વીક્ષા અને નિરીક્ષા/કાવ્યમાં તથ્ય અને સત્યઃ એક નોંધ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કાવ્યમાં તથ્ય અને સત્ય : એક નોંધ

વાલ્મીકિ રામાયણના પ્રારંભમાં જ રામાયણ શી રીતે લખાયું એની કથા આવે છે. ત૫સ્વી નારદે ત૫ અને સ્વાધ્યાયમાં નિરત, પંડિતોમાં શ્રેષ્ઠ, મુનિપુંગવ નારદને પૂછ્યું કે અત્યારે પૃથ્વીમાં એવું કોણ છે જે ગુણવાન, વીર્યવાન, ધર્મજ્ઞ, કૃતજ્ઞ, સત્યવાદી અને દૃઢવ્રત હોય; જે ચારિત્ર્યયુક્ત અને સર્વ ભૂતોનું હિત કરનાર હોય; જે વિદ્વાન હોય, સમર્થ હોય અને કેવળ પ્રિયદર્શન હોય; જે સંયમી, કાન્તિમાન, જિતક્રોધ અને અસૂયાશૂન્ય હોય; અને જેને રણભૂમિ ઉપર રુષ્ટ જોઈને દેવો પણ ભય પામતા હોય? આ સાંભળીને ત્રિલોકજ્ઞ નારદે ખુશ થઈને કહ્યું, `સાંભળો, તમે જે બહુ ગુણો વર્ણવ્યા તે બધા એક પુરુષમાં મળવા મુશ્કેલ છે. છતાં હે મુનિ, હું યાદ કરીને એ બધા ગુણોવાળા પુરુષ વિશે કહું છું.’ એમ કહીને તેમણે રામનું વર્ણન કર્યું અને તેમના અભિષેકની તૈયારી, દશરથનું મૃત્યુ, રામનો વનવાસ, શૂર્પણખાનું નાસાકર્ણછેદન, રાવણ દ્વારા સીતાનું હરણ, રામ સાથે હનુમાન અને સુગ્રીવનો મેળાપ, વાલિવધ, સીતાની શોધ, સમુદ્ર ઉપર સેતુબંધ, લંકાપ્રવેશ અને રાવણવધ, સીતાની અગ્નિપરીક્ષા, અયોધ્યાપ્રવેશ અને ફરીવાર રાજ્યગ્રહણ સુધીની વાત કહી અંતે ભવિષ્યની વાત કહેતાં કહ્યું કે રામના રાજ્યમાં લોકો હૃષ્ટ, તુષ્ટ, પુષ્ટ, ધર્મપરાયણ, નીરોગી અને દુર્ભિક્ષના ભયથી મુક્ત રહેશે. કોઈ માણસ કદી પુત્રમરણ જોશે નહિ. સ્ત્રી સદા અવિધવા અને પતિવ્રતા રહેશે. રામચંદ્ર સેંકડો રાજવંશોની સ્થાપના કરશે. અગિયાર હજાર વર્ષ સુધી રાજ્ય કર્યા પછી તે બ્રહ્મલોકમાં પ્રયાણ કરશે. નારદના ગયા પછી વાલ્મીકિ પોતાના શિષ્ય ભરદ્વાજ સાથે તમસાને તીરે સ્નાન કરવા ગયા અને ત્યાં એમણે એક ક્રૌંચમિથુનને ફરતું જોયું. બીજી જ ક્ષણે એક પારધીએ એ મિથુનમાંથી નરને વીંધી નાખ્યો અને તેને લોહીલુહાણ દશામાં ધરતી ઉપર ઢળેલો જોઈ ક્રૌંચી કરુણ ચીસ પાડવા લાગી. આ જોઈ સાંભળીને મુનિને દયા આવી અને તેમના મુખમાંથી શાપનાં વચન શ્ર્લોકરૂપે નીકળી ગયાં. બોલતાં તો બોલાઈ ગયું, પણ તેમને પણ વિચાર આવ્યો કે પંખીના શોકમાં હું આ શું બોલી ગયો! સ્નાન પતાવીને મુનિ પાછા અશ્રમમાં આવ્યા પણ પોતાથી શાપ ઉચ્ચારાઈ ગયો એ દુઃખ મનમાં સાલ્યા કરતું હતું. એવામાં બ્રહ્મા આવ્યા અને તેમણે વાલ્મીકિને શોકપરાયણ જોઈ હસીને કહ્યું : `મારી ઇચ્છાને લીધે જ તમારા મોંમાંથી આ વાણી પ્રગટી છે અને એ શ્ર્લોક નામે પ્રસિદ્ધ થશે એમાં સંશય નથી. તમે હવે રામનું આખું ચરિત્ર, નારદ પાસે જેવું સાંભળ્યું છે તેવું એમાં રચો :

