વાંકદેખાં વિવેચનો/કલાપીની ખેલપટુતા? – ૨ (‘હમીરજી ગોહેલ'ના સંદર્ભે)

From Ekatra Foundation
Jump to navigation Jump to search


કલાપીની ખેલપટુતા? - ૨ (‘હમીરજી ગોહેલ’ના સંદર્ભ)

સ્નેહીશ્રી રમેશભાઈ, ‘ગ્રામ્ય માતા’ના આધારસ્રોતની ચર્ચાને અંતે તમે માત્ર પ્રશ્ન કર્યો “...આ રાજવીની ખેલપટુતા તો નહીં હોય?” પણ એ પ્રશ્ન પાછળનો તમારો કાકુ પછીના ફકરાના પહેલા જ વાક્યમાં છતો થઈ જાય છે : "એવી જ ખેલપટુતા તેમણે ‘હમીરજી ગોહેલ’માં યોજી હતી." (પૃ.૫) એટલેકે ‘ગ્રામ્ય માતા’ પરત્વે તેમ ‘હમીરજી ગોહેલ’ પરત્વે કલાપીની ખેલપટુતા વિશે તમે નિશ્ચિત છો. આપણે હવે ‘હમીરજી ગોહેલ’ વિશેનો તમારો મુદ્દો તપાસીએ. ‘હમીરજી ગોહેલ’ અંગે પુસ્તકના આરંભમાં આઠેક લીટીમાં તમે તમારાં તારણો મૂકી આપ્યાં છે : "બલવંતરાયે એ આખીયે રચના કલાપીની હોવા વિશે શંકા વ્યક્ત કરી છે. તો ‘૧૪૪ પત્રો’ને આધારે સુન્દરમે દર્શાવ્યું છે કે તેનું માળખું જટિલે તૈયાર કર્યું હતું. ડૉ. રમણલાલ શાહે એ જ પત્રોને આધારે ‘હમીરજી ગોહેલ’ને નિઃશંક રીતે તે બન્નેનું સહિયારું સર્જન હોવાનું લગભગ સિદ્ધ કર્યું. તો એ જ પત્રો, એમાંના કેટલાક પત્રોના અપ્રગટ અંશો તેમજ કેટલાક અપ્રગટ પત્રોને આધારે એ સહિયારા સર્જનમાં કોઈ એક કવિરાજનું ત્રીજું પરિમાણ હતું અને તે રચના એક વ્યવસ્થિત વર્કશોપનું ઉત્પાદન હતું તે આ ગવેષણા દરમિયાન યથાસ્થાને દર્શાવી શકીશું." (પૃ.૫-૬) પછી પચાસથી પણ વધુ પાનાં (પૃ.૪૩૧-૮૪) ભરીને ‘હમીરજી ગોહેલ’ વિશેની તમારી આ વાત તમે વીગતે ચર્ચી છે. સૌ પ્રથમ આપણે બલવંતરાયના ‘હમીરજી ગોહેલ’ વિશેના અભિપ્રાયને લઈએ. પૃ.૫ પર તમે “બલવંતરાયે એ આખીયે રચના કલાપીની હોવા વિશે શંકા વ્યક્ત કરી છે” એમ જણાવો છો. તમારી આ વાક્યરચના સંદિગ્ધ છે અને તેના બે અર્થ થાય. એક, ‘હમીરજી ગોહેલ’ સંપૂર્ણપણે અન્યકર્તૃક છે એટલેકે એનો એકેય અંશ કલાપીનો રચેલો નથી. બે, આ રચના સંપૂર્ણપણે કલાપીએ કરી નથી, પણ એમાં કેટલાક અંશો એમના છે. પૃ.૪૩૧ પર તમે બલવંતરાયનો અભિપ્રાય આ પ્રમાણે મૂકો છો : "બલવંતરાય તો માનતા હતા કે, આ કાવ્યની સમગ્ર આકૃતિ સુરસિંહની કલ્પનામાં સજીવન મૂર્તિ લેખે પ્રત્યક્ષ નહીં હોવાથી તાત્ત્વિક રીતે ‘હમીરજી’ એ એમની કૃતિ છે જ નહીં” એટલું જ નહીં, “ ‘હમીરજી ગોહેલ’ની આકૃતિ સુરસિંહની કલ્પનામાં પ્રત્યક્ષ નથી એમ કહેવું તે અંગત પ્રતીતિ છે” એમ તમે કહો છો અને બલવંતરાયના મતને, કલાપીએ આખું કાવ્ય એમને વાંચવા આપ્યું ન હતું એ પ્રસંગને કારણે, "અંગત લાગણીથી રંગાયેલો” અને “સ્વસ્થ નથી” એવો માનો છો. આનો અર્થ એવો થાય કે બલવંતરાયના મતને તમે યથાયોગ્ય ગણતા નથી, પણ પૃ.