વીક્ષા અને નિરીક્ષા/સૌંદર્યાત્મક લાગણી અને સુંદર અને રૂપનો ભેદઃ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૦
સૌંદર્યાત્મક લાગણી અને સુંદર અને કુરૂપનો ભેદ

‘લાગણી’ના વિવિધ અર્થો

દસમા પ્રકરણમાં ક્રોચે સૌંદર્યાત્મક લાગણી(ફીલિંગ)ની ચર્ચા કરે છે. આ પહેલાં એ શબ્દ બે જુદા જુદા અર્થોમાં વપરાઈ ગયો છે. એક તો સંવેદનના અર્થમાં, જે કલાકૃતિનું વસ્તુ અથવા કાચી સામગ્રી છે. એ જ રીતે, કલા એટલે ફીલિંગ એમ કહીને એ શબ્દને પ્રતિભાનના પર્યાય તરીકે પણ વાપરેલો છે. પણ અહીં એક ત્રીજા જ અર્થમાં એ શબ્દ વાપરવામાં આવ્યો છે.

લાગણી આત્માની ક્રિયા

એ શબ્દ અહીં માનવ આત્માની જ્ઞાનાત્મક નહિ એવી એક સ્વતંત્ર ક્રિયાનો નિર્દેશ કરવા માટે વાપર્યો છે. આત્માની એ ક્રિયા એક પ્રકારની દ્વિધ્રુવાત્મક મનોવસ્થા છે, જેને ધન છેડે સુખ છે ને ઋણ છેડે દુઃખ છે. આ ક્રિયા તત્ત્વજ્ઞોને મૂંઝવે છે. એને આત્માની ક્રિયા કહેવી હોય તો આત્માની ક્રિયાઓમાં એનું સ્થાન ક્યાં છે, તે કહેવું જોઈએ, અને એ સહેલું નથી. એટલે તેઓ કાં તો એને આત્માની ક્રિયા જ કહેતા નથી અથવા એ આત્માના ક્ષેત્રની બહાર પ્રકૃતિના ક્ષેત્રમાં પડે છે એમ કહે છે. પણ ક્રોચેને આમાંનો એકે ખુલાસો સ્વીકાર્ય નથી. કારણ કોઈ પણ વસ્તુ ક્રિયારૂપ હોય તો તેનો સંબંધ આત્મા સાથે હોવો જ જોઈએ. પ્રકૃતિ જડ છે એટલે જડસૃષ્ટિમાં ક્રિયા કે ચૈતન્ય છે એમ કહી શકાય એમ નથી. ક્રોચેને મતે પશુઓમાં જીવ છે પણ આત્મા નથી. એટલે આત્મિક ક્રિયા ફક્ત માનવમાં જ સંભવે છે. માણસના મનની સુખદુઃખાત્મક મનોવસ્થા જો ચૈતન્યની ક્રિયા હોય તો તે આત્મિક હોવી જ જોઈએ.

આપણે જોયું કે એને એક છેડે સુખ છે ને બીજે છેડે દુઃખ છે. માનવ મન સુખથી દુઃખ તરફ અને દુઃખથી સુખ તરફ ખેંચાતું રહે છે. આમ, આ દોલાગતિ સતત ચાલુ રહે છે એટલે એ ક્રિયાત્મક તો છે જ, પણ એની આત્મિકતા સ્વીકારવામાં મોટી મુશ્કેલી એ આવે છે કે ક્રોચેએ આત્માના બે જ જાતના વ્યાપાર સ્વીકારેલા છે, જ્ઞાનાત્મક અને ક્રિયાત્મક; અને એ દરેકના બબ્બે પ્રકાર મળી કુલ ચાર જ પ્રકાર સ્વીકારેલા છે. એટલે એણે કાં તો સુખદુઃખાત્મક અવસ્થા આત્મિક નથી એમ સ્વીકારવું જોઈએ અથવા આત્માના વ્યાપારનો પાંચમો પ્રકાર સ્વીકારવો જોઈએ. પણ ક્રોચે એમ ન કરતાં નવો જ ઉકેલ આપે છે. તે કહે છે કે મારી વ્યવસ્થામાં આ મન:સ્થિતિને સ્વીકારેલી જ છે અને તેનું સ્થાન પણ દર્શાવેલું છે. ક્રિયાત્મક વ્યાપાર બે પ્રકારના છે: ૧. નીતિનિરપેક્ષ અને ૨. નીતિસાપેક્ષ. તેમાંના નીતિનિરપેક્ષ વ્યાપારમાં ઇચ્છાપૂર્તિ માટે કરવામાં આવેલી ક્રિયા જો સફળ થાય તો આપણને સુખ થાય છે અને અસફળ થાય તો દુઃખ થાય છે. આમ, નીતિનિરપેક્ષ કાર્ય અને સુખદુઃખાત્મક મન:સ્થિતિ બંને પર્યાયવાચી છે. ક્રોચેએ કલ્પેલા ચાર વ્યાપારો એકમેકથી ભિન્ન છે. એટલે આ સુખદુઃખાત્મક મન:સ્થિતિને નૈતિકતા કે જ્ઞાનાત્મકતા સાથે એકરૂપ માની શકાય એમ નથી. જો સુખનો સમાવેશ આર્થિક ક્રિયામાં કરવામાં આવે તો તે પ્રતિભાનથી અને એટલે જ કલાથી ભિન્ન છે એ ઉઘાડી વાત છે.

