શબ્દલોકના યાત્રીઓ – ૨/જગદીશ જોષી
આઠમા દાયકાના એક શક્તિશાળી કવિ જગદીશ જોષીનું ગયા માસની ૨૧મી તારીખે (૨૧-૯-૭૮) મુંબઈમાં અકાળ અવસાન થયું. ગુજરાતી સાહિત્યરસિકોએ એક દારુણ દુર્ઘટનાનો અનુભવ કર્યો. પહેલી સપ્ટેમ્બરે બજારગેટ હાઈસ્કૂલના બિલ્ડિંગમાં તેમના નિવાસસ્થાને સેરેબ્રલ હેમરેજનો હુમલો થતાં તે બેભાન થઈ ગયા અને તેમને જસલોક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, ૧૫મીએ તેમને ઘરે લાવવામાં આવ્યા અને ૨૧મીએ તેમનું અવસાન થયું. ગુજરાતી કવિતાએ એક અત્યંત આશાસ્પદ અને પ્રતિભાશાળી કવિ ગુમાવ્યા. શ્રી જગદીશ રામકૃષ્ણ જોષીનો જન્મ તા.૯ ઑક્ટોબર ૧૯૩૨ના રોજ થયો હતો. તેઓ ૧૯૫૩માં બી.એ. (ઑનર્સ) થયા. તેઓ આપણા પ્રતિષ્ઠિત કવિ મનસુખલાલ ઝવેરીના વિદ્યાર્થી હતા. બી.એ. થયા પછી તે વધુ અભ્યાસ અર્થે યુ.એસ.એ. ગયેલા. ૧૯૫૫માં તેમણે એમ.એ. એમ.એડ.ની ઉપાધિ મેળવી. એ પછી મુંબઈ આવી તેઓ બજારગેટ હાઈસ્કૂલના આચાર્ય તરીકે કાર્ય કરતા હતા. ૧૯૭૨માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આકાશ’ પ્રગટ થયો હતો. એ તેમણે સ્નેહપૂર્વક મોકલતાં નકલમાં લખ્યું હતું કે, “યુનિવર્સિટીમાં બેએક વાર મળ્યા’તા... યાદ છે?” એ પછી તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘વમળનાં વન’ ૧૯૭૬માં પ્રગટ થયો હતો. ‘વમળનાં વન’ને ‘મહાકવિ ન્હાનાલાલ ટ્રસ્ટ’ તરફથી ન્હાનાલાલ પારિતોષિક મળ્યું હતું. તેમનાં કાવ્યો ‘કવિતા’, ‘કુમાર’, ‘સંસ્કૃતિ’ વગેરેમાં પ્રગટ થતાં હતાં. ‘કવિતા’માં તે ગુજરાતી કાવ્યોના અંગ્રેજી અનુવાદ પણ કરતા. મરાઠી ભાષા ઉપર પણ તેમને સારું એવું પ્રભુત્વ હતું. ઉમાશંકર જોશીએ શરૂ કરેલ નિશીથ પુરસ્કાર ગ્રંથમાળામાં મરાઠી કવિ ગ્રેસનાં મરાઠી કાવ્યોનો તેમણે અનુવાદ કર્યો હતો. સુરેશ દલાલ સંપાદિત ‘કાવ્યવિશ્વ’માં પણ તેમના અનુવાદો પ્રગટ થયા છે. કવિતાના અનેક સંચયોમાં પણ જગદીશનાં કાવ્યો તમને જોવા મળશે. પાઠ્યપુસ્તકોમાં પણ તેમનાં કાવ્યો સ્થાન પામેલાં. જગદીશની કવિતામાં વેદનાનું ગાન ગવાયું છે. “સળવળતી કળીઓમાં રાધાની વેદના” ગાનારા આ કવિ હતા. અત્યારના જીવનની વિરૂપતા, કઢંગાપણું અને વિસંવાદિતાથી અકળાઈ ઊઠેલા આ કવિની કવિતામાં વેદના અને કરુણતાનો તાર ચાલુ બજ્યા કરે છે, પણ કવિ આપણને ભેટ તો ધરે છે, રૂપાળાં કાવ્યકુસુમોની. એક જન્મજાત બીમાર કન્યાની ‘હરિ સાથે અમસ્તી વાત’ રજૂ કરતાં તે કહે છે :
હરિ, મારા દેવ!
