વીક્ષા અને નિરીક્ષા/જ્ઞાનાત્મક વ્યાપાર અને ક્રિયાત્મક વ્યાપાર:
જ્ઞાનાત્મક વ્યાપાર અને ક્રિયાત્મક વ્યાપાર
સંકલ્પશક્તિ
આત્માને જેમ જ્ઞાનાત્મક બાજુ છે જેમાં પ્રતિભાનનો અને તાર્કિક જ્ઞાનનો સમાવેશ થાય છે તેમ ક્રિયાત્મક બાજુ પણ છે. એના મૂળમાં સંકલ્પશક્તિ (વિલ) રહેલી છે. જે કાર્ય સ્વેચ્છાએ સંકલ્પપૂર્વક ન કર્યું હોય તે કાર્ય જ ન કહેવાય. કાર્યમાં ન કરવું પણ આવી જાય, જેમ કે, કોઈ સત્યાગ્રહી કાયદાનું પાલન કરવાની ના પાડે તો એ પણ કાર્ય છે. જ્ઞાનાત્મક વ્યાપારને લીધે આપણને જગતનું સ્વરૂપ સમજાય છે. અને ક્રિયાત્મક વ્યાપારથી આપણે તેમાં પરિવર્તન આણીએ છીએ. ક્રિયાત્મક વ્યાપાર જ્ઞાનાત્મક વ્યાપાર વગર સંભવતો નથી. ક્રિયા માટે જ્ઞાન અપરિહાર્ય છે, જેમ તાર્કિક જ્ઞાન માટે પ્રતિભાન અપરિહાર્ય છે. ઘણી વાર એમ કહેવામાં આવે છે કે કર્મવીર પુરુષને તત્ત્વવિચારમાં રસ નથી હોતો, તે તો સીધો કાર્યમાં ઝંપલાવે છે. પણ તે જે ક્ષેત્રમાં કાર્ય કરતો હોય છે તેનું જ્ઞાન તો તેને હોવું જ જોઈએ. તે વગર તે કશું જ કરી ન શકે. એવા માણસને પણ ઘણી વાર માર્ગ નથી સૂઝતો ત્યારે તે નિષ્ક્રિય બની જાય છે અને એ સ્થિતિ જો લાંબો સમય ચાલે તો તેને હૅમ્લેટના જેવી દશા પ્રાપ્ત થાય છે. ક્રોચે જ્યારે કાર્ય માટે જ્ઞાનની જરૂર છે એમ કહે છે ત્યારે તે પ્રતિભાન અને તાર્કિક જ્ઞાનની જ વાત કરે છે. પણ કેટલાક એ સિવાયનું એક ત્રીજું જ જ્ઞાન કાર્ય માટે જરૂરી માને છે. એ છે વ્યાવહારિક જ્ઞાન અથવા મૂલ્યવિષયક જ્ઞાન – practical judgement or value judgement. કાર્ય શરૂ કરવા પહેલાં માણસ આ કાર્ય કરવા જેવું છે એવો નિર્ણય કરે છે. પણ ક્રોચેને એ મત માન્ય નથી. તે કહે છે કે કાર્ય કર્યા પહેલાં તેની ઉપયોગિતા કે યોગ્યતા સમજાતી નથી. અમુક વસ્તુ સારી અથવા ઉપયોગી છે માટે આપણે તે મેળવવા મથતા નથી, પણ આપણે તે મેળવવા મથીએ છીએ માટે તે સારી કે ઉપયોગી લાગે છે.
