વાંકદેખાં વિવેચનો/ખેલપટુતા – કલાપીની, અને કોની કોની?
(‘માલા અને મુદ્રિકા’ને સંદર્ભે)
જેમ્સ સ્પિલિંગની સ્વીડનબૉર્ગીય નવલકથા ‘ધ રીથ ઍન્ડ ધ રિંગ’નું કલાપીએ ‘માલા અને મુદ્રિકા’ને નામે કરેલું રૂપાંતર પ્રસિદ્ધ થયેલું છે. ડૉ. રમેશ શુક્લનું તારણ એવું છે કે આ રૂપાંતર કાન્તે કર્યું હશે, અને એમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો ત્યારે બધાં સ્નેહીજનો મોં ફેરવી ગયાં ને એકમાત્ર કલાપીએ તેમને આશ્રય આપ્યો તેથી ઉપકારવશ થઈ એમણે કલાપીને આપી દીધું હશે. (કલાપી અને સંચિત્, પૃ.૪૧૬-૨૧) રમેશભાઈના આ તર્કનો મુખ્ય આધાર કાન્તના ‘દિનચર્યા લેખ’નો એમને પ્રાપ્ત થયેલો એક ઉલ્લેખ છે. કાન્તના ૧૯૦૦ના એક પત્રમાં એમને આ જાતનું વાક્ય મળ્યું : "..’દિનચર્યા લેખ’ ...હાલ મહારાજા સાહેબ(ભાવસિંહજી)ની કૃપાથી છપાય છે..” પણ કાન્તનું આવું કોઈ પુસ્તક એમને છપાયેલું મળ્યું નહીં બીજી બાજુથી ‘માલા અને મુદ્રિકા’નાં બે પ્રકરણો ‘કાન્તનો દિનચર્યા લેખ’ એ શીર્ષકથી ‘ચંદ્ર’ (મે, જૂન ૧૯૦૦)માં છપાયેલાં છે, ૧૯૦૦ના એપ્રિલમાં પોતે આ રૂપાંતર કર્યાનું કલાપી કહે છે અને એ જ અરસામાં કાન્તને ખ્રિસ્તી ધર્મના સ્વીકારને કારણે ભાવનગર રાજ્યની નોકરી છોડવી પડે છે. આ પરથી રમેશભાઈએ તાળો મેળવી લીધો કે મહારાજાની કૃપા જતી રહેવાથી કાન્તે પોતાની છપાતો ‘દિનચર્યા લેખ’ એટલેકે ‘માલા અને મુદ્રિકા’ એ રૂપાંતર કલાપીને સમર્પિત કરી દીધું. રમેશભાઈના મુખ્ય આધારને નિરાધાર સાબિત કરવાનું જરાયે મુશ્કેલ નથી કેમકે કાન્તનો ‘દિનચર્યા’ લેખ છપાયેલો છે જ – એક વાર નહીં ત્રણચાર વાર! ભાવનગરના મહારાજાની કૃપાથી છપાયેલી આવૃત્તિ જોવા મળી નથી. પણ ‘સુદર્શન’ (એપ્રિલ ૧૯૦૧)માં આ લેખ છપાયો છે (જુઓ ભૃગુરાય અંજારિયા, કાન્ત વિશે, પૃ.૫૯), કાન્તના શિષ્ય અંબાઈદાસ બાબરભાઈ પટેલે એ છપાવેલો છે (પ્રકાશનસાલ નથી પણ ભો. જે. વિદ્યાભવનના ગ્રંથાલયમાં ગ અંબાપ ૧૦૩૩૨ એ ક્રમાંકથી આ ૮ પાનાંની પુસ્તિકા છે) અને ‘પ્રસ્થાન’ (જ્યેષ્ઠ ૧૯૮૩, કાન્ત-અંક)માં પાદટીપો છોડી દઈને એ છપાયો છે. આ એક સ્વતંત્ર લેખ છે અને ‘માલા અને મુદ્રિકા’ એ રૂપાંતરગ્રંથનાં પ્રકરણો સાથે એને સ્નાનસૂતકનોયે સંબંધ નથી એ આ પુસ્તિકા જોતાં તરત પ્રતીત થાય એવું છે. આ મુખ્ય આધાર ખસી જતાં રમેશભાઈએ ચણેલી આખી ઈમારત કડડભૂસ કરીને તૂટી જતી નથી? રમેશભાઈએ. અલબત્ત, એવી પાળ બાંધી છે કે “‘ભાવનગરના મહારાજા સાહેબની કૃપાથી’ છપાયેલી કાન્તનો ‘દિનચર્યા લેખ’ ન મળે ત્યાં સુધી તો આ તારણ છેવટનું ગણવું ઘટે.” (પૃ.૪૧૯) પણ ધ્યાનથી જોતાં જણાય છે કે આ તારણને ખોટું ઠેરવવા માટે ‘દિનચર્યા લેખ’ છપાયેલો જોવા મળે ત્યાં સુધી રાહ જોવાની કોઈ જ સ્થિતિ નથી. કાન્તના પત્રમાં ‘દિનચર્યા લેખ’ છપાતો હોવાના ઉલ્લેખની સાથે જ આ વાક્યો મળે છે, જે રમેશભાઈએ ઉદ્ધૃત કર્યા નથી : "ઋગ્વેદ ઉપર સાયણાચાર્યના ભાષ્યમાંથી અને ગીતા ઉપર શંકરાચાર્યના ભાષ્યમાંથી અવતરણો આપ્યાં છે.” શું જેમ્સ સ્પિલિંગે પોતાની સ્વીડનબૉર્ગીય નવલકથામાં આ અવતરણો આપ્યાં હોય? શું કાન્તે સ્વીડનબૉર્ગીય નવલકથાના રૂપાંતરમાં આ અવતરણો દાખલ કર્યા હોય? બીજી રીતે પણ વિચારો. કાન્તની છપાતી પુસ્તિકાનું નામ ‘દિનચર્યા લેખ’ (વસ્તુતઃ ‘દિનચર્યા’ નામનો લેખ) છે. ‘કાન્તનો દિનચર્યા લેખ’ નહીં. વળી, ‘કાન્તનો દિનચર્યા લેખ’ એ ‘માલા અને મુદ્રિકા’નાં બે પ્રકરણોનું શીર્ષક છે. એમાં કાન્ત નામના પાત્રની રોજનીશી રજૂ થયેલી છે. બધાં પ્રકરણો આ જાતનાં નથી અને પ્રકરણોનાં જુદાં શીર્ષકો પણ છે. સમગ્ર ગ્રંથનું નામ તો ‘માલા અને મુદ્રિકા’ છે. કાન્તના પત્રમાંથી તો સમગ્ર ગ્રંથનું નામ ‘દિનચર્યા લેખ’ હોવાનું સમજાય. એ ‘માલા અને મુદ્રિકા’ કેમ હોઈ શકે? દેખાઈ આવે છે કે રમેશભાઈએ પ્રાપ્ત હકીકતોની ઉપેક્ષા કરીને કદાચ પ્રાપ્ત હકીકતોને ઢાંકીને પોતાનો તર્ક રચ્યો છે. પોતાના મુખ્ય આધારને સમર્થિત કરવા રમેશભાઈએ એની સાથે બીજું પણ કેટલુંક જોડ્યું છે – ‘માલા અને મુદ્રિકા’ એ રૂપાંતર થયાનો સમય, કાન્તના ખ્રિસ્તીધર્મ સ્વીકારનો અને તેના કારણે ભાવનગર રાજ્યની નોકરી જવાનો સમય વગેરે. ‘માલા અને મુદ્રિકા’ એ રૂપાંતર મે ૧૯૦૦માં નહીં પણ તા ૯-૪-૧૯૦૦ના રોજ પૂરું થયું હોવાનું કલાપીના પત્રમાંથી રમેશભાઈ ઘટાવે છે એ ખરું