વાંકદેખાં વિવેચનો/ખેલપટુતા – વાજસુરવાળાની પણ?

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ખેલપટુતા - વાજસુર વાળાની પણ?

(‘દોરંગી દુનિયા’ને સંદર્ભે)

ડૉ. રમેશ શુક્લ ‘કલાપી અને સંચિત્’માં (પૃ.૩૮૭) કલાપીનો તા. ૨૩-૧૦-૯૪નો પત્ર ઉદ્ધૃત કરે છે અને જણાવે છે કે એમાં "કર્તૃત્વની સંદિગ્ધતા વિશે અનુમાનની જરૂર ન રહે એટલી સ્પષ્ટતાથી ઘણું કહેવાયું છે.” પત્ર સંબોધાયેલો છે “વ્હાલા ભાઈ, વ્હાલા ‘મુનશી’જી”ને ‘ભાઈ’ એટલે વાજસુર વાળા અને ‘મુનશી’ એટલે સંચિત્. પત્ર બન્નેને સંયુક્ત રીતે લખાયો છે. એમાં એક વાક્ય આવે છે: “દોરંગી દુનિયા- નવ રંગી - ઘણા રંગી – તેનું ચિત્ર આપવા ભાઈએ સારું યત્ન કર્યું છે." આ વાક્ય રમેશભાઈને મુનશીજીની બિરાદરી કેટલી ઉદાર હતી તે બતાવનાર લાગ્યું છે, કેમકે “‘દોરંગી દુનિયા’ સંચિત્ના કાવ્યસંગ્રહમાં છે. આ જ નવ રંગ – નવ કડી તેમાં છે. અને તેનાં અભિનંદન ‘ભાઈ’ને - વાજસુર વાળાને અપાયાં છે!!!” ત્રણત્રણ આશ્ચર્યચિહ્નોથી જેની આશ્ચર્યમયતા ઘૂંટવામાં આવી છે તે રમેશભાઈને અભિપ્રેત રહસ્ય એ છે કે કાવ્ય સંચિત્નું છે અને વાજસુર વાળાના કાવ્ય તરીકે એ કલાપીને મોકલાયું છે. વાજસુર વાળા પણ સંચિત્ના કવિતા-ખજાનામાંથી તફડંચી કરનાર ખેલપટુ રાજવી! મને તો સમગ્ર ઘટના ભારે કૌતુકભરી લાગે છે. કલાપી, વાજસુર વાળા ને સંચિત્ ત્રણે એકદમ અંગત મિત્રો. એટલાબધા અંગત કે પત્રો પણ સંયુક્ત રીતે લખાય છતાં કલાપી અને વાજસુર વાળા બન્ને સંચિત્ના કવિતાખજાનામાંથી તફડંચી કરે અને એકબીજાને મોકલે, એકબીજાને ખરી હકીકતથી અજાણ રાખે. સંચિત્નો પણ આમાં પૂરો મૂંગો સહકાર. વળી પાછા સંચિત્ વાજસુર વાળાને આપી દીધેલું કાવ્ય પોતાના કાવ્યસંગ્રહમાં છાપે. અજબ પ્રકારની છે આ બિરાદરી! ખેર! આ તો રમેશભાઈનું વાચન છે. મારું વાચન એવું નથી. એમને જે સ્પષ્ટતાથી કહેવાયેલું લાગે છે તે મને એવું લાગતું નથી. ‘દોરંગી દુનિયા’ એ કાવ્યશીર્ષકનો કૉપીરાઈટ શું સંચિત્નો જ છે? વાજસુર વાળા પણ આ શીર્ષકથી કાવ્ય ન લખી શકે? મને વહેમ છે કે તપાસ કરીએ તે આ શીર્ષકનાં ઘણાં કાવ્યો ગુજરાતીમાં મળી આવે. કહાનજી ધર્મસિંહનું આ શીર્ષકનું એક પદ તો મને જોવા મળેલું જ છે (નથુરામ શર્મા પ્રણીત શ્રી પરમપદબોધિની, પ્ર. કહાનજી ધર્મસિંહ, ૧૮૯૯, પૃ.૨૦૬). વળી, વાજસુર વાળા કવિયશના એવા આકાંક્ષુ હતા કે એમણે બીજાનાં કાવ્યો તફડાવવાની પ્રવૃત્તિ કરવી પડે? વાજસુર વાળાને નામે કોઈ કાવ્યસંગ્રહ તો નથી જ. એમનાં કાવ્યો સામયિકોમાં પણ ઝાઝાં છપાયાં હોવાનો સંભવ નથી. માત્ર કલાપી પાસે કવિયશ ખાટવાનું એમને શું પ્રયોજન? વસ્તુત: કલાપીએ તો એમને કવિતા લખવા માટે પ્રોત્સાહન આપવું પડે છે. કલાપીનો વાજસુર વાળા પરનો તા.૧૦-૯-૯૭નો પત્ર જુઓ : “‘ઘણો કાળ નહીં વપરાયેલી શક્તિ’ પણ પ્રબળ શક્તિ, હંમેશાં વપરાતી નિર્બળ શક્તિથી કેટલું સારું કરી શકે છે તેનો ‘સહજ ચિતાર’ આપતાં આપનાં કાવ્યો મળ્યાં.. ...આ કાવ્યો સંબંધે કંઈ બોલવા કરતાં આપ કાવ્યો શા માટે નથી લખતા એ બોલવાનું મન થઈ જાય છે. આપ આવાં જ ભલે લખો. લાંબાં લખવાની કાંઈ જરૂર નથી... ... કૃપા કરી આપ જેટલું લખો તેની મારી માફક કોઈ એકાદ નોટબુકમાં સંભાળથી તારીખ સાથે નકલ કરી રાખતા જશો. ભલે થોડાં જ પાનાંનું પણ કોઈ સમયે એક બહુ સુંદર પુસ્તક આપ બહાર પાડી શકશો.” (કલાપીની પત્રધારા, પૃ.૧૮૪-૮૫) આમ છતાં, કલાપીના વાજસુર વાળા પરના પત્રોમાંના ઉલ્લેખો બતાવે છે કે વાજસુર વાળાની કાવ્યપ્રવૃત્તિ ૧૮૯૪ની સાલમાં તો નિયમિત ચાલી છે. (જુઓ કલાપીની પત્રધારા, વાજસુર વાળા પરના પત્રકમાંક ૧૦, ૧૧, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮) અને ‘દોરંગી દુનિયા’ એ સમયનું જ કાવ્ય છે. ઉપરાંત, કલાપી વાજસુર વાળા સાથે ઘણી કાવ્યચર્ચાઓ કરતા પણ જણાય છે. સંચિત્ પરના પત્રોમાં છે એનાથી એ વધારે હોય એવું દેખાય છે. વાજસુર વાળાની કાવ્યરસજ્ઞતા વિશે શંકા કરવા જેવું કંઈ નથી. હવે કેટલીક નક્કર હકીકતો. ‘સંચિતનાં કાવ્યો’ (પૃ.૩૨-૩૩)માં ‘દોરંગી દુનિયા’ની રચનાસાલ ૧૮૯૩ અપાયેલી છે. કલાપીને વાજસુર વાળાને નામે ‘દોરંગી દુનિયા’ મોકલાય છે છેક ઑકટોબર ૧૮૯૪માં વળી સંચિત્ની ‘દોરંગી દુનિયા’ એક ભજન છે, જ્યારે વાજસુર વાળાને નામે મોકલાયેલ ‘દોરંગી દુનિયા’ ગઝલ હોવાનું કલાપીના પ્રતિભાવો પરથી સમજાય છે. કલાપીનું એ કૃતિ વિશેનું ઘણું વિવેચન (જે રમેશભાઈએ ઉદ્ધૃત કર્યું નથી) સંચિતની ‘દોરંગી દુનિયા’ સાથે બંધબેસતું જણાતું નથી. સંચિત્ની કૃતિ આ પ્રમાણે છે :

