વાંકદેખાં વિવેચનો/કલાપીની ખેલપટુતા?– ૧ (ગ્રામ્ય માતા’ના સંદર્ભે)
(‘ગ્રામ્ય માતા’ના સંદર્ભે)
સ્નેહી શ્રી રમેશભાઈ, ગાંધીનગરથી પાછા ફરતાં તમે મારે ત્યાં રોટલો ખાવા રોકાયેલા અને કલાપી અને સંચિત્ના સંબંધ વિશેના તમારા સંશોધનની રસપ્રદ ચર્ચા આપણે થયેલી તેનું હજુ જાણે તાજું સ્મરણ છે. કલાપીના સાહિત્યસર્જન વિશેની પ્રચલિત માન્યતાને કંઈક ઉપરતળે કરી નાખતું પ્રતિપાદન તમારી પાસે છે અને તમારા વિષયથી તમે છલોછલ ભરેલા છે એવું મને તે વખતે પણ લાગેલું. હવે તો તમારું એ સંશોધન પુસ્તક રૂપે પ્રગટ થઈ ગયું છે૧[1] અને એની નૂતનતાથી અનેક લોકોને ચમકાવનારું ને પ્રભાવિત કરનારું બન્યું છે. તમે ડાયરી, પત્રો વગેરે કેટલીક વિરલ અપ્રકાશિત સામગ્રી સુધી પહોંચવાનો અત્યંત નોંધપાત્ર એવો પુરુષાર્થ કર્યો છે ને તેથી નવીજૂની ઢગલાબંધ હકીકતો તમારા લખાણમાં ઊભરાયાં કરે છે. લોકોને મૂંગા કરી નાખનારું કંઈક એમાં છે. રમેશભાઈ, આપણે હમણાં રાજકોટમાં મળ્યા ત્યારે દસ્તાવેજી સામગ્રી માટેના તમારા પુરુષાર્થને મેં અભિનંદન આપેલાં પણ સાથેસાથે જે હકીકતો પરથી જે અનુમાન ઉપર તમે જાઓ છે એ વિશે શંકા પણ વ્યક્ત કરેલી. તમારી સંશોધનપદ્ધતિ મને જોખમી લાગે છે એવું પણ મેં તમને જણાવ્યું હતું. દૃષ્ટાંત રૂપે તમારા પુસ્તકના શરૂઆતના એક મુદ્દાની મેં થોડીક ચર્ચા તમારી સાથે કરેલી, પણ એ તો તમે જે સાધનો વાપર્યાં છે એને તપાસ્યા વગર જ. એ સાધનો તપાસતાં તો તમારી સંશોધનપદ્ધતિની મુશ્કેલી મારા મનમાં સાવ સ્પષ્ટ થઈ ગઈ અને તેથી આ જાહેર પત્ર લખવા પ્રેરાયો છું. મારી કંઈ ભૂલ થતી હોય તો તમે મને અવશ્ય સુધારશો.
જેમનામાં રહેલા "સનાતન ઉમદા માનવી”ને ગ્રંથારંભે (પૃ.નવ) વંદન કરવામાં આવ્યું હોય એ કલાપી પર ગ્રંથના પાંચમે પાને જ “ખેલપટુતા”નું આરોપણ થાય એ કેવું વિચિત્ર કહેવાય? પણ આ વિચિત્રતાની વાત જવા દઈએ. મારે તો આ ખેલપટુતાના આરોપણને જ અહીં તપાસવું છે. એનું તમારું પહેલું દૃષ્ટાંત છે. ‘ગ્રામ્ય માતા’નું. ક્લાપીએ એના ખરા આધારસ્રોતને છુપાવીને આપણું ધ્યાન બીજે દોર્યું છે એવો તમારો આક્ષેપ છે. આ આક્ષેપ હું સહેજેય સ્વીકારી શકતો નથી. તમે હકીકતોનો એક ઢગલો કર્યો છે પણ એની પાછળનું તર્કનું માળખું તકલાદી છે. જોઈએ. સૌ પ્રથમ તમે કહો છો : “કલાપીનું અવનદ્ય [‘અનવદ્ય’ જોઈએ] ગણાતું ખંડકાવ્ય, ‘ગ્રામમાતા’ [કલાપીનું શીર્ષક ‘ગ્રામ્ય માતા’ છે] તો ‘બહેરામ ગોર અને બાગબાન’ તથા ‘શાહકુબાદ અને વૃદ્ધ સ્ત્રી’ એ બે સૈકાઓ જૂની ફારસી કથાઓનું સ્વારસ્ય વિનાનું રૂપાંતરમાત્ર છે એમ ડૉ. ઉપેન્દ્ર પંડ્યાએ, સૌજન્યપૂર્વક કવિની પદાવલિની મધુરતાને પ્રશંસતાં છતાં, દર્શાવ્યું છે.” ‘ગ્રામ્ય માતા’ “અનવદ્ય” ગણાતું હોય એવો મને ખ્યાલ નથી તેથી આ શબ્દ યોજીને તમે સામે મોરચો માંડવાની એક ભૂમિકા ઊભી કરતા હોય એવો મને વહેમ જાય છે. પણ વહેમને આપણે બાજુ પર રાખીએ. ડૉ. ઉપેન્દ્ર પંડ્યાને નામે તમે જે વાત મૂકી છે એનો આધાર મને એમના લેખમાં૨ –[2]જડતો નથી. ડૉ. પંડ્યાને મેં તમારું આ વાક્ય વંચાવ્યું ત્યારે એમને પણ આઘાત લાગ્યો. પ્રસ્તુત લેખમાં એમણે ઉક્ત ફારસી કથાઓનો સાર આપી બતાવ્યું છે કે "આ બંને કથાઓનું વસ્તુ ‘ગ્રામ્ય માતા’ના કથાવસ્તુને ઘણું મળતું આવે છે.” એમાંની પહેલી કથામાં દાડમ કાપતાં રસથી પ્યાલો ભરાઈ જાય એવી અવાસ્તવિક ઘટના છે, તેમ કલાપીના કાવ્યમાં પણ શેરડી કાપતાં રસથી પ્યાલો ભરાઈ જાય એવી અવાસ્તવિક ઘટના છે. તેથી ડૉ. પંડ્યા કહે છે કે “કલાપીએ જો પહેલી કથામાંથી કદાચ પ્રેરણા મેળવી હોય તોયે એમણે આ અંગે ચમત્કાર પર વધુ પડતો મદાર રાખી વાસ્તવિકતાનું હકીકતનું - નિરર્થક ઉલ્લંઘન કર્યું છે એમ લાગે છે.” બીજી કથામાં દૂધમાં વધઘટ થવાની ઘટના વધારે વાસ્તવિક છે, પણ ડૉ. પંડ્યા નોંધે છે કે “કદાચ આ બીજી કથાથી કલાપી પરિચિત ન પણ હોય.” છેવટે ડૉ. પંડ્યા એટલું જ જણાવે છે કે “ ‘ગ્રામ્ય માતા’નું કથાબીજ ‘બહેરામ ગોર ને બાગબાન’ની કથા સાથે ગાઢ સંબંધ ધરાવે છે.” જોઈ શકાશે કે ડૉ. પંડ્યા માત્ર કથાબીજનું મળતાપણું દર્શાવે છે; ઉક્ત બે કથામાંથી કોઈ કથા પરથી કલાપીએ પોતાનું કાવ્ય રચ્યું હોવાની એમને ખાતરી નથી. પહેલી કથામાંથી કલાપીએ પ્રેરણા મેળવી હોવાનો એમણે ખાલી તર્ક જ કર્યો છે એ પણ દેખાઈ આવે છે. તો પછી ડૉ. પંડ્યાની દૃષ્ટિએ ‘ગ્રામ્ય માતા’ એ ફારસી કથાઓનું સ્વારસ્ય વિનાનું રૂપાંતર છે એમ કહેવું વાજબી છે ખરું? “સ્વારસ્ય વિનાનું” એ શબ્દો પણ તમારા જ છે. ડૉ. પંડ્યા તો ઘટનાની અવાસ્તવિકતાનો જ માત્ર નિર્દેશ કરે છે. પછી એમણે "સમગ્ર કાવ્યનું કલાસર્જન તો કલાપીની પ્રતિભાના જ આવિર્ભાવરૂપ છે” એમ કહી કાવ્યના આરંભમાં આવતાં ચિત્રાંકનોની મનોરમતા તરફ લક્ષ દોર્યું છે ને છંદમાં લેવાયેલી હૃસ્વદીર્ઘની છૂટની પણ નોંધ લીધી છે. પદાવલિની મધુરતાની નહીં પણ ચિત્રાંકનોની મનોરમતાની આ પ્રશસ્તિને “સૌજન્યપૂર્વક” થયેલી માનવી એ તો, વળી, ડૉ. પંડ્યા ઉપર તમે કરેલા આરોપણને વળ ચડાવવા જેવું છે. ડૉ. પંડ્યાએ ‘ગ્રામ્ય માતા’ના જે અંશોની પ્રશસ્તિ કરી છે તે એવી સદૃષ્ટાંત ને પ્રતીતિકર છે કે એ ખરા હૃદયથી નથી કરી એમ માનવા માટે કોઈ કારણ રહેતું નથી. આગળ ચાલતાં તમે કહો છો કે “સપ્ટેમ્બર ૧૮૯૬માં ફારસી શીખવા ‘આરબ શિક્ષક’ રાખનાર અને ફારસી તાલીમનામું મંગાવનાર કલાપીએ ૧૮૯૫માં ફારસી વાર્તાનું બીજ ઉપાડ્યું હશે તે કોઈ અંગ્રેજી અનુવાદને આધારે ને?” એટલેકે કલાપીએ ફારસી વાર્તાનું બીજ ઉપાડ્યું છે એ તમારા મનમાં નિશ્ચિત થઈ ગયું છે, પણ કલાપીએ ફારસી તો આ કાવ્ય રચાયા પછી શીખવા માંડેલું એટલે એ હકીકત તમને મદદરૂપ થતી નથી, તેથી તમારે તર્ક કરવો પડે છે કે કોઈ અંગ્રેજી અનુવાદને આધારે એમણે આ કથાબીજ મેળવ્યું હશે.૩[3] રમેશભાઈ, આવી તર્કબાજીનો કંઈ અર્થ હોય એવું લાગે છે ખરું? મને તો નથી લાગતું. હજુ એક વધારે હકીકત તમે નોંધો છો : ‘વિ.સં.૧૩૬૧માં વઢવાણમાં રહી આચાર્ય મેરુતુંગે રચેલા ‘પ્રબંધચિંતામણિ’માંના ‘ઈક્ષુરસપ્રબંધ’ અથવા બીજા પાઠ પ્રમાણે ‘પૃથ્વીરસપ્રબંધ’માં આ જ મર્મ સાથેનો શેરડીના રસનો જ કથાઘટક છે, જેનો અંગ્રેજી અનુવાદ ફાર્બસે પોતાના ઉપયોગ માટે સન ૧૮૪૯માં પોતાની નોટમાં ઉતાર્યો હતો. કલાપીના કાવ્યમાં શેરડીના રસનો કથાઘટક આ પ્રબંધથી નિરપેક્ષ અકસ્માત જ હશે?” આમાં ફાર્બસની નોટનો હવાલો શા માટે આપવો પડે છે તે મને સમજાતું નથી. ‘પ્રબંધચિંતામણિ’નું પ્રકાશન મોડું થયું હોય તો કલાપીએ એનો આધાર લીધાની વાતને અગવડ પડે, તેથી? વસ્તુતઃ જેને આધારે તમે આ નોંધ કરી છે તે, રતિલાલ દીપચંદ દેસાઈનો લેખ૪[4] બતાવે છે કે ‘પ્રબંધચિંતામણિ’નું ટૉનીનું અંગ્રેજી ભાષાંતર ૧૯૦૨માં, શાસ્ત્રી રામચન્દ્ર દીનાનાથનું ગુજરાતી ભાષાંતર ૧૯૦૯માં અને હજારીપ્રસાદનું હિંદી ભાષાંતર ૧૯૪૦માં પ્રસિદ્ધ થયાં હતાં. સંસ્કૃત વાચના પણ વહેલી છપાયેલી જણાતી નથી. એટલે ફાર્બસ સાહેબે આ કૃતિનું ૧૮૪૯માં પોતાના માટે ભાષાંતર કરી બે નોટોમાં લખી રાખ્યું