< વિભાવના
વિભાવના/પરિશિષ્ટ : સાહિત્યસર્જન વિશે વિચારવિમર્શ - હેન્રી મિલર
નટ હેમ્સને, તેની સામે મૂકવામાં આવેલી એક પ્રશ્નાવલિના ઉત્તરમાં એક પ્રસંગે એમ કહેલું કે હું તો માત્ર વખત ગાળવાને જ લેખનપ્રવૃત્તિ કરું છું. આ વચન તેણે ગંભીરતાથી ઉચ્ચાર્યું હોય તોપણ, એ રીતે તે આત્મવંચના જ કરી રહ્યો હતો એમ મને લાગે છે. ખુદ જીવનની જેમ જ સાહિત્યસર્જન પણ શોધ માટેની એક સફર માત્ર છે. આ આખુંયે સાહસ આધ્યાત્મિક ભૂમિકાનું છે : જીવનને પરોક્ષ રીતે પામવાનો, વિશ્વના ખંડ દર્શનને બદલે તેનું અખંડ રૂપમાં દર્શન કરવાનો, એ અભિગમ છે. સાહિત્યસર્જક ખરેખર તો ઊર્ધ્વજગત અને અધોજગત વચ્ચેના અંતરાળમાં જીવે છે; એક કેડી સ્વીકારીને તે જે પ્રયાણ કરે છે તેમાં, અંતે તો, તે પોતે જ એક કેડી બની રહે છે.
મેં માત્ર વિચારો, લાગણીઓ અને અનુભવોની કળણભૂમિમાંથી, કેવળ અરાજકતા અને અંધકારની ભૂમિમાંથી, સાહિત્યસર્જનની શરૂઆત કરી. અત્યારે પણ ‘સાહિત્યકાર’ એ શબ્દના રૂઢ અર્થમાં હું મને સાહિત્યકાર લેખવવા તૈયાર નથી. હું તો એેવો માનવીમાત્ર છું જે પોતાના જ જીવનની કથની કહે છે; અને જીવનકથનની એ આખી પ્રક્રિયા જ એવી છે કે, એમાં હું જેમ જેમ આગળ વધતો રહું છું તેમ તેમ તે વધુ ને વધુ અખૂટ હોય એમ લાગ્યા કરે છે. વિશ્વની સમુત્ક્રાંતિના જેવી એ પણ અનંત પ્રક્રિયા છે. વ્યક્તિની ભીતરમાં જે વિશ્વ પડ્યું છે તેને બહાર આણી છતું કરવાની આ વાત છે. આખી આ સફર ‘ક્ષ’ પરિમાણો વચ્ચે ચાલે છે, અને એનું પરિણામ એ આવે છે કે, શોધની કેડીએ આગળ વધતાં વધતાં વ્યક્તિને એમ સમજાઈ જાય છે કે, તેને જે વિશે કહેવું છે તે વિષયવસ્તુ પોતે કંઈ એટલી મહત્ત્વની નથી, જેટલી તેના કથનની પ્રક્રિયા મહત્ત્વની છે. બધી જ કળાઓમાં આવી વિલક્ષણતાને કારણે કશોક આધ્યાત્મિક પાસ બેઠેલો દેખાય છે. આવી વિલક્ષણતા જ કળાને સ્થળકાળના સંદર્ભથી પર સ્થાપી આપે છે કે સમગ્ર વૈશ્વિક પ્રક્રિયામાંના કેન્દ્ર સાથે તેને સાંકળી આપે છે કે તેમાં તેને સમન્વિત કરી આપે છે. કળાની અર્થવત્તા, વ્યવહારુ પ્રયોજનોથી તેની મુક્તિ, અને તેની અપરિમેયતા - કળાની બાબતમાં આ એવી વસ્તુઓ છે જે તેને પ્રાણપોષક તત્ત્વ લેખે મહત્ત્વ અર્પે છે.
લગભગ આરંભથી જ મને ઊંડે ઊંડે એમ પ્રતીત થઈ ચૂકયું હતું કે મારે માટે કોઈ ચોક્કસ લક્ષ્યસ્થાન જેવું નથી. વિશ્વ અખિલને આંબી લેવાની તો મેં ક્યારેય આશા રાખી નથી, પણ જેમ જેમ હું આગળ વધું છું, તેમ તેમ હરેક કૃતિમાં, હરેક અલગ અલગ ખંડમાં, અખિલની ઝાંખી પ્રગટ કરવાની આશા સેવતો જાઉં છું; કેમ કે જીવનમાં હું ઊંડે ને ઊંડે ખોદતો જાઉં છું, કેમકે ભૂત અને ભવિષ્યને હું વધુ ને વધુ ખોદતો રહું છું. આ રીતે, ખોદીને ખોતરીને અગાધ ઊંડાણમાં પ્રવેશતાં, મારામાં એક એવી પ્રતીતિ બંધાવા પામે છે, જે એક શ્રદ્ધા કે માન્યતા કરતાં પણ વધુ સમર્થ નીવડે છે. એક લેખક તરીકે મારી નિયતિ વિશે હું વધુ ને વધુ નિશ્ચિત થતો જાઉં છું.