છે. ‘ચંદ્ર’ના મે, જૂન ૧૯૦૦ના અંકમાં એનાં બે પ્રકરણો છપાયાં છે એ હકીકત પણ એનું થોડુંક સમર્થન કરે – કેમકે મેના અંકની સામગ્રી મે પહેલાં મોકલાઈ હોય આ સમય સાથે કાન્તના ખ્રિસ્તીધર્મ સ્વીકારના સમયનો મેળ બતાવી રમેશભાઈ આ રીતે પોતાનો તર્ક ઊભો કરે છે : "તેમણે [કાન્તે] તા. ૨૫-૩-૧૯૦૦ને રોજ સ્વામીભોજન લીધું અને કલાપીને બીજે જ દિવસે તે બાબતની જાણ કરી ધર્મચુસ્ત માતા અને પત્ની તેમની સાથે રહી ન શક્યાં. બલવંતરાય જેવા મિત્રો મોં ફેરવી ગયા. ભાવનગર રાજ્યની નોકરી પણ છોડવી પડી... કુસુમકોમળ કાન્ત ધૈર્ય રાખી ન શક્યા ત્યારે કલાપીએ તેમને આશ્રય આપી પરમ સ્નેહી તરીકે હૂંફ આપી હતી. ૨૬-૩-૧૯૦૦ પછીની કોઈક તારીખે એપ્રિલમાં તો અવશ્ય, કાન્ત લાઠી આવીને રહ્યા અને ૯-૫-૧૯૦૦[૯-૪-૧૯૦૦ જોઈએ]ને રોજ કલાપીએ ‘માલા અને મુદ્રિકા’ પૂરી કરી એ કેવળ યોગાનુયોગ ગણીએ તોયે કલાપીને કાન્તના પરામર્શનો લાભ તો અવશ્ય મળ્યો હશે.” (પૃ.૪૧૭) એ નોંધવું જરૂરી છે કે અહીં યોગાનુયોગનો લાભ આપી કાન્તના પરામર્શ પૂરતી વાત સીમિત રાખી છે, પણ પછી ‘દિનચર્યા લેખ’ના આધાર સાથે આપણે આગળ ચર્ચ્યું તે તારણ સુધી રમેશભાઈ પહોંચ્યા જ છે : "કાન્તે પોતે જેમ્સ સ્પિલિંગની નવલકથા ઉપરથી ‘દિનચર્યા લેખ’ શીર્ષકથી એનાં પ્રકરણો લખી છપાવવા માંડ્યા હશે. એ દરમ્યાન ક્લાપીએ એ નવલકથાનું રૂપાંતર કરવા ઈચ્છા વ્યક્ત કરી હશે અને બધાં સ્નેહીજનો મોં ફેરવી ગયાં અને એક કલાપીએ તેમને આશ્રય આપ્યો. તેથી ઉપકારવશ થઈ પોતાનો અનુલેખ છપાતો અટકાવી અથવા છપાઈ ગયેલો રદ કરી, કલાપીને તે માટેની મોકળાશ કરી આપી હશે.” (પૃ.૫૧૮-૧૯) આટલી સ્પષ્ટતા પછી આપણે યોગાનુયોગની ઘટનાઓને તપાસીએ. રમેશભાઈએ સ્વામીભોજનની તારીખ આપી, પણ કાન્તે ભાવનગર રાજ્યની નોકરી ક્યારે છોડી એની તારીખ આપી નથી. હેતુપૂર્વક ટાળી હશે? કાન્તે સ્વામીભોજન તા.૨૫-૩-૧૯૦૦ને રોજ કર્યું પરંતુ ભાવનગર રાજ્યની નોકરીમાંથી રાજીનામું તા.૨૫-૪-૧૯૦૦ના રોજ આપ્યું. (કાન્ત વિશે. પૃ.પર-૫૩) કાન્ત કલાપીનો આશ્રય શોધે તો તે રાજીનામું આપ્યા પછી કે આપ્યા પહેલાં? વધારે અગત્યની વાત એ છે કે “૨૬-૩-૧૯૦૦ પછીની કોઈક તારીખે, એપ્રિલમાં તો અવશ્ય, કાન્ત લાઠી આવીને રહ્યા” એમ કહેવા માટે કોઈ જ આધાર મળતો નથી. આ સમયના કલાપીના પત્રોમાં આવો ઉલ્લેખ નથી. તે ઉપરાંત તા.૩૧-૩-૧૯૦૦ના રોજ બાળકોને - મુનિકુમાર અને સીતાને - બૅપ્ટિઝમ આપ્યાની અને ૧૫-૪-૧૯૦૦ના રોજ કોસિંદ્રામાં કરુણાશંકરે કાન્તના હાથે બાપ્તિસ્મા લીધાની હકીકત નોંધાયેલી છે (કાન્ત વિશે, પૃ.૫૦ તથા પર) તે જોતાં કાન્ત આ ગાળામાં લાઠી ગયા હોવાની શક્યતા નહીંવત્ થઈ જાય છે. રાજીનામા પછીના સમયમાં પણ તા.૭-૫-૧૯૦૦નો ભાવનગરથી લખાયેલો કાન્તનો પત્ર છે તથા તા.૯-૫-૧૯૦૦નો કલાપીનો કાન્ત ઉપરનો પત્ર છે (કાન્ત વિશે, પૃ.૫૩ તથા ૫૪) તે જોતાં એ સમયે પણ કાન્ત લાઠી ગયા હોવાનો સંભવ દેખાતો નથી. આમ કલાપી ‘માલા અને મુદ્રિકા’ એ રૂપાંતર કરતા હતા ત્યારે કાન્તની ઉપસ્થિતિ હોવાનું રમેશભાઈએ કોઈ પણ જાતના ચોક્કસ આધાર વિના જોડી કાઢ્યું છે. પ્રાપ્ત પુરાવાઓ તો એની વિરુદ્ધમાં જતા ગણાય એવા છે. તા.૨૧-૧-૧૯૦૦ના રોજ ઘોઘાના દેવળમાં બૅપ્ટિઝમ લીધા પછી કાન્ત જ્ઞાતિથી બહિષ્કૃત થાય છે ને એમને ભાવનગર છોડવું પડે છે (નોકરી નહીં) ત્યારે એ કલાપીની હૂંફ શોધે છે અને તા.૩૧-૧-૧૯૦૦થી ઓછામાં ઓછું તા.૮-૩-૧૯૦૦ સુધી લાઠી રહે છે. (કાન્ત વિશે. પૃ.૪૬-૪૯) પણ આ સમય તે ‘માલા અને મુદ્રિકા’ની રચનાનો કલાપીએ નિર્દેશેલો સમય નથી. જોકે રમેશભાઈ તો એમ કહી શકે કે કલાપીએ ‘માલા અને મુદ્રિકા’ની રચનાની ખરી તારીખો છુપાવી છે. કર્તૃત્વને છુપાવનાર તારીખ પણ છુપાવી શકે જ ને? રમેશભાઈએ આમ કેમ નથી કર્યું એ, એમની તર્કસરણી જોતાં, નવાઈ લાગે એવું છે. કલાપીએ જાતે હરિસિંહજી મહીડા પરના બે પત્રોમાં (જેનો ‘કલાપી અને સંચિત્’માં આધાર લેવામાં આવ્યો છે), આનંદરાય દવે પરના પત્રમાં (કલાપીની પત્રધારા, પૃ.૩૮૮) તથા ગોવર્ધનરામ ત્રિપાઠી પરના પત્રમાં (કલાપીની પત્રધારા, પૃ.