શબ્દલોકના યાત્રીઓ – ૨/રાજેન્દ્ર શુક્લ
આધુનિક કવિઓમાં શ્રી રાજેન્દ્ર શુક્લનું સ્થાન એક શક્તિશાળી કવિ તરીકે સુનિશ્ચિત છે. આમ તો તે ‘રે’ મઠ શાળાના કવિ ગણાય, પણ તે ક્યાંય બંધાયેલા રહ્યા નથી. સ્વપ્રેરણાને હંમેશાં અનુસરતા અને વિકસતા રહ્યા છે. નાની ઉંમરથી જ તેમને વાચનનો શોખ હતો. જે વાચન મળ્યું તે સદ્ભાગ્યે પ્રશિષ્ટ ગ્રંથોનું મળ્યું. નાનીમા શિક્ષિકા હતાં. પ્રકૃતિ અંતર્મુખ બની. નાનીમા ઓખાહરણ, દશમસ્કંધ વાંચતાં. તેમની પાસેથી સાહિત્યના સંસ્કારો મળ્યા. નાનપણમાં ગામડામાં રહેવાનું મળ્યું એથી તળ સોરઠની ભાષા અને ભાષાનું સૌન્દર્ય અનુભવગમ્ય બન્યું. લોકસંસ્કારો સભાનપણે ઝિલાયા. પાંચમા ધોરણમાં હતા ત્યારથી જ ગરાસિયા કોમનાં લગ્નગીતો ઉતારી લાવતા, ભજનો માટે ગિરનાર જતા. પોતે કવિ થવાના છે એની પ્રતીતિ ઠેઠ બાળપણથી જ થઈ ગયેલી. પ્રેરણાના સ્રોત વિશે તે કહે છે : ‘પ્રેરણાનો સ્રોત તો જન્માન્તરોનો હોય એવું લાગ્યું છે. ચૌદ વર્ષની ઉંમરે કવિ થવાનું છે એવું લાગ્યું હતું અને નક્કી કર્યું હતું કે વીસ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી લખવું નહિ.’ અને ‘અલગ અલગ’ રદીફની એક ગઝલ સ્વ. મનુભાઈ ત્રિવેદી, કવિ ‘સરોદ’ના આગ્રહથી ‘કુમાર’માં મોકલી અને ૧૯૬૨ના ઑકટોબર-અંકમાં પ્રગટ થઈ – બરાબર વીસમા વર્ષે! ‘કુમાર’ના તંત્રી શ્રી બચુભાઈ રાવતે ‘ગઝલના દર્દ અને મિજાજની શક્યતા ધરાવતી કૃતિ’ તરીકે એને ઓળખાવી. એ જ વર્ષમાં ‘સોનરેખને કાંઠે’ નામનું ગીત લઘુ સામયિકમાં પ્રગટ થયું. શ્રી પૃષ્કર ચંદરવાકરે એને બિરદાવ્યું અને એમ ભાઈ રાજેન્દ્રનું કામ આગળ ચાલ્યું. કવિતાઓ એક પછી એક સામયિકોનાં પાનાં પર ચમકવા લાગી. ૧૯૭૦માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોમલ રિષભ’ પ્રગટ થયો. કવિ શ્રી રમેશ પારેખની સાથે એને રાજ્ય સરકારનું પ્રથમ પારિતોષિક મળ્યું. ૧૯૭૨માં ‘સ્વવાચકની શોધ’ નામે સંગ્રહ પ્રગટ થયો. હવે ‘અંતર ગાંધાર’ પ્રગટ થશે. ‘કોમલ રિષભ’ પછી ‘અંતર ગાંધાર’ જ આવેને! એમની કવિતાને વિવેચકોએ સત્કારી છે. