zoom in zoom out toggle zoom 

< વિભાવના

વિભાવના/‘વિવેચન’ની સંજ્ઞા વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩. ‘વિવેચન’ની સંજ્ઞા વિશે

આમ જુઓ તો, ‘વિવેચન’ (criticism)ની સંજ્ઞા આપણને કેટલી તો સુપરિચિત રહી છે, અને કેટલી તો હાથવગી બની રહી છે! સાહિત્યવિષયક લગભગ બધા જ પ્રકારનાં લખાણોને જાણ્યે-અજાણ્યે આપણે ‘વિવેચન’ની સંજ્ઞા લાગુ પાડી દઈએ છીએ. પણ એના ઉપયોગના ઔચિત્ય વિશે આપણે હંમેશાં સભાન હોતા નથી. જુઓ, ‘વિવેચન’ સંજ્ઞા હેઠળ કેટકેટલાં લખાણો આપણે મૂકી દઈએ છીએ – સાહિત્યવિષયક સિદ્ધાંતચર્ચા, કૃતિનો રસાસ્વાદ, અર્થઘટન અને મૂલ્યાંકન, કોઈ એક સાહિત્યપ્રકારનો ઉદ્‌ભવ-વિકાસ, અમુક યુગની સાહિત્યપ્રવૃત્તિઓનું અવલોકન, કૃતિ કે કર્તાને પ્રેરક વિચારસરણીઓ અને વાદોનું સ્પષ્ટીકરણ, અન્ય જ્ઞાનવિજ્ઞાન જોડેના સાહિત્યના સંબંધો, પ્રાચીન-અર્વાચીન કૃતિઓના પાઠોની સંશુદ્ધિ, અને તેને લગતી ટીકાટિપ્પણીઓ સુધ્ધાં! જોકે, આ પ્રકારનાં લખાણોમાં સાહિત્યસિદ્ધાંત (Theory of Literature) અને સાહિત્યવિવેચન (Literary Criticism) એવા ભેદો પાડવાના વચ્ચે વચ્ચે પ્રયત્નો થતા રહ્યા છે, તો પણ વ્યવહારમાં એવા ભેદો જળવાતા રહ્યા નથી. એનું કારણ પણ સ્પષ્ટ છે. સાહિત્યને લગતી સિદ્ધાંતચર્ચા કરવા જાઓ તો સર્જાયેલા સાહિત્યની એક યા બીજી કૃતિનો આધાર લેવાના પ્રસંગો આવે જ છે; તો બીજી બાજુ, કૃતિ કે કર્તાને લગતી વિચારણામાં ક્યાંક સિદ્ધાંતચર્ચાને અવકાશ મળ્યો હોય એમ બને. આમ સાહિત્યસિદ્ધાંત અને કૃતિવિવેચન મૂળભૂત રીતે જ પરસ્પરાવલંબી છે, અને ગહન સ્તરે એ બંને વચ્ચે આદાનપ્રદાન ચાલતું જ રહે છે. પણ ચર્ચાની સ્પષ્ટતા ખાતર અહીં આપણે એ બંનેને અલગ પ્રવૃત્તિ લેખે સ્વીકારીશું.

પશ્ચિમમાં ‘વિવેચન’ (Criticism)ના ક્ષેત્રમાં જે વિશાળ પ્રવૃત્તિઓ થઈ રહી છે, તે જેટલી બોધપ્રદ છે તેટલી જ રસપ્રદ પણ છે. ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ (Philosophy of Criticism) નામે જ્ઞાનની વિશેષ શાખા ત્યાં વિકસી રહેલી દેખાય છે. કૃતિવિવેચનથી કંઈક અલગ સ્વતંત્ર અને સ્વાયત્ત વિષય લેખે તેની પ્રાણપ્રતિષ્ઠા કરવાના સમર્થ પ્રયાસો પણ ત્યાં થતા રહ્યા છે. ત્યાંની સૌંદર્યમીમાંસા (Aesthetics) જોડે ગાઢ અનુસંધાન જાળવીને, કે એ મીમાંસાના વિસ્તરણ રૂપે, આ વિષય ત્યાં ચર્ચાવા લાગ્યો છે. વિદ્વાનોનો એક વર્ગ તો ભાષાકીય સ્તરેથી વિવેચનના પ્રશ્નોનો – અને ખાસ તો તેની પાયાની સંજ્ઞાઓનો - વિચાર કરવા પ્રવૃત્ત થયો છે. સ્તોલ્નિત્ઝ જેવા વિદ્વાને પોતાના પ્રસિદ્ધ ગ્રંથ ‘Aesthetics and Philosophy of Art Criticism’માં પ્રથમ સૌંદર્યમીમાંસાના પાયાના પ્રશ્નો ચર્ચી, તેના અનુસંધાનમાં પછી, વિવેચનના પ્રશ્નોની તપાસ હાથ ધરી છે. મોન્રો બિઅડ્‌ર્સલીએ પોતાના ‘Aesthetics : Problems in the Philosophy of Criticism’માં સૌંદર્યમીમાંસાની સંજ્ઞા હેઠળ, ખરેખર તો, વિવેચનના તત્ત્વજ્ઞાનની જ તપાસ કરી છે. સ્પારશોટે ‘The Concept of Criticismમાં’ જ્હોન એલિસે ‘The Theory of Literary Criticism’માં, અને હિર્શે ‘Validity in Interpretation’માં, વિવેચનપ્રવૃત્તિ વિશે (કે તેની સાથે સંકળાયેલી અર્થઘટનની પ્રવૃત્તિ વિશે) તાર્કિક વિશ્લેષણની ભૂમિકાએથી સંગીન ચર્ચાવિચારણા કરી છે. પશ્ચિમમાં ‘વિવેચન’ની વ્યાખ્યા કરવાના અને સર્જનની પ્રવૃત્તિથી તેને અલગ રેખાંકિત કરી આપવાના જે મહાન પ્રયત્નો આરંભાયા છે, તેની કંઈક ઝાંખી આ ગ્રંથોમાંથી મળી શકે, હકીકતમાં, ત્યાંનું ‘વિવેચન’ હવે ઉત્કટ આત્મસભાનતા ધરાવે છે. પોતાનું ખરું સ્વરૂપ, આશયો, પદ્ધતિઓ, ઓજારો અને એવી પાયાની બાબતો વિશે તેણે કઠોર આત્મનિરીક્ષણ શરૂ કર્યું દેખાય છે.

