શબ્દલોકના યાત્રીઓ – ૨/મીનળ દીક્ષિત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મીનળ દીક્ષિત

શ્રી મીનળબહેનની નવલકથા ‘અધરાત મધરાત’ બારેક વર્ષ પહેલાં ‘સુધા’માં ધારાવાહિક છપાતી હતી ત્યારે જ એણે ચર્ચા જગાવેલી. એ પછી ૧૯૭૨માં એ પુસ્તકરૂપે પ્રગટ થઈ. આ નવલકથામાં તેમણે ભારે હિંમતપૂર્વક નારી જીવનના પ્રશ્નો ચર્ચ્યા છે. આ એક ક્રાન્તિકારી નવલકથામાં ગણાઈ ગઈ. એમાં લલિતા સમગ્ર સમાજ સાથે બંડ પોકારે છે. લલિતા એના સહજીવનમાં ભારે માનસિક ત્રાસ અનુભવે છે. અરવિંદની ઑફિસમાં જ કામ કરતા વિજય સાથે લલિતાને પ્રેમ થાય છે. અરવિંદ કલકત્તાની ઑફિસની છાયા નામે સ્ત્રીના પ્રેમમાં હતો. લલિતાને તે સંદેશો આપે છે. લલિતા આ બધાથી ખૂબ ત્રસ્ત થઈ ગઈ હોવાથી ગૃહત્યાગ કરવાનો નિર્ણય કરે છે. પોતાની મૃત પુત્રી વેણુનો ફોટો ભીંત પરથી ઉતારી કાગળમાં લપેટી લલિતા પતિનું ઘર છોડે છે. અને તે જઈને ઊભી રહે છે વિજય પાસે. તે ચિત્ર ચીતરી રહ્યો હતો. લેખિકા લખે છેઃ “ક્ષણભર વિજયને લાગ્યું કે એના ચિત્રની સ્ત્રી જીવંત બની સામે ઊભી છે. મગરનાં જડબાં જેવાં બે દ્વારો વચ્ચે લલિતા ઊભી હતી. શ્યામ અંધકારમાં શ્વેત લકીરની જેમ લલિતાની દૃષ્ટિ ભેદી રહી હતી. કર્કશ વાગોળ દિશા સાંપડતાં જ બહાર ઊડી ગઈ. વિજયે પીંછી ફેંકી દીધી. ચિત્રમાંની સ્ત્રીનાં આંસુ દોરવાની જરૂર હવે રહી નહોતી. એના પહોળા થયેલા બંને હાથો લલિતાની આસપાસ વીંટળાઈ ગયા. એ આલિંગનમાંથી લલિતા ક્યારેય છૂટી શકે તેમ નહોતી, વિશાળ આકાશે ધરતીને પૂર્ણપણે આવરી લીધી હતી.” નવલકથાના આરંભમાં ઘૂઘવતા સમુદ્રે અમૃતવેલ બંગલા તરફ જોરથી પવનનો ઝપાટો મોકલ્યો એવું નિરૂપણ છે અને અંતે “રેતીના પટ પર લલિતાએ ચાલવા માંડ્યું. મર્યાદા ન છોડનાર સાગરનાં પાણી લલિતા તરફ વેગથી ધસ્યાં” એવું વર્ણન છે. લલિતા પણ તરફડતી માછલીની જેમ યોગ્ય જળ પામી. આરંભના કૉન્ટ્રાસ્ટમાં લલિતા પથ્થર પર બેસી શીતળ પવનની લહેરો માણી રહી એ ધ્વનિ અર્થપૂર્ણ છે. આકાશ અને ધરતીનું મિલન શક્ય બન્યું. કથામાં વિજય એક સ્થળે કહે છે: “સમાજમાં દંભ, ખોટાં જીવનમૂલ્યો એ બધાનું વર્ચસ્વ એટલું પ્રબળ છે કે એને જમીનદોસ્ત કર્યા સિવાય સર્જન અશક્ય છે.” લલિતા, વિજય, ડૉ. સુમન, મિનાક્ષી, તરુણ, છાયા બધાં પાત્રો જાણે કે આ કામ કરવા પ્રવૃત્ત થયાં છે. આ એક સામાજિક કાન્તિની વાતને—સ્ત્રીના જીવનની કરુણતાને એક સ્ત્રી લેખિકાએ ધારદાર રીતે રજૂ કરી એ ખાસ નોંધપાત્ર છે. લેખિકા પોતાના વિચારોની ગતિએ પાત્રોને આગળ લઈ જાય છે. કથાવસ્તુની માવજતમાં અને મનોવૈજ્ઞાનિક નિરૂપણની દૃષ્ટિએ મીનળબહેનની આ કથાએ ધ્યાન ખેંચેલું. જોકે તેમણે ‘નવનીત’, ‘સમર્પણ’, ‘કુમાર’ વગેરેમાં લેખો-વાર્તાઓ લખવાનો આરંભ તો ૧૯૬૬થી કરેલો. ‘અધરાત મધરાત’ પછી ૧૯૭૬માં તેમણે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘સમય શાંત છે’ પ્રગટ કર્યો. આ ઉપરાંત તેમણે ‘સુધા’માં હપતાવાર ‘સીમાની સૃષ્ટિ’ – વન્ય પ્રાણીઓનો પરિચય કરાવતી નવલકથા આપી. મેરી કૉરેલીની ‘ધ બૉય’નું રૂપાંતર ‘એક હતો છોકરો’ પણ ‘સુધા’માં જ પ્રગટ થયેલું. આર્થર કોનન ડોયલની ‘ધિ હાઉન્ડ ઑફ ધ બાસ્કરવિલ’નું ગુજરાતી રૂપાંતર ‘એક પછી એક’ રહસ્યકથા તરીકે ખ્યાતિ પામ્યું. આ ઉપરાંત તેમણે હળવા અને ગંભીર લેખો લખ્યા છે. ‘ઈવ્ઝ વીકલી’માં અંગ્રેજી વાર્તાઓ અને લેખો પ્રગટ થયાં છે. શ્રી મીનળ અનંતનાથ દીક્ષિતનો જન્મ મુંબઈમાં ૧૧મી નવેમ્બર ૧૯૩૧ના રોજ થયો હતો. એમનું વતન સુરત. તેર વર્ષની વયે તેમણે પિતા ગુમાવ્યા. તેમના પિતા વડોદરા રાજ્યમાં એન્જિનિયર હતા. મીનળબહેને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું. ઉચ્ચ શિક્ષણ સુરતમાં લીધું. ૧૯૫૧માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયાં. ગુજરાતી-સંસ્કૃત સાથે એમ.એ. થયાં. ૧૯૫૪માં તેમણે એલએલ.બી.ની ઉપાધિ મેળવી. બી.એ. થયા પછી અભ્યાસ સાથે તેમણે વ્યવસાય પણ કર્યો. સુરતની સાર્વજનિક ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કર્યું. એલએલ.બી. પછી સુરતમાં ત્રણ વર્ષ વકીલાત પણ કરી. એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીની સુરતની કૉલેજમાં ૧૯૫૩થી ૧૯૫૬ સુધી લેક્ચરર પણ હતાં. પછી આકાશવાણી પર જોડાયાં. છેલ્લાં ૨૨ વર્ષથી તે મુંબઈમાં આકાશવાણીના ગુજરાતી વિભાગમાં કામ કરે છે. પહેલાં બહેનો માટેનો ‘મહિલા મંડળ’ કાર્યક્રમ કર્યો, હવે તે મુલાકાત-વાર્તાલાપ-ચર્ચા-સાહિત્યિક અને સામાજિક-રાજકીય-આર્થિક વિષયો પર કાર્યક્રમોનું આયોજન કરે છે. સુરત હતાં ત્યારે પ્રસિદ્ધ સાક્ષર શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પાસે અભ્યાસ કરવાનો તેમને લાભ મળેલો. એમનો મીનળબહેનના ઘડતર પર પ્રભાવ પડ્યો. તેમને લેખન પ્રત્યે વાળવામાં પ્રસિદ્ધ નવલકથાકાર શ્રી ધીરુબહેનની પ્રેરણાએ મોટો ભાગ ભજવ્યો છે. એક લેખિકા તરીકે શ્રી મીનળબહેન માને છે કે સમાજ કરતાં વ્યક્તિનું મહત્ત્વ સવિશેષ છે. તેમની નવલિકાઓમાં પણ નીચલા મધ્યમ વર્ગ પ્રત્યે સહાનુકંપા પ્રગટ થઈ છે. નારીજીવનની સફળતા માત્ર પતિ અને બાળકોમાં જ સમાઈ જતી નથી, સ્ત્રીનું આગવું વ્યક્તિત્વ છે અને સમાજે એનો સ્વીકાર કરવો જોઈએ એમ તે માને છે. આધુનિકતાનો તેમને વ્યામોહ નથી, સાચી આધુનિક્તામાં જીવનનાં મૂળભૂત મૂલ્યોનો સ્વીકાર તે અનિવાર્ય લેખે છે. શ્રી મીનળબહેન હાલ બે નવલકથાઓ લખી રહ્યાં છે. તેમનો નવલિકાસંગ્રહ પણ પ્રગટ થશે. પ્રબળ વ્યક્તિમત્તાનો પુરસ્કાર કરતાં આ લેખિકા પાસેથી કલાસૌષ્ઠવવાળી વધુ કૃતિઓ મળે એમ ઈચ્છીએ.

૨૫-૧-૮૧