શબ્દલોકના યાત્રીઓ – ૨/મફત ઓઝા

મફત ઓઝા

હમણાં ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સભામાં ડૉ. મફત ઓઝા ઉગ્રતાથી કોઈ મુદ્દા અંગે વિરોધ કરતા હતા તે જોઈ કોઈ મિત્રે કહ્યું : શા માટે તે આટલા આગ્રહપૂર્વક વિરોધ કરે છે? મફત ઓઝા નવોદિત લેખક છે. પહેલાં ‘રે’ મઠમાં હતા. ભણતા ત્યારે લાભશંકર ઠાકરના વિદ્યાર્થી હતા — હવે બંનેમાં નથી! પણ વિરોધ કરવાનો સ્વભાવ ગયો નથી. ક્યારેક તો શા માટે વિરોધ કરે છે તે પોતે જ જાણતા ન હોય! પણ વિરોધ કરવો તેમને ગમે છે. મફત ઓઝામાં છુપાયેલો બળવાખોર તેમને સતત સંકોર્યા કરે છે. તેમને સંસ્થાઓ અને મંડળો સ્થાપવાનો જન્મજાત રસ છે. અમદાવાદમાં ‘કાવ્યગોષ્ઠિ’ નામની સંસ્થા સ્થાપી. દર અઠવાડિયે સાહિત્યિક કાર્યક્રમો યોજે છે. વરસમાં એકબે વાર ગુજરાતને જુદા જુદા ભાગોમાં કાવ્યસત્રો યોજે છે. મફતમાં આયોજનશક્તિ છે. સત્રોનું આયોજન સફળતાપૂર્વક કરી શકે છે. એવું જ પ્રકાશનોનું છે. તેમણે સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં ઘણું ઘણું લખ્યું છે અને લખ્યું છે તેટલું ત્વરિત પ્રકાશિત પણ કર્યું છે. કોઈ જાણીતા-ઓછા જાણીતા લેખકના પ્રથમ પ્રકાશનમાં મફત ઓઝાનો હિસ્સો હોય જ. એમનો સ્વભાવ પરગજુ છે. નવા લેખકોની નાનીમોટી મુશ્કેલીઓમાં તે સતત હાથ લંબાવવાના. પોતે ઘસાઈને પણ સામાને મદદરૂપ થવાના. પણ એમ કરતાં પોતે જ ઘસાઈ જાય એનો વિચાર કરે તો તે મફત ઓઝા શાના? મફતનું જીવન એ પુરુષાર્થની રોમાંચક કહાની છે. ઉત્તર ગુજરાતના કલોલ તાલુકાના જામળા ગામે તેમનો જન્મ ૧લી માર્ચ ૧૯૪૪ના રોજ થયો હતો. તેમને છ વર્ષના મૂકીને પિતા ગુજરી ગયેલા. માતાએ પ્રાથમિક શાળામાં પરબે પાણી પાવાનું કામ કરી એમને ઉછેર્યા. પ્રાથમિક શિક્ષણ જામળામાં લીધું. પછી આર્થિક પરિસ્થિતિને કારણે કડિયાકામ શીખવા અમદાવાદ આવ્યા. મજૂરી શરૂ કરી. મોટાભાઈ ચણતરનું કામ કરતા અને બાળ મફત માથે ઈંટો લઈ ઊંચી સીડીએ ચઢે, માતાથી આ દૃશ્ય જોયું ન ગયું. એક વાર તો ઈંટોના ભઠ્ઠે નવ ઈંટોનું ચોકડું લઈને પડ્યા. બેભાન થઈ ગયેલા. માતા એને પાછો વતનમાં લઈ ગયાં. બાજુની સોજા હાઈસ્કૂલમાં દાખલ કર્યો. ત્યાં શિક્ષકોની મદદ મળી. શાળાનો શિંગચણાનો સ્ટોર ચલાવતા. એમાંથી જે નફો થાય તેમાંથી ચડ્ડી અને શર્ટ કરાવતા. થીંગડાંવાળી ચડ્ડી થીંગડેદાર શર્ટ અને માથે ગાંધીકટ ઉપર સફેદ કાપડની ટોપી. આ એમનો હાઈસ્કૂલનો ગણવેશ. દર વૅકેશનમાં કડિયાકામ કરવા જતા. કારીગર અડધા પૈસા લઈ લે અને અડધા આપે એમાંથી ચોપડીઓ નોટો લાવી ભણ્યા. ૧૯૬૨માં એસ. એસ. સી. થયા. ૧૯૬૭માં ગુજરાતી-હિંદી સાથે બી.એ. થયા. ૧૯૬૯માં ગુજરાતી સંસ્કૃત સાથે એમ.એ. થયા અને ૧૯૭૭માં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા ઉપર મહાનિબંધ લખી પીએચ.