લઘુ સિદ્ધાન્તવહી/અનુઆધુનિક જીવનનો આતંક અને સાહિત્ય


અનુઆધુનિક જીવનનો આતંક અને સાહિત્ય

‘સાહિત્યનો હ્રાસ અને એનું અવપતન’, ‘સાહિત્યનું અવસાન’, ‘સાહિત્ય લુપ્ત થયું છે’ જેવાં પુસ્તકોનાં શીર્ષકો વીસમી સદીને અંતે ટી.વી., મ્યૂઝિક વીડિયો, જાહેરાતો, કાર્ટૂનો, બીભત્સ સાહિત્ય અને પ્રસ્તુતિ-કલાઓ જેવી ઊભરેલી સામૂહિક સંસ્કૃતિના છવાયેલા આતંકનું પરિણામ છે. ચારેબાજુ દૃશ્ય સંસ્કૃતિ (image culture)નો આક્રમક હુમલો છે. ટીવીનું જ જગત જાણે કે બચ્યું છે. ટીવી જીવનમાં ઓતપ્રોત થઈ ગયું છે. ચેનલો બેસુમાર વધી રહી છે. કલ્પિત વાસ્તવ બની ગયું છે અને વાસ્તવ હવે કલ્પિત બની ગયું છે. પ્રત્યાયનનો નશો ફેલાયેલો છે. ઇન્ટરનેટની ધૂમ છે. માહિતીનો અસહ્ય બોજ લદાઈ રહ્યો છે. અર્થ ઓછો ને ઓછો થતો સંકોચાઈ રહ્યો છે. જાહેર આચરણોનાં બાહ્ય ધોરણો અદૃશ્ય થઈ રહ્યાં છે. જાણે કે વ્યગ્રતા અને સંનિપાત ચારે તરફ વિસ્તરી રહ્યાં છે. અનુઆધુનિક જીવનના આવા આતંક પર આર્થર ક્રૉકર જેવાએ તો ‘આતંક જ્ઞાનકોશ’ (The Panic Encyclopaedia) સંપાદિત કર્યો છે. આ કોશમાં માઇકલ વેસ્ટલેકે સેન્ટ આય્વ્ઝના એક સુન્દર માછીમાર ગામનો ગલપક્ષીઓ કઈ રીતે કબજો લઈ લે છે એનું વર્ણન તો કર્યું છે, પણ ગામવાસીઓ આ ઊતરી પડેલાં દરિયાઈ ગલપક્ષીઓ સામે કઈ રીતે આક્રમક બને છે એનું પણ બ્યાન આપ્યું છે. ગામવાસીઓ બેકિંગ પાવડરમાં બોળેલા બ્રેડનો આહાર ગલપક્ષીઓને આપે છે, જે ગલપક્ષીઓના પેટમાં ઍસિડ સાથે ભળીને ગલપક્ષીઓનો વિસ્ફોટ કરી દઈ શકે. આ વર્ણન ગલપક્ષીના આતંક સાથે, પ્રકૃતિ પર અને પર્યાવરણ પરનો મનુષ્યનો આતંક પણ પ્રચ્છન્ન રીતે સૂચિત કરે છે. આનો અર્થ એ કે આર્થર ક્રોકર ભય અને હતાશાના શબ્દભંડોળને ઉપસાવી રહ્યા છે. આ કેનેડિયન લેખક સાંસ્કૃતિક વિશ્લેષક છે અને એમના પુસ્તક ‘અનુઆધુનિક પરિદૃશ્ય’ (The Postmodern Scene)માં સદીના અંતને, ઈતિહાસના અંતને, એના અન્તઃસ્ફોટને, એની વિસર્ગસંસ્કૃતિને, સમાજિકના મૃત્યુને, સ્રાવ વિનાના મૌન સંબંધોને, કૅમેરાની વિચ્છેદિત આંખને અતિ હતાશા સાથે અભિવ્યક્ત કરી રહ્યા છે. જ્યૉર્જિઝ બેતેલ અસ્તિત્વના મુખ્ય સિદ્ધાન્ત તરીકે જે વ્યયનો ચિતાર આપે છે, એનો આધાર આર્થર ક્રૉકરે લીધો છે. અને તેથી જ ક્રૉકરને મન આજે કોઈ વાસ્તવ નથી, કોઈ સમાજ નથી, કોઈ વ્યક્તિતા નથી, કોઈ નૈતિકતા નથી, કોઈ જીવન નથી. માર્ક્સવાદ જેવો માકર્સવાદ પણ પ્રાચીન બની ગયેલા આધુનિકતાવાદનો ભગ્નાવશેષ બન્યો છે. પૂર્વવર્તી ભેદો પડી ભાંગ્યા છે, ઉચ્ચાવચતા ખતમ થઈ ગઈ છે, વિશિષ્ટતાઓ અલોપ થઈ ગઈ છે, અને દેરિદાની સૂઝનો વિનિયોગ કરીને ક્રૉકર કહે છે કે નિશ્ચિત નિર્દેશોનું તરતા સંકેતોમાં રૂપાન્તરણ થયું છે, એટલે કે ઔદ્યોગિક સમૂહમાધ્યમના દૃશ્ય (mediascape)માં રૂપાન્તરણ થયું છે. એ રૂપાન્તરણમાં વ્યક્તિતા, અર્થ, સત્ય, પ્રકૃતિ, સમાજ, સત્તા અને વાસ્તવ-આ સર્વ ભૂંસાઈ ગયાં છે. સમૂહ-માધ્યમો, માહિતી, પ્રત્યાયનો અને સંકેતોની અનુઆધુનિક વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે. સંકેતો જ સર્વોપરી બન્યા છે. સાહિત્યને આ બધાનું ગ્રહણ કેટલું લાગવાનું છે અને કેટલું લાગ્યું છે એ હવે શોધનો વિષય બન્યો છે. ‘આ માનવવિદ્યાઓને થયું છે શું?’ એવું પૂછવાનો જો વારો આવ્યો છે, તો સ્વાભાવિક છે કે ‘સાહિત્યને થયું છે શું?’ નો પ્રશ્ન આગળ વધી ‘સાહિત્યનું થશે શું?’ એવા પ્રશ્ન સુધી પહોંચવા-પહોંચવામાં છે.