જલદી આવને!!
લોકો નાહક તારી નિંદા કરે છે...
મારું જો ચાલત ને તો
હું
તેઓને
તને ‘યમદેવ’ કહીને સંબોધવા ન દેત...
વળી ‘ખટકો’ કાવ્યમાં કવિ અત્યારની જીવનરીતિથી વાજ આવી જઈ કહે છે :
ખીલેલાં ફૂલની પાછળથી જોઈ શકો
સુક્કો આ ડાળખીનો દેહ?
પાલખી આ આજ ભલે ઊંચકાતી :
ક્યાંક મારી ભડભડતી દેખું છું ચેહ..…!
હું તો આંસુથી આયખાને સીવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.
કવિ જેવી સંવેદનશીલ વ્યક્તિને પોતાની જિન્દગીમાં રસ ઊડી ગયો લાગ્યો અને તે આવાં વચનો કહે એ સમજી શકાય છે, પણ એમની જિન્દગી આપણા માટે તો મૂલ્યવાન હતી. છેલ્લી પચીસીમાં દુનિયાભરના કવિઓની કવિતામાં જે હતાશા, ભગ્નાશપણું અને નિઃસહાયતા જોવા મળે છે તે જ જગદીશ જેવા કવિઓની કવિતામાં પણ દેખાય છે. સાંપ્રત ચેતનાને વાચા આપનારા ગણ્યાંગાંઠ્યા કવિઓમાં જગદીશ જોષીનો સમાવેશ થાય. આ માટે અછાંદસ કવિતાનું માધ્યમ તેમને ખૂબ અનુકૂળ હતું. કૃતક ગદ્ય કાવ્યોનો ધસમસતો પ્રવાહ આપણે છેલ્લાં વર્ષોમાં જોયો છે, એમાં કેટલાક કવિઓ પોતાની આંતર જરૂરિયાતને વશવર્તી ગદ્યમાં પણ કવિતા સિદ્ધ કરતા એમાં આ કવિનો સમાવેશ થાય છે. એક તરફ અછાંદસ કવિતા તો બીજી તરફ ગીતરચનામાં જગદીશની કવિ તરીકેની વિશેષતા પ્રગટ થતી. તેમનાં કેટલાંક સારાં ગીતો ‘આકાશ’ અને ‘વમળનાં વન’માં સંગ્રહાયાં છે. ‘લયના તળાવ કાંઠે’, ‘ફફડાટ’, ‘હવે’, ‘અમે’, ‘મારો દીવો’ વગેરે તરત સ્મરણમાં આવે. જગદીશની કવિતામાં મુખ્યત્વે ગીતો, ગદ્ય કાવ્યો, ગઝલો છે. પણ છંદ પણ તેમને એટલા જ આસાન હતા. છંદોબદ્ધ રચનાઓમાં એ દેખાય છે. શહેરી સંસ્કૃતિનો ચળકાટ અને વિડંબના ઉચિત શબ્દાવલિમાં તે પ્રગટ કરે છે તો સૌરાષ્ટ્રની તળપદી બાની પણ તેમને એટલી જ હાથવગી છે. જગદીશના બંને કાવ્યસંગ્રહોમાં સાચી પ્રયોગશીલતાનું દર્શન થાય છે. તો એ સાથે જ લયમાધુર્ય પ્રગટ કરતાં બળકટ બાનીનાં ગીતોમાં અસલ ધરતીની સુગંધ પણ પ્રગટ થાય છે. જગદીશ હરકોઈ સાચા કવિની જેમ સ્વપ્નોના કવિ હતા. તેમની કવિતા એક અર્થમાં સ્વપ્નપ્રયાણ જ છે. એક રચનામાં તે કહે છે :
હવે,
સપનાને લાગે છે આછેરો થાક!
મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક?
દરેક માનવી અને તેમાંય સંવેદનશીલ કવિ સ્વપ્નો લઈને જન્મે છે, પણ વ્યવહારની ધીંગી ધરતી પર એ સાકાર થવાં તો દૂર રહ્યાં પણ અતલ નિરાશાનો અનુભવ કરાવે એવી પરિસ્થિતિનો સામનો કરવાનું આવે છે. સ્વપ્નો વરાળ થઈ જતાં દેખાય છે, કવિને હવે તો થાક ચઢે છે.
