વીક્ષા અને નિરીક્ષા/વ્યાજ વિભાવનાઓઃ

૧૨
વ્યાજ વિભાવનાઓ

કલાના વસ્તુની હૃદ્યતા, રોચકતા, આહ્લાદકતાના સિદ્ધાંતને કારણે સૌંદર્યમીમાંસામાં અનેકાનેક વ્યાજ વિભાવનાઓ (સુડો કોન્સેપ્ટ્સ) પેસી ગઈ છે. જેવી કે ટ્રૅજિક, કૉમિક, સબલાઇમ, પૅથેટિક, મુવિંગ, ઍટ્રેક્ટિવ, વાયોલન્ટ, વગેરે, વગેરે. એણે રોચકતાને સ્વીકારી અને તેને સુંદર માની એટલે તેનાથી ઊલટું તે બીભત્સતા અને તે અસુંદર અથવા કુરૂપ એમ ઠર્યું. આ બે વચ્ચેની અનંત પાયરીઓ સ્વીકારવામાં આવી અને તેને માટે આ બધી વ્યાજવિભાવનાઓ યોજવી પડી. એ વિભાવનાઓ વ્યાજ એટલા માટે છે કે એની સ્પષ્ટ કે ચોક્કસ વ્યાખ્યા બાંધી શકાતી નથી.

કલામાં કુરૂપ

આમાંથી બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે કલામાં કુરૂપનું શું સ્થાન? ક્રોચે તો અભિવ્યક્તિમાત્રને કલા અને સુંદર માને છે. જ્યાં જ્યાં અભિવ્યક્તિ ત્યાં ત્યાં કલા અને ત્યાં ત્યાં સૌંદર્ય, એટલે એને માટે કલાકૃતિમાં કુરૂપતા હોવાનો પ્રસંગ જ આવતો નથી. કોઈ કલાકૃતિમાં ક્રૂરતાની અભિવ્યક્તિ હોય અને તે સફળ હોય તો ક્રોચેને મતે એ સુંદર ઠરશે, પણ જેઓ વસ્તુની રોચકતાની દૃષ્ટિએ તપાસે છે તેમને મતે એ કુરૂ૫ ઠરશે. અથવા તેને સુંદર કહેવી હશે તો એમ કહેવું પડશે કે મૂળે સુંદર નહિ એવા વસ્તુને કલાકારે સુંદર બનાવ્યું છે. અને પછી એમાંથી એવું કહેવાનો વારો આવશે કે અમુક અસુંદર વસ્તુને સુંદર બનાવી શકાય છે પણ અમુકને બનાવી શકાતું નથી. પછી એ રીતે વસ્તુનું વર્ગીકરણ કરવાનું ૫ણ પ્રાપ્ત થશે અને એ લોકો એમ કહેશે કે જે વસ્તુ સુંદર બનાવી શકાય તેને જ કલાકૃતિમાં સ્થાન છે, અને કલાકૃતિમાં કુરૂપતાનું કામ સૌંદર્યને અથવા રોચકતાને ઉઠાવ આપવાનું છે. આમાંની એકે વસ્તુ ક્રોચેને માન્ય નથી. એ કહે છે કે આ બધી વ્યાજ વિભાવનાઓને સૌંદર્યમીમાંસામાં સ્થાન નથી, માનસશાસ્ત્રમાં છે.

વ્યાજ વિભાવનાઓનો કલા સાથે સંબંધ

પ્રકરણને અંતે ક્રોચેએ એટલી સ્પષ્ટતા કરી છે કે આ વ્યાજ વિભાવનાઓનો સૌંદર્યમીમાંસાની સુંદર અને કુરૂ૫ એ વિભાવનાઓ સાથે એટલો જ સંબંધ છે કે એ વ્યાજ વિભાવનાઓથી નિર્દેશાતું વસ્તુ જીવનનો અંશ હોઈ એની અભિવ્યક્તિ થઈ શકે છે, એટલે તેનો કલામાં સમાવેશ થાય છે, તે ઉપરાંત, બીજો એક આકસ્મિક સંબંધ પણ શક્ય છે. કોઈ મહાન કવિની કૃતિનો આસ્વાદ લેતી વખતે ભાવકને વિરાટતાનો કે હાસ્યકારકતાનો અનુભવ થાય છે. પણ એ અનુભવ કલાનુભવથી ભિન્ન છે અને સૌંદર્યમીમાંસામાં પ્રસ્તુત નથી. ત્યાં પ્રસ્તુત પ્રશ્ન અભિવ્યક્તિ યથાયોગ્ય છે કે કેમ એટલો જ હોય છે

.