૪૨૦) પોતે અંગ્રેજી વાર્તા પરથી વાર્તા કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. પણ કલાપીનો પુરાવો તો શો કામનો? રમેશભાઈની દૃષ્ટિએ એ ખેલપટુ રાજવી જ. પરંતુ આ પ્રકરણમાં તો રમેશભાઈને કેટલાબધા લોકોને ખેલપટુ સાબિત કરવા પડ્યા છે - કાન્ત, કાન્તના પુત્રો, બલવંતરાય ઠાકોર અને કદાચ વાજસુર વાળા તથા સંચિત્ને પણ! કેટલોબધો શ્રમ લેવો પડ્યો છે એમને! જુઓ : ‘માલા અને મુદ્રિકા’ કાન્તે સંપાદિત કરીને છેક ૧૯૧૨માં પ્રગટ કરી. એની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે કે “મૂળ પુસ્તક મેં પોતે જ વાંચીને સુરસિંહજીને મોકલી આપ્યું હતું. પોતે ભાષાંતર કરવા ચાહે છે એમ તેમણે મને જણાવ્યું હતું. દરમિયાન તેઓ વિદેહ થયા. ‘ચન્દ્ર’માં એકબે પ્રકરણો છપાયાં. એથી વધારે એમણે લખી રાખેલ છે એ વાત હું જાણતો નહોતો.” રમેશભાઈ કાન્તના આ શબ્દો ઉદ્ધૃત કરે છે પણ તે પૂર્વે આનુષંગિક સંયોગોને આધારે એમણે નક્કી કરી નાખ્યું છે કે કાન્તના લાઠીનિવાસ દરમ્યાન જ આખું ભાષાંતર તૈયાર થયું છે. તેથી તેઓ કહે છે કે કાન્ત “પોતાની ‘એલિબી’ [= ઘટનાસ્થળથી અન્યત્ર ઉપસ્થિતિ] આપે છે તે કોણ માનશે?” (પૃ.૪૧૮) હા ભૈ, કાન્ત વળી કઈ વાડીના મૂળા? પોલીસતપાસમાં તો ખેલપટુ રાજવી અને ભલોભોળો બ્રાહ્મણ બધા સરખા. સૌ શકમંદો જ. પોતે ઘટનાસ્થળે હાજર નહોતો એમ કોઈ કહે એટલે માની ન લેવાય. એ સાબિત થવું ઘટે. કાન્તની ‘એલિબી’ને શંકાસ્પદ બનાવી મૂકનાર, રમેશભાઈની દૃષ્ટિએ, ‘દિનચર્યા લેખ’ના ઉલ્લેખવાળો પેલો કાન્ત-પત્ર છે. આ કાન્ત-પત્ર, એમની દૃષ્ટિએ, સૌથી મોટું તરકટ છે. એ જે રીતે છપાયો છે તેમાં તે તરકટ છતું થાય છે. એક નિષ્ણાત ગુનાશોધકની અદાથી રમેશભાઈ આ તરકટને ખુલ્લું પાડવા ઉદ્યમ કરે છે. જુઓ, પત્રને મથાળે નિશ્ચિત તારીખને બદલે“? ૧૯૦૦” એમ મૂકવામાં આવ્યું છે અને પાદટીપમાં જણાવ્યું છે કે “આવા પ્રશ્નચિહ્નનો અર્થ એ કે તે કાગળોની હજુ નકલો જ જોવામાં આવી છે, જેમાં તે ક્યાંથી કઈ તારીખે લખાયેલા એ નકલ કરનારે જણાવ્યું નથી. પત્રધારામાં જે સ્થાન આપવામાં આવેલું છે તે, પૂરતી માહિતીને અભાવે આપેલું હોવાથી વિચાર કરીકરીને આપેલું છે તથાપિ ચિંત્ય જ ગણવાનું છે." બસ, રમેશભાઈની તીક્ષ્ણ નજરને માટે આટલું પૂરતું છે. એ પકડી પાડે છે કે અહીં કશોક ઢાંકપિછોડો થયો છે. લખે છે કે “પાદટીપ મૂકનાર સંપાદકો (આ નોંધ બ. ક. ઠાકોરે મૂકી