વીક્ષા અને નિરીક્ષા/આત્માના ચાર વ્યાપારો

૭ અને ૮
આત્માના ચાર વ્યાપારો

આ બે પ્રકરણોમાં ક્રોચે આત્માની ક્રિયાત્મક બાજુના બે વ્યાપારોનો પરિચય આપી તેમની વચ્ચેનો સંબંધ સમજાવે છે. જેમ જ્ઞાન બે પ્રકારનું છે, પ્રતિભાન અને તાર્કિક જ્ઞાન, તેમ ક્રિયા પણ બે પ્રકારની છે, આર્થિક અને નૈતિક. તેમાં આર્થિક ક્રિયા નીતિનિરપેક્ષ છે, જ્યારે નૈતિક ક્રિયા નીતિસાપેક્ષ છે. જેમ પ્રતિભાન તાર્કિક જ્ઞાન વગર સંભવે છે, પણ તાર્કિક જ્ઞાન પ્રતિભાન વગર સંભવતું નથી, તેમ આર્થિક ક્રિયા નૈતિક ક્રિયા વગર સંભવે છે, ૫ણ નૈતિક ક્રિયા આર્થિક ક્રિયા વગર સંભવતી નથી. આર્થિક એટલે ઉ૫યોગી. દેહધારણ માટેની ઘણીખરી ક્રિયાનો એમાં સમાવેશ થાય છે. મને તરસ લાગી ને મેં પાણી પીધું. તો અને નીતિ સાથે કશો સંબંધ નથી. પણ કોઈ માણસે નકોરડા ઉપવાસ કરવાનું વ્રત લીધું હોય અને તે ઇચ્છા થતાં પાણી પીએ તો એ ક્રિયાનો નીતિની દૃષ્ટિએ વિચાર કરવો પ્રાપ્ત થાય એટલે કે એ નીતિસાપેક્ષ ક્રિયા ગણાય. આમ આત્માના એકંદરે ચાર વ્યાપારો થયા. બે જ્ઞાનાત્મક અને બે ક્રિયાત્મક. ૧. પ્રતિભાન, ૨. તાર્કિક જ્ઞાન, ૩. આર્થિક અથવા ઉપયોગી અથવા નીતિનિરપેક્ષ ક્રિયા, અને ૪. નીતિસાપેક્ષ ક્રિયા. એમાંનો પહેલો વ્યાપાર એટલે કે પ્રતિભાન બીજા ત્રણેથી સ્વતંત્ર. બીજા એટલે કે તાર્કિક જ્ઞાન પહેલા પર આધાર રાખે છે. પણ ત્રીજા, ચોથાથી સ્વતંત્ર છે. ત્રીજો એટલે કે આર્થિક ક્રિયા પહેલા બંને ઉપર આધાર રાખે છે. પણ ચોથાથી સ્વતંત્ર છે, જ્યારે ચોથો એટલે કે નીતિસાપેક્ષ ક્રિયા પહેલા ત્રણે ઉપર આધાર રાખે છે. બીજી રીતે કહીએ તો આ ચાર વ્યાપારોમાંના પહેલા બે જ્ઞાનાત્મક ક્ષેત્રના વ્યાપારો ક્રિયાત્મક ક્ષેત્રના વ્યાપારો વગર સંભવે છે, પણ ક્રિયાત્મક ક્ષેત્રના બંને વ્યાપારો જ્ઞાનાત્મક ક્ષેત્રના વ્યાપારો વગર સંભવતા નથી. આવો આ બે ક્ષેત્રોનો અને તેમાંના ચાર વ્યાપારોનો પરસ્પર સંબંધ છે. ક્રોચે આત્માના આ ચાર જ વ્યાપારો સ્વીકારે છે. એ ઉપરાંત કોઈ પાંચમો વ્યાપાર તેને માન્ય નથી અને એ ચાર વ્યાપારોને અનુરૂપ તે પ્રતિભા પણ ચાર પ્રકારની માને છે : ૧ કલા પ્રતિભા, ૨. શાસ્ત્ર પ્રતિભા, અર્થકામ પ્રતિભા અને ૪. નીતિનિષ્ઠાની પ્રતિભા.