વીક્ષા અને નિરીક્ષા/પ્રતિભાન અને અભિવ્યક્તિઃ
૧
પ્રતિભાન અને અભિવ્યક્તિ
પ્રતિભાન
જ્ઞાન બે પ્રકારનું હોય છેઃ પ્રાતિભાનિક (ઇન્ટુઇટિવ) અને તાર્કિક. પહેલું કલ્પના મારફતે પ્રાપ્ત થાય છે, બીજું બુદ્ધિ મારફતે. પહેલું વિશેષનું જ્ઞાન હોય છે, બીજું સામાન્યનું. પહેલું વિશિષ્ટ પદાર્થોનું જ્ઞાન હોય છે, બીજું તેમની વચ્ચેના સંબંધનું જ્ઞાન હોય છે. પહેલું મૂર્તિ કે પ્રતિમા નિર્માણ કરે છે, બીજું વિભાવના. દા. ત., પહેલાથી આપણને એક વિશિષ્ટ ગાયનું મૂર્તરૂપે જ્ઞાન થાય છે, તો બીજાથી ગોત્વનું અથવા ગાય જાતિનું જ્ઞાન થાય છે. [એનો અર્થ એ થયો કે મૂર્ત સ્વરૂપ વિશેષનું જ્ઞાન તે પ્રતિભાન (ઇન્ટુઇશન). એનો આધાર બુદ્ધિ ઉપર નથી હોતો, વિભાવના ઉપર નથી હોતો એટલે આપણે એને પ્રત્યક્ષ જ્ઞાન પણ કહી શકીએ. પણ એ માનસ-પ્રત્યક્ષ હોય છે એટલું યાદ રાખવું. એ જ્ઞાન આપણને કલ્પના દ્વારા–પ્રતિભા દ્વારા થાય છે એટલે આપણે એને પ્રાતિભા જ્ઞાન અથવા પ્રતિભાન કહીએ તોય ચાલે. આ લેખમાં એ જ શબ્દ વાપરેલો છે. એ ઇન્દ્રિયસંવેદનને ચિત્તે આપેલા વિશિષ્ટ આકાર કે મૂર્તિરૂપ – વિશેષ કલ્પનરૂપ હોય છે, એટલે એને અનુવ્યવસાય પણ કહી શકાય.]
પ્રતિભાન તાર્કિક જ્ઞાનથી સ્વતંત્ર
પ્રતિભાન એ વિશિષ્ટનું જ્ઞાન છે, સામાન્યનું નથી, અને એ સામાન્યના જ્ઞાન વગર પણ સંભવે છે. પણ સામાન્ય રીતે સુધરેલા માણસના પ્રતિભાનમાં સામાન્ય પણ અનુસ્યૂત હોય છે જ. કોઈ વિશિષ્ટ ગાયનું પ્રતિભાન થાય તો તેમાં ગોત્વરૂપી સામાન્યનું જ્ઞાન અનુસ્યૂત હોય છે જ, અને ક્રોચે એનો અસ્વીકાર કરતો નથી. પણ તેનું કહેવું એવું છે કે પ્રતિભાનમાં જે સામાન્યનું જ્ઞાન અનુસ્યૂત હોય છે તેનું સ્વરૂપ પૂરેપૂરું બદલાઈ ગયેલું હોય છે. એ ત્યાં કોઈ વિભાવના તરીકે નથી આવતું પણ પ્રતિભાનના એક ઘટક તરીકે આવે છે. દા. ત., કેટલીક વાર નાટકનાં પાત્રો ઘણી તત્ત્વચર્ચા કરે છે, પણ ત્યાં એ ચર્ચા તત્ત્વ તરીકે આવતી નથી, પણ તે તે પાત્રના વૈશિષ્ટ્યના અંશ તરીકે આવે છે. એનું કામ પાત્રના સ્વભાવને પ્રગટ કરવાનું હોય છે, કોઈ તત્ત્વનું નિરૂપણ કરવાનું નથી હોતું.