કલાને ક્રિયાત્મક ક્ષેત્ર સાથે સંબંધ નથી
કેટલાક લોકો કલાનો સંબંધ કાર્ય સાથે જોડે છે અને પછી કાર્યના ક્ષેત્રના નિયમ કલાના ક્ષેત્રને લાગુ પાડે છે, જે ભૂલ છે. જેમ પ્રતિભાનની પાયરી તાર્કિક જ્ઞાનની પાયરીથી ભિન્ન છે, તેમ જ્ઞાનાત્મકતાની પાયરી ક્રિયાત્મકતાની પાયરીથી ભિન્ન છે. ક્રિયાને જ્ઞાન અપરિહાર્ય છે પણ જ્ઞાનને ક્રિયા અપરિહાર્ય નથી. કલા તો પ્રતિભાન છે. એને તો તાર્કિક જ્ઞાનની પણ જરૂર નથી. પછી એને ક્રિયાત્મકતાની સાથે એક માની જ શી રીતે શકાય? આ ભૂલ થવાનું કારણ એ છે કે આપણે કલાકૃતિથી માણસે ક્રિયા કરીને ઉપજાવેલી વસ્તુ – જેમ કે પટ કે ભીંત ઉપરનું ચિત્ર કે માટી કે પથ્થરનું પૂતળું વગેરે સમજીએ છીએ, પણ ક્રોચેને મતે કલાકૃતિ એ ચિત્રકારે રંગેલો પટ કે મૂર્તિકારે આકાર આપેલો પથ્થર વગેરે બાહ્ય વસ્તુઓ નથી. એ બાહ્ય વસ્તુઓ બનાવવી એ કલાકૃતિનું નિર્માણ નથી. જે ક્ષણે સંવેદન વિગતપૂર્ણ થઈને આકારિત થાય છે તે જ ક્ષણે તેની અભિવ્યક્તિ સધાય છે, અને ત્યાં જ કલાકૃતિની નિર્માણપ્રક્રિયા પૂરી થાય છે. એ અભિવ્યક્તિ આંતરિક વસ્તુ છે. કવિના ચિત્તમાં જે કવિતા રચાય છે તે એક સંપૂર્ણ અભિવ્યક્તિ હોય છે અને એ અભિવ્યક્તિ સધાયા પછી જો તે તેને બાહ્ય સ્વરૂપ આપવા માટે મુખવિવર ખોલે અને વૈખરીથી શબ્દો ઉચ્ચારે તો તે જુદી જ પ્રક્રિયા થઈ. એ પ્રક્રિયાનો આધાર કવિની સંકલ્પશક્તિ ઉપર છે. એને ને કલાની નિર્મિતિને કશો સંબંધ નથી. ખરી કલાકૃતિ કલાકારના મનમાં જ હોય છે. બહારની વસ્તુ કલાકૃતિ કહેવાય જ નહિ.
કલામાં વસ્તુની પસંદગી અશક્ય
કલાનિર્મિતિમાં સંકલ્પશક્તિનો કોઈ વ્યાપાર હોતો જ નથી. તે એનાથી સંપૂર્ણપણે સ્વતંત્ર અને સ્વયંપર્યાપ્ત હોય છે. આથી કલાના સંદર્ભમાં સંકલ્પશક્તિની અને તેને આનુષંગિક એવી ઉદ્દેશ્ય, સાધ્ય વગેરેની વાત કરવી નકામી છે. કેટલાક લોકો જે એમ કહે છે કે કવિએ વસ્તુ યોગ્ય પસંદ કરવું જોઈએ, તેમને ખબર નથી કે જ્યાં સુધી પ્રતિભાન – અભિવ્યક્તિ ન સધાય ત્યાં સુધી તેની ખબર પડતી નથી અને અભિવ્યક્તિ સધાઈ એટલે તો કલાકૃતિ નિર્માણ થઈ ચૂકી. અનાકારિત સંવેદનનું જ્ઞાન થતું નથી, પછી તેની પસંદગી કરવાની તો વાત જ શી? ક્રોચેએ કહ્યું છે કે વસ્તુ તો ગર્ભ જેવું છે. એ કલાકારના ચિત્તમાં શી રીતે આવ્યું તેની કલાકારને જ ખબર નથી હોતી, માત્ર તેના જન્મની ક્ષણ આવી છે એટલું જ તેને સમજાય છે. પણ મનમાં તેનો ઉદય થવો એ કલાકારની ઇચ્છાની વાત