હતું એ શ્રી દેસાઈની માહિતીને તમે ઝડપી લો છો. પણ કલાપી ફાર્બસ સાહેબની નોટો સુધી પહોંચ્યા હોય એમ માની શકાય ખરું? શ્રી દેસાઈ પોતે શું કહે છે તે જોવા જેવું છે : "શ્રી કલાપીએ આ દાડમના રસનો કથાઘટક ધરાવતો આ કિસ્સો ‘બહેરામ ગોર ને બાગબાન’ની કથાને મળતો જ છે. (જુઓ ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૯૨ - ગ્રામમાતા’ - વસ્તુમૂળ અને નિર્વહણ’.) ‘ઈક્ષુરસપ્રબંધ’ની કથા વાંચી હશે અને એના ઉપરથી ‘ગ્રામ્ય માતા’ કાવ્યની રચના કરવાની એમને સ્ફુરણા થઈ હશે એમ કહી શકાય એવું કોઈ પ્રમાણ આપણી પાસે નથી.” પણ “કથાવસ્તુ ‘ઈક્ષુરસપ્રબંધ’ને ઘણી જ મળતી છે, એટલે એટલું માનવાનું તો મન થાય જ છે કે આ કવિવરે ભલે પ્રબંધ ન વાંચ્યો હોય પણ છેવટે ક્યાંકથી લોકજીભે પણ એમને આ લોકકથા સાંભળવા મળી હોવી જોઈએ.” ‘પ્રબંધચિંતામણિ’ના અનુવાદક દુર્ગાશંકર શાસ્ત્રીએ પણ આ મતલબની નોંધ કરી છે : “આ ચોખ્ખી લોકકથા છે. અનેક રાજાઓને નામે થોડાઘણા ફેરફારથી ચડેલી મળે છે. કલાપી કવિએ પણ ‘ગ્રામ્ય માતા’ નામથી એક કાવ્ય લખીને આ લોકકથાને અમર કરી છે."૫[5] રમેશભાઈ, તમે રતિલાલ દેસાઈએ આપેલી ‘ઈક્ષુરસપ્રબંધ’ની વાર્તા જોઈ જ હશે. ‘ગ્રામ્ય માતા’ની વાર્તા સાથે એને કેટલું મળતાપણું છે? રાજાના મનોભાવની અસર અને શેરડીના રસનો ઘટક એટલું મળતાપણું છે, પણ ‘ઇક્ષુરસપ્રબંધ’માં શેરડીનો રસ આપનાર તો વેશ્યા છે અને રાજાને જેને, એની સમૃદ્ધિને કારણે, લૂંટવાનો વિચાર આવેલો તે વાણિયો છે. એટલે માત્ર શેરડીના રસના કથાઘટક માટે કલાપીને ‘ઈક્ષુરસપ્રબંધ’ સુધી હડી કઢાવવાનો કંઈ ખાસ અર્થ રહે છે ખરો? નોંધપાત્ર એ છે કે આ વિષયની કોઈ લોકકથા કલાપી પાસે હશે એમ માનવા છતાં દુર્ગાશંકર શાસ્ત્રી કે રતિલાલ દેસાઈને કલાપી વિશે કશું યદ્વાતદ્વા લખવાનું પ્રાપ્ત થતું નથી. દુર્ગાશંકર શાસ્ત્રી તો આ લોકકથાને અમર કરવાનો જશ કલાપીને આપે છે ને રતિલાલ દેસાઈ પણ "મહાગુજરાતના ખ્યાતનામ યુવાન રાજકવિ, સ્વનામધન્ય” શ્રી કલાપીના આ કાવ્યને “મધુર અને હૃદયંગમ કાવ્ય” તરીકે ઓળખાવે છે. હવે તમારો છેલ્લો અને અગત્યનો ઘા આવે છે : “પરંતુ કલાપી તો તે કાવ્ય વર્ડ્ઝવર્થની શૈલીથી લખાયેલું કહે છે! આ કાવ્યલેખનના એકાદ વર્ષ પહેલાં વર્ડ્ઝવર્થના ‘Goody Blake’ કાવ્ય માટેનો પ્રતિભાવ દર્શાવતાં