પ્રતિભાન અને ઇન્દ્રિયજ્ઞાન
પ્રતિભાન અને ઇન્દ્રિય મારફતે થતું જ્ઞાન (પરસેપ્શન) એક નથી. ઇન્દ્રિયજ્ઞાન પ્રતિભાન તો છે જ, પણ કંઈક વિશેષ પણ છે. તેનું વાસ્તવ જગતમાં અસ્તિત્વ છે. પણ પ્રત્યેક પ્રતિભાનનું વાસ્તવ જગતમાં અસ્તિત્વ હોવું જરૂરનું નથી. પ્રતિભાન જેમ વાસ્તવ જગતમાં અસ્તિત્વ ધરાવતા પદાર્થોનું હોઈ શકે છે તેમ સ્વપ્નમાં જોયેલા કે કલ્પનાએ રચેલા પદાર્થોનું પણ હોઈ શકે છે. પ્રતિભાનને ને વાસ્તવિકતાને કોઈ સંબંધ નથી. પ્રતિભાન એ એવું જ્ઞાન છે, જેને વિશે એ વાસ્તવિક છે કે અવાસ્તવિક, એવો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પ્રતિભાનના સ્તરે એવો ભેદ હોતો નથી. પ્રતિભાન જેમ વિભાવના વગર પણ સંભવે છે તેમ તે દિક્કાલના પરિમાણ વગર પણ સંભવે છે. અને દિક્કાલ જ્યારે પ્રતિભાનમાં આવે છે ત્યારે તે પ્રતિભાનના ઉપાદાન તરીકે આવે છે, અને ત્યાં તેમનું કામ કોઈ પ્રતિભાનને કોઈ સ્થળ કે કાળમાં પ્રતિષ્ઠિત કરવાનું નથી હોતું પણ તે તે પ્રતિભાનનું વૈશિષ્ટ્ય પ્રગટ કરવાનું, તેનો વ્યક્તિગત ચહેરોમહોરો ઉપસાવવાનું હોય છે.
પ્રતિભાન અને સંવેદન
ઇન્દ્રિયસંવેદન (સેન્સેશન) અને પ્રતિભાન વચ્ચેનો ભેદ ક્રોચે એ રીતે સમજાવે છે કે ઇન્દ્રિયસંવેદન એ કાચી સામગ્રી છે, જેમાંથી પ્રતિભાન આકારિત થાય છે. ઇન્દ્રિયસંવેદનને કોઈ આકાર હોતો નથી, તેથી તે આપણા અનુભવનો વિષય બની શકતું નથી. પણ જ્યારે માનવ ચૈતન્ય સ્વેચ્છાએ પ્રવૃત્ત થઈને તેને વિશેષ ઘાટ આપે છે ત્યારે તે અનુભવનો વિષય બને છે અને ત્યારે તે પ્રતિભાન કહેવાય છે. સંવેદન એ જડનો વ્યાપાર છે, જ્યારે તેને આકાર આપવો એ ચૈતન્યનો, માનવ આત્માનો વ્યાપાર છે. એ વાત સાચી કે જડના સંવેદન વગર આત્માનો આ આકાર આપવાનો વ્યાપાર મૂર્ત ન થઈ શકે. સંવેદનમાં જ તે આકાર પામી શકે છે – મૂર્ત બની શકે છે; અને એક પ્રતિભાન બીજા પ્રતિભાનથી અલગ પડે છે તે પણ આ જડ દ્રવ્યને કારણે.
પ્રતિભાન અને સાહચર્ય
કેટલાક પ્રતિભાનને સાહચર્ય(ઍસોસિયેશન)થી એકત્રિત થયેલાં સંવેદનો માને છે, પણ તે બરાબર નથી. સાહચર્યનો અર્થ જો સ્મૃતિ એવો કરો તો આપણે જ્યારે ભાનપૂર્વક કશાકને યાદ કરીએ છીએ ત્યારે ખરું જોતાં પૂર્વ પ્રતિભાનોને જ યાદ કરતા હોઈએ છીએ. જેનું પ્રતિભાન થયું ન હોય તેની સ્મૃતિ સંભવતી નથી. કેટલાક સાહચર્યનો અર્થ એકત્ર કરવું, સંયોજન કરવું, વ્યવસ્થિત કરવું એવો કરે છે. એ અર્થમાં તો ક્રોચેને મતે એમાં સર્જનપ્રક્રિયા હોય છે અને એ પ્રક્રિયા પ્રતિભાનની જ છે. નામ નવું છે એટલું જ. એમાં વિશ્વના નિયમાનુસાર સંવેદનાઓનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. અને માટે સાચો શબ્દ સિન્થિસિસ (સંયોજન) છે એમ ક્રોચે કહે છે.
પ્રતિભાન અને પ્રતિનિધાન
પ્રતિનિધાન (રેપ્રિઝેન્ટેશન) જો સંવેદનાની સામગ્રી ઉપરાંત કશું હોય તો તે પ્રતિભાન જ થયું. પણ પ્રતિનિધાનનો અર્થ સંકુલ સંવેદન હોય તો એ જડ છે અને એમાં અને પ્રતિભાનમાં આભજમીનનો ફરક છે.
