસ નિરન્તરાય સર્વત્ર વી રહ્યો છે તેની સાથે તે એકાત્મભાવે મેળ સાધી શકતો નથી. એ પોતાના શતસહ સંસ્કાર દ્વારા ટેવો દ્વારા પોતાનામાં જ પુરાઈ રહ્યો છે. જગતની અંદર વળી એનું પોતાનું એક વિશેષ જગત છે, એનું એ જગત પણ એનાં રુચિવિશ્વાસ તથા મતામતથી સીમાબદ્ધ, એ સીમામાં રૂંધાઈ ગયેલો મનુષ્ય જોતજોતાંમાં બહુ પુરાણો થઈ જાય છે. હજારો વરસનું જૂનું મહારણ્ય અનાયાસે શ્યામલ બની રહે. જુગજુગ જૂના હિમાલયના લલાટે તુષારનો રત્નમુકુટ અનાયાસે અમ્લાન બનીને શોભ્યા કરે, પણ મનુષ્યનો રાજપ્રાસાદ જોતજોતાંમાં જીર્ણ થઈ જાય અને એના લજ્જિત ભગ્નાવશેષ એક દિવસ પ્રકૃતિના પાલવની પાછળ પોતાને છુપાવી દેવાની ચેષ્ટા કરે. મનુષ્યનું પોતાનું જગત એ પણ એના આ રાજપ્રાસાદના જેવું જ. ચારે બાજુનું જગત સદા નૂતન રહે ને એમાં જ રહેલું મનુષ્યનું જગત પુરાણું થઈ જાય. એ બૃહત્ જગતની વચ્ચે પોતાની એક ક્ષુદ્ર સ્વાતન્ત્ર્યની સૃષ્ટિ ખડી કરી દે છે એ જ એનું કારણ છે. આ સ્વાતન્ત્ર્ય ધીમે ધીમે પોતાના ઔદ્ધત્યના વેગે ચારે બાજુની વિરાટ પ્રકૃતિથી અત્યન્ત વિચ્છિન્ન થઈ જતાં આખરે વિકૃતિથી પરિપૂર્ણ થઈ ઊઠે. આમ મનુષ્ય પોતે જ ચિરનવીન બૃહત્ જગતમાં જરાજીર્ણ થઈને વાસ કરે. જે પૃથ્વીને ખોળે મનુષ્યનો જન્મ તેના કરતાંય એ વિશેષ પ્રાચીન. એ પોતાને પોતાની જાતે જ અવરુદ્ધ કરી રાખે તેથી જ વૃદ્ધ બની જાય છે. આ વેષ્ટનમાં એની ઘણા સમયની આવર્જનાનો સંચય પણ થયા કરે, પ્રકૃતિના સ્વાભાવિક નિયમાનુસાર એ આવર્જના બૃહત્માં ક્ષય પામીને ભળી જાય નહીં, આખરે એ સ્તૂપને ભેદીને નવીન પ્રકાશમાં બહાર આવવું મનુષ્યને માટે પ્રાણાન્તિક કાર્ય બની રહે. અસીમ જગતમાં ચારે બાજુ બધું જ સહજ, માત્ર આ મનુષ્ય જ સહજ નહીં. એને જે અન્ધકાર વિદીર્ણ કરવો પડે છે તે એણે પોતે જ રચેલો ને યત્નપૂર્વક પોષેલો અન્ધકાર. એથી જ એ અન્ધકારના પર વિધાતા જ્યારે આઘાત કરે ત્યારે એ આઘાત આપણાં મર્મસ્થાને જઈ પહોંચે, ત્યારે બે હાથ જોડીને આપણે એને કહીએ: ‘પ્રભુ, તું મારા પર જ પ્રહાર કરે છે’ કહીએ, ‘મારી આ પરમ સ્નેહની જંજાળની તું રક્ષા કર’ અથવા તો વિદ્રોહની રક્તપતાકા ફરકાવીને કહીએ, ‘તારો પ્રહાર હું તારા પર જ પાછો વાળીશ, હું એ સ્વીકારવાનો નથી.’ મનુષ્ય સૃષ્ટિનું છેલ્લું સન્તાન હોવા છતાં સૃષ્ટિમાં એ સૌથી પ્રાચીન, સૃષ્ટિના યુગયુગાન્તરના ઇતિહાસની વિપુલ ધારા આજે મનુષ્યમાં આવીને મળી છે. મનુષ્ય પોતાના મનુષ્યત્વમાં જડનો ઇતિહાસ, ઉદ્ભિદ્નો ઇતિહાસ, પશુનો ઇતિહાસ એ બધાંનું જ એક સાથે વહન કરતો આવે છે. પ્રકૃતિનાં કેટલાંય લક્ષકોટિ વર્ષોની સંસ્કારધારા આજે એનામાં આશ્રય પામીને રહી છે. એ સમસ્તને જ્યાં સુધી એ ઉદાર ઐક્યમાં સુસંગત સુસંહત કરી ન શકે ત્યાં સુધી એનાં મનુષ્યત્વનાં ઉપકરણ જ એનાં મનુષ્યત્વના વિકાસમાં અન્તરાયરૂપ બની રહે ત્યાં સુધી એનાં યુદ્ધાસ્ત્રનું બાહુલ્ય જ એના વિજયમાં પ્રધાન અન્તરાયરૂપ બની રહે. એક મહત્ ઉદ્દેશ દ્વારા એ જ્યાં સુધી એના બૃહત્ આયોજનને સાર્થકતાને માર્ગે વાળી નહીં શકે ત્યાં સુધી એ બધું અસ્તવ્યસ્ત થઈને ચારે બાજુ વેરવિખેર થઈ પ્રતિદિન જીર્ણ થતું જાય ને સુષમાને બદલે કુશ્રીતાની જંજાળમાં ચારે દિશાને અવરુદ્ધ કરી દે. તેથી જગતસમસ્તમાં જે નવવર્ષ ચિરપ્રવહમાન નદીની જેમ અવિશ્રામ વહી રહ્યું છે, એક દિવસને માટે પણ જે નવવર્ષનું નવીનત્વ વ્યાઘાત પામતું નથી, ને એ કારણે પ્રકૃતિમાં જે નવવર્ષનો કોઈ એક વિશેષ દિવસ હોતો નથી તે નવવર્ષને મનુષ્ય સહજભાવે ગ્રહણ કરી શકતો નથી, એને વિશે એને ખાસ વિચાર કરવો પડે છે. એનું અમુક વિશિષ્ટ સ્વરૂપ નક્કી કરવું પડે છે. વિશ્વની ચિરનવીનતાને એક વિશેષ દિને વિશિષ્ટરૂપે ચિહ્નિત કરીને પામવાનો ખાસ પ્રયત્ન કરવો પડે છે. તેથી જ નવવર્ષને અન્તરમાં ગ્રહણ કરવું એ મનુષ્યને માટે એક કઠિન સાધના છે, એ એને માટે એક સ્વાભાવિક ઘટના નથી. એથી જ હું કહું છું જે આ પ્રભાતે આપણા આશ્રમના વનમાં પ્રસરી રહેલી આ સુસ્નિગ્ધા શાન્તિ, સૂર્યના પ્રકાશની આ સહજ નિર્મલતા, પંખીઓના કલરવનું આ સ્વાભાવિક માધુર્ય એ સૌ આપણને ભુલાવી ન દે, આપણે એથી એમ માની ન બેસીએ કે આ આપણું નવવર્ષ છે, એને આપણે આવી સુન્દર રીતે પામી ચૂક્યા છીએ. આપણું નવવર્ષ એટલું સહજ નથી, એટલું કોમળ નથી. શાન્તિથી પરિપૂર્ણ ને આવું શીતલ મધુર નથી, આપણે એમ ન માની બેસીએ કે આ પ્રકાશની નિર્મલતા તે આપણી જ નિર્મલતા છે. આ આકાશની શાન્તિ તે આપણી જ શાન્તિ છે. સ્તુતિસ્તોત્ર ને આ નામકીર્તન ઉચ્ચારીને થોડીક ક્ષણો માટે એક પ્રકારના ભાવનો આનન્દ પામીને એમ માની ન લઈએ કે આપણે યથાર્થ રૂપે નવવર્ષનું આપણા જીવનમાં આવાહન કરી શક્યા છીએ. જગતમાં આ ક્ષણે જેણે નવપ્રભાતને પ્રકટાવ્યું છે તેણે આજે નવવર્ષનેય આપણે દ્વારે પાઠવ્યું છે એ વાતને એના સત્યરૂપે મનમાં વિચારી જુઓ. એક વાર ધ્યાન ધરીને જુઓ, આપણા નવવર્ષનું આ તે કેવું ભીષણ રૂપ! એનાં અનિમેષ નેત્રની દૃષ્ટિમાં અગ્નિ જળી રહ્યો છે. પ્રભાતનો આ શાન્ત નિ:શબ્દ વાયુ એ જ ભીષણના કઠોર આશીર્વાદને અનુચ્ચારિત વજ્રવાણીની જેમ વહી લાવ્યો છે. મનુષ્યનું નવવર્ષ આરામનું નવવર્ષ નથી. એ શાન્તિનું નવવર્ષ નથી, પંખીનું ગાન તે એનું ગાન નથી, સૂર્યનો પ્રકાશ તે એનો પ્રકાશ નથી. એનું નવવર્ષ સંગ્રામ કરીને પોતાનો અધિકાર પામે છે, આવરણને છિન્ન અને વિદીર્ણ કરે ત્યારે જ એનો અભ્યુદય થાય છે. વિશ્વવિધાતાએ સૂર્યને અગ્નિશિખાનો મુકુટ પહેરાવીને જેમ સૌરજગતનો અધિરાજ બનાવી દીધો છે તેમ મનુષ્યને એણે જે તેજનો મુકુટ પહેરાવી દીધો છે તેનો દાહ પણ દુ:સહ છે. એ પરમ દુ:ખ દ્વારા જ એણે મનુષ્યને રાજગૌરવ દીધું છે. એણે મનુષ્યને સહજ જીવન દીધું નથી. એથી જ મનુષ્ય સાધના કરે ત્યારે મનુષ્ય થાય; તરુલતા સહજભાવે તરુલતા, પશુપક્ષી સહજભાવે પશુપક્ષી, પણ પ્રાણાન્તિક પ્રયત્ન કરે ત્યારે જ મનુષ્ય મનુષ્ય થઈ શકે. તેથી કહું છું કે આજે જ્યારે એણે આપણા જીવનમાં નવવર્ષ પાઠવ્યું છે ત્યારે આપણે એને આપણી સમસ્ત શક્તિને જાગ્રત કરીને ગ્રહણ કરવું પડશે. આ તો સહજ દાન નથી. આજે જ્યારે પ્રણામ કરીને એનું એ દાન સ્વીકારીએ ત્યારે માથું ઊંચું કરતી વેળાએ રડીને એમ ન બોલી ઊઠીએ કે પ્રભુ, આ તારો ભાર વહન કરી શકાતો નથી, મનુષ્યના અતિ વિપુલ દાયિત્વ મારે માટે દુર્ભર છે. દરેક મનુષ્યના ઉપર તેણે મનુષ્યસમસ્તની સાધનાનો ભાર સ્થાપ્યો છે. તેથી જ તો મનુષ્યનું વ્રત આટલું કઠોર બની ગયું છે. કેવળ પોતાનું પ્રયોજન સિદ્ધ કરવાથી એને છુટકારો મળી જતો નથી. વિશ્વમાનવની જ્ઞાનની સાધના, પ્રેમની સાધના, કર્મની સાધના: આ સૌનો ભાર મનુષ્યને સ્વીકારવાનો રહે છે. વિશ્વમાનવ પ્રત્યેક મનુષ્યમાં પોતાને ચરિતાર્થ થયેલા જોવાને મીટ માંડીને બેઠા છે. તેથી જ પદે પદે એને પોતાને હ્રસ્વ કરીને ચાલવું પડે છે. તેથી જ એનો આટલો બધો ત્યાગ, આટલું બધું દુ:ખ, આટલું બધું આત્મસંવરણ. મનુષ્યે મનુષ્યને ઘરે જન્મ ગ્રહણ કર્યો છે ત્યારથી જ વિધાતાએ એને કહી દીધું છે: તું વીર છે; ત્યારથી જ એણે તેને લલાટે જયતિલક આંકી દીધું છે. પશુની જેમ તે હવે એ લલાટને ધરણીની આગળ અવનત કરીને ફરી શકે નહીં; તેણે વક્ષને પ્રસારીને આકાશમાં માથું ઊંચું કરવું પડશે. એણે મનુષ્યને આહ્વાન દીધું છે: હે વીર, જાગ્રત થા, એક પછી એક પથ્થરની દીવાલને ભેદી નાખ, તું મુક્ત થા. તારામાં પુરાઈને ન રહે. ભૂમામાં તારો આવિષ્કાર થાઓ. આ જે યુદ્ધમાં એણે આપણને આહ્વાન દીધું છે તેનું શસ્ત્ર પણ એણે જ આપણને આપ્યું છે. એ એનું બ્રહ્માસ્ત્ર, એ શક્તિ આપણા આત્મામાં રહી છે. આપણે જ્યારે દુર્બળ કણ્ઠે બોલી ઊઠીએ કે અમારામાં બળ નથી એ જ આપણો મોહ. દુર્જેય બળ આપણામાં રહ્યું છે. નિરસ્ત્ર સૈનિકને સંગ્રામક્ષેત્રમાં મોકલી દઈને પરિહાસ કરવા માટે એ તેના પરાભવની પ્રતીક્ષા કરતા નથી. આપણા અન્તરની અસ્ત્રશાળામાં એનાં ધારદાર અસ્ત્ર ચકમક કરતાં ચમકી રહ્યાં છે. એ બધાં અસ્ત્રને જ્યાં સુધી અન્તરમાં રાખી મૂક્યાં ત્યાં સુધી ફરી ફરી અહીંતહીં ભટકીને આપણે એના ઉપર જ જઈને પડ્યા, ત્યાં સુધી એ અસ્ત્રે આપણને જ ક્ષતવિક્ષત કરી મૂક્યાં. એ બધાં કાંઈ સંચય કરીને રાખી મૂકવા માટે નથી. એ આયુધને તો જમણા હાથની દૃઢ મૂઠીમાં ધારણ કરવાં પડશે; માર્ગ કાપીને, અન્તરાયને છિન્નવિચ્છિન્ન કરીને મેદાને પડવું પડશે. આવો, આવો, ટોળે ટોળે બહાર પડો, નવવર્ષના પ્રાત:કાળે પૂર્વગગને આજે જયભોર બજી ઊઠી છે, સમસ્ત અવસાદ દૂર થાઓ. બધી દ્વિધા, બધો આત્મ-અવિશ્વાસ પગને તળિયે ધૂળ થઈને લોટી પડો, જય થાઓ તમારો, જય થાઓ તમારા પ્રભુનો. ના, ના, આ શાન્તિનું નવવર્ષ નથી. ગયા વર્ષનું છિન્નભિન્ન બખ્તર ઉતારી નાખીને આજે ફરી નવું બખ્તર ધારણ કરવાને અહીં આપણે ભેગા મળ્યા છીએ. ફરી ચાલી નીકળવું પડશે. સામે મહત્ કાર્ય રહ્યું છે: મનુષ્યત્વપ્રાપ્તિની દુસ્સાધ્ય સાધનાનું. એ વાતનું સ્મરણ કરીને આનન્દિત થાઓ. મનુષ્યની જયલક્ષ્મી તમારી જ પ્રતીક્ષા કરી રહી છે એ વાત જાણીને નિરલસ ઉત્સાહે આજે દુ:ખવ્રતને વીરની જેમ ગ્રહણ કરો. પ્રભુ, આજે તમને કશા વિજયના સમાચાર હું સંભળાવી શક્યો નથી. પણ યુદ્ધ ચાલી રહ્યું છે, એ યુદ્ધને હું બંધ કરવાનો નથી. તમે જ જ્યારે સત્ય, તમારો આદેશ જ્યારે સત્ય ત્યારે કશાય