સુખવાદની ટીકા

કલા અને સુખનું સમીકરણ માનનારા સુખવાદીઓ (હીડોનિસ્ટ્સ)ને મતે આત્મા કેવળ સુખરૂપ જ છે. એટલે તેમને મતે જુદાં જુદાં સુખો વચ્ચે ભેદ નથી. અમાસની કાળી રાતે જેમ બધું જ કાળું દેખાય છે તેમ સુખવાદમાં બધાં જ સુખ સરખાં મનાય છે. પણ ખરું જોતાં, ભોજન-તૃપ્તિનું સુખ, સત્કૃત્ય કર્યાનું સુખ, ખુલ્લી હવામાં શ્વાસ લીધાનું સુખ અને કલાનું સુખ, એ બધાં જુદાં જુદાં છે. એ ભેદ જો સ્વીકારવો હોય તો આત્માનાં જુદાં જુદાં પાસાં પણ સ્વીકારવાં જોઈએ, અને તો, સુખવાદનો ત્યાગ કરવો પડે.

આત્માના બધા વ્યાપારો સાથે લાગણીનો સંબંધ

ક્રોચેને મતે આત્માના પ્રત્યેક પાસા સાથે સુખ જોડાયેલું છે. પ્રતિભાનમાં અને તાર્કિક જ્ઞાનમાં પણ સંકલ્પશક્તિનો લેશ હોય જ છે અને તેમાં જે ક્રિયા હોય છે તે સફળ થતાં સુખ અને નિષ્ફળ જતાં દુઃખ થાય છે. અને એ રીતે, જે ભૂમિકા ઉપરની ક્રિયા હોય તે ભૂમિકા ઉપરનું સુખદુઃખ માણસ અનુભવે છે. પણ એનો અર્થ એવો નથી કે એ બધી ભૂમિકાનાં સુખ એકરૂપ છે. એ સુખો આત્માની જુદી જુદી ભૂમિકાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં હોઈ જુદાં જુદાં હોય છે, પણ એ બધાં જ સુખ હોય છે, એટલું જ તેમની વચ્ચે સામ્ય હોય છે. સુખ અથવા આનંદ એ કલાનું કારણ છે કે પરિણામ – એ સૌંદર્યશાસ્ત્રમાં પુષ્કળ ચર્ચાયેલા પ્રશ્નનો જવાબ ક્રોચે આપે છે કે એ પ્રશ્ન જ ગેરસમજમાંથી જન્મેલો છે. કાર્યકારણ સંબંધને કાલનું પરિમાણ હોય છે. કારણ પહેલું, પછી કાર્ય એવો ક્રમ હોય છે. પણ આત્મા એક હોઈ તેની જુદી જુદી બાજુઓ એકી સાથે હાજર હોય છે. તેમનામાં એક પહેલી અને બીજી પછી એવો પૂર્વાપરનો ક્રમ નથી હોતો, એટલે ત્યાં કાર્યકારણ કે પૂર્વાપરનો પ્રશ્ન જ અપ્રસ્તુત છે. આત્માની વિવિધ બાજુઓ વચ્ચેનો સંબંધ ખ્યાલમાં રાખીએ તો સૌંદર્યાનંદ, બૌદ્ધિક આનંદ, વ્યાવહારિક ઇચ્છાતૃપ્તિનો આનંદ તથા નૈતિક કૃત્ય કર્યાનો આનંદ,—એ બધાનું સ્વરૂપ જુદું જુદું સમજાવવાની જરૂર રહેતી નથી. આપણે જોઈ ગયા કે આત્માના ચારે વ્યાપારોમાં અમુક અંશે નીતિનિરપેક્ષ ક્રિયા અનુસ્યૂત હોય છે અને તેની સાથે સુખદુઃખાત્મક મનઃસ્થિતિ જોડાયેલી છે. હવે ક્રિયા જે ક્ષેત્રમાં થઈ હોય તેનો પાસ, એ ક્રિયા સફળ થતાં કે નિષ્ફળ જતાં થતા સુખદુઃખને લાગે છે. ક્રિયા જો પ્રતિભાનના એટલે કે કલાના ક્ષેત્રમાં થઈ હોય તો જે આનંદ થાય તે કલાનંદ કહેવાય, બુદ્ધિના ક્ષેત્રમાં થઈ હોય તો બૌદ્ધિક આનંદ કહેવાય અને નીતિના ક્ષેત્રમાં થઈ હોય તો નૈતિક આનંદ કહેવાય. માત્ર નીતિનિરપેક્ષ ક્રિયાના ક્ષેત્રની હોય તો આનંદને આવું કોઈ વિશેષણ લગાડવાની જરૂર રહેતી નથી.