કલાપીએ એક મિત્રને લખ્યું છે : "કાયદો જેને ગુનો નથી ગણતો તેને કુદરત મોટો ગુનો માને છે. આપણો કાયદો તે શું આપણી ‘ઇક્વિટી’થી પણ વર્ડ્ઝવર્થની ઇક્વિટી’ બહુ ઊંચી છે.” તો ત્યારથી જ એ ‘ઈક્વિટી’ આલેખવાનું તેમના મનમાં ગોરંભાયા કરતું હશે? અને વર્ડ્ઝવર્થની ગુડી બ્લેક વીણતી હતી તે લાકડાંને સ્થાને મેરુતુંગની કથામાં છે તે જ શેરડીના રસનો કથાઘટક યોજવામાં, જે નિશાન તાકવું હોય તેના કરતાં જુદી દિશામાં જોવાનો ડોળ કરવાની બીજા અનેક પ્રસંગોએ જોવા મળતી આ રાજવીની ખેલપટુતા તો નહીં હોય?” આધારસામગ્રીની જબરી ભેળસેળ અહીં તમે કરી છે. કલાપી આ કાવ્યને વર્ડ્ઝવર્થની શૈલીએ લખાયેલું કહે છે તે વાજસુર વાળા પરના તા.૩૦-૪-૧૮૯૬ના પત્રમાં. એમાં કલાપી લખે છે કે “વર્ડ્ઝવર્થ એમ માનતો લાગે છે કે કોઈ માણસની અથવા કોઈ માણસની જિંદગીના એક બનાવની સાદીસીધી વાત કરી જવી એમાં કાવ્ય બની જાય છે. એ જ રીતિથી એટલે વર્ડ્ઝવર્થની એ શૈલીને અનુસરી હજુ સુધી ત્રણ જ કાવ્ય લખાયાં છે – ‘સારસી’ ‘શેલડી’ [‘ગ્રામ્ય માતા’નું આ જૂનું શીર્ષક છે] અને ‘વૃદ્ધ ટેલિયો’ – જોકે આ ત્રણેમાં કાગડો હંસની ચાલ ચાલવા જાય અને જેવું બને તેવું બન્યું છે.”૬ [6]અહીં વર્ડ્ઝવર્થના ‘ગુડી બ્લેક’ કાવ્યનો ઉલ્લેખ નથી, એટલું જ નહીં પણ કલાપીએ પોતાના એક નહીં પણ ત્રણ કાવ્યને સંદર્ભે વર્ડ્ઝવર્થની શૈલીનો ઉલ્લેખ કર્યો છે. એટલે એમને બનાવનું સીધુંસાદું કથન કરવાની શૈલીથી વિશેષ કશું અભિપ્રેત નથી એ સ્પષ્ટ થઈ જાય છે. કથાવસ્તુના કે બીજા કશા મળતાપણાનો અહીં મુદ્દો જ નથી. ‘ગુડી બ્લેક’ના ઉલ્લેખવાળો પત્ર પણ વાજસુર વાળાને તા. ૧૯-૮-૯૪ના રોજ લખાયેલો છે.”૭[7] વર્ડ્ઝવર્થનું વાચન કલાપીને ચાલે છે તે સંદર્ભમાં કલાપી વર્ડ્ઝવર્થનાં દશેક કાવ્યોની ટૂંકી ચર્ચા કરે છે તેમાં “ગુડી બ્લેક” આવે છે. વર્ડ્ઝવર્થના એક કાવ્ય પરથી પોતે રચેલા ‘વનમાં હું’નો કલાપીએ નિર્દેશ કર્યો છે પણ ‘શેલડી’ કે ‘ગ્રામ્ય માતા’નો ઉલ્લેખનથી. સંભવતઃ એ હજુ રચાયું નથી. આ રીતે બે જુદાજુદા પત્રોના સાવ છૂટા ઉલ્લેખોને જોડી દઈને કલાપી પોતે જાણે ‘ગ્રામ્ય માતા’ ‘ગુડી બ્લેક’ પરથી રચ્યું હોવાનું સૂચવતા હોય ને એ રીતે આપણું ધ્યાન ખરી આધારસામગ્રીથી અન્યત્ર દોરતા હોય એમ માની લેવું એ વાજબી છે? મને તો આ કલાપીને થયેલો હળાહળ અન્યાય લાગે છે. રમેશભાઈ, તમે એ જોયું જ હશે કે ‘ગુડી બ્લેક’ અને ‘ગ્રામ્ય માતા’ વચ્ચે કથાવસ્તુ અને એની પાછળના તત્ત્વવિચારનો પણ ફરક છે. ‘ગુડી બ્લેક’માં ગૂંથાયેલો વિચાર, કલાપીના શબ્દોમાં જ છે – “આંતરડીની કદુવા લાગવી” “નિસાસો લાગવો", જ્યારે ‘ગ્રામ્ય માતા’માં ગૂંથાયેલો વિચાર છે – રાજાની દાનત એવી ધરતીની બરકત. ડૉ. ઉપેન્દ્ર પંડ્યા બન્ને કાવ્યોની સરખામણી કરીને સાચું જ કહે છે કે ‘ગુડી બ્લેક’ની અસર ‘ગ્રામ્ય માતા’ પર હોવાનું “સામ્યસૂચક કોઈ સંગીન પ્રમાણ દેખાતું નથી.” આમ છતાં, ડૉ. પંડ્યા નોંધે છે તેમ કલાપીને આ કાવ્યની પ્રેરણા ‘ગુડી બ્લેક’ પરથી મળી હોવાનું કેટલાક જરૂર માને છે. ડૉ. ઈન્દ્રવદન દવે આ કાવ્ય પરના ટિપ્પણમાં લખે છે કે “આ કાવ્ય રચવાની પ્રેરણા કવિને વર્ડ્ઝવર્થના ‘Goody Blake’ કાવ્ય પરથી થઈ છે; પણ માત્ર પ્રેરણા જ. કાવ્યમાં અનુભવ કલાપીનો પોતાનો જ છે.”૮[8] આ પૂર્વે શ્રી નવલરામ ત્રિવેદીએ પણ કલાપીના ઉક્ત બે પત્રોનો નિર્દેશ કરી માત્ર આટલું જ કહ્યું હતું : " ‘ગ્રામ્ય માતા’માં પણ આ પ્રમાણે મનની અસર જ બતાવી છે. પણ તે સિવાય વર્ડ્ઝવર્થનું બીજું કાંઈ નથી.”૯[9] બધું જોતાં એ સ્પષ્ટ થાય છે કે કલાપીને વર્ડ્ઝવર્થના કાવ્યમાંથી પ્રેરણા મળી હોય તોયે એ દીવે દીવો પ્રગટે એ પ્રકારની જ હોઈ શકે. વર્ડ્ઝવર્થના કાવ્યનો તત્ત્વવિચાર કલાપીને સ્પર્શી ગયો હતો અને એની સાથે કંઈક મળતાપણું ધરાવતો વિચાર વ્યક્ત કરતું લોકકથાનું વસ્તુ કલાપીના હાથમાં આવતાં (કલાપીનો આ વાસ્તવિક અનુભવ હોવાની શક્યતા નથી. એમના મનની ભાવના હોઈ શકે) એમણે આ રચના કરી હોય એમ બની શકે. એટલે, આ કાવ્યમાં વર્ડ્ઝવર્થની પ્રેરણા હોવાનું કલાપીએ પોતે જ કહ્યું હોય તોયે મારી દૃષ્ટિએ કશી આપત્તિ નહોતી. કાવ્યના સર્જનમાં અનેક સરવાણીઓ ક્યાંક્યાંથી આવીને મળતી હોય છે એ આપણે ક્યાં નથી જાણતા? મારી દલીલોની દલીલ તો છેવટે આ છે : કલાપીને આ કાવ્યની આધારસામગ્રીને છુપાવવાનું પ્રયોજન શું હતું? આ કાવ્યમાંનાં કલાપીનાં વર્ણનો એમણે આલેખેલા મનોભાવો, એમના શબ્દો ને એમનાં છંદવિધાનો ક્યાંયથી લીધેલાં છે એવું તે કશું સાબિત થતું નથી, પછી કથાવસ્તુનો આ કે તે આધાર નક્કી થયો તોયે શું? એથી કલાપીની કવિપ્રતિભાને શાથી આંચ આવે? કવિઓ પરંપરામાંથી કથાવસ્તુ વાપરતા નથી રહ્યા? અને પોતાના એ આધારસ્રોતની જાહેરાત કરવાની કવિની શું ફરજ મનાયેલી છે? કવિઓએ આ ફરજ સ્વીકારી નથી એનાં દૃષ્ટાંત આપણને સર્વત્ર અને સર્વ કાળમાં મળ્યાં જ કરશે. માટે તો કાવ્યોની આધારસામગ્રીના સંશોધનનું એક મોટું કાર્યક્ષેત્ર ખૂલે છે. કલાપીએ તો પોતાનાં ખાસ કરીને રૂપાન્તરિત કાવ્યોનાં મૂળનો નિર્દેશ કર્યો છે એ તમે જ નોંધો છો. પણ કલાપીએ મિત્રો પરના પત્રોમાં એનો નિર્દેશ કર્યો હોય તો તમે એ અંગત રહેવા નિર્માયેલા હોય છે એમ કહો છો (વસ્તુતઃ પત્ર ગમે ત્યારે છાપી તો શકાય છે) અને ‘સુદર્શન’માં કાવ્યોનાં મૂળ દર્શાવાયાં હોય તો એમાં તંત્રીનો આગ્રહ કે મૂળ વડવાઈઓને પકડીને ઊંચે ચડવાનો ઉપક્રમ હોવાનું જણાવો છો. સંચિત્ના હસ્તાક્ષરની કલાપીનાં કાવ્યોની નોટમાં કેટલાંક કાવ્યોનાં મૂળ દર્શાવ્યાં છે, તો બીજાં કેટલાંકનાં રહી ગયાં છે તો એમાંયે તમને કંઈક ચોરીછૂપીની ગંધ આવે છે. (આમાં સંચિત્ની કંઈ ચૂક તમે ન માનતા હો, કલાપીના આદેશ અનુસાર જ એમણે આમ કર્યું હશે). કલાપીએ ઘણેબધે સ્થાને પોતાનાં કાવ્યોનાં મૂળની નિખાલસપણે વાત કરી છે એનો ગુણ તમને વસતો નથી. અને કોઈક લોકકથા (ફારસી કે ગુજરાતી)ને આધારે કલાપીએ કાવ્ય લખ્યું હોય (મને એવો સંભવ જ વધારે જણાય છે) ત્યાં તમે “ખેલપટુતા”નો ભારે ઈલ્જામ બહુ સરળતાથી લગાડી દો છો. બિચારા કલાપીની મથરાવટી જ મેલી! રાજવી ઠર્યો ને! આ સંદર્ભમાં મને નવલરામ ત્રિવેદીના શબ્દો નોંધવા જેવા લાગે છે : " ‘કેકારવ’માં કેટલાંક કાવ્યો અંગ્રેજી પરથી લખાયાં છે એમ નોંધ રૂપે નીચે કાન્તે આપ્યું છે. પણ આવું ‘સુદર્શન’માં જેનાં મૂળ આપેલાં છે તેટલાં જ કાવ્યો પરત્વે બન્યું છે. કલાપીના પત્રોમાંથી બીજાં થોડાંક કાવ્યોનાં મૂળ મળે છે તે જ બતાવે છે કે કલાપીએ કદી પણ પોતાનાં કાવ્યો અનુવાદ હોય તો તે છુપાવવાનો પ્રયાસ કર્યો નથી. એ વસ્તુ જ એમના સ્વભાવની વિરુદ્ધ હતી. પરંતુ એમનું અકાળે અવસાન થયું તેથી બધાં કાવ્યોનાં મૂળ છપાવતી વખતે દર્શાવવાનું બની ન શક્યું."