શબ્દલોકના યાત્રીઓ – ૧/વેણીભાઈ પુરોહિત

વેણીભાઈ પુરોહિત

વેણીભાઈ કવિ, વાર્તાકાર અને પત્રકાર છે. સુંદર લયહિલ્લોલવાળાં ગીતોથી તે સાહિત્યરસિક વર્ગમાં પ્રસિદ્ધ છે. તેમનાં ગીતો આકાશવાણી પર ગવાતાં આપણે સાંભળીએ છીએ, ગુજરાતી ફિલ્મોમાં પણ તેમનાં ગીતો આવે છે. જુદાં જુદાં સામયિકોમાં તેમની કટારો લોકપ્રિય થયેલી છે. વેણીભાઈનો જન્મ જામખંભાળિયામાં ૧લી ફેબ્રુઆરી ૧૯૧૬ના રોજ થયો હતો. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લીધું. સ્વ. શયદાના ‘બે ઘડી મોજ’માં જોડાયા પણ ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને વેણીભાઈ મુંબઈથી અમદાવાદ જઈ ત્યાંના ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય’માં પ્રૂફ રીડર તરીકે જોડાયા. ૧૯૪૨માં ‘હિંદ છોડો’ની લડત આવી. તેમણે લડતમાં ભાગ લીધો અને એક વરસનો કારાવાસ ભોગવ્યો. તેમના કાવ્યસંગ્રહ ‘સિંજારવ’ (૧૯૫૫માં પ્રગટ થયેલો પ્રથમ કાવ્ય સંગ્રહ)માં રાષ્ટ્રીય ભાવના અને મંથન વ્યક્ત થયાં છે. ૧૯૪૪માં તે ‘ગુજરાત સમાચાર’માં જોડાયા. એ વખતે ચૂનીલાલ વર્ધમાન શાહ ‘પ્રજાબંધુ’નું સંપાદન કરતા. તેમની પાસેથી વેણીભાઈને પત્રકારત્વની વ્યવસ્થિત તાલીમ મળી, ‘ગુજરાત સમાચાર-પ્રજાબંધુ’ છોડ્યા બાદ થોડો સમય ‘વર્તમાન’ અને ‘ભારતી’ નામનાં સાપ્તાહિકમાં કામ કર્યું. એ પછી તે મુંબઈ ગયા અને ‘ફિલ્મીસ્તાન’ સાપ્તાહિકના સંપાદક બન્યા. એ પછી ‘મોજમજાહ’ સાપ્તાહિકમાં કામ કર્યું અને છેલ્લે ‘જન્મભૂમિ’માં જોડાયા. નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે ‘જન્મભૂમિ’માં કામ કર્યું. આજ પણ તેઓ ‘જન્મભૂમિ’માં ‘ગોફણગીતા’, ‘ફિલ્મ સમીક્ષા’ અને ‘રતન કટોરી’ વિભાગો સંભાળે છે. આ સિવાય ‘ચિત્રલેખા’ અને ‘જી’ જેવાં સિનેમાસિકોમાં તેમણે કામ કર્યું હતું. વેણીભાઈને પત્રકારત્વનો બહોળો અનુભવ છે. જુદી જુદી તાસીરનાં છાપાંમાં તેમણે કામ કર્યું છે અને પત્રકારત્વને એક વ્યવસાય તરીકે સ્વીકારી આજે અનુભવી પત્રકાર તરીકે નામના મેળવી છે. પત્રકારત્વને ને સાહિત્યને નિકટનો સંબંધ છે. વેણીભાઈએ પત્રકારત્વને જીવન અર્પણ કર્યા છતાં સાહિત્યની કક્ષાને અને ધોરણોને સામાન્ય રીતે નીચે ઊતરવા દીધાં