પણ રસપ્રદ બાબત એ છે કે, ‘વિવેચન’ની સંજ્ઞા વિશે ત્યાં જે રીતની વ્યાખ્યાવિચારણાઓ ચાલતી રહી છે, તેમાં સૂક્ષ્મ મતમતાંતરોય ઓછાં નથી. ખાસ તો, વિવેચનપ્રવૃત્તિની અંતર્ગત કૃતિના અર્થઘટન અને મૂલ્યાંકનના પ્રશ્નો પરત્વે ઘણા મતભેદો ત્યાં દેખાય છે. કેટલીક વાર તો ‘વિવેચન’ (Criticism), ‘અર્થઘટન’ (Interpretation), ‘મૂલ્યાંકન’ (Evaluation) – જેવી સંજ્ઞાના અર્થસંકેતો પરત્વે પણ દૃષ્ટિભેદ દેખાય છે. જુઓ, સુસાન સોન્ટાગ જેવી વિદુષી સાહિત્યકૃતિના ‘અર્થઘટન’ની વિરુદ્ધ પોતાનો મત મૂકે છે, ત્યારે ‘અર્થઘટન’ વિશે તેના મનમાં અમુક ખ્યાલ છે. વિલ્સન નાઇટ શેક્સપિયરનાં નાટકોને અનુલક્ષીને એમ સૂચવે છે કે, એ નાટકોનું ગૂઢ રહસ્ય પામવાને ‘વિવેચન’ કે ‘મૂલ્યાંકન’ની પ્રવૃત્તિ કરતાંયે ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ જ વિશેષ ફળદાયી નીવડે એમ છે તો ત્યાં દેખીતી રીતે જ, તેઓ ‘અર્થઘટન’નો આગવો ખ્યાલ લઈને ચાલ્યા દેખાય છે. અને ‘અર્થઘટન’ની પ્રવૃત્તિમાં નિયામક એવા સિદ્ધાંતોની તેમણે વાત કરી છે. હિર્શ વળી સાહિત્યકૃતિના ‘અર્થઘટન’ની પ્રમાણભૂતતા (Validity)ના મૂળભૂત પ્રશ્નોની સંગીન ચર્ચા કરે છે. આથી ભિન્ન, નોથ્રોર્પ ફ્રાય જેવો વિદ્વાન ‘વિવેચન’ને એક વ્યાપક સંસ્કૃતિવિચારણા રૂપે ઘટાવે છે; વિવેચનની સંજ્ઞા હેઠળ, સાહિત્ય જેના કેન્દ્રમાં રહ્યું છે તે માનવવિદ્યાઓ (Humanities) અને સંસ્કારિતા (Culture)નું અવલોકન તેમને ઇષ્ટ છે; જ્યારે એલન ટેઈટ જેવો વિચક્ષણ સર્જકચિંતક વળી, આજની પરિસ્થિતિમાં, સાહિત્યનું ‘વિવેચન’ કે ‘મૂલ્યાંકન’ થઈ શકે જ નહીં, એવો સૂર કાઢે છે! આમ, પાશ્ચાત્ય વિવેચનવિચારણાઓમાં પરસ્પરભિન્ન દૃષ્ટિબિંદુઓ જોવા મળશે. પણ, મહત્ત્વની વાત એ છે કે, એ દરેક ચિંતક પોતાનો આગવો સિદ્ધાંત રજૂ કરે છે, ત્યારે ‘વિવેચન’ કે ‘અર્થઘટન’ જેવી પાયાની સંજ્ઞાઓ વિશે તે પોતાની આગવી સમજ લઈને ચાલે છે. એ રીતે કેટલાક વિદ્વાનો ‘અર્થઘટન’ને વ્યાપક વિવેચનપ્રવૃત્તિના એક ભાગ લેખે જુએ છે, તો બીજાઓ વળી ‘વિવેચન’ એ સંજ્ઞાથી કેવળ ‘મૂલ્યાંકન’નો ખ્યાલ જ સમજે છે, અને ‘અર્થઘટન’થી તેને અલગ રેખાંકિત કરવા ચાહે છે. હકીકતમાં, કૃતિને લગતી ચર્ચાવિચારણામાં તેનું વર્ણન-વિશ્લેષણ, અર્થઘટન, અને મૂલ્યાંકન જેવી પ્રવૃત્તિઓનું સ્થાન ક્યાં છે, તે વિશે ત્યાં તીવ્ર મતભેદ છે. ત્યાંની અત્યારની વિવેચનવિચારણામાં તાત્ત્વિક પ્રશ્નોની માંડણી જ આમ આ જાતની વિવિધ પ્રવૃત્તિઓને અનુલક્ષે છે.

આ સંદર્ભમાં અહીં આપણે નોંધવું જોઈએ કે, આપણું આજનું વિવેચન એટલું આત્મસભાન બન્યું દેખાતું નથી. અલબત્ત, ક્યાંક સેમિનારમાં તો કયાંક નાનકડાં વર્તુળોમાં આ જાતના વિવેચનના પ્રશ્નો વિશે ચર્ચાવિચારણાઓ આરંભાઈ છે ખરી, પણ આપણા પરંપરાગત વિવેચનને સર્વથા નવું પરિમાણુ અર્પે એટલી નિર્ણાયક તે કદાચ બની શકી નથી. જો કે કૃતિનો આસ્વાદ કરાવવાની એક વિશિષ્ટ પ્રવૃત્તિ હવે સારી રીતે પાંગરી છે : એ નિમિત્તે કૃતિની રચનાપ્રક્રિયા, અભિવ્યક્તિ, અને ભાષાકીય રૂપો પર આપણી વિવેચનાનું સારું ધ્યાન ખેંચાયું છે : પણ આસ્વાદ અને વિવેચનના તાત્ત્વિક પ્રશ્નોની ફેરતપાસ હજી બાકી જ છે, એમ કહીએ તો તેમાં ઝાઝી અતિશયોક્તિ નહિ કહેવાય. વિવેચનનું સ્વરૂપ, તેના હેતુઓ, તેનાં કાર્યો, પદ્ધતિઓ, અને તેની શક્તિસીમાઓ – વગેરેના પ્રશ્નો હવે તાત્ત્વિક ભૂમિકાએ ચર્ચાવા જેઈએ. સુરેશ જોશીએ ‘વિવેચનનો અંત?’ વ્યાખ્યાનમાં આપણા વિવેચનની સાંપ્રત પરિસ્થિતિની ચિકિત્સા કરતાં આ જાતનો પડકાર મૂક્યો હતો, પણ તેમાંથી જોઈએ એવો ઊહાપોહ જાગ્યો નથી.