૫ પર તો તમે બલવંતરાયના મતને સ્વીકારતા હો એવું જણાય છે. તમારા પ્રતિપાદનના સમર્થનમાં તો તમે એ મત ઉદ્ધૃત કરો છો! વાચકને મૂંઝવણ થાય એવું આ નથી? તમે બલવંતરાયનો પૃ.૪૩૧ પરનો અભિપ્રાય ‘કલાપી એક અધ્યયન’ (ડૉ. ઈન્દ્રવદન કા. દવે)ને આધારે નોંધ્યો છે. ‘કલાપી એક અધ્યયન’માં બલવંતરાયનો આ મત એમના અપ્રગટ વ્યાખ્યાનમાંથી તારવેલો જણાય છે. બલવંતરાયનું કથન શબ્દશઃ શું હતું એ તો એ વ્યાખ્યાન જોવા મળે તો જ જાણી શકાય, પરંતુ જે રીતે એમનો મત ઉદ્ધૃત થયો છે એમાં પણ બે બાબતો ધ્યાન ખેંચે છે. એક તો, આ કૃતિ “તાત્ત્વિક રીતે” કલાપીની નથી એવો એમનો મત છે. એટલેકે વસ્તુતઃ એ કલાપીની કૃતિ નથી એમ નહીં, પણ તાત્ત્વિક રીતે એ કલાપીની કૃતિ નથી. આમ માનવાનું જે કારણ અહીં અપાયું છે તે પણ બલવંતરાયના અભિપ્રાયને સ્ફુટ કરવામાં મદદરૂપ થાય એવું છે. આ કાવ્યની સમગ્ર આકૃતિ સુરસિંહની કલ્પનામાં સજીવન મૂર્તિ લેખે પ્રત્યક્ષ નહોતી તેથી તાત્ત્વિક રીતે એને કલાપીની કૃતિ ન ગણાય એવો બલવંતરાયનો મત છે. હવે, કલાપીની આ કૃતિના કથાવસ્તુનું માળખું જટિલ ક્રમશઃ તૈયાર કરી આપતા હતા એ જાણીતી વાત છે. એથી કાવ્યની સમગ્ર આકૃતિ કલાપીની કલ્પનામાં સજીવન મૂર્તિ લેખે પ્રત્યક્ષ ન હોય એ સ્વાભાવિક છે. જો શબ્દસર્જન કલાપીનું હોય તો એને વસ્તુતઃ જોતાં કલાપીની કૃતિ ગણવા માટે પૂરતું કારણ રહે છે, ‘તાત્ત્વિક રીતે’ ભલે ગમે તે અર્થઘટન થાય. અહીં એ નોંધવું પણ ઉપયોગી જણાશે કે બલવંતરાયે ‘હમીરજી ગોહેલ’માંથી ‘તારામૈત્રક’ શીર્ષકથી એક ખંડ ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં લીધો છે. પહેલી આવૃત્તિમાં લેવાયેલું આ કાવ્ય પછીથી વધારાઘટાડા પામેલી આવૃત્તિમાં પણ ચાલુ રહ્યું છે. જો ‘હમીરજી ગોહેલ’માં બલવંતરાય કલાપીનું વાસ્તવિક કર્તૃત્વ સ્વીકારતા ન હોય તો એનો અંશ, કલાપીને નામે જ, ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં કેમ સમાવી શકે? ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં ‘હમીરજી ગોહેલ’ના કર્તૃત્વ અંગે કશું ટીકાટિપ્પણ પણ નથી. આ બધું બતાવે છે કે બલવંતરાયના અભિપ્રાયને કલાપીના વાસ્તવિક કર્તૃત્વનો છેદ ઉડાડતા અભિપ્રાય તરીકે ન જોવો જોઈએ. ડૉ. દવે બલવંતરાયનો ઉપરનો અભિપ્રાય નોંધ્યા પછી ઉમેરે છે કે "કાવ્યમાંનાં વર્ણનચિત્રો, ભાવદર્શનો વગેરેને ધ્યાનમાં લઈએ તો સ્વ ઠાકોરનો એ અભિપ્રાય સાવ ખોટો ગણી શકાશે પણ નહીં.” તમે ડૉ. દવેના આ શબ્દો જાણે તમારા મતના સમર્થનમાં ટાંકો છો (પૃ.