છે) પત્રની મળેલી નકલથી સંતુષ્ટ નથી. એમને આ પત્ર સ્થળ અને તારીખમાસના ઉલ્લેખની કાપકૂપ સાથે મળ્યો હતો. તેમજ ૩-૧૧-૧૯૦૦ અને ૧૩-૧૨-૧૯૦૦ એ બે તારીખો વચ્ચે આ પત્ર મૂકવાથી જ તે વચ્ચેની તારીખનો તે છે એમ પણ ચોક્કસપણે માનવાનું નથી. સંપાદકોએ બહુ વિચાર કરીકરીને આ પત્ર આ સ્થાને મૂક્યો છે એટલું કહીને તેઓ અટક્યા નથી. તે ચિંત્ય ગણવાનું છે એમ પણ તેમણે ભારપૂર્વક કહ્યું છે. એ રીતે ઉપરથી નિર્દોષ લાગતી પાદટીપમાં તેમણે સ્થળતારીખ જે કહી શક્યા હોત તે સૂચવી દીધું છે. સ્થળતારીખ છુપાવવાનો હેતુ ‘દિનચર્યા લેખ’ એ શબ્દોમાં રહ્યો છે.” (પૃ. ૧૪૮) એટલેકે ‘દિનચર્યા લેખ’ એ ‘માલા અને મુદ્રિકા’ જ છે. કાન્તનો ‘દિનચર્યા લેખ’, રમેશભાઈની જાણકારી મુજબ, પ્રસિદ્ધ થયો નથી. કાન્તને ખ્રિસ્તિધર્મસ્વીકારને કારણે કલાપીનો આશ્રય શોધવાનો થયો ત્યારે કલાપીને આપી દેવામાં આવ્યો ને તેથી આ પત્ર એ ગાળાનો — માર્ચ અંત કે એપ્રિલ આરંભ ૧૯૦૦ની જ હોવો જોઈએ. એ તારીખ હોય તો ગોપિત રહસ્ય ખુલ્લું થઈ જાય, તેથી એ તારીખ છુપાવવામાં આવી. છે ને આબાદ રહસ્યશોધન? કોણ છે આ રહસ્યગોપનના ગુનેગારો? રમેશભાઈ લખે છે કે "આ પત્ર જેમના કબજામાં હશે તે કાન્તના પુત્રો આ રહસ્ય જાણતા હશે અને તેમણે પિતાનું ઔદાર્ય ઝંખવાય નહીં માટે પ્રસ્તુત પત્ર સ્થળ અને તારીખમાસ ઉપરાંત સંબોધ્યની પણ કાટછાંટ કરી સંપાદકોને આપ્યો છે. સંપાદકોમાંથી એક બલવંતરાયને તો રહસ્યની જાણ છે તેથી પાદટીપની નોંધ પ્રમાણે બહુ વિચાર કરીને તેમણે આ પત્ર કલાપીના અવસાનના પછીના મહિનામાં બે પત્રોની વચ્ચે મૂક્યો જેથી અસલી તથ્ય નજરઅંદાજ થઈ શકે.” (પૃ.૪૧૯) ચાલો, બીજા બે શકમંદો પણ હાથમાં આવ્યા - કાન્તના પુત્રો અને બલવંતરાય! બેશક, રમેશભાઈ એ ન વિચારી શકે કે બલવંતરાય રહસ્ય છુપાવવા માગતા હોય તો પત્રને જ્યાં સ્થાન આપવામાં આવ્યું છે ત્યાં “વિચાર કરીકરીને આપેલું છે તથાપિ ચિંત્ય જ ગણવાનું છે” એમ શા માટે લખે? રમેશભાઈને શંકા થાય એટલા માટે? કે બલવંતરાય રહસ્યગોપનમાં એટલા કાચા? એ એમ પણ વિચારી ન શકે કે પત્ર પર માર્ચ એપ્રિલ ૧૯૯૦ની તારીખ હોત તોપણ ‘દિનચર્યા