હવે તો થાક્યું છે હૃદય ભટકી સ્વપ્ન રણમાં,
તને કૈં ના લાગે શ્રમ જરીક આવાં ભ્રમણમાં?
જગદીશ જોષી કાવ્યસર્જક હોવા ઉપરાંત અંગ્રેજી અને ભારતીય ભાષાઓની કવિતાના સારા અભ્યાસી પણ હતા. મુંબઈથી પ્રગટ થતા ‘જનશક્તિ’ દૈનિકમાં દર રવિવારે કોઈ પણ એક ઉત્તમ કાવ્યકૃતિ લઈને એનું સવિસ્તર વિવેચન તથા રસાસ્વાદ કરાવતા. તેમની આ કટાર કવિતારસિકોમાં લોકપ્રિય થઈ હતી. ‘એકાન્તની સભા’ની તેમની આ કટારનાં લખાણો હાલ છપાય છે તે પુસ્તકાકારે પ્રગટ થશે. સાહિત્ય ઉપરાંત શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે પણ તે સંકળાયેલા હતા. મહારાષ્ટ્ર આચાર્ય સંઘની કેન્દ્રીય સમિતિના તેઓ એકવીસ વર્ષથી સભ્ય હતા. મુંબઈ આચાર્ય સંઘના સભ્ય તથા પ્રમુખ-ઉપપ્રમુખ અને મંત્રી તરીકે તેમણે ૧૯૭૦ સુધી સેવાઓ આપી હતી. ૧૯૬૯થી ૧૯૭૫ સુધી તે મુંબઈ યુનિવર્સિટી સેનેટના ફેલો હતા. ૧૯૭૪માં વર્લ્ડ એજ્યુકેશન ફેલોશિપની આંતરરાષ્ટ્રીય પરિષદના કોન્ફરન્સ-સેક્રેટરી હતા. વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે તે સંકળાયેલા હતા. ૧૯૬૨થી ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સહસંપાદક તરીકે પણ તે રહ્યા હતા. ૧૯૭૭માં તેમના પર હૃદયરોગનો હુમલો થયો હતો પણ તે બચી ગયા હતા. આ વખતે વિધાતાએ તેમને આપણી વચ્ચેથી લઈ લીધા. છેંતાળીશ વર્ષની કાચી ઉંમરે તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. આપણા એક બીજા કવિ પ્રિયકાન્ત મણિયારનું પણ એ જ રીતે અકાળ અવસાન થયેલું. તેમના જેવા કવિઓના અકાળ અવસાનથી સાહિત્યને મોટી ખોટ પડી છે. તેમની પ્રતિભાશક્તિના વિકાસકાળમાં જ આવા આશાસ્પદ શક્તિશાળી કવિઓનો વિલય આઘાતજનક છે. છેલ્લે, અમદાવાદમાં માર્ચ મહિનામાં યોજાયેલા કવિ સંમેલનમાં તેમને મળવાનું બનેલું. સ્નેહાળ, સૌંજન્યશીલ અને સૌહાર્દપૂર્ણ વ્યક્તિત્વવાળા જગદીશ જોષી હવે તો સ્મૃતિમાં જ રહ્યા! એ હકીકત મારી જેમ સૌ સાહિત્યરસિકોને માટે પણ હૃદયમાં ખટકો જન્માવનારી નીવડશે. મુંબઈમાં હરીન્દ્ર દવે, સુરેશ દલાલ અને જગદીશ જોષીની કવિ-ત્રિપુટી કવિતાની આબોહવાને જારી રાખતી હતી. આ ત્રિપુટી ખંડિત થઈ! હમણાં મુંબઈમાં મળેલી જગદીશ જોષીની વિશાળ શોકસભામાં હરીન્દ્ર દવેએ કહ્યું:
“દોસ્ત જગદીશ!
મારે માટે સજાવેલી ચિતામાં પોઢી ગયો.
અને ગાઢ નિદ્રામાં પડ્યો!
મને તારી ગાઢ નિદ્રાની ઈર્ષા નથી
ફક્ત મારી જાગૃતિનો જ રંજ છે.”
એક કવિએ બીજા કવિ મિત્રને આપેલી આ અંજલિમાં સૌ કાવ્યપ્રેમીઓની વેદનાનો પડઘો છે.
૨૨-૧૦-૭૮