વીક્ષા અને નિરીક્ષા/અભિવ્યક્તિની અવિભાજ્યતા અને અલંકારની ટીકાઃ
અભિવ્યક્તિની અવિભાજ્યતા અને અલંકારની ટીકા
અભવ્યક્તિમાં ચડતી-ઊતરતી શ્રેણી નથી
માનવ આત્માના ક્રોચેએ ચાર વ્યાપારો કલ્પેલા છે અને તેમની એક ચડતી-ઊતરતી શ્રેણી માનેલી છે. એમાં પ્રતિભાન એ સૌથી નીચેનું પગથિયું છે, તે પછી તાર્કિક જ્ઞાન આવે છે, તે પછી નીતિનિરપેક્ષ ક્રિયા અને તે પછી નીતિસાપેક્ષ ક્રિયા આવે છે. પ્રતિભાનનું વિશેષ વિશ્ર્લેષણ કરી એની કોઈ જુદી જુદી રીતે અથવા એની પહેલી બીજી ત્રીજી એવી ચડતી-ઊતરતી કક્ષા પણ પાડી શકાય એમ નથી. બધાં જ પ્રતિભાન એક એક વિશિષ્ટ વ્યક્તિ હોય છે, અને કોઈની કોઈની સાથે અદલાબદલી થઈ શકે એમ નથી. તેઓ બધાં જ પ્રતિભાન હોય છે એ સિવાય તેમનામાં બીજી કોઈ સમાનતા હોતી નથી. પ્રત્યેક અભિવ્યક્તિ બીજી બધી અભિવ્યક્તિથી નિરાળી હોય છે, કારણ, તેનું વસ્તુ નિરાળું હોય છે. જીવનમાં પુનરાવૃત્તિ સંભવતી નથી એટલે સંવેદનોની પણ પુનરાવૃત્તિ થતી નથી અને તેથી પ્રતિભાનનું વસ્તુ સદા બદલાતું રહે છે એટલે તેના આકાર અને અભિવ્યક્તિ પણ બદલાતાં રહે છે. આથી પ્રત્યેક અભિવ્યક્તિ અનિવાર્યપણે નિરાળી હોય છે.
ભાષાંતર અશક્ય
આમ, કોઈ કલાકૃતિનું ભાષાંતર અશક્ય છે. એક આકારના ઘડામાંનું પાણી બીજા આકારના ઘડામાં રેડી શકાય છે, તેમ એક વસ્તુ એક આકારમાંથી બીજા આકારમાં રેડી શકાય એવી માન્યતા અનુવાદની પાછળ રહેલી છે. પણ ક્રોચેને એ માન્ય નથી. તે કહે છે કે પ્રત્યેક વસ્તુ પોતાના આકાર સાથે જન્મે છે અને એ બેને અલગ પાડી શકાતાં નથી. એક સંવેદનની એક જ અભિવ્યક્તિ હોઈ શકે છે. જેને એક વાર એક કલારૂપ મળી ચૂક્યું હોય તેને બીજા કલારૂપમાં ઢાળી શકાતું નથી. ઢાળવા જઈએ તો અભિવ્યક્તિ અધૂરી હોઈ કુરૂપતા જન્મે. જો અનુવાદક મૂળ કૃતિને સંવેદનની ભૂમિકાએ લઈ જઈ તેમાં પોતાનું સંવેદન ઉમેરે તો એ મિશ્ર સામગ્રીમાંથી નવી કૃતિનો જન્મ થાય. પણ એ કંઈ ભાષાંતર ન કહેવાય, એ જુદી કલાકૃતિ થઈ, કારણ, એનું વસ્તુ જ જુદું છે. એટલે ભાષાંતરકાર કાં તો વફાદાર કુરૂપતા સર્જે છે અથવા બિનવફાદાર સૌંદર્ય સર્જે છે. કલાની દૃષ્ટિ વગરના શબ્દશઃ ભાષાંતરને તો ભાષ્ય જ કહેવાં જોઈએ.