દોરંગી દુનિયા

(ભજન)

દોરંગી દુનિયાના ખેલની ખુબી આ :
શેઠ સંસારી જનને ભૂલાવે, સાચાં સાથી મનાવે
જીગરથી કહે ચ્હાતાં. દુનિયાં.
અભેદનો જપ જપે જપાવે, કૈં પ્રિય શત ક્હે ક્હાવે,
કરે ઈશ્કની બડી બાતાં! દુનિયાં.
ગુપ્ત મંત્ર કંઈ કર્ણે આપે, કંઈ મિઠ્ડું સમજાવે,
ઉડવે ઉંચે જ આશામાં! દુનિયાં.
રમે રમાડે! હસે હસાવે! કંઈ તાળી લે આપે,
દેખાય હિતમાં મજાનાં! દુનિયાં.
કાર્ય ખળ જનો કળે જ સાધે, ભોળવી એમ ભમાવે,
સ્વાર્થ સર્યે નવ સ્હાતાં! દુનિયાં.
સોંપી નિજ સર્વસ્વ જ ચરણે, નમેલ ગભરૂ જનને,
વ્હાલાં ગણ્યાં તે જ વ્હાતાં! દુનિયાં.
કઠોર દંભી આપ ડાહ્યલાં, આશ્રિત પર ઘા કરતાં,
સંકોચ લેશ ન ખાતાં! દુનિયાં.
કોમળ હૈયાં કઠીન ભવમાં, ઘડાય એમ ઘવાતાં
પોતાનાં નીજ પીડામાં! દુનિયાં.
ઝેરી જગતે તો રહેવાનું, જીવનસૂત્ર ધરી : થવું
સંસારમાં સ્હામસ્હામાં? દુનિયાં.
૧૮૯૩