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ એમના ‘અવાજ’ કાવ્યની સંરચના તપાસી છે તે અનુત્તમ છે. ‘સંસ્કૃતિ’ના મે ૧૯૭૪નાં અંકમાં પ્રગટ થયેલો શ્રી ટોપીવાળાનો લેખ ‘અવાજ : અવાજનું આધુનિક ઉપનિષદ’ રાજેન્દ્રની કવિતાને ઉચિત પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. શ્રી રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ ૧૨મી ઑક્ટોબર ૧૯૪૨ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે થયો હતો. પૈતૃકપરંપરાગત વતન વઢવાણ, પણ જન્મ-ઉછેર-સંસ્કાર વગેરે દૃષ્ટિએ તેમને હમેશાં જૂનાગઢ પોતાનું વતન લાગ્યું છે. તેમાંય જ્યાં એમની કિશોરાવસ્થાનાં ત્રણેક વર્ષ એકીસાથે વીત્યાં છે તે મજેવડી ગામ હમેશાં તેમને પોતાનું ગામ લાગ્યું છે. આજેય ત્યાં રહેવા મળે તો તેમને ખૂબ ગમે. રાજેન્દ્રે પ્રાથમિક શિક્ષણ જામનગર, ભાવનગર, બાંટવા, અને મજેવડીમાં લીધું. માધ્યમિક શિક્ષણ બહાદુરખાનજી હાઈસ્કૂલ-જૂનાગઢ અને એચ.બી. કાપડિયા હાઈસ્કૂલ અમદાવાદમાં લીધું. કૉલેજનો અભ્યાસ બહાઉદીન કૉલેજ જૂનાગઢમાં આરંભ્યો. અહીં તેમને તખ્તસિંહ પરમાર જેવા અધ્યાપકનું માર્ગદર્શન મળ્યું. એ પછી તે અમદાવાદમાં એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં દાખલ થયા. ૧૯૬પમાં સંસ્કૃત અને પ્રાકૃત સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. એ પછી તે ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં દાખલ થયા અને મુખ્ય વિષય સંસ્કૃત અલંકારશાસ્ત્ર અને ગૌણ વિષય પ્રાકૃત સાથે એમ.એ.ની પરીક્ષા ૧૯૬૭માં બીજા વર્ગમાં પસાર કરી. અગાઉ નિર્દેશ્યું તેમ રાજેન્દ્રની કવિતાને ‘રે’ મઠના મિત્રોના સંપર્કથી પોષણ મળ્યું. વીસમી સદીની ચેતના અને આધુનિક્તા એમનામાંથી મળી અને સંસ્કારોની રીતે આપણી પરંપરા સાથે અનુસંધાન તો હતું જ. કવિતામાં આ બંનેનો તેમણે મેળ કર્યો. ભારતીય મૂલ્યમાં તેમની શ્રદ્ધા દૃઢ બની. આમાં તેમના અભ્યાસના વિષય સંસ્કૃત સાહિત્યે પણ ભાગ ભજવ્યો. તે પોતાની સ્વકીય દૃષ્ટિ અને વ્યક્તિમત્તા ટકાવી શક્યા. તેમણે કવિતામાં પ્રયોગો કર્યા પણ પ્રયોગખોરી ન આવી. લગ્ન પછી બે વર્ષ ન લખાયું, એ પછી ગઝલનો પ્રવાહ ધસમસતો આવ્યો. ગઝલ અને ભજન એ માત્ર સાહિત્ય-સ્વરૂપો નથી, એના કરતાં કંઈક વધુ છે એમ તેમને લાગ્યા કરે છે. આ સ્વરૂપમાં તેમને અપાર રસ પડે છે. તેમની અંતરાભિમુખ યાત્રાનો આલેખ ગઝલમાં અંકિત થઈ તેમને એક અભીષ્ટ ગતિ— સંસ્થિતિ તરફ લઈ જનારી ગતિ—અર્પી રહ્યો છે. હમણાં તે મળવા આવ્યા. એમની સુંદર નવી ગઝલો સંભળાવી. ૨પમી સપ્ટેમ્બર ‘૭૯ના રોજ લખેલી એક ગઝલમાંથી :–
લો, શબ્દની પાંખો સજી લો, કાળ સોતું ઊડિયે
જાતે જ સરજી જાળ છે તો જાળ સોતું ઊડિયે.
