શબ્દલોકના યાત્રીઓ – ૨/દિલીપ રાણપુરા
ગઈ મકર સંક્રાંતિનું સવાર. ભાઈ દિલીપ રાણપુરા મારા એક વિદ્યાર્થી શ્રી મફત ઓઝાને લઈને ઘરે મળવા આવ્યા. આ એમની પ્રથમ મુલાકાત. સ્વભાવ સંકોચશીલ, કાંઈક શરમાળ પણ ખરા. બોલે ત્યારે અજાણ્યા માણસને પોતે લેખક છે એવો વહેમ પણ ન પડવા દે. હોઠ પર સ્વાભાવિક્તાભર્યા શબ્દો. પણ પ્રત્યેક શબ્દ લાગણીથી ભીનો ભીનો. સસંકોચ તેમણે પ્રથમ મુલાકાતની સ્થિતિમાં ‘દીવા તળે ઓછાયા’ પુસ્તક મારા હાથમાં મૂક્યું. આ પુસ્તકમાં તેમના જીવનપ્રસંગોનું આલેખન છે. વાંચી ગયો. ગમ્યું. અનેક માણસોને વાંચવાની ભલામણ કરી. તેમનાં આ બંને મિલનો પ્રત્યક્ષ — અને શબ્દદેહનાં — આહ્લાદક નીવડ્યાં. આપણામાં કહેવત છે કે, લખતાં લહિયો થાય. પણ કોઈ વાર બીજાનું લખેલું છાપતાં છાપતાં પણ માણસ લેખક થઈ શકે - જો એનામાં સર્જકશક્તિ હોય તો. દિલીપ રાણપુરા એ રીતે થયેલા લેખક છે. સોળ વર્ષની ઉંમરે નોકરીની શોધમાં અમદાવાદ આવેલા. અભ્યાસ અધૂરો મૂકેલો. અમદાવાદમાં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય નામની પ્રકાશક-પેઢીમાં એને હસ્તક ચાલતા શારદા મુદ્રણાલયમાં કૉમ્પોઝીટરની તાલીમ લીધેલી અને ત્યાં જ એ કામગીરી કરતા હતા. એ વખતે સ્વ. કનૈયાલાલ મુનશીનું નાટક ‘ડૉ. મધુરિકા’ ત્યાં છપાતું હતું. દિલીપભાઈ એનાં બીબાં ગોઠવતા. એ કામ કરતાં કરતાં એમને વિચાર આવ્યો કે આવું પોતે ન લખી શકે? આ વિચારમાં ખૂંપી ગયા અને બીબાં ગોઠવવાનું તો ક્ષણભર વીસરાઈ ગયું. ફોરમૅન દિનકરરાય આ જોઈ ગુસ્સે થયા. મૂળથી રાણપુરા સ્વમાની જીવ. પોતાનું આવું અપમાન થયું જાણી તરત હિસાબ કરી શારદા મુદ્રણાલયનાં પગથિયાં ઊતરી ગયા. આજે તેમની નવલકથાઓ અને વાર્તાઓ જોતાં લાગે છે કે, મુનશીનો આત્મા પણ પ્રસન્નતા અનુભવતો હશે! એ પછી અમદાવાદમાં ‘સંદેશ’, ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રભાત’ છાપાંમાં કામ કરી છેવટે મુંબઈ ગયા. મુંબઈમાં પૂઠાં બનાવવાના કારખાનામાં કામ કર્યું, પણ ત્યાંય દિલ ચોંટ્યું નહિ. વતન ધંધુકામાં પાછા ફર્યા. ફરી શાળામાં દાખલ થયા. પ્રાથમિક શાળાની પરીક્ષા પસાર કરી. સર્વોદય યોજના, ગુંદીમાં નોકરી મળી ગઈ. થોડો સમય કામ કર્યું પણ અંતર્મુખ અને લાગણીશીલ સ્વભાવને કારણે એ નોકરી પણ છોડી દીધી. વળી પાછા નોકરી કરતા, છોડતા ફરી વાર