લઘુ સિદ્ધાન્તવહી/નિબંધ અને લેખ
નિબંધ અને લેખ
દિગીશ મહેતાના અવસાન સાથે ગુજરાતી નિબંધના સ્વરૂપનો એક મહત્ત્વનો વળાંક અદૃશ્ય થયો. જો કે ‘દૂરના એ સૂર’ નિબંધસંગ્રહ પછી દિગીશ મહેતાનો નિબંધ ‘શેરી’ નિબંધસંગ્રહમાં એમનાથી બહુ દૂર ગયેલો જોવાય છે. ભલે ને એમના પ્રકાશક રઘુવીર ચૌધરી પ્રસ્તાવનામાં જાહેરાતની ભાષામાં જાહેરાત કરતા હોય કે ‘દિગીશ મહેતાના શ્રેષ્ઠ નિબંધો એવું અલાયદું સંપાદન કરવું નહીં પડે. જે લખ્યું છે એ બધું શ્રેષ્ઠ છે.’ કદાચ કાલિદાસ કે શેક્સપિયરની બાબતમાં પણ જે અચકાતાં લખવું પડે એને પ્રસ્તાવનાકારે પૂરી ધૃષ્ટતાથી વાચકો પર ફેંક્યું છે. આ સંજોગોમાં વિજયરાય વૈઘે ‘નિબંધ’ કે ‘નિબંધિકા’ જુદાં કરવાનું કે પછી ઉમાશંકરે ‘નિબંધ’ કે ‘લેખ’ને જુદાં કરવાનું સૂચન કરેલું એ અંગે વિચારવાનો સમય પાકી ગયો છે. સર્જક ગદ્ય જેવી સંજ્ઞાથી જેમ ગદ્યને જુદું પાડવામાં આવે છે તે રીતે નિબંધને એની સર્જકતાને કારણે અલગ પાડવા ‘નિબંધ’ સંજ્ઞા રાખી અન્ય નિબંધકલ્પ કે નિબંધેતર લેખનોને લેખથી જ ઓળખવાની હવે જરૂર છે. એ ખરું કે આધુનિકતાવાદીયુગમાં નિબંધ જેવા અંગત સાહિત્યસ્વરૂપમાં લાગણી તરફ વળવાની કે વ્યક્તિત્ત્વ તરફ ઢળવાની તક સાંપડી છે. આમેય નિબંધના પિતા મૉન્તેને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે નિબંધમાં “હું મારી જાતને જ આલેખું છે.” નિબંધનું સ્વરૂપ આ રીતે મૂળથી જ હું-યુક્ત (I-loaded) અને માનવીય રહ્યું છે. જીવનની વધુ સંનિકટ રહ્યું છે. કાલેલકર જેવાએ કદાચ એથી જ છેડે જઈને કહ્યું કે નિબંધ “સાહિત્યની શૈલીમાં કહેવા માગે છે.” ઉમાશંકરે પણ એથી જ ઉચ્ચાર્યું કે ‘નિબંધનું રસબિન્દુ વિષય નહીં, પણ લેખક પોતે છે.’ કદાચ આ ‘હું’ નિબંધમાં વિષયને જોડે છે, એથી વધુ વિષયાન્તર કરે છે. હ્યુસ્ટન પીટર જેવાએ તો ‘આહ્વાદક વિષયાન્તર’ની જિકર કરી છે. બીજી રીતે જોઈએ તો સાહિત્યનાં અન્ય સ્વરૂપોમાં વિવિધ દિશાની ગતિ કોઈ એક કેન્દ્ર તરફ જોવાય છે તો નિબંધમાં એક કેન્દ્રમાંથી વિવિધ દિશાઓમાં ગતિ જોવાય છે. એટલે કે અન્ય સ્વરૂપોમાં વિષયાન્તર દોષ છે, તો નિબંધમાં વિષયાન્તરનો લાભ છે. પણ ‘હું’ ને લઈને ચાલવું એ અઘરી વાત છે. વર્જિનિયા વુલ્ફે કહેલું કે ‘લખતાં આવડતું હોય તો જ તમે તમારી જાતનો ઉપયોગ કરી શકો.’ કારણ, ‘હું’ કે અહમ્-ને કારણે અન્યથા કંટાળો જ ઊભો થઈ શકે, આદિ નિબંધકાર નર્મદને ખબર જ હતી કે, ‘નિબંધમાં લખવા જેવી તેવી વાત નથી.’ અને ક્રિસ્તોફર બેન્સન પણ એટલે જ નિબંધરચનામાં સર્જક ચિત્તની આકર્ષકતાને આગળ ધરે છે. નિબંધકારનું સર્જક ચિત્ત વસ્તુને અસંખ્ય પાસાંઓથી નિહાળી શકે છે. નિબંધ આ જ કારણે શૈલી બને છે. આ શૈલી પાછળ નિબંધકારનો વિમર્શનો અર્ક હોય છે. અને આ વિમર્શનો અર્ક ભાવગત તર્ક (emotional intelligence)માંથી જન્મેલો હોય છે. નિબંધનો બંધ સ્વ-નિર્ભર સ્વરૂપ (automorphism)નો છે. તો, નિબંધ કોઈ વર્ગીકરણની બહાર ઊભો છે? હર્બર્ટ માર્કયૂઝે એમ કહ્યું હતું કે કલા-અંતર્ગત નિષેધનો તર્ક રહેલો છે. નિબંધની બાબતમાં આ વાત સૌથી વધુ સાચી ઠરે છે. નિબંધ વર્ણન છે અને નથી, નિબંધ કથન છે અને નથી, નિબંધ તર્ક-દલીલ છે અને નથી. વસ્તુ બીજી વસ્તુને અનુસરે તો વર્ણન, ઘટના બીજી ઘટનાને અનુસરે તો કથન, વિચાર બીજા વિચારને અનુસરે તો તાર્કિક દલીલ-નિબંધ આ બધાનો ઉપયોગ કરે છે, અને કરતો નથી. એમાં વસ્તુ અને વિચાર, ઘટના અને વિચાર ગૂંથાયાં કરે છે. વિચાર પછીથી થયેલા વિચારો રૂપે નહીં, પણ વસ્તુઓ અને ઘટનાઓ પરત્વે તાત્કાલિક થયેલી પ્રતિક્રિયા રૂપે આવે છે. પછી એ ગોઠવાયા હોય કે વ્યવસ્થાપૂર્વક મુકાયા હોય એવું ચુસ્તપણે કહી શકાય નહીં. નિબંધની એ જ વિશિષ્ટતા છે કે નિબંધ આ રીતે અપૂર્ણ સ્વરૂપ (imperfect form) ધારણ કરે છે, કે પછી મનનો મુક્તવિહાર (dispersed meditations) દર્શાવે છે. પણ તેથી ઘણી વાર કહેવાય છે તેમ નિબંધકારને ઊતરતી કક્ષાનો કવિ (a lesser kind of poet) કહેવાની જરૂર નથી. નિબંધ સ્વરૂપની રીતે ચુસ્ત ભલે ન હોય, પણ એમાં કલ્પનાની માવજત અને રુચિ તેમજ ઇચ્છાશક્તિનો રંગ ભળેલો હોય છે. આથી જ સારા નિબંધકારને વાંચીને વાચક બોલી ઊઠતો હોય છે કે “મેં ઘણી વાર આ બધી વસ્તુઓ વિશે વિચાર્યું હશે, પણ આ પહેલાં આ બધા વચ્ચે કોઈ સંબંધ મારે હાથ ચડ્યો નહોતો.” નિબંધ એટલે લલિત નિબંધ, અંગત નિબંધ કે સર્જક નિબંધ એ રીતે એની સંજ્ઞા એક વાર સ્વીકારી લઈશું તો અન્ય લેખોને જુદા તારવવા પછી મુશ્કેલ નથી.
●