શબ્દલોકના યાત્રીઓ – ૨/સુરેશ દલાલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સુરેશ દલાલ

શ્રી સુરેશ દલાલ સૌ પ્રથમ કવિ છે. એમણે સાહિત્યનાં બીજાં સ્વરૂપો ઉપર કામ કર્યું છે એ હું જાણું છું; પણ સુરેશ દલાલનું સ્મરણ કરતાંવેંત એક કવિનો ખ્યાલ આગળ તરી આવે છે. તેમના વ્યવહાર-વર્તન અને અનુરાગમાં કવિતા જ તેમની અધિષ્ઠાત્રી છે એવી તરત છાપ પડે. અત્યારે કવિતા સમજાતી નથી, દુર્બોધ બની ગઈ છે. અમુક ઉન્નતભ્રૂ વિવેચકો માટે જ લખાય છે એવી ફરિયાદ કરનારાઓને પણ સુરેશ દલાલની કવિતા રૂચી છે. કોઈ કવિતાના મેળાવડામાં પણ તેમને તાલીઓથી નવાજવામાં આવે. સુરેશ દલાલ અત્યારના કવિઓમાં લોકપ્રિય કવિ છે. તે લોકપ્રિય છે એટલા જ વિદ્વતપ્રિય પણ છે. સસ્તી લોકપ્રિયતા તેમને ખપતી નથી. લોકપ્રિયતા માટે તેમણે ધોરણો નીચે ઉતાર્યા નથી. ધોરણો જાળવીને લોકો સાથે પોતાનો તાર સાંધનારા ગણ્યાગાંઠ્યા કવિઓમાં હું સુરેશ દલાલને મૂકું. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘એકાન્ત’ ૧૯૬૬માં પ્રગટ થયો ત્યારે જ તેમણે કવિતારસિકોનું ધ્યાન ખેંચેલું અને નિરંજન-રાજેન્દ્રની પેઢી પછીના કવિઓમાં એક ગણનાપાત્ર કવિ તરીકે તેમણે પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધેલું. સાતમા દાયકામાં ગુજરાતી કવિતાએ અન્ય ભાષાઓની કવિતાની જેમ પ્રયોગશીલતાનો મહિમા કર્યો અને આધુનિક યંત્રવિજ્ઞાનપ્રધાન સંસ્કૃતિની પોકળતાને ખુલ્લી કરી. સુરેશ જેવા કવિ એનાથી અસ્પૃષ્ટ શી રીતે રહી શકે? ૧૯૭૧માં પ્રગટ થયેલા ‘તારીખનું ઘર’ સંગ્રહમાં કવિનો જુદો જ મિજાજ જોવા મળે છે. ૧૯૭૩માં સુરેશ દલાલનાં આઠ ગદ્ય કાવ્યોનો સંગ્રહ ‘અસ્તિત્વ’ પ્રગટ થયો. ‘અસ્તિત્વ’ની કેન્દ્રીય અનુભૂતિ આજના મનુષ્યની એકલતા, હતાશા અને વૈફલ્યની છે. આજની કવિતામાં આ ભાવ વ્યાપકપણે વ્યક્ત થાય છે. આધુનિક કવિ વ્યર્થતામાંથી અર્થસૂચકતાની શોધ આદરે છે. સંગ્રહનું નામ ‘અસ્તિત્વ’ રાખ્યું છે એનો અર્થ એવો નથી કે અસ્તિત્વવાદની ફિલસૂફીની છાયા આ રચનાઓ ઉપર પડેલી છે. મનુષ્ય અત્યારે કેવું એકવિધતાભર્યું અને કૃત્રિમ જીવન જીવી રહ્યો છે તે બતાવવાનો લેખકનો ઉપક્રમ લાગે છે. આજે છિન્નભિન્ન થતું મનુષ્ય અસ્તિત્વ સાંપ્રત વિશે બોલકું બની બુમરાણ મચાવવા. તત્પર હોય ત્યારે ક્વચિત