વીક્ષા અને નિરીક્ષા/કલામીમાંસામાં ઇતિહાસદૃષ્ટિ અને બૌદ્ધિક દૃષ્ટિ :

From Ekatra Foundation
Jump to navigation Jump to search

કલામીમાંસામાં ઇતિહાસદૃષ્ટિ અને બૌદ્ધિક દૃષ્ટિ

કલામાં સંભાવ્ય

સંભવિતતાની અપેક્ષા ઇતિહાસમાં પ્રસ્તુત છે, કવિતામાં નથી. પણ આ વસ્તુ સ્પષ્ટ ન હોઈ ઘણા કાવ્યનો વિષય સંભાવ્ય (પ્રૉબેબલ) વસ્તુ છે એમ કહે છે. અહીં સંભાવ્યનો અર્થ સુસંગત, અસરકારક, પૂર્ણ એટલો જ કરવો જોઈએ. કારણ, કાવ્યમાં પરીઓ અને રાક્ષસોને સ્થાન છે. એ કંઈ વાસ્તવ જગતમાં સંભવતાં નથી. કોઈ વાર ‘સંભાવ્ય’ને બદલે ‘શક્ય’ (પ્રૉસિબલ) શબ્દ વાપરવામાં આવે છે. ત્યાં પણ તેનો અર્થ જેની કલ્પના કરી શકાય, જેનું પ્રતિભાન થઈ શકે, એવો જ કરવો જોઈએ.

કલામાં વિચાર

કલાનું કામ વિચારો કે સાર્વત્રિક નિયમો સમજાવવાનું છે એમ કેટલાક કહે છે. કલા એ કામ જરૂર કરી શકે, પણ તો તે પોતાના સ્વધર્મથી ચ્યુત થાય. તે વિજ્ઞાનની કે શાસ્ત્રની દાસી બને.

કલા અને વર્ગ

કેટલાક લોકો કલાનું કામ વર્ગ(ટાઇપ)નું નિરૂપણ કરવાનું છે એમ કહે છે, તે પણ ભૂલ છે. કલા તો વ્યક્તિનું જ ચિત્ર દોરી શકે. એ જ તેનું કામ છે, પછી તમારે તે વ્યક્તિચિત્રને કોઈ વર્ગનું પ્રતિનિધિ માનવું હોય તો માનો, પણ ખરું જોતાં, તે પોતાનું જ પ્રતિનિધિત્વ કરતું હોય છે. ભદ્રંભદ્ર ભદ્રંભદ્ર જ છે.

કલા પ્રતીક?

જે લોકો કલાને પ્રતીક (સિમ્બલ) ગણે છે, તેઓ પણ આવી જ ભૂલ કરે છે. કારણ, પ્રતિભાન અને એ જેનું પ્રતીક છે તે જો એક જ હોય તો એ તો એક જ વસ્તુને બે નામ આપ્યાં કહેવાય. અને જો એ બે વસ્તુ જુદી હોય તો તે પ્રતિભાન કાઈ અમૂર્ત વિચાર કે સિદ્ધાંતને મૂર્તરૂપે રજૂ કરે છે એમ થયું, જે એનું કામ નથી. તો પછી શાસ્ત્ર અને કલા વચ્ચે ભેદ ક્યાં રહ્યો? કેટલીક વાર કલાકૃતિ તૈયાર થયા પછી તે અમુકનું પ્રતીક છે એમ કહેવામાં આવે છે. ત્યાં એક અભિવ્યક્તિ સાથે બીજી અભિવ્યક્તિ જોડવા જેવું થાય છે. એ બે વચ્ચે કોઈ જીવંત સંબંધ હોતો નથી. કોઈ સ્ત્રીના પૂતળાને ‘દયા’ કહેવામાં આવે ત્યારે એ પૂતળું એક અભિવ્યક્તિ છે, અને ‘દયા’ પણ એક અભિવ્યક્તિ છે. બેને પાસે પાસે મૂકવાથી કલાના સ્વરૂપને બાધ નથી આવતો. પણ એ કાવ્યને અંતે ગદ્ય ફકરો જોડ્યા જેવું થાય છે અને એથી ભાવકનું ધ્યાન દ્વિધાવિભક્ત થઈ જાય છે, એમ ક્રોચે ‘એસન્સ ઑવ ઇસ્થેટિક’માં કહે છે.