૪૩૨), પણ રમેશભાઈ, મને તો ડૉ. દવેના શબ્દો જ મૂંઝવણ ઊભી કરનારા લાગે છે, કેમકે ડૉ. દવેએ ‘હમિરજી ગોહેલ’માં વ્યક્ત થતા કલાપીના કવિત્વને પ્રકાશિત કરવાનો પૂરતો ઉદ્યમ કર્યો છે અને “એકંદરે ‘હમીરજી ગોહેલ’ કલાપીના સ્વતંત્ર કાવ્ય તરીકે રસભર્યું છે” એમ કહેવા સુધી પણ એ ગયા છે (કલાપી એક અધ્યયન, પૃ.૩૯૨). તો પછી બલવંતરાયનો અભિપ્રાય સાવ ખોટો ગણી શકાશે પણ નહીં એમ એ કેવી રીતે કહી શકે? આપણા વિદ્વાનો કેટલીક વાર એવી રીતે લખે છે કે એમના અભિપ્રાયને સમજવામાં પણ તકલીફ પડે! ડૉ. રમણલાલ શાહે ‘૧૪૪ પત્રો’ને આધારે ‘હમીરજી ગોહેલ’ "નિઃશંક રીતે" કલાપી અને જટિલનું સહિયારું સર્જન હોવાનું "લગભગ” સિદ્ધ કર્યું એમ તમે કહો છો તેમાં "નિઃશંક રીતે” અને "લગભગ” એ શબ્દો એકબીજાનો છેદ ઉડાડતા નથી લાગતા? વસ્તુતઃ ડૉ. શાહ ‘હશે’ જણાય છે’ એવા શબ્દોથી કામ લે છે તે બતાવે છે કે એ સો ટકા પ્રતીતિથી લખી નથી રહ્યા પણ પ્રાપ્ત સામગ્રીને આધારે અનુમાન કરી રહ્યા છે.૧ સંશોધનની એક દિશા બતાવવાનો એમનો આશય છે. જટિલનું કર્તૃત્વ ‘હમીર ગોહેલ’માં કેટલું છે તેનું નિશ્ચિત પ્રમાણ એમની પાસે છે નહીં ને ‘૧૪૪ પત્રમાં’થી મળી શકે તેમ નથી. તમે પોતે પણ કલાપીને આમાં જટિલની બહુ મહત્ત્વની સહાય મળી હોય એમ માનો છો ખરા? ‘હમીરજી ગોહેલ’ને અનુષંગે જટિલપ્રકરણ તમે અત્યંત વીગતથી આલેખ્યું છે – આડત્રીસેક પાનાં ભરીને (પૃ.૪૩૪થી ૪૭૧). તમે જટિલના વ્યક્તિત્વનો ને કવિત્વનો પરિચય કરાવ્યો છે ને કલાપીનો એમની સાથેનો પત્રવ્યવહાર ઉદ્ધૃત કર્યો છે. નિરૂપણનો આ અતિવિસ્તાર મને આવશ્યક લાગ્યો નથી કેમકે તમે જે સ્થાપિત કરવા ચાહો છો તેને માટે આમાંના થોડાક અંશોથી પણ ચાલી શક્યું હોત. આ અતિવિસ્તાર મને થોડો અવરોધરૂપ પણ લાગ્યો છે કેમકે એ દ્વારા તમે જે સ્થાપિત કરવા ચાહો છો તે જલદી હાથમાં આવતું નથી. તેમ છતાં દસ્તાવેજી સામગ્રી પૂરી પાડવાનો તમારો ઉદ્યમ ધ્યાન ખેંચે એવો છે. અતિવિસ્તાર દ્વારા તમે જે હકીકતો સ્ફુટ કરી છે તે આ છે : જટિલ અધકચરા જ્ઞાન અને કવિત્વવાળા માણસ હતા (પૃ.૪૩૫), એમની ભાષાશૈલી આડંબરી અને નિરર્થકતાપૂર્ણ હતી (પૃ.૪૩૬), જટિલનાં વિવેચનો દ્વારા કવિ તરીકે પોતાને પ્રસિદ્ધિ મળે એવું પ્રલોભન કલાપીને છે (પૃ.૪૫૫), કલાપીએ છૂટ આપ્યા છતાં એમનાં કાવ્યોમાં જટિલ કોઈ[1] "જેમજેમ જુદાજુદા કાવ્યખંડો લખાતા જતા હતા તેમતેમ જટિલ તે સુધારીમઠારી આપતા હશે...” "કાવ્યસર્જનમાં પંક્તિઓના પાઠ અને સર્ગનાં નામ વિશે છેવટનો નિર્ણય કલાપીનો નહીં પણ જટિલનો જણાય છે.” "જટિલ સાથેનો પત્રવ્યવહાર જોતાં ત્રણ સર્ગ સુધીનું સર્જન જટિલ અને કલાપીનું સહિયારું હોય એમ જણાય છે...”