જ સાંભળવા મળતો શ્રદ્ધાનો ‘રણકાર’ ‘અસ્તિત્વ’ને એના કુળની બીજી રચનાઓથી જુદો પાડે છે. સુરેશ દલાલ ગીતકવિ તરીકે વિશેષ જાણીતા છે. તેમનાં ગીતો આપણે આકાશવાણી પર સાંભળીએ છીએ. ઉમાશંકર-સુન્દરમ્ પછી રાજેન્દ્ર, બાલમુકુન્દ, રમેશ પારેખ આદિએ ભાવાનુરૂપ લય-હિલ્લોલવાળાં સુંદર ગીતો આપણને આપ્યાં છે. સુરેશનાં ગીતો પણ એના ભાવમાધુર્ય અને સંગીત માધુર્યના સંવાદી સંયોજનથી આકર્ષક થયેલાં છે. ‘એકાન્ત’ અને ‘તારીખનું ઘર’માં આવેલાં ગીતો અને બીજાં થોડાંક નવાં ગીતોનો સંગ્રહ ‘નામ લખી દઉં’ નામે તેમણે ૧૯૭પમાં પ્રગટ કર્યો છે. ગુજરાતી ગીતોનો સંચય ‘નજરું લાગી’ એ નામે તેમણે ભાલ મલજી સાથે સંપાદિત કરી આપ્યો હતો. તાજેતરમાં તેમણે ‘સિમ્ફની’ અને ‘રોમાંચ’ એ નાના સંગ્રહો પ્રગટ કર્યા છે. સુરેશ દલાલનું કવિ તરીકેનું એક બીજું પાસું તે બાલકાવ્યોના સર્જકનું છે. બાલસાહિત્યને નામે આપણે ત્યાં ઘણું અગડંબગડં પ્રગટ થાય છે. ન્હાનાલાલ, સુન્દરમ્ જેવા મોટા કવિઓએ સુંદર બાળકાવ્યો આપ્યાં હતાં પણ સારાં બાળકાવ્યો આપણે ત્યાં ઝાંઝાં લખાતાં નથી. આ પરિસ્થિતિમાં સુરેશભાઈએ ‘ઈટ્ટાકિટ્ટા’, ‘ધીંગામસ્તી’, ‘અલકચલાણું’, ‘ભિલ્લુ’, ‘પગની હોડી, હાથ હલેસાં’, ‘ટિંગાટોળી’ જેવા સુંદર રૂપરંગવાળા અને બાળકો હોંશે હોંશે લલકારી શકે તેવા આંતરસત્ત્વે પણ સોહામણા બાળકાવ્યોના સંગ્રહો આપ્યા છે એ તેમની એક મહત્ત્વની કામગીરી છે. શ્રી સુરેશ દલાલનો જન્મ ૧૧ ઑક્ટોબર ૧૯૩૨ના રોજ થયો હતો. તેમનાં પત્ની સુશીલાબહેનના આતિથ્યનો ઘણા લેખકોને અનુભવ હશે. તેમને નિયતિ અને મિતાલી નામે બે પુત્રીઓ છે. નિયતિનો ફોટો સુરેશ દલાલના દીવાન ખંડમાં જ નહિ પણ તેમનાં બાળકાવ્યોના સંગ્રહના પૂંઠા પર પણ જોવા મળશે. ૧૯પપમાં તેમણે મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષા પસાર કરી અને ૧૯૬૯માં છ અર્વાચીન કવિઓના વિશેષ અભ્યાસ સાથે ગુજરાતીમાં થયેલા ઊર્મિકાવ્યના વિકાસ ઉપર મહાનિબંધ લખી તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ વ્યવસાયે ગુજરાતીના અધ્યાપક છે. મુંબઈની કે. જે. સોમૈયા કૉલેજ, કે. સી. કૉલેજ, એચ. આર. કૉમર્સ કૉલેજમાં કામ કર્યા પછી હાલ મુંબઈ એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં ગુજરાતીના