નથી. આમ, કલાકાર વસ્તુ પસંદ કરતો ન હોઈ કલાકૃતિના વસ્તુનું નૈતિક દૃષ્ટિએ મૂલ્યાંકન કરવું એ ભૂલ છે. આપણે જ્યારે એમ કહીએ છીએ કે કલાકારે વસ્તુ ખોટું પસંદ કર્યું છે ત્યારે, ખરું જોતાં, થતું એ હોય છે કે કોઈ કલાકૃતિ જોતાં તેમાંની પરસ્પરવિરોધી વાતો આપણને ખટકે છે, તેમાં અભિવ્યક્તિ બરાબર સધાઈ નથી એમ આપણને સમજાય છે, અને અભિવ્યક્તિમાંના દોષને કારણે આપણને કલાકૃતિ ખરાબ લાગે છે. પણ આપણે એમ કહેવાને બદલે કલાકારે વસ્તુ ખરાબ પસંદ કર્યું છે એમ કહીએ છીએ. અને વિવેચકો જ્યારે કોઈ કલાકૃતિને સુસંપૂર્ણ અને દોષરહિત જાહેર કરે છે છતાં એ કૃતિના વિષયવસ્તુને અયોગ્ય અને નિંદાપાત્ર ઠરાવે છે ત્યારે પણ ભૂલ કરે છે. કારણ, જો એ અભિવ્યક્તિ સાચે જ સુસંપૂર્ણ હોય તો વિવેચકોએ કલાકારને શાંતિથી જીવવા દેવો જોઈએ. કારણ, કલાકાર તો તેના આત્માને જે ક્ષુબ્ધ કરે તેમાંથી જ પ્રેરણા પામી શકે છે. એટલે કલાકારે અમુક વિષય જ લેવો અને અમુક ન લેવો એમ કહેવાનો કશો અર્થ નથી. જો તેમાં કશુંક નૈતિક દૃષ્ટિએ વાંધાભર્યું હોય તો દોષ કલાકારનો નહિ, પરિસ્થિતિનો છે. જો કલાકૃતિમાંનું વસ્તુ કુરૂ૫ કે કુત્સિત ન હોવું જોઈએ એમ લાગતું હોય તો કલાકારની આસપાસની પરિસ્થિતિમાંની કુત્સિતતા દૂર કરવી જોઈએ. જ્યાં સુધી જગતમાં કુત્સિતતા છે ત્યાં સુધી કલામાં તે આવવાની. કલાનિર્મિતિની બાબતમાં વસ્તુની પસંદગીની વાત અપ્રસ્તુત છે. એને જો કલાકાર મહત્ત્વ આપે તો તેની સહજ અભિવ્યક્તિમાં બાધા આવે અને કલાને હાનિ પહોંચે, પણ કેટલીક વાર એ કલાકારને પોતાની જાતને ઓળખવામાં એટલે કે પોતાની સંવેદનાને અને પ્રેરણાને એળખવામાં મદદ કરે છે, તથા તેને સમકાલીન ઇતિહાસની અને પોતાની અંગત રુચિની માંગ વિશે સભાન બનાવી લાભ પણ કરી આપે છે. આવા દાખલાઓમાં પસંદગીની પ્રક્રિયા અભિવ્યક્તિને ફક્ત ઓળખે છે અને મદદ કરે છે. તે પોતાને કલાકૃતિની માતા માને છે પણ હોય છે સુયાણી.
કલાની સ્વાધીનતા
વિષયવસ્તુની પસંદગી સંભવતી જ નથી એ વસ્તુ કલાની સ્વાધીનતાને પૂર્ણતા અર્પે છે, અને ‘કલા ખાતર કલા’નો અર્થ એટલો જ થાય છે કે કલા તાર્કિક જ્ઞાન કે ઉપયોગિતા કે નીતિથી પર છે. એનો અર્થ એવો નથી કે છીછરી કે ભાવની દૃષ્ટિએ ઉષ્મા વગરની કલાનું સમર્થન કરવું. કલા છીછરી અથવા ભાવશૂન્ય બની જાય છે તેનું કારણ વિષયવસ્તુનો દોષ નથી પણ તેનું બરોબર આકલન થયું હોતું નથી અને તેથી અભિવ્યક્તિ પણ યથાયોગ્ય રીતે થઈ નથી હોતી એ હોય છે.