ફેરફાર કરતા જણાતા નથી (પૃ.૪૫૮), ‘ખિસ્સાડાયરી’ અને ‘કેકારવ’ની વાચનામાં જટિલને મોકલાયેલાં બાર કાવ્યોમાં એવા કોઈ પાઠફેર નથી જેનો યશ જટિલને મળે (પૃ.૪૫૭), "કલાપીએ આપેલા સદર પરવાનાનો ઉપયોગ ન કરીને તેમણે ‘કેકારવ’ની કવિતા ઉપર ઉપકાર જ કર્યો છે એમ તેમની કવિત્વશક્તિની કૃતકતા જોતાં કહી શકાય” (પૃ.૪૫૮), ‘હમીરજી’માં જટિલની સામેલગીરી કેવળ કથાનકની આછી રૂપરેખા આંકી આપવાથી વિશેષ ન હતી (પૃ.૪૬૨), તેની પદાવલિ અને કલ્પના બન્ને જટિલની કવિત્વાભાસી કલમથી અસ્પૃષ્ટ છે (પૃ.૪૭૧). રમેશભાઈ, તમે સમજો છો કે "ખરું જોતાં આપ જ મને કાવ્ય લખી આપો છો” એમ કલાપી જટિલને લખે છે તે એમનો વિવેક છે (પૃ.૪૬૧), કેમકે એ સાથે જ “એ કાવ્ય હું ધારી શકતો હતો તેના કરતાં ઘણું વધારે સારું બનાવી શકીશ” એમ કલાપી લખે છે (કલાપીના ૧૪૪ પત્રો, પૃ.૫૯); તમે એ પણ જાણો છો કે જટિલ તરફથી આવતું ખોખું પણ એટલું અધૂરું આવતું કે પાત્રાલેખન વગેરે માટે કલાપી વિશેષ વીગત માગે છે અને પોતા તરફથી પણ પાત્ર ઉમેરવા વગેરેનાં સૂચન કરે છે (કલાપીના ૧૪૪ પત્રો, પૃ.૫૯, ૬૧). કલાપીનું કામ, આ રીતે, ચિત્રના ખોખામાં રંગ ભરવાથી પણ થોડું વિશેષ હતું એમ જણાય છે. આ બધું જાણવા-સમજવા-સ્વીકારવા છતાં અંતે તમે કલાપીની સર્જકતા વિશે શંકા કરો છો એ નવાઈભરેલું લાગે છે. તમને એવો પણ પ્રશ્ન થાય છે કે “જટિલ કથાનું માળખું/હાડપિંજર/ખોખું/પ્લૉટ તૈયાર ન કરી આપે ત્યાં સુધી તેમાં રંગ પૂરી આખું કથાકાવ્ય ન લખી શકનાર ક્લાપી ‘હૃદયત્રિપુટી’ જેવું સુદીર્ઘ કથાકાવ્ય આવા ટેકણ વિના રચી શક્યા હશે? ભરત, બિલ્વમંગલ, કન્યા અને કૌંચ, ગ્રામમાતા, મહાત્મા મૂળદાસ, વૃદ્ધ ટેલિયો જેવાં ખંડકાવ્યો અથવા કથાકાવ્યો તેઓ સ્વતંત્ર યોજનાથી અને સ્વપ્રતિભા વડે ખરેખર રચી શક્યા હશે?” એટલેકે ‘હમીરજી ગોહેલ’ના દાખલાથી કલાપીનાં અન્ય કાવ્યોમાં પ્રગટ થતી એમની કથાકાવ્યની શક્તિને પણ તમે શંકાની નજરે જુઓ છો, પણ ક્લાપીમાં કથાકાવ્યની અમુક શક્તિ હતી અને એ જટિલની સહાયની સાથે ‘હમીરજી ગોહેલ’માં પ્રવર્તી હશે એવો લાભ તમે કલાપીને આપી શકતા નથી. આ કાવ્યના સર્જનમાં જટિલનો ફાળો કેટલો હતો એ ચોક્કસપણે નક્કી તો ત્યારે જ થઈ શકે જ્યારે એમણે મોકલેલું માળખું આપણા હાથમાં આવે, કલાપી એને કેટલે અંશે અનુસર્યા છે એ આપણે જોઈ શકીએ અને કલાપીએ ભરેલા રંગોને અલગ રીતે ઓળખી શકીએ. પણ જ્યારે તમે "આ પત્રો નિઃશંક દર્શાવે છે તેમ પ્લૉટરચના માટે, પાત્રવિકાસની દિશા માટે, ભાવનિરૂપણની વિગત માટે તેમને જો જટિલ પાસે વારંવાર માર્ગદર્શન