નથી. જુદાં જુદાં છાપાંમાં લોકપ્રિય કટારો તે લખતા એ સાથે જ ‘ગુજરાત’, ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’ અને ‘કુમાર’ જેવાં માસિકોમાં તેઓ પોતાનાં કાવ્યો અને વાર્તાઓ લખતા. તેમને કવિતાની પ્રેરણા સૌરાષ્ટ્રના તેમના વતનના પ્રદેશની રમણીય પ્રકૃતિ અને સંગીતમાંથી મળેલી છે. ‘પદ્યપ્રવાસની પાર્શ્વભૂ’ નામક લેખમાં તેમણે પોતે કહ્યું છે : “મારું જન્મસ્થળ જામખંભાળિયા. સંગીતશોખીન ગામ છે. શાસ્ત્રીય સંગીત ઠુમરી, દાદરા, ગઝલના જલસાઓ એ ગામમાં લગભગ ચાલ્યા જ કરતા. કોઈને ઘેર રાત્રે નાનકડી મહેફિલ જામે અને સંગીતના સાચા શોખીનો જ તેમાં હાજરી આપે. એ જલસાઓમાં હુંય મારા પિતાશ્રીની આંગળી ઝાલીને જતો. મારા પિતાને સંગીત અને જ્યોતિષની સાચી સમજ અને શોખ પણ એટલો જ. મારામાં સંગીતશોખ રહ્યો છે, જ્યોતિષમાં હું કશું સમજતો નથી. હાથમાં નાનકડું ફાનસ અને લાકડી લઈને અમે બાપદીકરો જલસામાં જતા અને મોડી રાત્રે કે પછી ‘રાત રહે પાછલી ખટઘડી ત્યાહરે’ પાછા આવતા. આ જલસાના તળપદા આનંદની સ્મૃતિ આજેય આહ્લાદ આપી જાય છે. હોલિકોત્સવમાં માણેલી દુહા સોરઠાની રમઝટ સાંભરે છે અને આજે હું કોઈ અનોખો રોમાંચ અનુભવું છું. ખંભાળિયાના દેરા ફળિયામાં આવેલું મારું ઘર નજર સામે તરવરે છે અને મનોમન બાળક બની જઈને હું દેરા ફળિયાની ધૂળમાં જાણે કે આટાપાટા રમવા માંડું છું. જામખંભાળિયામાં સંગીતના જલસા, આખ્યાનયુક્ત સુસંગીત વ્યાખ્યાનો અને હરિકીર્તનો ચાલ્યા જ કરતાં. એ દિવસોમાં નવરાત્રની ગરબી અને દાંડિયારાસનો થનગનાટ અનેરો હતો. મારા ગામની જનતાની સંગીતરસિકતા અને ભક્તિમયતાની આ વસ્તુ છડી પુકારે છે. જોકે ત્યારે તો હું એક ટાબરિયો હતો, પણ જાણ્યે-અજાણ્યે હું આ બધું માણ્યા કરતો હતો. ત્યારના એ રસાનુભવે જ મારી રચનાઓ ઉપર સાંગીતિક અસર પડી હશે.” સંગીત અને કવિતા એ બે ભિન્ન કળાઓ છે. વેણીભાઈ જેવાઓની રચનાઓમાં સંગીત કાવ્યત્વને ઉપકારક બનતું આપણે જોઈએ છીએ. એ સંગીતના સંસ્કારો તેમને ગળથૂથીમાંથી મળ્યા હતા. સુગમ ભજનો, ચમત્કૃતિયુક્ત ગઝલો, રમણીય પ્રકૃતિકાવ્યો, મધુર હલકવાળાં ગીતો અને ગદ્યકાવ્યો પણ તેમણે આપ્યાં છે. એક મસ્તી અને રંગદર્શિતાનો ભાવ તેમની કવિતાને