વીક્ષા અને નિરીક્ષા/પ્રતિભાન અને કલા :

પ્રતિભાન અને કલા

આપણે ઉપર જોઈ ગયા કે સામાન્ય માણસના પ્રતિભાનમાં ને કલાકારના પ્રતિભાનમાં તત્ત્વતઃ ભેદ નથી. જે કંઈ ભેદ છે તે પરિમાણગત છે. ક્રોચેને મતે કોઈ ચોટદાર સૂત્રાત્મક વાક્ય જો કલાકૃતિ ગણાય તો એક શબ્દ પણ કલાકૃતિ કેમ ન ગણાય? વાર્તા એ જો કોઈ કલાકૃતિ હોય તો કોઈ પત્રકારનો હેવાલ પણ કલાકૃતિ કેમ ન ગણાય? આમ ક્રોચેને મતે અભિવ્યક્તિમાત્ર કલાકૃતિ છે, અને પ્રત્યેક માણસ જન્મથી જ કલાકાર છે. પ્રતિભાવંત કલાકારને વિશે એક ગેરસમજ એવી પ્રવર્તે છે કે તે જે કંઈ કરે છે તે સંપ્રજ્ઞાતપણે, વિચાર કરીને, યોજનાપૂર્વક કરતો નથી, પણ સહજસ્ફૂર્તપણે કરે છે. પણ ક્રોચે એવું માનતો નથી. કારણ, પ્રતિભાન એ જ્ઞાનના ક્ષેત્રનો વ્યાપાર છે. એમ ન માનીએ તો કલાકૃતિ એ પણ એક અંધ નૈંસર્ગિક જડ જગતની ઘટના બની જાય અને એમાં કલાકારનું ભારે અપમાન છે.

વસ્તુ અને આકાર

કલાકૃતિની બાબતમાં વસ્તુ અને આકારનો પ્રશ્ન વિવાદાસ્પદ છે. કલા શામાં છે, વસ્તુમાં કે આકારમાં કે બંનેમાં? આકારિત થાય ત્યારે જ પ્રતિભાન સંભવે છે. તે વગર તેનું જ્ઞાન થવું જ સંભવિત નથી. ઊલટ પક્ષે, વસ્તુ જો ન હોય તો આકાર ખાલી રહે છે, અને તેનું પણ જ્ઞાન થઈ શકતું નથી. કલા એ કેવળ વસ્તુમાં પણ નથી તેમ કેવળ આકારમાં પણ નથી, તેમ વસ્તુ વત્તા આકારમાં પણ નથી. એ તો આકારિત વસ્તુમાં છે. એમાં સંવેદનો શુદ્ધ બનીને પ્રગટ થાય છે — જેમ પાણી ફિલ્ટરમાંથી શુદ્ધ બનીને બહાર આવે છે તેમ, આ પ્રતિભાનનો, આકાર આપવાનો વ્યાપાર સંવેદનને કે ભાવને શુદ્ધતર બનાવે છે. આ રીતે આકાર પામીને શુદ્ધતર થયા પછી જ આપણને તેનું જ્ઞાન થવા આપે છે. [આ જ વસ્તુ ક્રોચેએ ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’માંના પોતાના લેખમાં આ રીતે સમજાવી છે કે `આપણે કોઈ પણ કાવ્યને તપાસીશું તો તેમાં બે તત્ત્વો માલૂમ પડશે: એક તો મૂર્તિઓનું સંકુલ અને બીજું તેમાં પ્રાણ પૂરતી લાગણી અથવા ભાવ. એ બેને જુદાં જુદાં તત્ત્વો ન ગણી શકાય. અહીં તો ભાવને જ મૂર્તિઓમાં પલટી નાખવામાં આવ્યો હોય છે. એ મૂર્તિમંત ભાવ હોય છે અથવા ભાવની મૂર્તિઓ હોય છે. આથી કવિતાને ભાવ પણ ન કહેવો જોઈએ કે મૂર્તિ પણ ન કહેવી જોઈએ. તેમ એ બેનો સરવાળો પણ ન કહેવો જોઈએ.’ એનો અર્થ એ થયો કે કવિના ચિત્તમાં કોઈ પણ ભાવનું પ્રતિભાન પાત્રો, પરિસ્થિતિ અને પ્રસંગો કે ઘટનારૂપે જ થાય છે. ‘એનસાઇક્લોપીડિયા ઑવ પોયેટ્રી ઍન્ડ પોયેટિકસ’માં માટે જ લખ્યું છે કે `ઇન્ટુઇશન એટલે કોઈ ચોક્કસ પદાર્થનું સંપૂર્ણપણે ઘડાયેલું માનસ ચિત્ર – પછી એ પદાર્થ કોઈ પાત્ર હોય, સ્થાન હોય, ઘટના હોય કે કથા હોય, એ માનસ ચિત્ર અથવા ‘મૂર્તિ’ દ્વારા ભાવ અભિવ્યક્ત થતો હોય છે. એ અભિવ્યક્તિની ક્રિયાને અનુભવપૂર્વ સંયોજન (એપ્રાયોરાઇ સિન્થિસિસ) કહે છે. એ ભાવનું અભિવ્યકત થયા પહેલાં અસ્તિત્વ જ નથી હોતું. અને મૂર્તિઓ ફક્ત એ ભાવની અભિવ્યક્તિ તરીકે જ અસ્તિત્વ ધરાવે છે.’ ભાવનું પ્રતિભાન કવિને, એલિયટના શબ્દોમાં ‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ’ રૂપે જ અથવા આપણા દેશની પરિભાષામાં ‘વિભાવાદિ’ રૂપે જ થાય છે. એ દૃષ્ટિએ આપણો ‘નિરૂપણ’ શબ્દ સારો છે. કવિ ભાવનું નિરૂપણ કરે છે, એટલે કે ભાવને રૂપ આપે છે, તેનું કથન કે વર્ણન નથી કરતો.]

કલા પ્રકૃતિનું અનુકરણ?

‘કલા પ્રકૃતિનું અનુકરણ છે’ – એ મતની ચર્ચા કરતાં તે કહે છે કે એના ઘણા અર્થ થાય છે. જો એનો અર્થ કલા પ્રકૃતિની હૂબહૂ નકલ કરે છે એવો કરો તો એ સાચું નથી. કારણ, મીણનાં હૂબહૂ પૂતળાં જોઈને આપણને બનાવનારના કૌશલથી આશ્ચર્ય થાય છે, પણ કલાત્મક પ્રતિભાન જાગતું નથી. એનું કારણ એ છે કે એમાં ચૈતન્યનો વ્યાપાર નથી. એ કેવળ યાંત્રિક અનુકરણ છે. પણ કોઈ ચિત્રકાર પૂતળાં બનાવનારના ખંડનું ચિત્ર દોરે અથવા કોઈ નટ કોઈ પૂતળાનો અભિનય કરે તો તે કલાકૃતિ બને છે, કારણ, તેમાં ચૈતન્યનો વ્યાપાર આવે છે. ખરું જોતાં, કલા એ પ્રકૃતિનું આદર્શીકરણ છે એટલે કે માનવ ચૈતન્યનો સંસ્પર્શ પામેલી પ્રકૃતિ છે. કલા ભાવાભિવ્યક્તિ ‘કલા જ્ઞાનસ્વરૂપ નથી, તે આપણને જ્ઞાન આપતી નથી, તે તો વિભાવનાના નહિ પણ ભાવના ક્ષેત્રની વસ્તુ છે’, એમ જે લોકો કહે છે તેમને એ ખબર નથી કે પ્રતિભાન પણ એક પ્રકારનું જ્ઞાન જ છે. એમાં બુદ્ધિનો વ્યાપાર નથી એટલું જ; એ વિભાવના ઉપર આધાર રાખતું નથી અને પ્રત્યક્ષ ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી પણ ભિન્ન હોય છે. કલા પ્રતિભાસ (ઍપિઅરન્સ) રૂપ છે એમ કહીએ એટલે આપોઆપ જ કલાનુભવ અને ઇન્દ્રિયાનુભવ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ જાય છે. અને એથી જ કલા ભાવાત્મક છે એમ કહેવાનું વલણ જાગે છે. કારણ, કલામાંથી વિભાવના અને ઐતિહાસિક જ્ઞાન કાઢી લઈએ તો કેવળ ભાવ જ રહે છે, અને તે જ પ્રતિભાન. માનવ ચૈતન્યનો સંસ્પર્શ પામેલો ભાવ તે પ્રતિભાન = અભિવ્યક્તિ = કલા.

કલાને ઉપકારક ઇન્દ્રિયો?

અમુક ઇન્દ્રિયો કલાને વધુ ઉપકારક છે એવો જે મત છે તેનો વિરોધ કરતાં ક્રોચે કહે છે કે કલાનુભવમાં ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો પડે છે, કોઈનો વધારે તો કોઈનો ઓછો. પણ પ્રતિભાનની દૃષ્ટિએ બધી જ ઇન્દ્રિયો સરખા મહત્ત્વની છે. બધી જ ઇન્દ્રિયોનાં સંવેદનો પ્રતિભાનનો વિષય બની શકે છે. વળી, અમુક ઇન્દ્રિય મારફતે આવેલું સંવેદન પ્રતિભાનનો વિષય બને જ છે એવું પણ નથી. પ્રતિભાનમાં જેમ તેના પછી થનાર બૌદ્ધિક વ્યાપાર અપ્રસ્તુત ઠરે છે તેમ તે પહેલાંનો ઇન્દ્રિયવ્યાપાર પણ અપ્રસ્તુત ઠરે છે. સંવેદન કઈ ઇન્દ્રિય મારફતે આવ્યું એનું કોઈ મહત્ત્વ નથી. પ્રતિભાનનો આધાર સંવેદન ઉપર છે અને સંવેદનનો આધાર ઇન્દ્રિયો ઉપર છે, પણ પ્રતિભાનનો આધાર ઇન્દ્રિયો ઉપર નથી. વિશેષ પ્રતિભાનનો આધાર વિશેષ સંવેદન ઉપર હોય છે.

પ્રતિભાન એક અને અવિભાજ્ય

પ્રત્યેક પ્રતિભાન એટલે જ પ્રત્યેક અભિવ્યક્તિ એક અને અવિભાજ્ય હોય છે. એનું કારણ એ હોય છે કે એની પાછળ ચૈતન્યનો જે વ્યાપાર રહેલો છે તેને લીધે અનેક સંવેદનો એકજીવ થઈને પ્રતિભાન બને છે. કલાકૃતિમાં એકતા હોવી જોઈએ એનો અર્થ એ છે કે એમાં વિવિધ સંવેદનોને અંગોપાંગોવાળા અખંડ દેહ જેવી જીવંત એકતા પ્રાપ્ત થવી જોઈએ. આપણે કલાકૃતિના ભાગ પાડીએ છીએ પણ તે ભૂલ છે. ખંડ પાડતાં જ કલાકૃતિ નાશ પામે છે. મહાભારતના અમુક અંશમાંથી જુદું નાટક બને અને તે કલાકૃતિ થાય, પણ ત્યાં એમ માનવું જોઈએ કે મૂળ કૃતિમાં જ એવાં કેટલાંક સજીવ બીજ હતાં તેમાંથી સ્વતંત્ર કૃતિ નીપજી — જેમ કેટલાક જીવોના ખંડ બીજા જીવરૂપે વિકસે છે તેમ. અનેક અભિવ્યક્તિઓમાંથી કોઈ વાર એક અભિવ્યક્તિ ઉદ્ભવે છે. એનું કારણ એ છે કે બધી જ અભિવ્યક્તિઓ ‘યુરેકા’ જેવી સાદી નથી હોતી. કોઈ અભિવ્યક્તિ સાદી હોય છે તો કોઈ સંકુલ હોય છે. સંકુલ અભિવ્યક્તિમાં અનેક અભિવ્યક્તિઓ મૂસમાં પીગળીને એકરસ થઈને નવી એક અભિવ્યક્તિને જન્મ આપે છે. એમાં પૂર્વની અભિવ્યક્તિઓ પણ અભિવ્યક્તિ મટીને સંવેદન કક્ષાએ પહોંચી જાય છે. જેમ કોઈ મૂર્તિકાર કોઈ મૂર્તિ બનાવવા માટે ધાતુના ગઠ્ઠા ભેગી કેટલીક મૂર્તિ પણ મૂસમાં નાખી પિગાળી તેમાંથી નવી મૂર્તિ બનાવે છે તેના જેવું આ છે. એ વખતે જૂની મૂર્તિઓ પણ મૂર્તિ ન રહેતાં ધાતુ જ બની જાય છે.