‘વિવેચન’ની પ્રવૃત્તિને યથાર્થ રૂપમાં પામવા તેને સાહિત્યસિદ્ધાંત (Theory of Literature)થી અલગ રેખાંકિત કરીએ, ત્યાર પછી પણ ‘વિવેચન’ની વાત કરવાનું સરળ બનતું નથી. એમાં પણ કૃતિવિષયક ટૂંકાં અવલોકનો, ટીકાટિપ્પણીઓ, સમજૂતી, વિવરણ, અર્થઘટન, આસ્વાદ, સમીક્ષા, તુલનાત્મક અધ્યયન, અને બીજાં અનેક તરેહનાં લખાણો સમાઈ જાય છે. આ પ્રકારનાં વિવેચનાત્મક લખાણોમાં વિભિન્ન અભિગમો અને વિભિન્ન આશયો પ્રર્વતતા જોઈ શકાય. કોઈ એક વિવેચક નવી શૈલીની સાહિત્યકૃતિનો સ્વીકાર-પુરસ્કાર કરતાં તેના નવ્ય સર્જકતત્ત્વો પર ધ્યાન કેન્દ્રિત કરે; બીજો વિવેચક એની પશ્ચાદ્‌ભૂમિકામાં રહેલી સાહિત્યિક પરંપરાઓનો વિશેષ ખ્યાલ કરે, અને તેના સંદર્ભમાં તેનું મૂલ્ય નક્કી કરે; તો ત્રીજો વળી અદ્યતન વિચારવલણોની પ્રેરણા અને પ્રભાવનો વિશેષ વિચાર કરે. વિવેચનના ક્ષેત્રમાં આમ સતત પરિપ્રેક્ષ્યો બદલાતા રહ્યા છે. કૃતિવિષયક વર્ણનવિશ્લેષણની વિગતો કે અર્થઘટનના અભિગમો પણ એ જ રીતે બદલાતા રહ્યા છે. અને, તેથીયે વિશેષ તો કૃતિની ગુણવત્તા (worth) નક્કી કરવાનાં ધોરણો, કે તેના સિદ્ધાંતોય બદલાતા રહ્યા છે. ઘડીક એમ લાગે કે, વિવેચનમાં ક્યાંય કશું જ સ્થિર અને સધ્ધર નથી. જુદા જુદા યુગની કૃતિઓનો વિચાર કરતાં એકનો એક વિવેચક જાણ્યેઅજાણ્યેય ધોરણો બદલે (કે અભિગમ બદલે) એમ પણ બન્યું છે. તો એ વિવેચક એકની એક કૃતિને અમુક સમયગાળા પછી ફરીથી અવલોકે ત્યારે એ પરત્વે તેનું વલણ ઓછુંવત્તુંય બદલાયું હોય, એ પણ અસંભવિત નથી જ. અને, હકીકતમાં, પ્રશ્ન કેવળ રુચિ કે સજ્જતાનો જ નથી, જુદા જુદા પ્રસંગે વિવેચકે સ્વીકારેલા અભિગમ કે આશયનો પણ છે. આમ છતાં, હરેક પ્રતિષ્ઠિત વિવેચકમાં (અને વિવેચનના અમુક યુગમાં કે વિવેચનની અમુક શાળામાં) અમુક ચોક્કસ અભિગમ અને આશયો શોધવાનું મુશ્કેલ નથી. બલ્કે, પ્રજાની ચેતના જાગૃત હોય, અને સાહિત્યના ક્ષેત્રમાં સર્જન-વિવેચનની પ્રવૃત્તિ પ્રાણસભર ચાલતી હોય, તો આગલા યુગની કૃતિઓનું નવેસરથી અર્થઘટન અને મૂલ્યાંકન કરવાની પ્રવૃત્તિ સતત ચાલતી જ રહે છે.

૫ણ, સાહિત્યકારોનો એક વર્ગ ‘વિવેચન’ની પ્રવૃત્તિને વંધ્ય અને નિરર્થક ગણે છે. તે એમ માને છે કે, સાહિત્યકૃતિ તો આસ્વાદની વસ્તુ છે, તેનું ‘વિવેચન’ કરવાની કોઈ આવશ્યક્તા જ નથી. તેમની સૈદ્ધાન્તિક ભૂમિકામાં એમ પણ સૂચિત છે કે, દરેક કળા-કૃતિ સાચા અર્થમાં સજીવ એકતા (organic unity) ધરાવતી, અખિલાઈવાળી, અનન્ય સંરચના છે; અને, એમાંથી પ્રગટ થતું રહસ્ય પણ, એ કારણે, અનન્ય જ સંભવે છે. એટલે, સહૃદય ભાવકે તો એ કૃતિને એની અનન્યતા સાથે અવગત કરવાની છે. બીજી કૃતિઓમાંથી તારવેલાં ધોરણો અને તેની વિભાવનાઓ દ્વારા એ કૃતિનો વિશેષ ન પામી શકાય. દરેક કૃતિનું રસકીય તંત્ર જો સ્વસંચાલિત અને સ્વપર્યાપ્ત છે, તો તેને તેનાથી પર એવી terms દ્વારા પામી શકાય જ નહિ. આ જાતની દલીલમાં તથ્ય પણુ ઘણું છે. કેમકે, વિવેચન જે રીતે કૃતિના હાર્દને ઓળખવા-ઓળખાવવા પ્રવૃત્ત થાય છે, તેમાં ખરી મુશ્કેલી એ હાર્દના તાત્ત્વિક સ્વરૂપની છે. કૃતિનો ‘અર્થવિશેષ’, આમ તો, વ્યંજનાની અપાર સમૃદ્ધિ ધરાવે છે, કૃતિમાં અનેક સ્તરે તે સંયુક્ત રહીને વિસ્તરે છે, અને એ રીતે અત્યંત સંકુલ અર્થ-ભાવની એક રચના થાય છે; પણ એને કોઈ રૂપરેખા જ નથી એવુંયે નથી. કેટલાક વિદ્વાનો કહે છે તેમ, કૃતિમાંથી વ્યંજિત થતો ‘અર્થ’, ‘ભાવ’ કે ‘રસ’ determinant રૂપની વસ્તુ છે; પણ મુશ્કેલી એ છે કે તે determinant હોવા છતાંય, અન્ય ભાષાકીય સંદર્ભોમાં, તેની રજૂઆત કરવાનું શક્ય નથી. વિવેચનપ્રવૃત્તિ માટે આ ખરેખર crucial problem જ છે. અર્થઘટન અને મૂલ્યાંકનના પ્રશ્નો એની સાથે સીધા જ સંકળાયેલા છે. પણ આ વિવાદમાં આપણે આગળ જતા નથી. આ બાબતે અહીં આપણે એટલું જ નોંધીશું કે, વિવેચનપ્રવૃત્તિ સામે આ જાતના આક્ષેપો હોવા છતાં, તે થંભી શકી નથી. એને એની રીતે fulfilment મળતું જ રહ્યું છે. ઘણીયે વાર ઉત્કૃષ્ટ કૃતિનું સૌંદર્ય જ તેને વિશેના પ્રતિભાવોને શબ્દસ્થ કરવા પ્રેરે છે, કેટલીક વાર અન્ય સહૃદયો જોડે ભાવસંક્રમણના આશયથી વિવેચન લખાયું છે, કેટલીક વાર સમાજ અને સંસ્કૃતિ પરત્વેના ઉત્તરદાયિત્વના ખરાખોટા ખ્યાલે સાહિત્યનું વિવેચન આરંભાયું છે. અને, ‘વિવેચન’ને એની ઉપયોગિતા પણ છે. પણ એ બધા પ્રશ્નોને અહીં સ્પર્શીશું નહિ.