અલંકારોની ટીકા
એ પછી ક્રોચે અલંકારના ખ્યાલ ઉપર હુમલો કરે છે. તે કહે છે કે અભિવ્યક્તિના આવા વર્ગીકરણને કોઈ તાત્ત્વિક પાયો નથી અને તેની વ્યાખ્યા કરવા જતાં કશું હાથમાં આવતું નથી. તે રૂપકનો દાખલો લઈને કહે છે કે એની વ્યાખ્યા એવી કરવામાં આવે છે કે કોઈ વસ્તુને માટે યોગ્ય નામ ન વાપરતાં બીજું નામ વાપરવામાં આવે ત્યારે રૂપક થાય. જેમ કે મુખને બદલે ચંદ્ર શબ્દ વાપર્યો. ક્રોચેનો પ્રશ્ન એ છે કે જે વસ્તુને માટે જે શબ્દ યોગ્ય હોય તે વાપરવાને બદલે બીજો શબ્દ વાપરવાનો દ્રાવિડી પ્રાણાયામ શા માટે કરવો? સીધો રસ્તો ખબર હોવા છતાં વાંકે રસ્તે શા માટે જવું? જો એમ કહો કે હમેશાં વપરાતો શબ્દ એ સંદર્ભમાં પૂરેપૂરી ભાવાભિવ્યક્તિ સાધી શકતો નથી, તો એનો અર્થ એ થયો કે એ સ્થાને એ શબ્દ યોગ્ય નથી, અને તેને બદલે વાપરેલો શબ્દ જ યોગ્ય છે. તેના કહેવાનો આશય એ છે કે અભિવ્યક્તિની શોભા વધારવા માટે અલંકાર આવતા નથી, પણ તેના વગર અભિવ્યક્તિ જ સધાતી નથી માટે આવે છે. આની પરીક્ષા માટે તે એમ સૂચવે છે કે અભિવ્યક્તિમાં અલંકાર હોય ને તે ત્યાં અભિવ્યક્તિ સાથે સમરસ ન થઈ ગયો તો તે ઘાતક ઠરશે અને જો સમરસ થઈ ગયો હશે તો પછી તેને અલંકાર કહેવાનો અર્થ નથી, તે અભિવ્યક્તિનો જ એક ભાગ છે. આપણા આલંકારિકોએ અપૃથગ્યત્નનિર્વર્ત્ય અલંકારોની વાત કરી છે તે અહીં સંભારવા જેવી છે.
અલંકારની પરિભાષાની ઉપયોગિતા
અલંકારશાસ્ત્રમાં વપરાતા શબ્દોનું કલામીમાંસામાં મહત્ત્વ નથી, પણ તે ઘણી વાર કલામીમાંસામાં વપરાતા શબ્દોને બદલે વપરાતા હોય છે. ક્રોચેને મતે અભિવ્યક્તિનું વર્ગીકરણ કરવું ખોટું છે, તેમ છતાં એટલું કબૂલ કરવું જોઈએ કે કેટલીક અભિવ્યક્તિ સફળ હોય છે અને કેટલીક ઓછાવત્તા પ્રમાણમાં અસફળ હોય છે; અને એ અસફળ અભિવ્યક્તિઓ વિશે બોલતાં કેટલીક વાર અલંકારશાસ્ત્રના રૂઢ શબ્દો વાપરવામાં આવે છે. પણ ત્યારે તેનો અર્થ અલંકારશાસ્ત્રમાંના અર્થ કરતાં જુદો હોય છે, અને તેથી તે ત્યાં કયા અર્થમાં વપરાયા છે તે જોવું પડે છે. દા. ત., ‘વાસ્તવદર્શી’ અને ‘પ્રતીકાત્મક’ શબ્દો અલંકારશાસ્ત્રમાંના છે અને તે વિવેચનમાં પણ વપરાય છે, પણ તે જુદા જ અર્થમાં. વિવેચનમાં એ શબ્દો સફળ અને નિષ્ફળ બંને પ્રકારની કૃતિઓ માટે વપરાય છે. એના ઉપયોગમાં કોઈ શિસ્ત પળાતી નથી. એ જ રીતે ‘ક્લાસિકલ’ અને ‘રોમાન્ટિક’ શબ્દો પણ પ્રશંસા અને નિંદા બંને માટે વપરાય છે. એવું જ શૈલી શબ્દનું પણ છે. અલંકારશાસ્ત્રના શબ્દોનો ઉપયોગ કલાકૃતિના દોષો બતાવવા માટે પણ કરવામાં આવે છે. જેમ કે જરૂર કરતાં વધારે શબ્દો વાપર્યા હોય તો શબ્દબાહુલ્ય, જરૂર કરતાં ઓછા વાપર્યા હોય તો ન્યૂનપદ, યોગ્ય શબ્દને બદલે બીજો જ શબ્દ વાપર્યો હોય તો રૂપક, વગેરે. ક્રોચેને મતે આ બધાં સાહિત્યનાં ભૂષણ નથી પણ દૂષણ છે. દોષનો નિર્દેશ કરવા માટે આ નામો વાપરવામાં દોષ નથી.