પ્રોફેસર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્ય કરી રહ્યા છે. જેમ કવિઓ જન્મતા હોય છે તેમ સંપાદકો પણ જન્મતા હોય છે એમ સુરેશ દલાલની બાબતમાં કહેવું જોઈએ. તેમના હાથે ઘણાં સંપાદનો થયાં છે અને થાય છે. તે કે. જે. સોમૈયા કૉલેજમાં હતા ત્યારે તેમણે કૉલેજ વાર્ષિકને સાહિત્યિક બનાવી દીધેલું. સોમૈયા પબ્લિકેશન્સની સ્થાપના કરી. ‘સમિધ’ના બે અંકો સાચવી રાખવા જેવા થયા તે સુરેશ દલાલની જહેમતને કારણે. ગુજરાતભરના લેખકોએ એમાં લખ્યું. ઉપરાંત ઉમાશંકર અને સુન્દરમ્ આપણા આ બે મૂર્ધન્ય કવિઓ વિશેના માતબર સંદર્ભગ્રંથો અનુક્રમે ‘કવિનો શબ્દ’ અને ‘તપોવન’ તેમણે સંપાદિત કરી પ્રગટ કર્યા. કાન્તની શતાબ્દી નિમિત્તે ‘ઉપહાર’ પ્રગટ કર્યો. એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીના ઉપક્રમે બાલમુકુન્દ અને વેણીભાઈ પુરોહિતનાં કાવ્યોનો સંચય ‘સહવાસ’ પણ તેમણે જ તૈયાર કર્યો. સુન્દરમ્ અને ડૉ. જયંત ખત્રીની વાર્તાઓના પ્રતિનિધિ સંગ્રહો વિસ્તૃત પ્રવેશક સાથે પ્રગટ કર્યા, ઉશનસનાં કાવ્યોનો સંચય ‘વીથિકા’ પ્રગટ કર્યો. જયન્ત પાઠકનાં કાવ્યોનો એવો સંચય પ્રગટ થવામાં છે. ૧૯પ૩થી ૧૯પ૯ સુધીની ગુજરાતી કવિતાના નાનકડા સંચયો પણ તેમણે આપ્યા છે. આ તો મુખ્ય મુખ્ય સંપાદન કૃતિઓની વાત થઈ. મુંબઈમાં સ્થપાયેલા ચીમનલાલ લિટરરી ટ્રસ્ટના તે સલાહકાર છે. આ ટ્રસ્ટના ઉપક્રમે એક મોટું કામ એ થયું કે વિશ્વની કવિતાના અનુવાદોનો સંગ્રહ ‘કાવ્યવિશ્વ’ નામે ૧૯૭પમાં પ્રસિદ્ધ થયો. ઉમાશંકર-સંપાદિત ‘કાવ્યાયન’ અને આ ‘કાવ્યવિશ્વ’ એ બે વિશ્વની કવિતાના ઈષત્ પરિચયમાં મૂકી આપતા નોંધપાત્ર સંચયો છે. લિટરરી ટ્રસ્ટને ઉપક્રમે બીજાં પણ માતબર પ્રકાશનો થાય છે. એની પાછળ સુરેશભાઈની સૂઝ અને સાહિત્યની લગની રહેલાં છે. સુરેશ દલાલની એક બીજી નોંધપાત્ર પ્રવૃત્તિ તે પત્રકારત્વ ક્ષેત્રની છે. ‘જન્મભૂમિ’માં તેમણે ‘મારી બારીએથી’ કૉલમ ચલાવેલી. એમાં આવેલાં લખાણોમાંથી ચૂંટીને તેમણે આ જ શીર્ષકનાં બે પુસ્તકો પ્રગટ કર્યાં છે. એમાં પ્રાસંગિક લખાણો, કવિઓ અને લેખકોનાં રેખાચિત્રો, અંજલિઓ અને કોઈ મુદ્દા ઉપરનું વિચાર સંક્રમણ આપવામાં આવ્યાં છે. લેખક કહે છે કે આ કટારે તેમને ગદ્ય લખતા કર્યા. પણ એ સારું જ થયું. કાવ્યત્વના ચમકારાવાળું રસાળ ગદ્ય લખાણ તેમની પાસેથી