માટે દોડવું પડતું હતું તો બાકી રહેતાં અંગો ભાષા, છંદ અને અલંકાર માટે તેમની પાસે કોઈ સજ્જતા હોવાનું કેટલુંબધું શંકાસ્પદ બની જાય છે?” એમ કહો છો ત્યારે તમારી વિચારની દિશા સ્પષ્ટ થઈ જાય છે. કથામાળખાની વીગતો જટિલની, તો બાકી બધું અન્ય કોઈનું અને તેથી કલાપીની સર્જકતા શૂન્ય એવી સ્થાપના તરફ તમે આગળ વધી રહ્યા છો એ સમજાઈ જાય છે. ગ્રંથારંભે તમે ‘હમીરજી ગોહેલ’ના સર્જનમાં ત્રીજા એક કવિરાજના પરિમાણનો નિર્દેશ કર્યો જ હતો. આ મુદ્દો તમે પૃ.૪૭૧-૭૫ પર વીગતે ચર્ચ્યો છે. આ કવિરાજ તે મસ્તકવિ. કલાપીએ ‘હમીરજી ગોહેલ’ના અઢીએક સર્ગ મહાબલેશ્વરમાં એપ્રિલ-મે ૧૮૯૭માં રચેલા છે. એ વખતે મસ્તકવિ એમની સાથે હતા. મહાબલેશ્વર જતાં પહેલાં કલાપી મસ્તકવિની ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હતા અને એ માટે જટિલને સંદેશો મોકલતા હતા તેથી તમને એવું લાગ્યું છે કે ‘હમીરજી ગોહેલ’ની રચના કરવામાં કલાપીને આ ‘કવિ’ની અનિવાર્યતા જણાઈ છે. (પૃ.૪૭૩) ચોથા સર્ગના લેખનની અનિશ્ચિતતા દરમ્યાન તા.રર-૧-૧૮૯૮ના પત્રમાં કલાપી લખે છે કે "કવિરાજ આવ્યા. એમના આવવાથી મને તો ફરી કાંઈક જીવ આવ્યો હોય એમ લાગે છે. છતાં હમીરજી હાલ તુર્ત અગાડી ચલાવી શકીશ કે કેમ એ સમજી શકાતું નથી." આમાં પણ તમે ‘હમીરજી ગોહેલ’ની રચનામાં મસ્તકવિની સામેલગીરીનો સંદર્ભ જુઓ છો. (પૃ.૪૭૪) પણ રમેશભાઈ, તા ૨૨-૧-૯૮ના પત્રમાં તમે જે સંદર્ભ જુઓ છો તે હું જોઈ શકતો નથી. તમને ખબર છે કે કલાપી મહાબલેશ્વર હતા ત્યારે રમાએ શોભનાનાં લગ્ન કરાવી નાખ્યાં અને કલાપીના ચિત્તને ભારે આઘાત પહોંચાડ્યો. લાઠી આવ્યા પછી એમનું ચિત્ત ચકડોળે ચડેલું છે એ એ સમયના એમના પત્રો બતાવે છે. તા.૯-૧-૯૮ના રોજ કલાપી જટિલને લખે છે : “હમીરજીને અગાડી ચલાવવા જેવી મનની સ્થિતિ નથી. પ્રભુ જાણે એ ઉત્સાહ ફરી ક્યારે આવશે.” આ પછી મસ્તકવિ આવે છે. તે પછી તા૨૨-૧-૯૮ના રોજ કલાપી ઉપર મુજબ લખે છે. એનો અર્થ હું એટલો જ કરું કે કવિરાજ આવવાથી કલાપીને એમના માનસિક સંઘર્ષમાં હૂંફ મળી છે પણ ‘હમીરજી ગોહેલ’ આગળ ચલાવવાની બાબતમાં કશો ફરક પડ્યો નથી. આ પત્રમાં આ પછી "અને છતાં એટલું લાગે છે કે મારે હજુ લખવાને બહુ કાળ રહેવાનો છે. હું હજી બહુ વર્ષો સુધી લખી શકીશ” એવા આત્મશ્રદ્ધાભર્યા શબ્દો આવે છે તેમાં કવિરાજની ઉપસ્થિતિની કોઈ અપેક્ષા નથી એટલે ‘હમીરજી’ની રચનાને પણ કવિરાજની ઉપસ્થિતિ સાથે જોડવાનું જરૂરી લાગતું નથી. મહાબલેશ્વરમાં જટિલ તરફથી પ્લૉટ આવતા હતા, સાથે બેસીને વંચાતા હતા ને