શાસ્ત્રમાં અલંકારને સ્થાન
સાહિત્યમાં અલંકારને અવકાશ નથી, પણ શાસ્ત્રીય લખાણમાં છે, કારણ, ત્યાં વૈકલ્પિક અભિવ્યક્તિ સંભવે છે; પણ, સાહિત્યમાં સંભવતી નથી. કલામાં તો એક સંવેદનની એક જ અભિવ્યક્તિ સંભવે છે.
શાળામાં અલંકાર
અલંકારશાસ્ત્રે કરેલા વર્ગીકરણને કલામીમાંસાના સંદર્ભમાં કશું જ સ્થાન નથી, તેમ છતાં કેટલાક લોકો વિદ્યાર્થીઓને તે ગોખાવ ગોખાવ કરે છે, અને એ ઉપયોગી થશે એમ માને છે. એ સંબંધમાં ક્રોચે કહે છે કે જે વસ્તુ મૂળે જ ભૂલભરેલી છે તે તત્ત્વની સમજમાં શી રીતે ઉપયોગી થઈ શકે, એ મને સમજાતું નથી. પણ પહેલાં જેમ સાહિત્યના અને કલાના વર્ગીકરણની અમુક વ્યવહારુ ઉપયોગિતા સ્વીકારી હતી તેમ આ અલંકારોનું વર્ગીકરણ પણ સ્મૃતિને મદદરૂપ થઈ પડે. વળી એક બીજી રીતે પણ એ ઉપયોગી થાય. અલંકારોનું વર્ગીકરણ શાળાઓમાં ભણાવાતું રહે અને તેની ટીકા થતી રહે તો તેઓ ફરી માથું ઊંચકી ન શકે. ભૂતકાળની ભૂલો ભૂલી જઈએ અને તેને વિશે કશું કહીએ જ નહિ એમાં તે ભૂલો ફરી થવાનો ભય રહેલો છે.
કલાકૃતિઓનું સામ્ય કૌટુંબિક
અભિવ્યક્તિઓમાં અને કલાકૃતિઓમાં અમુક સામ્ય હોય છે અને તેને આધારે તેમનું વર્ગીકરણ પણ થઈ શકે, પણ એ સામ્ય, એક જ કુટુંબની વ્યક્તિઓ વચ્ચે હોય છે તેવું સામ્ય હોય છે, એથી વિશેષ નથી હોતું. જેમ કે એક કાળમાં રચાયેલી કૃતિઓ વચ્ચે તે કાળે જન્મેલા કલાકારોના આત્મિક ઐક્યને અને સમાન ઐતિહાસિક પરિસ્થિતિને કારણે અમુક પ્રકારનું સામ્ય હોય છે, પણ એ સામ્ય એકરૂપતાના પ્રકારનું નથી હોતું. જો કેવળ કુલસામ્ય જ જોવાનું હોય તો કલાકૃતિનું પણ ભાષાંતર થઈ શકે એમ ક્રોચે કહે છે. તેને મતે જે ભાષાંતર મૂળને ખૂબ મળતું આવતું હોય અને જેને સ્વતંત્ર કલાકૃતિ તરીકે પણ માણી શકાય તે ભાષાંતર ઉત્તમ.