પ્રતિભાન અને અભિવ્યક્તિ
જડ સંવેદન અને પ્રતિભાનને જુદાં તારવવાનો એક અચૂક માર્ગ એ છે કે પ્રત્યેક પ્રતિભાન અભિવ્યક્તિ પણ હોય જ છે. એ બે એક જ છે. ચિત્ત સંવેદનોને આકાર આપે છે, વૈશિષ્ટ્ય આપે છે, અભિવ્યક્ત કરે છે, માટે જ તેને પ્રતિભાન થાય છે. ખરું જોતાં, અભિવ્યક્તિ અને પ્રતિભાન એક જ છે. અભિવ્યક્તિ વગરનું પ્રતિભાન હોઈ જ ન શકે. અહીં અભિવ્યક્તિનો અર્થ ફક્ત ભાષા મારફતે કરેલી અભિવ્યક્તિ એવો કરવાનો નથી. માધ્યમ ભાષા હોય કે રંગરેખા હોય કે ધ્વનિ ને સૂર હોય, પ્રતિભાન થયું એટલે આવા કોઈ માધ્યમમાં તેની અભિવ્યક્તિ થઈ જ સમજવી. ક્રોચેને મતે આ અભિવ્યક્તિ વૈખરીથી ઉચ્ચારિત અથવા લિપિબદ્ધ કરેલા શબ્દો રૂપે કે પટ ઉપરના રંગરેખા વડે દોરેલા ચિત્ર રૂપે કે લાકડા કે પથ્થરની મૂર્તિ રૂપે પ્રગટ થવી જ જોઈએ એવું નથી. કવિના કે ચિત્રકારના ચિત્તમાં પ્રતિભાન થયું, મૂર્તિ આકારિત થઈ ત્યાં જ કલાકૃતિ સિદ્ધ થઈ, કલાકર્મ પૂરું થયું. એ નિર્મિતિ માનસિક જ હોય છે.
પ્રતિભાન સૌને થાય છે
પ્રતિભાન બધા જ માણસોને થાય છે અને એટલે અંશે બધા જ માણસો કલાકાર છે. સામાન્ય માણસ અને કલાકાર વચ્ચે ફેર એટલો કે કલાકારનું પ્રતિભાન વધુ સમૃદ્ધ, વધુ વ્યાપક અને વધુ સંકુલ હોય છે, જ્યારે સામાન્ય માણસનું પ્રતિભાન ઓછું સમૃદ્ધ, ઓછું વ્યાપક અને ઓછું સંકુલ હોય છે. ઘણી વાર તો પ્રતિભાન જ હોતું નથી. ફક્ત વસ્તુનું ઝાંખું દર્શન જ હોય છે. તેમ છતાં, પ્રતિભાનની બાબતમાં કલાકાર અને સામાન્ય માણસ સમાનધર્મા હોય છે. એમ ન હોત તો આપણે મહાન કવિઓ અને ચિત્રકારોની કલાનો આસ્વાદ જ લઈ ન શકત. કલાકાર અને સામાન્ય માણસ વચ્ચે જે ફેર છે તે પ્રતિભાનના પ્રકારનો નહિ પણ પરિમાણનો ફેર છે.
પ્રતિભાન અને અભિવ્યક્તિની એકતા
ઉપરની ચર્ચાનો અર્થ એ થયો કે પ્રતિભાન એ આત્માના જ્ઞાનાત્મક વ્યાપારનું ફળ છે – એક પ્રકારનું જ્ઞાન છે. એનો આધાર એકંદરે બૌદ્ધિક (તાર્કિક) વ્યાપાર ઉપર કે વિભાવનાઓ ઉપર નથી. પ્રતિભાન ઉપર ચિત્ત બીજા અનુભવોની દૃષ્ટિએ જે કંઈ પ્રક્રિયા કરે છે તે પ્રતિભાનનો ભાગ નથી. પ્રતિભાન પછી થનારી એ ક્રિયા છે. પ્રતિભાન મારફતે જે વસ્તુનું જ્ઞાન થાય છે તેનું વાસ્તવિક અસ્તિત્વ હોવું જ જોઈએ એવું નથી, એ પ્રતિભાન સ્વપ્નદૃષ્ટ પદાર્થનું કે સ્મરણમાં આણેલા પદાર્થનું પણ હોઈ શકે. પ્રતિભાનને એનું વાસ્તવિક અસ્તિત્વ છે કે કેમ, એ દૃષ્ટિએ આપણે જોતા જ નથી. એમાં દિક્, કાલ કે વિભાવના પણ પોતાના મૂળ સ્વરૂપે નથી હોતાં પણ પ્રતિભાનનાં ઘટકતત્વો તરીકે આવેલાં હોય છે. સંવેદન એટલે આકાર વગરનું જડ દ્રવ્ય. પ્રતિભાન એટલે માનવ ચિત્તે જેને વિશિષ્ટ આકાર આપ્યો છે એવું સંવેદન. એનો અર્થ એ થયો કે જે સંવેદન જડ હતું તે માનવ આત્માના વ્યાપારને કારણે આકાર પામીને આત્મિક અથવા માનસિક બન્યું. અને આકાર આપવાની આ પ્રક્રિયા એ જ અભિવ્યક્તિ.