લેખ’ તે ‘માલા અને મુદ્રિકા’ અને કાન્તે પોતે કરેલો અનુવાદ કલાપીને આપી દીધો હોવો જોઈએ એવા તારણ સુધી કેમ જઈ શકાય? આકસ્મિક નામસામ્યમાત્રથી પ્રાપ્ત સર્વ હકીકતોને અવગણીને આવડા મોટા તારણ સુધી પહોંચવામાં કેટલીબધી વ્યક્તિઓની નિરર્થક નિરાધાર બદનામી થાય છે એ પણ એ ક્યાંથી વિચારી શકે? કાન્તના ‘દિનચર્યા લેખ’ની પ્રસિદ્ધિની એમને માહિતી ન હોય તોપણ એક સામાન્ય તર્ક કરીને, શંકા વ્યક્ત કરીને એ અટકી જઈ શક્યા હોત, પરંતુ એમણે તો આપણને ભરમાવી દે એવી દલીલો ને અર્થઘટનોની જાળ બિછાવી છે. આ પણ એક ‘રહસ્ય’ જ છે. નિર્દિષ્ટ કાન્તપત્રના સમય અંગે થોડી સ્પષ્ટતા થઈ શકે એવું છે. બલવંતરાયે પત્રને નવેમ્બર કે ડિસેમ્બર ૧૯૦૦નો ગણ્યો એનું કારણ એ જણાય છે કે એમાં મહારાજાની કૃપાનો ઉલ્લેખ છે અને કાન્તની ભાવનગર રાજ્યની નોકરી તા.૧૮-૧૦-૧૯૦૦થી ફરી ચાલુ થઈ હતી. માર્ચ કે એપ્રિલ ૧૯૦૦માં ભાવનગરના મહારાજાની કૃપાનો ઉલ્લેખ શક્ય જ નથી. વસ્તુતઃ ‘દિનચર્યા’ સુદર્શન, એપ્રિલ ૧૯૦૧માં છપાયેલ છે તેથી, ભૃગુરાયે અનુમાન કર્યું છે એ ખરું છે કે, પુસ્તિકા એ પછી જ હોઈ શકે. (કાન્ત વિશે., પૃ.૫૯) ‘દિનચર્યા’માં ગાયત્રીમંત્રનો ઉલ્લેખ છે અને પોતે ગાયત્રી મંત્રનો અભ્યાસ કરે છે એવું કાન્ત તા. ૨૮-૩-૧૯૦૧ના પત્રમાં કહે છે, ‘દિનચર્યા’નાં ઋગ્વેદ ઉપર સાયણાચાર્યના ભાષ્યમાંથી અવતરણો છે અને કાન્ત સમગ્ર ઋગ્વેદનું ભાષાંતર કરવાની અભિલાષા તા.૮-૫-૧૯૦૧ના પત્રમાં કરે છે (કાન્ત વિશે, પૃ.૫૮-૫૯) —આ બધું પણ ‘દિનચર્યા’નાં રચના-પ્રકાશનનો આ જ સમયગાળો હોવાનું સમર્થિત કરે છે. આ જ સમયે જ્ઞાતિબહિષ્કારથી થાકેલા કાન્ત પ્રાયશ્ચિત્તની અને હિંદુ ધર્મપરંપરા સાથે મેળ બેસાડવાની મથામણો કરી રહ્યા હોય છે. જેણે તર્કવિતર્કની ચોક્કસ દિશા નક્કી કરી લીધી હોય તે આવું બધું જોઈવિચારી ક્યાંથી શકે? એ બીજા માણસોની સાક્ષીઓ પણ ક્યાંથી સ્વીકારી શકે? ‘માલા અને મુદ્રિકા’ કલાપી અને વાજસુર વાળાએ સાથે વાંચી હોવાનું વાજસુર વાળા કહેતા હોય તો એમને પણ “‘માલા અને મુદ્રિકા’ લખાઈ રહ્યા પછી કલાપી અને વાજસુર વાળા તે સાથે વાંચી ગયા હોવાની નોંધ છતાં, લાઠી છોડ્યા પછી વાજસુર વાળાની સાથે જ રહેતા અને કલાપી સાથે પણ વિનિમય જાળવી રાખતા, તેમજ કલાપીના અવસાન સમયે સમગ્ર કલાપીસાહિત્યની મૂળ પ્રતો જેમની પાસે જ હતી તે સંચિતને આ રૂપાંતર વિશે માહિતી ન હોય એ અશક્ય છે” (પૃ.