वृत्तं कथय धीरस्य यथा ते नारदाच्छुतम् |
रहस्यं च प्रकाशं च यद्वृतं तस्य धीमत: ||
रामस्य सहसोमित्रे राक्षसानां च सर्वश: |
वैदेह्याश्चैव यद्वृतं प्रकाशं यदि वा रह: ||
तज्जाप्यविदितं सर्वं विदितं ते भविष्यति |
न ते वागनृता काव्ये काचिद्त्र भविष्यति ||

તમને જે અવિદિત હશે તે પણ બધું તમને વિદિત થઈ જશે. તમારું કોઈ પણ વચન આ કાવ્યમાં અસત્ય નહીં થાય. છેલ્લી પંક્તિ ઉપર ટીકાકાર કહે છેઃ यच्च `मा निषाद’ इतिवदपर्यालोच्यापि वाक् त्वत्तो नि:सरिष्यति सापि नान्यथा भविष्यति तेनास्या अपि सत्यत्वं भावीति ध्वनितम् | અર્થાત્ જે કોઈ ‘मा निषाद’ જેવું અવિચારી વચન પણ તારા મુખમાંથી નીકળશે તે પણ ખોટું નહીં ઠરે, એ રીતે તે પણ સાચું પડશે એવું સૂચન કરેલું છે. કવિવર રવીન્દ્રનાથે આ જ પ્રસંગનું નિરૂપણ પોતાના ‘ભાષા ઓ છંદ’ નામે વિખ્યાત કાવ્યમાં કરેલું છે. તેમાં બ્રહ્મા જ્યારે વાલ્મીકિને રામની કથા રચવાનો આદેશ આપે છે ત્યારે વાલ્મીકિ તેમને કહે છેઃ

`જાનિ આમિ જાનિ તાઁરે, શુનેછિ તાઁહાર કીર્તિકથા
...તબુ નાહિ જાનિ સમગ્ર વારતા
સકલ ઘટના તાઁર – ઇતિવૃત્ત રચિબ કેમને?
પાછે સત્યભ્રષ્ટ હઇ, એઈ ભય જાગે મોર મને.’

`ઓળખું છું, તેમને હું ઓળખું છું. તેમની કીર્તિકથા મેં સાંભળી છે. ...પણ બધી વાત જાણતો નથી, તેમના જીવનની બધી ઘટનાની મને ખબર નથી – તો પછી હું ઇતિહાસ શી રીતે રચીશ? રખેને સત્યભ્રષ્ટ થાઉં, એવો ભય મારા મનમાં જાગે છે.’

નારદ કહિલા હાસિ, `સેઈ સત્ય, જા રચિબે તુમિ,
ઘટે જા તા સબ સત્ય નહે. કવિ, તબ મનોભૂમિ
રામેર જનમસ્થાન, અયોધ્યાર ચેયે સત્ય જેનો.’

નારદે હસીને કહ્યું, `તમે જે રચશો તે જ સત્ય. જે કંઈ બને છે તે બધું સત્ય નથી હોતું. કવિ, તમારી મનોભૂમિ જ અયોધ્યા કરતાં પણ સાચું રામનું જન્મસ્થાન છે, એ જાણી લેજો.’ न ते वगनृता काव्ये काचिदत्र भविष्यति એના ઉપરનું આ ભાષ્ય છે.

સેઈ સત્ય જો રચિબે તુમિ,
ઘટે જા તા સબ સત્ય નહે.

