વીક્ષા અને નિરીક્ષા/કલા અને તત્ત્વજ્ઞાન :


કલા અને તત્ત્વજ્ઞાન

પ્રતિભાન અને તાર્કિક જ્ઞાનનો સંબંધ

તાર્કિક જ્ઞાનને પ્રતિભાન વગર ન ચાલે પણ તાર્કિક જ્ઞાન વગર પ્રતિભાન સંભવે. તાર્કિક જ્ઞાન એ પ્રતિભાન પછીની કક્ષા છે, પણ તેથી કંઈ તેનો પ્રતિભાન સાથેનો સંબંધ નાશ પામતો નથી. દરેક કક્ષાએ પ્રતિભાન હોય છે અને દરેક કક્ષાની લાગણી(ભાવ)ને અનુરૂ૫ તેની અભિવ્યક્તિ ૫ણ હોય છે. જે માણસ બોલે છે તે વિચાર કરીને જ બોલે છે એવું નથી બનતું, ૫ણ જે વિચાર કરે છે તે તો બોલતો જ હેાય છે. ભાષા વગર વિચાર સંભવતો નથી. કેટલીક વાર આપણે ભાષા વગર ૫ણ વિચાર કરીએ છીએ, જેમ કે ભૌમિતિક કે ગાણિતિક ચિહ્નો દ્વારા, એનો ક્રોચે સ્વીકાર કરે છે, અને કહે છે કે ભાષા એટલે કેવળ ભાષા જ નહિ, ૫ણ ભાષાનું કામ કરતી બીજી વસ્તુઓ ૫ણ ખરી. અહીં એ ચિહ્નો ભાષાનું કામ કરે છે. [તેમ છતાં અહીં એક મુશ્કેલી રહે છે અને તે એ કે બધાં જ પ્રતિભાન અને માટે જ બધી અભિવ્યક્તિ જો કોઈ ને કોઈ ભાવની અભિવ્યક્તિ હેાય તો અ. ચિહ્નો ૫ણ કોઈ ભાવને વ્યક્ત કરે છે એમ માનવું પડે અને એ કોઈને ગળે ન પણ ઊતરે.] કેટલાક લોકો માનવેતર પ્રાણીઓ ૫ણ વિચાર કરે છે એમ કહે છે; તો ત્યાં એ પ્રાણીઓ ૫ણ ભાષા વાપરે છે એમ જ માનવું જોઈએ. એમ ન માનવાને કશું કારણ નથી. કાઈ પુસ્તક વિશે આપણે એમ કહીએ છીએ કે એમાં વિચાર સારો છે ૫ણ અભિવ્યક્તિ સારી નથી. અહીં આપણે વિચાર અને અભિવ્યક્તિને અલગ પાડીએ છીએ. ૫ણ ક્રોચે કહે છે કે એનો અર્થ એટલો જ છે કે એ પુસ્તકમાં ક્યાંક વિચાર અને વાણી બંને સારાં છે, અને ક્યાંક વિચાર અને વાણી બંને અસ્પષ્ટ છે. જો અભિવ્યક્તિમાં ગૂંચવાડો હોય તો વિચારમાં નથી એમ શી રીતે કહી શકાય? [આની વિરુદ્ધ આપણે ‘હિંદ સ્વરાજ’નો દાખલો ટાંકી શકીએ. મેં મારા એક લેખમાં બતાવ્યું છે તેમ ગુજરાતી આવૃત્તિમાં ઘણા વાક્યો એવાં છે, જેમાં અર્થ ગોટાઈ ગયેલો અથવા અસ્પષ્ટ છે, પણ એ જ સમયે ગાંધીજીએ પોતે કરેલ એના અંગ્રેજી અનુવાદમાં અર્થ સ્પષ્ટપણે વ્યક્ત થતો જોવા મળે છે. એનો અર્થ એ કે ગાંધીજીના મનમાં વિચાર તો સ્પષ્ટ છે માટે જ તેઓ અંગ્રેજીમાં તેને સ્પષ્ટપણે રજૂ કરી શક્યા, પણ ગુજરાતી ભાષા ઉપર કાબૂ ઓછો છે માટે ગુજરાતીમાં એ વિચાર સારી રીતે વ્યક્ત કરી શક્યા નથી.] પ્રત્યેક વિચારની સાથે તેની અભિવ્યક્તિ હોય જ એટલે પ્રત્યેક શાસ્ત્રીય ગ્રંથ પણ કલાકૃતિ જ હોય છે, કારણ, અભિવ્યક્તિ = કલા.

