લઘુ સિદ્ધાન્તવહી/વ્યક્તિતા તરફનું પુનરાગમન


વ્યક્તિતા તરફનું પુનરાગમન

આજે શહેરના બાગબગીચા કે સમુદ્રકાંઠાઓ સવારે અને સાંજે ચાલવા અને દોડવા નીકળી પડતા, શરીરને સુગઠિત રાખવા ઇચ્છતા સ્વાસ્થ્યપ્રેમીઓથી ઊભરાય છે. ગલીગલીમાં ખૂલેલાં બોડી શોપ્સ, હેલ્થ સેન્ટર્સ અને બ્યૂટી પાર્લરોમાં શરીરનું વિશેષ જતન થઈ રહ્યું છે. વિયેગ્રા જેવી કામોત્તેજક ગોળીઓની શોધે શરીરબલની ઘેલછાને જગાવી છે. શહેરે શહેરે યોજાતી સૌન્દર્યની ઉપસ્પર્ધા અને સ્પર્ધામાં શરીરના લહેકા સાથે કેટવોક લેતી સુન્દરીઓ ટી.વી.ના પડદા મારફતે ઘરના ખૂણા સુધી પહોંચી છે. જાહેરાતોમાં ફ્યુચરા જેવા કુકરને તૈયાર કરતી કંપની કુકરના વળાંકો અને નારીના વળાંકોને ઇન્દ્રિયોત્તેજક દૃશ્યભાષામાં રજૂ કરી રહી છે. આજનાં ચલચિત્રોએ પણ ખાસ્સો ઊહાપોહ સર્જ્યો છે. એમાં આવતી મબલખ હિંસા અને વારંવારનાં બળાત્કારોનાં દૃશ્યોમાં સંડોવાતાં શરીરોની ઉત્તેજના અજંપો ઊભી કરે તેવી છે. એના સંગીતમાં મનને ડોલાવતા લયને સ્થાને શરીરને ડોલાવતો તાલ પ્રવેશ્યો છે. નાયકનાયિકા સ્પર્શ્યા વિના પ્રેમ નથી પ્રગટ કરતાં, પણ પ્રેમ કરવા માટે તળ સંસ્કૃતિની લીલાઓ ઓળંગીને શરીરની કસરતો અને કરામતો સુધી પહોંચ્યા છે. નાયકનાયિકા એકલાં એકલાં ઝાડની ફરતે ગીતો ગાતાં નથી, પણ આસપાસ અને આગળપાછળ ઝટકો આપી નાચતાં સંખ્યાબંધ શરીરોની આગળ આવીને પોતાનાં શરીરોને પ્રદર્શિત કરે છે. આ બધું બતાવે છે કે લાંબા ગાળાથી ચાલી આવેલી આધુનિકતા અને આધુનિકતાવાદની સીમા તોડીને અનુઆધુનિક ભૂમિકા પર શરીરે આક્રમક રીતે પ્રવેશ કર્યો છે. પુનરુત્થાનકાળથી ઉત્તરોત્તર તર્કબુદ્ધિના વધતા જતા દબાવ અને નિયંત્રણ સામે આ ખુલ્લો બળવો છે. પશ્ચિમમાં તો, કહેવાય છે કે કાર્ટશિયન પરંપરાએ શરીરને હાનિ પહોંચાડી છે. દેકાર્તે કહ્યું હતું કે ‘હું વિચારું છું માટે હું છું’ અને એવું કરીને દેકાર્તે શરીર ઉપર મનને મૂકેલું અને શરીરની અવગણના કરેલી. આ અવગણના એટલી માત્રામાં આગળ વધેલી કે ‘બોડી’ (શરીર) જેવો શબ્દ ઉચ્ચારવામાં આવતાં પહેલાં તો મૃતશરીર કે શબની જ કલ્પના આવે છે, ટૉમસ ઍક્વેનાસ જેવા તો કહે છે કે મૃતશરીર કે શબ જેવું કશું છે જ નહીં. જે છે તેને જીવતાનો અવશેષ કહી શકાય. અનુઆધુનિકતાવાદે શરીરનો જે મહિમા કરવા માંડ્યો છે અને તર્કબુદ્ધિ યા મનની સીમાઓની ઉપર ઊઠીને ફરીને જે શરીરની સ્થાપના કરવા માંડી છે તે આધુનિકતાએ સતત સેવેલી વૈજ્ઞાનિક વસ્તુલક્ષિતા અને