નિત્ઝે, દોસ્તોએવ્સ્કી, હેમ્સન અને ટોમસ માન પણ, જેમને હું આજે માત્ર ચતુર કથાકારો તરીકે, ઈંટ પકવનારા વ્યવસાયીઓ તરીકે, કે ઘોડાગધેડાંની જેમ અંતઃપ્રેરણાથી ભારવાહકો બનનારા તરીકે, અવગણી કાઢું છું, તેમની સૌની હું એક વાર પ્રશંસા કરતો; તેમને ભક્તિભાવે નિહાળતો; અને તેમની શૈલી અને તેમની સંવિધાનકળા (technique)નું ખંતથી નિરીક્ષણ કરીને તો મેં લેખનનો આરંભ કરેલો. સાહિત્યરચના શી રીતે કરવી, તે વિશે ગૂઢ રહસ્યનું પગેરું મેળવવાની આશાથી એકેએક શૈલીનું મેં અનુકરણ કરી જોયું હતું. અને છેવટે, બહુ ઓછા લોકોને જેનો ખ્યાલ આવી શકે એવી એક ભયંકર હતાશા અને વિષાદને આરે હું આવી ઊભો. કેમ કે, માનવ તરીકેના મારા આત્મ (self) અને લેખક તરીકેના મારા આત્મ વચ્ચે ક્યાંય વિચ્છેદ નહોતો. લેખક તરીકેની નિષ્ફળતા એટલે ખરેખર તો એક માનવી તરીકેની એ નિષ્ફળતા હતી. અને ખરેખર હું નિષ્ફળ જ ગયો. મને સમજાઈ ચૂકયું કે, હું કશું જ નહોતો, અરે શૂન્યથીયે કંઈક ઊણો, માત્ર એક ઋણ પરિમાણ સરીખો બન્યો હતો. અને, આવા બિંદુએથી, એમ કહી શકાય કે, મૃત સરગાસો સમુદ્રની બરોબર વચ્ચેથી ખરેખરા સાહિત્યલેખનની મેં શરૂઆત કરી. જાણે વહાણના તૂતક પરથી મારો અસબાબ - મને સૌથી વધુ પ્રિય હતો એ સર્વ અસબાબ –મેં સાગરમાં ફગાવી દીધો. અને આમ, માત્ર થોડાક આડાઅવળા લિસોટાઓ (scratches)માંથી જાણે કે મારી લેખનપ્રવૃત્તિ આરંભાઈ. તરત જ હું મારા પોતીકા અવાજને સાંભળી શક્યો અને એથી હું પોતે મંત્રમુગ્ધ બન્યો. એ અવાજ એક અલગ, વિશિષ્ટ અને અનન્ય રૂપનો અવાજ છે એવો ખ્યાલ મારે માટે એક મોટું ધારકબળ બની રહ્યો. હવે હું જે કંઈ લખું તે ખરાબ તો નહિ ગણાઈ જાયને, એવી કોઈ ચિંતા જ મને રહી નહિ. ‘સારું’ અને ‘નરસું’ એ બંને શબ્દો જ મારા શબ્દકોશમાંથી નીકળી ગયા. સૌંદર્યના ક્ષેત્રમાં, એટલે કે કળાના બિનનૈતિક બિનઆચારલક્ષી અને બિનઉપયોગી એવા ક્ષેત્રમાં, મેં હવે પૂરેપૂરું ઝંપલાવી દીધું હતું. મારું જીવન પોતે જ હવે એક કળાકૃતિ બની ગયું. મને મારે અવાજ મળ્યો હતો, પાછો હવે હું ‘પૂર્ણ’ બન્યો હતો. ઝેનપંથી દીક્ષાર્થીઓના જીવન વિશે આપણને જે કંઈ સાંભળવા મળે છે, તેને ઘણી રીતે મળતો આવતો આ મારો અનુભવ હતો. મારી મહાન નિષ્ફળતા એ સમગ્ર જાતિના અનુભવનો ઉપચય બની રહી. જ્ઞાનવિજ્ઞાન પરત્વે મને અણગમો થયો, હરેક વસ્તુની વ્યર્થતા મને સમજાઈ ગઈ, અને એમાંથી એકેએક વસ્તુને છિન્નભિન્ન કરી દેવાની વૃત્તિ જાગી. પ્રથમ એ એક મરણિયો પ્રયત્ન રહ્યો, પણ પછી એમાંથી જ એક પ્રકારની વિનીતતા જન્મી, અને એ પછી હું મારી ખરી સત્તાની પુનઃપ્રાપ્તિ અર્થે પ્રયત્નશીલ બનતો હોઉં એ રીતે, મેં મારી પાટી પરથી મારી જાતને જ ભૂંસી નાખી. એમ એક વાર છેક કરાડા સુધી આવીને મેં અંધારપ્રદેશમાં ભૂસકો માર્યો.
હમણાં જ હું વાસ્તવિકતાની વાત કરતો હતો, પણ મને એ વાતનું ભાન થઈ ગયું છે કે, વાસ્તવિક્તાને કદીયે પામી શકાય નહિ, સાહિત્યલેખનથી તો જરીકે નહિ. એટલે વસ્તુનું શાબ્દિક જ્ઞાન હું છોડતો જાઉં છું, અને વધુ ને વધુ આત્મખોજ કરતો જાઉં છું. કોઈ જુદા જ માર્ગે, વિશેષે તો ભૂગર્ભને માર્ગે હું બોધ પામતો જાઉં છું. સદ્યોબોધની હું વધુ ને વધુ ક્ષમતા મેળવતો જાઉં છું. વસ્તુનું ગ્રહણ, આકલન, વિશ્લેષણ, સમન્વયીકરણ, તેની ભિન્નતાનું દર્શન, શબ્દ રૂપે તેનું જ્ઞાન, વાણીરૂપ તેનું ઉચ્ચારણ – એ બધી જ પ્રક્રિયાઓ યુગપત્ પ્રયોજવાની શક્તિ હું વિકસાવતો જાઉં છું. વસ્તુઓનું સંરચનાગત તંત્ર પોતે જ પોતાને મારી દૃષ્ટિ સમક્ષ સરળતાથી પ્રગટ કરી દે છે, એ અંગેનાં બધાં જ નિશ્ચયાત્મક રૂપનાં અર્થઘટનોનો હું ત્યાગ કરું છું. એ સાથે વધતી જતી સરળતાથી વસ્તુની રહસ્યમયતા મને વધુ ઉત્કટ રૂપે પ્રતીત થાય છે. એ અંગે હું જે કંઈ જાણું છું તે મને વધુ ને વધુ અનિર્વચનીય લાગવા માંડે છે. હવે હું એક એવી અંતઃપ્રતીતિથી જીવવા માંડું છું જે કોઈ તાર્કિક પુરાવા કે શ્રદ્ધા પર અવલંબિત નથી. અહમ્ના રજમાત્ર ભાન વિના કે સ્વાર્થવૃત્તિના ખ્યાલ વિના હું પૂરેપૂરો મારે માટે જ જીવન જીવું છું. જીવન જીવવામાં મારું પોતીકું યોગદાન જેમાં હોઈ શકે, એવું જીવન હું જીવું છું. અને વસ્તુઓના જીવનક્રમમાં મારો સહયોગ સાધું છે. હરરોજ હરેક રીતે આ વિશ્વની જે ઉત્ક્રાંતિ થઈ રહી છે, અને જે રીતે એનું સંક્રમણ ચાલી રહ્યું છે એના વિકાસ અને એની સમૃદ્ધિમાં હું વૃદ્ધિ કરતો જાઉં છું. ઐચ્છિક રૂપે મારે એ પ્રક્રિયામાં જે કંઈ આપવાનું હોય તે સર્વ હું અર્પણ કરું છું, અને એમાંથી જેટલું આત્મસાત્ થઈ શકે એમ હોય તેટલું હું સ્વીકારતો જાઉં છું. એક સાથે રાજકુમાર અને ચાંચિયાની ભૂમિકા હું ભજવું છું. તુલ્યત્વનું હું ચિહ્ન બનું છું. કન્યારાશિને વૃશ્ચિકથી અલગ કરી જે તુલારાશિએ મૂળ રાશિચક્રમાં ફાચર મારી તિરાડ પાડી હતી, એ તુલારાશિનો જ હું આધ્યાત્મિક પ્રતિરૂપ ભાગ છું. અંતરાળનાં વિરાટ પોલાણો, અહંસર્જિત મહાન બ્રહ્માંડો, અને વિહારધામ સરખા મહાન ટાપુઓ – એ સર્વે, જે કોઈ વૈયક્તિકતા પ્રાપ્ત કરી શકે તેને મળી રહે છે; અને આ વિશ્વમાં એકેએક વ્યક્તિ માટે પૂરતો અવકાશ છે એવું મને સમજાઈ જાય છે. માત્ર ચિત્તની સપાટી પર જ, જ્યાં ઐતિહાસિક સંગ્રામો ચાલતા રહે છે, અને એકેએક વસ્તુને જ્યાં માત્ર પૈસા અને સત્તાની ભાષામાં જ ઘટાવવામાં આવે છે, ત્યાં તો ભીડ જામેલી રહે છે; પણ વ્યક્તિ જ્યારે સપાટી પરથી ઊંડે ઊતરે છે, સંગ્રામની ભૂમિકામાંથી મુક્ત થાય છે, અને ટોળાંઓની નજરમાંથી અદૃશ્ય બની તળિયા સુધી તે અવગાહન કરે છે, ત્યારે જ તેના ખરેખરા જીવનનો આરંભ થાય છે. હવે સરળતાથી લખવાનું મારે માટે શક્ય છે, અને નથી પણ. હવે એ માટે કશાય દબાણનો અનુભવ થતો નથી, કે ચિત્તની સ્વાસ્થ્યપ્રાપ્તિનોય એ પ્રશ્ન રહેતો નથી. હું જે કંઈ કરું છું, તે કેવળ આનંદથી પ્રેરાઈને જ કરું છું. પાકાં ફળોથી લચેલાં વૃક્ષોની જેમ, હુંયે મારાં પક્વ ફળ ખેરવું છું. સામાન્ય ભાવક કે વિવેચક એ બાબતમાં શું કહેશે તેની હું પરવા કરતો નથી. હું માત્ર શોધની પ્રવૃત્તિ કરું છું, ને એને પોષણ આપું છું. એથી વિશેષ મારે બીજું કશું જ કરવાનું રહેતું નથી.
