શબ્દલોકના યાત્રીઓ – ૨/નલિન રાવળ
શુદ્ધ સાહિત્યરસથી સંચાલિત સર્જકો આંગળીને વેઢે ગણાય એટલા જ હોય છે. શ્રી નલિન રાવળ એમાંના એક છે. તે ૧૯પ૯માં યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ભણતા હતા ત્યારથી તેમને ઓળખું છું. અનેક વાર મળવાનું બને છે; પણ એક્કે વાર સાહિત્યપદાર્થ સિવાયની વાત થઈ હોય એવું મને યાદ નથી. એમ.એ.માં મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય અંગ્રેજી લઈ તે અભ્યાસ કરતા. ટી. એસ. એલિયટના સૈદ્ધાન્તિક વિવેચનમાં તેમનો રસ સરેરાશ વિદ્યાર્થી કરતાં ઘણો ઘણો વધારે હતો. પરિસંવાદોમાં પણ તે ભાગ લેતા. તે વખતે ગુજરાતીના વર્ગને સ્વર્ગસમો બનાવવામાં તેમના જેવા સાચા વિદ્યા-અર્થીઓનો ફાળો બહુમૂલ્ય હતો. ઉમાશંકરભાઈ પણ તેમનાથી ખુશ ખુશ. તેમણે શાળાના મૅગેઝીનમાં રાધાકૃષ્ણવિષયક ગીત લખેલું અને ‘વિચિત્ર અનુભવ’ નામે વાર્તા લખેલી; પણ તેમની ખરેખરી સાહિત્યયાત્રા તો એ ગાળામાં ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલા ‘મધ્યાહ્ન’ કાવ્યથી થઈ. આજે કવિ તરીકે તેમને મધ્યાહ્ન તપે છે અને છતાં સામયિકોમાં વારંવાર નલિનની રચનાઓ તમને જોવા નહિ મળે. તેમણે અત્યાર સુધીમાં બે જ કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. ૧૯૬૨માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉદ્ગાર’ પ્રગટ થયો અને એક દસકા પછી ૧૯૭૨માં ‘અવકાશ’ પ્રગટ કર્યો. પણ તેમણે આ બે સંગ્રહોમાં ઊંચી કોટિની કવિતા આપી છે. અને રાજેન્દ્ર-નિરંજન પછીની પેઢીના કવિઓમાં પોતાનું સુનિશ્ચિત સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. નલિન ચિંતનશીલ કવિ છે. પ્રતીકો અને કલ્પનોનો વિનિયોગ આંતરિક અનુભવની અભિવ્યક્તિ અર્થે તે કરે છે. નવીનતાનો કોઈ વ્યામોહ નહિ પણ કૃતિની આંતરિક એકતા ઉપર એમની નજર હોય છે. પરિણામે એમની કવિતામાં અનાયાસ સુગ્રથન સિદ્ધ થાય છે. અનુભૂતિ અને વિચારતત્ત્વ એકમેકમાં ઓગળી જાય છે ને એક સઘન છાપ ઊભી થાય છે. નલિન રાવળને પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિશાળ માનવપ્રેમના કવિ તરીકે ઓળખાવ્યા બાદ શ્રી ઉશનસ્ કહે છે : “નલિન નિરંજન શાળાના સમર્થ પ્રતિનિધિ રૂપે જ માત્ર નહિ; સમગ્ર નવી કવિતા-પ્રકરણમાં મુગ્ધ પ્રકૃતિકવિ તરીકે ટહુકા જેટલી તાજગીથી, નગર કવિતામાં તે હસમુખના લગભગ સમોવડિયાપણાથી, પ્રિયકાન્ત જેટલી કલ્પન-પ્રતીકી કાવ્યશક્તિથી, તેમની ભાવચેતનાના— ભાષાચેતનાના વિશાળ સંદર્ભથી, સુગેયતા તથા અછાંદસતા વચ્ચેના નોંધપાત્ર પરંપરિત છંદપ્રયોગથી તે આપણી કવિતામાં હમણાં જ વીતેલી ગઈ કાલ, આજ અને આવતી કાલને જોડતી મહત્ત્વની કડીરૂપે ઐતિહાસિકતાથી તથા જાગ્રત કવિકર્મકલાથી એક નોંધપાત્ર સુકવિ લેખે પણ સદાય ઉલ્લેખનીય રહેશે.” અન્ય સર્જનાત્મક પ્રકારોમાં તેમણે ટૂંકી વાર્તાઓ લખી છે. તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘સ્વપ્નલોક’ ૧૯૭૭માં પ્રગટ થયો છે. નલિનભાઈએ વિવેચનનું ખેડાણ પણ કર્યું છે. યુનિવર્સિટી ગ્રન્થ નિર્માણ બોર્ડ તરફથી તેમનો ‘પાશ્ચાત્ય કવિતા’નો ગ્રંથ ૧૯૭૩માં પ્રગટ થયો હતો. આ પ્રકરણબદ્ધ ગ્રંથમાં તેમણે ગ્રીકથી આરંભી અમેરિકન સુધીની પાશ્ચાત્ય કવિતાનો આસ્વાદમૂલક વિવેચનાત્મક આલેખ આપ્યો છે. એમાં તેમણે રોમન, ઈટાલિયન, સ્પૅનિશ, ફ્રેન્ચ, અંગ્રેજી અને જર્મન કવિતાનો પરિચય કરાવ્યો છે. પ્રસંગોપાત્ત તેમણે તે તે ભાષાની કવિતાના ખંડકો અનુવાદ રૂપે ગ્રંથમાં આપ્યા છે. પશ્ચિમની કવિતાનો સળંગસૂત્ર પરિચય કરાવતો આ પહેલો ગ્રંથ છે. ૧૯૭પમાં તેમના વિવેચનલેખોનો સંગ્રહ ‘અનુભાવ’ પ્રગટ થયો છે. એમાં સ્વાધ્યાયલેખો છે. ગુજરાતી કવિતાનું તેમણે કરાવેલું રસપાન સ્વકીય દૃષ્ટિબિંદુઓને કારણે વિશિષ્ટ કહી શકાય એવું છે. અંગ્રેજી સાહિત્યકારો અને સાહિત્યકૃતિઓ વિશેનો સંગ્રહ ‘નિર્દેશ’ હવે પછી પ્રગટ થશે. શ્રી નલિન ચન્દ્રકાન્ત રાવળનો જન્મ ૧૭ માર્ચ ૧૯૩૩ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમનું વતન વઢવાણ. કુટુંબ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલું છે. તેમના પિતા બિલ્ડિંગ કૉન્ટ્રાક્ટર હતા. સંસ્કૃત સાહિત્યના ખાસ પ્રેમી. તેમણે હરદ્વારમાં સંસ્કૃતનો અભ્યાસ કરેલો. તેમના દાદા મગનલાલ રાવળ ડૉક્ટર હતા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેમણે ફ્રાન્સ, ઈટલી વગેરે દેશોમાં યુદ્ધભૂમિ ઉપર ઘવાયેલાઓની શુશ્રૂષા કરેલી. નલિને પ્રાથમિક શિક્ષણ કાળુપુરની શાળા નં. ૭માં લીધું. માધ્યમિક શિક્ષણ ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાં. કૉલેજનો અભ્યાસ અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજ અને લૉ આર્ટ્સ કૉલેજમાં કર્યો. અંગ્રેજી-ગુજરાતી સાથે ૧૯પ૬માં બી.એ. થયા. ૧૯પ૯માં મુખ્ય વિષય ગુજરાતી અને અંગ્રેજી સાથે એમ.એ. થયા. તેમણે અધ્યાપકનો વ્યવસાય સ્વીકાર્યો છે. થોડો સમય ભરૂચ અને નડિયાદમાં અધ્યાપનકાર્ય કર્યા બાદ ૧૯૬પથી અમદાવાદની બાલાભાઈ દામોદરદાસ આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કાર્ય કરે છે. તેમની સાહિત્ય પદાર્થની સમજ કેળવવામાં એસ. આર. ભટ્ટ અને નિરંજન ભગત જેવા અધ્યાપકોનો ફાળો છે. છેક પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી તેમને સાહિત્યની લગની લાગેલી. એ વખતે અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં પ્રકૃતિને લગતો એક પાઠ હતો. એનું તેમણે એ વખતે પદ્યમાં રૂપાંતર કરેલું! પછી તો ‘કુમાર’, ‘સંસ્કૃતિ’માં તેમનાં કાવ્યો પ્રગટ થવા લાગ્યાં. ૧૯પ૨થી તે ‘કુમાર’ની બુધ કાવ્યસભામાં જવા લાગ્યા. બુધ કાવ્યસભાએ એમની કાવ્યરુચિ ઘડવામાં ફાળો આપ્યો. પ્રિયકાન્ત, નિરંજન અને હસમુખ જેવા કવિઓની મૈત્રીએ પણ અંતઃસ્થ સર્જકતાને પોષણ આપ્યું. બે કાવ્યસંગ્રહો પ્રગટ થયા બાદ અત્યારે તે પ્રકાશ્ય સંગ્રહ ‘અનામિકા’ ઉપર કામ કરી રહ્યા છે. એમાં મૂકેલા કાવ્યગુચ્છોનું સંમાર્જન કરી રહ્યા છે. એમને કવિતાનાં ઘણાં પારિતોષિકો મળ્યાં છે. એમની કવિતાનો અભ્યાસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ થાય છે. અત્યારે લખાતી અછાંદસ કવિતા વિશે તે કહે છે : “અછાંદસનું શબ્દસ્વરૂપ તેમ જ તેનું લયસ્વરૂપ અસ્પષ્ટ છે. શબ્દનું કે લયનું કોઈ વિશેષ સ્વરૂપ બંધાતું નથી. ન તો શબ્દ દ્વારા કે ન તો લય દ્વારા, તે કાવ્યસંસ્કાર મૂકી જતું નથી. કવિતાને જેટલો સંબંધ લય, છંદ અને શબ્દ સાથે છે, એટલો જ વિચાર સાથે પણ છે. કાવ્યમાં શબ્દમુદ્રાનું જેટલું સૌન્દર્ય છે એટલું જ વિચારમુદ્રાનું પણ છે. આ બંનેમાંથી એક અભિન્ન કાવ્યમુદ્રા ઊભી થતી હોય છે.” તેઓ માને છે કે કાવ્યનું પરમ સૌન્દર્ય એની વૈચારિક મુદ્રા છે. એથી બળવંતરાયની કાવ્યવિચારણા તેમને વિશેષ હૃદ્ય લાગે છે. એમના ઉપર કોલરિજના ‘એન્શિયન્ટ મેરિનર’નો પ્રભાવ પણ પડેલો. કીટ્સ, ડિલન ટૉમસ, ફ્રૉસ્ટ એમના પ્રિય કવિઓ છે. ગુજરાતી સમકાલીન કવિઓમાં સુન્દરમ્-ઉમાશંકર, રાજેન્દ્ર-પ્રિયકાન્ત એમના પ્રિય કવિઓ છે. અત્યારની કવિતામાં વૈચારિક સૌન્દર્યની ઊણપ તેમને ખટકે છે. નલિન રાવળ સ્વભાવે ઋજુ, સંવેદનશીલ અને સહૃદય છે. આ લખનારને સંપાદન હેઠળ પ્રગટ થતી ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’નો આરંભ જ નલિનભાઈના ‘પ્રિયકાન્ત મણિયાર’ ઉપરના મૉનોગ્રાફથી થયેલો. એ વખતે પ્રિયકાન્તનું અવસાન થયેલું. પ્રિયકાન્ત ઉપર પુસ્તિકા લખવા મેં તેમને કહ્યું. હસ્તપ્રત સોંપવાની તારીખ પણ નક્કી કરી : ૧પમી ઑગસ્ટ ૧૯૭૬. તે દિવસે સવારે તેમણે હસ્તપ્રત મારા હાથમાં મૂકી. ‘શ્રેણી’ની આ પ્રથમ પુસ્તિકા ઘણી લોકપ્રિય થઈ. ગણતરીના મહિનાઓમાં એની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. તેની હજુ પણ માગ છે. ત્રીજી આવૃત્તિ હવે પ્રગટ થશે. નલિનભાઈએ સાહિત્ય અકાદમી તરફથી એચ. એલ. અજવાણીના સિંધી સાહિત્યના ઈતિહાસની રૂપરેખાનો અનુવાદ કર્યો છે. શેક્સપિયરના ‘ટેમ્પેસ્ટ’નો પણ તેમણે અનુવાદ કર્યો છે જે હવે પછી પ્રગટ થશે. આવા સંનિષ્ઠ, વિદ્યારસિક અને પ્રતિભાશાળી કવિ પાસે આપણને ઘણી મોટી અપેક્ષાઓ હોય. હોય જ ને?
પ-૮-૭૯