કૃતિવિષયક વિવેચનની અંતર્ગત ભિન્ન કોટિની એવી સૂક્ષ્મ પ્રવૃત્તિઓ સમાઈ જતી જોવા મળે છે. તાર્કિક વિશ્લેષણની દૃષ્ટિએ જોઈએ તો, એમાં મુખ્યત્વે ત્રણ પ્રકારનાં વિધાનો સંભવે છે :

(અ) સાહિત્યકૃતિનું ‘વર્ણન’ (Description)

(બ) સાહિત્યકૃતિનું ‘અર્થઘટન’ (Interpretation)

(ક) સાહિત્યકૃતિનું ‘મૂલ્યાંકન’ (Evaluation)

સાહિત્યકૃતિને લગતી ચર્ચાવિચારણાઓમાં, ઘણું ખરું, આ ત્રણ પ્રવૃત્તિઓ કે ત્રણ વ્યાપારો, સાથે પ્રવર્તતા હોય છે. પરસ્પરમાં ભળીને, પરસ્પર જોડે સંકળાઈને, પરસ્પરને અવલંબીને, એ પ્રવૃત્તિઓ ચાલતી રહે છે. ‘વિવેચનના તત્ત્વજ્ઞાન’માં, મુખ્યત્વે, આ ત્રણ પ્રવૃત્તિઓનો અલગ અલગ વિચાર કરી, તેના આગવા એવા પ્રશ્નોનો વિચાર કરવામાં આવે છે. આગળ જેનો નિર્દેશ કર્યો છે તે, મોન્રો બિઅડ્‌ર્સલીએ પોતાના ‘Aesthetics : Problems in the Philosophy of Criticism’માં આ ભૂમિકાએથી જ બધો વિચાર કરેલો છે.

સાહિત્યકળાને અનુલક્ષીને વિચારતાં તરત જણાશે કે, ‘વર્ણન’ - વ્યાપારની બાબતમાં ચિત્ર, શિલ્પ આદિ કળાઓથી એના કેટલાક વિશેષ પ્રશ્નો છે. ચિત્ર કે શિલ્પની કૃતિ તો ત્યાં સાચે જ વસ્તુલક્ષી સત્તા રૂપે સંભવે છે. એટલે, એના રંગ, રેખા, કે પોતનું વર્ણન સારી રીતે થઈ શકે. પણ સાહિત્યની વાસ્તવિકતા જુદા સ્તરની છે. એને ચિત્ર કે શિલ્પ જેવાં ભૌતિક પાસાંઓ જ નથી, પણ એનાં ભાષા, છંદ, અલંકાર, વસ્તુસંવિધાન કે રચનાપ્રયુક્તિ (device)ને વિશે વર્ણનાત્મક વિધાનો થઈ શકે ખરાં. જેમ કે, કાન્તનાં ખંડકાવ્યોમાં અમુક સ્થાને અનુષ્ટુપનો પ્રયોગ છે; અથવા, બળવંતરાયનું ‘ભણકારા’ એ પેટ્રાર્કશાઈ સોનેટ છે; અથવા, ઉમાશંકરનું ‘મંથરા’ પદ્ય-નાટકની દિશામાં (સમર્થ) પ્રયોગ છે, વગેરે. અલબત્ત, આવાં વર્ણનાત્મક વિધાનોમાં કૃતિની ગુણવત્તાને સ્પર્શે એવા શબ્દો કે શબ્દપ્રયોગો (જેમ કે, ‘મંથરા’ના પ્રયોગ માટે સમર્થ) અંદર પ્રવેશી જતા હોય છે. સાહિત્યવિવેચનમાં નિર્ભેળ ‘વર્ણન’ તો જવલ્લે જ મળે. ઘણું ખરું અર્થઘટન કે મૂલ્યાંકન જોડે તે સંધાઈ ગયું હોય છે. વળી વર્ણન-વ્યાપારમાં, કૃતિનાં ઘટક તત્ત્વોનું વિશ્લેષણ (analysis) પણ ઘણું ઉપકારક બનતું હોય છે. જેમકે, ભૃગુરાય અંજારિયાએ કરેલું કાન્તનાં ખંડકાવ્યોના છંદોનું વિશ્લેષણ. પણ વિશ્લેષણવ્યાપારમાં સતત એક સાવધાની રાખવાની છે. કૃતિનો વિશ્લિષ્ટ ઘટક – પછી તે છંદ, કલ્પન કે પ્રતીક ગમે તે હો - તેનું નિરપેક્ષ મહત્ત્વ કરવા જઈએ તો, કૃતિનું સમગ્ર રચનાતંત્ર અને તેના રહસ્યનો ખ્યાલ ચૂકી જવાય એમ બને. અને, વિવેચનમાં ખરી અપેક્ષા તો દરેક ઘટક સમગ્રના ‘અર્થ’માં કેવું અર્પણ કરે છે તે તપાસવાની છે. વળી, ‘વર્ણન’ની પ્રવૃત્તિ સહજ વિસ્તરણ રૂપે જ, કૃતિના અમુક અંશને લગતું કે સમગ્રને લગતું વિવરણ (exposition), સ્પષ્ટીકરણ (explication) કે સમજૂતી (explanation) પણ તેમાં પ્રવેશી જાય છે. અથવા, એમ કહો કે, ‘વર્ણન’ ઘણી વાર કેવળ ‘વર્ણન’ ન રહેતાં, કૃતિ વિશેનું તે ‘સ્પષ્ટીકરણ’ બને છે; અને એવે પ્રસંગે કૃતિના રચનાતંત્રનો કંઈક વધુ અખિલાઈમાં વિચાર કરવાનું શક્ય બને છે, કે તેની સંકુલતાનાં વિભિન્ન પાસાંઓ તેમાં સ્પર્શાતાં હોય છે. ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં બળવંતરાયે પોતે સંપાદિત કરેલી કૃતિઓ વિશે ઘણે સ્થાને રજૂ કરેલી ટીકાટિપ્પણીઓ આ દૃષ્ટિએ ધ્યાનપાત્ર છે. જોકે ‘વર્ણન’ નિમિત્તે કૃતિ, કર્તા, કે સાહિત્યપદાર્થ વિશે બીજી ઘણી પ્રાસંગિક વાતો તેમાં ભળી જાય છે. બીજી વાત એ છે કે, વર્ણનાત્મક જણાતી સંજ્ઞાઓ કે વર્ણનાત્મક પદાવલિઓ પણ અનેક વાર જાણ્યેઅજાણ્યે મૂલ્ય-નિર્દેશક બની જતી હોય છે. જેમ કે, કાન્તનાં ખંડકાવ્યોનું સંવિધાન પાશ્ચાત્ય ‘ટ્રેજેડી’ને મળતું આવે છે. એ પ્રકારના વિધાનમાં, સહજ જ ખંડકાવ્યોમાં પાશ્ચાત્ય ‘ટ્રેજેડી’ની ગહનતા (profoundness)નો ખ્યાલ સૂચવાઈ જાય છે. મલયાનિલની કૃતિ ‘ગોવાલણી’ એ આપણી પ્રથમ નવલિકા છે : એ વિધાનમાં ‘નવલિકા’ સંજ્ઞા કેવળ વર્ણનાત્મક નથી, મૂલ્યવાચક પણ તે બની રહે છે.

