શબ્દલોકના યાત્રીઓ – ૨/ભાનુપ્રસાદ પંડ્યા
શું પશ્ચિમમાં કે શું આપણા દેશમાં, કવિઓ અને લેખકો કોઈ ને કોઈ રીતે અધ્યાપનક્ષેત્ર સાથે સંકળાયેલા હોય છે. મોટા ભાગના કવિઓ અને લેખકો યુનિવર્સિટીઓ કે કૉલેજોમાં શિક્ષણકાર્ય કરે છે. ભાઈશ્રી ભાનુપ્રસાદ પંડ્યા પણ હમણાં સુધી રાજકોટની શ્રીમતી જે. જે. કુંડલિયા આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. તાજેતરમાં તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતીના રીડર તરીકે નિમાયા છે. શ્રી ભાનુપ્રસાદ પંડ્યા પ્રધાનતયા કવિ છે. વ્યવસાયે ગુજરાતીના અધ્યાપક હોવાથી પ્રસંગોપાત્ત વિવેચનલેખો પણ લખે છે. તાજેતરમાં તેમનાં વિવેચનાત્મક લખાણોનો સંગ્રહ ‘પ્રત્યુદ્ગાર’ પ્રગટ થયો છે. પણ ગુજરાતી સાહિત્યમાં તે ‘અડોઅડ’ કાવ્યસંગ્રહના કવિ તરીકે ઓળખાય છે. તેમનું પ્રથમ કાવ્ય ‘વર્ષાએ આભલ છાયો’ ૧૯૫૫માં ‘વિશ્વવિજ્ઞાન’માં પ્રગટ થયું. એ પછી ‘કુમાર’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘કવિતા’, ‘કવિલોક’, ‘સમર્પણ’, ‘સંસ્કૃતિ’ વગેરે પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની રચનાઓ પ્રગટ થવા લાગી. ૧૯૭૨માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘અડોઅડ’ પ્રગટ થયો. ‘અડોઅડ’ને ગુજરાત સરકારનું પારિતોષિક મળેલું. ૧૯૬૯માં તેમને ‘કુમાર ચન્દ્રક’ મળેલો. શ્રી સુરેશ દલાલના તંત્રીપદે પ્રગટ થતા દ્વૈમાસિક ‘કવિતા’ના પ્રત્યેક અંકમાં શ્રેષ્ઠ પુરવાર થતા કાવ્યને પારિતોષિક આપવામાં આવે છે. શ્રી ભાનુભાઈને આ પુરસ્કાર ચાર વખત મળ્યો છે. ‘સંસ્કૃતિ’માં તેમનું કાવ્ય ‘શબ્દો’ પ્રગટ થયા પછી તેમને એના તંત્રી ઉમાશંકર જોશીને મળવાનું બનેલું. તેમણે આ કાવ્ય પોતાને ગમ્યાની વાત કવિને કહેલી. તે તો પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. સર્જકમાત્ર વિદગ્ધ ભાવક અને વિવેચકને સંતોષવા મથતો હોય છે એનું જ આ ઉદાહરણ છે. (‘રાજાના અશ્વો’ પણ તેમને ગમેલું.) ઉમાશંકરને ગમેલા ‘શબ્દો’ કાવ્યમાં કવિ કહે છે;
પલ પલ બદલે ઢંગ
શબદને કેમ શબદથી સમજાવું?
કોઈ વાર સંગેમરમરની કંડારેલી ક્રોડ
પ્રતિમા
હારબંધ દેવળમાં બેઠી
ઊભી થઈને ઇજન દેશે તેવા ભાસે!
કોઈ સમે સ્વરના ધણમાંથી
શબ્દો કેવા છૂટા પડતા!
ધેનુના નવજાત વચ્છ શા પુચ્છ
ઉછાળી દોડે!
ક્ષણમાં રૂના પોલ સમા એ પોચા પોચા
ફીણ બનીને ફંગોળાતા પળમાં
ઊડે શબદ થઈ લીરે લીરા!