કલાપી કાવ્ય લખતા હતા. જટિલને આ બધું જણાવાતું હોય છે, એમાં કવિરાજની કોઈ પણ પ્રકારની સહાયની ક્યાંય ઈશારો સરખો આવતો નથી. ત્રીજો સર્ગ કલાપી લાઠી આવીને પૂરો કરે છે ત્યારે કવિરાજની હાજરી હોય એવું જણાતું નથી. કદાચ ચોથો સર્ગ પણ કલાપીએ લાઠીમાં કવિરાજની સહાય વિના જ રચ્યો જણાય છે. પણ એ વિશે વાત હવે પછી. પણ ‘હમીરજી ગોહેલ’ની રચનામાં મસ્તકવિની સામેલગીરીની આવી માંડણી કર્યા પછી, રમેશભાઈ, તમે પોતે જ એ સામેલગીરીને નગણ્યવત્ બનાવી નથી દેતા? તમે જ કહો છે કે મસ્તકવિની સંવેદના અને શૈલીને ‘કેકારવ’ની કવિતા સાથે દૂરના સામ્યનોયે સંબંધ નથી. સંચિત્ અને કલાપીનાં કાવ્યો વચ્ચે, ગઝલમાં અને સંસ્કૃત વૃત્તબદ્ધ કાવ્યોમાં, જે શૈલીગત સામ્ય છે તેવું મસ્તકવિ અને કલાપી વચ્ચે નથી અને ‘હમીરજી ગોહેલ’ સિવાયની રચનાઓમાં મસ્તકવિની સહાય લીધી હશે એમ માનવાને પૂરતી ભૂમિકા નથી. (પૃ.૪૭૪-૭૫) તો પછી ‘હમીરજી ગોહેલ’માં કલાપીએ મસ્તકવિની સહાય લીધી હશે તેમ માનવાને માટે કઈ ભૂમિકા છે? “‘હમીરજી’માં એમની જે મદદ મળી હશે તે બહુધા શ્લોકીકરણના પ્રકારની હશે” એમ તમે કહો છો (પૃ.૪૭૫) પણ આ શ્લોકીકરણ તે શું તે તમે સ્ફુટ કર્યું નથી! ભાષા, છંદ અને અલંકારરચનાની કલાપીની સજ્જતામાં શંકા ઉઠાવી તમે એનો સગડ શોધવા નીકળ્યા અને આવી ઊભા શ્લોકીકરણના સંદિગ્ધ મુકામમાં. અને છતાં ‘હમીરજી ગોહેલ’ની રચનામાં મુખ્ય કસબી મસ્તકવિ હોવાનું તમે જણાવો જ છો! (પૃ.૪૭૫) આ બધું, રમેશભાઈ, ખરેખર અકળ બની જાય છે. ‘હમીરજી ગોહેલ’નો ચોથો સર્ગ તો જટિલે જ લખ્યો હોય એવો સંભવ ડૉ. રમણલાલ શાહે દર્શાવલો. પરંતુ તમે એમ માનતા જણાતા નથી, કેમકે તમે લખો છે કે પ્રથમ ત્રણ સર્ગો અને ચોથા વચ્ચે કર્તૃત્વનો અને સહકારિતાનો ફેર બતાવે એવો શૈલીફેર નથી. આમ છતાં ‘હમીરજી ગોહેલ’માં પાઠફેર મળે છે તેની ચર્ચા કરતાં તેમાં સંચિત્નો ફાળો હશે એમ તમે સૂચવો છો. કારણ તો એટલું જ કે કલાપીએ સંચિત્ સમક્ષ એક પત્રમાં ‘હમીરજી ગોહેલ’ પૂરું થયે સાથે વાંચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો! (પૃ.૪૮૩) ચોથા સર્ગમાં તેમનું સહકાર્ય કલાપીએ વાંછ્યું હોવાનું અને તે પ્રાપ્ત થયું હોવાનું પણ તમે અનુમાન કરો છો. એનું કારણ પણ એટલું જ કે ‘હમીરજી’ ચાલતું હોય છે ત્યારે વાજસુર વાળા પરના તા. ૧૦-૯-૯૭ના પત્રમાં કલાપી બાલુ(= સંચિત્)ના આવવા વિશે પૂછપરછ કરે છે! (પૃ.