‘વર્ણન’ અને ‘અર્થઘટન’ બન્નેય (પ્ર)વૃત્તિઓ કૃતિના હાર્દને જ અનુલક્ષે છે. બંને પરસ્પરમાં ભળી પણ જાય છે, છતાં એ બે વચ્ચે સૂક્ષ્મ ભેદરેખા આંકી શકાય. સાહિત્યકૃતિનું વર્ણન પણ જોકે કેટલેક અંશે selective જ હોય છે, પણ તે છતાં તેમાં વસ્તુલક્ષી હોવાની છાપ રહે છે, અને કૃતિનાં પ્રમાણમાં બાહ્ય એવાં લક્ષણોને તે વધુ સ્પર્શે છે. આથી વર્ણનની વિગતોમાં તફાવત હોય તોયે તેનું નિરાકરણ સરળતાથી થઈ શકે. આથી ભિન્ન, ‘અર્થઘટન’ એ કૃતિના વધુ ગહન અંશને અનુલક્ષે છે, અને વિવેચકની વૈયક્તિકતાનો પ્રવેશ - તેની જોડેનો સંબંધ – તેમાં સૂચવાઈ જાય છે. જોકે, ‘અર્થઘટન’ને બે ભિન્ન ભૂમિકાએથી જોવાનું સરળ બનશે. એક ભૂમિકા તે વ્યાપક અર્થઘટનની છે : એ પ્રમાણે કોઈ પણ સંકુલ ભાવ – અર્થ પ્રગટ કરતી રચનાનું હાર્દ તાગવા જતાં સહજ અર્થઘટનની (પ્ર)વૃત્તિ આરંભાઈ જાય છે, સભાન કે અભાનસ્તરે ‘અર્થઘટન’ની આવી પ્રક્રિયા જન્મે જ છે, અને એને એની દિશા મળી જતાં તે વિસ્તરે છે. પણ ‘અર્થઘટન’ની બીજી વિશેષ ભૂમિકા પણ છે : ફ્રોઇડ, માર્ક્સ કે અન્ય વાદોના ઉપલક્ષ્યમાં કૃતિના સમગ્ર રચનાતંત્રને ઘટાવી આપવાનું એક બળવાન વલણ પશ્ચિમમાં જાગ્યું છે, અને વિવેચન રૂપે વિસ્તર્યું છે. ‘અર્થઘટન’ની આ બંને ભૂમિકાઓ પરસ્પરથી ઘણી વેગળી નથી, પણ બંનેના પ્રગટઅપ્રગટ આશયો અને અભિગમમાં ફેર સ્પષ્ટ છે. ખરી વાત એ છે કે કૃતિની સંકુલ સંરચના આવા ‘અર્થઘટન’ને પ્રેરક બનતી હોય છે. શેઇક્‌સ્પિઅરની મહાન નાટ્યકૃતિ ‘હેમ્લેટ’નાં અનેકવિધ અર્થઘટનો ધ્યાનપાત્ર છે. તેની બીજી પ્રસિદ્ધ કૃતિ ‘ટેમ્પેસ્ટ’નું આધ્યાત્મિક અર્થઘટન પણ જાણીતું છે. કાફકાની કૃતિ ‘ધ ટ્રાયલ’નાં પણ વિવિધ દૃષ્ટિબિંદુઓથી અર્થઘટનો થયાં છે, અને તે પણ એટલાં જ અભ્યાસપ્રદ છે.

‘અર્થઘટન’ની પ્રવૃત્તિના સ્વરૂપ વિશે પરસ્પર ભિન્ન એવા ખ્યાલો પ્રવર્તે છે. વિદ્વાનોનો એક વર્ગ એમ માને છે કે, ‘અર્થઘટન’ એ કૃતિના રહસ્યને તાગવાની જ વિશિષ્ટ પ્રવૃત્તિ છે. કૃતિની સમગ્રતા અને સંકુલતા એક સાથે આંબી લેવાનું, ગ્રહવાનું, કે તાગવાનું મુશ્કેલ હોય છે, એટલે વિવેચક સહજ રીતે જ કૃતિમાંના મુખ્યમુખ્ય vantage points પરથી તેની સંકુલ ભાતોને પકડવાનો પ્રયત્ન કરે છે. અતિ સંકુલ આંતરસંબંધો જે સીધેસીધા પ્રત્યક્ષ થતા નહોતા, તે હવે અમુક અમુક બિંદુએથી ભાતો ઉકેલતાં પામી શકાય છે. ‘અર્થઘટન’ દ્વારા, આમ, કૃતિની પ્રચ્છન્નતા ભેદવાનું શકય બને છે. વિવેચક માટે આવું ‘અર્થઘટન’ તેના વૈયક્તિક અભિગમનો વિષય છે, અને સમૃદ્ધ કૃતિઓમાં આવાં એકથી વધુ અર્થઘટનો શક્ય હોય છે, જે પરસ્પરને પોષક કે સમર્થક પણ હોય છે, અથવા ઓછાંવત્તાં વિરોધી હોય એમ પણ બને. આવાં ‘અર્થઘટનો’ પૈકી એક જ ‘અર્થઘટન’ સાચું અને બીજાં ખોટાં એમ પણ માની લેવાનુું નથી. આવાં ‘અર્થઘટનો’ની તાર્કિક પ્રમાણભૂતતાના, અલબત્ત, આગવા પ્રશ્નો છે.