આ ભવ્ય નિર્મમતાની સ્થિતિ તે ખરેખર તો અહંકેન્દ્રી ચેતનાનો તાર્કિક વિકાસ માત્ર છે : મૃત્યુનો સ્વીકાર કરીને હું સામાજિક પ્રશ્નને ઉપકારક બની રહું છું. વાસ્તવિક પ્રશ્ન તે પોતાના પાડોશી જોડે નિભાવ કરવાનો નથી કે પોતાના દેશની પ્રગતિમાં કશુંક અર્પણ કરવાનોયે નથી, પણ પોતાની નિયતિ શોધવાનો છે, બ્રહ્માંડના ગૂઢ અંતઃકેન્દ્રમાંના લય જોડે પોતાના જીવનને લયાન્વિત ને સંવાદી કરવાનો છે. ‘બ્રહ્માંડ’ એ શબ્દને પ્રગલ્ભપણે પ્રયોજવાની, ‘આત્મા’ જેવા શબ્દનો ઉપયોગ કરવાની, અને આધ્યાત્મિક કોટિની ગણી શકાય એવી કોઈક વસ્તુ જોડે કામ પાડવાની આ વાત છે. એવી જ રીતે, વ્યાખ્યાઓ, દોષમુક્તિના દાવાઓ, પુરાવાઓ અને કર્તવ્યો આદિથી મુક્ત થવાની આ વાત છે. સ્વર્ગ તો સર્વત્ર છે, અને કોઈ પણ કેડીએ ચાલતાં ચાલતાં વ્યક્તિ જો દૂર નીકળી જાય તો તેને માટે એ સ્વર્ગની કેડી જ બની રહે છે. પહેલાં પીછેકદમ, પછી બાજુ, પછી ઊંચે, પછી નીચે, એવી રીતે જ વ્યક્તિ આગળ વધી શકે છે. પ્રગતિ જેવું કાંઈ છે જ નહિ. માત્ર નિરંતરરૂપની ચાલતી રહેતી હિલચાલ અને સ્થાનાંતર જ સંભવે છે, જે અનંતપણે ગોળ ગોળ ચકરાવાની ગતિએ ઊંચે ને ઊંચે ગતિ કરે છે. દરેક માનવીને તેની પોતાની નિયતિ હોય છે; એ માટે જે કંઈ આદેશરૂપ હોય, તો તે માત્ર એને અનુસરવાનો છે, એનો સ્વીકાર કરવાનો છે, એ ક્યાં લઈ જશે તેનો વિચાર કરવાનો નથી.
મારાં આગામી પુસ્તકો, અરે મારું હવે પછી તરતમાં પ્રગટ થનારું પુસ્તક પણ કેવા પ્રકારનું હશે તે વિશે મને જરા જેટલોયે ખ્યાલ નથી. મારાં કોષ્ટકો ને મારા નકશાઓ તો મારે માટે સાવ ઝાંખી ઝાંખી માર્ગદર્શક રેખાઓ જ છે; હું ઇચ્છું ત્યારે તેને ફગાવી દઉં છું, તેનું વિશોધન કરી લઉં છું, તેને વિકૃત કરું છું, બદલી કાઢું છું, તેનો અસ્વીકાર કરું છું, ઉપસાવું છું, ઘૂંટું છું, ક્યાંક સાંકળું છું, ગૂંચવું છું, જેવી મારી મનોદશા. પણ એમાં હું માત્ર મારી પોતાની જ અંતઃવૃત્તિઓ અને અંતઃપ્રેરણાઓને અધીન રહું છું. એથી વિશેષ આગળથી મને કશાયનો ખ્યાલ હોતો નથી. ઘણીયે વાર તો હું એવી વસ્તુઓ ટપકાવતો જાઉં છું જેને હું પોતે જ સમજતો ન હોઉં, પણ પાછળથી એ મને સ્પષ્ટ થશે ને એ મારે માટે અર્થપૂર્ણ બની રહેશે એવી કોઈક પ્રતીતિ સાથે હું ચાલતો રહું છું. આ જે માનવી લખી રહ્યો છે તેમાં, એટલે કે લેખકમાં, મારી પોતાની જાતમાં, મને શ્રદ્ધા રહી હોય છે. નર્યા શબ્દોના ઉપયોગ માત્રમાં હું માનતો નથી, ભલે ને પછી એ કોઈ સૌથી વધુ ચતુર એવા માણસે ગૂંથી આપ્યા હોય. હું તો ‘ભાષા’માં માનું છું – એવી ‘ભાષા’ જે શબ્દોથી પર છે, અને શબ્દોમાં તો જેનો આછો આભાસ જ વરતાય છે. શબ્દોનું કોઈ અલગ અસ્તિત્વ જ હોતું નથી, સિવાય કે પંડિતો, વ્યુત્પત્તિકારો અને ભાષાશાસ્ત્રીઓ વગેરેએ તેનો અલગ સત્તા રૂપે સ્વીકાર કર્યો હોય. વાસ્તવમાં, ‘ભાષા’થી ઉતરડાયેલા શબ્દો તો મૃત પદાર્થો છે, અને એમાં કશું જ રહસ્ય હોતું નથી. માણસ તો પોતે પોતાને માટે જે શૈલી ને જે ભાષા રચે છે તેમાં જ તે પ્રગટ થાય છે. જે માણસ અંતરથી નિર્મળ છે તેને, હું માનું છું કે, ઘંટનાદની જેમ બધું જ વિશદ બની જાય છે. સૌથી ગુહ્ય લિપિ પણ તે ઉકેલી શકે છે. આવા માણસ સામે કશુંક રહસ્યપૂર્ણ તો હંમેશાં આવે છે, પણ તે કંઈ ભેદભરમવાળું નથી હોતું; એક તર્કગ્રાહ્ય, સહજપ્રાપ્ય, સુયોજિત અને ગર્ભિત વસ્તુ રૂપે તેને તે ગ્રાહ્ય બનતું હોય છે. વસ્તુ વિશેની સમજણ તે આવી રહસ્યમયતાની આરપાર જતો વેધ નથી, એ તો તેનો સ્વીકાર માત્ર છે; તેની જોડે, તેનામાં, તે વડે, ને તે દ્વારા, સમાધાનથી જીવવાને એ એક રસમ માત્ર છે. જે રીતે આ જગત અસંખ્ય પરિમાણો, ધરીઓ, અક્ષાંશરેખાઓ, આબોહવાઓ અને પરિસ્થિતિઓમાંથી સર્પાકાર ગતિએ વહી રહ્યું છે, એવી જ રીતે મારા શબ્દો પણ વહેતા રહે એમ હું ઇચ્છું. જો કે, આ આદર્શની સિદ્ધિ બાબતમાં હું અગાઉથી જ મારી અશક્તિ કબૂલ કરી લઉં છું. એનો મને જરા જેટલોયે રંજ નથી. અંતિમ સારનો વિચાર કરીએ તો, આ જગતમાં પોતામાં જ વિફલતાનાં બીજો રોપાયેલાં પડયાં છે એમ કહી શકાય. અપૂર્ણતાનું જ એ પૂર્ણ આવિષ્કરણ છે, એટલે કે વિફલતાની સભાનતાનું જ એ આવિષ્કરણ છે; અને આ પ્રકારની સભાનતાનો ઉદય થતાં વળી વિફલતાનો ખ્યાલ પોતે જ લય પામે છે. વિશ્વની આદિભૂત ચેતનાની જેમ, એની અચલરૂપ કેવલ સત્તાની જેમ, એની એકં એવં સર્વં એવં સત્તાની જેમ, સ્રષ્ટા એટલે કે કળાકાર પણ, અપૂર્ણતા દ્વારા અને અપૂર્ણતા વડે જ પોતાને અભિવ્યક્ત કરે છે. જીવનનું એ જ સારસત્ત્વ છે, જીવંતતાની એ જ નિશાની છે. લેખક જેટલે અંશે સંઘર્ષને રોકી શકે છે, અને જેટલે અંશે પોતાની સંકલ્પવૃત્તિ ત્યજે છે, તેટલે અંશે તે સત્યના હાર્દની નજીક જાય છે. અને સત્યના હાર્દની ઉપલબ્ધિ એ જ તો સાહિત્યકારનું અંતિમ ધ્યેય હોય છે. મહાન સાહિત્યસર્જક જીવનનું ‘પૂર્ણ’ પ્રતીક હોય છે, એટલે કે, ‘અ-પૂર્ણતા’નું જ તે પ્રતીક હોય છે. કોઈ અણજાણ કેન્દ્રબિંદુ – જે ખરેખર તો તેના મગજનું કેન્દ્ર નથી જ, પણ તે ચોક્કસપણે એક એવું કેન્દ્ર છે, જે સમગ્ર બ્રહ્માંડના લયની જોડે સંયોજિત છે, અને એ કારણે જ જે પોતે વિશ્વ જેવું જ મૂર્ત, ઘન, અચળ, ટકાઉ, પ્રતિકારક, અતંત્ર અને હેતુવિહીન છે – એવા કેન્દ્રબિંદુથી પૂર્ણતાનો આભાસ આપતો તે અનાયાસ ગતિ કરે છે. કળા કશાયનું જ્ઞાન આપતી નથી, માત્ર જીવનનો મહિમા તે પ્રગટ કરી આપે છે. સાહિત્યસર્જકની ખુદની જેમ, જે થોડી વ્યક્તિઓને મહાન કૃતિઓની રહસ્યભૂતતામાં પ્રવેશ મળ્યો હોય, એ સિવાયના અન્ય સૌ માટે એવી મહાન કૃતિ અનિવાર્યતયા સંદિગ્ધ જ રહેવાની. આ સંયોગોમાં અવગમન તો ગૌણ બાબત બની રહે છે : માત્ર કૃતિની પ્રભાવકતા ટકી રહે એ જ મહત્ત્વનું છે. અને એ માટે માત્ર એક કેળવાયેલો ભાવક જ જરૂરી છે.
મારે માટે જે કહેવાયું છે તે પ્રમાણે, જો હું કોઈ ક્રાંતિકારી લેખક હોઉં તો પણ, તે માત્ર અજ્ઞાતપણે જ. વૈશ્વિક વ્યવસ્થા સામે મેં વિદ્રોહ તો કર્યો જ નથી. ‘મારી અંદર જ ક્રાંતિ થઈ છે’ એમ બ્લેઇઝ સિન્દ્રાર્સે પોતાને વિશે જે કહેલું તે મારી બાબતમાંયે કહી શકાય. અને આ તત્ત્વતઃ ભિન્ન વસ્તુ છે. જો વાડની ઋણ (minus) બાજુએ હું રહી શકું, તો એની ઘન (plus) બાજુએ પણ હું રહી શકું છું. ખરેખર તો હું મને આ બંને સંજ્ઞાઓથી પર થયેલો માનું છું. અને, એ બેની વચ્ચે જે પ્રમાણ (ratio) રચી આપે એવા સર્જનમાં બિનનૈતિક વૃત્તિથી હું કળાત્મક રૂપે મને પોતાને વ્યક્ત કરું છું. હું માનું છું કે લેખકે કળાના ક્ષેત્રની બહાર, તેના પ્રભાવના ક્ષેત્રની બહાર, નીકળી જવું જોઈએ. જીવનને, વધુ ભરચક એવા જીવનને પામવાને કળા તો એક સાધન માત્ર છે. જીવનની પોતાની જે ભરચકતા છે તે કળામાં નથી હોતી. કળા તો એનું માત્ર સૂચન જ કરે છે. સમાજ દ્વારા જ નહિ, ઘણીયે વાર તો ખુદ સર્જક દ્વારા પણ, દુર્લક્ષિત રહેલી વસ્તુનો તે નિર્દેશ કરે છે. કળા જ્યાં પોતે સાધ્ય બનવા જાય છે, ત્યાં તે પોતાના હેતુ પર જ ઘા કરે છે. મોટા ભાગના કળાકારો જીવનને બળપૂર્વક પકડવા જતાં તેને જ નિષ્ફળ બનાવી દે છે. તેમણે તો ઈંડાને પોતાને જ બે કોચલામાં તોડી નાખ્યું હોય છે. હું તો દૃઢપણે એમ માનું છું કે એક દિવસ બધી જ કળાઓ લોપ થશે. માત્ર કળાકાર જ શેષ રહી જશે, અને ખુદ જીવન કોઈ ‘એક કળા’ નહિ, પણ કેવળ કળામય તે બની રહેશે. એટલે કે, કળા જ ચોક્કસપણે હંમેશને માટે આખું ક્ષેત્ર બળપૂર્વક છીનવી લેશે. કોઈ પણ સાચા અર્થમાં, આપણે હજીયે ખરેખર જીવન જીવતા થયા નથી. આપણે પશુ અવસ્થામાં રહ્યા નથી, પણ આપણે હજી પૂરા માનવીયે બની શક્યા નથી. કળાપ્રવૃત્તિનો જ્યારથી ઉદય થયો છે ત્યારથી, એકેએક મહાન કળાકાર આપણા ચિત્ત પર આ જ વાત ઠસાવી રહ્યો છે, પણ બહુ જ ઓછા લોકો એ સમજી શક્યા છે. કળાને જ્યાં ખરેખર એક વાર સ્વીકૃતિ મળી ગઈ કે તરત જ તેનું અસ્તિત્વ મટી જશે. જે કશુંક અપરોક્ષ રૂપે ગ્રહી શકાય છે તે માટે કળા તો પ્રતીકાત્મક ભાષા છે; એટલે કે મૂળની અવેજીમાં આવતી એ વસ્તુ છે, પણ એટલુંયે શક્ય બને એ માટે માનવીએ પૂરેપૂરા ધર્મનિષ્ઠ બનવું પડશે; માત્ર શ્રદ્ધાળુ ભક્ત બન્યે નહિ ચાલે, તેણે આદિભૂત સંચાલક (Prime Mover) બનવું ૫ડશે. વાસ્તવિક સત્તા રૂપે અને કાર્ય રૂપે પણ દેવતા બનવું પડશે. માનવી એવો દેવતા અનિવાર્યતયા બની રહેશે. તેની આ કેડી પરના બધા જ વળાંકો પર કળા જ સૌથી પ્રશસ્ય, ફળદ્રુપ, અને દ્યોતક પ્રવૃત્તિ છે. જે કળાકાર કળા વિશે પૂરેપૂરી સભાનતા પ્રાપ્ત કરે છે, તે અંતે કળાકાર મટી જાય છે. તેનું વલણ એવી અભિજ્ઞતા તરફનું હોય છે જે તેને આંજી નાખતી હોય છે, એટલે એમાં જીવનનું કોઈ પ્રવર્તમાન રૂપ અને કળાનું રૂપ પણ પાંગરી શકતું નથી.
