વીક્ષા અને નિરીક્ષા/કલામાં સુખવાદની ચર્ચાઃ
કલામાં સુખવાદની ચર્ચા
ઉચ્ચતર ઇન્દ્રિયોને રીઝવે તે સુંદર?
કલામાં સુખવાદીઓ બધી જ સુખદ વસ્તુઓને સુંદર નથી માનતા. તેઓ આંખ અને કાન જેવી કહેવાતી ઉપલા દરજ્જાની ઇન્દ્રિયોને સુખદ હોય તેવી વસ્તુઓને જ સુંદર માને છે. ક્રોચેને આ માન્ય નથી. તેને મતે સંવેદન કોઈ પણ પ્રકારનું હોય પણ તે આકારિત થાય એટલે કલાકૃતિ બને અને તે સુંદર ગણાય. કોઈ પણ ઇન્દ્રિય મારફતે થતું સંવેદન આકારિત ન થાય ત્યાં સુધી તે અભિવ્યક્તિ ન બને અને સુંદર ન કહેવાય. વળી, અમુક ઇન્દ્રિયનું સંવેદન આકારિત થશે જ એવો કોઈ નિયમ નથી. જો ઇન્દ્રિય મારફતે મળતા સુખને સુંદર કહીએ તો બધાં જ ઇન્દ્રિયસુખને કલાનંદ કહેવાનો વારો આવે.
કલા ક્રીડા?
કલા એ ક્રીડા છે એ વાદ પણ ક્રોચેને માન્ય નથી. ક્રીડા ક્રિયાસ્વરૂપ છે, કલા પ્રતિભાનરૂપ છે, એટલે તેને ક્રિયાત્મક પ્રવૃત્તિ સાથે એકરૂપ માની શકાય જ નહિ.
કલાનો ઉદ્ભવ કામવૃત્તિમાંથી?
કેટલાક કલાનો ઉદ્ભવ કામવૃત્તિમાંથી થાય છે અને કલાનંદ એ કામાનંદ છે એમ કહે છે, પણ ક્રોચે કહે છે કે સ્ત્રીપ્રેમમાં સફળતા મેળવવા માટે કલાનો ઉપયોગ થાય છે એ ખરું, પણ તેથી કંઈ કલાનો જન્મ એટલા માટે જ થયો છે એમ ન કહેવાય. કવિને પૈસા મળે છે, પણ તેથી કંઈ કાવ્યનો હેતુ પૈસા છે એમ ન કહેવાય.
હૃદ્યતા કલા?
કેટલાક કલાને જે આપણને હૃદ્ય લાગે, જે આપણામાં સહાનુભૂતિ જગાડે, આપણને આકર્ષે, સુખ આપે, અને આદરમિશ્રિત કૌતુક જગાડે તેની સાથે એકરૂપ માને છે. એનો અર્થ એ થયો કે અભિવ્યક્તિ અથવા કલા, જે આપણને સુખ આપે તેની મૂર્તિ છે. આમાં બે વસ્તુ સમાય છે: ૧. આકારિત કરવાની પ્રક્રિયા અને ૨. જેને આકાર આપવાનો છે તે સુખદ વસ્તુઓ. એનો અર્થ એ થયો કે બધી અભિવ્યક્તિ નહિ પણ આપણને સુખદ લાગતી વસ્તુની અભિવ્યક્તિ જ સુંદર હોય અને કલા ગણાય છે. પણ અભિવ્યક્તિમાત્રને કલા માનનાર ક્રોચે આ વાદ શી રીતે સ્વીકારે? બીજી વાત એ કે અભિવ્યક્તિ સધાયા પછી જ વસ્તુ હૃદ્ય છે કે કેમ તેની ખબર પડે છે. અને હૃદ્યતા એ અભિવ્યક્તિ કરતાં જુદું જ મૂલ્ય છે. આ લોકોને મતે અભિવ્યક્તિનું મૂલ્ય અને હૃદ્યતાનું મૂલ્ય મળીને કલાકૃતિનું મૂલ્ય થાય છે, જ્યારે ક્રોચેને મતે અભિવ્યક્તિનું મૂલ્ય એ જ કલામૂલ્ય છે.
કલાનું પ્રયોજન સુખ કે ઉપદેશ નથી
કલા સુખનું સાધન છે એમ માનો એટલે એનો ઉપભોગ કે ઉપયોગ શા માટે કરવો એેવો પ્રશ્ન જાગે; કલાનું પ્રયોજન શું એેવો પ્રશ્ન અભિવ્યક્તિવાદમાં ઉદ્ભવતો જ નથી. કલાએ સુખ કે બોધ આપવો જોઈએ એવું ક્રોચે સ્વીકારતો નથી. એ મતમાં કલાકૃતિ માટે વસ્તુની પસંદગી કરવાની વાત ગર્ભિત છે અને તે શક્ય નથી એમ ક્રોચેએ કહેલું જ છે.
કેવળ સૌંદર્ય
કેટલાક કેવળ સૌંદર્યની, શુદ્ધ કવિતાની વાત કરે છે. તેમને ઉદ્દેશીને ક્રોચે કહે છે કે એનો અર્થ જો એટલો જ હોય કે કલા ઇન્દ્રિયસુખ અથવા નૈતિક બોધનું સાધન નથી તો મને એ માન્ય છે, પણ જો એનો અર્થ આ જગતની પારનું, અનિર્વચનીય, અગમ્ય એવું કશું હોય તો તે મને બિલકુલ માન્ય નથી.