વિદ્વાનોનો એક બીજો વર્ગ ‘અર્થઘટનની પ્રવૃત્તિનું ઝાઝું મહત્ત્વ કરતો નથી, અથવા તો તેનો અસ્વીકાર કરે છે. સુસાન સોન્ટાગે કૃતિના ‘અર્થઘટન’ની વિરુદ્ધમાં પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે, તે હવે જાણીતી વાત છે. તેના મતે ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ કળામાં content જેવી વસ્તુનો પૂર્વસ્વીકાર કરીને ચાલતી હોય છે, અને તેથી કળાદૃષ્ટિએ તે ઉચિત નથી. માર્ક્સવાદ અને ફ્રોઇડવાદના સમર્થકોએ જ્યાં ત્યાંથી એવા સિદ્ધાંતોના પ્રકાશમાં ‘અર્થઘટન’ના પ્રયત્નો કર્યા તેની સામે તેને મોટો વાંધો છે. તે એમ કહે છે કે, ‘અર્થઘટન’ની પ્રવૃત્તિથી કૃતિની સમૃદ્ધિનો તાગ મળતો નથી. મૂર્ત નક્કર કળાકૃતિને યથાર્થ પરિમાણમાં પ્રત્યક્ષ કરવાને બદલે – તેનાં સર્વ ઐન્દ્રિયિક રૂપોને અવગત કરવાને બદલે – ‘અર્થઘટન’ કરનારા વિદ્વાનો તેને અન્ય કશાકના token રૂપે જોતા હોય છે : ખરેખરો પાઠ (text) છોડી તેની પાછળ કોઈ ગૌણપાઠ (sub-text)ને તેઓ શોધતા હોય છે. ‘અર્થઘટન’માં, આમ, પ્રત્યક્ષગોચર કળાકૃતિની અવગણના થાય છે. સેન્ટાગની આ ફરિયાદમાં ઘણું તથ્ય છે. કૃતિના appearanceને અવગણી તેની પાછળ ક્યાંક reality પડી છે એવી જાતની, એ શોધ વ્યર્થ છે. હકીકતમાં, કૃતિ સ્વયં reality છે : જે રૂપે તે પ્રત્યક્ષ થાય છે, તે રૂપે જ તેને પામવાની છે. પણ, તો પછી કૃતિને અખિલાઈમાં આંબી લેવાના પ્રયત્નમાં જ ક્યાંક ને ક્યાંક vantage point પસંદ કરવાની આવશ્યકતા ઊભી થાય જ છે. માર્કસ કે ફ્રોઇડના સિદ્ધાંતોના માળખામાં રહીને જ ‘અર્થઘટન’ થાય તેવું નથી. તેના સંવિધાનમાં મૂર્ત થતા ભાવને સંજ્ઞા આપવામાંયે ‘અર્થઘટન’ સંભવે છે. એન્દ્રયેવની પ્રસિદ્ધ કૃતિ ‘લેઝેરસ’માં લેઝેરસના પાત્ર પરત્વે ભિન્ન અર્થઘટનો સંભવે, તેમ તેમાંની પરિસ્થિતિઓ પણ એટલી જ પ્રતીકાત્મક હોઈ, તેનું પણ આગવું ‘ઘટન’ સંભવી શકે. રૂપકગ્રંથિ (Allegory)માં જે પ્રકારે અર્થબોધ માટે પાત્રોનું, અમુક વિચાર કે ગુણો સાથે સમીકરણ થઈ શકે છે, તે વસ્તુને આપણે ઝાઝું મહત્ત્વ ન આપીએ, પણ દરેક સમૃદ્ધ કૃતિ જે રીતે આગવી મુદ્રા ધારણ કરે છે, તેની વસ્તુરેખાઓ વિશે અર્થભેદને અવકાશ રહે જ છે. ‘સાગર અને શશી’ (કાન્ત), ‘ભણકારા’ (બ. ક. ઠા.) ‘શરદપૂનમ’ (ન્હાનાલાલ), ‘તે રમ્ય રાત્રે’ (સુંદરમ્‌) કે ‘કંકુના સૂરજ’ (રાવજી પટેલ) – એવી કોઈ પણ ગહન ભાવની કૃતિના મર્મસ્પન્દ સુધી પહોંચતાં ક્યાંક કૃતિને interpret કરવાનો પ્રસંગ આવે જ છે.

કૃતિના ‘મૂલ્યાંકન’ (evaluation)નો પ્રશ્ન લઈએ, એટલે ચર્ચાની આખી ભૂમિકા જ બદલાઈ જાય છે. કૃતિનું મૂલ્યાંકન કરવું એટલે – તે સારી (good) છે કે નરસી (bad) એ વિશે નિર્ણય કરવો, વિવેક કરવો, ચુકાદો આપવો, કૃતિની મહત્તા (significance) નક્કી કરવી, તેનું મૂલ્ય (worth) બતાવવું, વગેરે એવો ખ્યાલ સૂચવાય છે. દેખીતી રીતે જ, ‘વર્ણન’ અને ‘અર્થઘટન’ કરતાં આ ભિન્ન પ્રવૃત્તિ છે. ‘વર્ણન’ અને ‘અર્થઘટન’ દ્વારા આપણે કૃતિની અંતર્ગત રહેલા ભાવો – અર્થો – રહસ્યને સ્પષ્ટ કરવા ચાહીએ છીએ; કેવળ કૃતિની પોતાની જ પરિભાષામાં કૃતિને પામવાની એ વાત છે; કૃતિ પર જ દૃષ્ટિ ઠેરવીને, તેનું જ આકલન કરવાની એ પ્રવૃત્તિ છે. એમાં ‘વર્ણન’ કે ‘અર્થઘટન’ની વિગતોથી કેટલીક વાર કૃતિનું મહત્ત્વ આપોઆપ છતું થઈ જાય એમ બને; પણ એ બંનેય (પ્ર)વૃત્તિઓ કૃતિમાં જ સમાપ્ત થાય છે. મૂલ્યાંકન, આથી, જુદી જ વસ્તુ છે. વસ્તુનું મૂલ્ય નિર્ણીત કરવાને તો તેની બહારના સંયોગો અને સંબંધો લક્ષમાં લેવાના રહે, કૃતિ જે કંઈ છે તે રીતે નહિ, પણ વ્યાપક જીવનના સંદર્ભમાં તેને કોઈ મહત્ત્વ છે કે નહિ, તે જાતનો કૂટ પ્રશ્ન અહીં પડેલો છે. એટલે કે, કૃતિની તેના કર્તાના જીવનસંદર્ભમાં, તેના યુગના પ્રવાહના સંદર્ભમાં, તેના સમાજ કે રાષ્ટ્રની સાંસ્કૃતિક પરિસ્થિતિના સંદર્ભમાં, કે અત્યંત વ્યાપકપણે વિશ્વજીવનના સંદર્ભમાં – કેટલી મહત્તા છે, તેને અંગે વિવેક (to judge) કરવાનો એ પ્રશ્ન બને છે. પણ અમુક એક કૃતિ ‘સારી’ છે, એવા નિર્ણય આપનારા વિદ્વાનોમાં દરેક એ કૃતિને જુદાં જુદાં ધોરણોથી માપતો હોય એમ બને, અથવા એકની એક કૃતિ વિશે જુદા જુદા વિદ્વાનો જુદાં જુદાં ધોરણો લઈને ચાલ્યા હોવાને કારણે, જુદુ જુદું મૂલ્ય નક્કી કરે એમ પણ બને. ‘મૂલ્યાંકન’ની પ્રવૃત્તિ એ રીતે ખરેખર એક અત્યંત અટપટી મનોઘટના રહી છે. કોઈ એક કૃતિને સૌંદર્યપરક વલણથી જોતાં તે નકામી લાગે પણ આસપાસના સાંસ્કૃતિક સંયોગોનું યથાર્થ પ્રતિબિંબ ઝીલતી હોવાને કારણે તે આકર્ષક બની રહી હોય એમ પણ બને. ‘મૂલ્યાંકન’માં કૃતિની ખરેખર aesthetic valueની સાથોસાથ બીજી ઘણી વસ્તુઓ ભળી જતી હોય છે. મેઘાણીએ મહાત્માજી પરત્વેની આદરભક્તિથી પ્રેરાઈને ‘છેલ્લો કટોરો’ જેવી રચના લખી, ત્યારે એ સમયગાળામાં એ સમકાલીન પ્રસંગ પર આધારિત રચના ઘણાંને સ્પર્શી ગઈ હશે; પણ એવે પ્રસંગે, દેખીતી રીતે જ, કૃતિની intrinsic worth કરતાંયે બીજી જ વસ્તુ સ્પર્શી ગઈ છે એ હકીકત છે. એ જ રીતે, જ્યારે ત્રીસીચાળીસીના ગાળામાં પ્રગતિવાદનો રંગ આપણા સાહિત્યમાં બેઠો, ત્યારે સુંદરમ્‌ની કૃતિ ‘માજા વેલાનું મૃત્યુ’નું આગવું મહત્ત્વ થયું, આજે એની એ પરિસ્થિતિ રહી નથી, ત્યારે એવા બાહ્ય ‘રંગ’નો ઓપ નકામો બની જાય છે.