સહજ છે. સામાજિક સભાનતાનાં અને અધ્યાત્મનાં નોંધપાત્ર કાવ્યો તેમણે આપ્યાં છે. તેમની આ બધી કવિતા પર સૌરાષ્ટ્રના તળપદી ઢાળોની પ્રશસ્ય છાયા પડેલી છે. ‘સિંજારવ’ પછી બીજે જ વર્ષે ૧૯૫૬માં પ્રગટ થયેલા ‘દીપ્તિ’ સંગ્રહને મુંબઈ રાજ્યનું દ્વિતીય પારિતોષિક મળેલું અને ૧૯૭૫માં પ્રગટ થયેલા ‘આચમન’ને ગુજરાત સરકાર તરફથી પ્રથમ પારિતોષિક મળેલું. ડૉ. સુરેશ દલાલે વેણીભાઈ પુરોહિત અને બાલમુકુન્દ દવેનાં કાવ્યોમાંથી ચૂંટીને ‘સહવાસ’ નામે પ્રતિનિધિ સંગ્રહ ૧૯૭૬માં પ્રગટ કર્યો હતો. આ સંગ્રહ મુંબઈના સોમૈયા પબ્લિકેશન્સે પ્રગટ કર્યો હતો. કવિતા ઉપરાંત વાર્તા ક્ષેત્રે પણ વેણીભાઈએ કામ કર્યું છે. વાર્તાના ત્રણ સંગ્રહો ‘વાંસનું વન’, ‘અત્તરના દીવા’ અને ‘સેતુ’ પ્રગટ થયા છે. લધુકથાકાર તરીકે તેમને વિવિધ સામયિકોની સ્પર્ધાઓમાં પારિતોષિકો મળ્યાં છે. થોડાં વર્ષો પહેલાં ‘ચિત્રલેખા’ તરફથી યોજાયેલી સ્પર્ધામાં વાચકોના મત લેતાં તેમની ‘કાચની પાછળ’ વાર્તાને જંગી બહુમતીથી પ્રથમ પારિતોષિક મળ્યું હતું, ‘રમકડું’ માસિકમાં ‘જોઈતારામ જડીબુટ્ટી’ નામે બાળસુલભ બોધક ટુચકા કાવ્યો તેમણે લખેલાં. એના સંગ્રહ ‘જોઈતારામ જડીબુટ્ટી’ને રાજ્ય સરકારે પ્રથમ પારિતોષિક આપેલું. ‘જન્મભૂમિ-પ્રવાસી’માં તે ‘કવિ અને કવિતા’ વિભાગ સંભાળતા. એ લખાણોમાંથી પસંદ કરીને કવિતા અને તેના રસાસ્વાદનું પુસ્તક ‘કાવ્ય પ્રયોગ’ તાજેતરમાં પ્રગટ થયું છે. તેમણે ફિલ્મો માટે લખેલાં ગીતોમાં ‘દીવાદાંડી’નાં ગીતો ખાસ કરીને ‘તારી આંખનો અફીણી’ ખૂબ લોકપ્રિય નીવડેલું. ‘ગુણસુંદરીનો ઘરસંસાર’, ‘બહુરૂપી’, ‘કંકુ’, ‘યમુના મહારાણી’, અને ‘ઘરસંસાર’ ફિલ્મોમાં તેમનાં ગીતો લોકચાહના પામ્યાં છે. ‘બહુરૂપી’ ફિલ્મમાં ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ ગીતનું પારિતોષિક મળ્યું છે. વેણીભાઈ લોકપ્રિય સાહિત્યકાર છે. લોકપ્રિયતા અને સાહિત્યને હંમેશાં સામસામે છેડે મૂકી ન જ શકાય. વેણીભાઈનો કવિકંઠ લોકો સુધી પહોંચ્યો છે. લોકોના તે માનીતા કવિ છે, તો કાવ્યવિદોને પણ એટલા જ પ્રિય છે. વેણીભાઈએ કવિતા, વાર્તા અને પત્રકારત્વને ક્ષેત્રે જે સેવા કરી છે તે અવશ્ય સ્મરણીય છે.

૧૩-૫-૭૯