કલા અને શાસ્ત્ર

શાસ્ત્રીય ગ્રંથોમાં આપણે ભાષાની કચાશ ચલાવી લઈએ છીએ, કલાકૃતિમાં ચલાવી લેતા નથી. જેની અભિવ્યક્તિ અધૂરી કે દોષવાળી તે કલાકાર નહિ. કાવ્યનું વસ્તુ અનાકારિત ભાવ છે, અને તે તો બધાના જ મનમાં હોય છે, પણ બધા જ તેને પૂરેપૂરી રીતે અભિવ્યક્ત કરી શકતા નથી. જે કરી શકે તે કવિ. શાસ્ત્રગ્રંથનું વસ્તુ વિચારવિભાવનાત્મક હોય છે. કાવ્યમાં વિચાર હોય જ એવું નથી. તેથી વિચારને જ વસ્તુ માનનાર લોકો કહે છે કે કાવ્યમાં વસ્તુનું નહિ પણ અભિવ્યક્તિનું જ મહત્ત્વ હોય છે, બલકે કાવ્યમાં વસ્તુ જ હોતું નથી. વિચારને જ વસ્તુ માનીએ તો એ સાચું છે.

ગદ્ય અને કાવ્ય

કાવ્ય અને શાસ્ત્રના ફરકમાંથી જ કાવ્ય અને ગદ્યનો ફરક ફલિત થાય છે. કાવ્ય ગદ્યથી જુદું પડે છે, તે છંદ, પ્રાસ લય વગેરે બાહ્ય લક્ષણોને કારણે નહિ, પણ એ ભેદ આંતરિક હોય છે. કવિતા છે તે ભાવની, લાગણીની ભાષા છે, ગદ્ય વિચારની. વિચાર સાથે પણ લાગણી અનુસ્યૂત હોય છે એટલે ગદ્યમાં પણ કાવ્યત્વ હોય છે. [એ. બ્રિ.માંના લેખમાં આ સંબંધમાં કહ્યું છે કે તાર્કિક વિચાર કે શાસ્ત્ર સુધ્ધાં જેટલે અંશે અભિવ્યક્તિ પામ્યા હોય છે એટલે અંશે લાગણી અને કલ્પના બની જાય છે, અને તેથી જ કોઈ દાર્શનિક કે ઐતિહાસિક કે શાસ્ત્રીય ગ્રંથ પણ ફક્ત સાચો જ નહિ પરંતુ સુંદર પણ હોઈ શકે છે. અને તેનું મૂલ્યાંકન હમેશાં. ફક્ત તાર્કિક દૃષ્ટિએ નહિ પણ સૌંદર્ય કે કલાની દૃષ્ટિએ પણ કરવું રહ્યું.] તાર્કિક જ્ઞાન વગર પ્રતિભાન સંભવે છે, પણ પ્રતિભાન વગર તાર્કિક જ્ઞાન સંભવતું નથી. તેમ ગદ્ય વગર કવિતા સંભવે છે, પણ કવિતા વગર ગદ્ય સંભવતું નથી. આથી જ કવિતાને માનવની માતૃભાષા કહે છે. ભાષા દ્વારા માણસ પશુ કોટિમાંથી માનવ કોટિમાં, જીવ કોટિમાંથી આત્માની કોટિમાં આવે છે. પણ એનો અર્થ એવો નથી કે ભાષા પશુ અને માનવ વચ્ચેની કડી છે. ભાષા દ્વારા માણસ પશુ કોટિમાંથી પૂરેપૂરો બહાર આવે છે. પ્રતિભાન અને તાર્કિક જ્ઞાન એ બે સિવાય જ્ઞાનનું બીજું કોઈ સ્વરૂપ નથી. કેટલાક લોકો ઐતિહાસિક જ્ઞાનને જ્ઞાનનો ત્રીજો પ્રકાર માને છે તે બરાબર નથી.

ઇતિહાસ અને પ્રતિભાન

ઇતિહાસ અને પ્રતિભાન બંનેનો વિષય વિશિષ્ટ છે, એટલે ઇતિહાસ પણ કલામાં જ આવે. ઇતિહાસનું કામ કથન કરવાનું છે, પુરવાર કરવાનું નથી. તે વિશિષ્ટનું નિરૂપણ કરે છે, સામાન્યનું નથી કરતો, તે સત્યાસત્યના ખ્યાલનો ઉપયોગ કરે છે, પણ તેનું નિર્માણ નથી કરતો. પ્રતિભાનમાં વાસ્તવિક સત્ય અને અસત્ય કે કાલ્પનિક બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે; ઇતિહાસમાં ફક્ત ઐતિહાસિક દૃષ્ટિએ સત્ય વસ્તુનો જ સમાવેશ થાય છે, એટલો એ બે વચ્ચે ફેર છે.