કૃતિના ‘મૂલ્યાંકન’માં આમ કૃતિના ‘અર્થ’ને વ્યાપક જીવનના સંદર્ભમાં સરખાવી જોવાનું મુખ્ય વલણ પ્રવર્તે છે. બીજી રીતે કહીએ તો, માનવસમાજ જે રીતે મૂલ્યો અને સત્યોની પ્રતીતિ કરે છે, જે રીતે જીવનમૂલ્યોનો ક્રમ નક્કી કરે છે, તેની સામે કૃતિને ગોઠવવાનો પ્રયત્ન એમાં થાય છે. આપણી પ્રસિદ્ધ મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ વિશે વિષ્ણુપ્રસાદની નીચેની ભૂમિકા જુઓઃ “કાળસ્વરૂપ સમજાવનાર રાજ્યતંત્રોની આસપાસ ધર્મતત્ત્વ અને મોક્ષતત્ત્વનાં પ્રાચીન વારિ સિંચતો સુંદરગિરિનો વિષ્ણુદાસનો મઠ છે. એ મઠ ને એ પર્વતો ને એ સમાધિ-ગુફાઓ ઋષિમુનિઓના તપનાં પ્રતીક છે. એમણે જે યમનિયમ અને ચિંતનથી સત્ય શોધ્યું અને શાસ્ત્ર રચ્યું તેનો એ અચળગઢ છે, ગોવર્ધનરામની આખી અક્ષરસૃષ્ટિની પીઠમાં રહેલું – જૂનાગઢ. પાછળ ગિરનાર છે તેમ – એ સનાતન દર્શન છે. આમ, ‘સરસ્વતીચંદ્ર’ એ નાના ઘરની બારીમાંથી નજરે ચઢતું જીવનનું કોઈ ઝબકી જતું તરલ દૃશ્ય નથી; સુંદરગિરિ ઉપરથી નિહાળતી જીવનમહાનદની અદ્‌ભુત અને જાણે અનન્ત લીલા છે.” (ગોવર્ધનરામ : ચિંતક ને સર્જક, પૃ. ૯૯–૧૦૦). ‘સરસ્વતીચંદ્ર’માં જીવનનું કોઈ સ્થિર અને શાશ્વત ‘દર્શન’ રજૂ થયું છે, તે કારણે જ તે મહાન કૃતિ છે એમ વિષ્ણુભાઈ બતાવે છે. અને, પરંપરાવાદી વિવેચકોની સાહિત્યકળાવિષયક વિચારણાઓમાં ઓછોવત્તો ભેદ હોવા છતાં, કૃતિમૂલ્યાંકનની બાબતમાં તેઓ આ પ્રકારનો લગભગ સમાન અભિગમ જ દાખવે છે. કૃતિમાં જીવનને પ્રેરક અને પોષક વિચારો રજૂ થયા હોય તો તે કૃતિ ઉત્તમ, એ પ્રકારનાં બળવાન નીતિવાદી વલણો એમાં પ્રગટતાં હોય છે, અને સ્વાભાવિક રીતે જ, આવાં નીતિવાદી વલણો કૃતિની સ્વકીય એવી aesthetic worthની ઉપેક્ષા કરે છે. વિવેચનના ઇતિહાસમાં આવો નીતિવાદી અભિગમ પેઢીઓથી ચાલતો રહ્યો છે.

વિવેચનપ્રવૃત્તિની અંતર્ગત ‘વર્ણન’, ‘અર્થઘટન’ અને ‘મૂલ્યાંકન’ની ત્રિવિધ ગતિઓ પૈકી ‘મૂલ્યાંકન’ના પ્રશ્નો સૌથી ગૂંચવાડાભર્યા દેખાય છે. કૃતિને તેનાથી ઇતર વસ્તુઓ જોડે સાંકળવાનો કે તેને અનુષંગે જોવાનો એ પ્રયત્ન છે. પણ બહારના પદાર્થો જોડેના તેના સંબંધો તો સતત fluctuate થતા હોય છે. ઇતિહાસ, સંસ્કારિતા અને સમાજજીવનના પ્રવાહો સતત પલટાતા રહે છે. દરેક યુગે નવી નવી વિચારસરણીઓ અને વાદો જન્મી જન્મીને શમી જાય છે; ધર્મ, નીતિ, કેળવણી, સાહિત્ય અને સંસ્કારિતાના ખ્યાલો પણ બદલાતા હોય છે. વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં સતત નવાનવા વિચારો ફૂટતા હોય છે. આવા સંયોગોમાં કોઈ એક કૃતિ વિશે સ્થિર અને છેવટનો અભિપ્રાય આપવાનું સરળ નથી. સાહિત્યકૃતિના સ્વીકાર–અસ્વીકારમાં રુચિ (taste) જેવી વસ્તુ કામ કરતી હોય, તો એ રુચિ પણ કંઈ સહજવૃત્તિ માત્ર ન હોઈ શકે. કળા, નીતિ, ધર્મ, સમાજ કે સમષ્ટિ પરત્વે કેળવેલાં અમુક વિચારવલણોનો સંપ્રજ્ઞાત કે અર્ધસંપ્રજ્ઞાત એવો પ્રતિભાવ એ સંભવે છે. મૂલ્યાંકનની પ્રવૃત્તિમાં વિવેચકના preferencesને એનું તર્કસૂત્ર હોય છે, હોવું જોઈએ. કયાં કયાં ગૃહીતો લઈને તે ચાલે છે, કેવા અભિગમથી તે કૃતિને તપાસે છે, તે વિવેચનને પોતાને માટે આત્મખોજનો વિષય પણ છે.

તો, મૂલ્યાંકનની પ્રવૃત્તિમાં કેવળ સાહિત્યિક મૂલ્યો કે ધોરણોનો જ પ્રશ્ન આવતો નથી : સાહિત્યની કૃતિને તેનાથી ઇતર એવાં મૂલ્યો અને ધેારણો વચ્ચે સ્થાપીને માપવાનો આ પ્રયત્ન છે. એટલે વિવેચક બીજા બધા પ્રશ્નો વિશે શું વિચારે છે, ખરેખર તો કયા કયા મૂળભૂત પ્રશ્નોનો તે સામનો કરવા માગે છે એવી બધી વસ્તુને સાહિત્યના ‘મૂલ્યાંકન’ની પ્રવૃત્તિ જોડે સીધો સંબંધ છે. વિવેચન-સાહિત્યમાં ખરી કટોકટી, આમ, મૂલ્યાંકનના પ્રશ્ન પરત્વે જ છે. કૃતિમાં aesthetic values સાથે non-aesthetic values યુગપદ્‌ સંભવી શકે કે કેમ, કૃતિનો મહિમા કેવળ aesthetic valuesને આધારે થઈ શકે કે કેમ, કૃતિમાં બીજાં non-aesthetic values પ્રવેશતાં હોય તો તેને કેવી રીતે પ્રમાણી શકાય, વગેરે બિલકુલ પાયાના કૂટ પ્રશ્નો છે. પણ મૂલ્યાંકનની હિમાયત કરનારા વિદ્વાનોએ એનો સામનો કરવો જ રહ્યો.