અમૂર્તતાની વિરુદ્ધમાં ઊઠેલી ગતિ છે. માર્લો પોન્તિએ શરીરની વ્યાખ્યા આપતાં કહેલું કે ‘કશુંક કરવાનું છે ત્યાં શરીર છે’ એટલે શરીર ઉપકરણ છે. પણ અનુઆધુનિકતાવાદમાં નવું શરીરશાસ્ત્ર (Somatics) ઉદ્ભવમાં આવ્યું છે જેમાં જોવાથી માંડી અન્ય ક્રિયાઓ શરીર પર કરવામાં આવે છે એટલે કે શરીર અધિકરણ છે. અનુઆધુનિકતાવાદની આ ગતિને સમજવા માટે આલાં તુરેન (Allain Touraine)ના ‘આધુનિકતાની આલોચના’ (‘ક્રિટિક ઑવ મૉડર્નિટી, અનુવાદ, ડેવિડ મેસી)નામક ગ્રંથને જોવો જરૂરી છે. આ ગ્રંથમાં આધુનિકતાનું નિદાન કરતાં આલાં તુરેને સ્પષ્ટ કર્યું છે કે ઘણા લાંબા સમય સુધી સમાજવિજ્ઞાનીઓ, તત્ત્વચિંતકો અને સંસ્કૃતિના આલોચકોએ જે આધુનિકતાનાં લક્ષણો ઉપસાવ્યાં છે તેમાં એક જ ધરીનો ઉપયોગ થયો છે. એમણે વૈજ્ઞાનિક પુનર્ગ્રથન (Rationalisation)ની ધરીને ખપમાં લઈ બીજી એટલી જ મહત્ત્વની વ્યક્તિ-પુનર્ગ્રથન (Subjectivation)ની ધરીની ઉપેક્ષા કરી છે. માનવચેતનાનું સાંસ્કૃતિક ઘડતર એથી વિચારણાના પૂરેપૂરા કેન્દ્રમાં નથી આવ્યું. આધુનિકતા બુદ્ધિતર્કના વસ્તુલક્ષી વિસ્તાર સાથે જેટલી નિસબત ધરાવે છે એટલી વ્યક્તિપુનર્ગ્રથનમાં પણ એની નિસ્બત છે. વ્યક્તિપુનર્ગ્રથનને વૈયક્તિક સંજ્ઞાઓમાં ઓળખવાની જરૂર નથી. વ્યક્તિપુનર્ગ્રથન સામાન્ય રીતે અન્ય સાથેના સંબંધોની પણ અપેક્ષા રાખે છે. વૈજ્ઞાનિક પુનર્ગ્રથન અને વ્યક્તિપુનર્ગ્રથન પરસ્પરના વિરુદ્ધમાં રહ્યાં છે. આથી જ આધુનિકતાને અતિક્રમી જવા માટે વ્યક્તિપુનર્ગ્રથનની બીજી ધરી સક્રિય બની છે. આલાં તુરેન માને છે કે આજના અનુઔદ્યોગિક સમાજમાં વ્યક્તિપુનર્ગ્રથન સામાજિક આંદોલનોના રૂપે પ્રધાન રૂપ ધારણ કરે છે. આવા અનુઔદ્યોગિક સમાજને તુરેન ‘પ્રોગામ્ડ સોસાયટી’ કહે છે, જેમાં સાંસ્કૃતિક માલસામાનનું ઉત્પાદન અને વિતરણ કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે. આ ભૂમિકા પાછી ઔદ્યોગિક સમાજમાં ભૌતિક માલસામાન સાથે સંકળાયેલી છે. વ્યક્તિપુનર્ગ્રથનની આ સક્રિય બનેલી ધરી આજે ફ્રેંચ તત્ત્વવિચારણામાં ‘વ્યક્તિતા તરફનું પુનરાગમન’ (Return to the subject) સંદર્ભે પરિચિત વિષય છે. સામૂહિક સમાજની સરકતી રેતમાં જો મનુષ્યને અદૃશ્ય ન થઈ જવું હોય તો એણે પોતાની જાત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મનની અમૂર્તતા સામે ઇન્દ્રિયસંવેદ્ય શરીર સ્વરૂપે આક્રમક રીતે જાત ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે.