શબ્દલોકના યાત્રીઓ – ૨/ચન્દ્રકાંત બક્ષી
શ્રી ચન્દ્રકાન્ત બક્ષીએ અત્યાર સુધીમાં ૩૭ પુસ્તકો પ્રગટ કર્યાં છે. નવલકથા, વાર્તા, નાટક એ ત્રણ મુખ્ય સાહિત્યપ્રકારોમાં બક્ષીએ કામ કર્યું છે. આ ઉપરાંત લેખસંગ્રહ અને અનુવાદો પણ આપ્યા છે. ગુજરાતી સાહિત્યમાં શ્રી ચન્દ્રકાન્ત બક્ષી નવલકથાકાર અને નવલિકાકાર તરીકે વધુ જાણીતા છે. તેમની કૃતિઓ સાહિત્યરસિક વિશાળ વર્ગમાં લોકપ્રિય થયેલી છે, તો વિવેચકોને પણ આહ્વાન રૂપ રહી છે, કોઈ વાર મૂંઝવણ રૂપ પણ. છેલ્લાં ત્રીસેક વર્ષમાં દુરારાધ્ય વિવેચકો અને મુગ્ધ પ્રજાવર્ગ ઉભયમાં એકસરખા પ્રતિષ્ઠિત થયેલા સાહિત્યકારોમાં હું શ્રી ચન્દ્રકાન્ત બક્ષીને પ્રથમ હરોળમાં મૂકું. શ્રી ચન્દ્રકાન્ત બક્ષીનો જન્મ ૧૯૩૨ના ઑગસ્ટની ૨૦મી તારીખે બનાસકાંઠાના પાલનપુર ગામે થયો હતો. તેમનો ઉચ્ચ અભ્યાસ કલકત્તામાં થયો. કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા ડિસ્ટિંક્શન સાથે તેમણે પાસ કરી. એ પછી એમ.એ અને એલ.એલ.બી.ની પદવીઓ પણ મેળવી. તેમણે બાર વર્ષ સુધી કલકત્તામાં પોતાની કાપડની દુકાન ચલાવી. કલકત્તા જનારા ગુજરાતના સાહિત્યકારોને મન કલકત્તા જેટલું રવીન્દ્રનાથનું કે તારાશંકર બંદોપાધ્યાયનું હતું તેટલું જ ચન્દ્રકાન્ત બક્ષી, શિવકુમાર જોષી અને મધુ રાયનું હતું. વેપારમાંથી તેમનું દિલ ઊઠી ગયું અને ૧૯૬૯માં તે કલકત્તા છોડીને મુંબઈમાં સ્થિર થયા. ૧૯૭૦થી આજ સુધી તે મુંબઈમાં વિલેપારલેમાં આવેલી મીઠીબાઈ આર્ટ્સ કૉલેજમાં રાજ્યશાસ્ત્ર અને ઈતિહાસના પ્રાધ્યાપક છે. શ્રી ચન્દ્રકાન્ત બક્ષીએ લેખનનો આરંભ તો ઘણો વહેલો કરેલો. ૧૯૫૧માં તેમની અઢાર વર્ષની ઉંમરે ‘મકાનનાં ભૂત’ નામે એક વાર્તા ‘કુમાર’ માસિકમાં પ્રગટ થઈ. આ તેમની પ્રથમ પ્રગટ કૃતિ, ત્યાર પછી તેમનાં પુસ્તક સતત પ્રગટ થતાં રહ્યાં છે. ચર્ચાસ્પદ હોવું એ જીવંતતાનું લક્ષણ હોય તો શ્રી ચન્દ્રકાન્ત બક્ષી અત્યારના નવલકથાકારોમાં વધારે જીવંત — ઘણા ચર્ચાતા, ટીકાપાત્ર થતા, વખણાતા અને વખોડાતા નવલકથાકાર છે. તેમની કથાઓની ભાષા, એમાં નિરૂપાયેલ જીવન, ‘અશ્લીલતા’ કેટલે અંશે નિવાર્ય ગણાય વગેરે મુદ્દાઓની ચર્ચા સાહિત્યજગતમાં ચાલતી જોવા મળે. વિવેચનને પણ જેબ આપે એવી કૃતિઓ આપનારા લેખકો આપણે ત્યાં કેટલાક? આંગળીને વેઢે ગણાય એટલા લેખકોમાંના એક ચન્દ્રકાન્તભાઈ છે. ચન્દ્રકાન્ત બક્ષીની ‘પેરેલિસિસ’, ‘પડઘા ડૂબી ગયા’, ‘આકાર’, ‘જાતકકથા’, ‘અયનવૃત્ત’ આદિ કથાઓ એમની સર્જકશક્તિનાં નોંધપાત્ર નિદર્શનો છે. બક્ષીની આગવી જીવનદૃષ્ટિ એમાં મૂર્ત થયેલી દેખાય છે. ગુજરાતી નવલકથામાં ટેકનીકની બહુ બોલબાલા થઈ ત્યારે આ કે તે નિરૂપણરીતિમાં દીક્ષિત થયા સિવાય તે પોતાના રાહે ચાલ્યા છે. સાહિત્યનું વસ્તુ, એની સામગ્રી જીવનમાંથી આવે છે અને એ જીવન ઉપરની પકડ તેમણે ક્યારેય ઢીલી પડવા દીધી નથી. ગુજરાતીઓને ઘડીભર જેનો છોછ હોય એવી વિગતો પણ જો જીવનમાં છે તો બક્ષી એ બેધડક નિરૂપે જ છે. અને એમનું નિરૂપણ ગુજરાતી, ઉર્દૂ અને ફારસી પણ શબ્દોના સંમિશ્રણવાળી પોતીકી ભાષામાં કરે છે. ત્વરિત કાર્યવેગ, આબેહૂબ પાત્રચિત્રણ અને મર્માળા સંવાદોથી બક્ષીની નવલકથાઓ ગમી જાય એવી છે. ‘લઘુનવલ’ જેવા પ્રકારમાં ગુજરાતી નવલકથાએ ગજું કાઢ્યું એમ કહેવાય છે. તો એમાં ચન્દ્રકાન્ત બક્ષીની ‘આકાર’ અને ‘અયનવૃત્ત’નો ફાળો નાનોસૂનો નથી. તેમણે લોકપ્રિય નીવડે એવી, રસિક-સુવાચ્ય નવલકથાઓ પણ આપી છે. ક્રમશ : ‘એક સાંજની મુલાકાત’, ‘પશ્ચિમ’ જેવા વાર્તાસંગ્રહો આપ્યા છે. અમેરિકન અને સોવિયેત વાર્તાઓને ગુજરાતીમાં ઉતારી છે. શ્રી બક્ષી ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના ઊંડા અભ્યાસી છે. મેસોપોટેમિયા, યહૂદી ચીન, ઇજિપ્ત, ગ્રીક, રૉમન વગેરે સંસ્કૃતિઓનો અધિકૃત પરિચય આપતી પુસ્તિકાઓ પણ લખી છે. એમની કૃતિઓ ભારતની અન્ય ભાષાઓમાં અનુવાદિત પણ થયેલી છે. દર મહિને શ્રી બક્ષી આકાશવાણી મુંબઈ પરથી ‘સંવાદિકા’ તથા મુંબઈ ટી.