કેમ કરીને ઝાલું?
‘અડોઅડ’માંનું ‘બારી’ કાવ્ય પણ સરસ છે. પણ પછી તો બારી એમની કવિતામાં પ્રતીક બની જાય છે. ગુજરાતી કવિતામાં પ્રહલાદ પારેખ ‘બારી બહાર’ના કવિ, તો ભાનુપ્રસાદ બારીમાંથી વિવિધ પ્રકૃતિ અને માનવ સૌંદર્ય નિરખનાર કવિ. આધુનિક જીવનનો અને તત્ત્વજ્ઞાનનો પાયાનો પ્રશ્ન ચેતનામાં બારી કંડારવાનો છે, બંધિયારપણામાંથી છૂટવાનો છે. ભાનુપ્રસાદે કેટકેટલું સૌંદર્ય મૂર્ત કર્યું છે તે સંગ્રહનાં કાવ્યોમાં સુપેરે વ્યક્ત થાય છે. ગ્રામજીવનના સૌંદર્યને તેમણે અણિશુદ્ધ અભિવ્યક્તિ આપી છે. ગામની સીમ, ગાડાની વાટ, લીલાંછમ પાકથી લહેરાતાં ખેતરો, નદીનાં જળ, મુગ્ધ ગ્રામકન્યકાઓ વગેરે તેમની કવિતામાં જીવંત બને છે. ગ્રામજીવનનો તેમને ઊંડો અનુભવ છે, અને એ જીવનને ચિત્રાત્મક રૂપ આપવાની તેમને ફાવટ છે. તેમનો શબ્દલય ઉછીનો લીધેલો નથી, એનો ઝંકાર તેમણે પોતાની નાડીમાં ઝીલેલો છે. એનું હૃદ્ય સંતર્પક સ્વરૂપ ગીતોમાં મળે છે. ભાનુપ્રસાદનાં ગીતો તળપદા લયહિલ્લોલથી રમણીય થયેલાં છે. શ્રી ભાનુપ્રસાદનું વતન અમરેલી જિલ્લાનું તરવડા ગામ. તેમનો જન્મ ૨૪મી એપ્રિલ ૧૯૩૨ના રોજ થયો હતો. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી તેમણે મુખ્ય વિષય ગુજરાતી સાથે બી.એ. અને એમ.એ.ની ડિગ્રીએ મેળવી. ૧૯૫૦થી ૧૯૭૦ સુધીની ગુજરાતી નવલકથા એક આલોચના — સ્વરૂપ અને વિકાસની દૃષ્ટિએ — આ વિષય પર મહાનિબંધ લખી ગુજરાત યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી પણ તેમણે મેળવી છે. અવારનવાર કાવ્યો ઉપરાંત હળવા નિબંધો અને વાર્તાઓ પણ તે લખે છે. થોડાં વર્ષ પહેલાં તેમણે ‘ફૂલછાબ’માં ‘શબ્દલોકને સથવારે’ નામે કૉલમ ચલાવેલી; પણ તેમનું મુખ્ય ક્ષેત્ર કવિતા જ છે. અને કવિ તરીકેના વિકાસમાં ‘કુમાર’ના તંત્રી શ્રી બચુભાઈ રાવતે આપેલી પ્રેરણાને તે કૃતજ્ઞ ભાવે યાદ કરે છે. કવિતામાં પણ તે પ્રયોગશીલતાના પક્ષપાતી છે. ખાસ કરીને ગીતોમાં તે પ્રયોગ કરતા રહે છે. તાજેતરમાં પ્રગટ થયેલા ‘કવિલોક’ના પ્રયોગ વિશેષાંકમાં તેમણે ‘એક ભૂત-કૃદન્ત હું ગઝલ’ રચના પ્રગટ કરી છે. તેમના ‘અડોઅડ’ના અનુગામી કાવ્યસંગ્રહ ‘સંનિકટ’ની પ્રતીક્ષા કરીએ.
૧૭-૧૨-૭૮