કેટલાકને આ આખી વાત જ રહસ્યવાદી બની જતી લાગશે. પણ અત્યારે હું જે નિશ્ચયાત્મક પ્રતીતિઓ ધરાવું છું, તેનું આ પ્રામાણિક નિવેદન છે. અલબત્ત, એક વસ્તુ આપણે લક્ષમાં રાખવાની છે, અને તે એ કે - વસ્તુનું સત્ય પોતે, અને વ્યક્તિ એ વિશે જે કંઈ વિચારે છે તે, બલ્કે પોતાને વિશે તે જે વિચારે છે તે – એ બંને વચ્ચે અનિવાર્યતયા ક્યાંક તફાવત તો હોવાનો જ. પણ એ સાથે આપણે એ પણ લક્ષમાં રાખવાનું છે કે, એ વસ્તુનું સત્ય અને એ વિશેના અન્ય વ્યક્તિઓના નિર્ણય વચ્ચેયે એવો તફાવત સંભવે. અને, હકીકતમાં, આત્મલક્ષી અને વસ્તુલક્ષી સત્ય વચ્ચે એવો કોઈ તાત્ત્વિક ભેદ જ નથી. અહીં એકેએક વસ્તુ માયાવી છે, અને વત્તેઓછે અંશે તે પારદર્શી હોય છે. માનવી પોતે અને તેના પોતાના વિશેના ખ્યાલો સમેત સર્વ ઘટનાઓ, ગતિમાન અને પરિવર્તનશીલ એવા મૂળાક્ષરોથી વિશેષ કશું જ નથી. અહીં મજબૂત રીતે જેને પકડી શકાય એવી કોઈ સંગીન વસ્તુ જ નથી. એ કારણે સાહિત્યસર્જનમાં પણ જો મેં સભાનપણે મારા વિકારો અને વિકૃતિઓ આણ્યાં હોય તો તે વસ્તુના સત્યથી અનિવાર્યતયા વેગળાં જ હોય એમ કહી શકાય નહિ. વ્યક્તિ જ સંકલનપૂર્વક સૌથી અમર્યાદરૂપમાં સત્યરૂપ ને સચ્ચાઈભરી સંભવી શકે. કલ્પી કાઢેલી ને નવી ગૂંથી કાઢેલી કથાઓ પણ જીવનના પ્રાણતંતુઓમાંથી જ રચાતી હોય છે. ચેતનાના સ્વૈર મુક્ત આવિર્ભાવમાં સત્ય કદાપિ વિકૃત થતું નથી.
આ રીતે વિચારતાં રચનાકળાની યુક્તિઓ (devices)થી જે પરિણામ હું પ્રાપ્ત કરું છું તે કંઈ માત્ર યુક્તિઓનું જ પરિણામ નથી હોતું, પણ જે અતંત્ર બહુપાર્શ્વ રહસ્યસભર અને અભેદ્ય અનુભવોમાંથી હું પસાર થયો હોઉં, અને સર્જનની પ્રક્રિયા દરમ્યાન પણ એ અનુભવોમાં ફરીથી જુદી રીતે પસાર થયો હોઉં, કદાચ એમાં મૂળના કરતાં વધુ અતંત્ર વધુ રહસ્યસભર અને વધુ અભેદ્ય રૂપે એની પ્રતીતિ કરી હોય, પણ સિસ્મોગ્રાફિક સોય વડે અત્યંત સુરેખ ને ચોકસાઈપૂર્વક નોંધાયેલા હોય એવા અનુભવોનું એ પરિણામ છે. નક્કર હકીકતનું જે હાર્દ કહેવાય છે – જે મારે માટે પ્રસ્થાનબિંદુ બને છે તેમ જે પાછું વિશ્રાંતિનું સ્થાન પણ બને છે – તે ખરેખર તો મારામાં જ અત્યંત ઊંડે ઊંડે અંતઃસ્થિત રહેલું છે. એવા પ્રસ્થાનબિંદુને, ચાહીને પ્રયત્નો કરવા છતાંયે, સંભવતઃ હું ખોઈ શકું નહિ, કે બદલી શકું નહિ, કે તેને ઢાંકી પણ શકું નહિ. અને છતાં, આપણા ક્ષણેક્ષણના શ્વાસોચ્છ્વાસની સાથે આ જગતનો ચહેરો જેમ બદલાતો રહે છે, તેમ એ પ્રસ્થાનબિંદુ પણ બદલાતું રહે છે. એટલે, એવા પ્રસ્થાનબિંદુનું આલેખન કરવાને સાહિત્યકારે એકીસાથે એની સ્થગિતતા અને એની પ્રવાહમાનતાની બેવડી ભ્રાંતિ ઊભી કરવી પડે છે. એમ કહી શકાય કે આવી બેવડી પ્રયુક્તિ જ કૃતકતાનું આવરણ રચે છે : આ પ્રકારનો આભાસ, આ પ્રકારનું ક્ષણેક્ષણનું રૂપાંતરશીલ આચ્છાદન, એ જ તો કળાનું મૂળભૂત જીવિત છે. પ્રવાહમાં પડીને જ સાહિત્યસર્જક કયાંક લાંગરી શકે છે. સત્ય પ્રગટ કરવાને જ તે આવું મિથ્યા આવરણ રચે છે.