કલાના પ્રકાર ન પડાય

સાહિત્ય અથવા કલાના પ્રકાર પાડવા એ પણ ઘાતક છે. માણસનું ચિત્ત પ્રતિભાનના સ્તર ઉપરથી તાર્કિક જ્ઞાનના સ્તર ઉપર જઈ તો શકે છે, પણ એમ કરવા માટે તેણે પ્રતિભાનનો વિષય જે વૈશિષ્ટ્યપૂર્ણ પદાર્થો તેને એળંગીને સામાન્યમાં પ્રવેશ કરવો પડે છે. પ્રત્યેક પદાર્થની વિશેષતાની ઉપેક્ષા કરી તે પદાર્થો વચ્ચે સમાનતાની, સામાન્યની શોધ કરવા માંડે છે. એટલે કે તે પ્રતિભાનનો નાશ કરે છે. એ વાત સાચી કે એ બીજા સ્તરે પણ મૂર્ત અભિવ્યક્તિ તો પ્રગટે છે, પણ તે પહેલી અભિવ્યક્તિનો સંહાર કરીને. પ્રત્યેક સાહિત્યકૃતિની પોતાની આગવી વિશેષતા હોય છે. માણસ અનેક સાહિત્યકૃતિઓ જુએ છે ત્યારે તે તેમની વચ્ચે કોઈક સંબંધ શોધવા પ્રેરાય છે અને પછી તેમની વિશેષતાઓ પ્રત્યે આંખ આડા કાન કરી તેમની વચ્ચે સમાનતા શોધે છે, અને તેમને અમુક જાતિ કે પ્રકારોમાં વહેંચે છે, જેમ કે, મહાકાવ્ય, ઊર્મિકાવ્ય, નાટક, નવલકથા, ટૂંકી વાર્તા, સૉનેટ, વિલાપકાવ્યો, કથાકાવ્યો, પ્રેમકાવ્યો વગેરે. એ વખતે આપણે સહૃદય મટીને તાર્કિક બની જઈએ છીએ. આપણે પહેલે પગથિયેથી બીજે પગથિયે ચડી ગયા હોઈએ છીએ અને એ વાત ધ્યાનમાં રહેતી નથી. ‘કૌટુંબિક જીવન’, ‘સ્ત્રીદાક્ષિણ્ય’, ‘ક્રૂરતા’ આ બધાં કંઈ સંવેદન નથી. એ તો વિભાવનાઓ છે. છતાં આપણે એમ પૂછીએ છીએ કે ‘કૌટુંબિક જીવન’ અથવા ‘સ્ત્રીદાક્ષિણ્ય’ શી રીતે અભિવ્યક્ત થઈ શકે? ખરું જોતાં, આ શબ્દો જ તે તે વિભાવનાની અભિવ્યક્તિ છે. એની વળી બીજી અભિવ્યક્તિ શી રીતે થઈ શકે? એ જ રીતે સાહિત્યકૃતિના આત્મલક્ષી અને પરલક્ષી એવા ભાગ પાડવા એ પણ ખોટું છે. કલાની દૃષ્ટિએ વિશ્ર્લેષણ કરતાં આત્મલક્ષી અને પરલક્ષી, મહાકાવ્ય અને ઊર્મિકાવ્ય, ભાવની મૂર્તિ અને વસ્તુની મૂર્તિ એવો ભેદ રહેતો જ નથી.

વર્ગીકરણની વિવેચન ઉપર અસર

આવું વર્ગીકરણ સ્વીકારીએ એટલે વિવેચન પણ દૂષિત બને છે. કોઈ કૃતિ વાંચતાં તે વિલાપકાવ્ય છે કે સૉનેટ છે કે ટ્રૅજડી છે એનો જ વિચાર કરીએ છીએ, તેની વિશેષતાનો નથી કરતા અને પછી તેને કોઈ વર્ગમાં ગોઠવી શકાય એટલે તેનો આસ્વાદ માણ્યો એમ માની લઈએ છીએ. ખરું જોતાં, દરેક કૃતિ અપૂર્વ, અનન્યસાધારણ હોય છે. અને તેની તે અપૂર્વતા અને અનન્યસાધારણતા જ માણવાની હોય છે. તેને બદલે આપણે બીજી કૃતિઓ સાથેનું તેનું સામ્ય શોધવામાં પડી જઈએ છીએ, અને તે વર્ગના નિયમો તેને લાગુ પાડી તેનું મૂલ્યાંકન કરવા પ્રયત્ન કરીએ છીએ. સાચો પ્રતિભાશાળી કવિ એ નિયમોને ગાંઠતો જ નથી, અને પ્રત્યેક નવી કૃતિ તે તે વર્ગની સીમાઓને વિસ્તારતી જ રહે છે, અને પરિણામે નવા નિયમો કરવા પડે છે. આ વર્ગીકરણને કારણે જ લોકો અમારે ત્યાં આ નથી ને તે નથીનાં રોદણાં રડે છે. જેમ કે, ગુજરાતીમાં મહાકાવ્ય નથી, સંસ્કૃતમાં ટ્રૅજડી નથી, વગેરે – એ જ રીતે કેટલાક લોકોએ સાહિત્યકૃતિઓનો ઇતિહાસ લખવાને બદલે આવા પ્રકારોનો ઇતિહાસ લખવાના ઉધામા કર્યા છે!

એની મર્યાદિત ઉપયોગિતા

[એસન્સ ઑવ ઇસ્થેટિકમાં ક્રોચે આવા વર્ગીકરણની અમુક ઉપયોગિતા સ્વીકારે છે. પણ કહે છે કે એને વધુ પડતું મહત્ત્વ ન આપવું જોઈએ. વળી, એ વર્ગીકરણ માટે વપરાતાં ધોરણોનો કોઈ તાર્કિક આધાર નથી અને તેમને શાશ્વત નિયમો માની લેવા ન જોઈએ.]