૪૮૪) કલાપીને કવિરાજ કે બાલુ માટે ઉત્સુકતા હોય ત્યારે કવિતાસર્જનમાં મદદ મેળવવા માટે જ હોય એમ માની લેવાની તમારી તત્પરતા અદ્ભુત છે, રમેશભાઈ! ખેર! છેવટે, ‘હમીરજી ગોહેલ’ના સર્જનમાં અધકચરા કવિત્વવાળા જટિલે માત્ર ખોખું પૂરું પાડ્યું હોય. મસ્તકવિએ શ્લોકીકરણની બિનપ્રમાણભૂત મદદ પૂરી પાડી હોય, કાવ્ય સાથે વાંચવામાં જ સંચિત્ની સહાય આવી જતી હોય ને આ બધું છતાં કલાપીએ જટિલ પરના પત્રોમાં (તેમજ અન્યત્ર પણ) ‘હમીરજીની સર્જનકથા નિખાલસપણે આલેખી હોય તો કલાપીની પેલી ‘ખેલપટુતા’- નું બિચારીનું શું થશે, રમેશભાઈ? એ નિરાશ્રિત નહીં થઈ જાય? કલાપીના જટિલ સાથેના વ્યવહારમાં એમની ઘણી નિર્બળતાઓ છતી થતી તમને લાગી છે. તમે લખો છો કે “કેવળ કથાનકની રૂપરેખા માટે તેમના [જટિલ] પ્રતિ કલાપીની આ મોહતાજી, તેમની બધી વિલક્ષણતાઓ સહન કરી તેમની મનસ્વી જીદો પૂરી કરી પોતાનું શોષણ થવા દેવાની આ મજબૂરી, છેવટે પેલો ‘કૉન્ટ્રૅક્ટ’ કરી તેના બદલામાં કરેલું નજરાણું અને તેની પાછળ ડોકાઈ રહેલો કોઈક કડદો, છેલ્લા મક્કમ નિર્ણય છતાં કલાપીની કેટલી અને કેવીકેવી નિર્બળતાઓ સૂચવી જાય છે!” (પૃ.૪૬૫) જટિલની જેવી છે તેવી વિદ્વત્તાનો લાભ લેવાની કલાપીની વૃત્તિ અવશ્ય છે, પણ રમેશભાઈ, કલાપીના જટિલ સાથેના સમગ્ર વ્યવહારમાં મને કલાપીની નિર્બળતા નહીં પણ સારમાણસાઈ જ દેખાય છે. જટિલ સાથે કલાપીનો સંબંધ ૧૮૯૫ કે તે પહેલાંથી થયો જણાય છે. પોતાનાં કાવ્યોના સંમાર્જન-પ્રકાશન-વિવેચનમાં જટિલની સેવાનો લાભ લેવાનું કલાપીએ ઈચ્છ્યું છે. પણ તમે જાણો છે એમ કલાપીનાં કાવ્યોને જટિલની ગણનાપાત્ર મદદ મળી નથી. ‘હમીરજી ગોહેલ’ની વાત લખી મોકલવાની વિનંતી કલાપીએ જટિલને છેક ૧૮૯૭ના ફેબ્રુઆરીમાં કરી છે. ત્યારપછી એક વર્ષે કલાપી જટિલને પોતાના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે ‘કૉન્ટ્રૅક્ટ’ના ધોરણે રાખવાનો વિચાર કરે છે ત્યારે એ કૉન્ટ્રૅક્ટ’માં તમને જે સોદાબાજીની ગંધ આવે છે એ મને આવતી નથી. જટિલને એમની મૂળ નોકરી છોડાવવા કલાપી ચાહતા નથી, માટે નિયત સમયનો કૉન્ટ્રેક્ટ. ‘હમીરજી ગોહેલ’નું કથાવસ્તુ ઈતિહાસનું હોઈ કલાપીને જટિલની મદદ અનિવાર્ય લાગી હોય એમ બને. પણ એક વરસના ગાળામાં કલાપીની ઉત્સુકતા બતાવતા થોડા પત્રો મળે તો કલાપી મોહતાજી કરી રહ્યા છે એમ જ માનવું ઉચિત છે ખરું? જટિલ કૌટુંબિક ચિંતામાં હોય છે ત્યારે કલાપી ‘હમીરજી ગોહેલ’ને પણ એક બાજુ રાખી શકે છે. તમે ઉતારેલા એમના પત્રો જ જુઓ : "આપ હાલ આવી ચિંતામાં છો તેથી ખેદ થાય છે. ‘હમીરજી’ને માટે કશી ઉતાવળ નથી. એ કાર્યો આનંદનાં અને ફુરસદનાં છે. તો એને એવા સમય પર રહેવા દેશો.” (પૃ.