શબ્દલોકના યાત્રીઓ – ૨/નવનીત સેવક
પ્રસિદ્ધ નવલકથાકાર શ્રી નવનીત સેવકનું તાજેતરમાં કરૂણ અવસાન થયું. ગુજરાતના સાહિત્યજગતમાં અરેરાટી ફેલાઈ ગઈ. તેમના મિત્ર નવલકથાલેખક શ્રી રસિક મહેતા કહે છે : છેલ્લા એકાદ મહિનાથી સ્કૂટર બગડી ગયું હતું. તેમણે એ રિપૅર કરવા નાખ્યું હતું પણ સ્કૂટર વગર તેમને ચેન પડતું ન હતું. આખરે મિકૅનિકને ત્યાં જાતે હાજર રહીને તેમણે ઝડપથી તે રિપૅર કરાવ્યું અને પછી તરત જ મિકૅનિકને સાથે લઈને ટ્રાયલ માટે વડોદરા તરફ ઊપડ્યા. ભંગાર જેવા ઊબડખાબડ રસ્તામાં તેમનું સ્કૂટર એ ગરનાળા સાથે અથડાયું. સેવક ઊથલીને રસ્તા પર પડ્યા. મિકૅનિક બીજી બાજુ પડ્યો. જ્યાં સેવક પડ્યા કે તે જ ક્ષણે પાછળથી બેફામ દોડી આવતી રાક્ષસી ટ્રક તેમના મસ્તક પર ફરી ગઈ. પલકવારમાં તે સેવકની ખોપરી છૂંદાઈને ભૂકો થઈ ગઈ. સેવકની વાર્તા પરથી ફિલ્મ ઊતરી રહી હતી. સંભવ છે કે કદાચ એ ફિલ્મનાં સપનાં દિમાગમાં લહેરાવતા તેઓ ફિલ્મ સ્ટુડિયોની મુલાકાતે વડોદરા જઈ રહ્યા હોય…! આ અત્યંત કરુણ દુર્ઘટના ૧૩મી માર્ચે (૧૯૮૦) નડિયાદ અને ખેડા વચ્ચે બની. સેવકના વિશાળ વાચકવર્ગને કારમો આઘાત લાગ્યો. સાહિત્યકારોને આ વેદના દુઃસહ બની. અનેક સાહિત્યિક સંસ્થાઓ અને મંડળોએ તેમને અંજલિ આપી, સ્વ. નવનીત સેવક અત્યંત લોકપ્રિય લેખક હતા. તેમણે સો ઉપરાંત પુસ્તકો લખ્યાં છે. સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ, દરિયાઈ સાહસની કથાઓ, રહસ્યકથાઓ, ભાગવત, રામાયણ અને મહાભારત ઉપર આધારિત નવલકથાઓ આપી છે. તેમની યુગાવતાર શ્રેણી ઘણી લોકપ્રિય થયેલી. છેલ્લા દશકામાં આપણા નામી-અનામી લેખકોએ પુરાણોને નવલકથાના રૂપમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે પણ એમાં નવનીત સેવકની કૃતિએ કદાચ વધુમાં વધુ લોકચાહના મેળવી ગઈ. મહાભારત શ્રેણીનો આરંભ ‘યોજનગંધા’થી થયો. એ સમયે તેમણે લખેલું કે “પુરાણો આપણો અમૂલ્ય વારસો છે. નાનપણથી જ આપણાં બાળકો રામ, લક્ષ્મણ, હનુમાન, કૃષ્ણ, પાંડવો વગેરેની કહાણીઓ સાંભળતાં રહે છે અને આપણા સંસ્કારો જાળવવામાં હજારો વર્ષોથી પુરાણો જેટલો ફાળો આપતાં રહ્યાં છે એટલો ફાળો કદાચ કોઈએ નથી આપ્યો.” યુગાવતાર શ્રેણીમાં, તેમણે ભાગવત પર આધારિત ‘નંદઘેર આનંદ ભયો’, ‘કંસ વિમોચન ભા. ૧ અને ૨’, ‘જરાસંધ’, ‘પટરાણી’, ‘બલરામ’, ‘દર્પભંગ’, ‘અનિરુદ્ધ’, ‘કૃષ્ણ સુદામા’ અને ‘દેહોત્સર્ગ’, એ નવલકથાઓ આપી. એ પછી મહાભારત શ્રેણીમાં ‘યોજનાગંધા’, ‘ગુરુદક્ષિણા’, ‘સ્વયંવર” અને ‘ખાંડવ દહન’એ કૃતિઓ આપી. રામાવતારને અનુલક્ષી ‘વનવાસ’, ‘સુવર્ણ મૃગ’ અને ‘કિષ્કિંધા’ આપી. આ ઉપરાંત અનેક બીજી કૃતિઓ તેમણે લખી છે. ‘ચંબલ ડાકુની આલમ’, ‘ચંબલનો પડકાર’, ‘જય ચંબલ’, ‘ચંબલ છાંટે લોહી’, ‘ચંબલ તારો સાથ’, ‘ચંબલ ખીણના ખૂંખાર ડાકુ’, ‘ચંબલના સહારે’, ‘ચંબલની ચિનગારી’, ‘ચંબલનો રાજા’, ‘ચંબલનો ચમત્કાર’, ‘ચંબલની કોતરોમાં’, ‘લોહીતરસી ચંબલ’ આ રીતે અનેક ચંબલ-કથાઓ તેમણે આપી છે. તેમણે બાળ સાહિત્યનાં પણ અનેક પુસ્તકો લખ્યાં છે. ભાગવત, રામાયણ અને મહાભારત પ્રત્યે આપણી નવી પેઢી ઉદાસીન છે. આ સાંસ્કૃતિક વારસા પ્રત્યે આ પેઢીને અભિમુખ કરવી જોઈએ એવી ભાવનાથી અને એ ‘નવલકથાઓ સિવાય કોઈ સાહિત્યમાં ઝાઝી રુચિ રાખતી નથી’ એવી માન્યતાથી પ્રેરાઈને તેમણે એને નવલકથાનો આકાર આપવાનો પ્રયત્ન કર્યો. આવા બહુસંખ્ય પુસ્તકોના લોકપ્રિય લેખક સ્વ. નવનીત પુરુષોત્તમદાસ સેવકનો જન્મ તા. ૮ ડિસેમ્બર ૧૯૩૧ના રોજ રેહિયામાં થયો હતો. એમનું વતન ડાકોર, અભ્યાસ ટી.વાય.બી.એ. સુધી જ કરી શકેલા. બી. એ.માં તેમણે અર્થશાસ્ત્રનો વિષય લીધેલો. નવનીત સેવક પહેલાં ‘કુમાર’માં લખતા. હાસ્યરસિક શૈલીમાં લખાયેલી એમની પંચતંત્રની વાતોએ રંગત જમાવેલી. ૧૯૬૪થી સામાજિક નવલકથાઓ લખવી શરૂ કરી. ૧૯૫૨ સુધી તે મુંબઈ રહેલા. ફિલ્મી સામયિકોમાં નોકરી કરતા. ‘ચિત્રકથા’ના સહતંત્રીપદે હતા. મુંબઈનો એક પ્રસંગ તેમના મિત્ર શ્રી રસિક મહેતાએ કહ્યો છે: ‘એ જ દિવસોમાં ખ્યાતનામ ઉર્દૂ લેખક સદાઅત હસન મન્ટોનું પાકિસ્તાનમાં અવસાન થયું. મુંબઈમાં ભરાયેલી એની શોકસભામાં ઉર્દૂ લેખકોને રડતા જોઈને સેવકે મારા કાનમાં કહ્યું: ‘આ ઉર્દૂ લેખકોમાં કેટલી બધી આત્મીયતા છે, રસિક! પાકિસ્તાનમાં બેહિસ્તનશીન થયેલા પોતાના એક હમરાહીના મોત પર તેઓ બાળકની જેમ ખુલ્લા દિલે રડી રહ્યા છે. ગુજરાતી લેખકોની જેમ ક્યાંય દંભ અને તેજોદ્વેષ દેખાતો નથી. આ મહોબ્બત એમના સાહિત્યના બાગને ફૂલોનો પમરાટ બક્ષી રહી છે.’ સેવકની શોકસભાઓમાં તેમના ઘણા ચાહકો રડ્યા હશે જ! મુંબઈ હતા ત્યારે એકલતાપ્રિય હતા. પોતાની ‘ચિત્રકથા’ની ઑફિસેથી ખાસ બહાર જતા નહિ. બીજા પત્રકારોને મળવા બીજાં છાપાંની ઑફિસે ન જતા. ‘ચિત્રકથા’ છોડી દીધું અને મુંબઈ છોડવાનો વિચાર કર્યો. મુંબઈ છોડી પોતે ક્યાં જશે એમ શ્રી રસિક મહેતાએ પૂછયું તો કહેઃ ‘થોડા દિવસ ડાકોર જઈને શાંતિથી રહીશ. અમે વંશપરંપરાથી ભગવાન રણછોડરાયજીના પૂજારી છીએ એટલે ડાકોરમાં મારે કોઈ ચિંતા નથી. થોડો વખત ત્યાં શાંતિથી રહીને પછી અમદાવાદમાં સ્થિર થવાનો વિચાર છે.’ પછી અમદાવાદ આવ્યા. અમદાવાદનાં છાપાંમાં નોકરી કરી. અત્યંત સ્વમાની સ્વભાવને કારણે કોઈ એક જગ્યાએ સ્થિર ન થયા. પત્રકારત્વ ક્ષેત્રે તેમણે બે દાયકા કરતાં વધુ વખત કામ કર્યું. તેઓ અમદાવાદમાં ગાંધી રોડ પર આવેલ ‘કુમકુમ પ્રકાશન’ની ઑફિસે અવારનવાર જતા. તે ‘કુમકુમ’ના લેખક હતા. એક વાર મને ત્યાં મળી ગયેલા. ત્યાંથી ઘરે જતાં શ્રી બાબુભાઈ જોષીએ સૂચન કર્યું કે નવનીતભાઈ મને લિફ્ટ આપશે. તેમની સાથે નીકળ્યો. રસ્તામાં વાતો કરી. મારો પ્રશ્ન હતો : આટલું બધું તે ક્યારે લખી શકે છે? તેમણે કહ્યું કે ઑફિસેથી ઘરે આવ્યા બાદ તે બોલે અને ટેઈપ થતું જાય, બીજા દિવસે એમનાં પત્ની પ્રફુલ્લાબહેન એ ઉતારી લે અને એમ હસ્તપ્રત તૈયાર થાય...તેમના અકસ્માતના સમાચાર સાંભળી અમદાવાદના તેમના લેખક મિત્રો, કુમકુમ પ્રકાશન તરફથી જયંતી શાહ વગેરે અકસ્માત સ્થળે દોડી ગયા હતા. પોતાના સ્વજન સમા સેવકના મૃતદેહને જોઈને એમનાં હૃદય કંપી ઊઠ્યાં હતાં. સ્વ. નવનીત સેવક સજ્જન હતા, સંવેદનશીલ અને સ્નેહાળ હતા. લાગણીશીલતા એમની સ્વભાવગત વિશિષ્ટતા હતી. સેવક માણસભૂખ્યા માણસ હતા. મિત્રો માટે મરી ફીટતા. ટ્રેન કે બસમાં મુસાફરી કરવાને બદલે સ્કૂટર પર ફરવાનો તેમને શોખ હતો. સ્કૂટર અકસ્માતમાં જ અવસાન પામ્યા! તેમને કિસમ કિસમની સિગારેટનો શોખ હતો. આજે નવનીત સેવક આપણી વચ્ચે નથી. એમના નામ આગળ ‘સ્વ.’ શબ્દ મૂકવાનું નિયતિએ નક્કી કર્યું હશે, પણ એમનો સમૃદ્ધ અક્ષરદેહ આપણી પાસે છે. શબ્દરૂપે ચિરંજીવ બનેલી ક્ષણોનો આલેખ આપણી વચ્ચે છે. મૃત્યુ તો દરેક માનવીના લલાટે લખાયેલું છે; પણ સેવકના જેવા મૃત્યુ અંગે તો કવિ સૈફ પાલનપુરીએ કહ્યું છે તેમ મૃત્યુનો પ્રાણીમાત્ર પર હક છે, મોતનું કર્જ ચૂકવવાનો કોઈ ઈન્કાર કરી શકતું નથી, પણ નવનીતભાઈનું દારુણ મૃત્યુ જોતાં તો કહેવું પડે છે મૃત્યુને કે ‘કિંતુ ઉઘરાણીની તારી રીત આ સારી નથી, દોસ્તો વચ્ચે તો સોદા થાય છે. વિશ્વાસ પર.’ વિશાળ સાહિત્યરસિક જનતામાં પોતાની કૃતિઓ વડે રોપાયેલા આ લોકપ્રિય લેખકના આત્માને પ્રભુ ચિરશાંતિ અર્પો!
૨૭-૪-૮૦