ડી. થયા. ૧૯૬૩-૬૪થી પાંચેક વર્ષ અમદાવાદ સ્કૂલ બોર્ડમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરી. ૧૯૬૯થી ૧૯૭૮ સુધી અમદાવાદની સરસપુર આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે હતા. ૧૯૭૮માં મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે નિમાયા. આજે એ સ્થાને કાર્ય કરી રહ્યા છે. શાળામાં હતા ત્યારે ૧૯પ૬માં ‘કુલૂ’ ઉપર કવિતા કરેલી. ભીંતપત્ર પર કવિતા પ્રગટ થતી. અનુસ્નાતક અભ્યાસ દરમ્યાન ‘કુમાર’, ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થવા માંડી. કવિતામાં એમની વિશેષ ગતી છે. ચારેક સંગ્રહો પ્રગટ થયા છે. ‘ધુમ્મસનું આ નગર’, ‘પડઘાનું ચકરાતું આકાશ’, ‘અશુભ’, ‘શ્વાસ, ભીતરથી કોરે’. ‘ધુમ્મસનું આ નગર’ રાધેશ્યામ શર્મા જેવા આધુનિકોના અગ્રણી વિવેચકે વખાણેલો. ‘અશુભ’માં પોતાનાં મૃત્યુકાવ્યો આપ્યાં છે. એમાં નવી ઢબના મરશિયા છે. મફતની કવિ તરીકેની વિશેષતા તે રાવજી શૈલીના અનુસંધાનની છે. ગ્રામજીવનનાં ચિત્રોવાળી ભાતીગળ કવિતા અને થોડાં ગીતોમાં એમની સર્જકતાનો ઉન્મેષ દેખાશે. પણ એમનું પ્રથમ પ્રગટ પુસ્તક એક નવલકથા છે. ૧૯૭૩માં પ્રગટ થયેલ ‘ઘૂઘવતા સાગરનાં મૌન’ નવલકથાએ એમને સારી પ્રસિદ્ધિ અપાવી. કથા કહેવાની ફાવટ, રચનાની ભૌમિતિક તરાહ, કાવ્યાભાસી અભિવ્યક્તિ-છટા, ગણ્યાંગાંઠ્યાં પાત્રોના મનનાં ઊંડાણોમાં ઈષત્ સ્પર્શ કરાવતી આ લઘુનવલ શીર્ણવિશીર્ણ થતા કુટુંબના વિનિપાતમાં વારસો અને વાતાવરણ કેટલો ભાગ ભજવે છે તે દર્શાવે છે. એમાં સંસ્કૃતિના ચળકાટની પાછળ દુરિતની કેવી માયાજાળ રહેલી છે, અને ક્રમશઃ વ્યક્તિઓ અવશપણે એનો કેવો ભોગ બને છે એનું તાદૃશ વર્ણન આપ્યું છે. શ્રી ભરતસિંઘ ઝાલાએ એકપાત્રીય અભિનય રૂપે એને રંગમંચ પર રજૂ કરી છે. જુદાં જુદાં શહેરોમાં એના ઘણા પ્રયોગો લોકપ્રિય નીવડ્યા છે. એ પછી ‘પીળું કરેણનું ફૂલ’, ‘પથ્થરની કાયા’, ‘આંસુનાં દર્પણ’, ‘સપનાં બધાં મઝાનાં’, ‘અમે તો પાનખરનાં ફૂલ’, ‘અમે તરસ્યા સાજન’ વગેરે નવકલથાઓ પ્રગટ થઈ છે. ટૂંકી વાર્તાનો સંગ્રહ ‘કાચના મહેલની રાણી’ અને એકાંકીસંગ્રહ ‘લીલા પીળા જ્વાળામુખી’ પણ પ્રગટ થયો છે. વિવેચનમાં તેમણે ચારેક પુસ્તકો પ્રગટ કર્યાં છે. જુદાં જુદાં કાવ્યોના રસાસ્વાદનું પુસ્તક ‘કાવ્યનું શિલ્પ’ તેમણે આપ્યું છે. એ ઉપરાંત ‘ઉન્નતભ્રૂ’, ‘ઉદ્ઘોષ’ અને ‘ઉન્મિતિ’માં લેખો મૂક્યા છે. જુદાં જુદાં સાહિત્યસ્વરૂપો અને સર્જક પ્રતિભાની શ્રેણીમાં પુસ્તિકાઓ પ્રગટ કરી છે. ‘કાવ્યગોષ્ઠિ’ના કવિઓની કવિતાનાં સંપાદનો કર્યાં છે. રાધેશ્યામ શર્મા સાથે ‘ધૂમકેતુની ભાવસૃષ્ટિ’નું સંપાદન કર્યું છે. ‘કાવ્યગોષ્ઠિ’ની સહયોગી ચાલીસ જેટલી સંસ્થાઓ કે મંડળો સાથે તે જોડાયેલ છે. ગુજરાતભરમાં ઘૂમે છે. સાહિત્યરસિકોને લખતા અને છપાવતા કરે છે. સૌને મદદને હાથ લંબાવે છે. આ બધાંનું સંયોજન કરી એમાંથી સાચા શક્તિશાળી લેખકોને પ્રોત્સાહન અને હૂંફ આપશે અને તેમની સત્ત્વશીલ કૃતિઓને બહાર લાવવામાં સહાય કરશે તો તેમની આ એક મહત્ત્વની સેવા ગણાશે. તાજેતરમાં વડોદરામાં ‘અક્ષરા’ નામની સંસ્થા સ્થાપવામાં તેમનો મોટો હિસ્સો છે. વચ્ચે ‘અભિવ્યક્તિ’ માસિકના સહસંપાદક હતા. હમણાં એ સ્થગિત થયું છે; પણ મફત ઓઝાને ક્યારેય અભિવ્યક્તિની ખોટ કલ્પી શકાય?

૨૬-૮-૭૯