અને આનું જ જાણે વિવરણ કરતા હોય એમ `કૃષ્ણચરિત્ર’ ઉપરના પોતાના લેખમાં કવિ લખે છે : `રામ આદર્શ પુરુષ હતા. કવિના મનમાં આદર્શનો એક ઊંચો ખ્યાલ હતો. રામના રોજિંદા અથવા વાસ્તવિક જીવનની ઝીણી ઝીણી વિગતો ભેગી કરવા માત્રથી જ તેમનું મહત્ત્વ અનુભવાતું નથી; તે આદર્શ ચરિત્રને અનુકૂળ એવું કવિનું જે અનુમાન તે વાસ્તવ હકીકત કરતાં વધારે સત્ય છે. હકીકતોના ઢગલામાંથી બુદ્ધિ અને કલ્પનાની મદદથી કવિ સત્ય શોધી કાઢે છે. એટલે કવિ જ સૌથી શ્રેષ્ઠ ઇતિહાસકાર છે. રામાયણમાં કવિએ વર્ણવેલા રામના ચરિત્રની એકેએક વિગત ખરી ન પણ હોય; રામના મોઢામાં જે જે શબ્દો મુકવામાં આવ્યા છે, અને તેને વિશે જે જે કાર્યોનો આરોપ કરવામાં આવે છે, તેની એકેએક ઝીણી ઝીણી વિગત પ્રામાણિક ન પણ હોય; પણ રામની જે મહત્તા તેમણે વાચકના ચિત્ત ઉપર છાપી દીધી છે, તે જ સૌથી કીમતી સત્ય છે. રામનો જો ઇતિહાસ હોત તો સંભવ છે કે તેમાં એવી હજારો ઘટનાઓનો ઉલ્લેખ આવત, જે રામને હાથે થયેલી હોવા છતાં જેનું કશું સ્થાયી મૂલ્ય ન હોય – અર્થાત્ જે બધાં કાર્યો દ્વારા રામનું રામત્વ પ્રગટ થતું ન હોય. એટલું જ નહિ, બધી વાતની પૂરેપૂરી માહિતી ન હોવાને કારણે તેમાંની ઘણી ઘટનાઓ રામના ખરા સ્વભાવની વિરોધી પણ લાગવાનો સંભવ છે. દરેક માણસ ઘણાં કામોમાં પોતાના સાચા સ્વભાવથી વિરુદ્ધ આચરણ કરે છે. રામાયણના રામચરિત્રમાં એ બધી નકામી વિગતો છોડી દેવાઈ છે અને માત્ર ખરેખરાં સ્વરૂપગત સત્યો પસંદ કરવામાં આવ્યાં છે — એટલું જ નહિ, રામ જે શબ્દો બોલ્યા નહોતા, પણ જે શબ્દો માત્ર રામ જ બોલી શકત, તે શબ્દો રામ પાસે બોલાવી, રામે જે કાર્યો કર્યા નહોતાં પણ જે કાર્યો માત્ર રામ જ કરી શકત, તે કાર્યો રામ પાસે કરાવીને કવિએ વાસ્તવિક રામ કરતાં પોતાના રામને વધારે સત્ય બનાવી દીધા છે. અર્થાત્ વાસ્તવ રામમાં સ્વભાવિક રીતે જ જે કાંઈ અરામત્વ હતું તેનો પરિહાર કરીને અને વાસ્તવ રામે પોતાના ચરિત્રના ગુણથી કવિના ચિત્તમાં જે આદર્શ પેદા કર્યો હતો, પરંતુ નાનાવિધ બાહ્ય કારણોને લીધે જે કાર્યમાં સર્વત્ર સતત પરિસ્ફુટપણે અને નિર્વિરોધે પ્રગટ થઈ શક્યો નહોતો, તે આદર્શને સર્વત્ર પરિપૂર્ણ ભાવે પ્રસ્ફુટ કરીને કવિએ વાસ્તવિક ઇતિહાસ કરતાં સત્યતમ નિત્યતમ રામને બચાવી લીધા છે. `તથ્ય —જેને અંગ્રેજીમાં fact કહે છે — તેના કરતાં સત્ય અનેકગણું વ્યાપક છે. એ તથ્યના ઢગલામાંથી બુદ્ધિ અને કલ્પનાના બળે સત્યને વીણી લેવાનું હોય છે. ઘણી વાર ઇતિહાસમાં સૂકા ઈંધણાંના જેવી હકીકતોના ખડકલા મળી રહે છે, પણ સત્ય તો કવિપ્રતિભાને જોરે કાવ્યમાં જ પ્રગટ થાય છે. એટલા માટે જ કવિ જ સૌથી શ્રેષ્ઠ ઇતિહાસકાર છે. મહાન વ્યક્તિના કાર્યોનું વર્ણન એ કેવળ તથ્ય છે, તેમનું મહત્ત્વ એ જ સત્ય છે; તે સત્ય વાચકોના ચિત્તમાં પ્રગટ કરવા માટે ઇતિહાસના સંશોધન કરતાં કવિપ્રતિભાની જરૂર વધારે હોય છે.’ આની સાથે જર્મન કવિ ગેટેનાં નીચેનાં વચનો સરખાવવા જેવાં છે : The artist’s work is real in so far as it is always true; ideal, in that it is never actual. કલાકારની કૃતિ સદા સત્ય હોય છે એ અર્થમાં સાચી — વાસ્તવિક હોય છે, અને કદી ખરેખર બનેલી નથી હોતી એટલે ભાવનામય હોય છે. `અસંપૂર્ણ real અને પરિપૂર્ણ idealના મિલનમાં જ કવિતાનું સૌંદર્ય રહેલું છે. કલ્પનાનો centrifugal force (કેન્દ્રગામી શક્તિ) ideal તરફ realને લઈ જાય છે, અને અનુરાગનો centripetal force (કેન્દ્રાપગામી શક્તિ) real તરફ idealને આકર્ષે છે. આને લીધે કાવ્ય-સૃષ્ટિ છેક વિક્ષિપ્ત થઈને વરાળ બની જતી નથી, અને છેક સંક્ષિપ્ત થઈને કઠિન સંકુચિતતાને પણ પામતી નથી.’ (`સબુજપત્ર’, ૧૩૨૪, શ્રાવણ) શ્રી રાધાકૃષ્ણને `ફિલૉસોફી ઑવ રવીન્દ્રનાથ ટાગોર’ નામના પોતાના ગ્રંથમાં આ જ વસ્તુ લગભગ આ જ શબ્દોમાં કહેલી છેઃ In true poetry the real is idealised, and the ideal realised, and we have quite a genuine but a higher kind of real object. As Tennyson puts it, poetry is truer than fact. સાચી કવિતામાં વાસ્તવને ભાવનામય બનાવ્યું હોય છે, અને ભાવનાને વાસ્તવ રૂપ આપ્યું હોય છે, એટલે આપણને તદ્દન સાચો પણ ઉચ્ચ કોટિનો વાસ્તવ પદાર્થ મળે છે. ટેનિસને કહ્યું છે તે મુજબ કાવ્ય તથ્ય કરતાં વધુ સાચું છે. કાવ્યનું સત્ય કોને કહેવાય એ સ્ફુટ કરતા આધુનિક વિવેચક હડસન An Introduction to the Study of Literature (પૃ. ૭૯)માં કહે છેઃ By poetic truth we do not mean fidelity to facts in the ordinary acceptation of the term. Such fidelity we look for in science. By poetic truth we mean fidelity to our emotional apprehension of facts to the impression which they make upon us, to the feelings of pleasure or pain, hope or fear, wonder or religious reverence, which they arouse. Our first test of truth in poetry, therefore, is its accuracy in expressing, not what things are in themselves, but their beauty and mystery, their interest and meaning for us. `કાવ્યનું સત્ય’ એ શબ્દ દ્વારા તથ્યનો જે સામાન્ય રીતે સ્વીકૃત અર્થ છે તેને વફાદાર રહેવું એવો અર્થ અભિપ્રેત નથી. એવી વફાદારીની તો આપણે વિજ્ઞાનમાં અપેક્ષા રાખીએ. `કાવ્યનું સત્ય’ એ શબ્દ દ્વારા હકીકતોના વેદનતંત્ર દ્વારા આપણે કરેલા ભાવમય આકલન પ્રત્યે, તેમણે આપણા ઉપર જે છાપ પાડી હોય તે પ્રત્યે, તેમણે જગાડેલી સુખ કે દુઃખની, આશા કે ભયની, આશ્ચર્ય કે ધાર્મિક આદરની લાગણીઓ પ્રત્યે વફાદારી એવો અર્થ આપણને અભિપ્રેત છે. આથી કરીને, કાવ્યના સત્યની પહેલી કસોટી એ છે કે વસ્તુઓ જેવી છે તે સ્વરૂપે નહીં પણ આપણને તેમાં જે સૌંદર્ય અને રહસ્ય લાગ્યું, જે રસ અને અર્થ દેખાયો, તેને એ ચોકસાઈપૂર્વક હૂબહૂ વ્યક્ત કરે છે કે નહીં. પશ્ચિમના વિવેચનના આદ્યપ્રણેતા જેવા ઍરિસ્ટૉટલના શબ્દોમાં કહીએ તોઃ Literary truth transcends facts and turns facts into ideal reals. The Truth is not factual, it is not a copy of reality, but a higher reality. સાહિત્યનું સત્ય તથ્યને અતિક્રમી જાય છે, અને તથ્યોને ભાવનામય વસ્તુ બનાવી દે છે. સત્ય તથ્યમય નથી, વસ્તુની નકલ નથી, પણ ઉચ્ચતર કોટિની વસ્તુ છે.

૨૨-૧૧-’૫૩