હવે કલાપીએ કરેલ વિવેચન જુઓ : "દોરંગી દુનિયા - નવ રંગી - ઘણા રંગી – તેનું ચિત્ર આપવા ભાઈએ સારું યત્ન કર્યું છે. કવિ આ દોરંગની જાળમાં ગૂંચવાયેલો છે એમ કાવ્ય બતાવે છે તેથી – પોતે તે જાળથી ઊંચો છે – ન્યારો છે – ઉપરથી ઊભોઊભો બધું જુવે છે – અનુભવે છે એવું ચિત્ર આપ્યું હોત તો વળી બહુ અચ્છું કામ થઈ જાત : પણ જેવું જે છે તેવું જ તે કાંઈ ખરાબ નથી. બીજું ગઝલમાં ઘણું કરીને શાન્ત લાગણીઓ કરતાં outbursts of heart (હૃદયના ઉભરા) બહુ સારા લાગે છે... ભાઈનું ગઝલ લાગણીઓ છે પણ તે ધીમેધીમે ગોઠવાઈને બહાર નીકળી છે. ગઝલમાં તો ‘ડીંભા’ એક ઉગમણો તો બીજો આથમણો એમ ઊડવા જોઈએ.” (કલાપીની ૫ત્રધારા, પૃ.૧૩૫). ‘દોરંગી દુનિયા’ કાવ્યનું કલાપીએ કરેલું આ વર્ણન સંચિત્ના કાવ્યને લાગુ પડતું હોય એવું લાગે છે? સંચિત્ના કાવ્યમાં નવ કડી ભલે હોય, પરંતુ એમાં નવ રંગ - ઘણા રંગનું ચિત્ર છે એમ કહેવું મુશ્કેલ છે. એમાં બે જ રંગની વાત છે – ઉપરથી પ્રેમ અને અંદરથી છેતરામણ ‘મુખમેં રામ, બગલમેં છૂરી’ જેવો ઘાટ દુનિયાની શઠતા અને ખલતાનું જ એ ચિત્ર છે. બીજું સંચિત્ના કાવ્યમાં કવિ આ દોરંગીની જાળમાં ગૂંચવાયેલો છે, એમાં કવિની લાગણીઓ છે એમ કહેવાય એવું કશું નથી. એમાં તટસ્થ રીતે થયેલું દુનિયાની ખલતાનું વર્ણન છે. કવિની લાગણીનો દોર એમાં મુદ્દલ જણાતો નથી. કાવ્યનું સમાપન બોધાત્મકતામાં કરવામાં આવ્યું છે : ‘ઝેરી જગતે તો રહેવાનું, જીવનસૂત્ર ધરી : થાવું, સંસારમાં સ્હામસ્હામાં?!’ ત્રીજું સંચિત્નું કાવ્ય સ્પષ્ટ રીતે દેશી ઢાળનું ભજન છે, ત્યારે કલાપી પોતાને મળેલા કાવ્યને સ્પષ્ટ રીતે ગઝલ તરીકે ઓળખાવે છે અને એની ગઝલ તરીકેની મર્યાદાઓ બતાવે છે. દેખાઈ આવે છે કે વાજસુર વાળાના નામથી કલાપી પાસે ગયેલ ‘દોરંગી દુનિયા’ તે સંચિત્ની કૃતિ નથી જ. રમેશભાઈએ માત્ર શીર્ષકસામ્યથી નિર્ણય કરી નાખ્યો અને એક જ વાક્ય આપણી સમક્ષ મૂક્યું. એ કાવ્ય વિશેના કલાપીના સમગ્ર વિવેચનને – અને સંચિત્ના કાવ્યને પણ - આપણાથી ઓઝલ રાખ્યું. આ ખેલપટુતા કોની, ભાઈ? વાજસુર વાળાની કે...? આ તે સંશોધન કે વિ-શોધન? ૩૧ જુલાઈ, ૧૯૯૧ [કંકાવટી, ઑગસ્ટ ૧૯૯૧]