મૂલ્ય અને અપમૂલ્ય

સુખદુઃખાત્મક મનોવસ્થાના બે છેડા સુખ અને દુઃખ છે. નીતિનિરપેક્ષ ક્રિયા સાથે એમનો નિશ્ચિત સંબંધ છે. કોઈ પણ ક્રિયા કાં તો ઉપયોગી (યુસફુલ) હોય છે અથવા તો બિનઉપયોગી (ડિસ-યુસફુલ) કે હાનિકારક (હર્ટફુલ) હોય છે. ઉપયોગિતા એટલે સુખ અને હાનિકારકતા એટલે દુઃખ એવું સમીકરણ ક્રોચેએ માનેલું છે. આત્માના પ્રત્યેક અંગની ક્રિયામાં આવી દ્વિધ્રુવાત્મકતા હોય છે. જ્ઞાનાત્મક અંગમાં સત્ય અને અસત્ય, નૈતિક ક્રિયાના અંગમાં સારું અને નરસું, પ્રતિભાનના ક્ષેત્રમાં સુંદર અને કુરૂપ, અને નીતિનિરપેક્ષ ક્રિયાના ક્ષેત્રમાં સુખ અને દુઃખ. આ જોડકામાંની પહેલી વસ્તુને મૂલ્ય (વૅલ્યુ) અને બીજીને અપમૂલ્ય (ઍન્ટિવૅલ્યુ કે ડિસવૅલ્યુ) કહી શકાય. અપમૂલ્ય એટલે માત્ર મૂલ્યનો અભાવ નહિ, પણ આત્માની ક્રિયામાં આવેલી બાધા, અથવા તેની અભિવ્યક્તિ બાધિત થવી તે. ક્રોચેએ મૂલ્યવત્તાના ત્રણ વર્ગ કલ્પ્યા લાગે છેઃ મૂલ્ય, અપમૂલ્ય અને મૂલ્યાભાવ. જ્યાં આત્માની ક્રિયા સફળ થાય ત્યાં મૂલ્ય નિર્માણ થાય, જેમ કે સૌંદર્ય, સત્ય, ઉપયોગિતા અને સારાપણું અને જ્યાં આત્માની ક્રિયા જડતાને કારણે બાધિત થાય અને તે નિષ્ફળ જાય ત્યાં અપમૂલ્ય નિર્માણ થાય, જેમ કે કુરૂપતા, અસત્ય, હાનિકારકતા અને નરસાપણું. આત્માના જે અંગના ક્ષેત્રનાં જે મૂલ્યો હોય તેનો ઉપયોગ બીજા અંગના ક્ષેત્રમાં ન કરવો જોઈએ. ‘સૌંદર્ય’ શબ્દ પ્રતિભાનના ક્ષેત્ર માટે જ રહેવા દેવો જોઈએ.

સુંદર અને કુરૂ૫

સફળ અભિવ્યક્તિ એટલે સૌંદર્ય. અહીં ‘સફળ’ શબ્દ પણ વધારાનો છે. કારણ, જે અભિવ્યક્તિ સફળ નથી તે અભિવ્યક્તિ જ નથી. એથી ઊલટું, અસફળ અભિવ્યક્તિ એટલે કુરૂપતા. કુરૂપતા એટલે ફક્ત સૌંદર્યનો અભાવ નહિ. જો કોઈ વસ્તુ અભિવ્યક્તિરૂ૫ જ ન હેાય તો તે સફળ કે નિષ્ફળ એમ કહેવાનો પ્રસંગ જ આવતો નથી, અને તેથી તે સુંદર છે કે કુરૂ૫ એેવો ૫ણ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ જ્યાં અભિવ્યક્તિનો પ્રયત્ન હોય પણ તેમાં બાધા આવે ત્યાં કુરૂપતા સંભવે. સૌંદર્ય એકતારૂપે પ્રગટ થાય છે, કુરૂપતા અનેકતારૂપે. જ્યાં અનેકતામાં એકતા સધાયેલી હોય, વિવિધ અંગો જીવંત દેહ જેવી એકતા પામ્યાં હેાય, ત્યાં જુદાં જુદાં અંગોના ગુણોનો ઉલ્લેખ થઈ શકતો નથી, કારણ, બધાં અંગો મળીને ત્યાં એક અખંડ કૃતિ બની ગઈ હેાય છે. ૫ણ જે કૃતિમાં બધાં અંગો એકત્વ પામ્યાં નથી હોતાં ત્યાં તે અંગોની ખૂબીઓ અલગ અલગ ગણાવી શકાય છે. સૌંદર્યમાં કોઈ માત્રાગત ભેદ નથી હોતો. ત્યાં સુંદર, સુંદરતર, સુંદરતમ એવું તારતમ્ય નથી હોતું. ૫ણ કુરૂપતામાં એવું તારતમ્ય સંભવે છે. કોઈ ૫ણ વસ્તુ પૂર્ણપણે કુરૂપ હોઈ શકતી નથી. કારણ, જ્યાં સૌંદર્યનો લેશ પણ નથી ત્યાં ચૈતન્યનો વ્યાપાર નથી, કેવળ જડતા જ છે, ત્યાં સુંદર કે કુરૂપ જેવું કશું છે જ નહિ. કુરૂપતા ઉત્પન્ન થાય છે જડ અને ચેતનના સંઘર્ષમાંથી. જે અભિવ્યક્તિમાં જડ અને ચેતનનો સંઘર્ષ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ ત્યાં તે સફળ કે નિષ્ફળ થઈ, સુંદર કે કુરૂ૫ છે, તે આ૫ણને સમજાય છે. સંકુલ અભિવ્યક્તિમાં આ સ્પષ્ટપણે જોઈ શકાય છે. પણ સાદી અભિવ્યક્તિમાં એની ખબર પડતી નથી, એટલે આપણે એવી અભિવ્યક્તિને સુંદર કે કુરૂપ કહેતા નથી. ક્રોચેને આ માન્ય નથી. અભિવ્યક્તિ ગમે તેટલી સાદી હોય, તેમાંનાં વિઘ્નો ગમે તેટલાં ક્ષુલ્લક હોય, તોયે તેમાં સૌંદર્ય કે કુરૂપતા હોવાનાં જ. પ્રત્યેક અભિવ્યક્તિ સફળ કે નિષ્ફળ, સુંદર કે કુરૂપ હોવાની જ.

આનુષંગિક આનંદો

કલાનંદ સાથે ઘણી વાર બીજા આનંદો પણ ભળેલા હોય છે, અને તેમને જુદા પાડવાની જરૂર છે. કલાકાર જ્યારે સંવેદનને આકારિત કરી કલાકૃતિનું નિર્માણ કરે છે ત્યારે તેને જે આનંદ થાય છે તે શુદ્ધ કલાનંદ હોય છે. પણ કોઈ આખા દિવસનો થાકેલો માણસ નાટક જોવા જાય છે ત્યારે કલાનંદની સાથે વિશ્રાંતિનો, બે ઘડી વિનોદનો આનંદ પણ તે અનુભવે છે. પણ એ બેને એક માનવા ન જોઈએ.

આભાસી લાગણી

એમ કહેવાય છે કે કલાકૃતિની આકૃતિ જોઈને જે આનંદ થાય છે, તે સિવાય તેના વસ્તુમાંથી પણ એક પ્રકારનો આનંદ આવે છે અથવા દુઃખ થાય છે. નાટકનાં પાત્રો સાથે આપણે હસીએ, રડીએ કે ભય અનુભવીએ છીએ. પણ આ લાગણીઓ વ્યવહારજગતની લાગણીઓ જેવી નથી હોતી. વ્યવહારજગતમાં ઉત્પન્ન થતી લાગણી કરતાં નાટકમાં ઉત્પન્ન થતી લાગણી વધુ હળવી, ઉપરછલ્લી અને ક્ષણિક હોય છે. એને લાગણી ન કહેતાં ‘આભાસી લાગણી’ (અપેરન્ટ ફીલિંગ) કહેવી જોઈએ. ક્રોચેને મતે વ્યવહારજીવનની લાગણી વધુ તીવ્ર હોય છે કારણ, તે આકારિત થયેલી નથી હોતી. કલાકૃતિમાંની લાગણી ક્ષીણ લાગે છે કારણ, તે આકારિત થયેલી હોય છે. કલાકાર પોતાની ઉત્કટ લાગણીને તાટસ્થપૂર્વક આકાર આપે છે તેનું એ પરિણામ છે.