શીલ તેવી શૈલી એટલે?
Style is the man `શીલ તેવી શૈલી’ – એનો અર્થ કલાકારના પ્રતિભાનનું તેની કલામાં પ્રતિબિંબ પડે છે એટલો કરતાં હો તો તે સાચું છે, પણ એમાં નકામી દ્વિરુક્તિ થાય છે. કલા એટલે જ પ્રતિભાન. આથી એ વચનનો અર્થ એવો થશે કે કલાકારના પ્રતિભાનમાં તેના પ્રતિભાનનું પ્રતિબિંબ હોય છે. પણ જો એનો અર્થ એવો કરતા હો કે કલાકારના સમગ્ર વ્યક્તિત્વનું – તેની જ્ઞાનાત્મક તેમ જ ક્રિયાત્મક બંને બાજુનું – કલામાં પ્રતિબિંબ હોય છે તો તે ખોટું છે. કલાકૃતિમાં ફક્ત પ્રતિભાન જ હોય છે. એ જ્ઞાન સ્વતંત્ર અને સ્વયંપર્યાપ્ત હોય છે. એમાં સામાન્ય વિષયક તર્કપ્રાપ્ત જ્ઞાન તથા ક્રિયાત્મક બાજુ અનુસ્યૂત હોતી નથી એટલે માણસના કેવળ પ્રતિભાન ઉપરથી તેના સમગ્ર વ્યક્તિત્વનો ખ્યાલ બાંધવો એ ભૂલ છે. જે કલાકારની કૃતિમાં ઉદારતાનું નિરૂપણ હોય તે પોતે પણ ઉદાર હોય એમ માનવું એ, જેની કૃતિમાં ખૂનનું નિરૂપણ હોય તે ખૂની હોવો જોઈએ એમ માનવા જેવું વાહિયાત છે.
કલાકારની પ્રામાણિકતા
કલાકાર પાસે પ્રામાણિકતા (સિન્સેરિટી)ની અપેક્ષા રાખવામાં આવે છે. અહીં પ્રામાણિકતાના બે અર્થ સંભવે છે. એક તો કોઈને ન છેતરવું તે, એવો જો એનો અર્થ લઈએ તે કલાકાર કોઈને છેતરતો નથી. કારણ, તેના આત્મામાં જે હોય છે તેને તે અભિવ્યક્ત કરે છે. તે છેતરે છે એમ તો જ કહેવાય જો તે પોતાના દિલમાં જે હોય તેને અભિવ્યક્ત ન કરે. જો તેના અંતરમાં અસત્ય અને પ્રપંચ હોય અને તેને તે રૂપે આપે તો તે કંઈ અસત્ય કે પ્રપંચ ન કહેવાય, કારણ, એ અસત્ય અને પ્રપંચ પ્રતિભાનના સ્તરના જ હશે, અને તેથી એને ક્રિયાત્મક બાજુ જ નહીં હોય. ક્રિયાત્મક સ્તર ઉપરનું અસત્ય હોય તો તે વ્યવહારની ભૂમિકા ઉપર પરિણામ નિપજાવી શકે. પ્રતિભાનની ભૂમિકાનું અસત્ય તો કેવળ ભાવન માટે જ હોય છે. વળી કલાકારમાં પોતાનામાં જો નૈતિક દોષ હશે તો તે કલાકૃતિમાં અભિવ્યક્ત થતાં તેના આત્માની શુદ્ધિ થશે, એમ ક્રોચે કહે છે. પણ પ્રામાણિકતાનો અર્થ અભિવ્યક્તિની પરિપૂર્ણતા અને સચ્ચાઈ એવો કરો તો એને ને નૈતિક પ્રામાણિકતાને કશો સંબંધ નથી. માત્ર નીતિશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્ર એક જ શબ્દ વાપરે છે એટલું જ.