પરાભવને હું અન્તિમ પરાભવ માની શકવાનો નથી. હું વિજય પામવા જ આવ્યો છું, એ હેતુથી જો ન આવ્યો હોત તો તમારા સંહાિસનની સમ્મુખ એક ક્ષણ પણ ઊભો નહીં રહી શક્યો હોત. તમારી પૃથ્વી મને ધારણ કરે છે, તમારો સૂર્ય મને જ્યોતિ આપે છે. તમારો વાયુ મારામાં પ્રાણનું સંગીત જગાવી જાય છે, તમારા મહામનુષ્યલોકમાં મેં અક્ષય સમ્પત્તિનો અધિકાર પામીને જન્મ ગ્રહણ કર્યો છે; તમારાં આટલાં બધાં દાન અને આયોજનનો મારા જીવનની વ્યર્થતાથી હું કદીય ઉપહાસ નહીં કરું. આજે પ્રભાતે હું તમારી સમક્ષ આરામ કે શાન્તિ યાચવા ઊભો નથી. આજે હું મારા ગૌરવને ભૂલી નહીં જાઉં. મનુષ્યના યજ્ઞ-આયોજનને પડતું મૂકી પ્રકૃતિના સ્નિગ્ધ વિશ્રામના ખોળામાં લપાઈ જવાની ચેષ્ટા હું નહીં કરું. જ્યારે જ્યારે હું એવો પ્રયત્ન કરું ત્યારે ત્યારે તમે મને પાછો કાઢજો. મારા કાર્યને વધારી મૂકજો. તમારો આદેશ વધારે ને વધારે કઠોર બની ઊઠજો; કારણ કે મનુષ્ય જો પોતાના મનુષ્યત્વના ક્ષેત્રમાંથી ભાગી જાય તો એની એ લજ્જાને તમે સ્વીકારી લઈ શકવાના નથી. દુ:ખ દઈને એને પાછો વાળો, મોકલો તમારા મૃત્યુદૂતને ક્ષતિદૂતને, જીવનની સાથે જેમ જેમ જવાબદારીના ભાન વિના ફાવે તેમ વર્તું છું તેમ તેમ એમાં હજારો ગ્રન્થિઓ બંધાતી જાય છે. એ બધી કાંઈ સહેલાઈથી છોડી શકાતી નથી. એને તો છેદવી પડશે. એ છેદનની વેદનાથી આળસને કારણે અથવા ભયને કારણે મને લેશમાત્ર દૂર છટકી જવા દેશો નહીં. કેટલીય વાર નવવર્ષ આવ્યું છે. કેટલાય નવવર્ષના દિવસે મેં તમારી પાસે મંગલની પ્રાર્થના કરી છે. પણ હવે કેટલું મિથ્યા કહું, વારે વારે હવે કેટલા મિથ્યા સંકલ્પો ઉચ્ચારું, વાક્યના વ્યર્થ અલંકારનો હજુ કેટલો ઢગલો કરું! જીવન જો સત્ય ન બની ઊઠે તો વ્યર્થ જીવનની વેદના સત્ય થઈ ઊઠો, એ વેદનાની વહ્નિશિખાથી મને પવિત્ર કરો. હે રુદ્ર, વૈશાખના પ્રથમ દિને આજે હું તમને જ પ્રણામ કરું છું, તમારી પ્રલયલીલા મારી જીવનવીણાના સમસ્ત આલસ્યસુપ્ત તારને કઠિન બલે આઘાત કરીને જગાડી જાઓ, તો જ મારામાં તમારી સૃષ્ટિલીલાનું નવું આનન્દસંગીત વિશુદ્ધ થઈને બજી ઊઠશે, તો જ તમારી પ્રસન્નતાને હું કશાંય આવરણ વિના જોઈ શકીશ. તો જ હું તમારુું રક્ષણ પામી શકીશ. રુદ્ર, યત્તે દક્ષિણં મુખં તેન માં પાહિ નિત્યં | (પંચામૃત)