બીજી એક ગઝલ હજુ પૂરી થઈ નથી, એમાંનો એક શેર મને ગમી ગયો :–
સમાઈ ક્યાં શકું શું હું નગર કે મહાલયમાં
ગુહા જેવું ગહન કાંઠે મને ગિરનાર સંઘરશે.
અને છેલ્લી પંક્તિમાં જે અભીપ્સા પ્રગટ થઈ છે એને અનુરૂપ જીવનક્રમ ગોઠવવા રાજેન્દ્ર કટિબદ્ધ છે. તે અને એમનાં પત્ની અત્યારે કૉલેજમાં અધ્યાપનકાર્ય કરી રહ્યાં છે, પણ હવે એ છોડીને નવો પ્રયોગ કરવાનો તેમણે નિશ્ચય કર્યો છે. તેમણે જણાવ્યું કે ‘શિક્ષણની વર્તમાન સ્થિતિ અને ગતિમાં લેશમાત્ર શ્રદ્ધા શેષ રહી નથી. બાળકોને વર્તમાન શિક્ષણપ્રક્રિયામાં મૂકતાં મન માનતું નથી. એટલે શક્ય બને તો આવતા વર્ષે જૂનથી અમે પતિપત્ની બંનેને અધ્યાપનનો આ વ્યવસાય છોડીને જૂનાગઢ જિલ્લામાં ક્યાંક અનુકૂળ સ્થળે પ્રવર્તમાન શાલેય પ્રક્રિયાના અન્ય અર્થપૂર્ણ વિકલ્પો જન્માવવાનો પ્રયોગપુરુષાર્થ આરંભવો છે. યોગક્ષેમ માટે પશુપાલન કૃષિકર્મ નિર્ધાર્યાં છે.’ તેઓ વધુમાં ઉમેરે છે કે, આ ઘટના તેમના હવે પછીના લેખનનું નિર્ણાયક પરિબળ બનશે. સંસ્કૃત સાહિત્ય તેમના રસનો અને અભ્યાસનો ખાસ વિષય છે. કાલિદાસ, ભવભૂતિ, બાણ, જયદેવ, ભર્તુહરિ, અમર જેવા કવિઓની કૃતિઓ તેમને ખૂબ ગમે છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં પણ તેમને જીવંત રસ છે. ખાસ કરીને શાંકરવેદાંત તેમને ગમે છે. લાભશંકરની મૈત્રીને કારણે આયુર્વેદમાં પણ તેમનો રસ વધ્યો છે. શાસ્ત્રીય સંગીત તેમને અકલ્પ્ય આનંદ આપે છે. જૂનાગઢમાં હતા ત્યારનું લોકસાહિત્યનું પણ અદમ્ય આકર્ષણ આજદિન સુધી અકબંધ જળવાઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રના પણ તે સારા અભ્યાસી છે. અમદાવાદમાં બે વર્ષ તેમણે જ્યોતિષનો વ્યવસાય પણ કરી જોયેલો. સુગમ સંગીત અને ગુજરાતી કવિતા હજુ જોઈએ તેવી પરસ્પરાભિમુખ નથી એમ તે માને છે. મારી સાથેની પ્રત્યક્ષ વાતચીતમાં તેમણે એક વાક્ય કહેલું તે મને યાદ રહી ગયું છેઃ ‘કવિતા વડે જાતને પામવી એમાં રસ છે.’ આવા અંતર્મુખ કવિ પાસેથી સુન્દરમ્-મકરંદ–પ્રજારામની ધાટીની ઘણી ઊંચી કવિતા આપણને મળે, એની પ્રતીક્ષા કરીએ.
૨૩-૧૨-૭૯