વી. પરથી ગુજરાતીમાં ‘યુવદર્શન’ કાર્યક્રમો આપે છે. અંગ્રેજી, સંસ્કૃત, બંગાળી અને ઉર્દૂ ભાષાઓના સાહિત્યના તે સરસ અભ્યાસી છે. એમની અઢારેક નવલકથાઓમાંથી તેમને કઈ વધારે ગમે એમ મેં પૂછ્યું તો કહેઃ “જે કૃતિઓ લખતાં મને તકલીફ પડી છે – અને ઓછી સફળ થઈ છે એ મારી વધારે પ્રિય નવલો છે” તેમ છતાં એમનો પક્ષપાત ‘જાતકકથા’, ‘અયનવૃત્ત’, ‘અતીત વન’, ‘આકાશે કહ્યું’ તરફ છે. ડિટેકિટવ નવલકથાઓ વિશે તેમનું એક આગવું દૃષ્ટિબિંદુ છે. આ પ્રકારની નવલકથાઓ વિશ્વભરમાં ખૂબ વંચાય છે. બક્ષીએ પણ એ લખી છે; પણ આ પ્રકાર ખેડવો મુશ્કેલ છે. આપણા ગુજરાતી લેખકોને એ બહુ ફાવ્યો નથી એમ તેમને લાગે છે. એક સર્જક તરીકે શ્રી બક્ષીની મહત્ત્વાકાંક્ષા પોતાના વાચકને વફાદાર રહેવાની છે. ટેકનીકની લપછપમાં તે પડતા નથી. તે માને છે કે લેખક જો પ્રામાણિક રહે તો ટેકનીક તો આપોઆપ આવે છે. તે કહે છે કે: “મારી આસપાસ જીવતાં પાત્રો, મારા સમયનું મારું જીવન, મારા જેવા મધ્યમવર્ગીય લોકોની રૂચિ-અરુચિ, જે સમાજમાં હું જીવું છું એ સમાજની વેદના અને પ્રશ્નો, મારા સંઘર્ષનો ભૂતકાળ, વાચકોની નવી પેઢીની ભાષા – સર્જન વખતે આ બધી વસ્તુઓ ફોકસમાં આવતી રહે છે.” અત્યારના ગુજરાતી સાહિત્યના પ્રવાહો વિશે પૂછ્યું તો એમણે એમની લાક્ષણિક ઢબે જે કહ્યું એમાં જ, એમના સ્વકીય વ્યક્તિત્વનો પરિચય મળે છે, અને એ આહ્લાદક છે: “અત્યારે ગુજરાતીમાં સાહિત્યપ્રવાહો પણ મને દેખાતા નથી. જૂનાં ખાબોચિયાંઓમાંથી વાસ આવી રહી છે. કહેવાતા ઉચ્ચ સાહિત્યે, પાઠ્યપુસ્તકોએ, ગાંધીવાદી અને બ્રાહ્મણ અને શુદ્ધિવાદી લેખકોએ અને અત્યાધુનિક ફાલતુઓએ લોકોને સાહિત્યથી દૂર લઈ જવામાં સારો ભાગ ભજવ્યો છે. આજે પત્રકારો વિચાર અને ભાષાના સારામાં સારા પ્રયોગો કરી રહ્યા છે. હું કોઈ દિવસ સૌંદર્યવાદી હતો નહિ. હમેશાં જીવનવાદી રહ્યો છું. સાહિત્યપ્રવાહ વિશે મને ખબર નથી. બક્ષીપ્રવાહ ઘોડાપૂરની જેમ વહી રહ્યો છે એ ખબર છે! ” આ આત્મશ્રદ્ધા પ્રતીતિ જન્માવે છે. બક્ષીનાં લખાણો પર એમના વિશિષ્ટ વ્યક્તિત્વની મુદ્રા ઊઠેલી છે. ચન્દ્રકાન્ત બક્ષીમાં આજના મધ્યમ વર્ગની પ્રજાને પોતાનો સાહિત્યકાર સાંપડ્યો છે. એમનું ખમીર, એમની સહૃદયતા, એમની નિર્ભીકતા હજુ વધુ ને વધુ ઉત્કૃષ્ટ રચનાઓની આશા આપે છે. આપણે રાહ જોઈએ.
૧૧-૨-૭૯