૪૦) એમ કહી શકમંદોની હરોળમાં મૂકી શકે. "‘કાન્તનો દિનચર્યા લેખ’ એવા મથાળા નીચે સ્વર્ગસ્થે થોડું લખેલું છે અને તેને રા. રા. મણિશંકરે ઉપરોક્ત નામથી પ્રસિદ્ધ કર્યું હોય તો એ જુદી વાત છે" એ સંચિત્ના સ્પષ્ટ કથનને અવગણીને “આવે નામે સ્વર્ગસ્થે કોઈ નૉવેલ લખ્યું હોય એ મારા જાણવામાં તો આથી જ આવ્યું” એ વાક્યમાં નાગરી મુત્સદ્દીગીરીનો કાકુ વાંચી શકે, જાણે એ કોઈક હકીકત છુપાવતા હોય એવું સૂચવી શકે. વિવાદનું મૂળ તો ‘દિનચર્યા લેખ’ એ નામ છે ને એ નામથી કલાપીએ કશુંક લખ્યાનું તે સંચિત્ અસંદિગ્ધપણે કહે છે એનું શું? ‘માલા અને મુદ્રિકા’નાં નાયક-નાયિકાનાં નામ કાન્ત અને કાન્તા છે. રમેશભાઈએ એમાં “કાન્તમુદ્રા” જોઈ છે - કાન્તના ‘‘સિદ્ધાન્તસાર’નું અવલોકનમાં કાન્ત અને કાન્તાનો પત્રવ્યવહાર છે ને? – એની ચર્ચા કરવાની હવે જરૂર છે ખરી? છતાં જુઓ, કલાપીની છેક ૧૮૯૩ની કવિતામાં ‘‘સિદ્ધાન્તસાર’નું અવલોકન’ તો માર્ચ ૧૮૯૪થી શરૂ થયું છે ‘કાન્તા ને કાન્ત હીંચે’ એવી પંક્તિ મળે છે. (કલાપીનો કાવ્યકલાપ, પૃ.૪ ‘વનમાં એક પ્રભાત’) અને નાયકનાયિકાનાં નામમાં “કાન્તમુદ્રા” હોય તો તેથીયે શું સિદ્ધ થાય? કલાપીની પ્રતિભામાં અન્યત્રથી પ્રેરણા ઝીલવાનું સહજ છે આપણે ક્યાં નથી જાણતા? જોઈ શકાય છે કે રમેશભાઈએ જે ઈમારત ઊભી કરી છે એના બધા પાયા કાચા છે. એ શૂન્યમાંથી સર્જન જેવી છે. વધારે ખૂંચે છે તે તો એ કે અનેક લોકોને જૂઠા ગણાવીને આ કરવામાં આવ્યું છે. અંતે આપણને પ્રશ્ન થાય છે કે ખરેખરા ખેલપટુ કોણ? કલાપી, કાન્ત, કાન્તના પુત્રો, બલવંતરાય વગેરે કે હકીકતોને પૂરી કે સાચી ન વાંચનાર, કેટલીક સ્પષ્ટ હકીકતોની અવગણના કરનાર કે એનો ઢાંકપિછોડો કરનાર, નિરાધાર તર્કવિતર્કોનાં જાળાં ગૂંથનાર રમેશભાઈ?
૨૩ જુલાઈ, ૧૯૯૧ [બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ ૧૯૯૧]