આપણને મળ્યું. પરંતુ સુરેશ દલાલની મહત્ત્વની સેવા તો ‘કવિતા’ દ્વૈમાસિકના સંપાદનની છે. તેમણે ‘કવિતા’ માસિક દ્વારા નવી કલમોને પ્રકાશમાં લાવવાનું, સિદ્ધ કવિઓને પોતાનું ઉત્તમ રજૂ કરવાનું અને કવિતા જેવા એક સ્વર્ગીય પદાર્થને બે પૂંઠાં વચ્ચે અત્યંત સુરુચિપૂર્વક, કલાત્મક રીતે પ્રસ્તુત કરવાનું જે કાર્ય કર્યું છે તે પ્રશસ્ય છે. દર બે મહિને ગુજરાતી કાવ્યરસિકો ‘કવિતા’ના અંકની રાહ જોતો હોય છે! જન્મભૂમિ પ્રકાશન તરીકે ‘કવિતા’ સાહિત્યજગતમાં સ્થિર થયું છે. પ્રત્યેક અંકમાં અધિકારી વિદ્વાન કે વિવેચકે શ્રેષ્ઠ ઠેરવેલી રચનાને પારિતોષિક આપવામાં આવે છે. આવી પુરસ્કૃત રચનાઓનો પણ પાછો એક અંક તેમણે કર્યો છે. ‘રૉબર્ટ ફ્રૉસ્ટ’ અને ‘સૉનેટ’ના વિશેષાંકો પ્રગટ કર્યા છે. પ્રત્યેક અંકમાં એકબે રચનાઓ કવિના હસ્તાક્ષરમાં આપવામાં આવે છે. આવી રચનાઓનો હસ્તાક્ષર-અંક પ્રગટ થવામાં છે. સુરેશ દલાલ સાહિત્યના સારા અભ્યાસી છે. તેમના અભ્યાસલેખોનો સંગ્રહ ‘અપેક્ષા’ પ્રગટ થયેલો છે. પણ આપણે હજુ અપેક્ષા સેવી રહ્યા છીએ એની એમને ખબર હશે? મુંબઈની અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે તે સંકળાયેલા છે. અવનવી યોજનાઓ તેમને સૂઝે છે અને તે એને સાકાર કરીને જ જંપે છે. યુનિવર્સિટીમાં ગયા પછી વિવિધ સંશોધન યોજનાઓ અને પરિસંવાદો વગેરેમાં તે સક્રિય રહે છે. મરાઠી ભાષા ઉપર પણ તે સારો કાબૂ ધરાવે છે. નિશીથ પુરસ્કાર ગ્રંથમાળામાં ‘કવિતા સંગમ’ શ્રેણીમાં મરાઠી કવિતાના અનુવાદમાં તેમણે કામ કર્યું છે. નેથેનિયલ હૉથોર્ન અને બોરડેન ડીયલ એ બે અમેરિકન લેખકોની નવલકથાઓનો તેમણે અનુવાદ કર્યો છે. મુંબઈમાં હરીન્દ્ર દવે, જગદીશ જોષી અને સુરેશ દલાલની કવિ-ત્રિપુટી સાહિત્યિક આબોહવાને હમેશાં તાજીમાજી રાખવામાં પોતાનો ફાળો આપ્યા કરતી. તાજેતરમાં જગદીશ જોષીના અવસાનથી આ વિરલ કવિ ત્રિપુટી ખંડિત થઈ! જગદીશ જોષીએ પોતાનો કાવ્યસંગ્રહ ‘વમળનાં વન’ સુરેશ દલાલને અર્પણ કરતાં લખ્યું છે :

“વિકસિત થતાં શૈલશિખરની
કેડીઓ પર
ગુલાબી પગલાં પાડનાર
કવિતાના બંદા!
કેટલીયે દુનિયામાં ડોકિયાં કરવાનું
હજીયે બાકી છે.
અમારે
દોસ્ત, તારી આંખે!”

સુરેશ દલાલ એટલે ‘કવિતાનો બંદો’. કેટલી સાચી વાત એક કવિમિત્રને મુખેથી નીકળી પડી છે!

૨૯-૧૦-૭૮