મારાં પુસ્તકોમાંના અમુક અમુક ગદ્યખંડો કે એમાંનો કોઈ એક ગદ્યખંડ પણ મેં શી રીતે લખ્યો, તે સમજાવવાને એક દિવસ મારે એક અલગ પુસ્તક જ લખી નાખવું જોઈશે એમ મને વારંવાર થયું છે. આવા ગદ્યખંડનો આરંભ, એની ઉત્પત્તિ, એનું રૂપાંતર, એનો જન્મ, બીજરૂપ વિચારનો જન્મ અને તેના આલેખન વચ્ચે વહી ગયેલો સમય, એના આલેખનમાં લાગેલો સમય, એ આલેખન દરમ્યાન જુદા જુદા સમયગાળાઓમાં વચ્ચે વચ્ચે સ્ફુરતા રહેલા વિચારો, સપ્તાહના કયા દિવસે લેખનકાર્ય થયું તે દિવસ, એ લેખનકાળની મારી તંદુરસ્તી, મારા જ્ઞાનતંતુતંત્રની સ્થિતિ, લેખનકાર્ય દરમ્યાન ઊભા થતા રહેલા અંતરાયો, એમાં મેં સ્વેચ્છાએ ઊભા કરેલા અંતરાયો અને મારી ઇચ્છા વિરુદ્ધ ઉપસ્થિત થયેલા અંતરાયો, સર્જનની પ્રક્રિયા દરમ્યાન મને સ્કુરતી રહેલી અનંતવિધ અભિવ્યક્તિઓ, એમાં સૂઝતા રહેલા ફેરફારો, જ્યાંથી હું આડો ફંટાયો હોઉં એવું બિંદુ અને પાછળથી એ મૂળના માર્ગે પાછા વળતાં સુધીમાં મૂળના વિચારતંતુની થયેલી મૂળભૂત ફેરબદલ – અથવા કોઈ સર્જન અટપટા સર્જરી કેસમાં અમુક પરિણામ ધારીને અમુક ભાગની સર્જરી હું પાછળથી હાથ ધરીશ એમ નક્કી કરે પણ પાછળથી તે હાથ ધરાવા જ ન પામે – કંઈક એવી જ ઢબે મેં ક્યાંક ગણત્રીપૂર્વક પડતું મૂકયું હોય તે પણ એમ જ રહી જાય; અથવા તો, કેટલાંએક પુસ્તકોના પ્રકાશન પછી, મૂળની સ્મૃતિ પણ બિલકુલ ન રહી હોય ત્યારે અચાનક જ હું એક આગળના પુસ્તકના વિચારતંતુ પર પાછો આવી ગયો હોઉં, ને મેં એને જારી રાખ્યો હોય – એવું ઘણું બધું એ પુસ્તકમાં મારે રજૂ કરવું છે. અથવા, એમ પણ થઈ શકે, કે મારા કોઈ એક જ ગ્રંથના બે વિભિન્ન ગદ્યખંડોને હું તુલના માટે મૂકું – અને તે એવા ગદ્યખંડો કે વિવેચકની તટસ્થ દૃષ્ટિ જેને અમુક કે તમુક શૈલીના નમૂના તરીકે સ્વીકારતી હોય અને છતાં તેમની વિશ્લેષક દૃષ્ટિ એ વિશે ગૂંચવણ ઊભી કરતી હોય, તો એવે પ્રસંગે, પ્રથમ નજરે બેમાંનો સાવ અનાયાસ લખાયેલો લાગતો ખંડ પણ કેવડી મોટી ભીંસ ને તણાવો વચ્ચે પ્રાપ્ત થયો હતો, અને બીજો અત્યંત મુશ્કેલ અને જટિલ લાગતો ખંડ વળી કોક સહજ ફૂટી નીકળતા ઝરણ સમો કે પવનની હળવી લહર સમો, કેટલો સહજ રીતે આવી મળ્યો હતો, તે બધું બતાવું; અથવા તો, અમુક એક ગદ્યખંડનો જ્યારે હું પથારીમાં સૂતો સૂતો ચિંતવતો હતો ત્યારે મૂળ આકાર કેવો હતો અને પથારીમાંથી ઊઠી ગયા બાદ તે કેવું રૂપાંતર પામ્યો, અને વળી લખવા બેઠો તે ક્ષણે ફરી તેનું કેવું રૂપાંતર થયું, તે બધુંય હું બતાવી શકું. અથવા, સાવ દૂર દૂરની અને સૌથી કૃત્રિમ ઉદ્દીપક વસ્તુઓ ૫ણ, ઉષ્માભર્યા જીવન સમું જ, માનવપુષ્પ નિર્માણ કરી શકે એ બતાવવા મારી ટાંચણપોથી પણ હું રજૂ કરી શકું એમ છું. વળી કોઈક પુસ્તકનાં પૃષ્ઠો ઉથલાવતાં ઉથલાવતાં દૈવયોગે અમુક એવા શબ્દો જડી આવ્યા હોય જેણે મને આગળ વધવાને પ્રેર્યો હોય, તો એની પણ હું વાત કરી શકું – અને એવા શબ્દો મને શી રીતે પ્રેરક બની શકે તેનું રહસ્ય તો આ ધરતી પર મારા સિવાય બીજું કોણ જાણી શકે ? કોઈ કળાકૃતિ વિશે વિવેચકોએ જે વિવેચન લખ્યું હોય, એ એમ માનો કે ઉત્તમમાં ઉત્તમ હોય, સૌથી સંગીન પ્રતીતિકર અને પ્રશંસાપાત્ર હોય, અને પૂરેપૂરા પ્રેમથી લખાયું હોય - જે ભાગ્યે જ બનવા પામે છે - તો પણ, કળાકૃતિ ખરેખર જે રીતે ઉદ્ભવે છે, અને તેની રચનાનિર્માણની જે પ્રક્રિયા ચાલે છે, તેની સામે તો તે વિવેચન કંઈ જ વિસાતમાં નથી. એ ખરું કે મારી કૃતિને હું શબ્દશઃ યાદ રાખી શકતો નથી, તો પણ એ કૃતિને હું એથીયે વધુ ચોકસાઈપૂર્વક અને વિશ્વસનીય રૂપે ધારણ કરી શકું છું; કોઈ ભૂમિખંડનો ભૂસ્તરશાસ્ત્રીય દૃષ્ટિએ પૂરેપૂરો ‘સર્વે’ કર્યો હોય – ટેબલ પર બેઠાં બેઠાં કલમ અને ફૂટપટ્ટીથી કર્યો હોય એવો નહિ, એ ભૂમિખંડમાં ખરેખર નીકળી પડીએ અને એનો નિબિડ સંસ્પર્શ કર્યો હોય, એની તસુએ તસુ ભોંય પર ભાંખોડિયાં ભર્યાં હોય અને તેય અનંત સમય સુધી ને વિભિન્ન આબોહવાવાળા બધા સંજોગોનો અનુભવ કરી લીધો હોય એવો – ત્યારે મારી સમગ્ર કૃતિ ભૂમિખંડના એવા અનુભવને મળતી આવે છે. ટૂંકમાં, લેખનની પ્રક્રિયા દરમ્યાન હું કૃતિની જેટલો નિકટ હતો એટલો જ આજે પણ છું; કદાચ એથી પણ વધુ નિકટ હોઈશ. પુસ્તકનું સમાપન પણ મારે માટે તો દેહભંગીના ફેરફારથી વિશેષ વસ્તુ નથી. મારી કૃતિ જુદી જુદી હજાર રીતે પૂરી કરી શકાઈ હોત. એમાંનો એકાદ ખંડ પણ સમાપ્ત થયેલો ગણી શકાય નહિ : કથાના કોઈપણ બિંદુએ નવેસરથી હું આરંભી શકું અને એમાં આગળ વધી શકું; અને નહેરો, ભૂગર્ભમાર્ગો, સેતુઓ, મકાનો, કારખાનાંઓ, એ બધું જ એમાં લાવી શકું, અને એ બધું એટલી જ સચ્ચાઈપૂર્વક લાવી શકું. સાચું કહું તો, મારે માટે કોઈ આરંભબિંદુ હોતું નથી, તેમ એવું કોઈ સમાપનબિંદુ જેવુંયે હોતું નથી. આત્મભાનની પ્રક્રિયા સાથે જીવન જેમ કોઈ પણ ક્ષણે આરંભાય છે, તેવું જ સાહિત્યકૃતિનું પણ છે. પણ, પુસ્તક, પૃષ્ઠ, પદ્યખંડ, વાક્ય કે શબ્દસમૂહ – ક્યાંયથી પણ આરંભ હો, એ પ્રાણભૂત તત્ત્વનું અનુસંધાન પ્રાપ્ત કરીને જ હું ચાલું છું. અને એ દરેક પ્રસંગે વિચારો અને પ્રસંગોમાં જે પ્રાણશક્તિ છે, જે અંતઃક્ષમતા છે, જે સમયનિરપેક્ષતા ને અવિકારીપણું છે, તેમાં જ હું નવેસરથી ઝંપલાવું છું. એમાંનું એકેએક વાક્ય ને એકેએક શબ્દ મારા જીવન જોડે, માત્ર મારા જ જીવન જોડે, જીવંત રીતે સંકળાયો હોય છે – પછી, તે કોઈ કાર્ય, પ્રસંગ, હકીકત, વિચાર, લાગણી, ઇચ્છા, પ્રપંચ, હતાશા, સ્વપ્ન, દિવાસ્વપ્ન, તરંગવિહાર, મતિવિભ્રમ, કોઈ પણ રૂપે પ્રગટ્યાં હો; કરોળિયાના જાળાના તૂટેલા તંતુઓની જેમ ચિત્તમાં સહજ તરતી રહેતી નરી શૂન્યતાઓ પણ કેમ ન હો, ધૂંધળું કે હવાઈ એવું કશું હોતું જ નથી, જેને શૂન્યતા કહીએ છીએ તે પણ તીક્ષ્ણ, સખ્ત, મૂર્ત ને સ્થાયીરૂપ હોય છે. કરોળિયાની જેમ ફરી ફરીને હું મારી પ્રવૃત્તિમાં પરોવાતો રહું છું, તે એવી સભાનતા સાથે કે, હું જે જાળું ગૂંથી રહ્યો છું તે મારા પોતામાંના જ અંતઃતત્ત્વના તંતુઓ ખેંચીને હું ગૂંથી રહ્યો હોઉં છું; અને એ મને કદીયે દ્રોહ કરશે નહિ, ક્યારેય એ ખરચાઈ ખૂટશે નહિ.
શરૂઆતમાં દોસ્તોએવ્સ્કીની સ્પર્ધા કરવાનાં સ્વપ્નો મેં સેવેલાં. ભૂલભૂલામણી શી અટપટી અંધારગલીઓમાંથી ઊઠતા અને આ જગતને સાવ ખેદાનમેદાન કરી નાખે એવા, વિરાટ આત્મસંઘર્ષોં જગત સમક્ષ રજૂ કરવાની મારી આશા હતી. પણ એ દિશામાં હું વધુ આગળ વધુ તે પહેલાં જ મને એ વાતનું ભાન થઈ ગયું કે, દોસ્તોએવ્સ્કીએ જે બિંદુથી પ્રસ્થાન કર્યું હતું તેથી આપણે ઘણું દૂર નીકળી આવ્યા છીએ – દૂર નીકળી આવ્યા એટલે કે વધુ અધોગતિની સ્થિતિમાં આપણે મુકાયા છીએ. ખરેખર તો આત્માનો પ્રશ્ન જ આપણે માટે ઓગળી ગયો છે; અથવા એમ કહો કે, એ આખોયે પ્રશ્ન હવે બિલકુલ અપરિચિત, અને વિકૃત રૂપે રાસાયણિક પ્રશ્નનો આભાસ ધરીને છતો થયો છે. આત્માના માત્ર વેરવિખેર અને છિન્નવિચ્છિન્ન સ્ફટિક કણો જોડે હવે આપણો નાતો રહ્યો છે. આ સ્થિતિ કે આ સંજોગોને લેખકો કરતાંયે કદાચ આધુનિક ચિત્રકારોએ વધુ અસરકારક રીતે અભિવ્યક્તિ આપી છે. અહીં મને જે અભિપ્રેત છે તેનું સૌથી સારું દૃષ્ટાંત પિકાસો છે. એટલે જ નવલકથા લખવાનો વિચાર કરવાનુંયે મારે માટે તો બિલકુલ અશક્ય બની ગયું. અને ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને અમેરિકામાં જુદી જુદી સાહિત્યિક ચળવળો દ્વારા નિર્માણ થયેલી જુદી જુદી અંધ કેડીએ ચાલવાનું પણ મારે માટે એટલું જ અશક્ય બની ગયું. પૂરી પ્રામાણિકતાથી કહું તો આપણા જીવનના – અને, આપણા જીવનના એટલે આપણા આધ્યાત્મિક જીવનના, બાહ્ય સંસ્કારનિષ્ઠ જીવનના નહિ – સમવિષમ અને વેરવિખેર અંશોનો સ્વીકાર કરવાને હું અંદરથી દબાણ અનુભવી રહ્યો. અને આસપાસના ઘટનામય જગતના પ્રવાહમાં તરતા તણાતા અસબાબની જેમ મારા વેરવિખેર અને છિન્નવિચ્છિન્ન આત્મભાવને અંધ સાહસવૃત્તિથી અને કઠોર હૈયે હું જાળવી લેવા મથું છું, અને તેને મારી પોતીકી ને વૈયક્તિક રીતે હું પ્રયોજું છું. કળાનાં અત્યારે પ્રચારમાં આવેલાં રૂપોમાં રજૂ થતી અતંત્રતા વિશે મેં ક્યારેય કોઈ ભીતિ કે વિરોધવૃત્તિનો ભાવ અનુભવ્યો નથી. ઊલટાનું વિઘટન કરનારાં પરિબળોને મેં હંમેશાં આવકાર્યાં છે. છિન્નભિન્નતાના કોઈ૫ણ યુગમાં આ પ્રકારનું વિગલન મને એક ઇષ્ટ વસ્તુ લાગે છે, કહો કે, મને એની એક નૈતિક અનિવાર્યતા લાગે છે. કોઈ વસ્તુને સંરક્ષવાની, તેને પ્રયત્નપૂર્વક ટકાવી રાખવાની કે તેનું સમર્થન કર્યા કરવાની મને ક્યારેય જરા જેટલી ઇચ્છા થઈ નથી. ઊલટું, હું તો એમ કહેવા ચાહું છું કે જીવનના વિકાસગાળામાં જે ભવ્ય ને સમૃદ્ધ અભિવ્યક્તિ શક્ય છે, તેવી જ ભવ્ય ને સમૃદ્ધ અભિવ્યક્તિ વિઘટન, વિચ્છિન્નતા કે હ્રાસના યુગમાંયે શક્ય છે એવી મારી હંમેશની પ્રતીતિ રહી છે.