મૂળ વાત એ છે કે, મૂલ્યાંકનની પ્રવૃત્તિ વિશે આપણે ત્યાં ઝાઝો ઊહાપોહ થયો નથી. પશ્ચિમમાં, આગળ ઉલ્લેખ કર્યો છે તેમ, આ વિશે સારી છણાવટ થતી રહી છે. ત્યાંના વિદ્વાનોનો એક વર્ગ ભારપૂર્વક કહે છે કે, સાહિત્યકૃતિ વિશે મૂલ્યાંકન કરવું – મૂલ્યનિર્ણય રજૂ કરવો – એ જ, એટલું જ વિવેચનનું મુખ્ય કાર્ય છે. કેટલાક તો ‘મૂલ્યાંકન’ અને ‘વિવેચન’ બંનેને પર્યાય લેખવતા જણાય છે. તેઓ કૃતિના ‘વર્ણન’ અને ‘અર્થઘટન’થી ‘વિવેચન’ને અલગ પાડીને વિચારે છે. જોકે ‘વિવેચન’ માટે ‘વર્ણન’ કે ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ આવશ્યક છે જ, પણ ‘વિવેચન’ એ બેથી ભિન્ન પ્રવૃત્તિ છે એમ તેઓ માને છે. કેમ કે, ‘વર્ણન’ અને ‘અર્થઘટન’ તો કૃતિમાં નિહિત રહેલા ભાવ કે અર્થનું સ્પષ્ટીકરણ કરીને વિરમી જાય છે; કૃતિની અંતર્ગત જે વસ્તુ ઢંકાઈને પડી હતી, તેની જ પ્રગટ રૂપે વાત કરે છે. પણ કૃતિ વિશે તેથી કોઈ નવી વાત થઈ હોય એમ બનતું નથી. ‘મૂલ્યાંકન’ દ્વારા જ કૃતિને વિશે કંઈક નવો વિચાર રજૂ થઈ શકે છે. વ્યાપક જીવનના સંદર્ભમાં કૃતિને યોગ્ય સ્થાને ગોઠવી આપવાનો પ્રયત્ન જ કૃતિ વિશે ખરી ભૂમિકા પૂરી પાડે છે, અને છેવટે કૃતિમાં જે કંઈ રહસ્યભૂત વસ્તુ છે, તેને તાગવાના, ભેદવાના કે પામવાના પ્રયત્નમાં જ મૂલ્યબોધની ભૂમિકા સંકળાઈ જતી હોય છે. અને કોઈ એક કૃતિનો આસ્વાદ કરતાં જે કોઈ અંશો પ્રભાવક લાગ્યા હોય છે, તેનું જ વિવેચક સહજપણે સમર્થન કરવા પ્રેરાતો હોય છે. કૃતિનો ભાવ, ભાષા, સંરચના, કલ્પન કે પ્રતીક – કોઈ પણ તત્ત્વ તેની વિવેચનામાં વિષય બને, તે સાથે કે તે પૂર્વે, તે આસ્વાદમાં આવ્યું હોય છે. પણ મૂલ્યાંકનમાં કેવળ aesthetic values જ ભાગ ભજવે એવું નથી. કોઈ કૃતિમાં અધ્યાત્મવિષયક સંવેદન સ્પર્શે, કોઈ કૃતિમાં સમાજ અને સંસ્કૃતિવિષયક વિચારસંઘર્ષ સ્પર્શે, કોઈમાં અસ્તિત્વની ખોજ પણ સ્પર્શે. જો કે form અને contentનું દ્વૈત સ્વીકારીને વિચારવામાં જોખમ જ છે. પણ કૃતિમાં એવું કોઈક - વિચાર, ભાવ કે ભાવનાનું તત્ત્વ – પ્રભાવશાળી બનતું હોય છે. એ અનુભવનો વિષય છે, એટલે મૂલ્યાંકનની વાત આવતાં જ વિવેચકના સમાજ, સંસ્કૃતિ, કળા આદિ ખ્યાલોનો પ્રશ્ન crucial બની રહે છે. નોથ્રોર્પ ફ્રાય તો ‘વિવેચન’ને ‘મૂલ્યાંકન’ લેખે ઘટાવી, તેને વિશાળ સાંસ્કૃતિક વિચારવિમર્શની એક પ્રવૃત્તિ લેખે ઘટાવવા ચાહે છે, તે વસ્તુ આ સંદર્ભમાં ખાસ ધ્યાનપાત્ર છે : “By criticism, I mean the whole work of scholarship and taste concerned with literature, which is a part of what is variously called liberal education, culture or the study of humanities.”

પણ, વિદ્વાનોનો બીજો એક વર્ગ, આની સામે, ‘મૂલ્યાંકન’ – પ્રવૃત્તિની અશક્યતા જુએ છે, કે તેની વિફલતાનો નિર્દેશ કરે છે. આજના સમાજમાં અપાર વિચારસરણીઓ, જ્ઞાનવિજ્ઞાનના વાદો, અને સંસ્કારિતાના ખ્યાલોનો સંચય થવા પામ્યો છે ત્યારે, અને સતત નવાનવા વિચારો જન્મતા રહે છે ત્યારે, સાહિત્યની કોઈ કૃતિને અમુક સ્થાને સ્થાપવાનું અશક્ય નહિ તોય લગભગ અશક્ય છે : ખાસ તો, આજે વિચાર જગતમાં મોટી ઊથલપાથલો થઈ રહી છે અને વાસ્તવિકતા વિશેના પરંપરાગત ખ્યાલો જ હચમચી ઊઠયા છે ત્યારે, સાહિત્યકૃતિને સ્થિર ભૂમિકાએ સ્થાપીને જોવાનું જ મુશ્કેલ છે. એલન ટેઇટ જેવો વિદ્વાન આથી એમ કહે છે કે, આજની પરિસ્થિતિમાં ‘મૂલ્યાંકન’ – અને એ અર્થમાં ‘વિવેચન’ — શક્ય જ નથી. એલન ટેઈટની આ માન્યતા પણ ધ્યાન માગે તેવી છે. મૂલ્યાંકનની પ્રવૃત્તિનો, ખરેખર તો, ફેરવિચાર થવો જ જોઈએ. મૂલ્યાંકનના પ્રશ્નો વાસ્તવમાં તો વિવેચકના સાહિત્ય, સમાજ, અને વિશ્વજીવન જોડેના સંબંધના પ્રશ્નો બની રહે છે. અને, એમ જ હોય તો તો આપણી વિવેચનાએ પણ એ પ્રશ્નો ઉકેલવાને પ્રવૃત્ત થવું જોઈએ.