શબ્દલોકના યાત્રીઓ – ૨/ધીરેન્દ્ર મહેતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ધીરેન્દ્ર મહેતા

ધીરેન્દ્ર મહેતાની તાજેતરમાં પ્રગટ થયેલી નવલકથા ‘ચિહ્ન’નાં વિવેચકોએ ઠીક ઠીક વખાણ કર્યાં. આ તેમની બીજી નવલકથા છે. નવલકથાલેખક તરીકે એમાં તેમનો સ્પષ્ટ વિકાસ દેખાય છે ‘ચિહ્ન’નું વસ્તુ નવું છે અને તેની માવજત પણ તાજગીભરી છે. ‘ચિહ્ન’માં પોલિયોના રોગથી પીડાતા એક માનવીની કથા આલેખાઈ છે. બાળપણમાં ચાર વર્ષની વયે જ લેખક આ રોગનો ભોગ થઈ પડેલા. એક રીતે નવલકથામાં તેમનો અંગત અનુભવ રહેલો છે પણ એનો અર્થ એવો નથી કે આ તેમની આત્મકથા છે. લેખક અંગતતાને ઓગાળી શક્યા હોઈ ‘ચિહ્ન’ એક સારી કલાકૃતિ બની શકી છે. ‘વલય’ એ ધીરેન્દ્રની પ્રથમ નવલકથા. પરિસ્થિતિના વળાંકો સંબંધોનાં વર્તુળોને કેવાં ખંડિત કરે છે તે તેમણે આ કૃતિમાં દર્શાવ્યું છે. કોઈ આ નવલકથાને વર્તુળો અને વળાંકોની નવલકથા પણ કહે. લેખકે તેનું શીર્ષક ‘વલય’ રાખ્યું છે પણ તેમનું કથયિતવ્ય જોતાં તે માટે ‘વર્તુલ’ એ વધુ અનુરૂપ શીર્ષક છે. પરિસ્થિતિ મનુષ્યને વર્તુલાકારે ફેરવ્યા કરે છે એમાં એનું સ્વરૂપ પ્રગટ થાય છે. જમાનાની ભીંસને પણ અવકાશ મળે છે. પરંતુ એ પરિસ્થિતિનો સામનો કરવાની મથામણ કે પુરુષાર્થ ઉપર લક્ષ આપવા કરતાં પરિસ્થિતિમાં અવશપણે તણાતા મનુષ્યનું ચિત્ર આપવાનું લક્ષ્ય તેમણે રાખ્યું છે. એક સંવેદનશીલ મનુષ્ય સાંપ્રત સમયમાં જે એકલતા અને નિ:સહાયતા અનુભવે છે, પારસ્પરિક સંબંધોનો સંવાદ રચવામાં જે મુશ્કેલી અનુભવે છે તેનું આ કૃતિમાં આહ્લાદક ચિત્રણ થયું છે. તેમની ત્રીજી નવલકથા ‘અદૃશ્ય’ ટૂંક સમયમાં પ્રગટ થશે. એમાં સંવેદનના સત્યને સંબંધોમાં પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન છે. ધીરેન્દ્ર જરા સંયમપૂર્વક કામ કરે એમ હું ઈચ્છું. આપણા શક્તિશાળી લેખકો બજારુ માંગને સંતોષવા વરસમાં બેત્રણ નવલકથાઓ આપે છે ત્યારે હું ચિંતામાં પડી જાઉં છું. એક વાર ફાવટ આવી ગયા પછી નવલકથા લખી કાઢવી આમ તો મુશ્કેલ નથી; પણ સર્જકતા અને કલાત્મકતાનું શું? જોતજોતામાં સારા સર્જકો-આશાસ્પદ સર્જકો પણ મધ્યમતામાં સરી પડી બહુસંખ્ય પુસ્તકોના લેખકો બની જતા હોય છે! ધીરેન્દ્ર પ્રીતમલાલ મહેતાનો જન્મ ૧૯૪૪ના ૨૯મી ઑગસ્ટે અમદાવાદમાં માતામહ છગનલાલ ભવાનીશંકર મહેતાને ત્યાં થયો હતો. (એ જમાનામાં છગનલાલ મહેતા પત્રકાર તરીકે જાણીતા હતા.) ચાર વર્ષની ઉંમરે જ તેમને પોલિયો થયો. બંને પગ અશક્ત બની ગયા. અનેક ઉપચારો કર્યા, કંઈ ફાયદો થયો નહિ, ચાર ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ માતા રમીલાબહેને ઘેર જ આપ્યું. પાંચમા ધોરણથી શાળામાં દાખલ થયા. દાદાજી અને દાદીમાં બંને શિક્ષકો. પિતાજીને પણ વાચનનો ભારે શોખ. ધીરેન્દ્રને બાળપણથી જ શિક્ષણ અને સાહિત્યના સંસ્કાર સાંપડ્યા. પોલિયોની બિમારીને કારણે સરજાયેલા અવકાશને પુસ્તકવાચને ભરી દીધો. તેમણે માધ્યમિક શિક્ષણ ભૂજની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધું. લેખનનો આરંભ પણ આ કાળમાં જ થયો. ધીરેન્દ્રનાં કાવ્યો અને વાર્તાઓ શાળાના હસ્તલિખિત અંકમાં અને ભીંતપત્ર પર રજૂ થવા લાગ્યાં. શાળાની શનિવારી સભા અને ભૂજનાં સંસ્કાર મંડળોની પ્રવૃત્તિએ વેગ આપ્યો. ૧૯૬૧માં તેમણે એસ. એસ. સી.ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી પણ એ પહેલાં તેમનું એક કાવ્ય ‘અખંડ આનંદ’માં અને એક ‘બાલ દક્ષિણા’માં પ્રગટ થઈ ચૂક્યું હતું. વતન ભૂજની રામજી રવજી લાલન કૉલેજમાં અભ્યાસ કરી ૧૯૬૬માં મુખ્ય વિષય ગુજરાતી સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. આ સમયમાં ‘કુમાર’માં કાવ્ય અને વાર્તાઓ પ્રગટ થવા માંડ્યાં. ૧૯૬૬માં એમ.એ.ના અભ્યાસ માટે અમદાવાદ આવ્યા. ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં દાખલ થયા. ગુજરાતીના વર્ગના તે તેજસ્વી વિદ્યાર્થી હતા. આ લખનારના તે નિકટ પરિચયમાં આવ્યા. મારા અધ્યાપકજીવનમાં ધીરેન્દ્ર જેવા વિદ્યાર્થીઓ સાંપડ્યા એને સદ્ભાગ્ય ગણું છું. સાહિત્યનો તેમનો રસ ઊંડો. લગની પણ અનન્ય. તે હૉસ્ટેલમાં રહેતા. અનિલ જોષી અને રાજેન્દ્ર શુક્લ જેવા કવિમિત્રોની સોબતે એમના સાહિત્યરસને વધુ ઘનિષ્ઠ કર્યો. ૧૯૬૮માં એમ. એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી. ૧૯૭૦થી ૧૯૭૬ સુધી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. આચાર્ય શ્રી યશવંત શુક્લના માર્ગદર્શન હેઠળ ઈ.સ.૧૯૪૦ સુધીના ગુજરાતી નવલકથા સાહિત્યમાં નિરૂપાયેલા ઉપેયો અને સમકાલીન પરિબળો સાથે તેમનો સંબંધ, એ વિષય પર મહાનિબંધ લખી ૧૯૭૬માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. આ અરસામાં રઘુવીર ચૌધરીના પરિચયમાં આવ્યા. તેથી એમના સાહિત્યરસને પોષણ અને બળ મળ્યું. સર્જનાત્મક સાહિત્યમાં નવલકથા ઉપરાંત ટૂંકી વાર્તા અને કવિતામાં તેમણે કામ કર્યું છે. ટૂંકી વાર્તા અને કવિતાના એકેક સંગ્રહ થઈ શકે તેટલી રચનાઓ પ્રતિષ્ઠત સામયિકોમાં પ્રગટ થઈ ચૂકી છે. ધીરેન્દ્રને વિવેચનમાં પણ રસ છે. ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’માં તેમણે ડૉ. જયંત ખત્રી વિશે પુસ્તક લખેલું. આ શ્રેણીમાં સંપાદક તરીકે લેખકનો પરિચય આપતાં મેં લખેલું કે “કચ્છના એક વાર્તાકારનું એ જ પ્રદેશના એક નવોદિત વાર્તાકારે આપેલું રસદર્શી વિવેચન રોચક નીવડશે. એમના છૂટક વિવેચનલેખોમાં સહૃદયતાભર્યા અભ્યાસ, તટસ્થ મૂલ્યાંકન, ઝીણી વિગત–તપાસ અને સાહિત્ય પ્રત્યેનો અભિજાત ઉમળકો જોવા મળે છે. એમનો ડૉક્ટરેટ ડિગ્રી માટેનો મહાનિબંધ ‘નંદશંકરથી ઉમાશંકર, નવલકથાનો ઉપેયલક્ષી અભિગમ’ નામે હવે પ્રગટ થશે. એમાં નવલકથાના સંદર્ભમાં વપરાતી રહેલી કેટલીક પરિભાષાઓ પરિષ્કૃત કરવાનો અને ગુજરાતી નવલકથા સંવિધાનમાં ઉપેયની સક્રિયતા અને તેના સમકાલીન સંદર્ભની તપાસ થઈ છે. તેને અનુષંગે આપણી કેટલીક નવલકથાઓનું પુનર્મૂલ્યાંકન અને અલ્પપરિચિત કૃતિઓને પ્રકાશમાં લાવવાનું પણ થયું છે. શબ્દમાં સિદ્ધ થયેલા અનુભવ જગત સાથે અને જાત સાથે પણ કંઈક સંબંધ છે એવી પ્રતીતિને કારણે શબ્દ દ્વારા સત્યને સૌન્દર્યરૂપે સ્ફુટ કરવાની ભાવનાથી સાહિત્યમાં પ્રવૃત્ત થયેલા ધીરેન્દ્ર પાસેથી આપણને ઘણી અપેક્ષાઓ છે.

૧૯-૮-૭૯