૪૪૬) “ ‘હમીરજી’ના ચોથા સર્ગનો આરંભ કરશો - જો મન સ્વસ્થ હોય તો.” (પૃ.૪૪૯) "..શાંત ચિત્ત હોય તો ‘હમીરજી’નો પાંચમો સર્ગ શરૂ કરશો.” (કલાપીના ૧૪૪ પત્રો, પૃ.૬૩) કલાપી જટિલના એક કારકુનનું ખર્ચ વેઠે છે, એમને પુસ્તક ખરીદવા દે છે, બંધ થતા ‘ચંદ્ર’ને હાથમાં લઈ લેવા આર્થિક મદદ કરવા તૈયાર થાય છે. જટિલને પોતાના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે ગોઠવે છે – આ બધામાં તમને કલાપીની પોતાનું શોષણ થવા દેવાની મજબૂરી દેખાઈ છે, પરંતુ તમે એ હકીકતોની પણ નોંધ કેમ નથી લેતા કે કોઈ પુસ્તકના પૈસા વિક્રેતાને ન પહોંચ્યા હોય ત્યારે કલાપી જટિલને પુછાવી શકે છે, જટિલના માણસને પોતાને ત્યાં નોકરીએ રાખવાની ના પાડી શકે છે, નવા ચોપાનિયાનું ખર્ચ કરવાનું પ્રોત્સાહન ન આપતાં ‘ચંદ્ર’ લઈ લેવામાં મદદ કરવાની તૈયારી બતાવે છે, જટિલનાં કાવ્યો સાથે પોતાનાં કાવ્યો છાપવાની ગોઠવણનો અસ્વીકાર કરે છે, ‘ચંદ્ર’ માટે મોકલવાની રકમમાં સમય માગે છે ને જટિલને નોકરીએ રાખે છે ત્યારે એમના પગાર સાથે એ રકમને ભેળવી દેવાનું સૂચવે છે, જટિલનાં વધુ પગારનાં દબાણોને વશ થતા નથી કે એમને પ્રોમોશન્સની પણ ખાતરી આપતા નથી. આ બધું એટલીબધી સૌમ્ય સુજનતાથી કલાપીએ કર્યું છે કે સમગ્ર વ્યવહારમાં એમની જાણે નિર્મળ સાહિત્યપ્રીતિ-વિદ્યાપ્રીતિનો અનુભવ થયા કરે છે. જટિલે કદાચ કલાપીનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હશે પણ કલાપી બધે એમને વશ થતા નથી. જ્યાં કલાપીએ કંઈ કર્યું છે ત્યાં કેવળ સ્વાર્થવશ થઈને કર્યું નથી, સમજથી ને એક વિદ્વાન વ્યક્તિ પ્રત્યેના આદરથી અન્યોન્ય સહાયરૂપ થવાના ખ્યાલથી - મૈત્રીભાવથી કર્યું છે. એવી મારા મન પર છાપ પડે છે. એક જ વસ્તુ બે જુદા માણસના મન પર કેવી જુદી છાપ પાડી શકે છે? કલાપીના તમારા ચિત્ર સાથે સંમત થવાનું અઘરું જણાય છે. આ સમગ્ર પ્રકરણનું મારું તારણ આ પ્રમાણે છે : (૧) ‘હમીરજી ગોહેલ’ની કથામાળખાની ઘણી વીગતો જટિલે પૂરી પાડેલી જણાય છે, પણ એ સિવાયનું સઘળું સર્જન બહુધા કલાપીનું જ છે. (૨) ‘હમીરજી ગોહેલ’ના પોતાના કર્તૃત્વ અંગે કલાપી પૂરતા નિખાલસ છે, એમના મનમાં કોઈ કપટ નથી. (૩) જટિલ સાથેના વ્યવહારમાં કલાપી નમ્ર છે. જટિલની વિદ્વત્તાનો લાભ લેવા એ ઉત્સુક છે, પણ એમનામાં લાલસાપ્રેરિત ક્ષુદ્રતા નથી.

૨૭ જૂન, ૧૯૮૫ [શબ્દસૃષ્ટિ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૮૫]



  1. ૧. કલાપીદર્શન, સંપા. ડૉ. ધનવંત શાહ, ગુંજન બરવાળિયા : “ ‘હમીરજી ગોહેલ’ – એક સહિયારું સર્જન’ એ લેખ, પૃ.૧૭૫–૭૭. જુઓ.