મારે એમ પણ એકરાર કરવો જોઈએ કે, લેખનપ્રવૃત્તિમાં હું એટલા માટે ખેંચાયો કે મારે માટે એ જ એક માત્ર મુક્તિમાર્ગ પુરવાર થયો. હકીકતમાં એ જ એક માત્ર એવી પ્રવૃત્તિ બની રહી જેમાં મારી બધી શક્તિઓ માટે યોગ્ય અવકાશ મળ્યો છે એમ મને લાગ્યું છે. આત્મમુક્તિના બીજા બધા જ માર્ગે, પૂરી પ્રામાણિકતાથી મેં પ્રયત્નો કરી લીધા હતા, પણ એ કહેવાતા વાસ્તવિક જગતમાં જાણે કે હું મારી ઇચ્છેલી નિષ્ફળતા જ પામ્યો. જોકે મારી એ નિષ્ફળતા કંઈ મારી શક્તિના અભાવમાંથી જન્મી નહોતી. મારી સાહિત્યસર્જનની પ્રવૃત્તિ કંઈ રોજબરોજની વાસ્તવિકતાને ટાળવાની પલાયનવાદી પ્રવૃત્તિ તો હતી જ નહિ : ઊલટું, ખારા ઝરણમાં એ ઊંડું, અતિ ઊંડું, અવગાહન હતું, જ્યાં સતત નવાં નવાં વહેણો વહેતાં રહેતાં હોય, અને જ્યાં નિરંતર કશોક સંચાર, કશાંક આંદોલનો ચાલતાં રહેતાં હોય, એવા આદિસ્રોતમાં એ અવગાહન હતું. મારી કારકિર્દી પર હું નજર કરું છું ત્યારે, લગભગ બધી જ જાતના વ્યવસાયો જે કરી શકે, એવા એક સમર્થ માણસ તરીકે હું મને જોઉં છું. પણ આત્મમુક્તિના બીજા માર્ગની એકવિધતા ને વંધ્યતા મને હતાશા તરફ ધકેલી રહ્યાં. હું તો જ્યાં એકીસાથે મારો સ્વામી પણ હોઉં અને ચાકર પણ હોઉં એવા જગતની માગણી કરી રહ્યો હતો. અને, કળાનું જગત એ જ એવું એક જગત છે. મેં એ જગતમાં કોઈ દેખાતી પ્રતિભાના સ્વીકાર વિના, માત્ર શિખાઉ તરીકે, અને એક શક્તિહીન, અણઘડ, અવાક્, ભયત્રસ્ત અને શંકાકુશંકાથી લગભગ પંગુ વ્યક્તિ રૂપે પ્રવેશ કર્યો. મારે તો ઈંટ પર ઈંટ ગોઠવતા જવાનું હતું. મારી પોતીકી પ્રાણશક્તિમાંથી ખેંચી લાવીને એક સાચો ને વિશ્વસનીય શબ્દ હું લખી શકું, તે પૂર્વે મારે હજ્જારો શબ્દો કાગળ પર ટપકાવતા રહેવું પડયું છે. ખરેખર તો ભાષાની જે સુગમતા પ્રાપ્ત થઈ હોય છે, તે જ મને તો બંધનરૂપ બની રહી. શિક્ષિત માણસના બધા જ દુર્ગુણો મારામાં ઊતરી આવ્યા હતા. હવે મારે ફરીથી અશિક્ષિત બનીને બિલકુલ નવા જ ઢંગથી મારી પોતીકી રીતે વિચાર કરતાં, અનુભવ લેતાં ને જોતાં શીખવાનું હતું, જે આ જગતમાં સૌથી મુશ્કેલ બાબત છે. વહેણો વચ્ચે મારે મારી જાતને ફેંકવાની હતી, અને તે એવા ભાન સાથે કે સંભવતઃ હું એમાં ડૂબવાનો છું. મોટા ભાગના કળાકારો તો પોતાના ગળામાં જીવનરક્ષક સાધન રાખીને જ વહેણમાં ઝંપલાવે છે, અને ઘણીયે વાર એમ બને છે કે, એ જીવનરક્ષક સાધન જ તેમને ડુબાડતું હોય છે. જેઓ અનુભવની ક્ષણે પોતાને સ્વેચ્છાએ બચાવે તેઓ વાસ્તવિકતાના સાગરમાં ડૂબી શકે નહિ. જીવનમાં જે કંઈક પ્રગતિ છે તે વાસ્તવિકતા જોડેના સમાધાનમાંથી નહિ પણ સાહસવૃત્તિમાંથી કે અંધ ચૈતસિક ઉન્મેષને અનુસરવાથી સાધી શકાઈ છે. રેને ક્રિવેલે કહેલું : ‘કોઈ પણ સાહસ પ્રાણઘાતક હોતું નથી.’ અને તેના આ શબ્દો હું ક્યારેય ભૂલીશ નહિ. સાહસવૃત્તિમાં, એટલે કે અત્યંત ક્ષણભંગુર અને અલ્પતમ અવલંબન લઈને સર્જન કરવામાં જ, આ વિશ્વ પાછળનું આખું તર્કસૂત્ર આવી જાય છે. શરૂઆતમાં આવા સાહસને વ્યક્તિની સંકલ્પવૃત્તિ જ ગણી લેવામાં આવે. પણ સમય જતાં એવી સંકલ્પવૃત્તિ જ અદશ્ય થઈ જાય છે, અને એને સ્થાને સ્વસંચલનની પ્રક્રિયા આરંભાય છે. વળી એ પ્રક્રિયા પણ પછીથી ત્યજી દેવાય છે, અને એને સ્થાને એક નવી જ નિશ્ચલ પ્રતીતિ પ્રસ્થાપિત થાય છે, જેને જ્ઞાન, કૌશલ્ય, રચનાકળા કે આસ્થા જેવી કોઈ વસ્તુ જોડે સંબંધ હોતો નથી. આવી સાહસવૃત્તિ દ્વારા જ વ્યક્તિ કળાકારની રહસ્યમયી એવી ‘ક્ષ’ ભૂમિકા પર આવી ઊભે છે, અને અહીં તેને પોતાને લાંગરવાને જે વિશ્વસનીય ભૂમિતટ મળે છે, તેને તે કોઈ શબ્દોમાં વર્ણવી શકે નહિ; અને છતાં, તેણે લખેલી એકેએક પંક્તિમાંથી તેની એ પ્રતીતિ વરતાઈ આવે છે અને પંક્તિએ પંક્તિમાંથી તે બહાર ઝમી આવે છે.