શોધતા અને છોડતા રહ્યા. છેલ્લે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખેરાણા ગામે શિક્ષક તરીકે જોડાયા. અહીં નવરાશ ખૂબ રહેતી. જે હડફેટે ચઢે તે વાંચી નાખતા. લખવાની ઈચ્છાનું બીજ તો નાનપણમાં વવાયું હતું. હવે સર્જનની અદમ્ય ઇચ્છા સળવળાટ કરવા લાગી. લખવા માંડ્યું. છપાવા માંડ્યું. કોઈના સીધા માર્ગદર્શન વગર રાણપુરા પોતાનો માર્ગ કાપવા માંડ્યા. શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો હતો એટલે ગુજરાતી પ્રાથમિક શાળાઓનો, એના સરકારી તંત્રનો અને પ્રજાની ઉદાસીનતાનો પેટભરપૂર અનુભવ થયો. સ્વભાવમાં અન્યાય સામે લડી લેવાની ક્ષાત્રવૃત્તિ તો હતી જ. સહન કરવાની તૈયારી પણ હતી. પહેલી નવલકથા લખાઈ આ વિષય પર. એનું નામ ‘તેજકિરણ’. ‘સત્યાગ્રહ’માં એનું અવલોકન કરતાં મગનભાઈ દેસાઈએ એને આવકારી. આ નવલકથામાં પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશેલી બદીઓનું સચોટ આલેખન થયું છે. સરકારી તંત્ર, સંચાલકો, શિક્ષણ સમિતિઓએ રચેલી દીવાલની સામે એક આદર્શવાદી યુવકે જે પ્રતિકારશક્તિ દાખવી એનું ચિત્રણ અસરકારક છે. લેખકની વસ્તુગૂંથણીની કલા, પાત્રચિત્રણની શક્તિ અને કથયિતવ્યની અસરકારક રજૂઆતને કારણે નવલકથા લોકપ્રિય બની. આમે અનેક વિષયો પર નવલકથાઓ તો લખાય છે; પરંતુ ઓછા પરિચિત એવા જીવનના આ ખંડને તેમણે જે રીતે પ્રકાશિત કરી આપ્યો તે મહત્ત્વની વસ્તુ છે. બીજી નવલકથા ‘સૂકી ધરતી સૂકા હોઠ’માં પણ પ્રાથમિક શિક્ષણની સમસ્યા નિરૂપાઈ છે. ગુલાબદાસ બ્રોકરે આ નવલકથાની સમીક્ષા કરતાં કહેલું: “દિલીપ રાણપુરાની નવી નવલકથા ‘સૂકી ધરતી સૂકા હોઠ’ વાંચી ત્યારે અનાયાસે અપ્ટન સિંકલર અને ‘જંગલ’ યાદ આવી ગયા. એ પુસ્તક વાંચતાં પણ એવી લાગણી થઈ કે જો આપણો દેશ અમેરિકા જેવો જીવંત દેશ હોય અને આપણી પ્રજા ત્યાંની પ્રજા જેવી જાગ્રત હોય તો આના વાચન પછી એવો હાયકારો આખી પ્રજામાં વ્યાપી જાય અને આપણાં ગામડાંના શિક્ષકો, તેમની હાલત અને ત્યાંના શિક્ષણ વિશે એ એટલી બધી સચેત બની જાય કે, આપણી સરકારે પણ એ બધા વિશે પૂરેપૂરું જાગ્રત થઈ જવું પડે અને પરિસ્થિતિને નવેસરથી સુધારી લેવી પડે.” ‘હું આવું છું’ પણ તેમની પ્રશંસાપાત્ર નવલકથા છે. આ ઉપરાંત ‘આતમ વીંઝે પાંખ’, ‘ભીંસ’, ‘કોઈ વરદાન આપો’, ‘નિયતિ’, ‘નયન સમાયો શ્યામ’, ‘મધુડંખ’, ‘કારવાં ગુજર ગયા’, ‘ચીરહરણ સભા’, ‘કાન તમે સાંભળો તો’, ‘એક છોકરી, એક સ્ત્રી’ વગેરે નવલકથાઓ તેમણે આપી છે. તેમની ‘રે, અમે કોમળ કોમળ’, પ્રેસમાં છે. ‘જનસત્તા’માં ‘ફૂલનું બીજું નામ’ ધારાવાહી પ્રગટ થાય છે. તેમણે નવલિકાઓ પણ લખી છે. ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ’ સંગ્રહ પ્રગટ થયેલ છે. ક્યારેક રેડિયો નાટકો લખે છે. તેમની સંસ્મરણકથા ‘દીવા તળે ઓછાયા’ સરસ છે. એમાં તેમણે પોતાના અનુભવો તદ્દન સાહજિક રીતે આલેખ્યા છે. દિલીપ રાણપુરાનો સીધો પરિચય આ પુસ્તકમાંથી મળે છે. તમે લેખકની સાથે સાથે ગુંદીના સર્વોદય આશ્રમમાં, પાલનપુર, રાધનપુર, ચોટીલા અને ખેરાણા એમ અનેક સ્થળે ફરો છો. અનેક સારા માઠા લોકોના પરિચયમાં આવે છે, પણ ખાસ તો એના આલેખકના સ્નિગ્ધ, ઋજુ હૃદયનો પરિચય થાય છે તે આહ્લાદક છે. અનેક મનુષ્યો સાથે તમારે પણ સંબંધ બંધાઈ જશે. રંભાબહેન તિલાવટને તમે નહિ ભૂલી શકો અને સમજુબાના લગ્નમાં હાજરી ન આપ્યાનો ખટકો લેખકની જેમ, તમને પણ રહી જશે. અહીં સ્વાભાવિક્તાનું અનાવિલ સૌંદર્ય માણવા મળે છે. શ્રી દિલીપભાઈના સ્થૂળ જીવનની વિગતો જોઈએ તો ૧૯૩૨ના નવેમ્બરની ૧૪ તારીખે તેમનો જન્મ ધંધુકામાં થયેલો. તેમનો અભ્યાસ વર્નાક્યુલર ફાઈનલ સુધીનો. શિક્ષક તરીકેની તાલીમ મેળવવા જુનિયર પી.ટી.સી.ની પરીક્ષા પણ પસાર કરેલી. કૌટુંબિક પરિસ્થિતિને કારણે તે આગળ અભ્યાસ કરી શક્યા નથી. તે બી.એ.ના પદવીધારી નથી; પણ તે ભર્યા ભર્યા હૃદયવાળા, લાગણીશીલ સજ્જન છે. આજુબાજુની સૃષ્ટિ સાથે જીવંત સંપર્ક રાખે છે, અને જેવું જીવન જુએ છે તેવું આલેખે છે. છતાં પોતાની ભાવનાશીલતાનો સંસ્પર્શ આપ્યા વગર રહેતા નથી. લેખક જેવી સંવેદનશીલ વ્યક્તિ બીજું કરી પણ શું શકે? સાચી પરિસ્થિતિનું આલેખન કરવા માટે તેમને ખૂબ સહન કરવું પડ્યું છે! તેમનાં પત્ની સવિતાબહેન પણ લેખિકા હતાં. તેમના અવસાનના ઘાને હૃદયમાં ગોપવીને રાણપુરા સાહિત્યસર્જન કર્યે જાય છે અને નોંધપાત્ર કૃતિઓ આપે છે. હાલ તે બજાણામાં શિક્ષક તરીકે કામ કરે છે. ‘ફૂલછાબ’ અને ‘જનસત્તા’માં તેમની કટારો આવે છે. તે લોકપ્રિય પણ થયેલી છે. દિલીપ રાણપુરા પાસેથી ધરખમ કળાકૃતિઓની અપેક્ષા રાખી શકાય — અને આવું અત્યારે લખનારા બધા નવલકથાકારો વિશે ઓછું કહી શકાય એમ છે?
૧૧-૩-૭૯