૧૦[10] એક જ હકીકતને કેવી જુદી દૃષ્ટિથી જોઈ શકાય છે તે આ પરથી સમજાય છે. પણ તમે નવલરામ ત્રિવેદીનો અભિપ્રાય શાનો સ્વીકારો? રમેશભાઈ, મને આ “ખેલપટુતા” શબ્દ જ કોઈ સંશોધનપ્રબંધમાં શોભે એવો નથી લાગતો. વૈજ્ઞાનિક સંશોધનમાં ન ચાલી શકે તેવી રીતે તમે હકીકતોને વિકૃત કરીને મૂકી છે, એમાં મનમાન્યા હેતુઓ આરોપ્યા છે અને પ્રશ્નોના એવા કાકુઓનો સતત વિનિયોગ કર્યો છે, જે દેખીતી રીતે જાણે તમે આ બાબતને ખુલ્લી ગણો છે એવું બતાવે પરંતુ વાસ્તવમાં તીરની જેમ ભોંકાય છે. એમ લાગે છે કે કાં તો તમે હકીકતોને સાચી રીતે વાંચી શક્યા નથી, અથવા કહ્યું ન કથવું એ જાતના સંકલ્પના જુસ્સામાં તમે ગેરરસ્તે ફંટાઈ ગયા છો અથવા કશોક પૂર્વનિર્ણય કરીને તમે એને સાબિત કરવા નીકળ્યા છે. તમારો મહાનિબંધ પૂરો વાંચ્યા પહેલાં હું આ બધું કહી રહ્યો છું. એવી ફરિયાદ કરવા ઉતાવળા ન થશો, રમેશભાઈ. ચી. ના. પટેલે તમારો આખો મહાનિબંધ વાંચ્યો છે અને તમારા સર્વ પુરુષાર્થની કદર કરવા છતાં You have missed the wood for the trees એવો એમનો અભિપ્રાય છે એ તમે જાણો છો. તમારો મહાનિબંધ મને ડગલે ને પગલે અટકાવી રહ્યો છે. એની પૂરી ચર્ચા મારે કરવી હોય તો, તમે સૂચવ્યું છે તેમ મારે પ્રતિશોધનિબંધ રચવો પડે — એ સાર્થકતા તો તમારા આ શોધનિબંધની અવશ્ય છે. એ મોટું કામ છે, ભવિષ્યના કોઈ સંશોધકને માટે હું એ રહેવા દઈશ. પણ બીજાં થોડાં દૃષ્ટાંતની હું હવે પછી ચર્ચા જરૂર કરીશ.
૬ મે, ૧૯૮૫
જયંત કોઠારીનાં સ્નેહવંદન
[શબ્દસૃષ્ટિ, મે-જૂન ૧૯૮૫]
- ↑ ૧. કલાપી અને સંચિત્, ડૉ. રમેશ મ. શુક્લ, પ્રકા. એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ., મુંબઈ, ૧૯૮૧.
- ↑ ૨. કલાપી દર્શન, સંપા. ડૉ. ધનવંત શાહ, ગુંજન બરવાળિયા, ૧૯૭૫, પૃ.૯૮-૧૦૩-‘ ‘ગ્રામ્ય માતા’નું કથાબીજ’.
- ↑ ૩ વસ્તુતઃ લાભશંકર પુરોહિતે બતાવ્યું છે તેમ ૧૮૬૩માં મૂળ ફારસીમાં અને ૧૮૭૪માં ઉર્દૂ અનુવાદ રૂપે પ્રકાશિત થઈ ચૂકેલા ‘જહાંગીરનામા’માંના ‘શાહ અને બાગબાનનો કિસ્સો’માંથી કલાપીને ‘ગ્રામ્ય માતા’નું વસ્તુ મળ્યું હોય એ વધુ સંભવિત છે.
- ↑ ૪.સ્ત્રીજીવન, જુલાઈ ૧૯૭૪, પૃ.૬૬૧-૬૩ ‘કલાપીનું ખંડકાવ્ય ‘ગ્રામ્ય માતા’ ’.
- ↑ ૫ પ્રબંધચિંતામણિનું ગુજરાતી ભાષાંતર, ૧૯૩૪, પૃ.૧૫.
- ↑ ૬. કલાપીની પત્રધારા, સં. જોરાવરસિંહજી ગોહિલ, ૧૯૩૧, પૃ. ૧૬૧.
- ↑ ૭. એજન, પૃ.૧૨૪-૨૮.
- ↑ ૮. કલાપીનો કેકારવ, વિ.સં. ૨૦૨૪, ટિપ્પણ પૃ.૪૪.
- ↑ ૯. ‘ગ્રામમાતા અને બીજાં કાવ્યો’, ૧૯૩૮, પૃ. ૧૪૫.
- ↑ ૧૦. કલાપી, ૧૯૪૪, પૃ.૧૦૨-૦૩.