કલા મુક્તિદાતા

માણસ સંવેદનને આકારિત કરીને મુક્તિ અનુભવે છે. કારણ, તે તેને ઘાટ આપીને પોતાથી અલગ કરે છે અને તેના ઉપર પ્રભુત્વ ભોગવે છે. આમ, કલા મુક્તિ આપે છે અને શોધન કરે છે. કલા એ એક પ્રવૃત્તિ હોઈ નિષ્ક્રિયતાને હાંકી કાઢે છે અને એ રીતે ચૈતન્યને મુક્તિ આપે છે. કલાકારમાં વધુમાં વધુ સંવેદનશીલતા અને વધુમાં વધુ અસંવેદનશીલતા હોય એ આવશ્યક છે. સંવેદનશીલતા તેને સામગ્રી મેળવવામાં મદદ કરે છે અને અસંવેદનશીલતા અથવા તાટસ્થ્ય તેને એ સામગ્રીને આકારિત કરવામાં, તેના ઉપર પ્રભુત્વ જમાવવામાં મદદ કરે છે. [પ્રતિભાનમાં મૂર્ત થતી તે લાગણી અથવા ભાવ, તેને વિશે ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’માંના લેખમાં ક્રોચે લખે છે કે `આપણે જેને લાગણી કહીએ છીએ તે શું છે? એ, પોતાના ભૂતકાળના વિચારો, સંકલ્પો અને કાર્યો સહિતનું આખું ચિત્ત નથી તો બીજું શું છે? એ પોતાની અંદર જ પ્રસવવેદના અનુભવતું અનુભવતું વિચારે છે, કામના સેવે છે, દુઃખ અનુભવે છે અને આનંદ પામે છે. કવિતા આ અંધકારમાં પ્રકાશતા સૂર્યના કિરણ જેવી છે, જે એને પોતાના પ્રકાશથી પ્રકાશિત કરે છે, અને વસ્તુઓના આચ્છાદિત રૂપોને પ્રગટ કરે છે. આમ હોઈ, કોઈ ખાલી અને સંવેદનજડ ચિત્તમાંથી કવિતા પ્રગટી ન શકે. આથી, જે કલાકારો ‘કલાને ખાતર કલા’ના સિદ્ધાંતને સ્વીકારીને પોતાના હૃદયનાં દ્વાર જીવનની યાતનાઓ, ચિંતાઓ અને વિચારો માટે બંધ કરી દે છે, તેઓ બિલકુલ વંધ્ય માલૂમ પડ્યા છે, અથવા બહુ બહુ તો બીજાનું અનુકરણ કરી શક્યા છે, અથવા કોઈ પણ જાતની એકાગ્રતા વગરના પ્રતિભાસો આપી શક્યા છે. આથી કવિતામાત્રના પાયામાં માનવનું વ્યક્તિત્વ રહેલું છે. અને માનવ વ્યક્તિત્વને પોતાની પરિપૂર્ણતા નીતિમાં સાંપડે છે, એટલે કવિતામાત્રનો પાયો નીતિની સભાનતા છે. પણ એનો અર્થ એ નથી કે કવિ મોટો ચિંતક કે ચકોર વિવેચક હોવો જોઈએ અથવા સદ્ગુણોનો ભંડાર કે વીરપુરુષ હોવો જોઈએ, પણ તે વિશ્વના વિચારના અને કાર્યના ક્ષેત્રમાં ભાગ લેતો હોવો જોઈએ, જેથી તે સંપૂર્ણ માનવજીવનનો પોતે અનુભવ લઈ શકે – તે પોતાના વ્યવહાર જીવનમાં ભલે કદાચ પાપ આચરી બેસે અથવા હૃદયની પવિત્રતા ખોઈ બેસે, તેમ છતાં તેને પાપપુણ્યનું, ન્યાયઅન્યાયનું, સારામાઠાનું, પવિત્રતા- અપવિત્રતાનું તીવ્ર ભાન હોવું જોઈએ. ઘણી વાર કલાકાર પોતે જેવો હેાય છે તેમાંથી નહિ, પણ પોતે જેવો નથી હોતો તેમાંથી તેને પ્રેરણા મળતી હેાય છે.’ આમાંથી ત્રણ મુદ્દા તારવી શકાય છે : ૧. કલાકારની લાગણીમાં તેનું સમગ્ર વ્યક્તિત્વ અનુસ્યૂત હોય છે. ૨. કલાકાર જગતનાં સુખદુઃખ અને આશાઆકાંક્ષાઓ પ્રત્યે સંવેદનશીલ હોવો જોઈએ. ૩. કલાકાર ભલે જીવનમાં સદા નીતિમાન ન હોય તોયે તેને તીવ્ર નીતિભાવના હોવી જોઈએ.